EWS અનામતઃ ગરીબોના નામે બનેલા કાયદાનો લાભ સૌથી વધુ ગરીબ અને વંચિત લોકોને જ નહીં મળે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાઘવેન્દ્ર રાવ અને શાદાબ નઝમી
- પદ, બીબીસી સંવાદદાતા
આર્થિક રીતે નબળા વર્ગના (ઈડબલ્યુએસ) લોકો માટે અનામતના મુદ્દે પાછલા દિવસોમાં તમે અનેક ચર્ચાઓ જોઈ હશેને તેના વિશે વાંચ્યું હશે. ઈડબલ્યુએસ લોકો નાગરિકો માટે જનરલ કૅટેગરીમાં 10 ટકા અનામત રાખવાના કેન્દ્ર સરકારના નવા કાયદાને યોગ્ય ઠરાવતા સુપ્રીમ કોર્ટના નિર્ણયની સમીક્ષા માટે મધ્ય પ્રદેશ કૉંગ્રેસનાં નેતા ડૉ. જયા ઠાકુરે હાલમાં જ એક અરજી કરી હતી.
આ એ જ ચુકાદો છે, જેમાં સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે નવી અનામતનો લાભ અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગના ગરીબ લોકોને નહીં મળે. સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે આવું નહીં કરવામાં આવે તો પહેલેથી જ અનામતનો લાભ લેતા વર્ગોને “વધારાનો અથવા વધુ પડતો લાભ” મળશે.
બંધારણના ઘડવૈયાઓએ અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે અનામતની વ્યવસ્થા કરવાનું વિચાર્યું હતું ત્યારે તેનો આધાર આર્થિક અસમાનતા નહીં, પરંતુ સામાજિક તથા શૈક્ષણિક પછાતપણાને બનાવ્યો હતો. આ જાતિઓ માટે અનામતનો હેતુ તેમની સાથે થયેલા ઐતિહાસિક અન્યાયનું સાટું વાળી આપવાનો અને ઉચ્ચ જ્ઞાતિ કે વર્ગો સાથે સ્પર્ધા કરવા માટે સમાન તક આપવાનો હતો.
કેન્દ્ર સરકારે 2019માં બંધારણમાં સુધારો કરીને અનામત આપવા માટે આર્થિક સ્થિતિને આધાર બનાવી ત્યારે એવું લાગ્યું હતું કે આ કાયદાથી દેશના તમામ ગરીબોને ફાયદો થશે, પરંતુ ઈડબલ્યુએસ અનામતમાંથી અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગના લોકોને બાકાત રાખવાના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ કાયદો માત્ર ઉચ્ચ જ્ઞાતિના લોકો માટે જ બનાવવામાં આવ્યો છે. આવું કઈ રીતે તે સમજીએ.

ઈડબલ્યુએસ ક્વોટા કોના માટે અને ગરીબ કોણ?

ઇમેજ સ્રોત, Getty Images
ઈડબલ્યુએસ અનામત કાયદાને ધ્યાનથી સમજીએ તો સ્પષ્ટ થાય છે કે આ કાયદો સમાજના સૌથી ગરીબ તથા વંચિત લોકોને લાગુ પડતો જ નથી.
આ અનામતનો લાભ ઉચ્ચ જ્ઞાતિઓના એવા લોકોને મળશે, જેમણે કોઈ સામાજિક ભેદભાવ કે જ્ઞાતિગત ઉત્પીડનનો સામનો કરવો પડ્યો નથી અને એમના પૈકીના મોટાભાગના લોકોની આર્થિક સ્થિતિ બહુ નબળી નથી. અત્યાર સુધી અનામતનો આધાર સામાજિક ભેદભાવને કારણે ઉત્પીડન સહન કરતા લોકો હતા અને તેને બંધારણીય માન્યતા મળી હતી.
આ લોકોની ઓળખ માટે જે શરતો નક્કી કરવામાં આવી છે તે પરથી સ્પષ્ટ થાય છે કે ઊંચી જ્ઞાતિના લોકોનો એક મોટો વર્ગ અનામતનો લાભ લેવાની સ્થિતિમાં આવી જશે. એ વર્ગ જે ગરીબીની પરિભાષા મુજબ પણ ગરીબ નથી.
