વિદેશમાંથી આવતા ઇમિગ્રન્ટ્સ વિના શું અમેરિકા પ્રગતિ કરી શકશે?

અમેરિકાની ચૂંટણી 2024, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇમિગ્રેશન, અપ્રવાસી, US Election 2024, ભારતીય, કામદારો, ઉદ્યોગસાહસિકો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના શ્રમ વિભાગના એક સર્વે અનુસાર, અમેરિકામાં કૃષિ મજૂરોની કુલ સંખ્યામાંથી લગભગ 70 ટકા અપ્રવાસી છે.
    • લેેખક, લુઈ બરુચો
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇમિગ્રેશન એક મહત્ત્વનો મુદ્દો છે. રિપબ્લિકન અને ડૅમોક્રેટિક બંને પક્ષના ઉમેદવારો અમેરિકામાં પ્રવેશતા લોકો પર સખત નિયંત્રણ લાદવાની વાતો કરે છે. ખાસ કરીને મૅક્સિકન સરહદ પર ચુસ્ત નિયંત્રણની વાત કરવામાં આવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર ચેતવણી આપી છે કે બહારથી આવનારા માઇગ્રન્ટ્સે અમેરિકા પર "આક્રમણ" કરી દીધું છે. તેમણે અમેરિકામાંથી તમામ ગેરકાયદે લોકોને મોટી સંખ્યામાં ડિપોર્ટ કરવાના શપથ લીધા છે. તેમના હરીફ અને ડેમોક્રેટિક પાર્ટીના નેતા કમલા હેરિસે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ઈમિગ્રેશનના મામલે "ભય અને વિભાજનની આગ ફેલાવવાનો" આરોપ મૂક્યો છે. જોકે, તેમણે પણ ક્રૉસ-પાર્ટી બૉર્ડર સિક્યૉરિટી કાયદાને ટેકો આપ્યો છે. તેના ભાગરૂપે સરહદ પર દીવાલના નિર્માણ માટે કરોડો ડૉલરનો ખર્ચ કરવામાં આવશે.

પરંતુ અમેરિકા એવો દેશ છે જ્યાં સૌથી મોટી સંખ્યામાં બહારના લોકો આવીને વસ્યા છે. અમેરિકામાં ઇમિગ્રેશન કેવી ભૂમિકા ભજવે છે? અમેરિકામાં કોઈ ઇમિગ્રન્ટ્સ ન રહે તો શું થાય?

વસતી

અમેરિકાની ચૂંટણી 2024, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇમિગ્રેશન, અપ્રવાસી, US Election 2024, ભારતીય, કામદારો, ઉદ્યોગસાહસિકો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2023ના અંતમાં રેકૉર્ડ સંખ્યામાં લોકો મૅક્સિકોથી અમેરિકા આવ્યા હતા. પરંતુ ત્યારથી આ સંખ્યા ચાર વર્ષના ન્યૂનતમ સ્તરે પહોંચી ચૂકી છે.

ઇમિગ્રન્ટ્સ ન હોય તો અમેરિકાની વસતીમાં મોટો ઘટાડો થાય.

2023માં અમેરિકામાં વિદેશમાં જન્મેલા લોકોની સંખ્યા 4.78 કરોડના વિક્રમજનક સ્તરે પહોંચી હતી. એટલે કે અમેરિકાના 14.3 ટકા લોકોનો જન્મ વિદેશમાં થયો છે. તેમાંથી મૅક્સિકોના લોકોની સંખ્યા સૌથી વધુ 1.06 કરોડ છે. ત્યાર પછી 28 લાખ લોકોનો જન્મ ભારતમાં થયો છે અને 25 લાખ લોકો ચીનમાં જન્મયા હતા.

પરંતુ અમેરિકામાં માઇગ્રન્ટ્સની વસતી વિક્રમ સ્તરે પહોંચી છે ત્યારે ઘટી રહેલા જન્મદરના કારણે એકંદરે વસતી વૃદ્ધિનો દર ધીમો પડ્યો છે.

વર્ષ 2010 અને 2020ની વચ્ચે અમેરિકાએ 1930 પછીના કોઈપણ દાયકામાં તેની સૌથી ધીમી વસ્તી વૃદ્ધિ નોંધાવી હતી. 1930ના દાયકામાં મહામંદી હતી અને તે વખતે વસતી વૃદ્ધિનો દર અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે હતો.

તેનો અર્થ એ છે કે બીજા દેશોની જેમ અમેરિકા સામે પણ વૃદ્ધોની વધતી જતી સંખ્યા, હેલ્થકેરનો ઊંચો ખર્ચ અને કામ કરી શકે તેવા લોકોની ઘટતી વસતીનો પડકાર છે.

