દેવરાઈ : એ જંગલ જ્યાં 'દેવતા રહે છે' અને કોઈ વૃક્ષ કાપી શકાતું નથી

ઇમેજ સ્રોત, Dr. Sachin Punekar/Sharad Badhe
- લેેખક, મયુરેશ કોણ્ણુર
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
મહારાષ્ટ્રમાં અનેક ઘાટમાંથી ભીમાશંકર તરફ લઈ જતો માર્ગ આપણને તેરુંગણની દેવરાઈમાં (પવિત્ર વન) લઈ જાય છે અને જંગલ વધુ ગાઢ બની જાય છે.
ચોક્કસપણે કહેવું અશક્ય છે, પરંતુ શરૂઆતની કેટલીક ક્ષણોમાં આપણને એવું લાગે છે કે અહીં સુધીના જંગલ અને આપણે જેની સરહદ પર ઊભા છીએ, તે જંગલમાં કંઈક તફાવત છે. તેમાં જંગલની સુગંધ છે, રંગ છે, આંખોને દેખાતું ઘનઘોરપણું છે... તો પછી શું છે તે?
આ વિસ્તારમાં બીજા વિસ્તારો જેવું જંગલ નથી એ તરત સમજાય છે. મોટું, ઘનઘોર. ભારે વરસાદને લીધે અહીં શેવાળ જામી ગઈ છે અને પગની નીચે પાંદડાંના એટલા થર છે કે જમીન દેખાતી નથી.
તમે બીજાં જંગલમાં જાઓ ત્યારે માણસોની ગતિવિધિ વસાહતો જેવી નથી હોતી, તેમ છતાં જંગલના રસ્તાથી, કેટલીક નિશાનીઓ વડે તમે તેની અનુભૂતિ કરી શકો છો.
તેનું કારણ સુરક્ષિત, સંભાળી રાખવામાં આવેલી દેવરાઈઓ છે. તે સમયની સાથે કંઈક રહસ્યમય અને અદ્ભુત બની રહે છે.
તેરુંગણની દેવરાઈ એકલી નથી. એ સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલી હજારો દેવરાઈઓ પૈકીની એક છે. એ પૃથ્વી પર માણસ અને નિસર્ગની એક સાથે થયેલી ઉત્ક્રાંતિની પ્રક્રિયાના એક અનોખા સંબંધનો વારસો છે.
એ માત્ર કુદરતી નહીં, પરંતુ સાંસ્કૃતિક વારસો છે. માણસની પોતાના વિશેની કલ્પના, અસ્તિત્વ વિશેની ધારણા અને માન્યતાઓ હજારો વર્ષોમાં વિકસિત થઈ તેની કથા આ સમયગાળા દરમિયાન આકાર પામેલા વિવિધ દેવતાઓ દ્વારા સમજી શકાય છે.
અહીં આવા લોકદેવતાઓની આસપાસ દેવરાઈ જાળવવામાં આવતી હતી અથવા જંગલમાં દેવતાઓની સ્થાપના કરવામાં આવતી હતી. તેમની વાર્તાઓ બની અને પરંપરા તરીકે આગળ ધપતી રહી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવા દેવરાઈ સમગ્ર વિશ્વમાં પ્રકૃતિના આધારે વિકસિત થયેલા સમાજોમાં અસ્તિત્વ ધરાવે છે.
આ ઐતિહાસિક વારસામાંથી હવે વર્તમાન અને ભવિષ્ય માટે કેટલાક જવાબો શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પર્યાવરણવિજ્ઞાનીઓ સમગ્ર વિશ્વમાં દેવરાઈના જૈવવૈવિધ્યનો અભ્યાસ કરી રહ્યા છે.
આબોહવા પરિવર્તનના આ યુગમાં, જ્યારે માનવ અને પ્રકૃતિના સહઅસ્તિત્વ સામે કેટલાક સવાલો ઊભા થયા છે, ત્યારે દેવરાઈ કોઈ જવાબ આપી શકે કે કેમ એ પણ શોધવામાં આવી રહ્યું છે.
દેવરાઈ શું છે? આ પરંપરા કેવી રીતે શરૂ થઈ?

