ટ્રમ્પ કે હૅરિસઃ અમેરિકાની ચૂંટણીમાં કોની જીતથી ભારતને વધુ ફાયદો થશે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી અંતિમ તબક્કામાં છે. ઘણા વિશ્લેષકો નાટકીય ઘટનાક્રમથી ભરેલી આ ચૂંટણીને વિશ્વ પર દૂરગામી અસર કરનાર માની રહ્યા છે.
તેમાં એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ છે, જેઓ એકવાર ચૂંટણી જીતી ચૂક્યા છે, અને એક વખત હારી ગયા છે. હવે તેઓ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે.
બીજી તરફ ચૂંટણીનો માહોલ જામતો હતો, ત્યારે ડેમૉક્રૅટિક પાર્ટી તરફથી વર્તમાન રાષ્ટ્રપતિ જૉ બાઇડન ઉમેદવાર હતા.
પરંતુ તેમની તબિયત અંગે પ્રશ્નો પેદા થતા તેમણે ઉમેદવારીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો.
હવે ડેમૉક્રૅટિકપાર્ટી તરફથી ભારતીય મૂળનાં કમલા હેરિસ ચૂંટણી લડી રહ્યાં છે.
એવામાં બીબીસી હિન્દીના વિશેષ સાપ્તાહિક કાર્યક્રમ 'ધ લેન્સ'માં ચર્ચા થઈ કે ચૂંટણીમાં હાલની સ્થિતિ શું છે?
ભારતીય દૃષ્ટિકોણથી કયા ઉમેદવાર વધુ સારા સાબિત થઈ શકે છે? ભારતના લોકો પર આ ચૂંટણીઓની કેવી અસર થશે? આ ઉપરાંત, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની આ ચૂંટણીનાં પરિણામો પર શું અસર થઈ શકે છે અને ત્યાં વસતા ભારતીયો માટે આ ચૂંટણીઓનો શું અર્થ છે?
આ ચર્ચા માટે અમેરિકાથી બીબીસીના સંવાદદાતા દિવ્યા આર્ય અને તરહાબ અસગર, કલેક્ટિવ ન્યૂઝરૂમના ડિરેક્ટર ઑફ જર્નાલિઝમ મુકેશ શર્મા સાથે જોડાયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રિટનથી વરિષ્ઠ પત્રકાર અને આંતરરાષ્ટ્રીય રાજકારણના જાણકાર શિવકાંતે ભાગ લીધો હતો.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ ભારતીય ડિપ્લોમૅટ સ્કંદ તાયલ પણ જોડાયા હતા કે જેઓ અમેરિકા - ભારત સંબંધોના નિષ્ણાત છે.

અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા: ઇલેક્ટોરલ કૉલેજ અને સ્વિંગ સ્ટેટ્સ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ કહે છે, "કૅલિફૉર્નિયામાં સૌથી વધુ 54 ઇલેક્ટોરલ વોટ છે અને અલાસ્કામાં માત્ર ત્રણ ઇલેક્ટોરલ વોટ છે."
તેથી, કૅલિફૉર્નિયા અને અલાસ્કાના મતદારોનો ચૂંટણી પર અલગ-અલગ પ્રભાવ પડશે. રાજ્યોનાં રાજકીય વલણોને ધ્યાનમાં રાખીને ચૂંટણીની વ્યૂહરચના ઘડવામાં આવે છે.
અમેરિકન ચૂંટણીમાં 'સ્વિંગ સ્ટેટ્સ'નું ખૂબ મહત્ત્વ છે. આ એવાં રાજ્યો છે જ્યાં મતદારો કોને પસંદ કરે છે તે સ્પષ્ટ નથી. તે આ ચૂંટણીનાં પરિણામોને અસર કરી શકે છે.
દિવ્યા આર્ય આ વાત સમજાવતાં કહે છે, “ધારો કે કૅલિફૉર્નિયા એ ડેમૉક્રૅટિક પાર્ટી તરફ ઝુકાવ ધરાવતું રાજ્ય છે. જ્યારે ટેક્સસને પરંપરાગત રીતે રિપબ્લિકન રાજ્ય ગણવામાં આવે છે. તેથી એક રીતે જોઈએ તો આ રાજ્યોનું મહત્ત્વ સમગ્ર ચૂંટણીમાં થોડું ઓછું થઈ જાય છે."
