ગુજરાત ચૂંટણી મહત્ત્વના મુદ્દાઓને છોડીને 'કોણ કટ્ટર હિંદુ' પર કેન્દ્રિત થઈ ગઈ છે?

અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદાતા

ગુજરાતમાં આગામી અમુક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને રાજકીય પક્ષોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે.

પરંતુ ગુજરાતના સત્તાધારી પક્ષ ભાજપ અને સત્તા સામે પડકાર ઊભો કરનાર પક્ષ આમ આદમી પાર્ટી (આપ) સામાન્ય લોકોને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાઓને સ્થાને પોતાની જાતને અને પોતાના નેતાને 'મોટા હિંદુ' સાબિત કરવા મથી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

તાજેતરમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ સામે વાંધાજનક પોસ્ટરો મુકાયાં હતાં. જેમાં તેમને હિંદુ ધર્મને વખોડતાં નિવેદનો આપનાર ગણાવાયા હતા.

તો સામે પોતાના ગુજરાતપ્રવાસ વખતે વડોદરામાં સભા કરતી વખતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાને 'હનુમાનના કટ્ટર ભક્ત' ગણાવી, પોતે હિંદુ હોવાની વાત પર ભાર મૂક્યો હતો.

સવાલ એ થાય કે ગુજરાતના રાજકારણમાં ચાલી રહેલા ચૂંટણીપ્રચારમાંથી પણ મહત્ત્વના મુદ્દા બાબતે ચર્ચાને બાજુએ મૂકી પોતાની જાતને 'કટ્ટર હિંદુ' સાબિત કરવાની હોડ જામી છે?

પરંતુ આવું કેમ થઈ રહ્યું છે? આ વાતનો જવાબ મેળવવા માટે બીબીસી ગુજરાતીએ જાણકારો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

લાઇન

પક્ષો પોતાની જાતને 'હિંદુ હિતરક્ષક' ગણાવવા માટે કેમ મથી રહ્યા છે?

લાઇન
  • ગુજરાતમાં આગામી અમુક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે
  • ગુજરાતમાં આ વર્ષે એપ્રિલ માસમાં રામનવમીના દિવસે ગુજરાતના હિંમતનગર અને ખંભાતમાં ફાટી નીકળેલા હિંસક બનાવોથી સમગ્ર દેશની નજર રાજકીય પક્ષોના આ વલણ પર પડી હતી
  • ભાજપ 'હિંદુ હિતરક્ષક'ની પોતાની છબિ ઊભી કરવાના પ્રયાસોને લોકલાગણી ગણાવે છે
  • આમ આદમી પાર્ટી પોતાના પર હિંદુઓને આકર્ષવાને લઈને લાગતા આરોપોને પાયાવિહોણા ગણાવે છે
  • રાજકીય વિશ્લેષકો અને સામાન્ય લોકો ભાજપ અને આપ ચૂંટણીપ્રચારમાં 'કોણ મોટો હિંદુ' એ સાબિત કરવામાં લાગી ગયેલા હોવાનો મત વ્યક્ત કરે છે
લાઇન

ચૂંટણી નજીક આવતાં 'હિંદુઓને રાજી કરવા' લાગી હોડ

અરવિંદ કેજરીવાલની મુલાકાત વખતે રાતોરાત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળેલાં પોસ્ટરોમાં તેમને 'હિંદુવિરોધી વિચારધારાવાળા' દર્શાવવાનો પ્રયત્ન કરાયો હતો

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલની મુલાકાત વખતે રાતોરાત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળેલાં પોસ્ટરોમાં તેમને 'હિંદુવિરોધી વિચારધારાવાળા' દર્શાવવાનો પ્રયત્ન કરાયો હતો

પાછલા અમુક સમયમાં બનેલી ઘટનાક્રમો પર નજર કરીએ તો ગુજરાતમાં અવારનવાર આવી રહેલા રાષ્ટ્રીય નેતાઓ- ભલે તે નરેન્દ્ર મોદી હોય કે અરવિંદ કેજરીવાલ, પોતાના પક્ષને 'હિંદુ હિતરક્ષક' સ્થાપિત કરવા મથી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાતમાં આ વર્ષે એપ્રિલ માસમાં રામનવમીના દિવસે ગુજરાતના હિંમતનગર અને ખંભાતમાં ફાટી નીકળેલા હિંસક બનાવોથી સમગ્ર દેશની નજર રાજકીય પક્ષોના આ વલણ પર પડી હતી.

હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની ઉજવણી માટે નીકળેલા સરઘસ સમયે બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. જે બાદ હિંમતનગર અને ખંભાતમાં જે સ્થળે આ ઘટનાઓ બની ત્યાં આરોપીઓનાં દુકાનો અને ગલ્લા 'ગેરકાયદેસર દબાણ' હોવાનું જણાવી તોડી પડાયાં હતાં.

આ મિલકતો મોટા ભાગે મુસ્લિમ વિસ્તારોમાં આવેલી હોઈ લઘુમતીઓને ટાર્ગેટ કરાવાના આરોપ મુકાયા હતા.

આ ઘટના બાદ તાજેતરમાં નવરાત્રિ દરમિયાન અમદાવાદ સહિત અમુક વિસ્તારોમાં હિંદુ સંગઠનો દ્વારા 'લવજેહાદ' અટકાવવાનું કારણ આગળ ધરીને ગરબા કાર્યક્રમોમાં મુસ્લિમોના સામેલ થવા પર પ્રતિબંધ હોવાની વાત કરાઈ હતી.

તેમજ અમુક સ્થળોએ ગરબા કાર્યક્રમોમાં સામેલ થવા બદલ કથિતપણે મુસ્લિમ સમાજના લોકોને માર મારવામાં આવ્યો હોવાની ઘટનાઓના સમાચાર પણ આવ્યા હતા.

આ સિવાય ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામે ગરબા દરમિયાન પથ્થરમારાની ઘટનાને પગલે આરોપીઓને પોલીસે જાહેર ચોકમાં ઊભા રાખીને માર માર્યો હોવાની ઘટના બની હતી.

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 'ગરબા પર પથ્થરમારો' કરવાની ઘટનાને વખોડી હતી અને સામે પોલીસે આરોપીઓને જે રીતે મારા માર્યો તેના વીડિયો વાઇરલ થયા હતા અને પોલીસની આ કામગીરીની ટીકા થઈ હતી. પોલીસે આ અંગે તપાસના આદેશ પણ આપ્યા છે.

ઉપરાંત પોરબંદર અને દ્વારકા જેવા વિસ્તારોમાં લઘુમતી સમુદાયનાં મકાનો અને ધર્મસ્થળોને દબાણ ગણાવી તેની સામે વહીવટીતંત્રે કાર્યવાહી કરી હતી. આ ઘટનાઓને કારણે વ્યાપક જનાક્રોશ પણ જોવા મળ્યો હતો.

તેમજ અરવિંદ કેજરીવાલની મુલાકાત વખતે રાતોરાત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવાં મળેલાં પોસ્ટરોમાં તેમને 'હિંદુવિરોધી વિચારધારાવાળા' દર્શાવવાનો પ્રયત્ન કરાયો હતો, જેની સામે કેજરીવાલે પોતાની સ્પષ્ટતામાં પોતાને 'હિંદુવાદી' સાબિત કરવા માટે પૂરું જોર લગાવી દીધું હતું.

સોમવારે જામનગરની મુલાકાતે આવેલા વડા પ્રધાન મોદીએ પણ દ્વારકા ખાતે કરાયેલી કાર્યવાહી અંગે ગુજરાત સરકાર અને ભૂપેન્દ્ર પટેલનાં વખાણ કરતાં કહ્યું હતું કે, "સમુદ્રની પટ્ટી ઉપર ગેરકાયદેસર બાંધકામોને ચૂપચાપ સફાચટ કરી દેવાયાં છે."

ઉપરાંત ભાજપની શરૂ થયેલી ગૌરવયાત્રાની શરૂઆત વિવિધ ધાર્મિક સ્થળોથી પોરબંદરને બાદ કરતાં તમામ ધાર્મિક સ્થળોએ પૂરી થશે.

યાત્રા દરમિયાન આવતા દરેક મંદિરની ભાજપના નેતાઓ મુલાકાત લેશે. એટલે કે યાત્રાઓ વિવિધ ધાર્મિક સ્થળોને કેન્દ્રમાં રાખીને ચૂંટણી સમયે રાજ્ય સરકારનાં કામોની વાત કરશે.

line

શું આ ધ્રુવીકરણનું રાજકારણ છે?

ભાજપની ગૌરવયાત્રાનો પ્રારંભ કરવા જેપી નડ્ડા

ઇમેજ સ્રોત, @BJP4Gujarat

ઇમેજ કૅપ્શન, ભાજપની ગૌરવયાત્રાનો પ્રારંભ કરવા જેપી નડ્ડા

ગુજરાત ભાજપના સેક્રેટરી મહેશભાઈ કસવાલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પક્ષના રાજકારણ અંગેના વિઝન અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, "ગુજરાત રાજ્યમાં સબકા સાથ, સબકા વિકાસનું રાજકારણ છે, બીજી કોઈ પણ રાજનીતિની વાત ગુજરાતમાં થઈ ન શકે."

"ભાજપની યાત્રાઓ જો મંદિરોથી શરૂ થઈ રહી છે, તો તેમાં લોકોની શ્રદ્ધાની વાત છે. ઉનાઈ માતાનું મંદિર આદિવાસી સમુદાયનાં દેવીનું મંદિર છે અને જો ત્યાંથી યાત્રા શરૂ થાય તો તે ધ્રુવીકરણનું રાજકારણ ન કહેવાય."

તેઓ વધુમાં કહે છે કે, "ગુજરાતમાં વર્ષોથી અમે આ પ્રકારની યાત્રાઓ મારફતે લોકો સુધી પહોંચ્યા છીએ અને તેનાં સારાં પરિણામો મળ્યાં છે."

તેઓ આગળ જણાવે છે કે, "આ પ્રથમ વખત નથી કે કોઈ યાત્રા મંદિરેથી નીકળી હોય, આ અગાઉની તમામ યાત્રાઓ મંદિરોથી જ નીકળી છે અને તે અમારો અને લોકોના શ્રદ્ધાનો વિષય છે. બીજું કે હાલના ઘટનાક્રમોને ધ્રુવીકરણની રાજનીતિ કહેવું ખોટું છે, કારણ કે ભાજપના કોઈ પણ નેતાએ (2022ની ચૂંટણી સંદર્ભે) ધ્રુવીકરણનું રાજકારણ થાય તેવી વાત કરી નથી."

"હિન્દુ ધર્મના અપમાનની સામે લોકોએ પોતાની તાકત પ્રમાણે કેજરીવાલનો વિરોધ કર્યો છે અને તે ધ્રુવીકરણનું રાજકારણ ન કહેવાય. ભાજપ હંમેશાં વિકાસની વાત કરીને ચૂંટણી લડ્યો છે અને આ વર્ષે પણ અમે તે જ રીતે ચૂંટણી લડીશું."

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રવક્તા યોગેશ જાદવાણીએ ભાજપ પર ધ્રુવીકરણનું રાજકારણ કરવાનો આરોપ મૂક્યો હતો.

તેમણે કહ્યું હતું કે, "ગુજરાત જ નહીં પરંતુ દરેક જગ્યાએ ભાજપ પાસે કોઈ બીજા મુદ્દા નહીં પરંતુ માત્ર હિંદુ-મુસ્લિમ, પાકિસ્તાન, કાશ્મીર, આતંકવાદી, કબ્રસ્તાન-સ્મશાન જેવા મુદ્દે જ રાજકારણ કર્યું છે. લોકોનું ધ્યાન મહત્ત્વના મુદ્દાઓને સ્થાને અન્ય બિનજરૂરી મુદ્દા પર કેન્દ્રિત કરવાના આ પ્રયાસ છે."

આમ આદમી પાર્ટી પર હિંદુઓને આકર્ષવા માટેનું રાજકારણ કરવાના આરોપ અંગે સ્પષ્ટીકરણ કરતાં તેઓ કહે છે કે, "આમ આદમી પાર્ટીનું રાજકારણ બધે માનવતાવાદી મુદ્દાઓ પર કેન્દ્રિત અને મહત્ત્વના મુદ્દાઓને ઉઠાવનારું રહ્યું છે."

"આપના અરવિંદ કેજરીવાલને મુસ્લિમ તરીકે રજૂ કરી હિંદુઓના દુશ્મન તરીકે રજૂ કરવાના પ્રયાસનો જવાબ આપવા માટે કેજરીવાલે પોતે હિંદુ હોવાની વાત કરી હતી, ના કે હિંદુઓને પોતાની તરફ આકર્ષવા માટે."

line

શું કહેવું છે રાજકીય વિશ્લેષકોનું?

પૉલિટિકલ સાયન્ટિસ્ટ ઘનશ્યામભાઈ શાહ પ્રમાણે આ ધ્રુવીકરણની જ રાજનીતિ છે

ઇમેજ સ્રોત, TWITTER/@BJP4GUJ

ઇમેજ કૅપ્શન, પૉલિટિકલ સાયન્ટિસ્ટ ઘનશ્યામભાઈ શાહ પ્રમાણે આ ધ્રુવીકરણની જ રાજનીતિ છે

જોકે રાજકીય વિશ્લેષકો ભાજપના નેતા કરતાં વિપરીત મત ધરાવે છે.

પૉલિટિકલ સાયન્ટિસ્ટ ઘનશ્યામ શાહ પ્રમાણે આ ધ્રુવીકરણની જ રાજનીતિ છે, કારણ કે હાલમાં આપ અને ભાજપ વચ્ચે કોણ મોટો હિંદુ છે, તેની લડાઈ ચાલી રહી છે. તેમાં મુખ્ય મુદ્દાઓ ખોવાઈ ચૂક્યા છે.

તેઓ વધુમાં કહે છે કે, "ભાજપની એક વાત સૌથી સારી છે કે તે ખૂલીને કહે છે કે તે હિન્દુઓ માટેની પાર્ટી છે, પરંતુ આ એજન્ડાની હેઠળ હાલમાં ચૂંટણી સમયના મુખ્ય મુદ્દાઓ ખોવાઈ ગયા છે."

આવી જ રીતે સિનિયર પત્રકાર ધીમંત પુરોહિત બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "હાલમાં ભાજપ પાસે બીજું કંઈ કહેવા માટે નથી. તેમની પાસે મોંઘવારી, બેરોજગારી વગેરે જેવા મુદ્દાઓનો જવાબ નથી, માટે હિન્દુત્વ જ એક માત્ર વાત છે, જેના થકી તેઓ લોકો સુધી જઈ શકે છે."

line

શું કહેવું છે મુસ્લિમ સમુદાયનું?

આ અંગે બીબીસી ગુજરાતીએ મુસ્લિમ સમુદાયના લોકો સાથે વાત કરી.

મુસ્લિમ શિક્ષિકા શૈફુનીશા કાઝી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "ધર્મની વાત હેઠળ અમારા મુખ્ય મુદ્દા જેમાં શિક્ષણ સૌથી મહત્ત્વનો મુદ્દો છે, ખોવાઈ જાય છે. હું તો માત્ર શિક્ષણની જ વાત કરવા માગું છું. મુસ્લિમ સમુદાય માટેના શિક્ષણની વાત તો કોઈ પણ પૉલિટિકલ પાર્ટી કરતી જ નથી."

મુસ્લિમ સમુદાયના ઘણા લોકો માને છે કે આ પ્રકારની રાજનીતિથી ગુજરાતના મુસલમાનો વધુ ડરી ગયા છે.

એક તરફ ગુજરાતની રાજનીતિમાં તેમના માટે ઘટતી જતી જગ્યા છે, તો બીજી બાજુ ભાજપ અને આપની રાજનીતિ છે, જેમાં મુસલમાનો માટે જગ્યા છે કે નહીં તે એક મોટો સવાલ બનીને લોકો સમક્ષ આવ્યો છે.

આ અંગે વાત કરતાં માઇનૉરિટી કો-ઑર્ડિનેશન કમિટીના કન્વીનર, મુજાહિદ નફીસે બીબીસી ગુજરાતી સાથે વાત કરી.

તેઓ કહે છે કે, "હાલમાં ગુજરાતની ચૂંટણીમાં માત્ર ઉચ્ચવર્ગના હિન્દુ સમુદાયોનાં હિતોની વાત થઈ રહી છે, જેમાં હિન્દુ માઇનૉરિટીની પણ વાત નથી થઈ રહી. જેમ કે ચૂંટણીપ્રચારમાં માત્ર મુસ્લિમો જ નહીં પરંતુ દલિતોની પણ વાત નથી થઈ રહી. આ આખો ઘટનાક્રમ જોતા લાગે છે કે મુસ્લિમોની પરિસ્થિતિમાં કોઈ પણ બદલાવ નહીં આવે."

આવી જ રીતે એક મુસ્લિમ આગેવાન ઇકરામ મિર્ઝા માને છે કે આપ અને ભાજપે ગુજરાતનો માહોલ વધુ કોમવાદી બનાવી દીધો છે.

"ઘણા મુસ્લિમ લોકો સાથે અમારી વાત થાય છે. આમાંથી અને એક જે વાત સામે આવે છે તે છે નિરાશા. મુસ્લિમ સમુદાય હાલમાં તમામ રાજકીય પાર્ટીઓથી નિરાશ થઈ ચૂક્યો છે, જેની અસર આવનારી ચૂંટણીઓ પર ખરાબ રીતે જોવા મળશે, કારણ કે તેમની વાત કરનારી કોઈ પાર્ટી જ નથી."

ગુજરાતના એક શિક્ષણશાસ્ત્રી અને જાહેરજીવન સાથે સંકળાયેલી વ્યક્તિએ રાજકારણના પ્રચારની વાત 'હિંદુકેન્દ્રી' થવાની વાત અંગે જણાતાં કહ્યું કે, "ગુજરાતમાં બધા પક્ષો દેખાડાનું રાજકારણ કરી રહ્યા છે. જેમાં મુખ્ય મુદ્દા દબાઈ ગયા છે."

"તેઓ જાણી ગયા છે કે દેખાડો લોકોને ગમે છે અને તે તરફ જ તેમણે આગળ વધવાનું છે કોઈ બેરોજગારી અને મોંઘવારી જેવા બુનિયાદી મુદ્દાની વાત નથી કરી રહ્યું. આ વલણથી કોઈ રાજકીય પક્ષ ગુજરાતમાં બાકાત નથી."

(આ સ્ટોરીમાં બીબીસી સંવાદદાતા અર્જુન પરમારના ઇનપુટ્સ મળેલા છે)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન