શું એક 'વિવાદાસ્પદ જોક' ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનતા રોકી શકે છે?

ડોનાલ્ડ ટ્રમ્પ તથા ટોની હિંચક્લિફની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ટ ટ્રમ્પ(ડાબે) અને ટૉની હિંચક્લિફ (જમણે)

અમેરિકાના પાડોશમાં પ્યૂર્ટો રિકો નામનો નાનકડો વિસ્તાર આવેલો છે, જેની જ્વલ્લે જ ચર્ચા થાય છે. પરંતુ રાષ્ટ્રપતિપદની ચૂંટણી દરમિયાન તે અચાનક જ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.

તેનું કારણ છે કે ટ્રમ્પની ચૂંટણી પ્રચારસભા દરમિયાન એક કૉમેડિયન દ્વારા કહેવાયેલો 'વંશભેદી જોક.'

ટ્રમ્પે રવિવારે ન્યૂ યૉર્ક ખાતે ચૂંટણીસભા સંબોધી હતી, જેમાં અમેરિકાના કૉમેડિયન ટૉની હિંચક્લિફે એક જોક કહ્યો હતો. એ પછી એવી આશંકા સેવાઈ રહી હતી કે તેની ચૂંટણીપરિણામો ઉપર અસર પડી શકે છે.

આ રેલીમાં હિંચક્લિફે પ્યૂર્ટો રિકોને 'દરિયામાં તરતો કચરાનો ટાપુ' કહ્યો હતો. તેમની આ ટિપ્પણી ઇન્ટરનેટ ઉપર વાઇરલ થઈ હતી. એ પછી આ મુદ્દે સોશિયલ મીડિયા પર નારાજગી જોવા મળી રહી છે.

ડેમૉક્રેટ્સ જ નહીં, પરંતુ રિપબ્લિકન પાર્ટીના રાજનેતા પણ આ જોક સાથે છેડો ફાડતા જણાય રહ્યા છે અને તેમણે કૉમેડિયનની ટીકા કરી છે.

આ અંગે વિવાદ વકરતા હિંચક્લિફે પોતાનો બચાવ કરતા ઍક્સ ઉપર લખ્યું, "તેઓ જરા પણ સૅન્સ ઑફ હ્યુમર નથી ધરાવતા. હું પ્યૂર્ટો રિકોને પ્રેમ કરું છું, મેં બધાની મજાક ઉડાવી હતી. તમે આખું ભાષણ સાંભળો."

ઉલ્લેખનીય છે કે જેનિફર લૉપેઝ અને રિકી માર્ટિન જેવા સુપરસ્ટાર પ્યૂર્ટો રિકો મૂળના છે.

તાજેતરના સર્વેક્ષણમાં ટ્રમ્પ અને હૅરિસ વચ્ચે રસ્સાકસી હોવાનું દેખાય રહ્યું છે. ત્યારે એક ટકા વોટ પણ આમતેમ થશે તો ગમે તે રાજકીયપક્ષનું ગણિત ખોરવાઈ જાય તેમ છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

શા માટે પ્યૂર્ટો રિકો ખાસ છે?

પ્યૂર્ટો રિકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તમામ પ્યૂર્ટો રિકોવાસીઓ પાસે અમેરિકન પાસપૉર્ટ

પ્યૂર્ટો રિકો અમેરિકાનું સ્વશાસિત રાજ્ય છે, જે વર્ષ 1898થી અમેરિકાના ભાગરૂપ છે.

આ કૅરેબિયન ટાપુ ઉપર જન્મેલી દરેક વ્યક્તિ અમેરિકન નાગરિક હોય છે અને તે અમેરિકાનો પાસપૉર્ટ ધારણ કરે છે.

જોકે ત્યાંના લોકો અમેરિકાની ચૂંટણી દરમિયાન મતદાન નથી કરી શકતા. મતદાન કરવા માટે તેમણે અમેરિકાનાં 50 રાજ્યોમાંથી કોઈ એકમાં મતદાતા તરીકે નામ નોંધાવું પડે છે.

પ્યૂર્ટો રિકોમાં સ્પેનિશ તા આફ્રિકન સંસ્કૃતિનો મિશ્ર પ્રભાવ જોવા મળે છે. અહીં વસતા મોટાભાગના લોકો સ્પેનિશ ભાષા બોલે છે.

દર વર્ષે લાખો ટુરિસ્ટ આ ટાપુ પર આવે છે. જોકે, ગરીબી, બેકારી અને દેવાના બોજને કારણે અહીંના મોટાભાગના લોકો અમેરિકામાં સ્થાયી થવા માટે પ્રયાસરત રહે છે.

છેલ્લા એક દાયકા દરમિયાન કેટલાંક વાવાઝોડાં અહીં ત્રાટક્યા છે, જેના કારણે તેની આર્થિક રીતે કમર તૂટી ગઈ છે.

કોણ છે ટૉની હિંચક્લિફ?

ટોની હિંચક્લિફ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હિંચક્લિફની ફાઇલ તસવીર

ટૉની હિંચક્લિફ ટૅક્સાસના સ્ટૅન્ડ-અપ કૉમેડિયન છે. તેઓ પોતાના પૉડકાસ્ટ 'કિલ ટૉની'ને કારણે ખૂબ જ વિખ્યાત છે. યુ ટ્યુબ પર આ પૉડકાસ્ટના લગભગ 11 લાખ જેટલા સબસ્ક્રાઇબર છે.

ટૉનીએ કૉમેડી જગતમાં કારકિર્દીની શરૂઆત દરમિયાન જો રોગન સાથે કામ કર્યું હતું. તેમણે કૉમેડી સેન્ટ્રલ રૉસ્ટ પર અનેક વિખ્યાત હસ્તીઓ માટે જોક્સ લખ્યા હતા.

ટૉની વિવાદમાં સપડાયા હોય એવું પહેલી વખત નથી બન્યું. આ પહેલાં વર્ષ 2021માં એક કૉમેડી સેટ દરમિયાન તેમણે ચીની મૂળના અમેરિકન કૉમેડિયન પેંગ ડેંગ વિશે વંશીય ટિપ્પણી કરી હતી અને માફી માગવાનો ઇન્કાર કરી દીધો હતો.

જ્યારે અમેરિકાની મૅગેઝિન વૅરાઇટીએ ઉપરોક્ત વિવાદ વિશે ટૉનીને પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું, "હું જાણતો હતો, મેં કંઈ ખોટું નથી કર્યું."

પહેલાં જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણીજંગ જામ્યો હતો, પરંતુ ડેમૉક્રેટિક પાર્ટીએ કમલા હૅરિસને ઉમેદવાર બનાવ્યાં, એ પછી આ ચૂંટણીજંગ રસપ્રદ બની ગયો છે.

ટ્રમ્પ દ્વારા ડૅમેજ કંટ્રૉલ

હિંચક્લિફની ટિપ્પણી વિશે વિવાદ વકરતા ટ્રમ્પે આ નિવેદન સાથે છેડો ફાડી નાખ્યો હતો.

ટ્રમ્પના વરિષ્ઠ રાજકીય સલાહકાર ડેનિએલ અલ્વારેજે કહ્યું, "આ એક જૉક હતો અને તે ટ્રમ્પના વિચારોનું પ્રતિનિધિત્વ નથી કરતો."

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અને હૅરિસ લૅટિન અમેરિકનોને પોતાની તરફે આકર્ષવા માટે પ્રયાસરત છે. મતદારોનો આ વર્ગ તા. પાંચમી નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણી દરમિયાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

પેન્સિલ્વેનિયા જેવા મોટા અને મહત્ત્વપૂર્ણ રાજ્યમાં પ્યૂર્ટો રિકો મૂળના લોકો મોટી સંખ્યામાં નિવાસ કરે છે.

બીબીસી સંવાદદાતા ઍન્થની જર્ચરના કહેવા પ્રમાણે, ટ્રમ્પ રવિવારની રેલી દ્વારા શક્તિપ્રદર્શન કરવા માગતા હતા, પરંતુ હવે તેમને ડૅમેજ કંટ્રૉલ કરવાની ફરજ પડી રહી છે.

કેટલાક જાણકારોનું માનવું છે કે હિંચક્લિફનો જૉક ડોનાલ્ડ ટ્રમ્પના ફરી રાષ્ટ્રપતિ બનવાના સપનાની આડે આવી શકે છે.

પ્યૂર્ટો રિકોના મતદારોનો પ્રભાવ કેટલો ?

છેલ્લા એક દાયકા દરમિયાન હજારો પ્યૂર્ટો રિકોવાસીઓ અમેરિકા પહોંચ્યા છે. અહીં સ્થાયી થયા બાદ તેમને મતાધિકાર મળે છે.

એક અનુમાન મુજબ, અમેરિકામાં 58 લાખ મતદાર નોંધાયેલા છે. નૉર્થ કેરોલિના, જ્યૉર્જિયા, ફ્લૉરિડા અને પેન્સિલ્વેનિયા જેવા મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં તેમની વસતિ કેન્દ્રિત છે.

એકલા ફ્લૉરિડામાં પ્યૂર્ટો રિકોના મતદાર નોંધાયેલા છે. આ રાજ્યને ટ્રમ્પનો ગઢ માનવામાં આવે છે, પરંતુ પ્યૂર્ટો રિકોના લોકોની નારાજગી તેમને ભારે પડી શકે છે.

ફ્લૉરિડાના પૂર્વ ગવર્નર રિક સ્કૉટે કથિત જોક વિશે ટિપ્પણી કરતા લખ્યું, 'તે બિલકુલ હાસ્યાસ્પદ ન હતો. પ્યૂર્ટો રિકોના લોકો જબરદસ્ત છે અને તેઓ ઉત્તમ અમેરિકન પણ છે.'

રિપબ્લિકન પાર્ટીના મારિયા એલવિરા સાલાઝારે ઍક્સ ઉપર 'વંશભેદી જોક'ને ભદ્દો ગણાવીને તે પાર્ટીનાં મૂલ્યોને પ્રતિબિંબિત ન કરતો હોવાનું કહ્યું હતું.

ન્યૂ યૉર્કમાં પ્યૂર્ટો રિકો મૂળના લગભગ 10 લાખ લોકો રહે છે અને તેમને પણ હિંચક્લિફનો જોક ફની નહીં લાગ્યો હોય.

વ્હાઇટ હાઉસના માર્ગમાં વિઘ્ન?

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ

પેન્સિલ્વેનિયામાં લગભગ ચાર લાખ 50 હજાર પ્યૂર્ટો રિકો મતદાર છે. તેઓ રિપબ્લિકન પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે.

આ રાજ્ય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તથા કેટલાક સર્વે મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે કે કમલા હૅરિસ તેનો નિર્ણય કદાચ પેન્સિલ્વેનિયામાં થશે.

બાઇડન ગત ચૂંટણી દરમિયાન પેન્સિલ્વેનિયાથી માત્ર 82 હજાર મતોથી વિજયી થયા હતા, તો ટ્રમ્પ વર્ષ 2016માં માત્ર 44 હજાર મતે જીત્યા હતા.

ટૉની હિંચક્લિફે જોક કર્યો, તે પહેલાં કમલા હૅરિસ પેન્સિલ્વેનિયા ખાતે એક પ્યૂર્ટો રિકોન રેસ્ટોરાંમાં ગયાં હતાં. હૅરિસે આ મુલાકાત દરમિયાન પ્યૂર્ટો રિકોને ફરી બેઠું કરવાની વાત કહી હતી.

કમલા હૅરિસે એ પછી એક વીડિયો બહાર પાડ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ટ્રમ્પે જ્યારે મારિયા વાવાઝેડું (2017) ત્રાટક્યું, એ સમયે પૂરતી મદદ નહોતી કરી, જેના કારણે ત્યાં ચાર હજાર લોકો મૃત્યુ પામ્યાં હતાં.

લાભ લેવાની વેતરણમાં ડેમૉક્રેટ્સ

કમલા હૅરિસની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કમલા હૅરિસ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડેમૉક્રેટિક પાર્ટી સમગ્ર વિવાદનો પૂરેપૂરો લાભ લેવાની વેતરણમાં છે.

કમલા હૅરિસે સોશિયલ મીડિયા ઉપર પ્યૂર્ટો રિકો વિશેનો તેમનો વીડિયો હિંચક્લિફના જૉકની સાથે મૂક્યો હતો, જેથી કરીને લોકોને બંને પક્ષોના વિચારો વિશે જાણ થાય.

ડોમૉક્રેટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટિમ વાલ્ઝે પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર કૉમેડિયનની કડક શબ્દોમાં ટીકા કરી હતી.

નૉટિંઘમ યુનિવર્સિટીમાં રાજનીતિ શાસ્ત્રના પ્રાધ્યાપક ટૉડ લૅન્ડમૅને 'દ કનવર્સેસન'માં છપાયેલા એક લેખમાં કહ્યું, 'આ વખતની ચૂંટણીમાં હારજીત વચ્ચેનું માર્જિન બહુ પાતળું હશે. એટલે પ્યૂર્ટો રિકોના લોકોનું વલણ કોઈપણ ઉમેદવારનું ગણિત બગાડી શકે છે.'

લૅન્ડમૅનના કહેવા પ્રમાણે, આથી જ બંને પક્ષ એમના વોટ મેળવવા માટે કમર કસી છે.

તેમણે લખ્યું, "જો હિંચક્લિફની ટિપ્પણીઓથી લોકો આક્રોશિત હશે, તો ચૂંટણીપરિણામો તેની મોટી ઉપર અસર પડશે."

યુનિવર્સિટી ઑફ પિટ્સબર્ગના સમાજશાસ્ત્રી ફર્નેડો ટોરમોસ-અપોંટેએ ટાઇમ મૅગેઝિન સાથે વાત કરતા કહ્યું, "ચૂંટણી ખૂબ જ નજીક છે, ત્યારે આ જોકને સરળતાથી ભૂલવા નહીં દેવાય."

તેમનું આકલન છે કે અન્ય લઘુમતી સમુદાયો પણ પ્યૂર્ટો રિકોના લોકોનું સમર્થન કરી શકે છે અને જો એવું થયું તો પાંચમી નવેમ્બરે ડેમૉક્રેટ્સને ભારે પડશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.