તિરંગો ફરકાવી પાકિસ્તાનમાં ટીકાનો ભોગનારા પાકિસ્તાની રૅપર તલ્હા કોણ છે?

નેપાળમાં એક કૉન્સર્ટ દરમિયાન પાકિસ્તાની ગાયક તલ્હા અંજુમે તિરંગો ફરકાવ્યો હતો, જેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે લાઇવ પરફોર્મન્સ દરમિયાન ઉર્દૂ રૅપર તલ્હા અંજુમના હાથમાં ભારતીય તિરંગો હતો.
આ ઘટના પછી સોશિયલ મીડિયામાં આ અંગે ચર્ચા થવા લાગી હતી અને પાકિસ્તાનમાં તલ્હાની ટીકા થઈ હતી.
ત્યારબાદ તલ્હાએ પોતાની વાતનો બચાવ કર્યો છે અને ટીકાકારોને જવાબ પણ આપ્યો છે.
આ પહેલાં પણ આવા જ વિષયો પર વિવાદો થયા છે અને ભારત કે પાકિસ્તાન એમ કોઈ એક દેશના કલાકારે બીજા દેશના કલાકારની પ્રશંસા કરી હોય કે સહાનુભૂતિ દાખવી હોય તો તેમને નિશાન બનાવાયા છે.
તલ્હાએ આ અંગે પોતાના બચાવમાં કહ્યું છે કે તેમના હૃદયમાં નફરત માટે કોઈ સ્થાન નથી અને કહ્યું છે, "મારી કળાની કોઈ સરહદો નથી."
આ પહેલાં ભારતીય કલાકાર દિલજિત દોસાંજની પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથેની ફિલ્મ 'સરદારજી 3' ભારતમાં રિલીઝ નહોતી થઈ શકી અને આ ફિલ્મનો બહિષ્કાર કરવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
એપ્રિલ-2025માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો ઉપર ઉગ્રવાદી હુમલા પછી, મે મહિનામાં બંને દેશો વચ્ચે ચાર દિવસ સુધી સૈન્યસંઘર્ષ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન પાકિસ્તાનના અનેક ખેલાડીઓ, કલાકારો તથા પત્રકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ભારતમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
પાકિસ્તાને પણ આવાં જ વળતાં પગલાં લીધાં હતાં.
તે સમયે માહિતી મળી હતી કે તલ્હા અંજુમ તથા તેમના સાથી ગાયક તલ્હા યૂનુસના ઇન્સ્ટાગ્રામ તથા યુટ્યૂબ એકાઉન્ટ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.
તલ્હા અંજુમે શા માટે તિરંગો લહેરાવ્યો?

ઇમેજ સ્રોત, Social Media
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તાજેતરમાં પાકિસ્તાની ગાયક તલ્હા અંજુમે નેપાળમાં આયોજિત કૉન્સર્ટમાં ભાગ લીધો હતો.
પરફોર્મન્સ દરમિયાન તેમણે પોતાનું વિખ્યાત ગીત 'કૌન તલ્હા...' ગાયું હતું. અચાનક જ ભીડમાંથી કોઈકે તલ્હા અંજુમ તરફ તિરંગો લંબાવ્યો હતો, જેને ગાયકે હાથમાં પકડી લીધો હતો.
કૉન્સર્ટના વીડિયોઝમાં જોઈ શકાય છે કે ગીત ગાતા ગાતા તલ્હાએ ઝંડો પોતાના ખભે રાખી લીધો અને પોતાના હાથમાં પકડીને આખું ગીત ગાયું. ગીત પૂરું થયા બાદ તેમણે ઝંડો ખોલ્યો અને તેને દર્શકો તરફ લહેરાવ્યો.
ત્યારબાદ તેમણે તિરંગાને પોતાના ખભા પર ઓઢી લીધો અને છેલ્લે પોતાના ગીતના શબ્દો ફરી ગાતા કહ્યું, "If You Know, You Know – કૌન તલ્હા, કૌન તલ્હા..."
ત્યારબાદ તલ્હા અંજુમે આ તિરંગો દર્શકોને પરત કરી દીધો હતો. આ અંગે સોશિયલ મીડિયામાં વિવાદ થયા પછી પાકિસ્તાની ગાયકે સોશિયલ મીડિયા પર એક વીડિયો બહાર પાડીને પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે.
તલ્હાનું કહેવું છે, "મારા હૃદયમાં કોઈ નફરત નથી. મારી આર્ટની કોઈ સરહદ નથી."
તલ્હાનું કહેવું છે, "જો મારા દ્વારા ભારતીય ઝંડો લહેરાવવાના મુદ્દે વિવાદ થતો હોય, તો ભલે થાય. હું ફરી કરીશ. હું ક્યારેય મીડિયા, યુદ્ધના ઝનૂનમાં સામેલ સરકારો અને તેમના પ્રૉપેગેન્ડાની પરવાહ નહીં કરું."
તલ્હા અંજુમે પોતાના સંદેશમાં અંતે કહ્યું, "ઉર્દૂ રૅપની કોઈ સીમાઓ નથી અને હંમેશાં આવું જ રહેશે."
પાકિસ્તાની ગાયકની ટીકા કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
તલ્હા અંજુમ વર્ષ 2024માં મ્યુઝિક સ્ટ્રિમિંગ પ્લૅટફૉર્મ સ્પૉટિફાય પર સૌથી વધુ સાંભળવામાં આવેલા પાકિસ્તાની ગાયક હતા. દર મહિને લાખો શ્રોતા તલ્હાને સ્પૉટિફાય પર સાંભળે છે. પાકિસ્તાન ઉપરાંત ભારતમાં પણ તલ્હાના અનેક ફૅન્સ છે.
તલ્હાના નિવેદન અંગે પાકિસ્તાની અને ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સે કૉમેન્ટ્સ કરી છે.
આસમા શૌકત નામના યુઝરે લખ્યું, "તમે બધાનું ધ્યાન ખેંચવા માંગો છો", જ્યારે મંસૂર અહમદ કુરૈશીએ કહ્યું, "કદાચ આર્ટની કોઈ સરહદ નથી, પરંતુ જનતા ચોક્કસથી અભિપ્રાય ધરાવે છે."
દાનિશ અમીને કટાક્ષના સૂરમાં લખ્યું, "યુદ્ધ તો થતાં રહેશે, અમારા ગીત બંધ ન થવાં જોઈએ."
નવાબ અસદ જટ નામના યુઝરે તલ્હાના બચાવમાં લખ્યું, "કોઈ દેશનો ઝંડો લહેરાવવાથી તમે પાકિસ્તાનવિરોધી નથી બની જતા."
યાસિર નામના યુઝરે લખ્યું, "એક ભારતીય નાગરિક તરીકે હું તમારી હિંમતને દાદ આપું છું, પરંતુ મને અફસોસ થયો કે કેટલાક પાકિસ્તાની નફરતને વધારી રહ્યા છે."
શ્રીજન પ્રસાદે લખ્યું, "જ્યારે બંને દેશ ક્રિકેટ રમે છે, ત્યારે આ પાખંડ સ્પષ્ટ દેખાઈ આવે છે."
જોકે, કેટલાક ભારતીય અને પાકિસ્તાની યુઝર્સે પહલગામ હુમલા બાદ તલ્હા અંજુમે આપેલા સંદેશાની યાદ અપાવી હતી, જેમાં તેમનું કહેવું હતું કે શાંતિનો રસ્તો જ એકમાત્ર માર્ગ છે.
યશરાજ શર્મા નામના યુઝરના કહેવા પ્રમાણે: "તલ્હા અંજુમ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે."
તેઓ લખે છે, "મોટા ભાગલાના સમયમાં પણ તેમણે પોતાના શો દરમિયાન ભારતીય ઝંડો લહેરાવવાની હિંમત કરી. તેમને પાકિસ્તાનમાં ટીકાનો ભોગ બનવું પડ્યું, પરંતુ તેઓ અડગ રહ્યા."
તલ્હા અંજુમ કોણ છે?
પાકિસ્તાની ગાયક તલ્હા અંજુમે પોતાની ઉપર 'કૌન તલ્હા...' નામથી ગીત લખ્યું છે, પરંતુ વર્ષ 2024માં બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં તલ્હાએ પોતાની સંગીતની સફર વિશે જણાવ્યું હતું.
તલ્હા અંજુમનું કહેવું છે કે તેઓ અને તેમની હિપ-હૉપ જોડી 'યંગ સ્ટનર્સ' નામના પાર્ટનર તલ્હા યૂનુસ એક જ સ્કૂલમાં ભણ્યા હતા. તેમને અલગ-અલગ રૅપર્સને સાંભળવાનો તથા ઉર્દૂમાં શાયરી કરવાનો શોખ હતો.
વર્ષ 2013માં 'બર્ગર-એ-કરાચી...' ગીતે તેમને અને તેમના બૅન્ડના પાર્ટનર તલ્હા યૂનુસને પણ ઓળખ આપી. છેલ્લાં 10 વર્ષ કરતાં વધુ સમય દરમિયાન તેમના ડઝનબંધ ગીતો રિલીઝ થયાં છે.
ફેબ્રુઆરી 2025માં સ્પૉટિફાયની 'ગ્લોબલ ઇમ્પૅક્ટ લિસ્ટ'ના 30 શ્રેષ્ઠ ગીતોમાં તલ્હા અંજુમનાં 17 'હિપ-હૉપ ગીતો' સામેલ હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













