શું છે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો લાવનારો ‘મરાઠા આંદોલન’?

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC
પાછલા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં ફરી એક વાર ‘મરાઠા અનામત આંદોલન’ અને તેને લગતી માગણીઓએ વેગ પકડ્યો છે.
‘મરાઠા અનામત’ની માગણી સાથે આંદોલનકારી મનોજ જરાંગે પાટીલ ફરી એક વાર ‘અનિશ્ચિતકાળ’ની ‘ભૂખ હડતાળ’ પર બેઠા છે.
મહારાષ્ટ્રના જાલનાના અંતરવાડી સરાઠી ગામે ચાલી રહેલી તેમની ભૂખ હડતાળનો બુધવારે સાતમો દિવસ છે.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ‘મહારાષ્ટ્રના તમામ 48 સાંસદોને રાજીનામું આપવા આહ્વવાન કર્યું હતું.’
નોંધનીય છે કે આંદોલનકારી મનોજ જરાંગેએ ગત 14 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્ય મંત્રી એકનાથ શિંદે સાથે પોતાની માગણીઓ અંગે થયેલી ‘સંતોષકારક ચર્ચા’ બાદ લગભગ 17 દિવસ સુધી ચાલેલી પોતાની ‘ભૂખ હડતાળ’ સમેટી લીધી હતી.
પરંતુ મરાઠાઓને ‘અન્ય પછાત વર્ગ’ એટલે કે ઓબીસી કૅટગરીના અનામતના લાભ મળે એ હેતુથી ‘કુનબી જાતિ પ્રમાણપત્ર’ સરકારને નિર્ણય લેવા માટે આપેલી 40 દિવસની મુદ્દત પૂરી થતાં મનોજે ફરી એક વાર 25 ઑક્ટોબરના રોજ ‘અનિશ્ચિત કાળની ભૂખ હડતાળ’ શરૂ કરી હતી.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ પ્રદર્શનની આગેવાની કરી રહેલા જરાંગે પાટીલને હિંસા બંધ કરવાનું કહેલું. સાથે જ તેમણે સોમવારે કહ્યું કે કુનબી (મરાઠાની એક ઉપજાતિ) માટે નવાં પ્રમાણપત્ર જાહેર કરાશે.
આમ, પાછલા ઘણા દિવસોથી ‘મરાઠા અનામત’નો મુદ્દો રાજ્યમાં વધુ ને વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સોમવારે મરાઠા અનામત આંદોલન રાજ્યના કેટલાક ભાગોમાં ‘હિંસક’ બન્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભાના રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના (અજિત પવારવાળો ફાંટો) ધારાસભ્ય પ્રકાશ સોલંકેના બીડ ખાતેના ઘરે આગચંપી કરાઈ હતી. ઉપરાંત બીડ ખાતેના એનસીપીના કાર્યાલયમાં આગચંપી કરાઈ હતી.
જોકે, મનોજ જરાંગેએ આ તમામ હિંસક ઘટનાઓને ‘પોતાનું સમર્થન ન હોવાની’ વાત કરી હતી. તેમણે આના માટે ‘સત્તાધારી પક્ષ’ પર આરોપ કર્યો હતો.
બીડ જીલ્લામાં મરાઠા અનામત આંદોલન દરમિયાન થયેલી હિંસા મામલે પોલીસે અત્યાર સુધી 99 લોકોની ધરપકડ કરી છે.
આ દરમિયાન રાજ્યમાં સર્વદળોની બેઠક પણ યોજાઈ છે. મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા શરદ પવાર સહિત કેટલાક નેતાઓ બેઠકમાં હાજર થયા છે.
ત્યારે પૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના (ઉદ્ધવ)ને બેઠકમાં નથી બોલાવાવમાં આવી.
બીડની ઘટનાઓને પગલે શહેર અને જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી. તેમજ ધારાશીવ અને બીડ જિલ્લામાં કર્ફ્યુ લાદી દેવાયો હતો.
સોમવારે હિંગોલી ખાતે ભાજપના જિલ્લા કાર્યાલયને આગ ચાંપી દીધી હતી.
આ દરમિયાન મનોજ જરાંગે બુધવારે કહ્યું કે જો અનામતની માગ પૂરી નહીં થાય તો તેઓ બુધવારે સાંજે પાણી પીવાનું બંધ કરી દેશે.
હવે જ્યારે લોકસભાની ચૂંટણી આડે અમુક મહિનાની જ વાર રહી છે ત્યારે મરાઠા અનામત આંદોલન મુદ્દે રાજ્યમાં ફરી એક વાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર વાત ચર્ચામાં આવી છે ત્યારે આ મુદ્દે કુતૂહલ સર્જાય એ સ્વાભાવિક છે. આ અહેવાલમાં જાણીએ આખરે શું છે ‘મરાઠા અનામત આંદોલન?’ અને ‘શું છે એનો ઇતિહાસ?’ એ પહેલાં જોઈએ કે ‘મરાઠા’ કોણ છે?
