રણમાં ઊંટ વેચનારો, સોનાની ખાણ કબજે કરનારો માણસ હવે અડધા દેશ પર 'રાજ' કરે છે

ઇમેજ સ્રોત, Anadolu via Getty Images
- લેેખક, એલેક્સ ડી વાલ
- પદ, આફ્રિકા વિશ્લેષક
'હેમેદતી' તરીકે જાણીતા મોહમ્મદ હમદાન ડાગોલો સુદાનના રાજકીય મંચ પર એક પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ઊભરી આવ્યા છે. રેપિડ સપોર્ટ ફોર્સિસ (આરએસએફ) નામના તેમનાં અર્ધલશ્કરી દળોનું હવે દેશના અડધા ભાગ પર નિયંત્રણ છે.
આરએરએફએ તાજેતરમાં અલ-ફાશેર શહેર કબજે કરીને નોંધપાત્ર વિજય મેળવ્યો છે. આ શહેર સુદાનની સેના તથા તેના સ્થાનિક સહયોગીઓનો દારફૂરના પશ્ચિમી પ્રદેશમાંનો છેલ્લો ગઢ હતું.
આરએસએફ દ્વારા 18 મહિનાની ઘેરાબંધીને કારણે અલ-ફાશેર શહેરના રહેવાસીઓ દુષ્કાળનો સામનો કરી રહ્યા હોવાની હકીકતને સંયુક્ત રાષ્ટ્રસંઘની માન્યતાપ્રાપ્ત ખાદ્ય-સુરક્ષા નિષ્ણાતોના જૂથે સોમવારે પુષ્ટિ આપી હતી.
હેમેદતીના વિરોધી તેમનાથી ડરે છે, જ્યારે ચાહકો તેમની દૃઢતા, નિર્દયતા અને બદનામ રાજ્યને ધ્વસ્ત કરવાના તેમના વચન માટે તેમને વખાણે છે.
હેમેદતી સાધારણ પરિવારના છે. તેમનો પરિવાર ચાડ અને દારફરમાં ફેલાયેલા ઊંટપાલક, અરબી ભાષી રિઝેઈગાટ સમુદાયના મહારિયા વંશનો છે.
કોણ છે મોહમ્મદ હમદાન ડાગોલો?

ઇમેજ સ્રોત, Getty Images
હેમેદતીનો જન્મ 1974માં કે 1975માં થયો હતો. ગ્રામ્ય વિસ્તારના ઘણા લોકોની માફક તેમની જન્મતારીખ કે જન્મસ્થળ નોંધાયેલું નથી.
તેમના કાકા જુમા ડાગોલોના નેતૃત્વ હેઠળ તેમના કુળના લોકો 1970 અને 1980ના દાયકામાં યુદ્ધથી ભાગીને તથા સારા ભવિષ્યની આશામાં દાર્ફુર આવ્યા હતા. ત્યાં તેમને સ્થાયી થવા દેવામાં આવ્યા હતા.
કિશોરાવસ્થામાં ભણવાનું છોડી દીધા પછી હેમેદતી લીબિયા અને ઇજિપ્ત સુધીના રણમાં ઊંટોનો વેપાર કરીને પૈસા કમાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એ સમયે દાર્ફુર સુદાનની પશ્ચિમે આવેલો ગરીબ, કાયદાવિહીન અને તત્કાલીન રાષ્ટ્રપતિ ઓમર અલ-બશીરની સરકાર દ્વારા ઉપેક્ષિત જંગલી પ્રદેશ હતું.
જંજાવીદ તરીકે ઓળખાતાં આરબ લશ્કરી દળોમાં જુમા ડાગોલોના નેતૃત્વ હેઠળનું એક દળ પણ સામેલ હતું અને જંજાવીદો સ્વદેશી ફર વંશીય જૂથનાં ગામડાં પર હુમલા કરતા હતા.
હિંસાના આ ચક્રને કારણે 2003મં મોટા પાયે બળવો થયો હતો, જેમાં ફર લડવૈયાઓ સાથે મસાલિત, ઝાઘાવા અને અન્ય જૂથો એવું કહીને જોડાયાં હતાં કે દેશના આરબ ભદ્ર વર્ગ દ્વારા તેમની અવગણના કરવામાં આવે છે.
તેના જવાબમાં બશીરે પોતાના બળવાખોરી વિરોધી પ્રયાસો માટે જંજાવીદનો મોટા પાયે વિસ્તાર કર્યો હતો. તેમણે ઘરો - ગામોને આગ ચાંપવા, લૂંટવા, બળાત્કાર કરવા અને હત્યા માટે ઝડપથી કુખ્યાતી પ્રાપ્ત કરી હતી.
આફ્રિકન યુનિયન પીસકીપર્સના એક અહેવાલ મુજબ, હેમેદતીનું યુનિટ પણ તેમાં સામેલ હતું. નવેમ્બર 2004માં તેમણે અદવા ગામ પર હુમલો કરીને તેનો નાશ કર્યો હતો, જેમાં 36 બાળકો સહિત 126 લોકો માર્યાં ગયાં હતાં.
અમેરિકાની એક તપાસમાં જાણવા મળ્યું હતું કે એ નરસંહાર માટે જંજાવીદ જવાબદાર હતા.
દારફર સંઘર્ષ ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટ (આઇસીસી)ને સોંપવામાં આવ્યો હતો. અદાલતે બશીર સહિત ચાર પુરુષો સામે આરોપ મૂક્યા હતા અને આરોપીઓએ નરસંહારનો ઇનકાર કર્યો હતો.
ફરિયાદ પક્ષની નજરમાં હેમેદતી એ સમયે ખૂબ જુનિયર ગણાતા જંજાવીદ કમાન્ડરો પૈકીના એક હતા.
જંજાવીદના એકમાત્ર "કર્નલોના કર્નલ" અલી અબ્દેલ રહેમાન કુશૈબને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.
યુદ્ધ ગુનાઓ અને માનવતા વિરુદ્ધના ગુનાઓના 27 આરોપસર તેમને ગયા મહિને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમને 19 નવેમ્બરે સજા ફટકારવામાં આવશે.
કુશળતાપૂર્વ ચાલ ચાલનાર નેતા
2004માં હિંસાની ચરમસીમા પછીનાં વર્ષોમાં હેમેદતી કુશળતાપૂર્વક પોતાની ચાલ ચાલ્યા છે અને એક શક્તિશાળી અર્ધલશ્કરી દળ, એક કૉર્પોરેટ સામ્રાજ્ય તથા રાજકીય મશીનના વડા બન્યા છે.
આ કથા તકવાદ અને ઉદ્યોગસાહસિકતાની છે. તેમણે થોડા સમય માટે બળવો કર્યો હતો. તેમના સૈનિકો માટે વળતર, પ્રમોશન અને તેમના ભાઈ માટે રાજકીય પદની માગણી કરી હતી. બશીરે તેમને જે જોઈતું હતું તેમાંથી મોટા ભાગનું આપ્યું હતું અને હેમેદતી ફરીથી તેમની સાથે જોડાયા હતા.
બાદમાં અન્ય જંજાવીદ એકમોએ બળવો કર્યો ત્યારે હેમેદતીએ સરકારી દળોનું નેતૃત્વ કર્યું હતું અને તેમને હરાવ્યા હતા. આ પ્રક્રિયામાં જેબેલ અમીર નામના એક સ્થળે દારફુરની સૌથી મોટી સોનાની ખાણ કબજે કરી હતી.
હેમેદતીની પારિવારિક કંપની અલ-ગુનૈદ બહુ ઝડપથી સુદાનની સૌથી મોટી સુવર્ણ નિકાસકાર બની ગઈ હતી.
2013માં હેમેદતીએ સીધા બશીરને જવાબદાર નવા અર્ધલશ્કરી જૂથ આરએસએફના વડા તરીકેનું ઔપચારિક પદ માગ્યું હતું અને એ તેમને મળ્યું હતું.
જંજાવીદને આરએસએફમાં સમાવવામાં આવ્યા હતા. તેમને નવાં યુનિફૉર્મ, વાહનો અને શસ્ત્રો આપવામાં આવ્યાં હતાં. સૈન્યના અધિકારીઓને પણ અપગ્રેડમાં મદદ માટે બઢતી આપવામાં આવી હતી.
આરએસએફે દાર્ફુર બળવાખોરો સામે મહત્ત્વપૂર્ણ વિજય મેળવ્યો હતો. દક્ષિણ સુદાનને અડીને આવેલા નુબા પર્વતોમાં બળવાખોરી સામે લડવામાં સારું પ્રદર્શન કર્યું હતું અને લીબિયા સાથેની સરહદ પર દેખરેખ રાખવાનો પેટા કૉન્ટ્રાક્ટ લીધો હતો.
ભાડુતી સૈનિકો અને આંતરરાષ્ટ્રીય ગઠબંધન

ઇમેજ સ્રોત, AFP via Getty Images
આફ્રિકાના રણ દ્વારા ભૂમધ્ય સમુદ્રમાં ગેરકાયદે સ્થળાંતર રોકવા માટે હેમેદતીના કમાન્ડરોએ જંગી પ્રમાણમાં ખંડણી ઉઘરાવી હતી અને અહેવાલ મુજબ, મોટા પાયે માનવતસ્કરી કરી હતી.
સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે 2015માં યમનમાં હૂતીઓ સામે લડવા માટે સૈનિકો મોકલવાની હાકલ સુદાનની સેનાને કરી હતી.
એ ટુકડીનું નેતૃત્વ એક જનરલે કર્યું હતું. અબ્લેદ ફત્તાહ અલ-બુરહાન નામના તે જનરલ દારફુરમાં લડ્યા હતા અને હવે આરએસએફ સાથે યુદ્ધમાં સૈન્યના વડા છે.
હેમેદતીએ તક જોઈ અને આરએસએફના ભાડૂતી લડવૈયાઓ પૂરા પાડવા માટે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત બન્ને સાથે અલગ ખાનગી સોદો કર્યો હતો.
અબુધાબી સાથેનું જોડાણ સૌથી વધુ પરિણામલક્ષી સાબિત થયું હતું. એ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ સાથેના ગાઢ સંબંધની શરૂઆત હતી.
યુવા સુદાનીઓ અને પાડોશી દેશોના વધુને વધુ પુરુષો પણ 6,000 ડૉલર સુધીની રોકડ કમાણી માટે આરએસએફના ભરતી કેન્દ્રોએ જતા થયા હતા.
હેમેદતીએ રશિયાના વેગનર ગ્રૂપ સાથે ભાગીદારી કરી અને સોના સહિતના વ્યાપારી વ્યવહારોના બદલામાં તાલીમ મેળવી હતી.
એ સોદાને ઔપચારિક સ્વરૂપ આપવા માટે તેમણે મોસ્કોની મુલાકાત લીધી હતી. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું એ દિવસે તેઓ ત્યા હતાં. સુદાનમાં યુદ્ધ ફાટી નીકળ્યા પછી તેમણે આરએસએફને વેગનર તરીફથી મદદ મળતી હોવાનો ઇનકાર કર્યો હતો.
આરએસએફના મુખ્ય લડાયક યુનિટ્સ વધુને વધુ પ્રોફેશનલ બન્યા, પરંતુ તેમાં જૂની શૈલીના વંશીય લશ્કરી ગઠબંધનનો પણ સમાવેશ થતો હતો.
શાસન સામે વધતા લોકવિરોધને પગલે બશીરે હેમેદતીના યુનિટ્સને ખાર્તુમ જવાનો આદેશ આપ્યો હતો.
આરએસએફને કાયમી સૈન્ય અને રાષ્ટ્રીય સલામતીમાંના સંભવિત બળવાખોરોનું પ્રતિકારક માનીને રાષ્ટ્રપતિએ તેમને હિમાયતી, "મારા રક્ષક" ગણાવ્યા હતા.
એ ગણતરી ખોટી હતી. એપ્રિલ 2019માં દેશના નાગરિકોના એક ઉત્સાહી જૂથે લોકશાહીની માંગણી સાથે લશ્કરી મુખ્યાલયને ઘેરી લીધું હતું.
બશીરે તેમના પર ગોળીબાર કરવાનો આદેશ સૈન્યને આપ્યો હતો. હેમેદતી સહિતના ટોચના સેનાપતિઓની બેઠક યોજાઈ હતી અને બશીરને પદભ્રષ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો.
હેમેદતીની આગેકૂચ અને અડચણો

ઇમેજ સ્રોત, AFP via Getty Images
હેમેદતીને થોડા સમય માટે સુદાનના ભવિષ્યના નવા ચહેરા તરીકે ઓળખાવવામાં આવતા હતા. યુવાન, મિલનસાર, વિવિધ સામાજિક જૂથોને સક્રિય રીતે મળતી વ્યક્તિ તરીકે દેશની ઐતિહાસિક સત્તા સંભાળવા માટે ખુદને એક દાવેદાર તરીકે પ્રસ્તુત કરતાં તેમણે પોતાનો રાજકીય રંગ બદલવાના પ્રયાસ કર્યા હતા. એ થોડા સપ્તાહ જ ચાલ્યું હતું.
તેમણે અને સત્તારૂઢ સૈન્ય પરિષદના સંયુક્ત વડા બુરહાને નાગરિકોને સત્તા સોંપવાનો ઇનકાર કર્યો ત્યારે વિરોધ પ્રદર્શનકર્તાઓએ તેમના આંદોલનની તીવ્રતા વધારી હતી.
