અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં સ્ત્રીઓ અને પુરુષોની અલગ-અલગ પસંદગીની વાસ્તવિકતા શું છે?

- લેેખક, કૅટી કૅ
- પદ, અમેરિકાનાં વિશેષ સંવાદદાતા
અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ ચૂંટણીઓમાં વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ ડેમૉક્રૅટિક પાર્ટીનાં ઉમેદવાર છે, જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે.
અમેરિકાની બે મુખ્ય પાર્ટીઓના ઉમેદવારોમાંથી એકનું મહિલા હોવું અને બીજાનું પુરુષ હોવું એ કેટલો મોટો ચૂંટણી મુદ્દો છે. એ જાણવાનો બીબીસીએ પ્રયાસ કર્યો.
ચૂંટણીનાં સર્વેક્ષણ કરાવનારાઓના મતે, આવતા મહિને યોજાનારી યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં, પુરુષો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પને મોટી લીડ મળશે. મહિલાઓએ કહ્યું હતું કે તેઓ ટ્રમ્પ કરતાં કમલા હૅરિસને વધુ પસંદ કરે છે.
અમેરિકાના રાજકારણમાં આ લૈંગિક તફાવત છેલ્લા દાયકાની રાજકીય ઉથલપાથલને દર્શાવે છે, અને યુએસ ચૂંટણીનાં પરિણામ નક્કી કરવામાં મદદ કરી શકે છે.
કમલા હૅરિસ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર બનનાર પ્રથમ અશ્વેત મહિલા છે.
તેઓ આ રેસમાં સ્થાન મેળવનારાં બીજા મહિલા છે. જોકે કમલા હૅરિસ પોતાની ઓળખ વિશે વાત ન કરવાનો પૂરો પ્રયાસ કરે છે.
ગયા મહિને CNN સાથેની એક મુલાકાતમાં હૅરિસે કહ્યું હતું કે, "હું ચૂંટણી લડી રહી છું કારણ કે હું માનું છું કે હું આ સમયે જાતિ અથવા લિંગને ધ્યાનમાં લીધા વિના તમામ અમેરિકનો માટે પ્રમુખ તરીકે સેવા આપવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છું."
મહિલા-પુરુષ વચ્ચેનો લૈંગિક ભેદભાવ અમેરિકામાં કેટલો મોટો મુદ્દો છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ મુદ્દાને ખતમ કરવાના તેમના તમામ પ્રયાસો છતાં ‘જેન્ડર’ આ રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાનનો નિર્ણાયક મુદ્દો બની રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘મેડમ પ્રેસિડન્ટ’નું સંબોધન એટલે કે એક મહિલા રાષ્ટ્રપતિ બનશે એ વાત અમેરિકા માટે એક નવી વાત હશે અને સ્વાભાવિક છે કે ઘણા મતદારોને તે ગમશે, કેટલાકને આ પરિવર્તન થોડું અકળાવશે પણ ખરું.
હૅરિસની ચૂંટણી ઝુંબેશ કરતું તંત્ર જાહેરમાં આ બાબતને સ્વીકારશે નહીં, પરંતુ એક અધિકારીએ તાજેતરમાં મારી સામે સ્વીકાર્યું હતું કે તેઓ માને છે કે અહીં એક ‘છૂપો લૈંગિક ભેદભાવ’ છે જે કેટલાક લોકોને રાષ્ટ્રપતિપદ માટે મહિલાને મત આપતા રોકશે.
આ વર્ષ 2024 છે અને બહુ ઓછા લોકો પોલસ્ટર (ચૂંટણીનું સર્વેક્ષણ કરનાર)ને સ્પષ્ટપણે કહી દેવાની મૂર્ખામી કરશે કે તેઓને નથી લાગતું કે અમેરિકન રાષ્ટ્રપતિપદ માટે કોઈ મહિલા યોગ્ય છે.
જોકે, અમેરિકામાં ઘણા લોકો સોશિયલ મીડિયા પર મહિલા વિરોધી મીમ્સ શેર કરવા માટે તૈયાર છે.
ડેમૉક્રૅટિક પાર્ટીના એક વ્યૂહરચનાકાર કહે છે કે જ્યારે મતદારો પોલસ્ટર્સને કહે છે કે ‘હૅરિસ તૈયાર નથી’ અથવા મતદારો પાસે યોગ્ય વિકલ્પ નથી ત્યારે ખરેખર તેઓ સાંકેતિક રીતે - કોડ લૅન્ગ્વેજમાં કહી રહ્યા છે કે ખરેખર સમસ્યા એ છે કે હૅરિસ એક મહિલા છે.
અમેરિકામાં 'શક્તિશાળી મહિલાઓ'ને લોકો કેટલી હદે સ્વીકારે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટ્રમ્પના ચૂંટણી પ્રચારનું ઝુંબેશતંત્ર કહે છે કે જેન્ડર સાથે તેમને કોઈ લેવાદેવા નથી.
તેમણે કહ્યું છે કે, ‘કમલા નબળાં, અપ્રમાણિક અને ખતરનાક ઉદારવાદી છે અને તેથી જ અમેરિકન લોકો તેને 5 નવેમ્બરે નકારી દેશે.’
જોકે, તેમની ઝુંબેશનાં વરિષ્ઠ સલાહકાર બ્રાયન લેન્ઝાએ મને સંદેશ મોકલ્યો હતો કે તેમને વિશ્વાસ છે કે ટ્રમ્પ ચૂંટણી જીતશે કારણ કે પુરુષોનાં મત જેટલા વ્યાપક પ્રમાણમાં છે તે અંતર અમને જીતાડશે.
છેલ્લી વખત જ્યારે કોઈ મહિલા પ્રમુખપદ માટે ચૂંટણી લડી રહી હતી, ત્યારે લિંગ પ્રત્યેનું નકારાત્મક વલણ સ્પષ્ટપણે એક મુદ્દો હતો.
આઠ વર્ષ પહેલાં, હિલેરી ક્લિન્ટને પોતાને અમેરિકામાં કોઈપણ મોટા પક્ષનાં પ્રથમ મહિલા ઉમેદવાર તરીકે ગણાવ્યાં હતાં.
તેમનું પ્રચાર સૂત્ર ‘હું તેની સાથે છું’ હતું. જે આમાં તેમની ભૂમિકાની ખાસ યાદ અપાવે છે.
પૅન્સિલ્વેનિયા કૉંગ્રેસનાં સભ્ય (સાંસદ) મેડેલીન ડીનને યાદ છે કે તેમણે મતદારો સાથે હિલેરીની ઉમેદવારી અંગે ચર્ચા કરી હતી.
જ્યારે તેઓ તેમના જિલ્લામાં પ્રચાર કરી રહ્યાં હતાં ત્યારે મેં ડીન સાથે એક બપોર વિતાવી હતી, અને તેમણે મને કહ્યું હતું કે 2016 માં લોકો તેમને કહેતા હતા કે ‘તેમનામાં કંઈક ખાસ વાત છે.’
ડીનના મતે, તેને ટૂંક સમયમાં સમજાયું કે ‘ખાસ વાત ‘જેન્ડર’ વિશે હતી. તે હકીકત વિશે હતી કે હિલેરી એક મહિલા હતી.’
જોકે, ડીન માને છે કે આજે આ મનોભાવ હવે ઢીલો પડ્યો છે, પરંતુ તે સ્વીકારે છે કે આજે પણ કેટલાક એવા લોકો છે જેઓ ‘શક્તિશાળી મહિલાના અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે અને તેમના માટે આ એક પગલું ઘણું દૂર છે.’
જો કે, 2016થી મહિલાઓ માટે ઘણું બદલાયું છે. 2017માં, ‘Me Too’ ચળવળે કાર્યસ્થળમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ અંગે જાગૃતિ ફેલાવી છે.
અમેરિકામાં મહિલાઓ કેટલી આગળ છે?

'Me Too' એ પ્રોફેશનલ્સ તરીકે મહિલાઓ વિશે વાત કરવાની રીત બદલી નાખી છે અને હૅરિસ જેવા ઉમેદવાર માટે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવી સરળ બની છે.
પરંતુ વિવિધતા, સમાનતા અને સમાવેશના મુદ્દાઓ પર લેવામાં આવેલા મોટાં પગલાંને પણ કેટલાક લોકો પાછા પગલાં માને છે.
ખાસ કરીને એવા યુવાનો માટે કે જેમને લાગ્યું કે તેઓ પાછળ રહી ગયા છે.
આ ફેરફારો એ રૂઢિચુસ્ત અમેરિકનોને સ્વીકારવા બહુ મુશ્કેલ બન્યા છે, કે જેઓ પરંપરાગત રીતે પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ જવાબદારી પસંદ કરે છે.
રવિવારે જાહેર કરાયેલા સીબીએસ ન્યૂઝના મતદાનનાં પરિણામો દર્શાવે છે કે રેસમાં લૈંગિક અંતર પેદા થઈ ગયું છે, જે અમેરિકામાં સામાજિક ભૂમિકાઓ વિશેના વ્યાપક વલણને પ્રતિબિંબિત કરે છે.
બીબીસીના યુએસ સમાચાર સંલગ્ન સીબીએસના જણાવ્યા અનુસાર, જે પુરુષો એવું કહે છે કે યુએસમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો ખૂબ આગળ વધી ગયા છે; તેઓ ટ્રમ્પ સમર્થક હોવાની શક્યતા વધુ છે.
જ્યારે મહિલાઓનું માનવું છે કે આ પ્રયાસો પૂરતા નથી અને તેઓ હૅરિસને સમર્થન આપે છે.
સીબીએસના અહેવાલ મુજબ, પુરુષો હૅરિસને મજબૂત નેતા માને તેવી શક્યતા ઓછી છે અને મોટાભાગના પુરુષો કહે છે કે તેઓ ટ્રમ્પને મજબૂત નેતા માને છે.
તેથી કેટલાક મતદારો માટે આ ચૂંટણી લૈંગિક ધારાધોરણ અને તાજેતરનાં વર્ષોની સામાજિક ઉથલપાથલ પર જનમત સંગ્રહ બની ગઈ છે.
યુવાનોની સામે બદલાતો સમાજ
આ વાત ખાસ કરીને એવા મતદારો માટે સાચી લાગે છે કે જેમના સુધી પહોંચવું કમલા હૅરિસને મુશ્કેલ લાગે છે.
એવા યુવાનો કે જેઓ એવી દુનિયામાં રહે છે જ્યાં પુરુષ યુવાનો માટે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે.
હાર્વર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પૉલિટિક્સ ખાતે પોલિંગના ડાયરેક્ટર જોન ડેલા વોલ્પે કહે છે, "યુવાનોને વારંવાર લાગે છે કે જો તેઓ પ્રશ્નો પૂછે છે, તો તેઓને મહિલા વિરોધી, સમલૈંગિકોના વિરોધી કે જાતિવાદી તરીકેના ચોકઠામાં ફીટ કરી દેવામાં આવશે."
તે કહે છે, ‘પોતાને સમજવામાં ન આવતા હતાશ થઈને, ઘણા લોકો ડોનાલ્ડ ટ્રમ્પ અથવા એલન મસ્કની ભાઈચારાની સંસ્કૃતિમાં ફસાઈ જાય છે. તેઓ જુએ છે કે ડેમૉક્રૅટિક પાર્ટી શું પ્રાથમિકતા આપે છે. જેમકે; મહિલાઓ, ગર્ભપાતનો અધિકાર, LGTBQ સંસ્કૃતિ અને પછી તેઓ પોતાને વિશે પ્રશ્ન કરે છે કે આમાં પોતે ક્યાં છે?’
ડેલા વોલ્પે યુવા મતદારોના સર્વેક્ષણમાં નિષ્ણાત છે. તે કહે છે કે તે જે યુવકોનો તેઓ ઉલ્લેખ કરી રહ્યા છે તે કોઈપણ કટ્ટરપંથી, જમણેરી, ઇનસેલ જૂથનો ભાગ નથી.
તે તમારો કે તમારા પાડોશીનો દીકરો છે. વાસ્તવમાં તો, તેઓ કહે છે કે ઘણા લોકો સ્ત્રીઓ માટે સમાનતાનું સમર્થન કરે છે, પરંતુ તેમને એવું પણ લાગે છે કે તેમની પોતાની ચિંતાઓને અવગણવામાં આવે છે.
ડેલા વોલ્પે આંકડાઓની યાદી રજૂ કરી છે જે દર્શાવે છે કે કેવી રીતે યુવાનો આજે તેમના મહિલા સમકક્ષો કરતાં કેટલાં પાછળ છે.
આ મુજબ, તેમની સંબંધોમાં રહેવાની શક્યતા ઓછી છે, તેમના માટે પહેલાની સરખામણીએ કૉલેજમાં જવાની શક્યતા ઓછી છે અને તેમની આત્મહત્યાનો દર તેમની સમકક્ષ મહિલાઓ કરતાં વધુ છે.
દરમિયાન, યુવા અમેરિકન મહિલાઓ ઝડપથી આગળ વધી રહી છે. તેઓ પુરુષો કરતાં વધુ સારું શિક્ષણ ધરાવે છે. તેઓ સર્વિસ સૅક્ટરમાં કામ કરે છે, જે ઝડપથી વિકસી રહ્યું છે અને તેઓ પુરુષો કરતાં વધુ પૈસા કમાઈ રહી છે.
'ગૅલપ પોલિંગ ગ્રૂપ' અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી, યુવતીઓ પણ યુવકો કરતાં ઘણી વધુ ઉદાર બની ગઈ છે.
આ બધું અમેરિકામાં લિંગ ભેદભાવને વિસ્તારી રહ્યું છે. અમેરિકન ઍન્ટર્પ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, છેલ્લાં સાત વર્ષમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવામાં અમેરિકા ખૂબ આગળ વધી ગયું હોવાનું કહેનારા યુવાનોની સંખ્યા બમણાથી પણ વધુ થઈ ગઈ છે.
ટ્રમ્પનો ટાર્ગેટ, પુરૂષ મતદારોને પોતાના તરફ આકર્ષવા

ઇમેજ સ્રોત, Getty Images
લોકોના અસંતોષને સાહજિક રીતે સમજવાની તેમની ક્ષમતાને કારણે, ટ્રમ્પે પુરુષોની આ નિરાશાનો લાભ લીધો છે અને તેમના પ્રચારના છેલ્લા તબક્કામાં, તેમણે 'મર્દાનગી' પર બેવડો ભાર મૂક્યો છે.
તેણે અમેરિકન સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ટ્રુથ સોશિયલ' પર ચેતવણી ફરીથી પોસ્ટ કરી અને દાવો કર્યો કે "પુરુષત્વ પર હુમલો થઈ રહ્યો છે."
તાજેતરમાં તેમણે એક પ્રખ્યાત ગૉલ્ફરના ગુપ્તાંગ વિશે મજાક કરી.
ટ્રમ્પે લોકર રૂમની વાત લોકર રૂમમાંથી બહાર કાઢી હતી અને તેમના દર્શકોને તે ગમ્યું હતું.
તેમની રેલીઓમાં અસંતુષ્ટ પુરુષોને ડેમૉક્રૅટિકનો પ્રતિસાદ સખત પ્રેમના ડોઝ જેવો લાગે છે.
ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાએ પણ ઠપકો આપ્યો હતો કે કેટલાક પુરુષોને "મહિલાને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર પસંદ નથી અને તમે તેના માટે અન્ય વિકલ્પો અને અન્ય કારણો સાથે આવી રહ્યા છો."
અભિનેતા એડ ઓ'નીલે નવા ટીવી કમર્શિયલમાં કહ્યું હતું કે, "પુરુષ બનો અને સ્ત્રીને મત આપો."
આ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં, લૈંગિકતાનો મુદ્દો સર્વત્ર છે – બીજે ક્યાંય નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ આ રેસમાં પુરુષત્વને આગળ અને કેન્દ્રમાં રાખવા માંગે છે. કમલા હૅરિસ ભાગ્યે જ સ્વીકારે છે કે તે એક મહિલા છે જે રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહી છે. ન્યૂ યૉર્ક ટાઇમ્સના સર્વેમાં, ટ્રમ્પ પુરૂષ મતદારોમાં 14 ટકાથી આગળ છે, જ્યારે હૅરિસ મહિલાઓમાં 12 ટકા મત સાથે આગળ છે.
અમેરિકામાં પુરુષો અને સ્ત્રીઓ, છોકરાઓ અને છોકરીઓ પણ આ ચૂંટણીનું પરિણામ નક્કી કરી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