2040માં એવો સમય આવશે જ્યારે અમેરિકામાં જન્મ કરતા મૃત્યુની સંખ્યા વધી જશે. કૉંગ્રેસની બજેટ ઑફિસની આગાહીઓ અનુસાર ત્યાર બાદ તમામ વસતી વૃદ્ધિ માટે ઇમિગ્રેશન જ જવાબદાર રહેશે.

પરિણામે કેટલાક અર્થશાસ્ત્રીઓ અને ઇમિગ્રેશન તરફી જૂથોની દલીલ છે કે અર્થતંત્રની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઇમિગ્રેશનને વધારવાની મંજૂરી આપવી જોઈએ.

આર્થિક અસર

અમેરિકાની ચૂંટણી 2024, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇમિગ્રેશન, અપ્રવાસી, US Election 2024, ભારતીય, કામદારો, ઉદ્યોગસાહસિકો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હૅરિસ અને ટ્રમ્પ વચ્ચેની ડિબેટ સાંભળી રહેલા ઇમિગ્રન્ટ્સ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બૉસ્ટન યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના એસોસિયેટ પ્રોફેસર તારેક હસન કહે છે કે, ઇમિગ્રન્ટ્સ વગર અમેરિકાના અર્થતંત્રને નુકસાન થશે. તેઓ કહે છે, "તમે ઇમિગ્રન્ટ્સને સંપૂર્ણપણે દૂર કરો તો માથાદીઠ જીડીપીમાં લગભગ 5 થી 10 ટકાનો ઘટાડો થશે. એટલે કે વ્યક્તિ દીઠ સંપત્તિ ઘટવા લાગશે. ઓછા લોકોના કારણે કુલ જીડીપી પણ ઘણો ઘટી જશે."

હસન ઉમેરે છે કે તેમના સંશોધન પ્રમાણે ઇમિગ્રેશન "નવીનતામાં વધારો કરે છે. તેથી કોઈ એક સેક્ટરમાં નહીં પણ દરેક સ્તરે ઉત્પાદકતા વધે છે. તેનાથી યુએસ અર્થતંત્રની એકંદર ઇનોવેશનની ક્ષમતા વધે છે".

અમેરિકામાં આવતા માઇગ્રન્ટ્સ કામકાજની ઉંમરના હોવાની શક્યતા વધુ છે. બ્યુરો ઑફ લેબર સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે અમેરિકાની વસતીમાં તેઓ લગભગ 14 ટકા છે, પરંતુ અમેરિકન શ્રમબળમાં તેમનો હિસ્સો 19 ટકા છે. તેમાં લગભગ 3.1 કરોડ કામદારો સામેલ છે અને મૂળ જન્મેલા નાગરિકો કરતાં શ્રમ દળમાં તેમની ભાગીદારી વધારે છે.

કોંગ્રેશનલ બજેટ ઓફિસના અંદાજ અનુસાર 2022થી 2034 વચ્ચે અમેરિકામાં 16 વર્ષ કે તેનાથી વધુ વયના જે ઇમિગ્રન્ટ આવશે, તેમાંથી 91 ટકાની ઉંમર 55 વર્ષ કરતા ઓછી હશે. જ્યારે એકંદરે વસતીમાં 55 વર્ષથી ઓછી વયના લોકો માત્ર 62 ટકા છે.

કૃષિ જેવા અમેરિકન અર્થતંત્રના અમુક ક્ષેત્રો ખાસ કરીને ઈમિગ્રન્ટ કામદારો પર જ આધારિત છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબરના નેશનલ એગ્રીકલ્ચરલ વર્કર્સ સરવે અનુસાર હાલમાં 70 ટકા ખેત મજૂરો ઇમિગ્રન્ટ્સ છે. જોકે, તેમાથી ઘણા ગેરકાયદે આવ્યા છે.

ઇમિગ્રેશનની હિમાયત કરતા જૂથ અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલ (એઆઈસી)ના રિસર્ચ ડાયરેક્ટર નાન વુ કહે છે, "આ લોકો જતા રહે તો ઘણા ખેતર માલિકોને પાક ઉગાડવા, ફળો અને શાકભાજી ઉગાડવા અને અમેરિકન ગ્રાહકો માટે પીક સીઝનમાં પૂરતા મજૂર શોધવા સંઘર્ષ કરવો પડશે."

સામાન્ય રીતે ઇમિગ્રેશનના ટીકાકારો એવી દલીલ કરે છે કે વિદેશી કામદારો ઓછા પગાર માટે કામ કરવા તૈયાર થતા હોવાથી સ્થાનિક લોકોનું વેતન ઘટી જાય છે.

