મરાઠાઓ કુણબી કેમ બનવા માગે છે અને ગુજરાતના કણબીઓ સાથે એમનો શો સંબંધ છે?

ઇમેજ સ્રોત, ani
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલે તેમની ભૂખ હડતાળ ખતમ કરી નાખી છે.
મહારાષ્ટ્ર સરકારે તેમની માગો સ્વીકાર્યા બાદ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ તેમને જ્યૂસનો ગ્લાસ આપ્યો હતો, બાદમાં તેમણે હડતાળ ખતમ કરી નાખી.
એકનાથ શિંદેની મહાયુતિ સરકારે આ મામલે એક અધ્યાદેશ પણ જારી કર્યો છે.
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં પાછલા ઘણા સમયથી ‘મરાઠા અનામત’ની માગણી સમયાંતરે ઉઠાવાય છે. આ મુદ્દો પાછલાં ઘણાં વર્ષોથી મહારાષ્ટ્રના રાજકારણના એક ‘સળગતા પ્રશ્ન’ તરીકે જળવાઈ રહ્યો હતો.
આ આંદોલનમાં કેટલીક જગ્યાએ ‘હિંસા’ના બનાવો પણ નોંધાયા હતા. જેને પગલે કેટલાંક સ્થળોએ કર્ફ્યુ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી.
નોંધનીય છે કે આ આંદોલન થકી આંદોલનકારીઓ મરાઠા માટે ‘અન્ય પછાત વર્ગ’ એટલે કે ઓબીસી કૅટગરીના અનામતના લાભ મળે એ હેતુથી ‘કુણબી જાતિ પ્રમાણપત્ર’ આપવાની માગ કરી રહ્યા છે.
સરકારે 11 સપ્ટેમ્બરના રોજ યોજેલી ઑલ પાર્ટી મિટિંગમાં જસ્ટિસ સંદીપ શિંદેની અધ્યક્ષતામાં એક કમિટીનું નિર્માણ કરી આ માંગસંબંધિત પુરાવા અને રેકર્ડ ચકાસણીની જવાબદારી સોંપાઈ હતી.
નોંધનીય છે કે અમુક વર્ષ પહેલાં ગુજરાતમાં પણ ‘અનામતની માગ’ સાથે પાટીદાર સમુદાયે ‘આંદોલનનો માર્ગ’ પકડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2015માં ‘અન્ય પછાત વર્ગ’માં પાટીદારોને સામેલ કરવાની માગ સાથે હાર્દિક પટેલ અને કેટલાક અન્ય પાટીદાર યુવકોએ ‘પાટીદાર અનામત આંદોલન સમિતિ’ના નેજા હેઠળ આંદોલન ચલાવ્યું હતું, જે દરમિયાન એક રેલીમાં હિંસા ફાટી નીકળતાં 14 યુવાનોનાં મૃત્યુ થયાં હતાં.
ગુજરાતમાં ‘પાટીદાર’ તરીકે ઓળખાતો સમૂહ પોતાને ‘કણબી’ ઓળખાવીને સામાજિક-આર્થિક અને શૈક્ષણિક અભ્યાસ કરી ‘અનામત’ની માગ કરી રહ્યો હતો.
હવે જ્યારે ફરી એક વાર ‘કુણબી’ જાતિ પ્રમાણપત્રની માગ સાથે મરાઠા અનામત આંદોલન શરૂ થયું છે ત્યારે ગુજરાતના ‘કણબી’ અને મહારાષ્ટ્રના ‘કુણબી’માં શું સામ્યતા છે? એ બાબત મનમાં પ્રશ્ન સર્જે એ સ્વાભાવિક છે.
એ પહેલાં જાણીએ ગુજરાતના ‘કણબી’ સમુદાય વિશે.
ગુજરાતના કણબી અને મહારાષ્ટ્રના ‘કુણબી’

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES / GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતના ‘કણબી’ અને મહારાષ્ટ્રના ‘કુણબી’ સમુદાય વચ્ચે રહેલી સામ્યતા અંગે જાણવા અમે તેની ઉત્પત્તિ સાથે સંબંધિત કેટલાંક લખાણોનો સંદર્ભ લીધો હતો.
પટેલ ગોપાલ સોમજી ભગત દ્વારા લિખિત ‘નરવીર કશરા મુખીનું સંક્ષિપ્ત જીવન અને કાર્ય’ પુસ્તકમાં ‘કણબી’ સમૂહની ઉત્પત્તિ અંગે લખાયું છે.