હેમેદતીએ આરએસએફને છુટ્ટો દૌર આપ્યો હતો અને આરએસએફે સેંકડો લોકોની હત્યા કરી હતી, મહિલાઓ પર બળાત્કાર કર્યા હતા અને પુરુષોના પગમાં ઈંટો બાંધીને તેમને નાઇલ નદીમાં ફેંકી દીધા હતા, એવું હ્યુમન રાઇટ્સ વોચ (એચઆરડબલ્યુ) નામના એક અભિયાન જૂથના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
આરએસએફે આવા કોઈ અત્યાચાર કર્યા હોવાનો હેમેદતીએ ઇનકાર કર્યો છે.
સુદાનમાં શાંતિ તથા લોકતંત્રની સ્થાપનાને વેગ આપવા માટેની અમેરિકા, બ્રિટન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત એમ ચાર દેશોની ચોકડીના દબાણ હેઠળ જનરલો અને નાગરિકો આફ્રિકન મધ્યસ્થી દ્વારા તૈયાર કરવામાં આવેલા એક સમજૂતી કરાર માટે સહમત થયા હતા.
સૈન્યના પ્રભુત્વવાળી સાર્વભૌમ પરિષદ અને એક નાગરિક મંત્રીમંડળનું અસ્થિર સહ-અસ્તિત્વ બે વર્ષ સુધી ટકી રહ્યું હતું.
સૈન્ય, સુરક્ષા અને આરએસએફની માલિકીની કંપનીઓની તપાસ કરવા માટે કૅબિનેટ દ્વારા નિયુક્ત સમિતિ તેના અહેવાલના અંતિમ તબક્કામાં પહોંચી. હેમેદતી તેમના કૉર્પોરેટ સામ્રાજ્યનો કેટલી ઝડપથી વિસ્તાર કરી રહ્યા છે તેનો ઘટસ્ફોટ તે અહેવાલમાં થવાનો હતો.

ઇમેજ સ્રોત, Reuters
એ જ વખતે બુરહાન અને હેમેદતીએ નાગરિક મંત્રીમંડળને બરખાસ્ત કરી નાખ્યું હતું તથા સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી.
બળવાખોરીના આકાઓ વચ્ચે મતભેદ સર્જાયા હતા. આરએસએફને લશ્કરના કમાન્ડ હેઠળ લાવવાની માગણી બુરહાને કરી હતી.
હેમેદતીએ તેનો વિરોધ કર્યો હતો. આ મુદ્દાના નિરાકરણની એપ્રિલ, 2023ની સમયમર્યાદાના થોડા દિવસ પહેલાં આરએસએફના યુનિટ્સ લશ્કરી મુખ્યાલયને ઘેરી લેવા અને ખાર્તુમમાંનાં મુખ્ય થાણાં તથા નૅશનલ પૅલેસને કબજે કરવા આગળ વધ્યા હતા.
બળવો નિષ્ફળ ગયો. તેના બદલે ખાર્તુમ યુદ્ધ ક્ષેત્ર બની ગયું, કારણ કે હરીફ દળો વચ્ચે શેરીઓમાં લડાઈ ચાલી રહી હતી.
દારફુરમાં હિંસા ફાટી નીકળી. આરએસએફના યુનિટ્સે મસાલિત લોકો સામે ક્રૂર પગલાં લીધાં હતાં.
સંયુક્ત રાષ્ટ્રસંઘનો અંદાજ છે કે 15,000 જેટલા નાગરિકો માર્યા ગયા છે. અમેરિકાએ તેને નરસંહાર ગણાવ્યો છે, પરંતુ આરએસએફે એ આરોપને નકારી કાઢ્યો છે.
આરએસએફના કમાન્ડરોએ તેમના લડવૈયાઓના ત્રાસ આપતા, માર મારતા અને અત્યાચારોની જાહેરાત કરતા વીડિયો, તેમને બધું કરવાની છૂટ હોય એવી ભાવના સાથે પ્રસારિત કર્યા હતા.
આરએસએફ અને તેના સાથી લશ્કરે સુદાનમાં ભારે તોડફોડ કરી હતી. શહેરો, બજારો, યુનિવર્સિટીઓ અને હૉસ્પિટલોમાં લૂંટ ચલાવી હતી.
લૂંટવામાં આવેલા માલનો મોટો જથ્થો "ડાગોલો માર્કેટ્સ" તરીકે જાણીતા સ્થળોએ વેચાણ માટે ઉપલબ્ધ છે. ડાગોલો માર્કેટ્સ સુદાનથી આગળ ચાડ અને અન્ય પાડોશી દેશોમાં ફેલાયેલા છે. પોતાના લડવૈયાઓ લૂંટમાં સામેલ હોવાનો આરએસએફે ઇનકાર કર્યો છે.
જમીની અને હવાઈ હુમલાઓ હેઠળના નૅશનલ પૅલેસમાં ફસાયેલા હેમેદતી સંઘર્ષની શરૂઆતના દિવસોમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને જાહેર જીવનમાંથી ગાયબ થઈ ગયા હતા.
મહિનાઓ પછી તેઓ ફરી દેખાયા ત્યારે તેમણે અત્યાચારો બાબતે કોઈ ખેદ વ્યક્ત કર્યો ન હતો. યુદ્ધના મેદાનમાં જીતવા માટે તેઓ એકદમ કટિબદ્ધ હતા.
આરએસએફે આધુનિક શસ્ત્રો મેળવ્યાં છે. તેમાં અત્યાધુનિક ડ્રોનનો પણ સમાવેશ થાય છે. એ ડ્રોનનો ઉપયોગ બુરહાનની વાસ્તવિક રાજધાની પોર્ટ સુદાન પર હુમલા માટે કર્યો હતો. અલ-ફાશેર પરના હુમલામાં તેણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આરએસએફ પર આરોપો

આ શસ્ત્રોનું પરિવહન ચાડની અંદર સંયુક્ત આરબ અમીરાત દ્વારા નિર્મિત એક ઍર સ્ટ્રીપ અને સપ્લાય બેઝ મારફત કરવામાં આવતું હોવાનું ન્યૂ યૉર્ક ટાઇમ્સ સહિતના અન્યોના અહેવાલોમાં નોંધવામાં આવ્યું છે. પોતે આરએસએફને શસ્ત્ર સજ્જ કરી રહ્યું હોવાનો યુનાઇટેડ આરબ અમીરાત ઇનકાર કરે છે.
આવાં શસ્ત્રોથી સજ્જ આરએસએફ તેના ભૂતપૂર્વ ભાગીદાર સુદાની સૈન્ય સાથે વ્યૂહાત્મક મડાગાંઠમાં ફસાયેલી છે.
હેમેદતી કેટલાંક નાગરિક જૂથો, સશસ્ત્ર ચળવળકર્તાઓ અને ખાસ કરીને નુબા પર્વતોમાંના તેમના ભૂતપૂર્વ વિરોધીઓ સાથે રાજકીય ગઠબંધન બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે.
તેમણે "શાંતિ અને એકતાની સમાંતર સરકાર" બનાવી છે અને તેઓ ખુદ તેના અધ્યક્ષ છે.
અલ-ફાશેરના કબજા સાથે આરએસએફનું હવે નાઇલની પશ્ચિમમાં માનવ વસ્તીવાળા તમામ પ્રદેશો પર નિયંત્રણ છે.
સામૂહિક હત્યાકાંડ અને વ્યાપક નિંદાના વધતા અહેવાલો વચ્ચે હેમેદતીએ શહેર પર કબજો કરતી વખતે તેમના સૈનિકોએ કરેલા અત્યાચારની તપાસ કરાવવાની જાહેરાત કરી છે.
સુદાનીઓ માને છે કે હેમેદતીની મહત્ત્વાકાંક્ષા અલગ દેશના રાષ્ટ્રપતિ બનવાની અથવા તો સમગ્ર સુદાન પર હજુ પણ શાસન કરવાની છે.
તેઓ ભવિષ્યની કઠપૂતળી સરકારના, વ્યવસાયોને નિયંત્રિત કરતા સમૂહના, ભાડૂતી સૈન્યના અને રાજકીય પક્ષના સર્વશક્તિમાન માસ્ટર બનવા ઇચ્છતા હોય તે પણ શક્ય છે. તેઓ સુદાનના જાહેર ચહેરા તરીકે ભલે સ્વીકાર્ય ન હોય, પરંતુ આ રીતે તેઓ પોતાનું ધાર્યું કરાવી શકે છે.
હેમેદતીના સૈનિકો અલ-ફાશેરમાં નાગરિકોની હત્યા કરી રહ્યા છે ત્યારે હેમેદતીને ખાતરી છે કે કોઈના પ્રત્યે નિસબત ન ધરાવતી આ દુનિયામાં કોઈ તેમનો વાળ વાંકો કરી શકે તેમ નથી.
(એલેક્સી ડી વાલ અમેરિકામાં ટફ્ફસ યુનિવર્સિટી ખાતે ફ્લેચર સ્કૂલ ઑફ લૉ ઍન્ડ ડિપ્લોમસીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












