વાવ વિધાનસભા પેટાચૂંટણી : ભાજપ જ્યાં ચૂંટણી હાર્યો એ બેઠક પર સત્તાનાં સમીકરણો કેવાં છે?

બનાસકાંઠા, વાવ વિધાનસભા બેઠક, રાજકીય ઇતિહાસ, ગુજરાતની ચૂંટણી, ગુજરાત પેટાચૂંટણી 2024, રાજકારણ, ગેનીબહેન ઠાકોર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ગેનીબહેન ઠાકોર સાંસદ બનતાં વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર જીત મેળવીને કૉંગ્રેસનાં ગેનીબહેને ભાજપનું સતત ત્રીજી વખત રાજ્યમાં 26માંથી 26 બેઠકો પર જીતનું સપનું રોળી નાખ્યું હતું.

ગેનીબહેન સાંસદ બન્યાં બાદ તેમની વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. તાજેતરમાં ભારતના ચૂંટણીપંચે મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ વાવ વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.

વાવ બેઠક ગેનીબહેન અને કૉંગ્રેસનો ગઢ મનાય છે, ત્યારે ભાજપ પણ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ આ ગઢમાં ગાબડું પાડવાના ઇરાદા સાથે ચૂંટણીમેદાને ઊતરવા મક્કમ હશે.

એક બાજુ જ્યારે આ બેઠક ભાજપ અને કૉંગ્રેસ બંને માટે ‘પ્રતિષ્ઠાનો જંગ’ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે, ત્યારે લોકસભાની ચૂંટણીના કૉંગ્રેસના સાથી પક્ષ આપે આ પેટાચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉતારવાની તૈયારી બતાવીને ચૂંટણીજંગ વધુ રસપ્રદ બનાવી દીધો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

વાવ વિધાનસભા બેઠક પર સત્તાનાં સમીકરણો કેવાં છે એ જાણવા માટે બીબીસી ગુજરાતીએ રાજકીય વિશ્લેષકો સાથે વિસ્તારપૂર્વક વાતચીત કરી હતી.

કૉંગ્રેસ કે ભાજપ કોનું પલ્લું ભારે છે?

બનાસકાંઠા, વાવ વિધાનસભા બેઠક, રાજકીય ઇતિહાસ, ગુજરાતની ચૂંટણી, ગુજરાત પેટાચૂંટણી 2024, રાજકારણ, ગેનીબહેન ઠાકોર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાવની બેઠક ઉપર ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે મુખ્ય ચૂંટણીજંગ

નિષ્ણાતોના મતે ગ્રામીણ મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર 3,10,681 મતદારો નોંધાયેલા છે, જેમાંથી યુવા મતદારોની ભૂમિકા નિર્ણાયક રહેશે, જેની સંખ્યા 2,10,000 છે.

જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ લોકસભા ચૂંટણીનાં પરિણામોનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરતાં કહે છે કે, “બનાસકાંઠામાં આવેલી સાત વિધાનસભા બેઠકોના મતવિસ્તારોમાં લોકસભા ચૂંટણી બાદનાં પરિણામોની વાત કરીએ તો આમાંથી ભાજપે ચાર અને કૉંગ્રેસે ત્રણ બેઠકોના વિસ્તારોમાં લીડ મેળવી હતી.”

“ભાજપની આ લીડમાં વાવ વિધાનસભા મતવિસ્તાર પણ સામેલ હતો. આમ, એક રીતે જોતાં ભલે કૉંગ્રેસ લોકસભા બેઠક જીતી હોય, પરંતુ ભાજપે ગેનીબહેનના મતવિસ્તારમાં કૉંગ્રેસ કરતાં વધુ મત મેળવી એક રીતે પક્ષની પરંપરાગત વોટબૅન્કમાં ગાબડું પાડ્યું હતું.”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઘનશ્યામ શાહ વધુ વાત કરતાં કહે છે, “લોકસભા ચૂંટણીમાં પડેલા આ ગાબડાને પૂરવાનું કામ કૉંગ્રેસ માટે મહત્ત્વપૂર્ણ હશે. ઉપરાંત જ્યારે આ બેઠક પર આપે પોતાનો ઉમેદવાર જાહેર કરવાની વાત કરી છે ત્યારે ભાજપવિરોધી મતોનું વિભાજન અટકાવવું પણ કૉંગ્રેસ માટે અગત્યનું હશે. પરંતુ તેમણે વાવ મતવિસ્તારમાં પોતાની ઘટેલી વોટ ટકાવારીને ધ્યાને રાખીને યોગ્ય વ્યૂહરચના ઘડવી પડશે.”

આ બેઠક પર સમાજ આધારિત મતસંખ્યા અને સમીકરણો પણ મોટી ભૂમિકા ભજવી શકે છે. રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “વાવ બેઠક પર ઠાકોર, દલિત, માલધારી અને ચૌધરી સમાજ નિર્ણાયક છે."

આ સંજોગોમાં અહીં ભાજપ અને કૉંગ્રેસે યોગ્ય સોશિયલ એન્જિનિયરિંગ કરવું પડશે, કારણ કે આ બેઠક એવી છે જ્યાં થરાદ, પાલનપુર અને ડીસાના વિસ્તારો તેમજ ખેડૂત, પશુપાલકો અને નાના મોટા ધંધાદારીઓને સીધા સંકળાયેલા છે.”

જોશી પણ કૉંગ્રેસે નવાં સમીકરણોને આધારે બંધબેસતી વ્યૂહરચના ઘડવાની વાત પર ભાર મૂકતાં કહે છે કે, “2022ની વિધાનસભાની ચૂંટણીમાં અહીં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર હતી. જ્યારે આપને ખૂબ ઓછા મત મળ્યા હતા. પરંતુ એ પણ વાત સત્ય છે કે એ સમયે અહીં એક અપક્ષ ઉમેદવારને 27 હજાર મળ્યા હતા."

"કૉંગ્રેસે આ તમામ સમીકરણોને ધ્યાને રાખવાં પડશે. તેમજ લોકસભા ચૂંટણીમાં આ મતવિસ્તારમાં થયેલા નુકસાન પર ધ્યાન કેન્દ્રિત કરીને કૉંગ્રેસે વ્યૂહરચના ઘડવી પડશે.”

શું છે વાવ બેઠકનાં જાતિગત સમીકરણ?

વીડિયો કૅપ્શન, ગેનીબહેન ઠાકોર સંસદમાં પહેલી વખત શું બોલ્યાં, કયો મુદ્દો ઉઠાવ્યો?

વિદ્યુત જોશી કહે છે કે, “વાવ બેઠક પર વર્ષ 2012માં થયેલા નવા સીમાંકન પ્રમાણે સૌથી મતદાતા ઠાકોર છે. ત્યારબાદ સંખ્યાની દૃષ્ટિએ અનુક્રમે દલિત, ચૌધરી અને માલધારી મતદાતા છે. આ ચારેય મોટા સમાજો બાદ બેઠક પર બ્રાહ્મણ, પ્રજાપતિ, લુહાર અને અન્ય જ્ઞાતિઓ આવે છે. ઉપરાંત લઘુમતી મતદાતાની સંખ્યા નિર્ણાયક નથી.”

“અહીં ચૌધરી સમાજનું સોશિયલ કૅપિટલિઝમ વધુ છે. આ બેઠક પર મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન પર નભે છે, તેમજ સહકારી સંસ્થાઓનું પણ વર્ચસ્વ વધુ છે. અહીં કૉંગ્રેસની કમિટેડ વોટબૅન્ક છે. ગુજરાતની રચના થઈ ત્યારથી 1990 સુધી આ બેઠક પર કૉંગ્રેસનો દબદબો રહ્યો છે."

"એ પછીની ચૂંટણીઓમાં 1995માં અપક્ષ અને 2007-2012માં આ બેઠક પર ભાજપની જીત થઈ હતી. જોકે, એ સિવાય આ બેઠક પરંપરાગત રીતે કૉંગ્રેસ પાસે જ રહેવા પામી છે. એટલે એક રીતે વાવની બેઠક પર કૉંગ્રેસની પરંપરાગત વોટબૅન્ક છે, પરંતુ બેઠક જાળવવા માટે કૉંગ્રેસ માટે ગણતરીપૂર્વકનું સોશિયલ એન્જિનિયરિંગ કરવાનું જરૂરી બની જશે.”

તેઓ આગળ વાત કરતાં કહે છે કે, “ભાજપમાં હવે પહેલાં જેવું શિસ્તનું વાતાવરણ નથી. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં પક્ષના કાર્યકરોના વિરોધથી ભાજપે કેટલીક બેઠકો પર ઉમેદવાર બદલવા પડ્યા હતા. ત્યારે આ વખતે ભાજપમાં ફરી વખત ઉમેદવારોની સંખ્યા વધશે. જોકે, આંતરિક જૂથબંધીને ભાજપ ખાળી શકે તો એ કૉંગ્રેસની પરંપરાગત વોટબૅન્કને તોડી શકશે.”

ઘનશ્યામ શાહ તાજેતરની હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં છુપાયેલા પાઠ અંગે ધ્યાન દોરતાં કહે છે કે, “હરિયાણાની ચૂંટણીને ઝીણવટપૂર્વક જોતાં માલૂમ પડે છે કે જે જગ્યાએ વધુ અપક્ષ ઉમેદવારો ઊભા રહ્યા ત્યાં ભાજપને ફાયદો થયો છે. અહીં ત્રીજા પરિબળ તરીકે આપ (આમ આદમી પાર્ટી) આવી રહી છે, ત્યારે અહીં અપક્ષ ઉમેદવારો વધુ ઊભા રહે તો કૉંગ્રેસે ચોક્કસપણે રણનીતિ બદલવી પડે.”

ઘનશ્યામ શાહ ઉમેરે કે, “હજુ કોઈ પક્ષે જ્યારે આ બેઠક માટે ઉમેદવાર જાહેર નથી કર્યા, ત્યારે ઠાકોર, દલિત, માલધારી અને અન્ય ઓબીસીને (અન્ય પછાત વર્ગ) અંકે કરવાનું આયોજન કૉંગ્રેસ માટે લાભકારક રહેશે. અહીં પશુપાલન અગત્યનું પરિબળ છે, જેના કારણે માલધારી, ઠાકોર અને દલિતમાં સ્વીકૃત ઉમેદવાર માટે તક રહેશે.”

ભાજપના વિજયના વિશ્વાસ સામે કૉંગ્રેસની વ્યૂહરચના

બનાસકાંઠા, વાવ વિધાનસભા બેઠક, રાજકીય ઇતિહાસ, ગુજરાતની ચૂંટણી, ગુજરાત પેટાચૂંટણી 2024, રાજકારણ, ગેનીબહેન ઠાકોર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, REKHA CHAUDHARI/IG

ઇમેજ કૅપ્શન, બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ભાજપનાં રેખા ચૌધરી ગેનીબહેન ઠાકોર સામે હારી ગયાં હતાં

ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ વાવ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, “ભાજપે લોકસભાની ચૂંટણી પત્યા પછી તરત જ પેટાચૂંટણીની તૈયારી કરી દીધી હતી. એટલે જ અમે તાત્કાલિક આ બેઠક પર પ્રભારી મૂકી દીધા છે, પેજ સમિતિ કાર્યરત્ થઈ ગઈ છે. અમારા સંગઠનની કામગીરી સુનિયોજિત છે.”

કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ પક્ષ ચૂંટણી જીતવા માટે કયા પ્રયાસ કરી રહ્યો છે તેની વિગત આપી હતી.

“એ વાત સાચી છે કે લોકસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભાની બેઠક પર કૉંગ્રેસની લીડ ઘટી હતી, પણ એના માટે અમે સોશિયલ એન્જિનિયરિંગ કરી રહ્યા છીએ. અમે એવા સ્ટારપ્રચારક રાખવાના છીએ કે જે તમામ જ્ઞાતિમાં વર્ચસ્વ ધરાવતા હોય, એના માટેની કવાયત અત્યારથી શરૂ કરી દીધી છે.”

આપના પ્રવક્તા ડૉ. કરણ ભાવસારે કહ્યું કે, “અમારું ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાએ છે, અમે આ પેટાચૂંટણીમાં અમારા ઉમેદવારને ઊભા રાખીશું. વર્ષ 2022 કરતાં અત્યારે રાજકીય પરિસ્થિતિ અલગ છે, આપના ઉમેદવારની જીતવાની શક્યતા જોતાં અમે અમારો ઉમેદવાર ઊભો રાખીશું.”

બનાસકાંઠા, વાવ વિધાનસભા બેઠક, રાજકીય ઇતિહાસ, ગુજરાતની ચૂંટણી, ગુજરાત પેટાચૂંટણી 2024, રાજકારણ, ગેનીબહેન ઠાકોર, બીબીસી ગુજરાતી

ગુજરાતમાંથી લોકસભાનાં એકમાત્ર કૉંગ્રેસનાં સાંસદ ગેનીબહેન ઠાકોરે કૉંગ્રેસની રણનીતિનો આછો અણસાર આપતાં ટૂંકી વાતચીતમાં કહ્યું હતું કે, “વાવની ખાલી પડેલી બેઠક પર ઉમેદવારનું નામ મોવડીમંડળ નક્કી કરશે, પણ લોકસભામાં ઠાકોર જીત્યા છે, એટલે હવે તમામ જ્ઞાતિને તક મળે એ જોતાં આ વખતે પેટાચૂંટણીમાં ઠાકોરને બદલે અન્ય જ્ઞાતિના કૉંગ્રેસના મજબૂત ઉમેદવારને તક અપાશે.”

બનાસકાંઠાના જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે કહ્યું કે, “18 ઑક્ટોબરે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 25 ઑક્ટોબર સુધી ઉમેદવારીપત્ર ભરવામાં આવશે.”

તેમના જણાવ્યાનુસાર વાવ બેઠક પર કુલ 3,10,681 મતદાર છે, જેમાંથી 1,61 ,293 પુરુષ અને 1,49,387 મહિલા મતદાર છે.

15 ઑક્ટોબર સુધી 18થી 19 વર્ષના 12,823 મતદાર છે.

20થી 29 વર્ષના 82,397, 30થી 39 વર્ષના 72,803 જ્યારે 40થી 49 વર્ષના 57,082 મતદારો છે.

મતદાન માટે 321 પોલિંગ સ્ટેશન બનાવાયાં છે. આ ચૂંટણી માટે ખાસ 2000 જેટલો સ્ટાફ ચૂંટણી માટે રિઝર્વ રાખવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.