ભારતમાં ગૂગલ જેવી કંપનીઓનાં અબજોનાં ડેટા સેન્ટર્સ પાણીનું સંકટ કેવી રીતે ઊભું કરી શકે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડેટા સેન્ટર, પાણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2027 સુધી ભારતની ડેટા સેન્ટર કૅપેસિટી 77 ટકા વધવાનું અનુમાન છે
    • લેેખક, નિખિલ ઇનામદાર
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

કૃત્રિમ બુદ્ધિમત્તા (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ - એઆઈ)ના અસાધારણ ઉદયને પગલે એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર ભારતમાં ડેટા સેન્ટરનો જબરો વિકાસ થયો છે.

આ ડેટા સેન્ટર્સ એવી સેન્ટ્રલાઇઝ્ડ સુવિધા હોય છે, જે કમ્પ્યુટર સર્વર્સ, આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક સાધનો વડે આપણા વિસ્તરતા ડિજિટલ અસ્તિત્વને સક્ષમ બનાવે છે, ચેટજીપીટીના સવાલોથી લઈને ઇલેક્ટ્રિક વાહનો અને સ્ટ્રીમિંગ સુધીની દરેક વસ્તુને શક્તિ આપે છે.

ગયા મહિને ગૂગલે આંધ્રપ્રદેશમાં એક એઆઈ ડેટા સેન્ટરની સ્થાપના માટે 15 અબજ ડૉલરનું આશ્ચર્યજનક રોકાણ કર્યું હતું, જે ભારતમાં સૌથી મોટું છે.

એમૅઝોન વેબ સર્વિસ તથા મેટા જેવી વૈશ્વિક દિગ્ગજ કંપનીઓ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા સ્થાનિક ખેલાડીઓ સહિતની કંપનીઓ ભારતમાં ડેટા સેન્ટર માર્કેટમાં અબજો ડૉલરનું રોકાણ કરી રહી છે. એ શ્રેણીબદ્ધ રોકાણોમાં આ લેટેસ્ટ રોકાણ છે. લક્ઝરી રિઅલ ઍસ્ટેટ ડેવલપર્સ પણ આ કમ્પ્યુટિંગ સુવિધાઓના નિર્માણના પ્રવાહમાં જોડાયા છે.

વૈશ્વિક રિઅલ ઍસ્ટેટ સલાહકાર કંપની જેએલએલના જણાવ્યા અનુસાર, ડેટા સેન્ટર ક્ષેત્ર 'સ્ફોટક વૃદ્ધિ' માટે તૈયાર છે અને તેમાં ભારતની ડેટા સેન્ટર ક્ષમતા 2027માં 77 ટકા વધીને 1.8 GW સુધી પહોંચવાનો અંદાજ છે. વિવિધ અંદાજ અનુસાર, 2030 સુધીમાં આ ક્ષેત્રે ક્ષમતા વિસ્તરણમાં લગભગ 25થી 30 અબજ ડૉલરનો ખર્ચ થવાની ધારણા છે.

ભારતની વિકાસલક્ષી જરૂરિયાત માટે મહત્ત્વપૂર્ણ હોવા છતાં આવા ઊર્જા ભૂખી, પાણીનો જંગી વપરાશ કરતી માળખાકીય સુવિધાઓના વિકાસથી દેશની ડીકાર્બોનાઇઝેશન યોજનાઓ પર ગંભીર અસર થઈ શકે છે.

કેટલાક નિષ્ણાતો જણાવે છે કે ભારત પાસે ડેટા સેન્ટર્સ ક્ષેત્રે જંગી રોકાણ આકર્ષવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી.

ભારત વૈશ્વિક ડેટા જનરેશનમાં 20 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ તેની પાસે વૈશ્વિક ડેટા સેન્ટર ક્ષમતાનો માત્ર ત્રણ ટકા હિસ્સો છે. વળી 2028 સુધીમાં ભારત વિશ્વમાં સૌથી વધુ ડેટાનો વપરાશ કરતું હશે તેવી અપેક્ષા છે ત્યારે આવી માળખાગત સુવિધાઓની માંગ વધી રહી છે. ભારતનો ડેટા વપરાશ અમેરિકા, યુરોપ અને ચીન જેવાં વિકસિત માર્કેટ્સ કરતાં પણ વધારે થવાની અપેક્ષા છે.