પરંતુ કેલિફોર્નિયા યુનિવર્સિટી, ડેવિસ દ્વારા ઇમિગ્રેશનની આર્થિક અસર પરના 27 અભ્યાસોની 2014ની સમીક્ષામાં એવું તારણ નીકળ્યું હતું કે અમેરિકામાં જન્મેલા લોકોના વેતન પર ઇમિગ્રેશનની સરેરાશ અસર શૂન્ય હતી.

ઇસ્ટર્ન ઇલિનોઇસ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઇમિગ્રન્ટ સંખ્યામાં વધારો વેતન વૃદ્ધિ પર "સકારાત્મક પરંતુ આંકડાકીય રીતે નજીવી" અસર પણ કરી શકે છે.

ટૅક્સ

અમેરિકાની ચૂંટણી 2024, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇમિગ્રેશન, અપ્રવાસી, US Election 2024, ભારતીય, કામદારો, ઉદ્યોગસાહસિકો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કુલ ઇમિગ્રન્ટ્સમાંથી અંદાજે 23 ટકા ભાગ રેકૉર્ડમાં ન સામેલ હોય એવા ઇમિગ્રન્ટ્સનો છે.

પરંતુ ટૅક્સની આવક પર થનારી અસરનું શું?

એઆઈસીના વિશ્લેષણ અનુસાર 2022માં ઇમિગ્રન્ટ પરિવારોએ કુલ ટૅક્સમાં લગભગ છઠ્ઠા ભાગનું યોગદાન આપ્યું હતું. તેમણે લગભગ 580 અબજ ડૉલરનો ટૅક્સ ભર્યો હતો.

નાન વુ કહે છે કે, "માત્ર કાયદેસર આવેલા માઈગ્રન્ટ્સ ટેક્સમાં યોગદાન આપે છે એવું નથી."

પ્યુ રિસર્ચ સેન્ટર થિંક ટૅન્કના વિશ્લેષણ અનુસાર કુલ ઇમિગ્રન્ટ વસતીમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ આશરે 23 ટકા છે. તેમની સંખ્યા લગભગ 1.1 કરોડ થાય છે જેમાં મૅક્સિકોના 40 લાખ લોકો સામેલ છે.

ઇન્સ્ટિટ્યૂટ ઑન ટૅક્સેશન ઍન્ડ ઇકોનૉમિક પૉલિસીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સે 2022માં ફેડરલ, રાજ્ય અને સ્થાનિક ટૅક્સમાં લગભગ 100 અબજ ડૉલર ચૂકવ્યા હતા.

જોકે, ઇકોનૉમિક પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ નામની એક થિંક ટૅન્કના ઇમિગ્રેશન લો અને પૉલિસી રિસર્ચના ડિરેક્ટર ડેનિયલ કોસ્ટા કહે છે કે ઇમિગ્રેશનની આર્થિક અસર રાષ્ટ્રીય સ્તરે હકારાત્મક હોઈ શકે, પરંતુ ટૂંકા ગાળા માટે તે કેટલાંક રાજ્યોમાં નકારાત્મક હોઈ શકે છે.

તાજેતરના અભ્યાસમાં તેમણે અને તેમની ટીમે ઓછા વેતન મેળવતા, પરંતુ લાભ મેળવવાને પાત્ર વસાહતીઓના ઉદાહરણ આપ્યા હતા. તેને તેમણે "ટૂંક સમયમાં નકારાત્મક અસર પરંતુ તેની સામે નાણાકીય સંતુલન" નામ આપ્યું હતું.

આ કારણોસર તેઓ અને તેમની ટીમ માને છે કે ફેડરલથી રાજ્યના સ્તરે વધુ ફંડોળ ફાળવવું જોઈએ.

ઇમિગ્રેશનનું પ્રમાણ વધારે હોય તે ક્ષેત્રને વધુ ફંડ આપવુ જોઈએ જેથી કરીને ઈમિગ્રેશનથી પેદા થતા પડકારોનો સામનો કરી શકાય.

કેલિફૉર્નિયા યુનિવર્સિટીના ઇમિગ્રેશન નિષ્ણાત અને અર્થશાસ્ત્રી પ્રોફેસર જીઓવાન્ની પેરી કહે છે કે ઇમિગ્રન્ટ્સના કારણે સમુદાયો પર એવું જ દબાણ પેદા થઈ શકે જેવું દબાણ અમેરિકામાં જન્મેલા લોકોની વસતી વધે ત્યારે થતું હોય છે.

તેઓ કહે છે કે "તેનાથી સેવાઓ પર દબાણ વધશે અને જો બાંધકામમાં વધારો ન થાય તો હાઉસિંગની અછત પેદા થશે… ફરક એટલો છે કે ઇમિગ્રન્ટ્સનો વાંક કાઢવો સરળ છે".

