આ ગામમાં 60 પોલીસ જવાનો વાલ્મીકિ સમાજના લગ્નમાં કેમ પહોંચ્યા?

સંભલના લોહામઈ ગામમાં વાલ્મિકી પરિવારમાં થયેલાં આ લગ્ન સમાચારોમાં છે
ઇમેજ કૅપ્શન, સંભલના લોહામઈ ગામમાં વાલ્મીકિ પરિવારમાં થયેલાં આ લગ્ન સમાચારોમાં છે
    • લેેખક, શાહબાઝ અનવર
    • પદ, બીબીસી હિન્દી માટે

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ગુન્નૌર તાલુકાના લોહામઈ ગામમાં ગયા શુક્રવારે રાત્રે થયેલ એક લગ્ન આજકાલ ચર્ચામાં છે. કારણ કે ગામના રાજેન્દ્ર ઉર્ફે રાજુ વાલ્મીકિની પુત્રી રવીનાના લગ્ન કરાવવા 60 જેટલા પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.

આ પોલીસકર્મીઓને કોઈ આમંત્રણ નહોતું અપાયું, પરંતુ ગામમાં રવિનાના લગ્નની જાન અને વરઘોડાનો પ્રસંગ વિના વિઘ્ને પાર પડે તે માટે અહીં આવ્યા હતા.

રાજુ વાલ્મીકિએ 31 ઑક્ટોબરના રોજ સંભલના પોલીસ અધિક્ષકને ફરિયાદ પત્ર સુપરત કર્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે તેમના ગામમાં 25 નવેમ્બરે દીકરીના લગ્ન છે, પરંતુ અન્ય જાતિના લોકો ગામમાં વરઘોડો નહીં નીકળવા દેવાની ધમકી આપી રહ્યા છે.

આ ફરિયાદની નોંધ લીધા બાદ સંભલના જિલ્લા પોલીસ અધિકારી ચક્રેશ મિશ્રાએ સીઓ આલોકકુમારને આ બાબતની તપાસ કરવા જણાવ્યું હતું. સંભલના અધિક પોલીસ અધિક્ષક શ્રીશ ચંદ્રએ જણાવ્યું હતું કે, "આ અંગેની ફરિયાદ મળી હતી. જેમાં વિરોધની આશંકા વ્યક્ત કરાઈ હતી, પરંતુ એવો કોઈ વિરોધ જોવા મળ્યો નહોતો. આખા ગામમાં વરઘોડો કાઢ્યો અને લગ્ન ખુશીથી સંપન્ન થયા."

ગ્રે લાઇન

વાલ્મીકિ વસ્તીમાં પહોંચતા પહેલાં વાતાવરણ કેવું હતું?

જેમનાં લગ્ન થયાં તે રાજુ વાલ્મિકીની પુત્રી રવીના
ઇમેજ કૅપ્શન, જેમનાં લગ્ન થયાં તે રાજુ વાલ્મીકિની પુત્રી રવીના

લોહામઈ ગામ બુલંદશહરની સરહદે આવેલું છે. તાલુકાથી આ ગામનું અંતર લગભગ 22 કિલોમિટર છે અને ગામમાં પહોંચવા માટે ઘણા સાંકડા રસ્તાઓ અને ભીડવાળા ગામની નાની બજારમાંથી પસાર થવું પડે છે.

ગામથી લગભગ બે કિલોમિટર પહેલાં વરસાદી નદીમાંથી પણ પસાર થવું પડે છે. અહીં કેટલીક જગ્યાઓ જોવા મળી હતી જ્યાં તૂટેલી સડક પાણીથી ભરેલી હતી. મુસ્લિમ પરિવારના લોકો રસ્તાની બંને બાજુ તડકામાં બેઠેલા જોવા મળ્યા હતા. રાજુ વાલ્મીકિના ઘર વિશે પૂછતા એક વૃદ્ધે કહ્યું, "જો તમારે વાલ્મીકિવાસમાં જવું હોય, તો તમે છેલ્લા ઘરે જજો, એ તેમનું ઘર છે."

રાજુ વાલ્મીકિની દીકરી રવીનાના લગ્ન વિશે પૂછવામાં આવતા ખુશી મોહમ્મદ કહે છે કે, "મારી ઉંમર આશરે 60 વર્ષની છે. એવું પહેલીવાર બન્યુ છે કે જ્યારે આખા ગામમાં વરઘોડા સાથે વાલ્મીકિ સમાજના લગ્નની જાન આખા ગામમાં નીકળી છે. જે દિવસે લગ્ન થયા તે દિવસે આખા ગામમાં પોલીસ જ પોલીસ હતી."

અન્ય એક ગ્રામીણ જાવેદે જણાવ્યું કે, "અહીં પહેલીવાર એવું બન્યું છે કે આખા ગામમાં વાલ્મીકિ સમાજનો વરઘોડો નીકળ્યો હોય. કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસ સુરક્ષા પણ હતી. ગામના એક ખૂણેથી બીજા ખૂણે વરઘોડો લઈ જવાયો હતો."

ગ્રે લાઇન

વરઘોડાનો વિરોધ હતો?

રાજુ વાલ્મિકીનું ઘર
ઇમેજ કૅપ્શન, રાજુ વાલ્મીકિનું ઘર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજુ વાલ્મીકિનું ઘર ગામના છેવાડે છે. એક ઝાડ નીચે સમાજના કેટલાક લોકો અને તેમના પરિવારના કેટલાક લોકો બેઠેલા જોવા મળ્યા હતા. રાજુના ઘરે બે રૂમ, ઓસરી અને વિશાળ ફળિયું છે. ફળિયામાં એક નાના ખાટલા પર એક વૃદ્ધા બેઠા છે. બાજુમાં કેટલાક ધોયેલા વાસણો રાખવામાં આવ્યા છે.

રાજુ વાલ્મીકિએ કહ્યું, "અમે વાલ્મીકિ સમાજના ચૌહાણ કુળમાંથી આવીએ છીએ. મેં ગામમાં મારી દીકરીની જાન માટે રક્ષણ માંગ્યું હતું. હિંદુઓની ખાગી (ખડગવંશી) ચૌહાણ જાતિના લોકો જાનને ગામમાં પ્રવેશવા દેતા નથી."

જ્યારે તેમને રક્ષણ માગવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “એ તો એ લોકો જ જાણે, પરંતુ અગાઉ જ્યારે પણ વાલ્મીકિ સમાજના લોકોએ અહીંયા જાન કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે ઝઘડો થયો છે.”

વરરાજાને ઘોડા પર ચડવાનો પણ વિરોધ થાય છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા રાજુ કહે છે, "જુઓ, ઘોડે ચડવાનો કોઈ વિરોધ નથી. પરંતુ સમસ્યા એ છે કે અમે ગામમાં જાન લઈ જઈ શકતા નથી. અહીં અમારા ઘરથી માત્ર સો મીટરના અંતર સુધી જ જાન કાઢી શકીએ છીએ. જો આનાથી આગળ કે ગામમાં અન્ય કોઈ જગ્યાએ જાન કાઢવામાં આવતી ત્યારે ગામના લોકો વિરોધ કરતા હતા."

લગભગ 3200ની વસ્તી અને 2100નું મતદાન ધરાવતા આ ગામનાં સરપંચ મુસ્લિમ મહિલા છે, પરંતુ તેમના પતિ ભુરેએ આ મુદ્દે તેમના વતી વાત કરી હતી. ભૂરેએ કહ્યું, "અમે એ પણ જોયું છે કે આખા ગામમાં ક્યારેય વાલ્મીકિ સમાજની જાન નીકળી નથી, ઝઘડો એ વાતે થાય છે કે જાનને અન્ય સમાજના લોકોના ઘરની આગળથી પસાર થવા દેવામાં આવતી નથી. અનેકવાર આ બાબતે ઝઘડા થયા છે."

ગામના જ મહેન્દ્ર વાલ્મીકિની દીકરીના લગ્નમાં પણ આખા ગામમાં જાન કાઢવા દેવામાં આવી ન હતી. મહેન્દ્ર કહે છે, “મારી દીકરીના લગ્ન 7 મે 2021ના રોજ થયા હતા. સરઘસ નીકળવાનું હતું, પરંતુ સરઘસને લઈને ગામમાં ઝઘડો થયો હતો. ત્યાં બધા લાકડીઓ લઈને ઊભા હતા."

bbc line

શું કહે છે પોલીસ?