ભારત માટે તક કે મુશ્કેલી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડેટા સેન્ટર, પાણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત વિશ્વની કુલ વસતીની 18 ટકા વસતી ધરાવે છે, પરંતુ દેશ પાસે કુલ પાણીનાં સંશાધનો પૈકી માત્ર ચાર ટકા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડેટાનો આ વપરાશ ઇન્ટરનેટ તથા મોબાઇલના ઉપયોગમાં મોટા પાયે વૃદ્ધિ, યુઝર ડેટા સ્થાનિક સ્તરે જ જાળવી રાખવાના સરકારના નિયમનકારી આગ્રહ અને ઝડપભેર એઆઈ અપનાવવાને કારણે થઈ રહ્યો છે. તેની કમ્પ્યુટિંગ જરૂરિયાત વધારે છે. ચેટજીપીટી જેવા એઆઈ ચૅટબૉટ્સ ભારતમાં તેમનો બીજા ક્રમનો સૌથી મોટો યુઝર બેઝ ધરાવે છે.

ભારતીય નીતિ નિર્માતાઓ માટે આવા રોકાણને પ્રોત્સાહિત કરવાનો અને વૈશ્વિક કંપનીઓ દ્વારા નાણાકીય રોકાણનો એક મજબૂત વ્યાવસાયિક આધાર પણ છે.

કોટક રિસર્ચના જણાવ્યા મુજબ, "ભારતમાં ડેટા સેન્ટરના નિર્માણનો ખર્ચ વિશ્વમાં સૌથી ઓછા પૈકીનો એક છે. ભારત કરતાં માત્ર ચીનમાં આવો ખર્ચ સૌથી ઓછો છે. એ ઉપરાંત ભારતમાં વીજળીની કિંમત અમેરિકા, બ્રિટન અને જાપાનની સરખામણીએ બહુ ઓછી છે."

દેશમાં આ ઉદ્યોગના વિકાસ માટે યોગ્ય વૈશ્વિક સ્તરની ટેક ટૅલેન્ટ પણ છે.

ઇન્સ્ટિટ્યુટ ફૉર એનર્જી ઇકોનૉમિક્સ ઍન્ડ ફાઇનાન્શિઅલ ઍનાલિસિસમાં દક્ષિણ એશિયાનાં ડિરેક્ટર વિભૂતિ ગર્ગે બીબીસીને કહ્યું હતું, "જે રીતે આપણે નેવુ અને 2000ના દાયકામાં ઇન્ફોર્મેશન ટેકનૉલૉજી ક્ષેત્રે આવેલી તેજીનો લાભ લીધો હતો એવી જ રીતે આ બીજી તક છે, જેનો આપણે આપણા ફાયદા માટે ઉપયોગ કરી શકીએ તેમ છીએ."

અલબત, આ તેજીએ નીતિ નિર્માતાઓ સામે મુશ્કેલી સર્જી છે.

ચિલી અને મૅક્સિકોથી માંડીને અમેરિકાના જ્યૉર્જિયા તથા સ્કૉટલૅન્ડ સુધી આવાં ડેટા સેન્ટર્સ તેમની કૂલિંગ સિસ્ટમ્સ માટે સ્થાનિક સમુદાયોના ભોગે જંગી પ્રમાણમાં પાણીનો વપરાશ કરી રહ્યાં છે અને જંગી પ્રમાણમાં ઊર્જાનો વપરાશ કરી રહ્યાં છે. આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારત પણ ઊર્જાની તથા પાણીની અછતનો સામનો કરી રહ્યું છે ત્યારે આ પડકારો વધારે ગંભીર છે.

વર્લ્ડ બૅન્કના જણાવ્યા મુજબ, ભારતમાં દુનિયાની કુલ પૈકીની 18 ટકા વસ્તી છે, પરંતુ તેની પાસે વિશ્વના કુલ પૈકીનાં માત્ર ચાર ટકા જળ સંસાધનો છે. એ કારણે ભારત વિશ્વમાં સૌથી વધુ જળસંકટગ્રસ્ત દેશો પૈકીનું એક બની ગયું છે.

