વડોદરા : પતિના બેસણામાં પત્નીને ફોન આવ્યા અને ખુલ્લો પડી ગયો લવ ટ્રાઇઍન્ગલ, પત્ની કઈ રીતે પકડાઈ?

ઇમેજ સ્રોત, Bhargav Parikh/BBC
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
રોજની જેમ સવારે નવ વાગ્યે પોતાનાં ત્રણ બાળકોને વ્હાલ કરીને કામ પર જવા નીકળેલા 32 વર્ષીય ઈર્શાદને એવી કલ્પના નહોતી કે હાથમાં ટિફિન આપનાર તેમનાં પત્ની રાત્રે જમાડીને પ્રેમી સાથે મળીને મારી નાખશે.
વડોદરાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં પતિને 'કુદરતી મોત'ના બહાના બાદ દફનાવી દીધાના પાંચ દિવસે તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.
32 વર્ષીય ઇર્શાદની હત્યા તેમનાં જ પત્નીએ જ કરાવી દીધી હતી અને હાર્ટએટેકનું કારણ આપ્યું હતું.
પતિની હત્યા કોણે કરી હતી અને પછી કુદરતી મૃત્યુ ન હોવાની શંકા કોને ગઈ અને પોલ કેવી રીતે ખુલી?
શું હતો સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Family via Bhargav Parikh
વડોદરાના જે.પી. નગર પોલીસ સ્ટેશનમાં 22મી નવેમ્બરે ઈમ્તિયાઝ બંજારાએ સાંજે સાત વાગ્યે પોલીસ સ્ટેશનમાં આવીને શંકા વ્યક્ત કરી હતી.
ઇમ્તિયાઝનું કહેવું હતું કે તેમના 32 વર્ષના ભાઈ ઇર્શાદનું મૃત્યુ કુદરતી રીતે થયું નથી. તેની પત્ની પ્રમાણે 18 નવેમ્બરે રાત્રે હૃદયરોગથી કુદરતી મોત થયું છે અને તે લોકોએ તેની દફનક્રિયા પણ કરી નાખી છે.
ઇમ્તિયાઝ અને પરિવારજનોને શંકા હતી કે ઇર્શાદનું ખૂન થયું છે.
જે.પી. નગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પૅકટર નિલેશ સોહાગિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "પહેલાં અમે ઈમ્તિયાઝભાઈની જાણવાજોગ ફરિયાદ દાખલ કરી પરંતુ અમે તેમની સાથે જયારે વાત કરતા હતા ત્યારે એમની વાતમાં અમને સત્યતા હોય તેવું લાગતું હતું. એટલે અમે તાત્કાલિક ઉપરી અધિકારીઓને વાત કરી અને અમને કબ્રસ્તાનમાંથી લાશ કાઢી અને પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી મેળવી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૉસ્ટમોર્ટમમાં શું સામે આવ્યું?

ઇમેજ સ્રોત, Bhargav Parikh/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડોદરાના ઝોન-2ના ડીસીપી મંજીતા વણઝારાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "કુટુંબીજનોએ જ ઈર્શાદના મૃતદેહને દફન કર્યો હતો પરંતુ મૃતદેહ દફન કર્યા પછી ચોથા દિવસે તેઓ અમારી પાસે આવ્યા હતા."
"પરિવારજનોનું કહેવું હતું કે ઈર્શાદની પત્ની ગુલબાનુને પતિના મોતનો જરાય અફસોસ નથી અને એ સંતાઈને લાંબા સમય સુધી કોઈની સાથે વાત કરતી હતી. તેનાં ત્રણ બાળકોનું ધ્યાન પણ નહોતી રાખતી."
મંજીતા વણઝારા કહે છે, "આવી ફરિયાદોને આધારે અમે હ્યુમન ઇન્ટેલિજન્સ કામે લગાડ્યું હતું તો તેમની નજીક રહેતા ઈર્શાદના પરિચિતો પાસેથી એવું જાણવા મળ્યું હતું કે ઇર્શાદની પત્ની ગુલબાનુ પતિનાં મૃત્યુ પછી શંકાશ્પદ વર્તન કરે છે. આથી, અમે તાત્કાલિક ઍક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને વિડિયોગ્રાફરની હાજરીમાં દફન કરાયેલા ઈર્શાદના મૃતદેહને બહાર કાઢી પેનલ પૉસ્ટમોર્ટમ કરાવ્યું હતું."
તેઓ જણાવે છે કે, "પ્રાથમિક રિપોર્ટ આવ્યો હતો કે ઇર્શાદનું મૃત્યુ ગળું દબાવવાથી અને માથામાં ઇજા થવાથી થયું છે. એટલે અમે શંકાના આધારે ઇર્શાદનાં પત્ની ગુલબાનુની અટકાયત કરી તપાસ કરી.તેણે ખૂન કર્યાનું કબૂલ કરી લેતાં 24 તારીખે સાંજે ગુલબાનુ, મુંબઈ રહેતા તેના પ્રેમી મોહમ્મદ તૌસિફ અને સાથીદાર મહેતાબ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે."
પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે 10 વાગ્યા સુધીમાં ગુલબાનુની ધરપકડ થઈ છે પરંતુ મોહમ્મદ તૌસિફ અને મહેતાબને પકડવા એક ટીમ મુંબઈ ગઈ છે.
પરિવારજનોને વાતની શંકા કેવી રીતે ગઈ?

ઇમેજ સ્રોત, Bhargav Parikh/BBC
ઇર્શાદના મોટાભાઈ ઈમ્તિયાઝ બંઝારાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "મારો ભાઈ કસરત કરતો હતો અને શારીરિક રીતે સ્વસ્થ હતો. આથી, તેને હાર્ટઑટેક આવે એ અમારા માનવામાં આવતું નહોતું. બીજું એ થયું કે ઇર્શાદનાં પત્ની ગુલબાનુએ મારા ભાઈના અવસાન પછી પહેલાં અમને ફોન કરવાને બદલે મૃતદેહ મારા બનેવીને ત્યાં લઈ જઈને પછી ફોન કર્યો હતો."
તેઓ કહે છે કે, "એ પછી પણ અમને શંકા ન ગઈ હોત પરંતુ મારા ભાઈનાં મોત પછી એ વારંવાર દર અડધા કલાકે કોઈની સાથે લાંબી ફોન પર વાતો કરતી હતી. તેનાં ત્રણ બાળકો હોવા છતાં તેને પતિ ગુજરી ગયાનો કોઈ અફસોસ દેખાતો નહોતો. અમારા ઘરમાં મોત થયું હતું એટલે લોકો ખરખરો કરવા આવતા હતા, બેસવા આવતા હતા અને તે એક ખૂણામાં સંતાઈને કોઈની સાથે વાત કરતી હતી."
"તૌસિફ સાથેના સંબંધોની શંકા બધાને હતી એટલે અમે વધુ તપાસ કરી હતી અને એ હોટલમાં તપાસ કરી હતી. ત્યાં તૌસિફ આવ્યો હોવાથી અમારી શંકા વધુ દૃઢ થઈ અને અમે પોલીસને જાણ કરી હતી. અલ્લાહની દુઆ છે કે મારા ભાઈનું ખૂન કરનારી મારી ભાભી પકડાઈ ગઈ અને આવનારા દિવસોમાં તૌસિફ પણ પકડાઈ જશે."
ઇર્શાદના પાડોશી અને કૌટુંબિક ભાઈ મેરાજ નન્હે બંજારાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "18મીએ અમે અજમેરી મસ્જિદમાં રાતની નમાજ પઢીને ઘરે ગયા હતા. ત્યાં સુધી એને કંઈ નહોતું. મને ખ્યાલ છે કે ઇર્શાદે એક-બે વાર તેને વીડિયોકૉલ પર પકડી હતી. પરંતુ ત્રણ બાળકોનાં ભવિષ્યને જોતાં અને ગુલબાનુએ માફી માગતાં સમાધાન કરી લીધું હતું.પરંતુ તેની પત્ની એનું ખૂન કરી નાખશે એવું કોઈએ વિચાર્યું નહોતું.
પતિની હત્યાનું ષડ્યંત્ર કેવી રીતે ઘડ્યું?
જેપી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પોલીસ ઇન્સ્પૅક્ટર નિલેશ સોહાગિયા ખુદ ફરિયાદી બન્યા છે.
પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે, "પ્રાથમિક પૉસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, ઈર્શાદનું મોત ગળું દબાવવાથી અને માથામાં ઇજા થવાથી થયું છે. તેના આધારે જ ઇર્શાદની પત્નીની અટકાયત કરીને પૂછપરછ કરતાં તેમણે કબૂલ્યું હતું કે તેઓ ઉત્તરપ્રદેશનાં રહેવાસી છે અને એને મોહમ્મદ તૌસિફ સાથે પહેલેથી જ સંબંધ હતો."
પોલીસ ફરિયાદ અનુસાર, "ઇર્શાદ સાથે લગ્ન પછી મોહમ્મદ તૌસિફ સાથે તેઓ ફરીથી પરિચયમાં આવ્યા હતાં અને તેમણે મોહમ્મદ તૌસિફને વડોદરા બોલાવ્યો હતો. વડોદરાની મિલન હોટલમાં એ લોકો મળ્યા ત્યારે તૌસિફે તેને ઊંઘની ગોળીઓ આપી હતી અને ઇર્શાદને ખવડાવીને લાવવા કહ્યું હતું. ગુલબાનુએ રાત્રે ઇર્શાદને ભોજન કરાવી ઊંઘની ગોળીઓ ભેળવીને આપી દીધી હતી. ઈર્શાદ ઊંઘી ગયો પછી ફોન કરીને તૌસિફ અને તેનો મિત્ર દોસ્ત મહેતાબ એના ઘરે આવ્યા હતા."
એફઆઈઆર અનુસાર, "ત્રણેયે સાથે મળીને ગળું દબાવીને તથા અન્ય રીતે શ્વાસ રૂંધીને ઇર્શાદની હત્યા કરી નાખી હતી."
પોલીસ ફરિયાદમાં લખાયું છે કે, "ત્યારબાદ ગુલબાનુએ પોતાના પતિ ઇર્શાદનું હૃદયરોગથી મોત થયું હોવાનું કહી એનાં સગાંને બોલાવી દફનવિધિ કરાવી દીધી હતી. તથા પતિનું ખૂન છુપાવવાની કોશિશ કરી હતી."
પોલીસે બીએનએસની કલમ 173 અને 103(2), 61(2) અને 238 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