બંને પક્ષોની ટીમો સ્વિંગ સ્ટેટ્સમાં પોતાનું મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરે છે, કારણ કે અહીંના મતદારો નક્કી કરી શકે છે કે ચૂંટણીમાં કોનો હાથ ઉપર રહેવાનો છે.
દિવ્યા કહે છે, "આ ચૂંટણીમાં છ મોટા સ્વિંગ સ્ટેટ્સ છે - વિસ્કોન્સિન, નેવાડા, મિશિગન, નૉર્થ કેરોલાઇના, એરિઝોના અને પૅન્સિલ્વેનિયા."
તેઓ કહે છે, "ઉમેદવારોનું સંપૂર્ણ ધ્યાન આ રાજ્યો પર કેન્દ્રિત છે, કારણ કે તેમનાં પરિણામો નક્કી કરશે કે આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે."
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બે મુખ્ય પક્ષો - ડેમૉક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારો વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે.
50 રાજ્યોમાં કુલ 538 ઇલેક્ટોરલ કૉલેજ વોટ છે અને રાષ્ટ્રપતિ બનવા માટે કોઈપણ ઉમેદવારે બહુમતીનો આંકડો (270 કે તેથી વધુ) પાર કરવો જરૂરી છે.
માત્ર બે રાજ્યોને બાદ કરતા બાકીનાં રાજ્યોમાં જે ઉમેદવારને સૌથી વધુ મત મળે છે તેને ઇલેક્ટોરલ કૉલેજમાં તમામ મત આપવામાં આવે છે.
ગત ચૂંટણીમાં ડેમૉક્રૅટિક પાર્ટીના જો બાઇડને 306 ઇલેક્ટોરલ વોટ મેળવ્યા હતા, જ્યારે રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પને 232 વોટ મળ્યા હતા.
અમેરિકાના દરેક રાજ્યમાં સરખી સંખ્યામાં ઇલેક્ટોરલ વોટ નથી, તેથી વ્યક્તિગત મતોનું મહત્ત્વ બદલાઈ જાય છે.
આની સમજણ આપતાં અમેરિકામાં હાજર બીબીસીનાં સંવાદદાતા દિવ્યા આર્ય કહે છે, "અહીં વ્યક્તિગત મત રાષ્ટ્રપતિના નામે માગવામાં આવે છે, પરંતુ દરેક વ્યક્તિગત મતનું મહત્ત્વ એકસરખું નથી, કારણ કે અહીં તમામ પચાસ રાજ્યોમાં એક સરખા મત નથી."
ભારત સહિત સમગ્ર વિશ્વની નજર ચૂંટણી પર કેમ છે?

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાનાં ચૂંટણી પરિણામોની અસર ભારત સહિત સમગ્ર દુનિયા પર પડે છે. ભારતના દૃષ્ટિકોણથી પણ ઘણી બાબતો હંમેશાં એ વાત પર આધાર રાખે છે કે ભારત પ્રત્યે અમેરિકાનું વલણ કેવું છે?
આ અંગે વરિષ્ઠ પત્રકાર અને આંતરરાષ્ટ્રીય રાજકારણના નિષ્ણાત શિવકાંત કહે છે, "અમેરિકા ભલે અત્યારે પહેલાં જેવું શક્તિશાળી નથી, પરંતુ તમામ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં હજુ પણ અમેરિકાનું વર્ચસ્વ છે."
તેઓ કહે છે, "ભારત લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા માટે પ્રયાસ કરી રહ્યું છે, જેથી ભારત જેવા મોટા દેશોનો અવાજ યોગ્ય રીતે સાંભળવામાં આવે અને તેમને યોગ્ય પ્રતિનિધિત્વ મળી શકે. આ ત્યારે જ શક્ય છે જ્યારે અમેરિકા તેના માટે તૈયાર થાય."
વરિષ્ઠ પત્રકાર શિવકાંતનું માનવું છે કે અમેરિકા તૈયાર થઈ જાય તો પણ ઘણી મુશ્કેલીઓ પેદા થવાની છે.
તેમણે કહ્યું, "આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને ચલાવવા માટે અમેરિકા હજુ પણ સૌથી વધુ દાન આપે છે. અમેરિકામાં જે પણ નિર્ણય લેવામાં આવે, તે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની રાજનીતિને અસર કરે છે."
તેઓ કહે છે, "પછી તે વેપાર હોય, રાજનૈતિક બાબતો હોય, પર્યાવરણનો મામલો હોય, જળવાયુ પરિવર્તનની હોય કે પછી આતંકવાદ હોય."
તેમણે કહ્યું, "અમેરિકા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો જીવનનાં દરેક પાસા સાથે સંકળાયેલા મુદ્દાને અસર કરે છે. તેથી, વિશ્વની દરેક વ્યક્તિ અમેરિકાની ચૂંટણી પર નજર રાખે છે અને ભારતે પણ તેની ચિંતા કરવી જોઈએ."
અમેરિકાની ચૂંટણીમાં કોણ જીતે તો ભારતને વધુ ફાયદો થશે?

ઇમેજ સ્રોત, Reuters
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો ઇતિહાસ તાજેતરનાં વર્ષોમાં ઘણો હકારાત્મક રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે હાલના રાષ્ટ્રપતિ જો બાઇડનનો કાર્યકાળ હોય, અમેરિકાના ભારત સાથેના સંબંધો મજબૂત રહ્યા છે.
ભૂતપૂર્વ ડિપ્લોમૅટ સ્કંદ તાયલનું માનવું છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ભલે ગમે તે હોય, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સ્થિર રહેશે.
તેઓ કહે છે, "તમે ભારતીય વહીવટીતંત્રના દૃષ્ટિકોણથી જુઓ, તો ભારત અને અમેરિકા વચ્ચે બે-ત્રણ મુદ્દા ખાસ છે. ભારતમાં અમારા જેવા સરકારની બહારના લોકો માને છે કે અમેરિકાની વિદેશ નીતિ હાલમાં રશિયાને ચીન તરફ ધકેલી રહી છે. ઘણા લોકો માને છે કે કદાચ રાષ્ટ્રપતિ ટ્રમ્પ આના વિશે પુનર્વિચાર કરશે."
તાયલના મતે ભારત મજબૂત રીતે રશિયાના પક્ષમાં છે, જ્યારે વર્તમાન અમેરિકી વહીવટીતંત્ર આવી સ્થિતિ ઇચ્છતું નથી. આ ઉપરાંત અમેરિકા અને ભારત સહિત વિશ્વની સામે સૌથી મોટો પડકાર ચીનનો છે.
ચીનને લઈને ટ્રમ્પ અને બાઇડન બંનેની નીતિઓ આકરી અને વાસ્તવવાદી રહી છે.
લોકોનું માનવું છે કે જો કમલા હૅરિસ રાષ્ટ્રપતિ બનશે તો બાઇડનની વર્તમાન વિદેશ નીતિ ચાલુ રહી શકે છે.

વરિષ્ઠ પત્રકાર અને આંતરરાષ્ટ્રીય રાજકારણના જાણકાર શિવકાંત કહે છે કે ભારત માટે નીતિવિષયક બાબતોમાં રિપબ્લિકન સરકાર વધુ સારી સાબિત થઈ છે.
તેઓ કહે છે કે, "તમામ મોટી ઐતિહાસિક સમજૂતીઓ રિપબ્લિકન સરકાર દરમિયાન થઈ છે, પરંતુ આ વખતના ઉમેદવારોની વાત કરીએ તો પીએમ મોદી સાથે ડોનાલ્ડ ટ્રમ્પના સંબંધો તેની જગ્યાએ છે."
શિવકાંત કહે છે, "ટ્રમ્પની વેપાર નીતિમાં સંરક્ષણવાદ એટલો પ્રબળ છે કે ભારત માટે તેની અપેક્ષાઓ પૂરી કરવી ઘણી મુશ્કેલ બની શકે છે."