ડેટા સેન્ટર્સ અને ભારતના જળસ્તર પર વધતું દબાણ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડેટા સેન્ટર, પાણી

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્ટરનેટ અને મોબાઇલ વપરાશમાં ભારે વધારાને પગલે ભારતમાં ડેટા વપરાશ સતત વધી રહ્યો છે

ભારતમાં ડેટા સેન્ટર્સનો પાણીનો વપરાશ 2025માં 150 અબજ લીટર છે, જે 2030 સુધીમાં બમણો થઈને 358 અબજ લીટર થવાની અપેક્ષા છે. એ કારણે ભારતમાં જળ સ્તર પરના દબાણમાં વધુ વધારો થશે.

એ સિવાય ભારતમાં મોટાભાગનાં ડેટા સેન્ટર્સ મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ અને બેંગલુરુ જેવાં શહેરી કેન્દ્રોમાં છે. એ બધા પણ પાણીની જરૂરિયાતની બાબતમાં એકમેકની સાથે સખત સ્પર્ધા કરી રહ્યાં છે.

નિષ્ણાતોનું કહેવું છે કે વધતા જળ સંકટના પરિણામે સ્થાનિક લોકોનો સંભવિત વિરોધ અથવા આવાં સેન્ટર્સના નિર્માણ તથા સંચાલનના લાયસન્સનું નુકસાન લાંબા ગાળે આ ઉદ્યોગને મોટું નુકસાન કરી શકે છે.

અસંતોષનો ચણભણાટ પહેલાંથી જ સંભળાઈ રહ્યો છે.

ગૂગલના પ્રસ્તાવિત ડેટા સેન્ટર માટે આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા "જાહેર સંસાધનોના દુરુપયોગ" બાબતે હ્યુમન રાઇટ્સ ફોરમ જેવાં જૂથો "ચેતવણી" આપી ચૂક્યાં છે.

તેમનું કહેવું છે કે આ ડેટા સેન્ટર જ્યાં બનવાનું છે તે વિશાખાપટ્ટનમ પહેલાંથી જ ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે અને ડેટા સેન્ટરમાં રોકાણને કારણે જળ સંકટ વકરી શકે છે.

ગૂગલે બીબીસીને એક દસ્તાવેજ દેખાડ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું છે કે કંપની નવાં સ્થળોએ જળ સંબંધી સ્થાનિક જોખમોનું મૂલ્યાંકન કરવા માટે "પીયર-રિવ્યૂડ કૉન્ટેક્સ્ટ બેઝ્ડ વોટર રિસ્ક ફ્રેમવર્ક"નો ઉપયોગ કરે છે, જેથી મીઠા પાણીના સ્રોતનો ઉપયોગ કરવા બાબતે નિર્ણય લેવામાં માર્ગદર્શન મળી શકે.

ભારતમાં ડેટા પ્રોટેક્શન અને ડેટા સેન્ટર ડેવલપમેન્ટ, ઝોનિંગ, ઊર્જાના વપરાશ વગેરેના નિયમન સંબંધે સ્પષ્ટ નીતિઓ તથા નિયમો છે, પરંતુ જળ સંશોધન સંગઠન ડબલ્યુઆરઆઈ-ઈન્ડિયાના સહાના ગૌસ્વામીએ બીબીસીને કહ્યું હતું, "આ પૈકીના એકેય નીતિ સમૂહોમાં જળનો ઉપયોગ અગ્ર ધોરણે સમાવિષ્ટ નથી અને તે બહુ મહત્ત્વની બાબત છે, જે આવાં સેન્ટર્સના દીર્ધકાલીન સંચાલન માટે ગંભીર જોખમ સર્જે છે."

એસએન્ડપી ગ્લોબલના એક અભ્યાસમાં એવી આગાહી કરવામાં આવી છે કે ભારતમાંનાં 60થી 80 ટકા ડેટા સેન્ટર્સ મર્યાદિત સંસાધનોની ઉપલબ્ધતાને કારણે વર્તમાન દાયકામાં જ મોટા જળ સંકટનો સામનો કરશે.

તેના પરિણામે અન્ય ઉદ્યોગોને પણ વ્યાપક અસર થઈ શકે છે.

સહાના ગૌસ્વામીએ કહ્યું હતું, "બરાબરનો ઉનાળો તપતો હોય ત્યારે કૂલિંગ માટે પાણીના અભાવે ડેટા સેન્ટર્સ બંધ કરવાં પડે એવી સ્થિતિની કલ્પના કરો. તેની માઠી અસર બૅન્કિંગ સેવાઓ, ક્લાઉડ સર્વિસીસનો ઉપયોગ કરતી હૉસ્પિટલોમાંની મેડિકલ સિસ્ટમ્સ અને ટ્રાન્ઝિટ સિસ્ટમ્સ વગેરે પર પણ થઈ શકે છે."