સંશોધન અને ઉદ્યોગસાહિકતા

અમેરિકાની ચૂંટણી 2024, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇમિગ્રેશન, અપ્રવાસી, US Election 2024, ભારતીય, કામદારો, ઉદ્યોગસાહસિકો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક ઍપલની સ્થાપના એક સીરિયાઈ ઇમિગ્રન્ટ્સના સંતાન સ્ટીવ જૉબ્સે કરી હતી.

ઘણા બધા ઇમિગ્રન્ટ્સ અથવા તેમનાં બાળકો અમેરિકામાં અગ્રણી ઉદ્યોગસાહસિક બન્યા છે.

અમેરિકામાં કમાણીની દૃષ્ટિએ ટોચની ફૉર્ચ્યુન 500 કંપનીઓમાંથી લગભગ 45 ટકા કંપનીઓને ઇમિગ્રન્ટ્સ અથવા તેમના બાળકો દ્વારા સ્થાપવામાં આવી હતી. ઇમિગ્રન્ટ્સે એક અબજ ડૉલર કે તેનાથી વધુ મૂલ્યના 55 ટકા જેટલા અમેરિકન સ્ટાર્ટ-અપ્સની સ્થાપના કરી છે.

ઇમિગ્રન્ટ્સે વૈશ્વિક ટેકનૉલૉજિકલ પ્રગતિમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમાંથી ઘણા એવા હતા જેઓ શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તરીકે અમેરિકા આવ્યા હતા.

ઍસોસિયેશન ઑફ ઇન્ટરનૅશનલ ઍજ્યુકેટર્સ જણાવે છે કે, "શૈક્ષણિક વર્ષ 2022-2023માં 10 લાખથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અમેરિકન અર્થતંત્રમાં 40 અબજ ડૉલરનું યોગદાન આપ્યું હતું અને ટ્યુશન અને રહેવાના ખર્ચ દ્વારા 368,000થી વધુ નોકરીઓને ટેકો આપ્યો હતો."

લોકો શું વિચારે છે?

અમેરિકાની ચૂંટણી 2024, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇમિગ્રેશન, અપ્રવાસી, US Election 2024, ભારતીય, કામદારો, ઉદ્યોગસાહસિકો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગૅલપે કરેલા એક સરવે પ્રમાણે અડધાથી વધુ અમેરિકનો ઇચ્છે છે કે ઇમિગ્રન્ટ્સી સંખ્યા પર લગામ લગાવાય.

અમેરિકાના અર્થતંત્રમાં ઇમિગ્રન્ટ્સની મહત્ત્વની ભૂમિકા હોવા છતાં તાજેતરના ગેલપ પોલમાં જાણવા મળ્યું કે 55 ટકા અમેરિકનો ઇમિગ્રેશનમાં ઘટાડો થાય તેમ ઇચ્છે છે. અમેરિકામાં એક વ્યાપક રાજકીય સર્વસંમતિ છે કે માઈગ્રેશન પર નિયંત્રણો કડક બનવા જોઈએ, ખાસ કરીને જ્યારે મેક્સિકન સરહદ પર ગેરકાયદેસર ઘૂસણખોરીની વાત આવે ત્યારે કડક નિયંત્રણની હિમાયત કરવામાં આવે છે.

પ્રોફેસર પેરી કહે છે કે કેટલાક રાજકારણીઓ અને મીડિયા ઇમિગ્રેશનની વ્યાપક અસરને બદલે ગેરકાયદે એન્ટ્રી પર જ ધ્યાન આપે છે અને તે ઇમિગ્રેશનને "સરહદ પર અરાજકતા" સમકક્ષ ગણાવે છે.

"લોકો ઘણી વાર સાંભળે છે કે દક્ષિણ સરહદેથી 'પૂર' ની જેમ ઇમિગ્રન્ટ્સ ઘૂસી રહ્યા છે. તેથી અર્થતંત્રમાં ઇમિગ્રન્ટ્સની જરૂરિયાતની ચર્ચા કરવાને બદલે અને વસતીના ઘટાડાને સરભર કરવા માટે ઇમિગ્રન્ટ જરૂરી છે તેનો વિચાર કરવાના બદલે લોકે વિચારે છે કે તે વધારે પડતું અને નુકસાનકારક છે."

બોસ્ટન યુનિવર્સિટીના તારેક હસનના જણાવ્યા અનુસાર: "છેલ્લા બે દાયકામાં ઇમિગ્રેશન ઘણું વધ્યું છે. તેના કારણે નવા લોકોની સાથે એકીકૃત થવાની સામાજિક ક્ષમતા દબાણમાં આવી શકે છે."

તેઓ કહે છે કે, "ઇમિગ્રેશનથી આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે હકારાત્મક અસર થાય છે, પરંતુ તેના એવા પણ કેટલાક પાસા હોઈ શકે જે લોકોને કદાચ પસંદ ન હોય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.