સૉના ડિપ્લોમેસી : એ દેશ જ્યાં રાજદ્વારીઓ નગ્ન નેટવર્કિંગમાં આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરે છે

સૉના
બીબીસી ગુજરાતી
  • ફિનલૅન્ડના રાજદ્વારીઓ આંતરરાષ્ટ્રીય નીતિ વિશેની વાતચીત તથા સમસ્યાઓના નિરાકરણ માટે વર્ષોથી સૉના(બાષ્પ સ્નાનઘર)નો ઉપયોગ કરતા રહ્યા છે
  • ફિનલૅન્ડના રાજદ્વારીઓનું કહેવું છે કે તેમની પાસે લોકોનું ધ્યાન ખેંચવાની આગવી તરકીબ છે
  • એ માટે સંબંધિત લોકો પોતાના શરીર પરનાં તમામ વસ્ત્ર ઉતારવા અને તેમની સાથે સૉનામાં કલાકો વિતાવવા તૈયાર હોવા જરૂરી છે
  • ફિનલૅન્ડના રાજદ્વારીઓ આ કૂટનીતિને ‘ગુપ્ત હથિયાર’ માને છે
  • હવે બ્રિટનમાં પણ આવું જ એક સૉના બનાવવામાં આવ્યું છે
  • સૉના બાષ્પ લેવા માટે બનાવવામાં આવેલી બંધ જગ્યા હોય છે અને તેમાં એકથી વધુ લોકો કલાકો સુધી બેસી શકે છે અને વાતચીત કરી શકે છે
  • બીબીસી સંવાદદાતા જેમ્સ લેન્ડેલ લંડનસ્થિત ફિનલૅન્ડના દૂતાવાસમાં નિર્મિત સૉના સોસાયટીમાં ગયા હતા અને સૉના ડિપ્લોમસી શું છે તથા એ કઈ રીતે કામ કરે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો
બીબીસી ગુજરાતી

ફિનલૅન્ડના રાજદ્વારી અધિકારીઓ આંતરરાષ્ટ્રીય નીતિ વિશેની વાતચીત તથા સમસ્યાઓના નિરાકરણ માટે વર્ષોથી સૉના(બાષ્પ સ્નાનઘર)નો ઉપયોગ એક આરામદાયક સ્થળ તરીકે કરતા રહ્યા છે. હવે બ્રિટનમાં પણ આવું જ એક સૉના બનાવવામાં આવ્યું છે.

બીબીસી સંવાદદાતા જેમ્સ લેન્ડેલ લંડનસ્થિત ફિનલૅન્ડના દૂતાવાસમાં નિર્મિત સૉના સોસાયટીમાં ગયા હતા અને સૉના ડિપ્લોમસી શું છે તથા એ કઈ રીતે કામ કરે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. સૉના બાષ્પ લેવા માટે બનાવવામાં આવેલી બંધ જગ્યા હોય છે અને તેમાં એકથી વધુ લોકો કલાકો સુધી બેસી શકે છે અને વાતચીત કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય શિખર પરિષદ, ઉચ્ચસ્તરીય બેઠકો અને ભવ્ય સ્વાગત સમારંભ (જેમાં મહેમાનોને ઉત્તમ વાઈન તથા ઉત્કૃષ્ટ ચૉકલેટ્સ આપવામાં આવે છે) એમ વિવિધ સ્વરૂપે કૂટનીતિ એટલે મુત્સદ્દીગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ ફિનલૅન્ડના રાજદ્વારીઓનું કહેવું છે કે તેમની પાસે લોકોનું ધ્યાન ખેંચવાની આગવી તરકીબ છે. અલબત, એ માટે સંબંધિત લોકો પોતાના શરીર પરનાં તમામ વસ્ત્ર ઉતારવા અને તેમની સાથે સૉનામાં કલાકો વિતાવવા તૈયાર હોવા જરૂરી છે. ફિનલૅન્ડના રાજદ્વારીઓ આ કૂટનીતિને ‘ગુપ્ત હથિયાર’ માને છે.