ઇમેજ સ્રોત, Sharad Badhe/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ નામમાં રહેલો અર્થ સરળ છે. દેવરાઈ એટલે ભગવાનના નામે જાળવવામાં આવેલું જંગલ. આ પરંપરા ઘણા પ્રદેશો અને સમાજોમાં સદીઓથી ચાલી આવે છે.
તેની પાછળનો એક હિસ્સો શ્રદ્ધા છે, પરંતુ વિદ્વાનો માને છે કે જે નિસર્ગ પર આપણે નિર્ભર છીએ, તેનું જતન કરવાની ઇચ્છા પણ તેનું એક કારણ છે.
તેથી વિવિધ દેવતાઓના નામે સુરક્ષિત આ જંગલો, ધાર્મિક લોકો દ્વારા કરવામાં આવતી દેવતાઓની પૂજા-અર્ચના જેટલી જ પવિત્રતા ધરાવે છે.
આવી દેવરાઈમાં રહેલાં વૃક્ષોનું રક્ષણ કરવામાં આવે છે. તેને કાપવામાં નથી આવતાં, તેને કોઈ નુકસાન ન થાય અને એવું કશું થાય તો કુદરત કોપાયમાન થશે કે સજા કરશે, તેવો ભય પણ રહે છે.
પુરાતત્વ અભ્યાસુ ડૉ. સાયલી પલાંડે-દાતાર કહે છે, "દેવરાઈની વિભાવનામાં દિવ્યતા છે. ઘનઘોર વનરાજી છે. તેની સાથે ત્યાં કેવી રીતે વર્તન કરવું તેના નિયમો છે. તમે તેમાંથી કશું લઈ શકતા નથી."
"કશું ઉઠાવી શકતા નથી. કશું કાપી શકતુ નથી. તમે શિકાર કરી શકતા નથી. આવા નિયમ હોય છે. તે એક વ્યક્તિની લાગણી નથી, પરંતુ સામૂહિક માન્યતાનું નિર્માણ હોય એવું લાગે છે. તે એક પેઢીમાં જ નહીં, પરંતુ અનેક પેઢીઓથી પરિવર્તિત થયેલું જોવા મળે છે."
તેરુંગણની દેવરાઈમાં અમારી સાથે આવેલા એક ગ્રામજન વિશ્વનાથ વાયલે કહ્યું, "આ દેવરાઈ અમે બનાવી નથી. એ પહેલાંથી જ અહીં છે. આ જંગલ, આ દેવરાઈ, લાકડાં, વૃક્ષો, વેલાઓ બધું મૂલ્યવાન છે."
આ ખ્યાલ જગતના ઘણા દેશોમાં અસ્તિત્વમાં છે, પરંતુ તેની શરૂઆત ક્યારથી થઈ તેની ચોક્કસ આગાહી કરવી મુશ્કેલ છે, એવું સંશોધકો જણાવે છે.
ડૉ. શોનિલ ભાગવત બ્રિટનની ધ ઓપન યુનિવર્સિટીમાં પર્યાવરણ તથા સમાજ વિષય પર સંશોધન તથા અધ્યાપન કરે છે. તેમણે વિશ્વભરની દેવરાઈઓનો અભ્યાસ કર્યો છે.
તેમના મતે, નવપાષાણ યુગની આસપાસ કૃષિ ક્રાંતિ થઈ હતી. યુરોપ અને ભારતના કેટલાક ભાગોમાં એ સમયગાળાના પુરાવા દેવરાઈની નજીકથી મળી આવ્યા હતા.
ડૉ. ભાગવત કહે છે, "એ સમયે માનવોને સમજાયું હતું કે આપણે જંગલનું રક્ષણ કરીશું તો આપણને ઘણી પર્યાવરણીય સેવાઓ (ઇકોસિસ્ટમ સર્વિસિસ) મળી શકશે. દાખલા તરીકે, પાણીનો સ્રોત અને પરાગનયન. માણસે ત્યારથી જંગલોની જાળવણી શરૂ કરી હશે, પરંતુ તે ચોક્કસ ક્યારથી શરૂ થયું એ કહેવું શક્ય નથી. વિવિધ પ્રદેશોમાં અલગ-અલગ સમયે શરૂઆત થઈ હતી."
