કેજરીવાલ અને મોદીના 'હિંદુત્વ'માં આંબેડકર કેવી રીતે ફિટ બેસે છે?

આંબેડકર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • આંબેડકર હિંદુ ધર્મની ભારે ટીકા કરતા હતા
  • આંબેડકરે 1951માં નેહરુની કૅબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું
  • આંબેડકરે 1956માં બૌદ્ધધર્મ અપનાવી લીધો હતો
  • બૌદ્ધધર્મ અપનાવતી વખતે, તેમણે હિંદુ દેવી-દેવતાઓની પૂજા ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી
  • આ જ પ્રતિજ્ઞા કેજરીવાલના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે આ મહિને લેવડાવી તો તેમણે રાજીનામું આપવું પડ્યું હતું
લાઇન

હિન્દીના જાણીતા કવિ મુક્તિબોધ ઘણીવાર પરસ્પર વાતચીતમાં એક વાક્ય પ્રશ્નની જેમ દોહરાવતા હતા - પાર્ટનર તમારું પૉલિટિક્સ શું છે?

મુક્તિબોધ ક્લાસ પૉલિટિક્સની વાત કરતા હતા અને તેમની આ પંક્તિ આજે પણ પ્રશ્નોના રૂપમાં સપાટી પર આવતી રહે છે. આ એક લીટીનો સવાલ ભારતીય સમાજ અને રાજનીતિમાં આજે પણ પ્રાસંગિક છે.

આમ આદમી પાર્ટી બની ત્યારે અરવિંદ કેજરીવાલ વિશે સવાલ ઉઠતો રહ્યો કે તેમનું પૉલિટિક્સ શું છે?

અણ્ણા હજારેના આંદોલનને લઈને પણ સવાલો ઉઠ્યા હતા કે તેમનું પૉલિટિક્સ શું છે?

અરવિંદ કેજરીવાલની એક વીડિયો ક્લિપ વારંવાર શૅર થતી રહે છે. આ વીડિયોમાં કેજરીવાલ કહી રહ્યા છે, "જ્યારે બાબરી મસ્જિદનો ધ્વંસ થયો ત્યારે મેં નાનીને પૂછ્યું કે નાની હવે તમે બહુ ખુશ થશો? હવે તો તમારા ભગવાન રામનું મંદિર બનશે. નાનીએ જવાબ આપ્યો કે ના દીકરા, મારા રામ કોઈની મસ્જિદ તોડીને એવા કોઈ મંદિરમાં નથી રહી શકતા."

કેજરીવાલે 2014માં તેમનાં નાનીની આ વાત કહી હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પરંતુ આ વર્ષે 11 મેના રોજ રાજકોટમાં અરવિંદ કેજરીવાલે તેમનાં નાનીની વાતથી ઊલટી એક વૃદ્ધ અમ્માની વાત સંભળાવી હતી. એ વાતમાં કેજરીવાલ કહે છે, "એક વૃદ્ધ અમ્મા આવ્યાં. આવીને મારા કાનમાં હળવેકથી કહ્યું, દીકરા તેં અયોધ્યા વિશે સાંભળ્યું છે?"

"મેં કહ્યું, અયોધ્યાની મને ખબર છે અમ્મા. જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો એ જ અયોધ્યાને? અમ્માએ કહ્યું, હા, એ જ અયોધ્યા. તમે ક્યારેય ત્યાં ગયા છો? મેં કહ્યું, હા હું ગયો છું. રામજન્મભૂમિ પર જવાથી ઘણી શાંતિ મળે છે. અમ્માએ કહ્યું, હું બહુ ગરીબ છું. હું ગુજરાતના એક ગામમાં રહું છું. મને અયોધ્યા જવાની ખૂબ ઇચ્છા છે."

"મેં કહ્યું, અમ્મા તમને ચોક્કસ અયોધ્યા મોકલશું. એસી (ઍર કંડિશનર) ટ્રેનમાં મોકલશું. એસી હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરીશું. ગુજરાતના વૃદ્ધ અને માતાને અયોધ્યામાં રામચંદ્રજીના દર્શન કરાવીશું. અમ્માને એક જ વિનંતી છે. ભગવાનને પ્રાર્થના કરો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને."

જ્યારે કેજરીવાલે નાનીની વાત સંભળાવી ત્યારે આમ આદમી પાર્ટી કાચી વયની હતી અને આ વર્ષે મે મહિનામાં વૃદ્ધ અમ્માની વાત સંભળાવી ત્યારે પાર્ટી સમય પહેલાં જ પુખ્ત બની ગઈ હતી.

line

કેજરીવાલનો રામપ્રેમ

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

અરવિંદ કેજરીવાલે કદાચ તેમનાં નાનીની વાત સાંભળી નથી.

તેઓ ગયા વર્ષે અયોધ્યા ગયા હતા અને રામલલ્લાના દર્શન કર્યા હતા. કેજરીવાલ રામલલ્લાના દર્શન કરવા ખુદ અયોધ્યાની મુલાકાત લે છે અને હિન્દુઓની વચ્ચે ચૂંટણીઢંઢેરો જાહેર કરતાં કહે છે કે તેઓ સરકારી ખર્ચે વૃદ્ધોને અયોધ્યા લઈ જશે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

નવેમ્બર 2019માં, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની આગેવાની હેઠળની પાંચ જજોની બૅન્ચે સર્વસંમતિથી મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, પરંતુ સાથે એમ પણ કહ્યું હતું કે બાબરી મસ્જિદને તોડી પાડવી એ એક ગેરકાયદેસર કૃત્ય હતું. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર ઘણા સવાલો ઊભા થયા હતા.

અયોધ્યા ચુકાદા પર સવાલો ઉઠાવનારાઓમાં એ શરૂઆતના લોકોમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ગાંગુલી પણ સામેલ હતા. જસ્ટિસ ગાંગુલીનો મુખ્ય પ્રશ્ન હતો કે "સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન હિંદુ પક્ષને આપવાનો નિર્ણય કયા આધાર પર લીધો છે તે તેમની સમજની બહાર છે."

કેજરીવાલ પોતાને રામભક્ત કહેવા ઉપરાંત આંબેડકરના સિદ્ધાંતો પર ચાલતા હોવાનો દાવો પણ કરે છે. પરંતુ તાજેતરની ઘટના તેમના આંબેડકર પ્રેમ પર સવાલો ઉભા કરી રહી છે.

રાજેન્દ્રપાલ ગૌતમ અરવિંદ કેજરીવાલની કૅબિનેટનો દલિત ચહેરો હતા. તે બૌદ્ધ છે. તેઓ ઉત્તર-પૂર્વ દિલ્હીની સીમાપુરી અનામત બેઠક પરથી બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ પોતાને આંબેડકરવાદી ગણાવે છે.

અરવિંદ કેજરીવાલે 2017માં રાજેન્દ્રપાલ ગૌતમને તેમની કૅબિનેટમાં સામેલ કર્યા હતા.

જે રીતે શીલા દીક્ષિત અને ભાજપ સરકારમાં દલિત ચહેરાઓનો પ્રતીક તરીકે ઉપયોગ થતો હતો, ગૌતમની ઍન્ટ્રી પણ એ જ રૂપે જોવામાં આવી હતી. પાંચ ઑક્ટોબરે રાજેન્દ્રપાલ ગૌતમ દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજર હતા, જ્યાં સેંકડો હિંદુઓ બૌદ્ધધર્મ અપનાવી રહ્યા હતા. રાજેન્દ્રપાલ ગૌતમ કાર્યક્રમના મંચ પર હતા.

રાજેન્દ્રપાલ ગૌતમે મંચ પરથી કહ્યું કે તેઓ વર્ષોથી આવા કાર્યક્રમમાં હાજરી આપતા આવ્યા છે. અહીં બૌદ્ધધર્મ સ્વીકારનારા લોકો એ જ પ્રતિજ્ઞાને દોહરાવે છે, જે ભીમરાવ આંબેડકરે હિંદુ ધર્મ છોડીને બૌદ્ધધર્મ અપનાવતી વખતે લીધી હતી.

line

જ્યારે આંબેડકર બૌદ્ધ બન્યા

પ્રકાશ આંબેડકર: "કેજરીવાલે સાવરણાનું ચૂંટણી ચિહ્ન જાણી જોઈને પસંદ કર્યું છે. સાવરણાનો સંબંધ વાલ્મીકિ સમાજ સાથે છે., પરંતુ કેજરીવાલ ઝાડૂની ગરિમા સમજી શક્યા નથી."

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રકાશ આંબેડકર: "કેજરીવાલે સાવરણાનું ચૂંટણી ચિહ્ન જાણી જોઈને પસંદ કર્યું છે. સાવરણાનો સંબંધ વાલ્મીકિ સમાજ સાથે છે., પરંતુ કેજરીવાલ ઝાડૂની ગરિમા સમજી શક્યા નથી."

ઑક્ટોબર 1956માં બીઆર આંબેડકરે હિંદુધર્મ છોડીને બૌદ્ધધર્મ અપનાવ્યો હતો. પાંચમી ઑક્ટોબરે રાજેન્દ્રપાલ જે સ્ટેજ પર હતા ત્યાંથી શપથ લેવડાવવામાં આવ્યા હતા કે હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરવી નહીં.

આ શપથ સાથે જ ભાજપના નેતાઓએ કેજરીવાલને ઘેરવાનું શરૂ કરી દીધું હતું. ભાજપે આમ આદમી પાર્ટીને હિન્દુ વિરોધી ગણાવી હતી. કિરેન રિજિજૂ મોદી સરકારમાં એકમાત્ર બૌદ્ધ મંત્રી છે અને તેમણે પણ આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર મોરચો ખોલ્યો હતો કે કેજરીવાલ કેમ હિન્દુઓને આટલી બધી નફરત કરે છે.

અરવિંદ કેજરીવાલ આ મામલે ફસાયા હોય તેવું લાગી રહ્યું હતું. રાજેન્દ્રપાલ ગૌતમે એક નિવેદન જારી કર્યું હતું કે તેઓ કોઈપણ ધર્મના દેવતાનું અપમાન કરતા નથી.