અમેરિકાના વોશિંગ્ટન ડીસી અને દુનિયાભરમાં આવેલા ફિનલૅન્ડના દૂતાવાસમાં વર્ષોથી આવી રાજદ્વારી સૉના સોસાયટી અસ્તિત્વમાં છે. લંડન ખાતેના ફિનલૅન્ડના દૂતાવાસના ભોંયરામાં આવી સૉના સોસાયટી ગયા વર્ષે જ ખોલવામાં આવી હતી.

‘સૉના ડિપ્લોમસી’ની તરકીબ આસાન છે. ફિનલૅન્ડના કૂટનીતિજ્ઞો તેમના પરિચિતો તથા મહેમાનોને દૂતાવાસમાં આમંત્રિત કરે છે. પરિચય થયા બાદ લોકો ડ્રિંક લે છે અને પછી સૉનામાં જવાની તૈયારી કરે છે.

મહેમાનોમાં મહિલાઓ સામેલ હોય તો તેઓ પહેલાં જ સૉના તરફ પ્રયાણ કરે છે. તેમનો વારો ખતમ થયા બાદ પુરુષ મહેમાનોનો વારો આવે છે. આખરે બધા લોકો ખાવા-પીવા માટે એકત્ર થાય છે. આને નેકેડ નેટવર્કિંગ કહેવામાં આવે છે અને તે મહદઅંશે પ્રભાવી સાબિત થાય છે.

બીબીસી ગુજરાતી

સમસ્યાના મૂળની શોધ

મહિલા અને પુરુષ સૉનામાં અલગ-અલગ સમય વિતાવે છે
ઇમેજ કૅપ્શન, મહિલા અને પુરુષ સૉનામાં અલગ-અલગ સમય વિતાવે છે

હેલી સોમિનેન બ્રિટનમાં ફિનલૅન્ડનાં પ્રેસ સલાહકાર છે. તેઓ કહે છે કે “ફિનલૅન્ડમાં સૉના બાથ લેવાની પરંપરા છે. તે ફિનલૅન્ડના લોકોના જીવનનો એક જરૂરી હિસ્સો છે.”

તેમના જણાવ્યા મુજબ, સૉના ડિપ્લોમસીનો હેતુ લોકો વચ્ચે વિશ્વાસ વધારવાનો અને મિત્રતા ગાઢ બનાવવાનો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હેલી સોમિનેન કહે છે કે “મોકળાશથી વાત કરવા માટે સૉના બાથમાં સારું વાતાવરણ સર્જાય છે. બધા વસ્ત્રવિહિન અવસ્થામાં હોય છે એટલે સમાન લાગે છે. તમારી મર્યાદા તથા ભૂમિકાને ભૂલવાનું આસાન બની જાય છે. તેથી સમસ્યાના મૂળ સુધી પહોંચી શકાય છે.”

સૉના ડિપ્લોમસી પાછળનો તર્ક એ છે કે વરાળને કારણે શરીર ગરમ થવાથી અને પરસેવો વળવાથી વ્યક્તિને રાહતનો અનુભવ થાય છે. તેનાથી વિશ્વાસ પેદા થાય છે, તણાવ ખતમ થઈ જાય છે અને પારસ્પરિક સંબંધને બહેતર બનાવવાનું આસન થઈ જાય છે.

જોકે, સૉનાના પોતાના સ્પષ્ટ નિયમ છે. તેમાં સૌપ્રથમ સ્નાન કરવાનું હોય છે. પછી સ્વિમસૂટ પહેરવાનો કે શરીર પર ટુવાલ લપેટી લેવાનો હોય છે. પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ સૉનાની વ્યવસ્થા હોય છે અથવા બન્ને અલગ-અલગ સમયે સૉનામાં જાય છે. સૉનામાં પ્રવેશતાંની સાથે જ ગરમ સપાટી સામે રક્ષણ માટે એક ટુવાલ આપવામાં આવે છે. તેને ‘બમ ટોવેલ’ કહેવામાં આવે છે. તેને પહેરીને સપાટી પર બેસી શકાય છે.