આ વાત સમજવા માટે કેટલાક આંકડા પર નજર કરીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈડબ્લ્યુએસ ક્વોટાની રચના જેમની વાર્ષિક આવક રૂ. આઠ લાખથી વધારે ન હોય એવા લોકો માટે બનાવવામાં આવ્યો છે. સવાલ એ છે કે વાસ્તવમાં કેટલા ટકા ભારતીયો આ શ્રેણીમાં આવે છે. આ સવાલનો જવાબ આસાન નથી, કારણ કે ભારતમાં ઘરેલુ આવકના ભરોસાપાત્ર આંકડા ઉપલબ્ધ નથી.

માત્ર 2.3 ટકા ભારતીય પરિવારોની વાર્ષિક આવક રૂ. આઠ લાખથી વધુ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકોનૉમીના 2019ના સર્વેક્ષણના આંકડા પરથી જાણવા મળે છે કે દેશના માત્ર 2.3 ટકા પરિવારોની વાર્ષિક આવક રૂ. આઠ લાખથી વધારે છે. બીજા શબ્દોમાં કહીએ તો જે પરિવારોની વાર્ષિક આવક રૂ. આઠ લાખ કે તેથી ઓછી છે એવા પરિવારોનું પ્રમાણ કુલ વસ્તીના 97.7 ટકા છે.
આ 97.7 ટકા વસ્તીમાં તમામ જ્ઞાતિઓનો સમાવેશ થતો હોવાથી જનરલ કૅટેગરીમાંના લોકોની સંખ્યા નક્કી કરવા માટે આ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગના લોકોને અલગ તારવવા પડશે.
2011માં થયેલી વસ્તી ગણતરી મુજબ, દેશની કુલ વસ્તીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોનો હિસ્સો 25.26 ટકા હતો, જ્યારે એનએસએસઓના 2007ના આંકડા મુજબ, અન્ય પછાત વર્ગોની શ્રેણીમાં 41 ટકા લોકો હતા.
આ હિસાબે ભારતની કુલ વસ્તીમાં લગભગ 66 ટકા હિસ્સો અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગના લોકોનો હતો.
2011 પછી દેશમાં વસ્તી ગણતરી થઈ નથી, પરંતુ અલગ-અલગ અનુમાનો મુજબ, 2011થી અત્યાર સુધીમાં આ હિસ્સો વધીને 82 ટકા થઈ ગયો છે.
તેનો અર્થ એ થાય કે દેશની કુલ વસ્તીનો 18 ટકા હિસ્સો જનરલ કૅટેગરીમાં આવે છે.
આ રીતે સ્પષ્ટ થાય છે કે જનરલ કૅટેગરીના 18 ટકા લોકોમાંથી 97.7 ટકા લોકોની વાર્ષિક આવક રૂ. આઠ લાખથી ઓછી છે અને તેઓ ઈડબ્લ્યુએસ અનામતનો લાભ લઈ શકશે.
સરળ શબ્દોમાં કહીએ તો જનરલ કૅટેગરીમાં 2.3 ટકા લોકો ઉપરાંત તમામને ઈડબ્લ્યુએસ અનામતનો લાભ મળશે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ રવીન્દ્ર ભટ્ટે પોતાની અસહમતિ વ્યક્ત કરતા આ ડિસેન્ટિંગ જજમેન્ટમાં ઈડબલ્યુએસ કાયદાને ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે એવું પણ જણાવ્યું હતું કે જે 82 ટકા લોકો આ જોગવાઈનો ફાયદો ઉઠાવી શકે તેમ છે, પરંતુ તેઓ અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગના હોવાથી તેમને અનામતના પરિઘની બહાર રાખવામાં આવી રહ્યા છે.
વાર્ષિક આવકને ઈડબ્લ્યુએસ ક્વોટાનો આધાર બનાવવાથી સર્જાયેલી સ્થિતિને સમજવા માટે આપણે આવકવેરા રિટર્નના આંકડા પણ જોવા જોઈએ.
જોકે, દેશની કુલ વસ્તીનો એક નાનકડો હિસ્સો જ આવકવેરો ચૂકવે છે, પરંતુ કેટલાક આંકડા ચોંકાવનારા છે. 2018-19માં આવકવેરાનું રિટર્ન દાખલ કરનારા 88 ટકા લોકોની કુલ વાર્ષિક આવક રૂ. સાડા નવ લાખથી ઓછી હતી. આનો અર્થ શું થાય?
2018-19માં આવકવેરો ભરતા 5.87 કરોડ લોકો પૈકીના 5.21 કરોડની વાર્ષિક આવક રૂ. સાડા નવ લાખથી ઓછી હતી. તેથી એ ધારવું મુશ્કેલ નથી કે રૂ. આઠ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોની સંખ્યા બહુ મોટી છે અને હવે એ બધા લોકો ઈડબલ્યુએસ અનામતનો લાભ મેળવવાને પાત્ર બની ગયા છે.
વધુ એક રસપ્રદ વાત એ છે કે મદ્રાસ હાઈ કોર્ટની મદુરાઈ ખંડપીઠ સમક્ષ ડીએમકે પક્ષના સભ્ય કુન્નુર શ્રીનિવાસને તાજેતરમાં એક અરજી દાખલ કરીને સવાલ કર્યો હતો કે વાર્ષિક રૂ. આઠ લાખથી ઓછી આવક ધરાવતા લોકો ઈડબલ્યુએસ હોય તો વાર્ષિક રૂ. અઢી લાખથી વધુ આવક ધરાવતા લોકોએ આવકવેરો શા માટે ચૂકવવો જોઈએ? અદાલતે નોટિસ બહાર પાડીને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે.
ઇન્ડિયાસ્પેંન્ડ ડૉટ કૉમ પર પ્રકાશિત એક ઇન્ટરવ્યૂમાં અર્થશાસ્ત્રી પ્રોફેસર અશ્વિની દેશપાંડેએ જણાવ્યું હતું કે, "ઈડબ્લ્યુએસ માટે જે કટ-ઑફ્ફ નિર્ધારિત કરવામાં આવી છે તે ગરીબી રેખાની નીચેના પરિવારો ઉપરાંતના બીજા પરિવારોને પણ તેમાં સામેલ કરે છે. ગરીબી રેખાની નીચેના લોકોને સમાજમાં સૌથી વધુ ગરીબ ગણવામાં આવે છે. તેથી અહીં ચિંતાની વાત એ છે કે વાર્ષિક રૂ. આઠ લાખની આવકના માપદંડને કારણે સૌથી ગરીબ લોકો ઉપરાંત આર્થિક રીતે બહુ નબળા ન હોય એવા લોકોને પણ આ અનામત મેળવવાને પાત્ર બનાવે છે."
સીએમઆઈઈના આંકડાને ટાંકીને પ્રોફેસર અશ્વિની દેશપાંડેએ જણાવ્યું હતું કે, "આ આંકડા એક અન્ય અનુમાન સાથે પણ મેળ ખાય છે. તે મુજબ, 2015માં દેશના તમામ પૈકીના 98 ટકાની વાર્ષિક આવક રૂ. છ લાખ કે તેથી ઓછી હતી."
તેમણે જણાવ્યું હતું કે, "ગરીબી એક ગંભીર સમસ્યા છે. તેનું નિરાકરણ કરવું જોઈએ, પરંતુ ગરીબી દૂર કરવાની યોગ્ય રીત અનામત નથી."
વિખ્યાત અર્થશાસ્ત્રી અને સામાજિક કાર્યકર જ્યાં દ્રેજ કહે છે કે “કથિત ઈડબ્લ્યુએસ ક્વોટા મુખ્યત્વે જનરલ કૅટેગરીના લોકો માટેનો જ ક્વોટા છે, કારણ કે બાકીના લોકોને તેમાંથી બહાર રાખવામાં આવ્યા છે અને આવકની મર્યાદા એવી છે કે જે જનરલ કૅટેગરીમાં બહુ ઓછા લોકોને લાગુ પડતી નથી.”
જ્યાં દ્રેજના કહેવા મુજબ, "અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસીને અનામત આપવાનો આધાર એ છે કે એક તરફ ઐતિહાસિક અન્યાયનો બોજ ઉઠાવવાની સાથે બીજી તરફ તેમની સાથે સતત ભેદભાવ કરવામાં આવતો હોવાથી હકારાત્મક પગલાં લીધા વિના તેમને ન્યાય મળવાની સંભાવના નહિવત્ છે. આ આધાર જનરલ કૅટેગરીના લોકોને લાગુ પડતો નથી."

ગરીબી રેખા નીચે જીવતા ઊંચી જાતિના 18 ટકા લોકોને EWS અનામત, 82 ટકા અન્ય જાતિઓના લોકો તેનાથી બહાર

ઇમેજ સ્રોત, Getty Images
અનામતની વર્તમાન નીતિ હેઠળ આવરી ન લેવાયેલા સામાન્ય વર્ગના આર્થિક રીતે પછાત લોકોને સરકારી નોકરી તથા શિક્ષણમાં અનામત આપવા બાબતે વિચારણા કરવા ભારત સરકારે 2006માં એક પંચની પુનર્રચના કરી હતી.
સેવા નિવૃત્ત મેજર જનરલ એસ. આર. સિન્હો તે પંચના અધ્યક્ષ બન્યા હતા અને સિન્હો પંચે જુલાઈ, 2010માં તેનો અહેવાલ પ્રસ્તુત કર્યો હતો. સુપ્રીમ કોર્ટના હાલના ચુકાદામાં સિન્હો પંચના અહેવાલનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવ્યો છે.
સિન્હો પંચના અહેવાલમાં નેશનલ સૅમ્પલ સરવે ઑફિસ (એનએસએસઓ)ના 2004-05ના જે આંકડાને આધાર ગણવામાં આવ્યા છે તે મુજબ ભારતમાં ગરીબી રેખા હેઠળના લોકોની કુલ સંખ્યા 31.7 કરોડ હતી.
ગરીબી રેખા હેઠળના 31.7 કરોડ લોકો પૈકીના લગભગ 82 ટકા લોકો અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગોના હતા. ઊંચી જ્ઞાતિના 18 ટકા લોકો જ ગરીબી રેખા નીચે હોવાનું જાણવા મળ્યું હતું.
આ આંકડાઓમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે અનુસૂચિત જાતિને પ્રત્યેક 100 લોકોમાંથી 38 ગરીબી રેખાની નીચે હતા. એવી જ રીતે અનુસૂચિત જનજાતિના 100માંથી 48 અને પછાત વર્ગના પ્રત્યેક 100માંથી 33 લોકો ગરીબી રેખાની નીચે હતા.
જનરલ કૅટેગરીના પ્રત્યેક 100માંથી માત્ર 18 લોકો જ ગરીબી રેખાની નીચે હતા.
ગરીબી રેખા નીચેના લોકોને સમાજમાં સૌથી ગરીબ માનવામાં આવે છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે જનરલ કૅટેગરીમાંના સૌથી ગરીબ લોકોનું પ્રમાણ અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગના સૌથી ગરીબ લોકોની સરખામણીએ ઘણું ઓછું હતું.
ભારતમાં આજે પણ 31.7 કરોડ લોકો ગરીબી રેખાની નીચે છે એવું માની લઈએ તો પણ ઈડબલ્યુએસ અનામત હેઠળ સૌથી ગરીબ લોકો પૈકીના 82 ટકા લોકોને તેનો કોઈ લાભ નહીં મળે. એ લાભ માત્ર 18 ટકા લોકોને જ થશે.
આ સ્થિતિમાં એવો સવાલ થવો વાજબી છે કે ઈડબલ્યુએસ અનામત સમાજના સૌથી ગરીબ લોકોના એક મોટા હિસ્સાને નજરઅંદાજ નથી કરતું?

આ અનામતનો લાભ ગરીબ-વંચિતને બદલે સાધન-સંપન્ન લોકોને મળશે?

ઇમેજ સ્રોત, Getty Images
મનોજ મિટ્ટા વરિષ્ઠ પત્રકાર કાયદા, માનવાધિકાર અને જાહેર નીતિ સાથે જોડાયેલા મુદ્દાઓના જાણકાર છે. તેઓ જ્ઞાતિના મુદ્દે ગહન સંશોધન કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, "અનુસૂચિત જાતિ અને જનજાતિમાં જ એવા ગરીબ લોકો છે, જેઓ સ્કૂલમાં ભણેલા કે સારા શહેરમાં રહે છે કે પછી જેમને સરકારી સુવિધાઓ મળે છે એવા અનુસૂચિત જાતિ તથા જનજાતિના અન્ય લોકોને સરખામણીએ પણ આગળ વધી શકતા નથી."
તેમણે કહ્યું હતું કે, “અનુસૂચિત જાતિ અને જનજાતિ બહુ મોટી શ્રેણીઓ છે. તેઓ કુલ વસ્તીના લગભગ 34 ટકા છે. આ શ્રેણીઓના ગરીબ લોકોએ અનુસૂચિત જાતિ અને જનજાતિના સાધન-સંપન્ન લોકોની સાથે મુકાબલો કરવો પડે છે અને તેઓ મોટાભાગે એવું કરી શકતા નથી. ઈડબ્લ્યુએસ શ્રેણી બનાવવામાં આવી ત્યારે આ ગરીબ લોકો તેના સુધી પહોંચી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી ન હતી, કારણ કે ખાસ કરીને ઊંચી જ્ઞાતિઓના ગરીબો માટે રિઝર્વ્ડ છે."
"અનુસૂચિત જાતિ અને જનજાતિમાં જે વધારે પછાત છે અને વસ્તીનો મોટો હિસ્સો છે તેમજ ઊંચી જ્ઞાતિઓની તુલનામાં બહુ વધારે છે, એમને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે."
મનોજ મિટ્ટાના જણાવ્યા મુજબ, "અનુસૂચિત જાતિ અને જનજાતિ શ્રેણીમાં સાધન-સંપન્ન અને ગરીબ લોકો વચ્ચેના અંતર બાબતે અનેક અભ્યાસ થયા છે તેમજ અનેક સૂચનો પણ કરવામાં આવ્યાં છે."
એ પૈકીનું એક સૂચન એવું છે કે અનુસૂચિત જાતિ કે જનજાતિ પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને ક્લાસ-વન કે ક્લાસ-ટુ નોકરીમાં ક્વોટાનો લાભ મળતો હોય તો તે લાભ આપવાનું બે પેઢી બાદ બંધ કરી દેવું જોઈએ. એક એવો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો કે ઓબીસીની માફક અનુસૂચિત જાતિ અને જનજાતિ શ્રેણીઓ માટે પણ ક્રિમી લેયરનો વિચાર અમલી બનાવવાનો વિચાર કરી શકાય.
મનોજ મિટ્ટાએ કહ્યું હતું કે “બીજું સૂચન અનુસૂચિત જાતિ અને જનજાતિમાં ઉપ-શ્રેણીઓ બનાવવાનું હતું, કારણ કે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં કેટલીક મુખ્ય જ્ઞાતિઓ છે, જે મોટાભાગના બેઠકો કબજે કરી લે છે.”
તેનું ઉદાહરણ આપતાં મનોજ મિટ્ટાએ જણાવ્યું હતું કે, "તેલંગણમાં માલા તથા માદિગા સમુદાયોમાં માલા સમુદાયની સ્થિતિ બહેતર ગણવામાં આવે છે, જ્યારે માદિગા સમુદાયે પોતાના માટે અલગ શ્રેણી બનાવવા માટે આંદોલન કર્યું હતું. તેને કારણે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. "

ઈડબ્લ્યુએસ ક્વોટાના અમલ સામેના પડકારો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં અનામત ઘણાં વર્ષોથી ચર્ચાનો મુદ્દો બની રહી છે. જનરલ કૅટેગરી હેઠળના ઘણા લોકોનો, અનામતનો લાભ મેળવતા લોકો પ્રત્યોનો રોષ ઘણીવાર અનુભવાતો રહ્યો છે.
આ રોષ અને વિરોધનું એક ઉદાહરણ 1990માં જોવા મળ્યું હતું. એ વખતે મંડલ પંચ દ્વારા પછાત વર્ગોને 27 ટકા અનામત આપવાની ભલામણના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થયું હતું અને દિલ્હીની એક કૉલેજમાં રાજીવ ગોસ્વામી નામના વિદ્યાર્થીએ આત્મદાહનો પ્રયાસ કર્યો હતો.
ચર્ચાનો એક મુદ્દો એ પણ છે કે આઝાદીનાં 75 વર્ષ સુધી અનામતના અમલ છતાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગના લોકોની સ્થિતિમાં કોઈ સુધારો થયો છે ખરો?
એવી દલીલ વારંવાર કરવામાં આવે છે કે અનામતનો લાભ અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના વગદાર લોકો જ પેઢી દર પેઢી લઈ રહ્યા છે. તમામ વર્ગમાં જે ગરીબ લોકો છે તેમને આજે પણ અનામતનો કોઈ લાભ મળતો ન હોવાનું પણ કહેવામાં આવે છે.
મીડિયાના અહેવાલોમાં એવો ઉલ્લેખ થતો રહ્યો છે કે ઓબીસી શ્રેણી હેઠળની પાંચથી છ હજાર જ્ઞાતિઓમાંથી એક ટકા કરતા પણ ઓછી જ્ઞાતિઓએ કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ તથા સરકારી સેવામાં અનામતના લાભના 50 ટકા હિસ્સા પર પગદંડો જમાવ્યો છે.
મનોજ મિટ્ટાએ જણાવ્યું હતું કે, "સામાજિક તથા શૈક્ષણિક રીતે પછાત લોકો માટે હકારાત્મક કાર્યવાહીઓનો અર્થ ગરીબી ઉન્મૂલન ક્યારેય ન હતો."
તેમણે કહ્યું હતું કે, “તમે ગરીબોની મદદ કરવા ઇચ્છતા હો તો ફી માફ કરી શકો કે વધુ સુવિધાઓ આપી શકો, પરંતુ કટ-ઑફ્ફ ઘટાડવાની, લાયકાતના લઘુતમ ગુણમાં ઘટાડો કરવાની કે અલગ ક્વોટા રાખવાની કોઈ જરૂર નથી.”
તેમના જણાવ્યા મુજબ, "અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી શ્રેણીઓ માટે અનામત રાખવાનું અસાધારણ પગલું, ભારતમાં જ્ઞાતિગત પક્ષપાતની સમસ્યા હોવાને કારણે લેવામાં આવ્યું હતું. તે ઐતિહાસિક ભૂલના નિરાકરણ માટે આ રીત અપનાવવામાં આવી હતી."
સવાલ એ પણ છે કે જ્ઞાતિ આધારિત અનામતના ફાયદા સૌથી ગરીબ લોકો સુધી પહોંચ્યા નથી ત્યારે જનરલ કૅટેગરીના સૌથી ગરીબ લોકો અનામતનો લાભ લઈ શકશે તેવું માનવું કેટલા અંશે યોગ્ય છે? ઈડબ્લ્યુએસ અનામતનો અમલ 2019થી થઈ રહ્યો છે અને સુપ્રીમ કોર્ટમાં આ મામલો વિચારાધીન હોવા છતાં તેના અમલ પર કોઈ પ્રતિબંધ ન હતો, એ યાદ રાખવું જરૂરી છે.
રાજકીય કાર્યકર્તા યોગેન્દ્ર યાદવે તાજેતરમાં ધ પ્રિન્ટ વેબસાઇટ પર પ્રકાશિત થયેલા લેખમાં જણાવ્યું હતું કે, "2019માં આ કાયદો અમલી થયા બાદ કરવામાં આવેલા એક વિશ્લેષણમાંથી જાણવા મળ્યું છે કે જે ઉચ્ચ જ્ઞાતિઓને ઈડબલ્યુએસ ગણવામાં આવે છે એ જ્ઞાતિઓના વિદ્યાર્થીઓનું ઉચ્ચ શિક્ષણની 445 સંસ્થાઓમાં પહેલેથી જ 28 પ્રતિનિધિત્વ ટકા હતું. આ સ્થિતિમાં તેમને અનામતનો લાભ આપવામાં શું ઔંચિત્ય છે, એવો સવાલ યોગેન્દ્ર યાદવે કર્યો હતો."
બીજી વાત. ઈડબલ્યુએસ અનામતનો લાભ લેવા માટેની યોગ્યતા સાબિત કરવા માટે લોકોને કોઈને કોઈ દસ્તાવેજની જરૂર પડશે, પરંતુ સુયોગ્ય દસ્તાવેજ કોઈ આસાનીથી ઉપલબ્ધ કરાવી શકશે ખરું?
દાખલા તરીકે નેશનલ ફૅમિલી હેલ્થ સરવે 2015-16 પર નજર નાખીએ તો ખબર પડે છે કે સૌથી વધુ નબળી આર્થિક સ્થિતિ હોય તેવા પરિવારો પૈકીના લગભગ 40 ટકા પાસે જન્મના પ્રમાણપત્ર સુદ્ધાં ન હતાં.
આમ ઈડબલ્યુએસ અનામતનો હેતુ સામાન્ય શ્રેણીના ગરીબ લોકોને લાભ આપવાનો હોય તો આ શ્રેણીમાંના ગરીબ લોકો માટે પણ તેનો લાભ લેવાનું પડકારરૂપ બની રહેશે.
સામાન્ય શ્રેણીના જે લોકોની વાર્ષિક આવક રૂ. આઠ લાખ સુધીની છે તે લોકો ગરીબી રેખાની નીચે રહેતા લોકોની સરખામણીએ અનામતની આ વ્યવસ્થાનો લાભ વધારે સારી રીતે લેવાની સ્થિતિમાં હોવાની સંભાવના પણ છે.
યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે “આ માત્ર શક્યતા નથી. આ જ તો આખો ખેલ છે. ઈડબ્લ્યુએસ અનામતને વાજબી ઠરાવવાની વાત આવે છે ત્યારે તેનું નૈતિક તથા કાયદાકીય ઔંચિત્ય ગરીબોનાં નામે આપી દેવામાં આવે છે. સવર્ણોમાં પણ ગરીબો છે, એવું કહેવામાં આવે છે, પરંતુ આ નિર્ણયની કડવી હકીકત એ છે કે ગરીબોનાં નામે ઉચ્ચ જ્ઞાતિઓના મધ્યમવર્ગીય પરિવારોને અનામતનો લાભ આપવામાં આવ્યો છે. વાસ્તવમાં તેનો મૂળ હેતુ આ જ હતો.”
યોગેન્દ્ર યાદવના જણાવ્યા મુજબ, ઉંચી જ્ઞાતિનો મધ્યમ વર્ગ અનામતને લીધે લાંબા સમયથી બહુ પરેશાન હતો અને ઘણા વિશેષાધિકાર ધરાવતા લોકો ખુદને પીડિત સમજતા હતા.
યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે “ભારતમાં ઊંચી જ્ઞાતિના મધ્યમવર્ગીય શિક્ષિત વર્ગની આ માનસિકતા બની ગઈ છે. તેને લીધે તેમને એવું લાગે છે કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. હિન્દુ ઊંચી જ્ઞાતિઓના લોકોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના લગભગ 20 ટકા છે. કોઈ પણ સર્વેક્ષણ અથવા પુરાવા જુઓ તો તેઓ દેશના મહત્ત્વનાં પદો પૈકીનાં લગભગ 65થી 80 ટકા પદો પર બેઠેલા છે. તેમ છતાં તેઓ ભેદભાવ અનુભવે છે.”
યોગેન્દ્ર યાદવના જણાવ્યા મુજબ, "અદાલતે આ માનસિકતાનો વર્ષો સુધી વિરોધ કર્યો છે અને અલગ-અલગ ચુકાદાઓમાં જણાવ્યું છે કે આ દેશની વાસ્તવિકતા અલગ છે તેમજ આપણે સ્વીકારવું પડશે કે સમાજમાં ભેદભાવ આજે પણ છે. આપણે તેના માટે જોગવાઈ કરવી પડશે."
તેમણે કહ્યું હતું કે “અહીં એ વાતનો નૈતિક સ્વીકાર કરવામાં આવ્યો છે કે આપણે અસમાન સમાજમાં રહીએ છીએ. તેથી આપણે કેટલીક જોગવાઈઓ કરવાની જરૂર છે, પરંતુ પાછલાં 10-20 વર્ષમાં એવો માહોલ બન્યો છે કે આટલું બધું આપવાની શું જરૂર છે.”
યોગેન્દ્ર યાદવે ઉમેર્યું હતું કે “આ આપણી બંધારણીય વ્યવસ્થા સાથેનો મોટો દગો છે અને સામાજિક ન્યાયની સમજ સાથેની ભદ્દી મજાક છે. મોટી કમનસીબી એ છે કે સુપ્રિમ કોર્ટે તે ભદ્દી મજાક પર પોતાની મંજૂરીની મહોર મારી દીધી છે.”
જ્યાં દ્રેજે કહ્યું હતું કે “જનરલ કૅટેગરીના સાધન-સંપન્ન લોકો ઈડબ્લ્યુએસ ક્વોટાના મુખ્ય લાભાર્થી બને એવી શક્યતા વધારે છે. સામાજિક ન્યાયની વાત દૂર રહી, ગરીબી ઉન્મૂલનની દૃષ્ટિએ પણ ક્વોટાનું મહત્ત્વ બહુ ઓછું હશે. ઈડબ્લ્યુએસ ક્વોટાનો અસલી હેતુ અનામતને ખતમ કરવાનો આધાર તૈયાર કરવાનો હોય એવું લાગે છે.”

ઈડબલ્યુએસ શ્રેણીમાં કોણ-કોણ આવે છે?
કેન્દ્ર સરકારે જે માપદંડ તૈયાર કર્યા છે તે મુજબ, સામાન્ય શ્રેણીના જે લોકોને કોઈ પણ પ્રકારની અનામતનો લાભ નથી મળતો તે લોકો, જો તેમના પરિવારની વાર્ષિક આવક રૂ. આઠ લાખથી ઓછી હશે તો ઈડબલ્યુએસ અનામત માટે લાયક ગણાશે.
જનરલ કૅટેગરીની કોઈ વ્યક્તિના પરિવાર પાસે પાંચ એકર કે તેથી વધુ ખેતીની જમીન હશે, 1,000 ચોરસફૂટ કે તેથી મોટું નિવાસસ્થાન હશે, નગરપાલિકાઓમાં 100 ગજ કે તેથી વધુ મોટો જમીનનો પ્લૉટ હશે અથવા નગરપાલિકાઓ સિવાયના અન્ય ક્ષેત્રોમાં 200 ગજ કે તેથી મોટો જમીનનો આવાસી પ્લૉટ હશે તો તેમને ઈડબલ્યુએસ અનામત માટે લાયક ગણવામાં આવશે નહીં.
સરકારે એવી સ્પષ્ટતા પણ કરી છે કે કોઈ પરિવારની અલગ-અલગ જગ્યાએ કે શહેરોમાં જમીન કે સંપત્તિ હશે તો એ બધાનો સરવાળો કરીને તેઓ ઇડબલ્યુએસ હેઠળ આવે છે કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે.
આ માપદંડ તૈયાર તો કરી નાખવામાં આવ્યા છે, પરંતુ જ્ઞાતિ આધારિત, લેટેસ્ટ વિશ્વાસપાત્ર ડેટાનો અભાવ છે ત્યારે સૌથી મોટો પડકાર, આર્થિક રીતે નબળા વર્ગના લોકોની સાચી સંખ્યા જાણી શકાય એટલા માટે તમામ જ્ઞાતિઓના લોકોનું અસલી પ્રમાણ જાણવાનો હશે.
અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગોની સંખ્યા વિશેના સત્તાવાર આંકડા છેલ્લે 2011ની વસ્તી ગણતરીને કારણે જ જાણવા મળ્યા હતા.
જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની માગ છેલ્લાં કેટલાંક વર્ષોથી થતી રહી છે. તેમાં વિરોધ પક્ષો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની તરફેણ કરતી રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવા ઈચ્છુક દેખાતી નથી.
ભારતીય બંધારણના ઘડવૈયાઓએ કેટલીક જ્ઞાતિઓને અનામતનો લાભ આપવા બાબતે દાયકાઓ પહેલાં વિચાર્યું હતું તેનો હેતુ એ લોકોને શિક્ષણ તથા રોજગારમાં પૂરતું પ્રતિનિધિત્વ આપવાનો હતો, અનામતની તે જોગવાઈ આર્થિક આધારે નહીં, પરંતુ સામાજિક તથા શૈક્ષણિક પછાતપણાના આધારે કરવામાં આવી હતી.
ઈડબલ્યુએસ ક્વોટાની જોગવાઈ માત્ર આર્થિક આધારે કરવામાં આવી છે. તેમાં પહેલી નજરે એવું જરૂર લાગે છે કે આ વ્યવસ્થા દેશના ગરીબો માટે સંજીવનીનું કામ કરશે, પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે આ કાયદાએ દેશની વસ્તીના એક બહુ મોટા અને આર્થિક રીતે સૌથી નબળા વર્ગને હાંસિયામાં ધકેલી દીધો છે. તેના દ્વારા રાજકીય હિત સાધવાના ઇરાદા બાબતે પણ સવાલ ઊઠી રહ્યા છે.














