સૉના : જ્યાં બધા નિર્વસ્ત્ર હોય છતાં સહજ હોય

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
છેલ્લાં કેટલાંક વર્ષોથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા ગુજરાતનાં મહાનગરો ઉપરાંત નાનાં શહેરોમાં સૉના, સ્પા અને મસાજ પાર્લરનું ચલણ વધ્યું છે. જ્યાં નિશ્ચિત રકમ ચૂકવીને ગ્રાહક અમુક કલાક માટે સેવા લે છે.
જોકે, વિશ્વમાં સૉનાનો ઇતિહાસ લગભગ 10 હજાર વર્ષ કરતાં વધુ જૂનો છે. ઉત્તર યુરોપમાં તે વૈશ્વિક સાંસ્કૃત્તિક વારસાનું (યુએનનું કલ્ચરલ હૅરિટેજ) સ્થાન ધરાવે છે.
ભારતમાં સદીઓથી સારા આરોગ્ય માટે તથા અલગ-અલગ બીમારીને દૂર કરવા ગરમ પાણીથી સ્નાન કરવાની અને શેક લેવાની પરંપરા રહી છે.
સૉનાએ ખાનગી કે સાર્વજનિક સ્થળ હોઈ શકે છે. તે અલગ-અલગ આકાર અને કદનાં હોઈ શકે છે. જે પરંપરાગતથી લઈને હાઈટેક હોય શકે છે.
યુકે અને યુએસમાં તે જટિલ કૂટનીતિક સંબંધો અને વિષયો ચર્ચા કરવા માટેનાં સ્થાન બન્યાં છે, જ્યાં કપડાં ઊતરતાં જ બધા એકસમાન બની જાય છે અને કોઈપણ જાતના ભારણ વગર ચર્ચા કરવામાં આવે છે.
સૉનાની શરૂઆત અને સ્વરૂપો

ઇમેજ સ્રોત, Getty Images
સૉનાની શરૂઆત ગરમ પાણી ધરાવતા ખાડાની ઉપર બેસી સ્નાન કરવાથી થઈ હતી. ઉત્તર યુરોપના ફિનલૅન્ડમાં તે ખૂબ જ લોકપ્રિય છે. 'સૉના' શબ્દ પણ ઉત્તર યુરોપમાં બોલાતી સમી ભાષાના શબ્દ 'સાઉન્ડ્જ' પરથી ઊતરી આવ્યો છે. જેનો અર્થ 'જમીનમાં ખાડો' એવો થાય છે.
યુનિવર્સિટી ઑફ ઇસ્ટર્ન ફિનલૅન્ડમાં સૉના કલ્ચર ઉપર સંશોધન કાર્ય કરતા દાલવા લામિનમકી સમજાવે છે, " શરૂઆતમાં જમીનમાં ખાડો ખોદીને તેમાં પથ્થરો મૂકી તેની ઉપર આગ સળગાવવામાં આવતી. પથ્થર ગરમ થઈ જાય એટલે તેની ઉપર ડાળખાં, વાંસ, પરાળ અને વનસ્પતિ મૂકીને છાપરા જેવું બનાવવામાં આવતું. ત્યારબાદ તેની ઉપર પાણી છાંટવામાં આવતું અને આ રીતે વરાળ ઉત્પન્ન કરવામાં આવતી."
ભારતીય આયુર્વેદમાં વાત્ અને કફના દોષોમાં, જકડાઈ ગયેલા શરીર માટે કે ઠંડીની સારવાર માટે સૉનાનો ઉપયોગ થાય છે. શરીર પર ગરમ પાણીના ઉપયોગ કે વરાળ દ્વારા પરસેવો પાડવાની પ્રક્રિયાને 'શ્વેદન' તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને પરસેવા વાટે શરીરમાં રહેલી અશુદ્ધિઓ અને હાનિકારક દ્રવ્યો બહાર નીકળી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તામ્રયુગમાં પરસેવો પાડવાની વ્યવસ્થા ધરાવતા કક્ષનું ચલણ હતું. યુકે અને આયર્લૅન્ડમાં ખોદકામ દરમિયાન તેના અવશેષ મળી આવ્યા છે. પ્રાચીન ઇસ્લામિકયુગમાં સૉના કે હમામનું ચલણ હતું.
હાવર્ડ યુનિવર્સિટી દ્વારા ઉત્તર અમેરિકાની પરંપરાઓ વિશે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સૉના કે પરસેવો પાડવા માટેની સામૂહિક વ્યવસ્થા વિશેનું વિવરણ મળે છે. જે ઉત્સવો કે ધાર્મિક અનુષ્ઠાન પૂર્વે "તૈયારી, પૂજા કે શુદ્ધિકરણ" માટે હતા.
ઍમા ઓ'કેલી તેમનાં પુસ્તક 'સૉના- ધ પાવર ઑફ ડીપ હિટ'માં લખે છે, "જાપાનમાં કુદરતી ગુફાઓનો ઉપયોગ પરસેવો પાડી દે તેવા સ્નાન માટે થતો. જેણે આગળ જતાં મંદિરો અને મઠોની પાસેના સ્નાનાગૃહોનું સ્વરૂપ ધારણ કર્યું. દરેક સંસ્કૃતિમાં કોઈ અને કોઈ સ્વરૂપે તેનું અસ્તિત્વ રહ્યું છે."
જાપાનિઝમાં તેને 'મુસિ-બુરો' અને 'કામ-બુરો' તરીકે ઓળખવામાં આવે છે. માયા સંસ્કૃત્તિમાં તે માઝકાલ, ઑટોમન સામ્રાજ્યમાં હમામ, રશિયામાં બનિયાસ તરીકે પ્રચલિત છે.
ફિનલૅન્ડની આગવી ઓળખ બન્યા છે સૉના

ઇમેજ સ્રોત, Maija Astikainen
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 2013માં ઇસ્ટૉનિયાની સૉના સંસ્કૃતિને યુનેસ્કોએ માનવીય સભ્યતાના સાંસ્કૃતિક વારસા તરીકે તેને સ્થાન આપ્યું હતું. તેમાં નાનકડી ઝૂંપડીમાં પથ્થરને આગથી ગરમ કરાય છે, જેથી પ્રફુલ્લિત કરી દેતી સુગંધ પ્રસરે છે.આ પ્રકારની ઝૂંપડીઓમાં ચીમની નથી હોતી. ઉત્તર યુરોપ ઉપરાંત સ્કૅન્ડિનેવિયન, બાલ્ટિક સમુદ્રના દેશો તથા રશિયામાં પણ સૉનાનું મહત્ત્વ વધી રહ્યું છે.
ફિનલૅન્ડમાં પ્રાચીન સારવાર પદ્ધતિ તરીકે તેને સ્વીકૃતિ મળેલી હતી. તેઓ માનતા કે સૉનાએ પૂર્વજો અને દેવતાઓની શક્તિથી ભરપૂર છે. લામિનમકી જણાવે છે, "તે આકાશ, પૃથ્વી અને મૃતકોના પાતાળલોકનાં લઘુસ્વરૂપ સમાન છે. જે વૃદ્ધિ, સહસંબંધ અને સહજીવનનાં ચક્રને રજૂ કરે છે, જે જાગૃતિ અને ઉત્સાહ વધારે છે."
ફિનલૅન્ડમાં સૉનાએ માત્ર ઇમારત જ નથી, પરંતુ આ લોક તથા બીજા લોકને જોડતી ડેલી છે. ફિનલૅન્ડનાં ગીતો તથા 'કાલેવાલા' મહાકાવ્યમાં સૉનાનો ઉલ્લેખ છે અને એટલે જ ફિનલૅન્ડનાં અનેક સૉનાબાથનાં દરવાજા અને બારીઓ ઉપર કાલેવાલાનાં દેવી-દેવતાઓની તસવીર અંકિત થયેલી હોય છે.
સૉનાટોન્ટુ નામના એક આંખવાળા ઓછી ઊંચાઈવાળા પાત્રનો ઉલ્લેખ છે, જેઓ સૉનામાં બાળકોનાં આચરણ ઉપર નજર રાખે છે. સૉનામાં તમામ લોકો નિર્વસ્ત્ર કે અલ્પવસ્ત્ર હોવા છતાં તેમાં સેક્સને કોઈ સ્થાન નથી.
આજે ફિનલૅન્ડની 55 લાખની વસતિની સામે 30 લાખ કરતાં વધારે સૉનાબાથ છે. તે ફિનલૅન્ડની રાષ્ટ્રીય ઓળખના ભાગરૂપ છે. વર્ષ 2020માં તેને પણ યુનેસ્કોના સાંસ્કૃતિક વારસામાં સ્થાન મળ્યું હતું.
જોકે, હંમેશાં આવું ન હતું. ઓ'કેલી લખે છે, "વર્ષ 1890માં લોકોઉપચાર પદ્ધતિને ગેરકાયદેસર ઠેરવવામાં આવી એટલે સૉનાની આધ્યાત્મિક કે અલૌકિક શક્તિઓ વિશે વાતચીત બંધ થઈ ગઈ. છતાં બુજુર્ગ મહિલાઓ આ માહિતી ગુપ્ત રીતે પહોંચાડતી."
નવી સદીમાં સૉનાનાં નવાં સ્વરૂપ

ઇમેજ સ્રોત, Maija Astikainen
મૂળનિવાસી અમેરિકનોની જેમ ફિનલૅન્ડના લોકો વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી એમ ચાર તત્ત્વોની પૂજા કરતા એટલે તેમના માટે આધ્યાત્મિક પાસું પણ જોડાયેલું છે.
તાજેતરના સમયમાં 21મી સદીની ભાગદોડ ભરેલી જિંદગીમાં યોગ, મસાજ અને ફૅશિયલની સાથે ઘણાં લોકો માટે સૉના એ શરીરને સ્વસ્થ રાખવાની પ્રણાલીમાંથી એક છે. જોકે, ગત સદીમાં અનેક સ્થળોએ તેનું પ્રચલન હતું.
ઊંઘવા તથા ગુપ્ત મુલાકાતો કરવા માટે પણ સૉનાનો ઉપયોગ થાય છે. લામિનમકી લખે છે કે સદીઓથી રસોઈ, વસ્તુઓ સૂકવવા, સાબુ બનાવવા, બીમારની સારવાર, ધોબીકામ, પ્રસૂતિ માટે, મૃતદેહની સફાઈ માટે પણ આવાં સ્થળોનો ઉપયોગ થતો.
લંડન અને વૉશિંગ્ટન ડીસી ખાતેની ફિનલૅન્ડની ઍમ્બેસીઓ દ્વારા પણ સૉના ચલાવવામાં આવે છે. જેમાં ગંભીર કૂટનીતિક બાબતો ઉપર ચર્ચા થાય છે અને મંત્રણાઓ માટેના તખતા તૈયાર થાય છે.
તેમાં મહેમાનોને આમંત્રિત કરવામાં આવે છે. તેઓ પહેલાં સ્નાન કરે છે. એ પછી ગરમ બેઠકો ઉપર બેસી શકે તે માટે તેમને 'બમ ટૉવેલ' આપવામાં આવે છે. જો સુવિધા હોય તો સ્ત્રી-પુરુષોને અલગ-અલગ કક્ષમાં સૉના આપવામાં આવે છે, નહીંતર પહેલાં સ્ત્રીઓ સૉના લે છે અને પછી પુરુષો.
સૉના ડિપ્લોમસી પાછળનો તર્ક એ છે કે વરાળને કારણે શરીર ગરમ થવાથી અને પરસેવો વળવાથી વ્યક્તિને રાહતનો અનુભવ થાય છે. તેનાથી પરસ્પર વિશ્વાસ પેદા થાય છે, તણાવ ખતમ થઈ જાય છે અને પારસ્પરિક સંબંધ કે મિત્રતાને બહેતર બનાવવાનું આસન થઈ જાય છે.
સૉનાને કારણે જ વૉશિંગ્ટન ડીસીમાં નેટવર્ક પ્રસ્થાપિત કરવામાં ફિનલૅન્ડને સફળતા મળી હોવાનું તેના રાજદ્વારી સાના કાંગ્શારાજૂ માને છે.
કેટલાક દેશોમાં અન્યની સામે વસ્ત્ર ઉતારવાનું અસ્વીકાર્ય હોય છે અને ખૂબ જ નાનકડા ઓરડામાં બીજા લોકોની હાજરી પણ અસહજ કરી શકે છે. એટલે 'સૉના ડિપ્લોમસી' હંમેશાં કારગર રહે તે જરૂરી નથી.
લામિનમકી કહે છે, 'સૉનામાં બધા સમાન છે. લિંગભેદ વગર તમામ લોકોને, જાતીયતા, શરીર, આકાર, શારીરિક ખોડખાંપણ ધરાવતા લોકોને સૉના આવકારે છે. સૉના બહિર્મુખીઓ માટે પણ છે અને અંતર્મુખીઓ માટે પણ. તમે ત્યાં જઈને કોઈની સાથે વાત ન કરો, તો તે સહજ છે.'
પરંતુ આજના સમયે સૉનામાં આ મૂળભૂત અને પાયારૂપ બાબતની ઉપેક્ષા થતી જોવા મળે છે.