મેં એક સાંજે લંડનમાં સૉના ડિપ્લોમસીનો આ રીતે અનુભવ કર્યો ત્યારે મને પણ આવી અનુભૂતિ થઈ હતી. હું સૉનામાં દાખલ થયો ત્યારે થર્મોમીટર મુજબ, અંદરનું તાપમાન લગભગ 80 ડિગ્રી સેલ્સિયસ હતું. અંદર જતાંની સાથે જ પરસેવો થવા લાગે છે અને એ માહોલમાં વાતચીત શરૂ થાય છે. વ્યક્તિએ પોતાની આસપાસ રચેલી દિવાલો એ પછી વાતચીતના ક્રમમાં ઝડપભેર દૂર થતી જાય છે.

બીબીસી ગુજરાતી

અલબત, બધા દેશોમાં આ પ્રકારની સૉના ડિપ્લોમસી ઉપયોગી સાબિત થતી નથી. કેટલાક દેશોમાં સામાન્ય લોકોમાં વસ્ત્ર ઉતારવાનું અસ્વિકાર્ય હોય છે અને બીજા કેટલાક દેશોમાં તો નાનકડા ઓરડામાં અન્યો સાથે બેસવામાં પણ ઘણા લોકો અસહજતા અનુભવતા હોય છે, પરંતુ મેં લંડનના સૉના બાથમાં બેસેલા લોકોને અસહજતાનો સવાલ કર્યો ત્યારે તેમણે તેનો જવાબ નકારમાં આપ્યો હતો.

ફેડરિકો બિયાંચી હાલ લંડનમાં છે અને તેઓ યુરોપિયન સંઘ માટે કામ કરે છે. તેમના વ્યવસાયમાં ઉત્તમ સૂટ અને મોબાઇલ ફોન કૂટનીતિની સામાન્ય બાબત છે. તેમના જણાવ્યા મુજબ, તેમને આ તરકીબ સારી લાગી, કારણ કે તે અલગ છે.

ફેડરિકો બિયાંચી કહે છે કે “આ બહુ અજબ વાત છે કે તમે વસ્ત્રવિહિન અવસ્થામાં હો છો. તમારે તમારા લૂક વડે સામેની વ્યક્તિને પ્રભાવિત કરવાની છે અને સામેની વ્યક્તિ તમારા વસ્ત્રોને આધારે તમારું મૂલ્યાંકન કરશે તેની ચિંતા કરવી પડતી નથી.”

તેમના જણાવ્યા મુજબ, બધો આધાર શબ્દો પર એટલે કે તમે જે બોલો છો તેના પર હોય છે.

ફિનલૅન્ડના રાજનેતાઓએ સૉનાનો ઉપયોગ રીતસર કૂટનીતિ માટે કર્યો હોય એવું પણ બન્યું છે. 1960ના દાયકામાં શીત યુદ્ધ દરમિયાન ફિનલૅન્ડના નેતા ઉર્હો કેકોનિન સોવિયત સંઘના તત્કાલીન રાષ્ટ્રપતિ નિકિતા ખ્રુશ્ચેવને સૉનામાં લઈ ગયા હતા. ત્યાં તેમણે આખી રાત ચર્ચા કરી હતી અને રશિયા ફિનલૅન્ડને પશ્ચિમનો સાથ દેવાની પરવાનગી આપે એ માટે તેમને સહમત કર્યા હતા.

રશિયાના વર્તમાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 2005માં હેલસિંકીની મુલાકાત લીધી ત્યારે તેમણે ફિનલૅન્ડના રાષ્ટ્રપતિ તારિયા હાલોનેનના પતિ સાથે સૉનામાં સમય પસાર કર્યો હતો. તેમણે તેને ‘અદભુત અનુભવ’ ગણાવ્યો હતો.