પરંતુ વાત આટલેથી અટકી ન હતી. નવમી ઑક્ટોબરની સાંજે રાજેન્દ્રપાલ ગૌતમે ટ્વિટર પર કેજરીવાલ કૅબિનેટમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ગૌતમે લખ્યું છે કે, "હું નથી ઇચ્છતો કે મારા કારણે અરવિંદ કેજરીવાલ જી અને મારી પાર્ટી પર કોઈ પણ પ્રકારે આંચ આવે."

રાજેન્દ્રપાલ ગૌતમે તેમના રાજીનામામાં સ્વીકાર્યું છે કે તેમણે પાંચમી ઑક્ટોબરે વિજયાદશમીના અવસરે દિલ્હીના રાણી ઝાંસી રોડ પર આંબેડકર ભવનમાં જય ભીમ બૌદ્ધ સમાજ દ્વારા આયોજિત બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહમાં હાજરી આપી હતી.

રાજેન્દ્રપાલ ગૌતમે લખ્યું છે કે, "એ કાર્યક્રમમાં બાબા સાહેબના પ્રપૌત્ર રાજ રત્ન આંબેડકરે બીઆર આંબેડકરના 22 સંકલ્પોને દોહરાવ્યા હતા અને તેમણે પણ 10 હજાર લોકો સાથે આ પ્રતિજ્ઞા દોહરાવી હતી. આ પ્રતિજ્ઞામાં હિન્દુ દેવી-દેવતાઓની પૂજા નહીં કરવાની વાત કરવામાં આવી છે."

line

આંબેડકરની 22 પ્રતિજ્ઞા

આંબેડકર

ઇમેજ સ્રોત, OTHER

15 ઑક્ટોબર, 1956ના રોજ હજારોની ભીડ બી.આર. આંબેડકરની સામે ઊભી હતી અને તેમણે લોકોને આ 22 પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી-

  • બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં હવે કોઈ શ્રદ્ધા નહીં રાખું અને તેમની પૂજા પણ નહીં કરું
  • રામ અને કૃષ્ણમાં હવે કોઈ આસ્થા નહીં રાખુ અને તેમની પૂજા નહીં કરુ
  • ગૌરી, ગણપતિ સાથે હિન્દુ ધર્મનાં અન્ય દેવી-દેવતાઓમાં કોઈ આસ્થા નહીં રાખું અને તેમની પૂજા નહીં કરૂં
  • હું ભગવાનના અવતારમાં પણ માનતો નથી
  • હું એમાં નહીં માનું કે ભગવાન બુદ્ધ વિષ્ણુના અવતાર હતા, આ એક જૂઠ અને પ્રૉપેગેંડા છે
  • હું શ્રદ્ધા નહીં રાખું કે પિંડ દાન નહીં કરૂં
  • હું બુદ્ધની દીક્ષાથી ઉપરવટ કોઈ કામ નહીં કરૂં
  • બ્રાહ્મણો અનુસાર કોઈ પણ અનુષ્ઠાન નહીં કરૂં
  • હું સમતા અને માનવીયતામાં શ્રદ્ધા રાખીશ
  • હું સમાજમાં સમાનતા લાવવાની કોશીશ કરીશ
  • હું બુદ્ધના આષ્ટાંગિક માર્ગનું પાલન કરીશ
  • હું બુદ્ધના 10 પરામિતા માર્ગનું પાલન કરીશ
  • હું તમામ સજીવ પ્રાણીઓ પ્રત્યે કરૂણા રાખીશ અને બધાનું કલ્યાણ વિચારીશ
  • હું ચોરી નહીં કરૂ
  • હું ખોટું નહીં બોલું
  • હું કોઈ શારિરિક અપરાધ નહીં કરૂ
  • હું શરાબ સેવન કરીશ નહીં
  • હું બુદ્ધના બતાવેલા ત્રણ મુખ્ય માર્ગ - જ્ઞાન, શીલ અને કરુણાને આત્મસાત કરીશ
  • હું હિન્દુ ધર્મના ત્યાગની જાહેરાત કરૂં છું, જ્યાં માણસો સાથે ભેદભાવ આચરવામાં આવે છે અને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યો છું
  • મારો દૃઢ વિશ્વાસ છે કે બૌદ્ધ ધર્મ જ સાચો ધર્મ છે
  • મારૂં માનવું છે કે હું નવા જીવનમાં પ્રવેશ કરી રહ્યો છું
  • આગળનું જીવન બુદ્ધની દીક્ષા અનુસાર, વ્યતીત કરીશ

આ 22 પ્રતિજ્ઞાને લઈને રાજેન્દ્રપાલ ગૌતમના મામલે આમ આદમી પાર્ટીની સ્થિતિ જટિલ બની ગઈ હતી. તે એક તરફ હિંદુ અસ્મિતા સામે પડકાર અને બીજી તરફ દલિતોના ઉદયનો મામલો હતો. કેજરીવાલ માટે બંને પૈકી કોઈનો નકાર કરવાનું સરળ નહોતું.

રાજેન્દ્રપાલ ગૌતમ મંત્રી તરીકે ધર્માંતરણ કાર્યક્રમમાં જોડાયા તો હિંદુવાદીઓ કેજરીવાલને ઘેરી રહ્યા હતા અને હવે તેમણે રાજીનામું આપી દીધું છે ત્યારે પણ પ્રશ્ન ઊઠી રહ્યો છે. રાજીનામા બાદ સવાલ કરાયો કે કેજરીવાલે હિન્દુત્વની રાજનીતિ સામે આંબેડકરવાદને કોરાણે મૂકી દીધો છે.

'ચૂંટણી માટે આંબેડકર પ્રત્યે પ્રેમ બતાવ્યો'

પંજાબ યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર આશુતોષ કુમાર કહે છે, "કેજરીવાલને આંબેડકર ઉપર કોઈ પ્રેમ નથી. તેમને પંજાબમાં સત્તામાં આવવું હતું અને અહીં દલિત વસ્તી 32 ટકા છે. એટલે કેજરીવાલે આંબેડકર પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો. રાજેન્દ્ર ગૌતમના કિસ્સામાં તેમના આંબેડકરવાદનો પર્દાફાશ થયો છે. કેજરીવાલના પંજાબ પેકેજમાં ભગતસિંહ અને આંબેડકર હતા."

આ અંતર્ગત તેમણે બંનેની તસવીર સરકારી ઓફિસોમાં લટકાવી દીધી છે. હવે તેઓ જાણે છે કે પંજાબની બહાર ભગતસિંહ અને આંબેડકર નહીં ચાલે. એટલે જ ગુજરાતમાં તેઓ પોતાને કટ્ટર હનુમાન ભક્ત ગણાવે છે. કેજરીવાલ મધ્યમ વર્ગની રાજનીતિ કરે છે અને મધ્યમ વર્ગ જમણેરી પક્ષ સાથે છે. આપણે કહીએ છીએ કે રાજનીતિ એ વિરોધાભાસની કળા છે અને કેજરીવાલ પણ એ જ રાજનીતિ કરી રહ્યા છે. માત્ર કેજરીવાલ જ નહીં પરંતુ ભારતના લગભગ તમામ રાજકીય પક્ષો."

બીઆર આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકર કહે છે કે, "કેજરીવાલ પાસે અમે એ અપેક્ષા નથી રાખતા કે તે બાબાસાહેબના સિદ્ધાંતોનું પાલન કરે. પરંતુ રાજેન્દ્ર પાલ ગૌતમના કિસ્સામાં જો કેજરીવાલે બંધારણનું પણ પાલન કર્યું હોત તો તેમણે રાજીનામું ન આપ્યું હોત. બંધારણમાં લખ્યું છે કે તમે કોઈપણ ધર્મ છોડી શકો છો અને કોઈપણ ધર્મ અપનાવી શકો છો.

કેજરીવાલ વૈદિક હિંદુ ધર્મની વર્ણાશ્રમ વ્યવસ્થામાં માને છે અને અમે તેમની પાસેથી બાબા સાહેબે બતાવેલા માર્ગ પર ચાલવાની અપેક્ષા રાખી શકીએ નહીં. કેજરીવાલ શરૂઆતમાં અનામતનો પણ વિરોધ કરતા હતા. દલિતો અને આદિવાસીઓ વર્ણાશ્રમ વ્યવસ્થાનો ભાગ નથી અને કેજરીવાલ તેમને લાંબા સમય સુધી ગેરમાર્ગે દોરી શકશે નહીં."

પ્રકાશ આંબેડકર કહે છે, "કેજરીવાલે સાવરણાનું ચૂંટણી ચિહ્ન જાણી જોઈને પસંદ કર્યું છે. સાવરણાનો સંબંધ વાલ્મીકિ સમાજ સાથે છે. વાલ્મીકિ સમાજ શરૂઆતથી જ સાફ સફાઈના કામમાં લાગેલો છે. પરંતુ કેજરીવાલ ઝાડૂની ગરિમા સમજી શક્યા નથી."

વાસ્તવમાં, અરવિંદ કેજરીવાલ રામ અને બીઆર આંબેડકર બંનેની રાજનીતિનો દાવો કરે છે. 8 ઑક્ટોબરે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું હતું કે, હું હનુમાનજીનો કટ્ટર ભક્ત છું. કંસની ઓલાદ મારી સામે એક થઈ ગઈ છે. મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. ભગવાને મને કંસની ઓલાદનો નાશ કરવા માટે સ્પેશલ કામ સોંપીને મોકલ્યો છે."

line

પંજાબમાં દલિતો

આ વર્ષે યોજાયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીએ અનુસૂચિત જાતિ માટે અનામત 34 બેઠકોમાંથી 29 બેઠકો જીતી હતી. પંજાબ ભારતમાં એવું રાજ્ય છે જ્યાં અનુસૂચિત જાતિની સંખ્યા સૌથી વધુ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વર્ષે યોજાયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીએ અનુસૂચિત જાતિ માટે અનામત 34 બેઠકોમાંથી 29 બેઠકો જીતી હતી. પંજાબ ભારતમાં એવું રાજ્ય છે જ્યાં અનુસૂચિત જાતિની સંખ્યા સૌથી વધુ છે

દિલ્હી વિધાનસભામાં 2021ના બજેટ સત્રમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે "તેઓ દિલ્હીમાં રામરાજ્ય લાવવા માટે કામ કરી રહ્યા છે."

કેજરીવાલે કહ્યું હતું, "ભગવાન રામ અયોધ્યાના રાજા હતા. ભગવાન રામના શાસનમાં લોકો સંતુષ્ટ હતા કારણ કે તમામ મૂળભૂત સુવિધાઓ લોકોને સુલભ હતી. અમે એને જ રામરાજ્ય કહીએ છીએ. અમે દિલ્હીમાં પણ આ રામરાજ્ય લાવવા માગીએ છીએ."

કેજરીવાલે દિલ્હીના મંદિરમાં રામની 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવાને સિદ્ધિ ગણાવી હતી.

2021ના બજેટમાં, કેજરીવાલે તેમની સરકાર તરફથી બીઆર આંબેડકરના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરવા માટે 10 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

આ વર્ષે જાન્યુઆરીમાં પંજાબમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલે વચન આપ્યું હતું કે જો તેમની પાર્ટી સરકારમાં આવશે તો તમામ સરકારી ઑફિસોમાં માત્ર આંબેડકર અને ભગતસિંહની જ તસવીરો લગાવવામાં આવશે.

આમ આદમી પાર્ટી સત્તામાં આવી અને ત્યાંની સરકારી ઑફિસોમાં પણ એવું જ કરવામાં આવ્યું. કેજરીવાલે દિલ્હીના સચિવાલયમાં પણ આવું જ કર્યું.

આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હી સરકારે બે અઠવાડિયા માટે દિવસમાં બે વાર આંબેડકરના જીવન પર મ્યૂઝિકલ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે પોતાનાં ઘણાં ભાષણોમાં કહ્યું છે કે તેઓ બાબાસાહેબનાં સપનાંને સાકાર કરવા માટે કામ કરી રહ્યા છે.

2011ની વસ્તી ગણતરી મુજબ પંજાબમાં દલિતોની વસ્તી 31.9 ટકા છે. તેમાંથી 19.4 ટકા દલિત શીખ અને 12.4 ટકા દલિત હિન્દુ છે. પંજાબમાં કુલ 34 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે.

આ વર્ષે યોજાયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીએ અનુસૂચિત જાતિ માટે અનામત 34 બેઠકોમાંથી 29 બેઠકો જીતી હતી. એટલે કે પંજાબમાં આમ આદમી પાર્ટીએ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોમાંથી 85 ટકા બેઠકો જીતી હતી. પંજાબ ભારતમાં એવું રાજ્ય છે જ્યાં અનુસૂચિત જાતિની સંખ્યા સૌથી વધુ છે.

દિલ્હીમાં કુલ 1.2 કરોડ મતદારોમાં દલિત મતદારો 20 ટકા છે. દલિતોમાં જાટવ, વાલ્મીકી અને અન્ય પેટા જાતિઓ છે. દિલ્હીમાં અનુસૂચિત જાતિની કુલ 12 બેઠકો અનામત છે અને છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આ તમામ અનામત બેઠકો જીતી હતી.

2013 પહેલાં બહુજન સમાજવાદી પાર્ટી પણ દિલ્હીમાં પોતાની હાજરી નોંધાવતી હતી, પરંતુ કેજરીવાલના ઉદય પછી બસપા દિલ્હીમાંથી ખતમ થઈ ગઈ છે. કેજરીવાલ દલિતોમાં બીઆર આંબેડકરની પ્રતિષ્ઠાને સમજે છે અને ઉત્તર ભારતમાં માયાવતી પછી આ ચૂંટણી મેદાન ખાલી છે.

line

શું છે આમ આદમી પાર્ટીની વિચારધારા?

આંબેડકર દલિતોમાં ભગવાન સમાન છે. તમે ગાંધી અને નેહરુને ગાળો આપી શકો છો. ભાજપના લોકો જાહેરમાં આપે છે, પરંતુ આંબેડકરને ગાળો આપી શકતા નથી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આંબેડકર દલિતોમાં ભગવાન સમાન છે. તમે ગાંધી અને નેહરુને ગાળો આપી શકો છો. ભાજપના લોકો જાહેરમાં આપે છે, પરંતુ આંબેડકરને ગાળો આપી શકતા નથી.

2012માં, આમ આદમી પાર્ટી અણ્ણા હજારેના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર વિરોધી ચળવળમાંથી બહાર આવી હતી. નવ-ઉદારવાદી આર્થિક વ્યવસ્થાની સ્થાપના પછી આમ આદમી પાર્ટીની રચના કરવામાં આવી હતી.

નાગરિક અધિકાર કાર્યકર્તા આનંદ તેલતુમ્બડેએ આમ આદમી પાર્ટીની રચનાના બે વર્ષ બાદ 2014માં ઈકોનોમિક ઍન્ડ પોલિટિકલ વીકલીમાં લખ્યું હતું કે, "આમ આદમી પાર્ટી નિયો-લિબરલ સિસ્ટમમાં રચાયેલી પાર્ટીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સાથે આ પાર્ટી એ વાતનું પણ ઉદાહરણ છે કે રાજકીય પતન દરમિયાન તેણે ઝડપથી મધ્યમ વર્ગમાં સ્થાન બનાવી લીધું હતું."

'આપ'ની વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે "આ પાર્ટી વિચારધારા કેન્દ્રિત નથી પરંતુ ઉકેલ આપવા પર ભાર મૂકે છે. કેજરીવાલે વિચારધારાના પ્રશ્નના જવાબમાં ચીનને આર્થિક શક્તિ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ડેંગ શિયાઓપિંગના એક અવતરણનો ઉલ્લેખ કર્યો હતો. ડેંગ શિયાઓપિંગે કહ્યું હતું, "બિલાડી ઉંદરને પકડે છે ત્યારે તે કાળી હોય કે સફેદ હોય તેનાથી કોઈ ફરક પડતો નથી."

પ્રોફેસર આશુતોષ કુમાર કહે છે, "અણ્ણા આંદોલન ગાંધીવાદી સ્વરૂપમાં જમીન પર ઉતર્યું હતું. ઉપવાસ અને સત્યાગ્રહને આંદોલનના શસ્ત્રો બનાવાયા હતા. મંચ પર ગાંધીજીની મોટી તસવીર હતી. પરંતુ સત્તા મળતાની સાથે જ કેજરીવાલે સૌથી પહેલા ગાંધીને છોડી દીધા. કેજરીવાલ જાણે છે કે ગાંધીથી કોઈ વૉટ બૅંકને ફાયદો થવાનો નથી. આ મામલે આંબેડકર તેમને કામમાં આવી શકે છે."

આંબેડકર દલિતોમાં ભગવાન સમાન છે. તમે ગાંધી અને નહેરુને ગાળો આપી શકો છો. ભાજપના લોકો જાહેરમાં આપે છે, પરંતુ આંબેડકરને ગાળો આપી શકતા નથી. અત્યારે ભારતીય રાજકારણમાં મત આંબેડકરને પૂજવાથી અને ગાંધી તથા નહેરુને અપમાનિત કરવાથી મળે છે. દેખીતી રીતે કેજરીવાલ પણ વૉટ બૅંકની રાજનીતિ રમી રહ્યા છે."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ભારતના દરેક રાજકીય પક્ષનો ભૂતકાળ વિરોધાભાસોથી ભરેલો છે. આ વિરોધાભાસો ભારતીય રાજકારણીઓના વર્તનમાં પણ ઓતપ્રોત થયેલા છે. આમ આદમી પાર્ટી 2012માં આ વિરોધાભાસો સામે જ બની હતી, પરંતુ જાણકારોના મતે તે પોતે પણ તેનો શિકાર બની ગઈ છે.

દિલ્હીમાં આમ આદમી પાર્ટી બહુ ઝડપથી લોકપ્રિય બની હતી. આમ આદમી પાર્ટીની રચના નવેમ્બર 2012માં થઈ હતી અને ડિસેમ્બર 2013ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 70માંથી 28 બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં કૉંગ્રેસ માત્ર આઠ બેઠકો પર સમેટાઈ ગઈ હતી.

અરવિંદ કેજરીવાલે તેમનાં બાળકોના સોગંદ ખાઈને કહ્યુ હતું કે "તેઓ ક્યારેય ભાજપ અને કૉંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. પરંતુ તેઓ 2013માં કૉંગ્રેસના સમર્થનથી મુખ્ય મંત્રી બન્યા હતા."

કેજરીવાલના સત્તામાં આવવાની શરૂઆત જ તેમના શબ્દોને ફેરવી તોળવા સાથે થઈ હતી. ફેબ્રુઆરી 2015માં દિલ્હીમાં ફરીથી વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને આમ આદમી પાર્ટીએ ભાજપ, કૉંગ્રેસનો સફાયો કર્યો. 'આપ'એ 70માંથી 67 બેઠકો જીતી હતી અને અરવિંદ કેજરીવાલ પ્રચંડ બહુમતી સાથે દિલ્હીના મુખ્ય મંત્રી બન્યા.

આ પાંચ વર્ષ દરમિયાન કેજરીવાલ અણ્ણા આંદોલનમાં બનાવેલી પોતાની ઇમેજને દૂર કરતા રહ્યા. 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, કેજરીવાલે ફરીથી 70માંથી 62 બેઠકો જીતી અને ત્રીજી વખત દિલ્હીના મુખ્ય મંત્રી બન્યા.

પંજાબમાં 2022માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી અને આમ આદમી પાર્ટીએ અહીં બહુમતી સાથે સરકાર બનાવી હતી. તેનાં દસ વર્ષના ઇતિહાસમાં, આમ આદમી પાર્ટી અણ્ણા ચળવળ દરમિયાન બનાવવામાં આવેલી ઇમેજમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગઈ છે અને ભારતની બહુ-પક્ષીય લોકશાહીમાં અન્ય પક્ષોની જેમ સ્થાપિત થઈ ગઈ છે.

line

હિન્દુત્વ, હિન્દુવાદ અને આંબેડકર

ભાજપ વિનાયક દામોદર સાવરકરની હિન્દુત્વની વિચારધારામાં માને છે, સાવરકર હિંદુત્વ અને હિન્દુઈઝ્મને એક નહોતા માનતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપ વિનાયક દામોદર સાવરકરની હિન્દુત્વની વિચારધારામાં માને છે, સાવરકર હિંદુત્વ અને હિન્દુઈઝ્મને એક નહોતા માનતા

ભાજપ વિનાયક દામોદર સાવરકરની હિન્દુત્વની વિચારધારામાં માને છે. સાવરકર પણ હિંદુત્વ અને હિન્દુઈઝ્મને એક નહોતા માનતા.

હિન્દુત્વને આરએસએસ અને ભાજપની રાજકીય ફિલસૂફી તરીકે જોવામાં આવે છે અને હિન્દુઈઝ્મને હિન્દુત્વ સાથે જોડીને જોવામાં આવે છે. હિન્દુ રાષ્ટ્રવાદ અને હિન્દુ સર્વોપરિતા હિન્દુત્વની વિચારધારામાં સહજ છે, જ્યારે હિંદુઈઝ્મને સર્વસમાવેશક માનવામાં આવે છે.

કૅનેડાની મેકગિલ યુનિવર્સિટીના રિલિજિયસ સ્ટડીઝના પ્રોફેસર અરવિંદ શર્મા કહે છે કે "ઉદારવાદીઓ માને છે કે હિન્દુઈઝ્મ આવ્યું અને પછી હિંદુત્વ, જ્યારે હિન્દુ રાષ્ટ્રવાદીઓ માને છે કે હિન્દુત્વ પહેલાં આવ્યું પછી હિન્દુઈઝ્મ આવ્યું."

શર્મા કહે છે, "હિન્દુ ઉદારવાદીઓ ભારતમાં મુસ્લિમ શાસકો પ્રત્યે સહિષ્ણુ વલણ ધરાવે છે અને બ્રિટિશ શાસનને અત્યાચારી ગણાવે છે. બીજી તરફ હિંદુત્વ ઇતિહાસકારો મુસ્લિમ શાસકોને વધુ ક્રૂર માને છે અને બ્રિટિશ શાસનને લઈને બહુ આક્રમક નથી રહેતા."

જોકે, 1995માં સુપ્રીમ કોર્ટની જસ્ટિસ જેએસ વર્માની બૅન્ચે એક ચુકાદો આપ્યો હતો, જેના પછી વસ્તુઓ વધુ જટિલ બની ગઈ હતી. 1995માં જસ્ટિસ વર્માએ હિન્દુત્વ અંગેના પોતાના ચુકાદામાં કહ્યું હતું કે "હિન્દુત્વ, હિન્દુઈઝ્મ અને ભારતીયોની જીવનશૈલી એક જ છે. તેમને સંકુચિત હિન્દુ ધાર્મિક કટ્ટરતા સાથે કોઈ લેવાદેવા નથી."

આંબેડકર હિન્દુત્વને ધુત્કારવાની સાથે હિન્દુ ધર્મ પર પ્રહારો કરતા રહેતા હતા. આંબેડકર હિન્દુધર્મમાં જ્ઞાતિ ભેદભાવને લઈને ખૂબ ગુસ્સે ભરાયેલા હતા.

દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસના શિક્ષક ડૉ. રાહુલ ગોવિંદે તેમના એક સંશોધનમાં લખ્યું છે કે, "આંબેડકર તેમના લખાણોમાં હિન્દુ ધર્મની ખુલ્લેઆમ ટીકા કરતા હતા. બીજી બાજુ સાવરકર કહેતા હતા કે હિંદુત્વ શબ્દ નથી પણ ઇતિહાસ છે. સાવરકર નક્કર તર્ક અને પુરાવા વિના કહેતા હતા કે આ ઉપખંડમાં રહેતા લોકો પૌરાણિક સમયથી પોતાને હિન્દુ કહેતા હતા."

line

ભાજપના રાજકારણમાં આંબેડકર કેટલા ફિટ છે?

આંબેડકરે જાણીજોઈને ઈસ્લામિક આક્રમણ કરતાં પ્રાચીન સમયની લડાઈઓ પર વધુ ભાર મૂક્યો હતો

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, આંબેડકરે જાણીજોઈને ઈસ્લામિક આક્રમણ કરતાં પ્રાચીન સમયની લડાઈઓ પર વધુ ભાર મૂક્યો હતો

સાવરકર તેમના હિન્દુત્વમાં પુણ્યભૂમિ અને પિતૃભૂમિ વિશે વાત કરે છે. પુણ્યભૂમિ એટલે કે જેનો ધર્મ ભારતની બહાર જન્મ્યો છે, તેમના અનુયાયીઓ માટે પુણ્યભૂમિ ભારત નથી.

સાવરકરંનુ કહેવું હતું કે પુણ્યભૂમિ અને પિતૃભૂમિનું વિભાજન દેશ પ્રત્યેના પ્રેમનું વિભાજન છે.

સાવરકરનો ભાર મધ્યકાલીન સમયમાં મુસ્લિમ શાસકોને આક્રમણખોરો અને વિધ્વંસક તરીકે બતાવવાનો હતો, પરંતુ આંબેડકરે પ્રાચીનકાળમાં બૌદ્ધોના ઉદય અને તેમના વિરોધ વચ્ચેના સંઘર્ષ પર વધુ ભાર મૂક્યો હતો.

ડૉ. રાહુલ ગોવિંદ લખે છે કે "આંબેડકરે જાણીજોઈને ઇસ્લામિક આક્રમણ કરતાં પ્રાચીન સમયની લડાઈઓ પર વધુ ભાર મૂક્યો હતો."

આંબેડકર કહેતા હતા કે તેઓ ભારતના ઇતિહાસથી ખુશ નથી કારણ કે ભારતમાં મુસ્લિમોની જીત પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.

ડૉ. રાહુલ ગોવિંદે તેમના લેખમાં આંબેડકરની નોંધમાંથી એક અવતરણનો ઉપયોગ કર્યો છે.

જેમાં આંબેડકરે કહ્યું હતું કે, "બૌદ્ધ ભારત પર બ્રાહ્મણોના હુમલાની અહીંના સમાજ પર સૌથી વધુ અસર પડી છે. તેની સરખામણીમાં હિન્દુ ભારતમાં મુસલમાનોના હુમલા ઓછા છે. ઇસ્લામિક હુમલા પછી પણ હિન્દુઈઝ્મ ટકી રહ્યો હતો, પરંતુ બૌદ્ધો પર બ્રાહ્મણોના હુમલા પછી આ ધર્મ ભારતમાંથી નાશ પામ્યો હતો."

ડૉક્ટર રાહુલ ગોવિંદ કહે છે, "આંબેડકર માનતા હતા કે મનુસ્મૃતિ અને ગીતામાં બહુ ફરક નથી. મનુસ્મૃતિમાં દલિતો વિરુદ્ધ એકદમ સીધી વાત કહેવામાં આવી છે, જ્યારે ગીતાના ગ્રંથમાં પણ જાતિનું વર્ચસ્વ છે."

ઇતિહાસકાર અને લેખક રાજમોહન ગાંધી કહે છે કે બીઆર આંબેડકરની આ ચિંતા એકદમ વાજબી હતી.

તેઓ કહે છે, "જો ભારતમાં બૌદ્ધધર્મ હોત, તો જાતિ ભેદભાવ, અસમાનતા, અન્યાય અને અસ્પૃશ્યતા જેવાં દુષણો ન હોત. સમાજમાં વધુ ન્યાય થયો હોત. પરંતુ અહીંથી બૌદ્ધધર્મનો નાશ કરાયો અને તે ઇતિહાસની એક મોટી ઘટના હતી."

રાજમોહન ગાંધી કહે છે, "હવે રાજનીતિ બદલાઈ ગઈ છે. આજની રાજનીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી જીતવાનો છે. જ્યાં આંબેડકરની જરૂર હશે ત્યાં તેઓ તેમની તસવીરનો ઉપયોગ કરશે અને જ્યાં ગાંધીની જરૂર હશે ત્યાં તેઓ તેમને લાવશે. કૉંગ્રેસની રાજનીતિમાં આંબેડકર બહુ અયોગ્ય નથી. નહેરુએ તેમને મંત્રી બનાવ્યા હતા. ભાજપ માટે આંબેડકર સાવ વિપરીત છે. પણ હવે તેનાથી બહુ ફરક નથી પડતો."

રાજમોહન ગાંધી કહે છે કે ભાજપ સાવરકરની વિચારધારાને અનુસરે છે અને તેઓ આંબેડકરને પોસ્ટરથી વધુ સહન કરી શકતા નથી.

રાજમોહન ગાંધી કહે છે, "બીઆર આંબેડકરે 1951માં નહેરુ કૅબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. આંબેડકર હિન્દુ કોડ બિલમાં વિલંબ ઇચ્છતા ન હતા. તેમણે જ તે તૈયાર કર્યું હતું અને નેહરુનો સંપૂર્ણ ટેકો હતો. બીજી બાજુ નહેરુ પર હિન્દુવાદી નેતાઓનું દબાણ હતું કે તેને પસાર ન થવા દે.

હિંદુ દક્ષિણપંથી તેને પસાર થવા દેવા માંગતા ન હતા. એવા લોકો કૉંગ્રેસમાં પણ હતા. ભાજપે વિચારવું જોઈએ કે આંબેડકર હિન્દુ રાષ્ટ્રનો વિરોધ કેમ કરતા હતા. પીએમ મોદીએ પણ આંબેડકરના રાજીનામાનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ જો તેમણે ઈમાનદારીથી જોયું હોત તો ખબર પડી હોત કે તેમની વિચારધારાને કારણે જ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું."

રાજકારણ એ વિરોધાભાસને સાધવાની કળા છે. એટલે સાવરકરની વિચારધારા પર ચાલતી ભાજપ આંબેડકર અને પોતાને કટ્ટર હનુમાન ભક્ત ગણાવતા અરવિંદ કેજરીવાલની પણ વાત કરે છે.

નહેરુ આંબેડકરની વિદ્વતાથી પરિચિત હતા, તેથી તેમણે વિરોધી હોવા છતાં આંબેડકરને કાનુન મંત્રી બનાવ્યા હતા. નેહરુની આ ઑફરથી ખુદ આંબેડકર પણ નવાઈ પામ્યા હતા.

ભાજપના નેતાઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરે છે, પરંતુ આંબેડકર તેના સખત વિરોધમાં હતા.

ભારતની વસ્તીમાં દલિતોની સંખ્યા લગભગ 17 ટકા છે અને આંબેડકર તેમના માટે ભગવાન સમાન છે. તમામ રાજકીય પક્ષોને મતની જરૂર છે અને આ 17% વસ્તીના આઇકૉનને ભલા કોણ અવગણી શકે?

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન