મોદી સરકાર ખરેખર મુસ્લિમ અને ખ્રિસ્તી દલિતોને અનામત આપવા માગે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દીપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
શું ધર્મપરિવર્તન કરીને ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર દલિતોને અનામત આપવાનો રસ્તો સાફ કરવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે?
શીખ અને બૌદ્ધ ધર્મ અપનાવી ચૂકેલ દલિતોને અનામતનો લાભ મળે છે તો ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ અપનાવનાર દલિતોને આનાથી કેમ વંચિત રાખવામાં આવ્યા છે?
કેન્દ્ર સરકારની તરફથી ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકેલા દલિતોની સામાજિક સ્થિતિ અંગે અહેવાલ આપવા માટે ત્રણ સભ્યોવાળા પંચની રચના કરવાના આદેશ આપ્યા બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
પંચ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ કે. જી. બાલકૃષ્ણનની આગેવાનીમાં કામ કરશે. પંચના બે અન્ય સભ્યો છે યુજીસી સભ્ય પ્રોફેસર સુષમા યાદવ અને નિવૃત્ત IAS અધિકારી રવિંદરકુમાર.
પંચ એ વાતની તપાસ કરશે કે શું ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી અને મુસ્લિમ બનનારા દલિતોએ અનુસૂચિત જાતિનો દરજ્જો આપી શકાય છે.
કારણ કે ભારતમાં અનુસૂચિત જાતિમાં સામેલ લોકોને નોકરીઓ અને શિક્ષામાં અનામત મળે છે.
તેથી મનવામાં આવી રહ્યું છે કે સરકાર ખ્રિસ્તી અને મુસ્લિમ દલિતોને અનામત આપીને રાજકીય લાભ લેવા માગે છે.
પંચ બનાવવાના આદેશ એવા સમયે જાહેર કરાયો છે જ્યારે કેન્દ્ર સરકાર 11 ઑક્ટોબરના રોજ આ મામલે સુપ્રીમ કોર્ટ સામે પોતાનું વલણ સ્પષ્ટ કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મુસ્લિમ અને ખ્રિસ્તી દલિત અનુસૂચિત જાતિમાં કેમ નહીં?

11 ઑક્ટોબરના રોજ સરકાર ખ્રિસ્તી કે મુસ્લિમ બની ચૂકેલ દલિતોને અનામતથી વંચિત રાખવાના નિર્ણયને પડકારનારી અરજીઓ પર સુનાવણી દરમિયાન પોતાનું વલણ સ્પષ્ટ કરશે. આ મામલો વર્ષ 2004થી સુપ્રીમ કોર્ટમાં છે.
સેન્ટર ફૉર પબ્લિક ઇન્ટ્રેસ્ટ લિટિગેશને પોતાની પીઆઈએલમાં ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ અપનાવનારા દલિતોને અનુસૂચિત જાતિઓનો લાભ ન આપવાની બાબતને પડકારી છે.
બંધારણના અનુચ્છેદ 341 અંતર્ગત રાષ્ટ્રપતિ, જાતિઓ, નસલો, જનજાતિઓ કે જનજાતિઓના સમૂહોને અનુસૂચિત જાતિમાં સામેલ કરવાના નિર્દેશ જાહેર કરી શકે છે. વર્ષ 1950માં આ અનુચ્છેદની જોગવાઈઓનો ઉપયોગ કરીને માત્ર "અસ્પૃશ્ય અને બહિષ્કૃત" હિંદુઓને જ અનુસૂચિત જાતિઓમાં સામેલ કરાયા હતા જેમને આજે દલિત તરીકે ઓળખવામાં આવે છે.
પરંતુ શીખ સમુદાયની માગ બાદ, 1956માં આ આદેશમાં સંશોધન કરીને "અસ્પૃશ્ય અને બહિષ્કૃત" એટલે કે દલિત શીખોને સામેલ કરાયા. 1990માં, જ્યારે કેન્દ્રમાં વીપી સિંહની સરકાર આવી ત્યારે તેમણે 'અસ્પૃશ્ય અને બહિષ્કૃત' નવ-બૌદ્ધોને પણ સામેલ કર્યા.
એ સમયે કેન્દ્ર સરકારે સંશોધિત આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે "કોઈ પણ વ્યક્તિ જે હિંદુ, શીખ કે બૌદ્ધ ધર્મને છોડીને અન્ય કોઈ ધર્મને માને છે, તેને અનુસૂચિત જાતિનો સભ્ય નહીં માનવામાં આવે."
આ જ એ આદેશ હતો, જેના કારણે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ અપનાવનરાને અનુસૂચિત જાતિનો દરજ્જો નહોતો અપાતો અને તેઓ હિંદુ, શીખ અને બૌદ્ધ દલિતોને મળી રહેલ આરક્ષણના લાભથી વંચિત છે.

ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં દલિતો સાથે ભેદભાવનો પ્રશ્ન
એવું માનવામાં આવ્યું હતું કે કારણ કે ઇસ્લામ અને ખ્રિસ્તીઓમાં જાતિભેદ નથી તે કારણે આ ધર્મોના દલિતો સાથે ભેદભાવ નહીં થાય અને તેઓ સામાજિક અને આર્થિક દરજ્જામાં બીજા મુસ્લિમ અને ખ્રિસ્તીઓની સમાન હશે.
પરંતુ હકીકત કંઈક અલગ છે. સતીશ દેશપાંડે અને ગીતિકા બાપનાની તરફથી રાષ્ટ્રીય લઘુમતી પંચ માટે તૈયાર કરાયેલ રિપોર્ટમાં કહેવાયું છે કે શહેરી ક્ષેત્રોમાં 47 ટકા દલિત મુસ્લિમો ગરીબી રેખાની નીચે જીવે છે. રિપોર્ટમાં 2004-05ના આંકડાનો આધાર લેવાયો છે. ગ્રામીણ વિસ્તારમાં 40 ટકા દલિત મુસ્લિમ અને 30 ટકા દલિત ખ્રિસ્તી ગરીબી રેખાથી નીચે છે.
આર્થિક સ્તરે તો પછાતપણું છે જ પરંતુ ખ્રિસ્તી અને મુસ્લિમ બનવા છતાં તેમની સાથે સામાજિક ભેદભાવની સ્થિતિ ચાલુ છે. તેમને અલગ ચર્ચ, મસ્જિદ અને કબરસ્તાનમાં જવા માટેની ફરજ પાડવામાં આવે છે. લાંબા સમયથી આ તથ્યથી ઇનકાર કર્યા બાદ કૅથલિક ચર્ચે સ્વીકારી લીધું છે કે દલિત ખ્રિસ્તીઓ સાથે ભેદભાવ થાય છે.
ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં પણ દલિતોને સમાન હક અપાવવા માટે ઘણાં સંગઠન ઘણા સમયથી આ મુદ્દે આંદોલન કરી રહ્યા છે. તે પૈકી એક નેશનલ કાઉન્સિલ ઑફ દલિત ક્રિશ્ચિયને આંદોલનને 'રિલિજન ન્યૂટ્રલ' બનાવવાની માગ કરતાં એક અરજી દાખલ કરી હતી, જેની જાન્યુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનું મંજૂર રાખ્યું હતું.

સચ્ચર કમિટી અને રંગનાથ મિશ્ર પંચે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, AFP
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીનો હેતુ દલિત અને મુસ્લિમ દલિતોને અનામતનો અધિકાર અપાવાનો છે. આ પ્રકારની ઘણી અરજીઓ દાખલ કરાઈ હતી અને હવે જ્યારે આ અંગે 11 ઑક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે.
જોકે આ પહેલાં જ કેન્દ્ર સરકારે આમને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાની સંભાવનાની તપાસ માટે પંચ નીમવાના આદેશ જાહેર કરીને આ મામલાને નવો વળાંક આપ્યો છે.
ઑલ ઇન્ડિયા પસમંદા મુસ્લિમ મહાઝના અધ્યક્ષ અને ભૂતપૂર્વ સાંસદ અલી અનવર અંસારી બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે કે, "સચ્ચર સમિતિના રિપોર્ટમાં કહેવાયું હતું કે મુસ્લિમોમાં પણ જાતિભેદ છે. ત્યાં પણ દલિતો સાથે ભેદભાવ થાય છે. તેથી અનુસૂચિત જાતિઓને મળનારા લાભ તેમને પણ મળવા જોઈએ. બાદમાં અન્ય ધર્માં દલિતોની ઓળખ અને તેમની પરિસ્થિતિમાં સુધારાના ઉપાય સૂચવવા માટે બનાવાયેલ રંગનાથ મિશ્ર કમિશને પણ લગભગ આ જ વાત જણાવી."
અલી અનવરે કહ્યું, "રંગનાથ મિશ્ર કમિશને કહ્યું હતું કે 1950માં રાષ્ટ્રપતિએ અનુચ્છેદ 341 હેઠળ જાહેર કરાયેલ વટહુકમમાં પૅરા ત્રણને જોડીને જે પ્રકારે દલિત મુસ્લિમો અને ખ્રિસ્તીઓને અનુસૂચિત જાતિના દાયરામાંથી બહાર કરાયા હતા, તે ગેરબંધારણીય હતું. તે ખતમ થવું જોઈએ. તેના માટે કોઈ બંધારણીય સંશોધનની જરૂર નથી. આ કામ વહીવટી આદેશથી પણ થઈ શકે છે."
મુસ્લિમ અને ખ્રિસ્તી દલિતોને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવા માટે કોર્ટના દરવાજે વર્ષ 2004માં જ દસ્ક્ત દેવાઈ હતી, જ્યારે અમુક ખ્રિસ્તી સંગઠનોએ આની માગ કરતાં એક અરજી દાખલ કરી હતી.
બાદમાં અમુક મુસ્લિમ સંગઠનોએ પણ અરજી દાખલ કરી હતી. હવે આટલા દિવસ બાદ આ મામલો સુનાવણી માટે સામે આવ્યો છે અને કેન્દ્ર સરકારને આના અંગે જવાબ રજૂ કરવા કહેવાયું છે. આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા આ મામલે પંચ બનાવવાના આદેશ આપવાનો શો અર્થ છે?

કાયદાકીય બાજુ

- 1950ના રાષ્ટ્રપતિ વટહુકમ પ્રમાણે માત્ર હિંદુ, શીખ અને બૌદ્ધ દલિતોને અનુસૂચિત જાતિનો દરજ્જો
- શીખ દલિતોને 1956 અને બૌદ્ધ દલિતોને વર્ષ 1990માં જ અનુસૂચિત જાતિનો દરજ્જો મળ્યો
- શીખ દલિતોને કાકા કાલેલકર સમિતિ અને બૌદ્ધ દલિતોને વર્ષ 1983માં બનેલ સમિતિના રિપોર્ટના આધારે આ દરજ્જો મળ્યો
- કેન્દ્ર સરકારનું કહેવું છે કે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ અપનાવનાર લોકોને અનુસૂચિત જાતિમાં ન રાખી શકાય
- કેન્દ્રનો તર્ક છે કે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જાતિભેદમાં નથી માનતા તેથી તેમને આ દરજ્જો ન મળી શકે

પંચની રચનાના હેતુ પર સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
નેશનલ કાઉન્સિલ ઑફ દલિતના રાષ્ટ્રીય અધ્યક્ષ વી. જી. જ્યોર્જે બીબીસી હિંદીને જણાવ્યું કે, "સરકાર આ મુદ્દે કોર્ટમાં જવાબ આપવાના સ્થાને તેનાથી બચવા માગે છે. સરકારની આ હરકત કાયરતાભરી છે. આ મામલે હવે પંચની રચના કરવાનો શો અર્થ છે."
જ્યોર્જ આગળ જણાવે છે કે, "વર્ષો પહેલાં રંગનાથ મિશ્ર કમિશન ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામમાં દલિતોની ખરાબ હાલત અને તેમની સાથે થતા ભેદભાવનો ઉલ્લેખ કરી ચૂક્યું છે. હવે સરકાર વધુ શું માગવા માગે છે. સરકાર પ્રોફેસર સતીશ દેશપાંડેની આગેવાનીમાં આ બાજુનું અધ્યયન કરાવી ચૂકી છે. આને સરકારે જ ફંડ કર્યું હતું."
જ્યોર્જ અનુસાર, "રંગનાથ મિશ્ર કમિશન સિવાય પણ ઘણાં કમિશનોએ માન્યું છે કે દલિત મુસ્લિમો અને ખ્રિસ્તીઓને અનુસૂચિત જાતિનો દરજ્જો મળવો જોઈએ. હવે સરકાર વધુ એક કમિશન બનાવીને માત્ર આ મુદ્દાને ટાળવા માગે છે. જોકે અમે આ કમિશનની રચનાને પણ અદાલતમાં પડકારીશું."
મોદી સરકારેના આ નિર્ણય પર અલી અનવર પણ સવાલ ઉઠાવે છે.
તેઓ કહે છે કે, "2019માં જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો અને મોદી સરકારને રંગનાથ મિશ્ર પંચની ભલામણો પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું. પરંતુ આ સરકારે કહ્યું કે ખ્રિસ્તીઓ અને મુસ્લિમોમાં કોઈ જાતિ નથી તેથી તેમને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાનો પ્રશ્ન જ નથી પેદા થતો."
અલી અનવર આગે જણાવે છે કે, "હવે જ્યારે મામલાની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચૂક્યો છે અને લાગી રહ્યું છે કે અમુક નિર્ણાયક નિર્ણય થઈ શકે છે તો મોદી સરકારે એક પંચ બનાવીને મામલોને નવો વળાંક આપી દીધો. પંચના રિપોર્ટ માટે બે વર્ષની ડેડલાઇન છે."
અલી અનવર પ્રમાણે, "આ મામલો ટાળવાની કવાયત છે. આ મોદી સરકારનું પબ્લિક કમિટમેન્ટ તો નથી. તેથી મામલો ટાળી રહેશે અને સરકાર મુસ્લિમ અને ખ્રિસ્તી દલિતોને આ દરજ્જો આપવાથી બચી જશે."

વોટ બૅંકનું રાજકારણ?

ઇમેજ સ્રોત, EPA
કેટલાંક સ્થળોએ એ વાત અંગ પણ ચર્ચા થઈ રહી છે કે મોદી સરકાર ચૂંટણી લાભ માટે આ પગલું ઉઠાવી રહી છે.
આ મામલે અલી અનવર કહે છે કે, "મોદીજીની પસમાંદા સ્નેહ યાત્રા અને મુસ્લિમ-ખ્રિસ્તી દલિતોને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાનો ઇરાદો ભ્રમમાત્ર છે. ભાજપનું પિતૃ સંગઠન આરએસએસ પહેલાંથી જ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ અન્ય ગ્રહના જીવ સમજતું રહ્યું છે. તેની જન્મભૂમિ અને પુણ્ય ભૂમિની અવધારણા જગજાહેર છે."
અલી અનવર આગળ જણાવે છે કે, "જે લોકો એવું સમજે છે કે મોદી આનો ચૂંટણીલાભ લેવા માગે છે તો તેઓ ખોટા છે કારણ કે મુસ્લિમોમાં ડઝન જેવી જાતિઓ દલિતોમાં આવે છે. અને તે એક ટકા મતો બરોબર પણ નહીં હોય. જો ચૂંટણી લાભ લેવો હોય તો તેને લાગુ કરી દેતા અને પછી તેનું અધ્યયન કરાવતા કે તેનો લાભ કોને મળ્યો અને કોને નહીં. આવું પણ ન કર્યું. જોકે સ્પષ્ટ છે કે આ માત્ર મોદી સરકારની ભ્રમ ફેલાવવાની કવાયત છે."

શું હિંદુ દલિત આનાથી નારાજ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
હિંદુ દલિતોનું માનવું છે કે જો ખ્રિસ્તી અને મુસ્લિમ દલિતોને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવામાં આવશે તો હવે તેના અધિકારોને હડપ કરવા જેવું હશે.
નેશનલ કૉન્ફેડરેશન ઑફ દલિત ઍન્ડ આદિવાસી ઑર્ગેનાઇઝેશના અધ્યક્ષ અશોક ભારતી કહે છે કે, "ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જણાવે છે કે તેમના ત્યાં ભેદભાવ નથી. તેમની નજરમાં બધા બરાબર છે. હવે તેઓ કહી રહ્યા છે કે અમારા અહીં ભેદભાવ છે. ખ્રિસ્તી અને ઇસ્લામ બંને પોતાની જાતને અસ્પૃશ્યતામુક્ત જણાવતાં આને નકારી રહ્યા છે."
ભારતી આગળ કહે છે કે, "સર્વોચ્ચ ન્યાયાલયમાં રજૂ ગાઝી સાદુદ્દીન વિરુદ્ધ સ્ટેટ ઑફ મહારાષ્ટ્ર અને અન્યની દીવાની અપીલ અને જાહેર હિતની અરજી અને બીજી અરજીઓ દ્વારા ખ્રિસ્તી અને મુસ્લિમ દલિતોને અનુચ્છેદ 341 અંતર્ગત અનુસૂચિત જાતિમાં સામેલ કરીને અનામતની માગ હાલની અનુસૂચિત જાતિઓના અધિકારોને હડપ કરવાની કોશિશ છે."
સતીશ દેશપાંડે પ્રમાણે તેમના વર્ષ 2008ના રિપોર્ટમાં એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે દલિત અને ખ્રિસ્તી મુસ્લિમ સાથે ભેદભાવના પૂરતા પુરાવા છે. તેમની આર્થિક સ્થિતિ બીજા ધર્મોના દલિતો કરતાં પણ ખરાબ છે. પરંતુ હિંદ દલિત આ માનવા તૈયાર નથી.
અશોક ભારતી કહે છે કે, "દલિત મૂળના ખ્રિસ્તી અને મુસ્લિમોને પહેલાંથી જ સરકારી સેવા અને શિક્ષામાં ઓબીસી અંતર્ગત અનામત મળેલી છે. તેથી પીઆઈએલ મારફતે મુસ્લિમ અને ખ્રિસ્તી દલિતોને અનુસૂચિત જાતિમાં રાખીને તેમને આરક્ષણ આપવાની માગના વધુ નિહિતાર્થ પણ હોઈ શકે છે. આવનારા દિવસોમાં તે સ્પષ્ટ થઈ જશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