શું છે સંભવિત ઉપાય?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડેટા સેન્ટર, પાણી

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતનાં મોટાં ભાગનાં ડેટા સેન્ટર્સ મુંબઈ, હૈદરાબાદ, ચૈન્નાઈ અને બેંગ્લુરુ જેવા શહેરી વિસ્તારોમાં આવેલાં છે

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આવાં મર્યાદિત સંસાધનો માટે સંઘર્ષ કરવાને બદલે કંપનીઓએ નાવિન્ય લાવવા અને ટ્રીટેડ ઘરેલુ તથા ઔદ્યોગિક ગંદાં પાણીનો ઉપયોગ કરવાની રીતો શોધી કાઢવાની જરૂર છે.

સહાના ગૌસ્વામીએ કહ્યું હતું, "નવી મુંબઈમાં ડેટા સેન્ટર ક્ષેત્રે આવા જ નાવિન્યના ઉદાહરણ ઉપલબ્ધ છે. એ ઉપરાંત નગરપાલિકાઓના તથા જળ એકમોના સત્તાવાળાઓ સાથે ભાગીદારી કરવામાં વિવિધ વીજળી અને ટેક્સટાઇલ ઉદ્યોગ ઘણા આગળ છે."

બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના વોટર રિસાયક્લિંગ નિષ્ણાત પ્રવીણ રામમૂર્તિ પણ આ વાત સાથે સહમત છે.

તેમણે બીબીસીને કહ્યું હતું, "કૂલિંગની જરૂરિયાત માટે બિન-પેય અથવા ટ્રીટેડ પાણીનો ઉપયોગ ફરજિયાત બનાવવો જોઈએ." એ ઉપરાંત ભારતે "નવા પ્રોજેક્ટ્સ માટે ઓછા દબાણવાળા વોટર બેસિન્સ"ની પસંદગી પણ કરવી જોઈએ, એવું તેમણે ઉમેર્યું હતું.

વૈશ્વિક ઝીરો-વોટર કૂલિંગ ટેકનૉલૉજી ઝડપથી આગળ વધી રહી છે અને તેઓ આ કૂલિંગ ટેકનૉલૉજીની પણ તરફેણ કરે છે, પરંતુ તેનો અમલ "ભારતીય અને પરંપરાગત સુવિધાઓમાં અસંગત રીતે થઈ રહ્યો છે."

પાણી ઉપરાંત એક નાની પરંતુ મહત્ત્વપૂર્ણ ચિંતા ઊર્જાનો ઉપયોગ છે.

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના જણાવ્યા મુજબ, ભારતમાં ડેટા સેન્ટર્સ માટે વીજળીનો વપરાશ 0.5-1 ટકાથી બમણો થઈને લગભગ 1-2 ટકા થવાની અપેક્ષા છે.

વિભૂતિ ગર્ગે કહ્યું હતું, "આનો અર્થ એવો થાય કે અશ્મિભૂત ઇંધણ પર આધારિત ઊર્જાનો ઉપયોગ વધી શકે છે, કારણ કે હાલમાં ડેટા સેન્ટર્સમાં અક્ષય ઊર્જાના ઉપયોગને ફરજિયાત બનાવતો કોઈ નિયમ નથી."

ભારતમાંના ઘણાં ડેટા સેન્ટર્સે તેમની કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે અક્ષય ઊર્જા કંપનીઓ સાથે કરાર કર્યા છે, પરંતુ "ક્લિન એનર્જીનો ઉપયોગ ફરજિયાત" કરવાથી આ વૃદ્ધિ વધુ ટકાઉ બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.

દેશની ભવિષ્યવાદી ડિજિટલ મહત્ત્વાકાંક્ષાઓને પોષવાની સાથે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એ સુનિશ્ચિત કરવા ભારત સરકારે નીતિ સંબંધે નાજુક સંતુલન બનાવવું પડશે.

વિભૂતિ ગર્ગે કહ્યું હતું કે, "આખરે તો આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે એક સારી વસ્તુ માટે બીજી વસ્તુનું બલિદાન ન આપવામાં આવે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન