ગુજરાત : 24 વર્ષની છોકરીએ 18 લગ્ન કરીને અડધો કરોડ કેવી રીતે પડાવી લીધા?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
મહેસાણા પોલીસ તાજેતરમાં એક કથિત 'લૂંટેરી દુલ્હન' ગૅંગનો પર્દાફાશ કર્યાનો દાવો કર્યો છે.
આરોપ છે કે આ ગૅંગ લગ્નવાંછુ યુવાનોનાં કન્યા સાથે લગ્ન કરાવી અને બાદમાં પૈસા પડાવી કન્યા સાથે છૂમંતર થઈ જતી હતી.
પોલીસે આ મામલે ફરિયાદ 20 નવેમ્બર 2025ના રોજ થયા બાદ આ કથિત 'લૂંટેરી દુલ્હન' સહિત કેટલાક આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગૅંગમાં સક્રિય એવી એક યુવતીએ તો માત્ર 24 વર્ષની ઉંમરે જ 18 વખત લગ્ન કરીને લોકો સાથે છેતરપિંડી કરી હતી.
આખરે આ સમગ્ર મામલો કેવી રીતે સામે આવ્યો અને તમામ આરોપીઓ પોલીસના સકંજામાં કેવી રીતે આવી ગયા? બીબીસી ગુજરાતીએ આ કેસ અંગે વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
શું છે સમગ્ર મામલો ?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
અમદાવાદના અસારવા વિસ્તારના ગરીબ પરિવારમાં જન્મેલાં 24 વર્ષીય ચાંદની રાઠોડ ઝાઝું ભણેલાં નથી. જોકે, આરોપ છે કે પોતાનાં માએ દેખાડેલા રસ્તે ચાલી 'લૂંટેરી દુલ્હન' બની ટૂંકા ગાળામાં તેમણે લાખો રૂપિયા કમાઈ લીધા છે.
કથિતપણે સરળતાથી લોકોને મૂર્ખ બનાવતાં ચાંદની અને માતા સવિતા રાઠોડ આમ તો પોલીસના સકંજામાં ના આવ્યાં હોત, પણ એમ.એસસી થયેલા બહુચરાજીના આદિવાડા ગામના 31 વર્ષીય સચીન પટેલે પોતાની સાથે થયેલી કથિત છેતરપિંડી મામલે પોલીસનો સહારો લીધો અને ચાંદની, સવિતા, ચાંદનીના કહેવાતા મામા રાજુ ઠક્કર અને માસી રશ્મિકા પંચાલ પોલીસના હાથે ઝડપાઈ ગયાં.
બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ગત 15 નવેમ્બરના રોજ સચીન પટેલે પોતે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ તેમના એક સંબંધી મારફતે 'જય માડી મૅરેજ બ્યૂરો'માં નોકરી કરતાં રશ્મિકા પંચાલ સાથે થયો હતો .
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોલીસ ફરિયાદ પ્રમાણે રશ્મિકાએ સચીનને લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી . ત્યાર બાદ પાંચ લાખ રૂપિયા લઈને તેમનાં ચાંદની સાથે લગ્ન કરાવી પણ આપ્યાં. જોકે, ચાંદની બે વાર સચીનના ઘરે આવ્યાં હતાં અને એ પછી એ સોના-ચાંદીના દાગીના લઈ એના પિતા રાજસ્થાનમાં બીમાર હોવાનું કહી જતી રહ્યાં હતાં અને પાછાં ફર્યાં નહોતાં.
ચાંદનીએ સચીનનો મોબાઇલ નંબર પણ બ્લૉક કરી દીધો હતો. બાદમાં થાકીને સચીને છોકરીનાં કહેવાતા મામા સાથે વાત કરી. ત્યારે તેમણે ચાંદનીને પોતે પસંદ ન હોવાનું કહીને 50 હજાર રૂ. આપી અમદાવાદ આવીને છૂટાછેડા લઈ લેવા જણાવ્યું.
સચીન 50 હજાર રૂ. લઈને અમદાવાદ આવ્યો, પણ બાદમાં આરોપીઓએ તેમની પાસેથી એ પૈસા પણ પડાવી લઈ, પોલીસમાં ફરિયાદ ન કરવાનું કહીને બળાત્કારનો ખોટો કેસ કરાવી દેવાની ધમકી આપી હતી.
પાછળથી સચીનને ખબર પડી કે એમનાં જેમની સાથે લગ્ન થયાં હતાં, એ છોકરીએ બીજે પણ લગ્ન કર્યાં હતાં. એટલે પોતે છેતરાયો હોવાની ખબર પડતાં સચીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બહુચરાજી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 336 (3), 340 (2), 318 (2), 314, 308 (6), 308 (7), 352, 82 (2), 351 (3), 61 (2), 111 (2)બી અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદી 'લૂંટેરી દુલ્હન'ને કેવી રીતે મળ્યા?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
બહુચરાજીના આદિવાડાના પટેલવાસમાં રહેતા અને છત્રાલની એક ફૅક્ટરીમાં નોકરી કરતા ફરિયાદી સચીન પટેલનો બીબીસી ગુજરાતીએ સંપર્ક કરતાં તેમણે કહ્યું કે રશ્મિકા સાથે દોઢ વર્ષ પહેલાં પરિચય થયા બાદ તેમણે સચીનને લગ્ન માટે છોકરી બતાવવાની ખાતરી આપી હતી.
સચીને કહ્યું કે, "અમે છોકરી જોવા માટે અમદાવાદ પહોંચ્યાં હતાં. રશ્મિકાએ બતાવેલી છોકરી મને ગમી ગઈ. તેનું નામ ચાંદની હતું. બીજા દિવસે અમદાવાદના નરોડા ખાતે અમારી મિટિંગ ગોઠવાઈ. આ મિટિંગમાં ચાંદનીનાં માતા સવિતાબહેન, મામા રાજુ ઠક્કર, અને રશ્મિકા પંચાલ હતાં. જોકે, એના પિતા હાજર નહોતા."
સચીન આગળ જણાવે છે કે ચાંદની માટે લગ્ન કરવા માટે તેઓ પાંચ લાખ રૂ. આપવા તૈયાર થઈ ગયા હતા.
બીજા દિવસે ચાંદની, એમનાં માતા અને મામા આદિવાડાના પટેલવાસ ખાતેના સચીનના ઘરે ગયાં અને સગાઈ નક્કી કરી અને એ સમયે ચાંદનીના ઘરના લોકો 50 હજાર રૂ. રોકડા અને છોકરી માટે ખરીદેલો 12,500 રૂ.નો ફોન લઈ ગયા હતા. જોકે, તેમણે સિમ કાર્ડ લીધું નહોતું.
બાદમાં ઓનલાઇન પેમેન્ટ મારફતે પહેલાં 39 હજાર અને કપડાંના 11 હજાર રૂ. લીધા હતા.
સચીન કહે છે કે, "એ પછી એ લોકો ચાંદનીના પિતાની તબિયત ખરાબ હોવાનું કહી તાત્કાલિક લગ્ન કરવા દબાણ કરવા લાગ્યા. લગ્ન માટે અમને અમદાવાદ નવા વાડજ ખાતે બોલાવ્યા. ત્યાં એક જગ્યાએ લગ્ન કરાવી રોકડા ત્રણ લાખ રૂ અને સોનાના દાગીના લીધા. ત્યાર બાદ કોર્ટમાં નોટરી પાસે સ્ટૅમ્પપેપર પર લગ્નના દસ્તાવેજ બનાવ્યા."
સચીનનું કહેવું છે કે જોકે, લગ્નના બે દિવસ બાદ જ ચાંદનીના મામા રાજુ ઠક્કર તેના પિતા બીમાર હોવાનું કહીને તેને લઈ ગયાં. જે બાદ માત્ર એક વખત જ ચાંદની ફરી વાર તેમના ઘરે આવ્યાં હતાં અને એ મુલાકાત દરમિયાન વધુ ઘરેણાં લઈ ગયાં હતાં.
સચીન કહે છે કે, "બીમાર પિતાને મળીને આવું કહીને એ દિવસથી નીકળેલી ચાંદનીએ બાદમાં મારો ફોન નંબર પણ બ્લૉક કરી દીધો. અમે તેના મામાને ફરિયાદ કરી તો તેમણે ચાંદનીને હું પસંદ નહીં કહીને છૂટાછેડા લેવા કહ્યું. જોકે, છૂટાછેડા લેવા જ્યારે હું અમદાવાદ ખાતે પહોંચ્યો તો તેમણે મારી સાથે ગેરવર્તન કરીને 50 હજાર રૂ. પડાવી લઈ, જો હું કોઈ પોલીસ ફરિયાદ કરું તો મારા પર ખોટો બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી."
"થોડા વખત બાદ મને ખબર પડી કે ચાંદનીએ મારા પહેલાં પણ બીજા લોકો સાથે લગ્ન કરી આવી રીતે પૈસા લીધા છે. એટલે છેવટે મેં પોલીસ ફરિયાદ કરી. મારી પોલીસ ફરિયાદ બાદ ચાંદનીની છેતરપિંડીનો શિકાર બનેલા અન્ય છ લોકો પણ પોલીસ સામે આવ્યા હતા."
શું કહે છે અન્ય પીડિત?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
મહેસાણામાં ચાંદની પોલીસના હાથે પકડાયાં પછી ચાંદની સાથે અગાઉ ત્રણ લાખ રૂ. આપીને લગ્ન કરનાર અમદાવાદના વસ્ત્રાલના મુકેશ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું :
"રાજુ અને રશ્મિ બે મૅરેજ બ્યૂરો ચલાવે છે. મને આ બંનેએ મારી ઉંમર વધુ હોવા છતાં ચાંદનીને મારી સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો ન હોવાનું કહ્યું હતું, એટલે મેં ત્રણ લાખ રૂ. આપીને લગ્ન કર્યાં હતાં. એ પછી ચાંદની મારા દાદા સાથે ઝઘડો કરીને નીકળી ગઈ હતી."
"એ બાદ મારા દાદા અને પિતાનું અવસાન થવા છતાં ચાંદની ઘરે ન આવી. એટલે મેં એના મામા રાજુ ઠક્કરને ફોન કર્યો તો તેમણે મને છૂટાછેડા માટે 75 હજાર રૂ. આપવાનું કહી, મારી પાસેથી પૈસા લઈ લીધા અને મને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. એટલે હું ડરીને બેસી રહ્યો હતો, પણ જ્યારે મને ખબર પડી કે ચાંદની અને એનો મામો પોલીસમાં પકડાયાં છે, એટલે હું ફરિયાદ કરવા આવ્યો છું."
પોલીસે '18 લગ્ન કરનાર' ચાંદનીને કેવી રીતે પકડી?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારી પાસે આ ફરિયાદ આવી ત્યારે અમે ફોન નંબર પરથી તપાસ કરી તો રાજુ ઠક્કર અને રશ્મિકાનો ફોન ચાલુ હતો. ટૅક્નિકલ સર્વેલન્સમાં ચાંદનીનો ફોન નંબર નરોડા બતાવતો હતો. અમે તાત્કાલિક ટીમ બનાવી અને આ લોકોને ઝડપી લીધા. તપાસમાં ખબર પડી કે આ લોકોએ માત્ર સચીન પટેલ જ નહીં, કુલ 18 લોકો સાથે આવી રીતે લગ્ન કર્યાં છે. એમના ફોટા અને સ્ટૅમ્પપેપર પર લગ્ન નોટરી કરાવેલા દસ્તાવેજ મળ્યા છે."
"મહત્ત્વની બાબત એ હતી કે લગ્નનાં સર્ટિફિકેટ સાથે આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ખોટાં બનાવ્યાં છે. હાલ અમે એમના પાંચ દિવસના રિમાન્ડ લીધા છે. પ્રાથમિક તપાસમાં આ કેસમાં 52 લાખ રૂ. પડાવી લેવાયા હોવાનું બહાર આવ્યું છે. આ લોકોએ ગુજરાતના સંખ્યાબંધ જિલ્લામાં બનાવટી લગ્ન કર્યાં હતાં. આ લોકોએ અમદાવાદ, ગાંધીનગર, મોરબી, ગીર સોમનાથ, ખેડા, અને સાબરકાંઠા સહિત અનેક સ્થળોએ લગ્નવાંછુઓને છેતર્યા હતા. આ ગૅંગમાં હજુ અન્ય એક યુવતી પણ હોવાનું જાણવા મળ્યું છે, જેને અમે શોધી કરી રહ્યા છીએ. આ લોકોએ વધુ કેટલા લોકોને છેતર્યા છે અને નકલી આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કયાંથી લાવ્યાં, એની વધુ વિગતો રિમાન્ડ પછી બહાર આવશે."
બહુચરાજી પોલીસ સ્ટેશનમાં બેઠેલાં આરોપી ચાંદનીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "અમારો કૉન્ટેક્ટ આ લોકો સાથે થયો પછી મેં લગ્ન કરવાનું શરૂ કર્યું. લગ્ન બાદ ઝઘડો કરીને ઘરેથી નીકળી જતી, અને પછી બીજાં લગ્ન કરતી હતી . મને ખબર નથી કે આને ગુનો કહેવાય, પણ હું આ કામ કરતી હતી."
ચાંદનીએ કોની પાસેથી લગ્ન કરવાના નામ કેટલા પૈસા લીધાનો આરોપ છે?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
મહેસાણા પોલીસને મળેલા દસ્તાવેજી પુરાવા મુજબ ચાંદનીએ લગભગ બે વર્ષમાં 18 લગ્ન કર્યાં છે.
- પ્રથમ લગ્ન 23 ઑગસ્ટ 2023ના દિવસે બનાસકાંઠાના દિયોદર તાલુકાના લુન્દ્રા ગામના પ્રવીણ પ્રજાપતિ પાસેથી પાંચ લાખ રૂ. લઈ કર્યાં હતાં
- બીજાં લગ્ન 5 સપ્ટેમ્બર 2023ના રોજ સાબરકાંઠાના ઈડરના રોડ ગામના અલ્પેશ પટેલ પાસેથી 2.8 લાખ રૂ. લઈને કર્યાં હતાં
- એ બાદ 10 જાન્યુઆરી 2024ના રોજ પાટણ જિલ્લાના સામી ગામના દુદખાગામના રજનીકાંત સથવારા પાસેથી 2.75 લાખ રૂ. લઈને કર્યાં હતાં
- 27 જાન્યુઆરી 2024ના દિવસે અમદાવાદના બાવળાના કમલેશ પટેલ સાથે 1.7 લાખ રૂ. માં લગ્ન કર્યાં અને 18 માર્ચ 2024 ના રોજ છૂટાછેડા આપ્યા હતા
- એ બાદ રાજકોટની રામાપીર ચોકડી ખાતે રહેતા વિપુલ લાઠિયા સાથે 2.3 લાખ રૂ. લઈ લગ્ન કર્યાં
- બાદમાં અમદાવાદના વસ્ત્રાલના મુકેશ પટેલ સાથે ત્રણ લાખ રૂ.માં કર્યાં હતાં
- 23 મે 2024ના રોજ સાબરકાંઠાના ઈડરના રામપુરના નૈનેશ પટેલ સાથે 3.25 લાખ રૂ. બદલે કર્યાં હતાં
- 28 મે 2024ના રોજ 2.3 લાખ રૂ.માં ગીર સોમનાથના વેરાવળના રવિ વાઢેર સાથે કર્યાં હતાં
- નવમા લગ્ન 11 જુલાઈ 2024ના રોજ ખેડાના તેરનાલ ગામના સંકેત પટેલ સાથે 4.5 લાખને બદલે કર્યાં હતાં
- એ બાદ 12 ઑગસ્ટ 2024ના દિવસે બહુચરાજીના આદીવાડ ગામના સચીન પટેલ સાથે પાંચ લાખ રૂ.ને બદલે લગ્ન કર્યાં
- એ પછી 16 નવેમ્બર 2024ના દિવસે અમદાવાદના નરોડાના પ્રશાંત કદમ સાથે 1.7 લાખ રૂ.માં લગ્ન કર્યાં
- એ બાદ 5 ડિસેમ્બર 2024ના રોજ પાટણના ગગા દરજી સાથે 2.5 લાખ રૂ.માં લગ્ન કર્યાં
- 6 ફેબ્રુઆરી 2025ના રોજ મોરબીના પીપળી રોડ ખાતે રહેતા રાહુલ જસાપરા સાથે ત્રણ લાખ રૂ.ને બદલે લગ્ન કર્યાં
- એ બાદ 18 ઑગસ્ટ 2025ના રોજ સેક્ટર-26માં રહેતા નીરજ પ્રજાપતિ સાથે 4.5 લાખ રૂ.ને બદલે લગ્ન કર્યાં
- 3 ઑક્ટોબર 2025ના રોજ દહેગામના અમીનવાડામાં રહેતા હર્ષદ અમીન સાથે ત્રણ લાખ રૂ. લઈને લગ્ન કર્યાં
- સોળમા લગ્ન વડોદરા ખાતે થયાં હતાં. પીડિત હાલ હાજર નહીં હોવાથી દસ્તાવેજી પુરાવા મેળવવાવાની કાર્યવાહી ચાલુ છે
- એ બાદ 5 ઑક્ટોબર 2025ના રોજ મોરબીના મયૂર પટેલ સાથે 1.8 લાખ રૂ. લઈને લગ્ન કર્યાં
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