કોણ છે મરાઠા?

મરાઠા સમુદાય હિંદુ વર્ષ વ્યવસ્થામાં ન તો બ્રાહ્મણ છે, ન ક્ષત્રિય અને ન વૈશ્ય. એટલે મરાઠા ચોથા વર્ણમાં આવે છે એટલે સામાજિક રૂપથી આ સમુદાય પછાત છે. એટલું જ નહીં ત્રણ વર્ણોના લોકો મરાઠાઓને નીચે માનતા આવ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર મરાઠા એ ઐતિહાસિક રીતે એક ‘લડવૈયા’ની જાતિ હોવાનું મનાય છે.
મહારાષ્ટ્રમાં લગભગ ત્રીજા ભાગની વસતિ ‘મરાઠા’ની હોવાનું મનાય છે. મોટા ભાગે આ જાતિમાં ખેડૂતો અને જમીનદારો સમાવિષ્ટ છે.
મોટા ભાગના ‘મરાઠા’ મરાઠી બોલે છે, જોકે, તમામ મરાઠી બોલનારા લોકો એ ‘મરાઠા’ નથી.
મહારાષ્ટ્રમાં આ જાતિ રાજકીય વગ ધરાવે છે. વર્ષ 1960માં રાજ્યના નિર્માણથી શરૂ કરીને અત્યાર સુધી રહેલા 20 મુખ્ય મંત્રી પૈકી 12 ‘મરાઠા’ રહ્યા છે, જેમાં હાલના મુખ્ય મંત્રી શિંદે પણ સામેલ છે.
જમીનમાલિકીના વિભાજન અને ખેતીક્ષેત્રની મુશ્કેલીઓને કારણે પાછલાં ઘણાં વર્ષોથી મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના આ જાતિના લોકોની સમૃદ્ધિમાં ‘નોંધપાત્ર ઘટાડો’ નોંધાયો છે.
‘મરાઠા અનામત આંદોલન’ની શરૂઆત કેવી રીતે થઈ?

મરાઠા અનામત અંગે સંશોધન કરનારા વરિષ્ઠ પત્રકાર સંજય મિસકિને બીબીસી મરાઠીને કહ્યું કે, "મરાઠા અનામત માટે 1981માં સંઘર્ષ શરૂ થયો હતો જે માથાડી લેબર યુનિયનના નેતા અન્નાસાહેબ પાટિલ. અગાઉ મરાઠા સમુદાય ક્યારે અનામત માટે સંઘર્ષમાં નહોતો પડ્યો."
22 માર્ચ 1982ના દિવસે અન્નાસાહેબ પાટિલે મરાઠા અનામતને લઈને પ્રથમ રેલી યોજી હતી, આમાં અન્ય 11 માગો પણ સામેલ કરવામાં આવી હતી. બાબાસાહેબ ભોસલે તે સમયે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી હતા.
મિસકિન કહે છે કે, "મરાઠાની આ રેલી જોઈને સરકારને તેમની સમસ્યાઓનો અંદાજ આવ્યો અને મરાઠા અનામતનો વાયદો આપવામાં આવ્યો."
"જોકે દુર્ભાગ્યવશ સરકાર ખોટી પડી અને અનામતનો નિર્ણય એળે ગયો. બીજા જ દિવસે અન્નાસાહેબ પાટિલે પોતાને ગોળી મારીને આપઘાત કર્યો હતો. તે સમયથી મરાઠા સમુદાય સંગઠિત થવા લાગ્યો."
વર્ષ 1981માં માથાડી લેબર યુનિયન લીડર અન્નાસાહેબ પાટીલે યોજેલી જનરેલીને આ મુદ્દાને રાજકારણના કેન્દ્રમાં લાવવા માટે જવાબદાર મનાય છે.
1997માં મરાઠા મહાસંઘ અને મરાઠા સેવા સંઘ દ્વારા કરાયેલાં આયોજનોમાં સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠા અનામત માટે પ્રથમ વખત મોટા પાયે પ્રદર્શન યોજાયાં. પ્રદર્શનકારીઓ પ્રમાણે મરાઠાએ ઉચ્ચ વર્ણમાં સમાવિષ્ટ જાતિ નહીં પરંતુ ખરેખર કુનબી હતા.
આ શબ્દનો ઉપયોગ પશ્ચિમ ભારતમાં ખેડૂત તરીકે ઓળખ આપવા કરાય છે.
વર્ષ 2008-09માં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શરદ પવાર, વિલાસરાવ દેશમુખ આ માગને અનુમોદન આપી ચૂક્યા છે.
વર્ષ 2009થી 14 સુધી ઘણાં રાજકીય પક્ષો અને સંસ્થાઓ આ માગને પોતાનું સમર્થન વ્યક્ત કરી ચૂક્યાં છે.
ધારાસભાના પ્રયત્નો

ઇમેજ સ્રોત, Getty Images
25 જૂન 2014ના રોજ તત્કાલીન કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીની સરકારે મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચવાણની આગેવાનીમાં સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાનોમાં મરાઠા માટે 16 ટકા અને મુસ્લિમો માટે પાંચ ટકા અનામતની મંજૂરી આપી.
જોકે, 14 નવેમ્બર 2014ના રોજ બૉમ્બે હાઇકોર્ટે આ નિર્ણય પર રોક લગાવી દીધી.
જેના બીજા જ દિવસે તત્કાલીન ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની યુતિ સરકારે નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો.
જોકે, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ નિર્ણય બહાલ રાખ્યો. જાન્યુઆરી 2015માં સરકારે મરાઠા અનામત મામલે હાઇકોર્ટમાં વધુ માહિતી રજૂ કરવાનો નિર્ણય લીધો.
વર્ષ 2016-18 સુધી મરાઠા ક્રાંતિ મોરચા (એમકેએમ)એ આ મુદ્દે રાજ્યવ્યાપી પ્રદર્શનો યોજ્યાં.
જે પૈકી પ્રથમ તબક્કામાં થયેલાં 58 પ્રદર્શનો શાંતિપૂર્ણ રહ્યાં હતાં. જોકે, બીજો તબક્કો ‘ખૂનામરકી’ અને કથિત ‘આત્મહત્યા’નો અંધકારથી ગ્રસ્ત જોવા મળ્યો હતો.
મરાઠા સમૂહોનીં પંઢરપુર ખાતે મિટિંગ યોજાઈ. જેમાં અષાઢી અગ્યારસ નિમિત્તે વિઠ્ઠલ રુકમિણી મંદિર ખાતે તત્કાલીન મુખ્ય મંત્રી ફડણવીસને પૂજા કરતા રોકવાનો નિર્ણય કર્યો.
જૂન 2017માં મહારાષ્ટ્ર સરકારે મરાઠા જાતિના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક દરજ્જાનો અભ્યાસ કરવા માટે રાજ્ય પછાત વર્ગ આયોગની રચના કરી.
જેનો રિપોર્ટ 15 નવેમ્બર 2018 રોજ આવ્યો. જેના અનુસંધાને 30 નવેમ્બર 2018ના રોજ મહારાષ્ટ્ર વિધાનસભામાં 16 ટકા મરાઠા અનામત આપવાની જાહેરાત કરાઈ.
આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાયો.
વર્ષ 2019માં બૉમ્બે હાઇકોર્ટે આ ઍક્ટ અંતર્ગત મરાઠા અનામત ચાલુ રાખી હતી.
જોકે, કોર્ટે પોતાના નિર્ણયમાં કહેલું કે જાતિ માટે 16 ટકાની અનામત એ ‘ન્યાયિક’ નહોતી. અને તેને ઘટાડીને શિક્ષણમાં 12 ટકા અને સરકારી નોકરીઓમાં 13 ટકા કરવાનું ઠરાવ્યું હતું. જે રાજ્યના પછાત વર્ગ કમિશનની ભલામણ પ્રમાણે હતું.
હાઇકોર્ટે એવું પણ ઠરાવ્યું કે કેટલાક વિશિષ્ટ સંજોગો-સ્થિતિ સિવાય અનામતનું કુલ પ્રમાણ 50 ટકા કરતાં વધવું ન જોઈએ.
સુપ્રીમ કોર્ટમાં શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
હાઇકોર્ટના નિર્ણયને જુલાઈ 2019માં સુપ્રીમ કોર્ટમાં પડકારાયો.
મે 2021માં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે મરાઠા અનામત માટેના કાયદાને ગેરબંધારણીય જાહેર કરી દીધો હતો.
આ બેન્ચે એકસૂરે ઠરાવ્યું કે વર્ષ 1992માં ઇંદિરા સાહની કેસમાં આપેલા કોર્ટના નિર્ણય પ્રમાણે અનામતની મર્યાદા (50 ટકા) કરતાં વધારવાની કોઈ આવશ્યકતા નથી.
સુપ્રીમ કોર્ટના અવલોકન મુજબ મરાઠા અનામત બંધારણના અનુચ્છેદ 14 અને 21નું ઉલ્લંઘન છે.