જે અનુસાર “ગુજરાતના કડવા પાટીદાર ભાઈઓમાંથી જે ભાઈઓ કચ્છમાં વસ્યા તેઓ શ્રી કચ્છ કડવા પાટીદાર તરીકે તેમજ ખેતીનું ઉત્તમ કામ કરનારા, જેઓ કણનું બી કરે તેવા કણબી કહેવાયા.”
“પણ કણબી એ કોઈ નાતજાતનું નામ નથી પરંતુ કણનું બી કરે એટલે કણબી એ સૂત્રને આધારે એ વખતે ગુજરાતમાંથી આવેલા શ્રી કડવા પાટીદાર ભાઈઓને કચ્છમાં કણબી તરીકે ઓળખાવા લાગ્યા.”
આ સિવાય કચ્છના કડવા પાટીદાર સમાજનો ઇતિહાસ પુસ્તકના એક લેખ ‘કૂર્મીઓ ક્ષત્રિય છે’માં પણ ‘કણબી’ સમૂહની ઉત્પત્તિ અંગે સ્પષ્ટતા કરાઈ છે.
જે અનુસાર ‘કુમ્બનો અર્થ થાય છે એક ગૃહસ્થ, પશ્ચિમ ભારતની એક મહાન કૃષક જ્ઞાતિ. આ નામ ઉત્તર ભારતમાં કૂર્મી (કૂરમી) રૂપે પણ પ્રચલિત છે. જ્યાં આ જ્ઞાતિના લોકો ગંગા નદીના કિનારા વિસ્તારમાં, તેના તટપ્રદેશમાં તથા દક્ષિણનાં ક્ષેત્રોમાં બહોળી સંખ્યામાં વસેલા છે.’
આ લેખના આગળના ભાગમાં સ્પષ્ટતા કરતાં લખાયું છે કે, “આ જ જ્ઞાતિના લોકોને ગુજરાતમાં કણબી-કુનબી-કૂણી તથા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કુનબી તથા દક્ષિણ ભારતના કુનબીની તુલના મદ્રાસ, તેલુગુ પ્રદેશના નાયડુ, કામ્પૂસ, રેડ્ડી અને અન્યત્ર વિવિધ નામે આ જ્ઞાતિ ઓળખાય છે.”
“પાદરી ડૉ. જ્હોન વિલિયમના મતાનુસાર કુરમી, કુનબી અને કુમ્બી એક જ્ઞાતિના રૂપાંતરિત નામ છે. જોકે, સંસ્કૃત ધાતુ ‘કૂમ’ યા કુલમીથી બને છે. જેનો અર્થ થાય છે કૃષિકાર્ય કરનારા. નૃવંશશાસ્ત્રી સર ડબ્લ્યૂ. વિલિયમ કૂકના મતે કૂરમી એટલે એક મહત્ત્વપૂર્ણ કૃષક જાતિ, જે બધે વસેલી છે.”
આ પુસ્તકના આગળના લેખ ‘પંજાબથી ગુજરાતમાં પાટીદારોનું આગમન’માં કણબી અને પાટીદાર-પટેલ કનેક્શન વધુ સ્પષ્ટ બને છે.
લખાણ પ્રમાણે “કૂર્મી શબ્દનો અર્થ સંસ્કૃત શબ્દકોશમાં જેની પાસે જમીન હોય એ કૂર્મી,” આ પ્રમાણે છે.
“પંજાબના લેયા પ્રદેશમાંથી આવેલા કૂર્મીઓ લેઉઆ કણબી કહેવાયા. કરડ પ્રદેશમાંથી આવેલા કૂર્મીઓ કડવા કણબી કહેવાયા. આ રીતે ગુજરાતના હાલના પાટીદારો લેઉઆ કણબી અને કડવા કણબી કહેવાય છે.”
“પાછલાં કેટલાંક વર્ષોથી સૌરાષ્ટ્ર, કચ્છ, સુરત અને વલસાડના પાટીદારો તેમની જુદી જુદી અટકોનો ત્યાગ કરીને પટેલ અટક લખાવે છે અને જ્ઞાતિમાં લેઉવા કણબી અને કડવા કણબી શબ્દોને બદલે લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર લખાવે છે.”
આમ, સમગ્ર ગુજરાતમાં હાલમાં ‘પાટીદારોની એક જ અટક પટેલ છે.’
ઉપરોક્ત સ્પષ્ટતાઓ પરથી ખબર પડે છે કે ‘કણબી’ કે ‘કુણબી’ અથવા અન્ય કોઈ નામે આ જ્ઞાતિ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં છે, જે મોટા ભાગે ‘ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા’ છે.