તેઓ કહે છે, "ભારતે હવે શક્ય તેટલી વહેલી તકે, પોતાનો શક્ય એટલો વધુ સામાન વિદેશમાં વેચવો પડશે, ત્યારે જ ભારત પ્રગતિ કરી શકશે. તેથી ટ્રમ્પનું વહીવટીતંત્ર તેના માર્ગમાં આવે તો તે એક મોટો અવરોધ સાબિત થઈ શકે છે."
શિવકાંત માને છે કે ઇમિગ્રેશન નીતિમાં ટ્રમ્પની આક્રમકતા ભારતનાં હિતોને નુકસાન કરે છે. તેઓ પોતાની જાતને એક એવા નેતા તરીકે રજૂ કરે છે જેનાથી અન્ય દેશો ડરતા હોય, પરંતુ તેની અનિશ્ચિતતાના કારણે વિશ્વાસના મુદ્દા પેદા થઈ શકે છે.
તેઓ કહે છે, "તમે અનિશ્ચિત હોવ તો તમારી સાથે કોઈ પણ કરાર કે કોઈપણ નીતિ પર ભરોસો મૂકી શકાય નહીં."
તેમણે કહ્યું, "બીજી તરફ તમે કમલા હૅરિસ વિશે વાત કરો, તો તેમની ડેમૉક્રૅટ્સની નીતિઓ માનવ અધિકારો, ધાર્મિક સ્વતંત્રતા, નૈતિક બાબતોને લઈને ખૂબ જ આલોચનાત્મક રહી છે."
તેઓ કહે છે, "ભારત સરકાર અને કેટલીકવાર ભારતીય બિઝનેસ માટે બંનેમાં સમસ્યાઓ છે, તેમના ફાયદા અને નુકસાન બંને છે."
ચીન માટે કોની જીત ફાયદાકારક રહેશે, તેના પર તાયલ કહે છે કે ચીનને લઈને અમેરિકાની નીતિમાં કોઈ મોટા ફેરફારની કોઈ શક્યતા નથી, ભલે પછી ગમે તે રાષ્ટ્રપતિ બને.
જો કે, ટ્રમ્પ અણધાર્યા નિર્ણયો લેવા માટે જાણીતા છે. જો તેઓ ચીન સાથે સોદો કરશે તો તેઓ અન્ય દેશોનાં હિતોનો ભોગ પણ લઈ શકે છે.
તેમનું કહેવું છે કે, "ટ્રમ્પ કદાચ પુનરાગમન કરે તો તે ચીન માટે ચિંતાનો વિષય છે."
મધ્ય પૂર્વ સંકટ કેટલી મોટી સમસ્યા છે?

ઇમેજ સ્રોત, Reuters
હાલમાં અમેરિકાની ચૂંટણીમાં મધ્ય પૂર્વ કટોકટી, ખાસ કરીને ઇઝરાયલ-ગાઝા સંઘર્ષની ચર્ચા થઈ રહી છે.
અમેરિકન મતદારો અને રાજકીય પક્ષો આના પર ચાંપતી નજર રાખી રહ્યા છે, કારણ કે તેનાથી વિદેશ નીતિ અને દેશના આંતરિક સામાજિક માળખાને અસર થઈ રહી છે.
અમેરિકામાં રહેતા બીબીસીના સંવાદદાતા તરહાબ અસગર કહે છે, "આ મુદ્દો માત્ર એ લોકોનો નથી જેઓ ઇમિગ્રન્ટ્સ તરીકે અમેરિકા આવ્યા હતા, અને હવે નાગરિક બન્યા છે અને તેમને મત આપવાનો અધિકાર છે."
તેઓ કહે છે, "મોટા ભાગના અમેરિકનો આને ખૂબ મોટી ચિંતા માને છે, કારણ કે મધ્ય પૂર્વના યુદ્ધની અસર તેમના અર્થતંત્ર પર પડે છે."
તરહાબનું કહેવું છે કે મધ્ય પૂર્વ અને ઈરાનની વર્તમાન સ્થિતિ અમેરિકાની નીતિ માટે મહત્ત્વનો વિષય છે.
ઘણા પાકિસ્તાનીઓ માને છે કે આનાથી આ ક્ષેત્રમાં અમેરિકાનો રસ વધી શકે છે. કમલા હૅરિસ વ્હાઇટ હાઉસમાં આવે તો તેઓ હાલની નીતિઓ ચાલુ રાખશે તેવી શક્યતા છે.
બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી સત્તામાં પાછા ફરે તો કેટલાક અણધાર્યા નિર્ણયો પણ જોવા મળી શકે છે.
જોકે, ટ્રમ્પે વારંવાર વચન આપ્યું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય મુદ્દા, ખાસ કરીને આ યુદ્ધના વહેલા ઉકેલ માટે આગ્રહ રાખશે.
ભારતીય મૂળના લોકો બંને ઉમેદવારોને કેવી રીતે જુએ છે?

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાની આવનારી ચૂંટણીમાં ઇમિગ્રેશન અને વિઝા પોલિસી એક મોટો મુદ્દો છે.
બીબીસીના સંવાદદાતા દિવ્યા આર્યને ઘણા અમેરિકનો સાથે વાત કર્યા પછી જાણવા મળ્યું કે કમલા હૅરિસ ભારતીય મૂળનાં છે તે વાત ભારતીય મતદારો માટે ખાસ જોડાણ બનાવી રહી છે.
દિવ્યા કહે છે, "પાયાના સ્તર પર ઘણા નાના પક્ષો અને સંગઠનો ડેમૉક્રૅટિક પાર્ટી સાથે મળીને પ્રચાર કરી રહ્યા છે."
તેઓ કહે છે, "પરંતુ સાથે સાથે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વડા પ્રધાન મોદી સાથેના સંબંધો પણ મહત્ત્વપૂર્ણ છે. ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ટેક્સસમાં યોજાયેલા 'હાઉડી મોદી' જેવા કાર્યક્રમોની છાપ હજુ પણ લોકોના મનમાં છે. આવી સ્થિતિમાં બંને ઉમેદવારોનું વ્યક્તિત્વ આ ચૂંટણીમાં મુદ્દા જેટલું જ મહત્ત્વનું છે."
દિવ્યા કહે છે કે ભારતીય મૂળના લોકોના બે મુખ્ય વર્ગ છે - એક જેઓ કામચલાઉ એચ-1બી વિઝા પર આવેલા છે અને બીજા જેમણે અમેરિકન નાગરિકતા મેળવી છે.
માત્ર નાગરિકતા ધરાવતા લોકો જ મતદાન કરી શકે છે, પરંતુ ત્યાં મોટી સંખ્યામાં ટેમ્પરરી (કામચલાઉ) વિઝા ધારકો પણ રહે છે જેઓ 20-30 વર્ષથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે અને અમેરિકામાં રહે છે.
તેઓ કહે છે, "આ લોકો સભાનપણે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા છે, પરંતુ તેમને મત આપવાનો અધિકાર નથી. આમ છતાં, તેઓ મતદાર હોય કે ન હોય, તેમના માટે ઇમિગ્રેશન અને કાનૂની ઇમિગ્રેશન એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે."
આ અંગે ટ્રમ્પની નીતિ પણ મોટો મુદ્દો બનીને સામે આવી છે. ટ્રમ્પે બાઇડન વહીવટીતંત્રની ગેરકાયદે ઇમિગ્રેશન ન રોકી શકવા બદલ ટીકા કરી છે.
અમેરિકા આવતા ભારતીયોમાં મોટી સંખ્યામાં શિક્ષિત લોકો છે. તેમ છતાં તાજેતરનાં વર્ષોમાં ગેરકાયદે માઇગ્રેશનમાં પણ વધારો થયો છે, કારણ કે કાનૂની માર્ગ ઘણો મુશ્કેલ છે.
બીબીસીના સંવાદદાતા તરહાબ અસગર આ સંદર્ભમાં કહે છે, "માઇગ્રેશન એક મોટી ચિંતા છે, ખાસ કરીને પાકિસ્તાન, ભારત અને અન્ય દક્ષિણ એશિયાના દેશોના લોકો માટે. તેઓ જાણે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાશે તો માઇગ્રેશન પ્રક્રિયામાં ઘણી અડચણો આવી શકે છે."
ટ્રમ્પ જીતે કે હારે તો શું થઈ શકે?

ઇમેજ સ્રોત, Reuters
બીબીસી સંવાદદાતા દિવ્યા આર્ય જણાવે છે કે ગઈ વખતની ચૂંટણીમાં ઘણા રિપબ્લિકન સમર્થકો મોટી સંખ્યામાં યુએસ કૅપિટોલ હિલ પહોંચી ગયા હતા અને હિંસક રીતે બિલ્ડિંગમાં ઘૂસ્યા હતા.
તેઓ કહે છે, "લોકોમાં ઘણો ડર છે કે ક્યાંક ચૂંટણીના બીજા જ દિવસે વૉશિંગ્ટન ડીસીમાં આવી ઘટના ન બની જાય."
વરિષ્ઠ પત્રકાર શિવકાંત કહે છે કે આવી સંભાવનાને ધ્યાનમાં રાખીને બંને પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે. ટ્રમ્પે વકીલોની પોતાની ટીમ બનાવી છે અને સુરક્ષાનાં કારણોસર મતદાન મથકના કાર્યકરોને પણ સુરક્ષા આપવામાં આવી છે.
તેમણે કહ્યું, "ઘણાં રાજ્યોમાં રસાકસીની હરીફાઈ છે. આવી સ્થિતિમાં માત્ર 10-20 હજાર મતોનો તફાવત આવશે તો ફરીથી ગણતરી કરવામાં આવશે."
કોઈપણ મતદાન મથક પર સહેજ પણ શંકા જશે તો ફરીથી મતગણતરી કરવામાં આવશે, અને ત્યાર પછી કાનૂની પડકાર આપી શકાય છે.
શિવકાંતનું માનવું છે કે જો કમલા હૅરિસ ઓછા માર્જિનથી જીતે છે તો ટ્રમ્પ પરિણામોને લટકાવવાના તમામ પ્રયાસો કરી શકે છે.
તેઓ કહે છે, "ચૂંટણી કરતાં પણ તેનાં પરિણામો અને ત્યાર પછી સત્તાનું હસ્તાંતરણ વધુ રસપ્રદ રહેશે. જો તે શાંતિથી થશે તો આખી દુનિયાને રાહત થશે. પરંતુ મામલો અટવાશે તો આખી દુનિયાના લોકતાંત્રિક ભવિષ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે."
ભૂતપૂર્વ રાજદ્વારી સ્કંદ તાયલનું માનવું છે કે ટ્રમ્પ જીતી જાય તો અમેરિકન વિદેશ નીતિમાં મોટા ફેરફારો શક્ય છે. ટ્રમ્પ જીતે તો તેઓ ક્લાયમેટ ચેન્જ અને પેરિસ કરારમાંથી ખસી શકે છે.
સ્કંદ કહે છે, "ટ્રમ્પ કદાચ ઇઝરાયલને જે કરવું હોય તે કરવાની છૂટ આપશે. તેનાથી ભયંકર રક્તપાત થઈ શકે છે."
તેમણે એમ પણ કહ્યું કે ટ્રમ્પ વ્યાપારના મામલે કોઈપણ રાષ્ટ્રીય જૂથ પર પ્રતિબંધ લાદી શકે છે, જેનાથી વૈશ્વિક રાજકારણમાં અસ્થિરતાનું વાતાવરણ પેદા થશે.
તેઓ કહે છે, "જે દેશોમાં લોકશાહી છે તેમના માટે એ બહુ મહત્ત્વનું છે કે પરિણામ ભલે ગમે તે આવે, હારેલા ઉમેદવાર તેને કોઈપણ વાંધા વગર સ્વીકારશે."
તેમણે કહ્યું, "કારણ કે સમગ્ર વિશ્વને લોકશાહીનો ઉપદેશ આપનાર અમેરિકામાં જો એવું નાટક થાય કે ઉમેદવાર પોતાની હાર સ્વીકારે નહીં, તો ક્યાંક ને ક્યાંક અમેરિકાની નૈતિકતાનું પતન ગણાશે."
આવી સ્થિતિમાં અમેરિકન ચૂંટણીનો આ ગાળો માત્ર દેશની રાજનીતિ માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્થિરતા અને લોકતાંત્રિક મૂલ્યો માટે પણ નિર્ણાયક પળ સાબિત થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