ગામ

સંભલના એએસપી શ્રીશ ચંદ્રએ આખા ગામમાં લગ્નના વરઘોડાના વિરોધ વિશે જણાવ્યું હતું કે, "વિરોધ જેવી કોઈ વાત નહોતી, પરંતુ રાજુએ લગ્નના વરઘોડા અંગે આશંકા વ્યક્ત કરી હતી કે કેટલાક લોકો વિરોધ કરી શકે છે. સાવચેતીના પગલા તરીકે પોલીસ તૈનાત કરવામાં આવી હતી."

શ્રીશ ચંદ્રએ એમ પણ કહ્યું હતું કે, "કેટલાક લોકો એવું કહેતા હશે કે અહીં દાયકાઓથી લગ્નનો વરઘોડો કાઢવામાં આવ્યો નથી. પરંતુ તપાસમાં એવું કંઈ મળ્યું નથી. અહીં પહેલા પણ લગ્નો થયા છે."

વિસ્તારના એસઓ પુષ્કરસિંહે બીબીસીને કહ્યું, "હું જિલ્લામાં નવો છું. જોકે તેમણે રાજુની પુત્રીના લગ્ન અંગે એસપી સાહેબને ફરિયાદ કરી હતી. તપાસમાં અન્ય જ્ઞાતિના લોકોએ જણાવ્યું હતું કે વાલ્મીકિ સમાજ અગાઉ જ્યારે પણ વરઘોડો કાઢતો હતો ત્યારે માત્ર પોતાના વિસ્તારમાં જ કાઢતો હતો, પરંતુ આ વખતે તેઓ કહેતા હતા કે તેઓ આખા ગામમાં વરઘોડો કાઢશે. અમે એક-બે વખત મિટિંગ કરી અને તેમને સ્પષ્ટ કહ્યું કે વરઘોડો તો નીકળશે જ."

કલ્યાણસિંહના મુખ્ય મંત્રીપદ દરમિયાન 1700 લોકોની વસ્તી ધરાવતા આ ગામના ખાગી ચૌહાણને ઉત્તર પ્રદેશમાં પછાત વર્ગોની યાદીમાં સામેલ કર્યા હતા, પરંતુ આ સમુદાયના લોકો પોતાને રાજપૂત સમુદાયના ગણાવે છે.

bbc line

'21મી સદીમાં પણ આવું થાય છે?'

ગામ

રાજુ વાલ્મીકિના પરિવારમાં તેમના પત્ની ઉર્મિલા, બે પુત્રીઓ રવિના અને પ્રીતિ અને નાનો પુત્ર છે. રવિનાએ નવમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે જ્યારે રાજુની પત્ની ઉર્મિલા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરતાં જોવાં મળ્યાં હતાં. તેમણે માત્ર બારમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.

રાજુની નાની દીકરી પ્રીતિ આ આખી ઘટનાથી ખૂબ જ દુઃખી દેખાતાં હતાં. પ્રીતિએ મુંબઈથી ગ્રૅજ્યુએશન કર્યું છે. તેઓ કહે છે, "અન્ય જ્ઞાતિના લોકો અમારી ઈર્ષ્યા કરે છે, સમાજના કેટલાક દલિત નેતાઓ અને પોલીસની મદદથી મારી બહેનની જાન આખા ગામમાં ફેરવી, અમે ખૂબ ખુશ છીએ. કોઈ ઝઘડો થયો નથી."

પ્રીતિએ કહ્યું, "21મી સદીમાં પણ એવા લોકો છે જે જાતિવાદ કરી રહ્યા છે, આવા લોકોને સમાજની સામે લાવવા જોઈએ. આજના સમયમાં પણ આવા લોકો છે. કોઈએ ખુશ થવું જોઈએ કે તેમના ઘરની સામેથી જાન પસાર થઈ રહી છે, પરંતુ આ લોકો વિરોધ કરી રહ્યા છે."

રાજુના પત્ની ઉર્મિલાએ કહ્યું, "અમને જાન કાઢવામાં ડર લાગતો હતો. આ બધું ઘણા વર્ષોથી થઈ રહ્યું છે, મારા સાળાની દીકરીના લગ્ન હતા, બીજા કેટલાક લગ્ન હતા, પરંતુ ગામના રસ્તેથી જાન કાઢવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પરંતુ અમે પ્રયાસ કર્યો અને પોલીસે સુરક્ષા પુરી પાડી અને જાન ખૂબ જ ધામધૂમથી નીકળી."

રવીનાના પરિવાર દ્વારા જે દલિત નેતાઓની પ્રશંસા કરવામાં આવી રહી છે તેમાં હરિદ્વારના વાલ્મીકિ આશ્રમના કર્મવીર વિરોત્તમ શ્રેષ્ઠનો પણ સમાવેશ થાય છે. તેમણે ફોન પર કહ્યું, "આ લોકોએ લગ્નના પંદર દિવસ પહેલા આ સમસ્યાને લઈને મારો સંપર્ક કર્યો હતો. અમે એસપી સંભલ અને વહીવટીતંત્ર સાથે આ સમસ્યા વિશે વાત કરી હતી, મીડિયા સાથે પણ વાત કરી હતી અને આખા ગામમાં ખૂબ જ ધામધૂમથી જાન નીકળી હતી. આ સમયગાળા દરમિયાન ગામમાં લગભગ 60 પોલીસકર્મીઓ હાજર હતા."

bbc line

સમગ્ર મામલે નવદંપતિએ શું કહ્યું

વરરાજા રામકિશન
ઇમેજ કૅપ્શન, વરરાજા રામકિશન

લગ્ન થઈ ગયા છે અને અમે જ્યારે રાજુ વાલ્મીકિ ઘરે પહોંચ્યા ત્યારે અન્ય વિધિની તૈયારીઓ ચાલી રહી હતી. નવદંપતિ રવિના અને તેમનાં પતિ રામકિશન અને કેટલાક અન્ય મહેમાનો રાજુના ઘરની બહાર આવ્યાં. રવિનાએ લાલ રંગનાં ચણિયાચોળી પહેર્યાં હતાં.

કારમાંથી નીચે ઊતરતાની સાથે જ રાજુ વાલ્મીકિ બંનેને ઘરની બહાર બનેલા મંદિરમાં નમન કરવા કહે છે. પરિવારના સભ્યોને જોઈને રવિના મોટેથી હસી પડે છે અને દોડીને તેની માતા અને બહેનને ગળે વળગી પડે છે. કેટલાક કેમેરા સામે આવવામાં આરામદાયક ન હતા. વધુ બોલી ન શક્યા. માત્ર એટલું જ કહ્યું કે તે લગ્નથી ખૂબ જ ખુશ છે, પહેલીવાર આખા ગામમાં ખૂબ જ ધામધૂમથી લગ્નની સરઘસ નીકળી.

તેના પતિ રામકિશન પણ કેમેરા સામે બોલતા અચકાતા હતા. આગ્રહ કરતા તેઓ કહે છે, "મારી લગ્નની જાન 25 નવેમ્બરે આવી હતી. અત્યાર સુધી મેં ગામ વિશે સાંભળ્યું હતું કે અહીં આખા ગામમાં લગ્નની જાન નથી નીકળતી પણ પોલીસવાળા હતા તો અમારી જાન નીકળી."

bbc line

મોં સંતાડતા અન્ય જ્ઞાતિના લોકો

ગામનાં સરપંચનાં પતિ ભૂરે
ઇમેજ કૅપ્શન, ગામનાં સરપંચનાં પતિ ભૂરે

સરપંચના પતિ ભુરેએ જણાવ્યું કે ગામમાં વાલ્મીકિ સમાજના પાંચસોથી વધુ લોકો રહે છે. ગામમાં એક હજારથી વધુ વસ્તી મુસલમાનોની છે અને ખાગી ચૌહાણ સમાજના લોકો સૌથી વધુ છે.

અમે મુસલમાનો ઉપરાંત ખાગી ચૌહાણ સમુદાયના લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રેકૉર્ડ પર આ બાબતે કોઈ પણ બોલવા તૈયાર નહોતું.

જોકે એક-બે યુવાનોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "વાલ્મીકિ સમાજના લોકો ક્યારેય આખા ગામમાં જાન કાઢી શક્યા નથી, તેઓ જાન કાઢતી વખતે અશોભનીય હરકતો કરે છે. એટલે તેઓ જ્યાંથી જાન કાઢતા આવ્યા છે ત્યાંથી જ કાઢે તો સારું. જોકે આ લગ્નમાં આખા ગામમાં જાન નીકળી અને કોઈએ વિરોધ પણ કર્યો નથી."

રેડ લાઇન
રેડ લાઇન