‘કુણબી અને કણબી વ્યવસાય અને સામાજિક દરજ્જામાં સમાન’

મહારાષ્ટ્રમાં વસતા વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા સાથે ‘કુણબી અને કણબી’ વચ્ચેનો સામ્ય સમજવા માટે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “ગુજરાતના પાટીદાર એટલે કે કણબી અને મહારાષ્ટ્રના કુણબી એ વ્યવસાય અને સામાજિક દરજ્જાની દૃષ્ટિએ સમાન છે.”
“બંને જ્ઞાતિઓ ખેતી સાથે સંકળાયેલી અને જમીનદાર છે. જોકે, બંને સમુદાયોની ઉત્પત્તિ સમાન છે કે કેમ એ કહેવું થોડું મુશ્કેલ છે.”
તેઓ આ સરખામણી અંગે વધુ સ્પષ્ટતા કરતાં કહે છે કે, “મરાઠા પણ એક રીતે કુણબી જ છે. જેમ ગુજરાતના પાટીદારો કણબી છે અને મોટા ભાગે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ છે, તેવું જ મરાઠા માટે પણ છે.”
મરાઠા અને કુણબી વચ્ચેના સંબંધ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “ઘણી જગ્યાએ મહારાષ્ટ્રમાં મરાઠા લોકો પોતાની જાતને કુણબી કરતાં ઊંચા દરજ્જાના ગણાવે છે. અહીં એક કહેવત પણ છે, જે પ્રમાણે કહેવાય છે કે – જ્યારે કુણબી બે પાંદડે થાય ત્યારે એ મરાઠા બની જાય છે.”
શું બધા મરાઠા કુણબી છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
બ્રિટિશ વહીવટી અધિકારી રૉબર્ટ વૅન રસેલે પોતાના પુસ્તક ‘ધ ટ્રાઇબ્સ ઍન્ડ કાસ્ટ્સ ઑફ ધ સૅન્ટ્રલ પ્રોવિન્સીસ ઑફ ઇન્ડિયા’માં લખ્યું છે કે ‘કુણબી સમુદાય એ મરાઠા છે.’
“મરાઠા સમુદાય એ સૈન્યમાં સેવા આપતો હતો. પરંતુ એ વાતની ઘણી સંભાવના છે કે એ શ્રમિક કુણબી વર્ગમાંથી ઊપજ્યો હોય. આ બંને સમુદાયો અલગ અલગ ક્યારથી ગણાવા લાગ્યા એ અંગે કોઈ ચોક્કસ જાણકારી નથી.”
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ‘કુણબી’ સમુદાયને અનામત અપાઈ છે. જેથી મરાઠા સમુદાય તરફથી પ્રશ્ન ઉઠાવાય છે કે જો આવું હોય તો તેમને કેમ અનામતના લાભ અપાતા નથી.
આ માંગણી વારંવાર ઊઠતી રહે છે.
જેને પગલે 21 માર્ચ 2013ના રોજ તત્કાલીન ઉદ્યોગમંત્રી નારાયણ રાણેના અધ્યક્ષપદે મરાઠાને અનામત આવી જોઈએ કે કેમ એ મુદ્દે અભ્યાસ કરવા સમિતિ નિમાઈ હતી.
આ રિપોર્ટમાં બંને સમુદાયોને એક જ ગણાવાયા હતા. તેથી મરાઠાને પણ કુણબી સમુદાયની માફક અનામત મળવી જોઈએ.
આ સમિતિના અન્ય મુદ્દા નીચે પ્રમાણે હતા.
- મહારાષ્ટ્રની મરાઠા જાતિ શાંતિ સમયે ખેતીનું કામ કરતી પરંતુ યુદ્ધ સમયે તે તેમાં સેવા આપતી. આ વર્ગમાંથી છત્રપતિ શિવાજીએ ‘સ્વરાજ’ની સ્થાપના કરી હતી.
- ‘સ્વરાજ’ અને બાદના સામ્રાજ્યમાં કુણબી મરાઠા સૈન્ય વ્યવસાયમાં વધુ વ્યાપક સ્તરે લઈ ગયા અને પોતાની આવકમાં નોંધપાત્ર વધારો કર્યો. 1818માં બ્રિટિશે મરાઠા સામ્રાજ્યને પોતાને આધીન લાવી દીધો. આમ રેવન્યૂની આવક બંધ થતા આ સમાજ સંપૂર્ણપણે ખેતી પર આધારિત બની ગયો.
- આ રિપોર્ટમાં મહાત્મા ફુલેનું લખાણેય ટાંકવામાં આવ્યું છે. મહાત્મા ફુલે દ્વારા જે ખેડૂતનું વર્ણન કરાયું છે એ કુલવડી એટલે કુણબી છે. મહાત્મા ફુલે દ્વારા ‘શેતક્રેંચા અસૂદ’ અને ‘ઇશારા’ પુસ્તકમાં મુખ્યત્વે મરાઠા કુણબી ખેડૂતનો ઉલ્લેખ કરાયો છે.
- સંત તુકારામ મહારાજના અભંગ ‘બારેન દેવા કુણબી કેલો, નઇ તીરી દામ્ભે હાંતા મેલો’ને ટાંકીને કહેવાય છે કે તુકોબા પણ એક કુણબી ખેડૂત જ હતા.
- વર્ષ 1931માં બ્રિટિશરો અને હૈદરાબાદ સ્ટેટ દ્વારા જાતિ આધારિત વસતિગણતરી કરાવાઈ હતી. જે પ્રમાણે આજના મહારાષ્ટ્રના ભૌગોલિક વિસ્તારમાં મરાઠા અને કુણબીની અનુક્રમે 16.29 ટકા અને 7.34 ટકા વસતિ હતી. 1931 અને 1945 વચ્ચે કુણબી સમુદાયની મોટા ભાગની વસતિએ પોતાની જાતને કુણબી તરીકે ઓળખાવાનું છોડી મરાઠા તરીકે ઓળખાવાનું શરૂ કર્યું.
સમિતિએ કરેલા એક સર્વે અનુસાર રાજ્યમાં મરાઠાની વસતિ 32.14 ટકા હોવાનું કહેવાય છે.
‘મરાઠા અને કુણબી અલગઅલગ છે’

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક લોકો આ બંને સમુદાયો અલગ અલગ હોવાનો પણ મત ધરાવે છે.
સમાજશાસ્ત્રી સંજય સોનવણી પ્રમાણે, “કુણબી અને મરાઠા એક હોવાના દાવામાં સત્ય નથી. આપણે આને વર્ગ તરીકે સમજવાની જરૂર છે. જમીનદારીની નાબૂદી બાદ આ વર્ગે ખેતી કરવાનું શરૂ કર્યું. પરંતુ તેમ છતાં જમીનદાર વર્ગ અને કુણબીમાં ફરક છે.”
“કુણબી એ ખરા અર્થમાં ખેતી સાથે જોડાયેલો સમૂહ છે, જ્યારે જમીન ધરાવનાર લોકો જમીનદાર, વતનદાર કે વહીવટી પદે રહેલા લોકો છે.”
મરાઠા એ જ્ઞાતિ છે કે સમૂહ?
સમાજશાસ્ત્રી સંજય સોનવણી કહે છે કે, “સાતવહનના સમયમાં મહારથી શબ્દ ઉપયોગમાં હતો. એ સમયે ક્ષેત્રો રથ તરીકે ઓળખાતાં. એ હાલના જિલ્લા જેવું જ વિભાગીકરણ હતું. આ ક્ષેત્રોના સરદાર ‘મહારથા’ કહેવાતા. એ એક વહીવટી પદ હતું, જે મૉર્ડન યુગના કલેક્ટર સમાન હતું. આ શબ્દ પરથી જ મરાઠા ઊતરી આવ્યું.”
તેઓ આગળ વાત કરતાં કહે છે કે, “મરાઠા શીર્ષક પહેલાં વંશપરંપરાગત નહોતું. પરંતુ સમય જતાં એ વંશપરંપરાગત બન્યું. ઘણાં વર્ષો સુધી જે લોકો પાસે વહીવટી પદ હોય તેમને જ લગ્ન કરવાની પરવાનગી હતી. આનાકારણે આ શીર્ષકમાં જાતિનાં લક્ષણો ભળી ગયાં. સમય જતાં જમીનદારી નાબૂદ થતા અને જમીન નાની બનતી જતા આ લોકોએ પોતે જ ખેતી કરવાની શરૂઆત કરી દીધી. આપણે એવું કહી શકીએ કે આવા લોકોનો વર્ગ કુણબી તરીકે ઓળખાવા લાગ્યો.”
ડૉ. સદાનંદ મોરે જણાવે છે કે, “બધા મરાઠા એ એક જાતિના છે. જો આપણે એવું કહીએ કે તે જાતિઓનો સમૂહ છે, તો તેમાં અન્ય કઈ જાતિઓ છે એ જણાવવું પડશે. અને જો આપણે એવું કહીએ કે તેમાં ઉપજાતિઓ છે , તો કહેવાશે કે એવું બધી જ્ઞાતિઓમાં છે. બ્રાહ્મણ એ જ્ઞાતિ છે, ના કે સમૂહ. આવી જ રીતે મરાઠા, કુણબી, મરાઠા-કુણબી, 96 કબીલા મરાઠા એ બધા એક મરાઠા જ છે.”














