વર્જિન બર્થઃ સેક્સ વિના બચ્ચાને જન્મ આપી શકે તેવા સૌપ્રથમ પ્રાણીના સર્જનની કહાણી

આ માખી વર્જિન બર્થ થકી ગર્ભધારણ કરવામાં સક્ષમ છે

ઇમેજ સ્રોત, JOSE CASAL AND PETER LAWRENCE/CURRENT BIOLOGY

ઇમેજ કૅપ્શન, આ માખી વર્જિન બર્થ થકી ગર્ભધારણ કરવામાં સક્ષમ છે
    • લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
    • પદ, .

માણસ સહિતનાં તમામ પ્રાણીઓમાં પ્રજોત્પતિ માટે જાતીય સમાગમ અનિવાર્ય છે. તેમાં માદાનાં ઈંડાને નરના શુક્રાણુ વડે ફર્ટિલાઈઝ કરવા જરૂરી છે.

કેટલાંક પ્રાણીઓ, મુખ્યત્વે નીચા અથવા એકકોષીય સજીવો પ્રજનન વિના પ્રજોત્પતિ કરતાં હોય છે. એ પ્રક્રિયામાં ઈંડાં કે શુક્રાણુનું મિશ્રણ થવું જરૂરી નથી. એક જ કોષની ભાગીદારીથી નવો જીવ બને છે, જે બે કે તેથી વધુ કોશિકામાં વિભાજિત હોય છે અને તેના વંશજ આનુવંશિક તથા શારીરિક રીતે સમાન હોય છે, કથિત ક્લૉન હોય છે.

પ્રજનનનો આ પ્રકાર મુખ્યત્વે અમિબા કે બૅક્ટેરિયા જેવા નીચા અથવા એકકોષીય સજીવોમાં જોવા મળે છે, પરંતુ આ પ્રકારના અસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં જીવના જન્મનો એક ઔર પ્રકાર પણ છે અને તેને વર્જિન બર્થ કહેવામાં આવે છે.

તેમાં શુક્રાણુની જિનેટિક માહિતીની જરૂર પડતી નથી, પરંતુ અસેક્સ્યુઅલ રિપ્રોડક્શનના અન્ય સ્વરૂપથી વિપરીત, ઈંડાંની જરૂર પડે છે. માદા એવાં ઈંડાં મૂકે છે, જે ફર્ટિલાઈઝ થયા વિના ગર્ભ તરીકે વિકસી શકે છે. તે આનુવાંશિક રીતે માતા જેવાં હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે.

તેને પાર્થેનોજેનેસિસ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા પ્રાણી વિશ્વમાં, ખાસ કરીને શરીર પર જાડા ભીંગડા ધરાવતાં પ્રાણીઓ, જંતુઓ, ઉભયજીવીઓ, સરિસૃપ અને પક્ષીઓમાં પણ વારંવાર જોવા મળે છે.

દાખલા તરીકે, ગયા જૂનમાં મગરમાં વર્જિન બર્થનું સૌપ્રથમવાર દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. કોસ્ટારિકાના પ્રાણી સંગ્રહાલયમાં 16 વર્ષથી એકલી રહેતી એક માદા મગર જાતે જ ગર્ભવતી થવામાં સફળ થઈ હતી.

એ મગરે મૂકેલાં ઈંડાંમાં સંપૂર્ણરીતે વિકસિત ગર્ભ હતો. તે આનુવાંશિક રીતે તેની માતા જેવો જ હતો અને તેમાં નર મગરના હસ્તક્ષેપના કોઈ પુરાવા ન હતા.

ગ્રે લાઇન

‘પ્રેરિત’ વર્જિન બર્થ

 ડ્રોસોફિલા મેલાનોગાસ્ટર નામની આ માખીને પ્રજોત્પતિ માટે સામાન્ય રીતે નરની જરૂર પડતી હોય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડ્રોસોફિલા મેલાનોગાસ્ટર નામની આ માખીને પ્રજોત્પતિ માટે સામાન્ય રીતે નરની જરૂર પડતી હોય છે

સામાન્ય રીતે જાતીય સમાગમ દ્વારા પ્રજોત્પતિ કરતી ડ્રોસોફિલા મેલાનોગાસ્ટર નામની એક માખી દ્વારા વર્જિન બર્થ કરાવવામાં વિજ્ઞાનીઓની એક ટૂકડી હવે સફળ થઈ છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતેના સંશોધકોના જણાવ્યા મુજબ, માખીની આ પ્રજાતિને પ્રજોત્પતિ માટે સામાન્ય રીતે નરની જરૂર પડતી હોય છે, પરંતુ આ પ્રજાતિની માખીમાં ઈંડાંને શુક્રાણુ દ્વારા ફર્ટિલાઈઝ કર્યા વિના બચ્ચાંને જન્મ અપાવવામાં તેઓ સફળ થયા છે. એટલું જ નહીં. તેઓ એવી ક્ષમતાને પેઢી-દર-પેઢી હસ્તાંતરિત કરવા માટે અન્ય પ્રજાતિઓને આનુવંશિક રીતે સંશોધિત કરવામાં પણ તેઓ સફળ થયા છે.

કરન્ટ બાયૉલૉજી જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસને લેખક ડૉ. ઍલેક્સિસ સ્પેર્લિંગ કહે છે, “પ્રાણીઓમાં વર્જિન બર્થ કરાવી શકાય છે, તે અમે સૌપ્રથમ પુરવાર કર્યું છે. વર્જિન માખી વયસ્ક થવા સક્ષમ હોય તેવું ભ્રૂણ પેદા કરે છે અને તે પ્રક્રિયાનું પુનરાવર્તન કરી શકે છે, એ જોવાનું બહુ રોમાંચક હતું.”

વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે આ સંશોધન છ વર્ષ સુધી હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં 2,20,000 માખીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિજ્ઞાનીઓએ પ્રથમ ડ્રોસોફિલા મર્કેટોરમ નામની પ્રજાતિની માખી અને પાર્થેનોજેનેસિસ દ્વારા પ્રજનન કરવાની તેની ક્ષમતાનું પરીક્ષણ કર્યું હતું.

માખીના જિનોમનું સિક્વન્સિંગ કરીને તથા વર્જિન બર્થ સાથે સંકળાયેલા જિન્સને ઓળખીને સંશોધકો ડ્રોસોફિલા મેલાનોગાસ્ટર નામની બીજી પ્રજાતિની માખીમાં સંબંધિત જિન્સ શોધવામાં સફળ થયા હતા. બાદમાં તે જિન્સને સક્રિય કરવા માટે તેમણે બદલી નાખ્યા હતા.

તેમણે કરેલા પ્રયોગોમાં બીજી પેઢીની માદા માખીઓ પૈકીની માત્ર 1-2 ટકા માખીઓ જ વર્જિન બર્થ માટે સક્ષમ હતી અને આજુબાજુ કોઈ નર માખી ન હતી ત્યારે આ શક્ય બન્યું હતું. નર માખી ઉપલબ્ધ હોય ત્યારે માદા માખી તેની સાથે સંભોગ કરે છે અને રાબેતા મુજબ બચ્ચાંને જન્મ આપે છે.

ડૉ. સ્પર્લિંગ કહે છે, “અમારી જિનેટિકલી એન્જિનિયર્ડ માદા માખીઓ તેમના જીવનનો અર્ધો સમય, આશરે 40 દિવસ સુધી નર માખીની રાહ જોતી રહી હતી. આખરે તેમણે આશા છોડી દીધી હતી અને વર્જિન બર્થ તરફ પ્રયાણ કર્યું હતું.”

વિજ્ઞાનીઓ જણાવે છે તેમ, વર્જિન બર્થ તરફ પ્રયાણ કરવું તે જીવતા રહેવાની વ્યૂહરચના હોઈ શકે છે. વર્જિન બર્થની એક જ પેઢી પ્રજાતિના અસ્તિત્વને જાળવી રાખવામાં મદદ કરી શકે છે, પરંતુ સંશોધકો જણાવે છે, વર્જિન બર્થ સાથે કેટલીક સમસ્યા પણ સંકળાયેલી છે, કારણ કે તેનાથી પર્યાવરણ સંબંધી દબાણનો સામનો કરવાની પ્રજાતિઓની ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે.

ડૉ. સ્પેર્લિંગ સમજાવે છે, “જંતુઓ સતત વર્જિન બર્થ આપતાં રહે તો તેઓ આ રીતે જ પ્રજોત્પતિ કરતાં રહે. તે ખેતી માટે વાસ્તવિક સમસ્યા બની શકે, કારણ કે માદાઓ માત્ર માદાને જ જન્મ આપે છે. તેથી તેમની પ્રસાર ક્ષમતા બમણી થાય છે.”

ગ્રે લાઇન

જાણીતી પ્રજાતિઓ

 ગયા જૂનમાં મગરમાં વર્જિન બર્થનું સૌપ્રથમવાર દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગયા જૂનમાં મગરમાં વર્જિન બર્થનું સૌપ્રથમવાર દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું

આ શોધની કેન્દ્રસ્થ બાબત એ છે કે આ કામ ડ્રોસોફિલા મેલાનોગાસ્ટર પ્રજાતિની માખી પર કરવામાં આવ્યું હતું. આ પ્રજાતિના જિન્સ જાણીતા છે, કારણ કે આનુવાંશિક સંશોધન માટે તે 100 વર્ષથી વધુ સમયથી ‘મૉડલ ઓર્ગેનિઝમ’ છે.

ગરોળી અને મધમાખી જેવાં પ્રાણીઓમાં પણ પાર્થેનોજેનેસિસ જોવા મળ્યું છે, પરંતુ સંશોધકો ભારપૂર્વક જણાવે છે કે આ અભિગમ અન્ય પ્રાણીઓમાં ઉપયોગી થઈ શકે તેવી શક્યતા નથી. જેમ કે, સસ્તન પ્રાણીઓમાં પ્રજનન માટે માતા અને પિતા બન્નેના જીનોમ જરૂરી હોય છે.

આ અભ્યાસ દર્શાવે છે કે પક્ષીઓ, ગરોળી અને સાપ સહિતનાં કેટલાંક પ્રાણીઓની ઈંડાં આપતી માદાઓ નર વિના પ્રજોત્પતિ કરવા તરફ વળી શકે છે, પરંતુ જાતીય સમાગમ દ્વારા પ્રજોત્પતિ કરનારાં પ્રાણીઓમાં વર્જિન બર્થ સામાન્ય રીતે દુર્લભ હોય છે. તે મુખ્યત્વે પ્રાણી સંગ્રહાલયોમાં જ જોવા મળે છે અને માદા લાંબા સમયથી એકલી હોય અને તેને સંવનન માટે નર મળવાની આશા નહીંવત્ હોય ત્યારે એવું થાય છે.

સંશોધકો જણાવે છે તેમ, આ અભ્યાસ પ્રાણી જગતમાં પ્રજનન અને ખાસ કરીને પાર્થેનોજેનેસિસ વિશેની, તેના ફાયદા વિશેની અને તેની સાથે સંકળાયેલી સંભવિત સમસ્યાઓ વિશેની સમજ બહેતર બનાવવામાં મદદરૂપ થશે.

રેડ લાઇન
રેડ લાઇન