અમેરિકામાં આજે ચૂંટણી : ટ્રમ્પ જીત્યા કે હૅરિસ, એ આપણને ક્યારે ખબર પડશે?

વ્હાઇટ હાઉસની તસવીર
    • લેેખક, સૅમ કૅબરાલ
    • પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગ્ટન

મંગળવાર તા. પાંચમી નવેમ્બરના રોજ અમેરિકામાં સામાન્યચૂંટણી યોજાશે. જેમાં અમેરિકનો આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી કરશે.

મતદાન પૂર્ણ થયા બાદ વિજેતાનું નામ જાહેર થવામાં કલાકો, દિવસો કે અઠવાડિયાં પણ લાગી શકે છે.

ઉમેદવારો વચ્ચેની સ્પર્ધા કેટલી રસાકસી ભરેલી છે, તેના આધારે ચિત્ર સ્પષ્ટ થવામાં સમય લાગતો હોય છે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલમાં જોડાઓ
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ટ્રમ્પ કે હૅરિસ, પરિણામ ક્યારે

ડેમૉક્રૅટિક પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસને ઉમેદવાર બનાવ્યાં છે, જ્યારે રિપબ્લિકન પાર્ટીએ સતત ત્રીજી વખત ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર વિશ્વાસ મૂક્યો છે.

છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી વર્તમાન ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિની વચ્ચે ભારે રસાકસી પ્રવર્તી રહી છે.

જેમ-જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તેમ-તેમ રાષ્ટ્રીય તથા ચૂંટણીપરિણામોને નિર્ધારિત કરતાં સાત સ્વિંગ રાજ્યોમાં બંને ઉમેદવારો વચ્ચેની સ્પર્ધા ખૂબ જ સઘન બની રહી છે.

આથી, વિજય અને પરાજય વચ્ચેનો તફાવત ખૂબ જ પાતળો હોઈ શકે છે. અનેકસ્થળોએ પુનઃમતગણતરીની પણ જરૂર પડી શકે છે.

સાત સ્વિંગ રાજ્યો સહિત અનેક રાજ્યોએ વર્ષ 2020ના ઇલૅક્શન પછી પોતાની ચૂંટણીપ્રક્રિયામાં ફેરફાર કર્યા છે. જેના કારણે પણ આ વખતે ચૂંટણીપરિણામો મોડાં આવે તેવી શક્યતા રહેલી છે.

બીજી બાજુ, મિશિગન જેવાં સ્થળોએ મતગણતરીની ઝડપ વધારી દેવામાં આવે છે. ગત વખતે કોવિડની મહામારી વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, એટલે આ વખતે ટપાલથી પ્રમાણમાં ખૂબ જ ઓછા મત પડશે.

જેના કારણે સંભવતઃ મતદાનના દિવસે જ રાત્રે કે વહેલી સવારે વિજેતા જાહેર થઈ જશે. જોકે મતગણતરીની પ્રક્રિયા દિવસો અને અઠવાડિયાં સુધી ચાલી શકે છે.

ગત ચૂંટણીનાં પરિણામો ક્યારે આવ્યાં હતાં?

જો બાઇડન અને કમલા હૅરિસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોના કાળમાં ભારે નિયંત્રણોની વચ્ચે જો બાઇડનની શપથવિધિ યોજાઈ હતી

અમેરિકાની છેલ્લી ચૂંટણી કોરોનાકાળમાં તા. ત્રીજી નવેમ્બરના રોજ યોજાઈ હતી. એ સમયે રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ તથા વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે મુખ્ય મુકાબલો હતો.

એ સમયે અમેરિકાનાં ટીવી નેટવર્કસે છેક તા. 7 નવેમ્બરના મોડી સવારે ડેમૉક્રૅટિક પાર્ટીના ઉમેદવાર બાઇડનને વિજેતા જાહેર કર્યા હતા.

પહેલી રાત્રે ટ્રમ્પના સમર્થકોને લાગ્યું હતું કે વિજય નિશ્ચિત છે. એટલે સુધી કે બંને ઉમેદવાર રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી 270 ઇલેક્ટોરલ કૉલેજ વૉટની નજીક હતા.

મોટાભાગનાં રાજ્યોએ 24 કલાકની અંદર જ પરિણામ જાહેર કરી દીધાં હતાં. જોકે, પૅન્સિલ્વેનિયા અને નૅવાડા જેવાં રાજ્યોમાં મતગણતરીમાં સમય લાગી ગયો હતો.

પૅન્સિલ્વેનિયામાં 19 ઇલેક્ટોરલ વોટ છે. અહીં ડેમૉક્રૅટિક સતત આગળ ચાલી રહ્યા હતા. શનિવારે સવારે જ્યારે નવા મત ખૂલ્યા, ત્યારે ટેલિવિઝન નેટવર્ક્સને વિશ્વાસ બેઠો કે બાઇડન ચૂંટણી જીતી જશે.

સૌ પહેલાં સીએનએને ચૂંટણીપરિણામ જાહેર કર્યાં. એ પછી લગભગ 15 મિનિટની અંદર જ અન્ય ટીવી નેટવર્ક્સે તેનું અનુસરણ કર્યું હતું.

સામાન્યતઃ પરિણામો ક્યારે જાહેર થાય?

સામાન્યતઃ મતદારો ચૂંટણીના દિવસે રાત્રે ઊંઘવા જાય ત્યાર સુધીમાં કે બીજા દિવસે વહેલી સવાર સુધીમાં આગામી રાષ્ટ્રપતિ કોણ હશે તેના વિશેનો અંદાજ આવી જતો હોય છે.

વર્ષ 2016માં ટ્રમ્પ પહેલી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. એ સમયે આંતરરાષ્ટ્રીય સમય (જીએમટી) મુજબ સવારે સાત વાગ્યે (ભારતીય સમય સાડા પાંચ કલાક આગળ) ટ્રમ્પને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

વર્ષ 2012માં બરાક ઓબામા બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા હતા. એ સમયે મતદાનના દિવસે અડધી રાત પહેલાં જ તેઓ વિજેતા થશે તે સ્પષ્ટ થઈ ગયું હતું.

અમેરિકાના તાજેતરના ઇતિહાસમાં વર્ષ 2000ના ઇલૅક્શન દરમિયાન જ્યૉર્જ ડબલ્યુ બુશ તથા જૉન કેરી વચ્ચેનો ચૂંટણીજંગ અપવાદરૂપ હતો.

બંને ઉમેદવારો વચ્ચે ફ્લૉરિડામાં ભારે ચૂંટણીજંગ જામ્યો હતો. અમેરિકાની સુપ્રીમ કોર્ટે તા. 12મી ડિસેમ્બરે ફ્લૉરિડામાં મતગણતરી અટકાવી હતી અને વિજેતા નક્કી થયા હતા. એ ચૂંટણીમાં બુશ વિજેતા જાહેર થયા હતા અને રાષ્ટ્રપતિ બન્યા હતા.

કયા રાજ્યોમાં રસાકસીની શક્યતા?

પ્લાકાર્ડ સાથે અમેરિકન મતદાતાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મતદાન પહેલાં જ અમેરિકાની અદાલતોમાં 100 જેટલા કેસ દાખલ થઈ ગયા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકામાં મતદાનના દિવસે સૌ પહેલાં આંતરરાષ્ટ્રીય સમય મુજબ રાત્રે 10 વાગ્યે મતદાન અટકશે. અને છેલ્લો મત બુધવારે સવારે પાંચ વાગ્યે (જીએમટી) મુજબ પડશે. સૌ પહેલાં આંતરરાષ્ટ્રીય સમય મુજબ રાત્રે મતદાન અટકશે.

ઍરિઝોના, જ્યૉર્જિયા, મિશિગન, નૅવાડા, નૉર્થ કૅરોલાઇના, પૅન્સિલ્વેનિયા તથા વિસ્કોન્સિન એ સાત રાજ્ય છે, જેમને સ્વિંગ સ્ટેટસ તરીકે ઓળખવામાં આવે છે.

બપોરે સાડા ચાર વાગ્યે (ભારતીય સમય અનુસાર) – જ્યૉર્જિયા સહિત છ રાજ્ય અને ત્રણ રાજ્યોમાં અમુક સ્થળોએ મતદાન પૂર્ણ થશે. આ સમયે અમેરિકામાં રાત હશે અને ત્યાંની ટીવી ચેનલો જાહેરાત શરૂ કરશે. સામાન્યતઃ આ શરૂઆત કૅન્ટકી જેવા રાજ્યોથી થાય છે, જ્યાં સ્પર્ધા ખૂબ જ નહિવત્ હોય છે.

સાંજે પાંચ વાગ્યે (ભારતીય સમય મુજબ) – નૉર્થ કૅરોલાઇના ઉપરાંત ત્રણ રાજ્યોમાં મતદાન પૂર્ણ થશે. વર્ષ 2008થી નૉર્થ કૅરોલાઇનામાં ડેમૉક્રૅટિક પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવારોએ નબળું પ્રદર્શન કર્યું છે. કમલા હૅરિસને આશા છે કે અહીં તેમનું પ્રદર્શન સારું હશે.

મધ્યરાત્રિ (જીએમટી) – પૅન્સિલ્વેનિયા સહિત 17 રાજ્યોમાં પૂર્ણપણે તથા મિશિગન સહિત પાંચ રાજ્યમાં આંશિકપણે મતદાન પૂર્ણ થશે.

સવારે એક વાગ્યે (જીએમટી) – મિશિગનમાં મતદાન પૂર્ણ થશે. આ સિવાય ઍરિઝોના, વિસ્કૉન્સિન તથા અન્ય 12 રાજ્યોમાં પણ ચૂંટણી પૂર્ણ થશે.

સવારે બે વાગ્યે (આંતરરાષ્ટ્રીય સમય) – નૅવાડા તથા બે અન્ય રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થશે. આ સિવાય બે અન્ય રાજ્યોમાં ચાલી રહેલું આંશિક મતદાનમતદાન પૂર્ણ થશે.

મતગણતરી કેવી રીતે થાય છે?

મતગણતરીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગત ચૂંટણી સમયે કોવિડ 19ના સઘન પ્રોટોકૉલ વચ્ચે મતગણતરી યોજાઈ હતી

સામાન્ય રીતે ચૂંટણીના દિવસે જે મત પડ્યા હોય, તેની ગણતરી સૌ પહેલાં થાય છે. એ પછી અગ્રીમ મતદાન, ટપાલ બૅલેટ, વાદગ્રસ્ત મત, એ પછી વિદેશથી પડેલા અને સૈન્યકર્મીઓના બૅલેટની ગણતરી થાય છે.

સ્થાનિક ચૂંટણી અધિકારીઓ મતોને વૅરિફાઈ કરવાનું, જરૂરી વહીવટી પ્રક્રિયા કરવાનું અને ગણતરીનું કામ કરે છે, જેને 'કૅન્વાસિંગ' તરીકે ઓળખવામાં આવે છે. અમુક સંજોગોમાં આ ચૂંટણી અધિકારીઓની નિમણૂક થઈ હોય છે, તો કેટલાક કિસ્સામાં તેમને ચૂંટવામાં આવે છે.

બૅલેટ વૅરિફિકેશનમાં જેટલા મત પડ્યા હોય, તેમની સંખ્યાને સક્રિય મતદારોના આંકડા સાથે સરખાવવા, દરેક બૅલેટને કાઢવા, ગડી ખોલવી તથા ચકાસણી કરવા જેવી કામગીરી કરવામાં આવે છે. બૅલેટપત્ર ફાટેલું-તૂટેલું, ડાઘાવાળું કે અન્ય કોઈપણ પ્રકારે નુકસાન થયું હોય તો તેનું અવલોકન કરવામાં આવે છે. તેની નોંધ કરવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિયમિતતા હોય તો તેની તપાસ કરી શકાય.

દરેક બૅલેટને ઇલેક્ટ્રૉનિક મશીન સામે સ્કૅન કરવામા આવે છે, જે પરિણામોને ગોઠવી આપે છે. અમુક સંજોગોમાં હાથેથી ગણતરી કરવાની જરૂર પડે છે અથવા તો આંકડાનો ફરીથી તાળો મેળવવામાં આવે છે.

કોણ મતગણતરી કરી શકે, કયા ક્રમમાં મતોની ગણતરી કરવી અને પ્રૉસેસ કરવા, કયો ભાગ સાર્વજનિક જાહેરજનતા માટે ખુલ્લો રહેશે, પક્ષના નિરીક્ષકો કેવી રીતે ચૂંટણીપ્રક્રિયાનું નિરીક્ષણ કરી શકે, તથા કયા સંજોગોમાં દરમિયાનગીરી કરી શકે તેના વિશે દરેક રાજ્ય તથા સ્થાનિક સ્તરે અલગ-અલગ નિયમ હોઈ શકે છે.

કયા સંજોગોમાં પરિણામ મોડાં થશે?

કૅપિટલ હિલ્સમાં હુલ્લડ સમયની તસવીર

ઇમેજ સ્રોત, Igor Bobic

ઇમેજ કૅપ્શન, છઠ્ઠી જાન્યુઆરી 2021ના રોજ કૅપિટલ હિલ્સમાં ઘૂસી આવેલા શખ્સને અટકાવી રહેલા અધિકારીની ફાઇલ તસવીર

જેમકે, પૅન્સિલ્વેનિયામાં વિજેતા અને હારનારની વચ્ચેના મતોનો તફાવત કુલ મતદાનના અડધા ટકા કરતાં ઓછો હોય, તો આપોઆપ સમગ્ર રાજ્યમાં ફેર મતગણતરી થશે. વર્ષ 2020માં તફાવતની ટકાવારી 1.1 ટકા જેટલી હતી.

અમેરિકામાં હજુ તો મતદાન પણ નથી થયું, એ પહેલાં જ ચૂંટણી સંબંધિત 100 કરતાં વધુ કેસ અદાલતોમાં દાખલ થઈ ગયા છે. જેમાં મતદાર તરીકેની પાત્રતા તથા રિપબ્લિકન દ્વારા મતદાર યાદીના નિયમન વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.

આ અંગેના કોર્ટના આદેશોને કારણે રોજબરોજ ચૂંટણીપ્રક્રિયાને અસર થઈ રહી છે.

જો ચૂંટણીસંબંધિત હિંસા થાય, વિશેષ કરીને મતદાન કેન્દ્રો પર કે મતગણતરીમાં અવરોધ ઊભો થાય તો ચૂંટણીપરિણામ આવવામાં ઢીલ થઈ શકે છે. ગત વખતે જ્યૉર્જિયામાં મતગણતરી મથકે પાણીની પાઇપલાઇન ફાટી ગઈ હતી, જેના કારણે પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી.

ચૂંટણીપરિણામોને પડકારવામાં આવે તો ?

અદાલતમાં કેટલાક લોકોએ દલીલ આપી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી તેમણે હુલ્લડ કર્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અદાલતમાં કેટલાક લોકોએ દલીલ આપી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી તેમણે હુલ્લડ કર્યા હતા

દરેક માન્ય મતની ગણતરી થઈ જાય અને ફેર મતગણતરી પૂર્ણ થઈ જાય, એ પછી ચૂંટણીપરિણામોને પહેલાં સ્થાનિકસ્તરે અને પછી રાજ્યસ્તરે પ્રમાણિત કરવામાં આવે છે.

રાજ્યમાંથી કેટલા ઇલેક્ટર્સ ચૂંટાઈ આવ્યા છે અને કોણ રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે, એ પરિણામો ઉપર સામાન્યતઃ ગવર્નર મંજૂરીની મહોર મારતા હોય છે.

તા. 17 ડિસેમ્બરના રોજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોત-પોતાના રાજ્યોમાં મળશે અને મતદાન કરશે, જેને વૉશિંગ્ટન મોકલવામાં આવશે.

નવવર્ષમાં તા. છઠ્ઠી જાન્યુઆરીના રોજ યુએસ કૉંગ્રેસની બેઠક મળશે. તેના સંયુક્ત સત્રમાં ઇલેક્ટોરલ વૉટની ગણતરી કરે છે. આ સત્રની અધ્યક્ષતા અમેરિકાના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.

વર્ષ 2020ની ચૂંટણી દરમિયાન ટ્રમ્પે પરાજય સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે પોતાના સમર્થકોને યુએસ કૅપિટલ કૂચ કરી જવા હાકલ કરી હતી. અહીં યુએસ કૉંગ્રેસની બેઠક મળી રહી હતી, જેમાં બાઇડનના વિજય ઉપર મંજૂરીની મહોર મારવાની પ્રક્રિયા ચાલી રહી હતી.

તેમણે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પૅન્સને ચૂંટણીપરિણામોને નકારી કાઢવા વિનંતી કરી, પરંતુ પૅન્સે એમ કરવાનો ઇન્કાર કરી દીધો.

હુલ્લડખોરોને બળજબરી હઠાવી દેવાયા એ પછી કૉંગ્રેસના સભ્યો ફરી મળ્યા હતા. રિપબ્લિકન પાર્ટીના 147 સાંસદસભ્યોએ હારી ગયેલા ટ્રમ્પનું ભાગ્ય પલટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યા હતા.

એ પછી ચૂંટણીપ્રક્રિયામાં સુધારા કરવામાં આવ્યા છે. રાજ્યોમાંથી આવેલાં પ્રમાણિત પરિણામોને પડકારવાનું સાંસદસભ્યો માટે મુશ્કેલ બની ગયું છે. સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિ પાસે ચૂંટણીપરિણામોને એકતરફી રીતે નકારી કાઢવાની સત્તા નથી.

અમેરિકાની ચૂંટણીને નજીકથી જોનારા લોકોનું માનવું છે કે આ વખતે ચૂંટણીપરિણામોને પ્રમાણિત કરવાની પ્રક્રિયામાં ઢીલ થાય તેવા પ્રયાસ થશે.

સ્થાનિક અને રાજ્યસ્તરે મતદાન થશે, ત્યારે અનેક જૂથો તેમની ઇચ્છા મુજબનાં ચૂંટણીપરિણામ ન આવે તો તેને પડકારવા માટે સજ્જ થઈ રહ્યા છે.

ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિપદ માટેના તેમના ઉમેદવાર જે. ડી. વેન્સ તથા રિપબ્લિકન પાર્ટીના અનેક નેતાઓને પૂછવામાં આવ્યું હતું કે જો ચૂંટણીમાં તેમનો પરાજય થશે તો તેઓ પરિણામોનો સ્વીકાર કરી લેશે? તેનો હકારમાં જવાબમાં આપવાનું તેમણે ટાળ્યું છે.

નવા રાષ્ટ્રપતિ ક્યારે પદભાર સંભાળશે?

કમલા હૅરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર
ઇમેજ કૅપ્શન, કમલા હૅરિસ કે ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ પર વિશ્વની મીટ

પદનામિત રાષ્ટ્રપતિ તા. 20 જાન્યુઆરી, 2025ના રોજ પદભાર સંભાળશે. આ માટેનો સત્તાવાર કાર્યક્રમ યુએસ કૅપિટલ કૉમ્પ્લૅક્સ ખાતે યોજાશે.

આ કાર્યક્રમને પ્રૅસિડેન્શિયલ ઇનૉગ્યુરેશન તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાના ઇતિહાસમાં આ વખતે 60મો કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં નવા રાષ્ટ્રપતિ બંધારણનું પાલન કરવાના શપથ લેશે અને પોતાનું પ્રથમ ભાષણ આપશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.