બીબીસી ગુજરાતી

‘બધાને આ ક્લબનો હિસ્સો બનવાની ઝંખના’

સૉના

જોકે, આજકાલ સૉના ડિપ્લોમસીને સાંસ્કૃતિક સંબંધ સ્થાપિત કરવા સાથે વધુ જોડવામાં આવે છે.

સાના કાંગ્શારજૂ ફિનલૅન્ડના રાજદ્વારી છે. તેઓ હાલ યુરોપિયન સંસદ માટે કામ કરી રહ્યાં છે. તેઓ વૉશિંગ્ટન ડીસીમાં સૉના સોસાયટીનું સંચાલન કરતા હતા. તેમના જણાવ્યા મુજબ, સૉના સોસાયટી બહુ લોકપ્રિય હતી.

સાના કાંગ્શારજૂ કહે છે કે “સૉના સોસાયટી જાણે કે અન્ડરગ્રાઉન્ડ ચીજ બની ગઈ હતી અને દરેકને તેમાં સામેલ થવું હતું. વૉશિંગ્ટનમાં લગભગ તમામ દેશોના દૂતાવાસ આવેલા છે. અમે બધા પત્રકારો તથા કૉંગ્રેસ(સંસદ)માં કામ કરતા લોકોનું ધ્યાન આકર્ષિત કરવા ઇચ્છતા હતા. દરેક વ્યક્તિ તેની સભ્ય બનવા ઇચ્છતી હતી. અમે મહિનામાં માત્ર એક શુક્રવારે સાંજે ફક્ત 25 લોકોને આમંત્રિત કરી શકતા હતા.”

સાના કાંગ્શારજૂ માને છે કે સૉના વિના અમેરિકામાં એક મજબૂત નેટવર્ક તૈયાર કરવાનું તેમના માટે અશક્ય હતું. તેઓ કહે છે કે “લોકો વિશિષ્ટ અનુભવ કરતા ઇચ્છતા હોય છે. તમે ક્યારેય કોઈને મળો તો એવું કહી શકો કે ‘ઓહ, તમે કપડા પહેર્યાં છે એટલે હું તમને ઓળખી શકી નહીં.’ બધાને આ ખાસ ક્લબનો હિસ્સો બનવાની ઝંખના હોય છે.”

હેલી સોમિનેનના જણાવ્યા મુજબ, ઘણા લોકો માટે સૉનાની સાથે એક મુશ્કેલ બાબત જોડાઈ જાય છે અને તે નિશ્ચિત રીતે સેક્સ વિશેની હોય છે. કેટલાક સમાજમાં બન્ને વચ્ચે ગાઢ સંબંધ હોય છે, પરંતુ ફિનલૅન્ડમાં એવું નથી.

તેઓ કહે છે કે “ફિનલૅન્ડમાં સૉના સેક્સ વિનાનું એક એવું સ્થળ છે, જ્યાં તમારી મુલાકાત અન્ય સ્થળો કરતાં પણ વધારે લોકો સાથે થાય છે. આ સ્થળ બધા માટે સલામત હોય છે અને અમારે ત્યાં તેને પવિત્ર ગણવામાં આવે છે. સૉનાનો હેતુ દરેક વ્યક્તિને સહજતા તથા આદરનો અનુભવ કરાવવાનો છે.”

કૂટનીતિની બીજી રીતોમાં ખાવા-પીવાનું સામેલ હોઈ શકે છે. તેમાં કામનો સમય વધવાનો પણ સમાવેશ થાય છે, પરંતુ સૉના ડિપ્લોમસીની એક સાંજ માણ્યા બાદ મને બહુ સારું લાગ્યું હતું. જાણે કે આખા દિવસનો તણાવ પરસેવા સાથે વહી ગયો હતો.

સૉના સોસાયટીમાંથી નીકળતી વખતે મેં તેની સભ્યતાનો સંદેશ સાથે લીધો હતો. તે હતો તેનો મુદ્રાલેખઃ “ઇશ્વરે સૌને સમાન બનાવ્યા છે અને સૉનાથી વધારે સમાનતા ક્યાંય નથી.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી