વાવ પેટાચૂંટણી: માવજી પટેલ ભાજપનું ગણિત બગાડશે કે કૉંગ્રેસનું

ઇમેજ સ્રોત, Kalpesh Thakor
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપે બે બેઠક ઉપર તેના ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. પાર્ટીના કેન્દ્રીય મોવડીમંડળે નક્કી કરેલાં નામોની સામે સ્થાનિક નેતાઓએ વિરોધ નોંધાવ્યો અને પાર્લામૅન્ટરી બોર્ડે તેની સામે ઝૂકવું પડ્યું હતું.
ત્યારે લોકસભાનાં ચૂંટણીપરિણામોને પગલે ખાલી પડેલી વાવ વિધાનસભાની બેઠક ઉપર ભાજપના બળવાખોર નેતા માવજી પટેલે ઉમેદવારી નોંધાવી છે.
આને કારણે ભાજપ, કૉંગ્રેસ તથા ચૌધરી સમાજના દિગ્ગજ નેતા માવજીભાઈની વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણીજંગ જામશે. તેમની ઉમેદવારી ન કેવળ ભાજપ, પરંતુ કૉંગ્રેસના રાજકીય સમીકરણ પણ વિખેરી શકે છે.
ભાજપના બે બળવાખોર નેતાઓએ ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી, જેમાંથી એકે તેમનું ફૉર્મ પાછું ખેંચી લીધું છે. આ બેઠક ઉપર 10 ઉમેદવાર ચૂંટણીજંગમાં છે.
વાવની બેઠક ઉપરથી કૉંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર સંસદસભ્ય બનતાં આ બેઠક ખાલી કરી હતી અને પેટાચૂંટણી યોજવાની જરૂર ઊભી થઈ છે.
દિવાળીના તહેવારો પછી અહીં તા. 13મી નવેમ્બરના ચૂંટણી યોજાશે અને તા. 23મી નવેમ્બરના રોજ ચૂંટણીપરિણામો જાહેર થશે.
શું કહે છે રાજકીય વિશ્લેષકો?

ઇમેજ સ્રોત, Kalpesh Thakor
વાવ તથા તેના આસપાસની બેઠક ઉપર ચૌધરી સમાજના મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. આ વર્ગને ભાજપનો 'સમર્પિત મતદાતા' માનવામાં આવે છે. ત્યારે આ સમાજના જ માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી કરતા ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી છે.
જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "વાવ વિધાનસભાની એવી બેઠક છે કે જ્યાં રાજકીય પક્ષ કરતાં વધુ જ્ઞાતિનાં સમીકરણો કામ કરે છે. તે છેવાડાનો વિસ્તાર છે. જ્યાં 1990 પછી ઘણી ઉથલપાથલ થઈ છે. જનતાદળે વર્ષ 1990માં કૉંગ્રેસના હાથમાંથી આ બેઠક આંચકી લીધી હતી અને માવજી પટેલનો રાજકીય ઉદય થયો હતો. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"2007માં એમને અપક્ષ ઉભા રહી માવજીભાઈએ કૉંગ્રેસનું ગણિત બગાડ્યું હતું, તો 2012માં અપક્ષ ઊભા રહેલા ઠક્કર ઉમેદવારે ભાજપનું ગણિત બગાડ્યું હતું."
આ પેટાચૂંટણીમાં નારાજ માવજીભાઈ પટેલ ફરી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, જેમ-જેમ ચૂંટણીપ્રચાર અભિયાન આગળ વધતું જશે, તેમ-તેમ માવજીભાઈની ઉમેદવારીની અસર સ્પષ્ટ થતી જશે.
સમર્પિત મતદાતા સામે જ્ઞાતિનું ગણિત

ઇમેજ સ્રોત, Kalpesh Thakor
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વાવ વિધાનસભાની બેઠક ઉપર ઠાકોર, દલિત, ચૌધરી અને પશુપાલક મતદાતાઓ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. આમ છતાં જાણકારોના મતે જો અન્ય નાની-મોટી જ્ઞાતિઓનું યોગ્ય સમીકરણ સાધવામાં આવે, તો અપેક્ષિત પરિણામ મેળવી શકાય.
ભાજપે એક વખત આ બેઠક પરથી બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ આપી હતી, એ સમયે અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. ત્યારબાદ તેઓ ભાજપ જોડાઈ ગયા પરંતુ તેઓ ફરી 1998માં ચૂંટણીમાં ઊભા રહ્યા તો હાર્યા હતા.
માવજીભાઈ પટેલ હાલની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે. તેઓ વર્ષ 2007માં પણ અપક્ષ ચૂંટણી લડ્યા હતા. એ સમયે તેઓ 19 ટકા મત લઈ ગયા હતા અને ભાજપનો વિજય સુગમ બન્યો હતો.
વર્ષ 2012માં સંખ્યાબળની દૃષ્ટિએ નાની ગણાતી ઠક્કર જ્ઞાતિના ઉમેદવારે અપક્ષ ઉમેદવારી કરી હતી, જેના કારણે ભાજપને લાભ થયો હતો. ચૌધરી અને ઠાકોર સમાજને પ્રાધાન્ય મળતા અન્ય જ્ઞાતિના નારાજ મત અપક્ષને ફાળે ગયા હતા અને ગેનીબહેનનો પરાજય થયો હતો.
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી સમયે ભાજપથી નારાજ બ્રાહ્મણ નેતા અમિરામ આશલે અપક્ષ ઉમેદવારી કરી હતી અને કૉંગ્રેસના ગેનીબહેન ઠાકોરનો વિજય થયો હતો.
લગભગ આખું રાજ્ય ભગવા રંગે રંગાયું હોવા છતાં વાવની બેઠક કૉંગ્રેસને ફાળે ગઈ હતી. આમ આ બેઠક ઉપર રાજકીય પક્ષ સાથે જ્ઞાતિજાતિના સમીકરણ પણ ભાગ ભજવે છે.
જો 'સોશિયલ કૅપિટલ' ધરાવતા ચૌધરી સમાજના મતોનું વિભાજન થાય, તો માવજીભાઈ પટેલની ઉમેદવારી ભાજપ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
રાજકીય વિશ્લેષક પ્રફુલ ત્રિવેદીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "આ વિસ્તારમાં દલિતોમાં રાત્રે 'ખાટલાબેઠક', ઠાકોરોમાં 'જલો' અને ચૌધરી સમાજમાં 'રાવણું' થાય છે. આ વખતે દિવાળી પહેલાં રાવણું થયું હતું, જેમાં ચૌધરી સમાજનો ઉમેદવાર હોવો જોઈએ એવી માગ ઉઠી હતી."
"માવજીભાઈ અપક્ષ ઊભા રહ્યા છે, તો બીજી બાજુ ભાજપે ઠાકોર ઉમેદવારને ટિકિટ આપી છે. આથી, ચૌધરી સમાજના મતોમાં ભંગાણ પડશે, જેથી ભાજપના મત તૂટશે અને સરવાળે તેને નુકસાન એવું લાગે છે."
ત્રિવેદીના મતે, માવજીભાઈ ચૌધરી સમાજ ઉપરાંત લુહાર, લોહાણા (ઠક્કર) અને બ્રાહ્મણ જેવી જ્ઞાતિઓમાં સારા સંપર્ક ધરાવે છે. ઓછું સંખ્યાબળ ધરાવતી આ જ્ઞાતિઓ પરંપરાગત રીતે ભાજપ સાથે રહી છે. આથી, જો તેમાં ગાબડું પડે તો ભાજપનું ગણિત ખોરવાઈ શકે છે.
સ્થાનિક પત્રકાર કલ્પેશ મોખરિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "માવજીભાઈના મૂળિયા રાજસ્થાનમાં છે. તેઓ ખારા વિસ્તારના ચૌધરી સમાજ સાથે સારો એવો ધરોબો ધરાવે છે. જેઓ રાજસ્થાન સાથે 'રોટી-બેટી'ના વ્યવહાર ધરાવે છે."
"આ બેઠક હેઠળ આવતાં સૂઈગામ તથા માવસરી વિસ્તારોમાં ભાજપની વૉટબૅન્ક છે, જ્યાં માવજીભાઈ વર્ચસ્વ ધરાવે છે. ભાજપે ઠાકોર અને કૉંગ્રેસે રાજપૂત ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આ સંજોગોમાં બંને મુખ્યપક્ષોએ બ્રાહ્મણ, લોહાણા, વણિક અને પટેલ મત અંકે કરવા પડશે. હાલમાં ત્રણેય ઉમેદવાર દૈનિક સરેરાશ 10 ગામનો પ્રવાસ ખેડી રહ્યા છે."
મોખરિયા માને છે કે દિવાળી બાદ સ્નેહમિલનના સ્વરૂપે રાજકીય બેઠકો યોજાશે, જેમાં નવા રાજકીય સમીકરણો ગોઠવાશે. આ સિવાય ગાયને 'રાજ્યમાતા' આપવાની સ્વરૂપજીની વાત પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા ચૌધરી, ઠાકોર અને માલધારી સમાજને આકર્ષી શકે છે.
એક બેઠક, ત્રણ દાવેદાર

ઇમેજ સ્રોત, Kalpesh Thakor
ગેનીબહેન ઠાકોરના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોર સ્પર્ધામાંથી ખસી ગયા છે. તા. 30મી ઑક્ટોબરે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ હતી. એ પછી 10 ઉમેદવાર ચૂંટણીજંગમાં રહ્યા છે.
એમાંથી મુખ્ય સ્પર્ધા સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને માવજી પટેલની વચ્ચે હોવાનું રાજકીયનિષ્ણાતોનું માનવું છે.
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, "હું ગઈ વખતે ચૂંટણી હાર્યો એમાંથી ઘણું શીખ્યો છું. અહીં 18 સમાજના લોકો છે એ તમામ મારી સાથે છે, મેં અમારા ઠાકોર સમાજ સામે પાઘડી પાથરી છે."
"અન્ય સમાજની લાગણી મુજબ મેં ગાયને 'રાજ્યમાતા'નો દરજ્જો અપાવવાની વાત કરી છે, એટલું જ નહીં આ વિસ્તારના અધૂરા રહેલા વિકાસના કામ ઝડપથી કેમ પૂરા કરી શકાય એની બ્લૂપ્રિન્ટ આપી રહ્યો છું જેના કારણે લોકો મારી સાથે છે.''
સ્વરૂપજી ઠાકોરનો દાવો છે કે ભાજપમાં કોઈ આંતરિક અંતોષ નથી. આશલભાઈ તથા જામાભાઈ ચૌધરી તેમના વિજય માટે કામે લાગી ગયા છે.
અમિરામ આસલે ગત વિધાનસભા ચૂંટણી સમયે અપક્ષ ઉમેદવારી કરી હતી અને કૉંગ્રેસના વિજય માટે નિમિત બન્યા હતા. જામાભાઈ ચૌધરીએ હાલની પેટાચૂંટણી માટે અપક્ષ ઉમેદવારી કરી હતી, પરંતુ ભાજપના નેતાઓની સમજાવટ બાદ તેમણે પોતાનું ફૉર્મ પાછું ખેંચી લીધું હતું.
કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમારા વિસ્તારમાં તમામ જ્ઞાતિના લોકો કૉંગ્રેસના સમર્થનમાં છે. મારા દાદા હેમાજી રાજપૂતના સંબંધોને કારણે અહીંના તમામ સમાજના લોકો મને દીકરો ગણી આવકારે છે."
"અહીં ભલે ત્રિપાંખિયો જંગ હોય, પણ આ કૉંગ્રેસનો ગઢ છે. અહીં કે.પી. ગઢવી અને ગેમાભાઈ રબારી જેવા આગેવાનો મારી સાથે છે."
એક પ્રશ્નના ઉત્તરમાં ગુલાબસિંહે કહ્યું કે, કૉંગ્રેસના ઠાકોર નેતાઓ દિવાળીના વૅકેશન પૂરતા બહારગામ ગયા છે. તેઓ પાર્ટીથી નારાજ નથી અને દિવાળી પછી આ નેતાઓ પણ ચૂંટણીપ્રચારમાં જોડાઈ જશે.
સબળ અપક્ષ ઉમેદવાર મનાતા માવજીભાઈ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "અહીંથી અપક્ષ ચૂંટણી જીત્યો છું અને આ વિસ્તારમાંથી હું ધારાસભ્ય રહી ચૂક્યો છું. જયારે અપક્ષ ચૂંટણી લડ્યો, ત્યારે બીજા ક્રમે હતો."
"લોકો મને પસંદ કરે છે એટલે જ મને અપક્ષ તરીકે ફૉર્મ પાછું ખેંચવા મુખ્ય પ્રધાન અને બીજા લોકોના ફોન આવ્યા, પણ એકવાર અમારા સમાજે મને ચૂંટણી લડવાનો આદેશ આપ્યો, એ પછી હું પાછો ના વળી શકું."
માવજીભાઈ પટેલનો દાવો છે કે આ વિસ્તારના બ્રાહ્મણ, લોહાણા, ઠાકોર, દલિત અને નાઈ સમાજના લોકોનું સમર્થન તેમને હાંસલ છે. જેની મદદથી તેઓ વિજયી થઈને ગાંધીનગર પહોંચશે.
શું કહે છે રાજકીય પક્ષો?
વાવ બેઠકની પેટાચૂંટણી માટે ભાજપના પ્રભારી અશ્વિન બૅન્કરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે જાણીએ છીએ કે અપક્ષ ઉમેદવાર અહીંથી જીતવાના નથી, પણ અમે હળવાશમાં લેવાના નથી. અહીં ઠાકોર, ચૌધરી, દલિત અને માલધારી સમાજ ઉપરાંત લોહાણા, બ્રાહ્મણ, વાણિયા જેવી જ્ઞાતિઓમાં સોશિયલ એન્જિનિયરિંગ શરૂ કરી દીધું છે."
"દલિતનેતા તરીકે મેં અહીંના દલિત આગેવાનો સાથે મળીને ખાટલાબેઠકો શરૂ કરવાનું નક્કી કર્યું છે, તો અન્ય શહેરોમાં વસતા તમામ સમાજના ભાજપના કાર્યકર્તા દિવાળી પછી આવી પ્રચાર કરશે."
અહીંના લોકો રાજસ્થાન સાથે પણ રોટી-બેટીના વ્યવહાર ધરાવતા હોય, ભાજપે પાડોશી રાજ્યના આગેવાનોને પણ પ્રચારમાં જોડવાનું નક્કી કર્યું છે. બૅન્કર પેટાચૂંટણીમાં ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વાવ બેઠક પર ઠાકોર અને રાજપૂત સમાજ સાથે સંકલન ગોઠવી રહેલા કૉંગ્રેસના ક્ષત્રિય નેતા પાર્થિવરાજસિંહ કાઠવાડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે અહીં માત્ર ઠાકોર અને ક્ષત્રિય સમાજનું સંકલન નથી કરી રહ્યા. અહીંના જાગીરદારોને દલિત, નાઈ, પ્રજાપતિ, સથવારા જેવી નાની જ્ઞાતિઓ સાથે સારા સંબંધો છે, એનું પણ સંકલન કરી રહ્યા છીએ."
"અમે પણ અપક્ષ ઉમેદવારને હળવાશથી નથી લેતા એટલે અમે નવી રણનીતિ બનાવી છે, જેમાં આ જ્ઞાતિઓમાં વર્ચસ્વ ધરાવતા સ્ટારપ્રચારકોને ઉતારી રહ્યા છીએ. બીજું કે ભાજપનાં 30 વર્ષના શાસનમાં વિકાસકાર્યોની વાતો પોકળ પુરવાર થઈ છે."
કાઠવાડિયાએ ઉમેર્યું, "એમના નેતા અલ્પેશ ઠાકોર, જયારે આ વિસ્તારમાં 24 કલાક વીજળી આપવાની વાત કરતા હતા ત્યારે જ ચાલુ ભાષણમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. એ બતાવે છે કે ભાજપનાં વચનો અને વાસ્તવિકતામાં કેટલો ફર્ક છે."
કાઠવાડિયાના કહેવા પ્રમાણે, કૉંગ્રેસ પાર્ટી રોડ, ખેતપેદાશના ભાવ, વર્ષ 2015 અને 2017ના પૂરમાં તારાજ થયેલાં ગામોને હજુ સુધી સહાય ન મળવા મુદ્દે ચૂંટણી લડશે. કાઠવાડિયાને વિશ્વાસ છે કે 'કૉંગ્રેસના ગઢ' તરીકે વાવ બેઠકની ઓળખ જાળવવામાં મુશ્કેલી નહીં પડે.
આ બેઠક પર જે કોઈ પક્ષ કે અપક્ષ વિજયી બને, તેનાથી વિધાનસભાના ગણિતમાં કોઈ ફરક પડવાનો નથી. છતાં ભાજપ, કૉંગ્રેસ અને માવજીભાઈ પટેલ માટે આ ચૂંટણીજંગ પ્રતિષ્ઠાનો વિષય ચોક્કસથી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