'દેવરાઈ'થી સમૃદ્ધ મહારાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Sharad Badhe/BBC
મહારાષ્ટ્ર દેવરાઈથી સમૃદ્ધ રાજ્ય છે. ખાસ કરીને સહ્યાદ્રીના સમગ્ર પશ્ચિમ ઘાટમાંની વનરાજીમાં સદીઓથી દેવરાઈઓ ઊભી છે.
મહારાષ્ટ્રમાં શિવાજીના શાસનકાળ પછીની કેટલીક દેવરાઈઓના દસ્તાવેજી પુરાવા મળ્યા છે અને તેનો રેકૉર્ડ બ્રિટિશ યુગથી વધુ ચોકસાઈપૂર્વક જાળવવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રની દેવરાઈઓની ગણતરીનો એક મહત્ત્વપૂર્ણ પ્રયાસ બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા 1999માં કરવામાં આવ્યો હતો. એ સમયે મહારાષ્ટ્રમાંની દેવરાઈઓની ગણતરી કરવામાં આવી હતી અને એ પછી પણ અભ્યાસુઓ દેવરાઈઓની નોંધ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં સર્વત્ર અને ખાસ કરીને કોંકણ પ્રદેશમાં દેવરાઈઓની જાળવણી સ્થાનિક પરંપરા દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ 1960-70ના દાયકામાં આવી દેવરાઈઓનો ઇકૉલોજીના દૃષ્ટિકોણથી અભ્યાસ શરૂ થયો હતો.

ઇમેજ સ્રોત, Dr Sachin Punekar
પર્યાવરણ સંરક્ષણમાં સમાજની ભાગીદારી મુખ્ય હતી. ભારતમાં આવો અભ્યાસ મહારાષ્ટ્રમાં શરૂ થયો હતો. તેના મુખ્ય લેખકો ડૉ. માધવ ગાડગીલ અને ડૉ. વી. ડી. વર્તક હતા.
ડૉ. ગાડગીલ અને ડૉ. વર્તકના જણાવ્યા મુજબ, દેવરાઈની પરંપરા ફક્ત શ્રદ્ધા અને પરંપરા સાથે જ સંબંધિત ન હતી, પરંતુ પર્યાવરણના સંરક્ષણમાં સમાજ તથા ગ્રામજનોની ભાગીદારી સાથે સંબંધિત પણ હતી.
ડૉ. મંદાર દાતાર કહે છે, "ડૉ. ગાડગીલ અને ડૉ. વર્તકે આ બધું કાગળ પર ઉતારવાનું કામ કર્યું હતું. તેમણે દેવરાઈઓનું મેપિંગ કર્યું ત્યારે તેમને સમજાયું હતું કે તે અનેક રીતે ઉપયોગી છે. દેવરાઈઓ ઔષધીય છોડવાઓનું આશ્રયસ્થાન છે."
"અહીં મોટાં વૃક્ષો ઊગે છે. તેમાં પ્રાણીઓ વસવાટ કરે છે. એ પ્રાણીઓ બહાર આવે પછી જ તેનો શિકાર થાય છે. દેવરાઈમાં તેમને મારી શકાતા નથી."
ડૉ. મંદાર દાતારના કહેવા મુજબ, "અહીં જળસ્રોતોના ઉદ્ગમસ્થાન છે. સહ્યાદ્રીની નદીઓ જોશો તો તેમાંથી મોટા ભાગની નદીઓનું ઉદ્ગમસ્થાન દેવરાઈમાં છે. આ દેવરાઈઓ, આપણે અત્યારે જેને ઇકૉસિસ્ટમ સર્વિસિસ કહીએ છીએ તે તમામ પ્રકારની પર્યાવરણીય સેવાઓ પૂરી પાડે છે, એવું સૌપ્રથમ ડૉ. ગાડગીલ અને ડૉ. વર્તકે જ દર્શાવ્યું હતું."
ડૉ. દાતાર પુણેની આઘારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરે છે. દેવરાઈઓના વિવિધ ભાગોનો અભ્યાસ તેમના સંશોધનનો એક હિસ્સો છે.
દેવરાઈઓ સાથે સંકળાયેલી લોકકથાઓ અને માન્યતાઓ

ઇમેજ સ્રોત, Dr Sachin Punekar
મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં, ખાસ કરીને સિંધુદુર્ગ અને રત્નાગિરિ જિલ્લામાં સૌથી વધુ દેવરાઈઓ છે. લોકદેવતાઓ, તેમની સાથે સંકળાયેલી લોકકથાઓ અને તેની ચાલુ રહેલી પરંપરા કોંકણના મૂળમાં વણાયેલી છે તથા તે ગ્રામ સંસ્કૃતિનો હિસ્સો છે.
દાખલા તરીકે, એ ગામોમાં આજે પણ કેટલાક નિર્ણયો માટે દેવરાઈઓના દેવતાઓની મંજૂરી લેવાની પરંપરા છે.
ડૉ. અર્ચના ગોડબોલે અને તેમની સંસ્થા એઈઆરએફ કોંકણ સહિતના મહારાષ્ટ્રમાંની દેવરાઈઓ વિશે ત્રણ દાયકા કરતાં વધુ સમયથી કામ કરી રહ્યાં છે.
તેઓ કહે છે, "કોંકણની દેવરાઈઓમાં તમને નવલાઈ, જુગાઈ, વાઘજાઈ જેવા માતૃદેવતાઓ જોવા મળશે. માતૃદેવતા મુખ્ય દેવતાઓ હોવાનું કારણ એ છે કે નિસર્ગ અને પૃથ્વીને માતૃદેવતા માનવામાં આવે છે."
"એ પછી સોમ્બા, કેદારલિંગ તેમના ગણ હતા. તેઓ પણ શંકરના સ્વરૂપો તરીકે ત્યાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ ગામની કોઈ સ્ત્રી સતી થઈ હોય તો તેના નામે દેવરાઈ છે. કોઈ માણસ વાઘ સાથે લડતાં નદીમાં પડી ગયો હોય તો તેના નામે પણ દેવરાઈ છે."
દેવરાઈઓમાંના લોકદેવતાઓ પણ વિદ્વાનોના સંશોધનનો વિષય છે.
ડૉ. સાયલી દાતાર કહે છે, "અહીં મુખ્યત્વે લોકદેવતાઓ હોંય છે. એ તમારા વિસ્તારનું રક્ષણ કરતા દેવતા હોય છે. તમારી કેટલીક ઇચ્છા પૂર્ણ કરતા દેવતાઓ હોય છે. તમારું રક્ષણ કરતા તમારા વિસ્તારના દેવતાઓ હોય છે."
"ક્યારેક તે તમારા સમાજમાંનો કોઈ વીર પણ હોય છે જેને દેવત્વ આપવામાં આવ્યું હોય છે. એક જંગલને તેનું નામ આપવામાં આવે છે."
મહારાષ્ટ્ર અને વિશ્વમાં દેવરાઈની પરંપરા

ઇમેજ સ્રોત, Dr Sachin Punekar
દેવરાઈ અથવા દેવોના નામે પવિત્ર જંગલના રક્ષણની પરંપરા મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં છે. અન્ય રાજ્યોમાં તેનાં અલગ-અલગ નામો છે, પરંતુ આ ખ્યાલ સમગ્ર ભારતમાં એકીકૃત થઈ ગયો હોય તેવું લાગે છે.
કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ જેવાં દક્ષિણનાં રાજ્યોમાં મોટી સંખ્યામાં દેવરાઈ છે. ઉત્તરપૂર્વનાં રાજ્યોથી માંડીને કાશ્મીર સુધી, હિમાલય પ્રદેશમાં દેવોના નામે સુરક્ષિત જંગલો મોટા પ્રમાણમાં છે.
ડૉ. શંકરરાવ મુદાદલા નામના સંશોધકે એપ્રિલ 2024માં પ્રકાશિત કરેલા એક સંશોધન પત્રમાં જણાવ્યું હતું કે એકલા હિમાચલ પ્રદેશમાં જ 5,000થી વધુ દેવરાઈ છે. ત્યાં તેને 'દેવભૂમિ' કહેવામાં આવે છે.
ડૉ. અર્ચના ગોડબોલે કહે છે, "મેઘાલય, સિક્કિમ, હિમાચલમાં દેવરાઈઓ છે. ઉત્તરાખંડમાં પણ છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં છે. ઓડિશા, મધ્ય પ્રદેશ અને ઝારખંડ જેવાં રાજ્યોમાં પણ દેવરાઈ છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તેમને 'સરના' કહેવામાં આવે છે."
"તમિલનાડુમાં તેને કોવિલકાડુ કહેવામાં આવે છે, જ્યારે કર્ણાટકમાં તેમને કાન અથવા દેવરકડ કહેવામાં આવે છે. પંજાબ અને નાગાલૅન્ડ ઉપરાંત આસામમાં તેમજ અરુણાચલ પ્રદેશમાં પણ દેવરાઈઓ છે. જમ્મુ અને કાશ્મીરમાં 'પરિયોં કા બાગ' નામની દેવરાઈ છે."
જંગલના આધારે જીવતા વિશ્વના અન્ય દેશોના ઘણા સમાજોમાં આ ખ્યાલ જોવા મળે છે.
ડૉ. અર્ચના ગોડબોલેના કહેવા મુજબ, "આફ્રિકાના કેન્યામાં કાયા નામનાં જંગલો છે. તે કાયા જંગલો દેવરાઈ જેવાં છે, પણ તેમાં દેવતાઓ કે જંગલ જેવું કશું નથી. કાયાના દુર્ગમ વિસ્તારોમાં જવાની કોઈને છૂટ નથી. ફક્ત આદિવાસી જૂથોના વડાઓને ત્યાં જવાની છૂટ હતી."
ડૉ. ભાગવત કહે છે, "જાપાન જેવા વ્યાપક શહેરીકરણ પામેલા દેશોમાં શિન્ટો શ્રાઇન્સ નામની દેવરાઈઓ છે. જગતભરમાં દેવરાઈઓ છે. કેટલાક ખૂબ નાના છે. ચાર-પાંચ વૃક્ષો અથવા થોડાં વૃક્ષોવાળો એક નાનકડો ટાપુ. તેના બીજા છેડે તમે 70-80 હેક્ટરની દેવરાઈઓ પણ જોવા મળે છે."
દેવરાઈ, જૈવવૈવિધ્ય અને આબોહવા પરિવર્તન

ઇમેજ સ્રોત, Sharad Badhe/BBC
દેવરાઈની વિભાવનાનું સાંસ્કૃતિક મહત્ત્વ એક બાજુ છે. આધુનિક વિજ્ઞાનના યુગમાં વિશ્વભરના પર્યાવરણશાસ્ત્રીઓ તેનો અભ્યાસ કરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ જૈવવૈવિધ્ય છે.
આ જંગલો માનવ હસ્તક્ષેપ વિના વર્ષોથી સચવાયાં હોવાથી જે ઘણી દુર્લભ વનસ્પતિઓ અને પ્રાણીઓની પ્રજાતિઓ નાશ પામી છે અથવા લુપ્ત થવાના આરે છે, તે આ મંદિરોમાં અને તેની આસપાસ ટકી રહી છે.
આ ઘનઘોર જંગલો પ્રાદેશિક અને દુર્લભ પ્રાણીઓ તથા પક્ષીઓને સલામત આવાસ પૂરા પાડે છે. દાખલા તરીકે, ભીમાશંકરના જંગલમાંની દેવરાઈઓમાં મોટા પ્રમાણમાં 'શેખરુ' રહે છે. કોંકણની કેટલીક દેવરાઈઓ 'ગ્રેટ ઇન્ડિયન હૉર્નબિલ' નામનાં પક્ષીનું ઘર છે.
ડૉ. મંદાર દાતાર કહે છે, "દેવરાઈ આત્મનિર્ભર ઇકૉસિસ્ટમ છે. બે કે ચાર હજાર વર્ષ પહેલાં કેવા પ્રકારનાં જંગલો હતાં એ આપણે સમજવા ઇચ્છતા હોઈએ તો દેવરાઈને સંદર્ભ બિંદુ તરીકે જોઈ શકીએ. પહેલાંનાં વૃક્ષો હવે દેવરાઈઓમાં જ બચ્યાં છે."
ડૉ. દાતાર ઉમેરે છે, "અમે સહ્યાદ્રીના ખાદ્ય વનસ્પતિનો એટલે કે વાઇલ્ડ એડિબલ પ્લાન્ટ્સનો અભ્યાસ કર્યો, ત્યારે અમને સમજાયું હતું કે એ પૈકીની અનેક વનસ્પતિઓ દેવરાઈની છે. દેવરાઈ સમુદાય દ્વારા, ગ્રામજનો દ્વારા સાચવવામાં આવેલી આવી ઇકૉસિસ્ટમ છે. એ સ્થાનિક લોકોના શાણપણથી સર્જાઈ છે."
અહીં દેવરાઈઓ સંદર્ભે આધુનિક સમયમાં અભ્યાસનો બીજો એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. તે છે કૉમ્યુનિટી બેઝ્ડ કૉન્ઝર્વેશન એટલે કે સમુદાય આધારિત સંરક્ષણ.

ઇમેજ સ્રોત, Sharad Badhe/BBC
પર્યાવરણીય અધોગતિ અને આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરોના પડકારોએ પૃથ્વી પરની માનવજાતને ઘેરી લીધી છે, ત્યારે સરકારી નીતિ કરતાં લોકભાગીદારીને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.
આવા સમયે લોકભાગીદારીની દેવરાઈનો ખ્યાલ વર્ષોથી ચાલી રહ્યો છે. સંશોધકો તથા નીતિ નિર્માતાઓ માટે તે ખૂબ મહત્ત્વ ધરાવે છે, કારણ કે દેવરાઈમાં લોકભાગીદારી અથવા સમાજ એકરૂપ થઈ ગયો છે.
આયુસીએનની વેબસાઇટ પર પ્રકાશિત એક લેખમાં આરુષિ વાધવા લખે છે, "દેવરાઈ સંવર્ધનનો આજ સુધી ગુપ્ત રહેલો જાદૂગર છે. લોકભાગીદારી વડે સંરક્ષણના પ્રયાસોને કારણે જ ઉત્તરાખંડની દેવરાઈઓમાં સ્વચ્છ જળના સ્રોત છે."
"અભ્યાસો દર્શાવે છે કે આ દેવરાઈઓમાંના પાણીની ગુણવત્તા વિશ્વ આરોગ્ય સંગઠનના ધારાધોરણોને સુસંગત છે."
તેથી ગ્લોબલ વૉર્મિંગ અને આબોહવા પરિવર્તન વાસ્તવિકતા બની ગયાં છે, ત્યારે તેનો સામનો કરવા માટે દેવરાઈની સંકલ્પના મહત્ત્વપૂર્ણ બની જાય છે.
ડૉ. શોનીલ ભાગવત કહે છે, "આબોહવા પરિવર્તનને હરાવવા માટે વિશ્વભરમાં જંગલોને વિસ્તારવાનો વિચાર વ્યાપક બની રહ્યો છે. એ માટે સંરક્ષિત જંગલો સિવાયના સંરક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. તે અન્ય વિસ્તાર આધારિત અસરકારક પગલાંમાં (ઓઇસીએમ) દેવરાઈઓમાં ખૂબ જ મહત્ત્વની છે."
"ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઑફ નેચર (આયુસીએન) જેવી સંસ્થાઓએ 2030 સુધીમાં વિશ્વની જમીનનો 30 ટકા હિસ્સો બચાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, પરંતુ સંરક્ષિત જંગલોનો વિસ્તાર માત્ર બાર ટકા છે. 12થી 30 ટકા વચ્ચેના અંતરને આપણે કેવી રીતે ભરીશું? તેમાં દેવરાઈઓનો મોટો પ્રભાવ પડશે, એવું લાગે છે."
દેવરાઈઓના અસ્તિત્વનો સવાલ અને તેનો ઉપાય

ઇમેજ સ્રોત, Sharad Badhe/BBC
દેવરાઈઓ એક મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક અને પર્યાવરણીય વારસો હોવા છતાં તેના પર જોખમ સર્જાયેલું છે એ પણ એક હકીકત છે. દેવરાઈઓનો અભ્યાસ કરતા સંશોધકો અને સંરક્ષણવાદીઓ છેલ્લાં ઘણાં વર્ષોથી તેના તરફ ધ્યાન આકર્ષવાના પ્રયાસ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં ઘણી દેવરાઈઓ નાશ પામી હોવાના ઉદાહરણ છે. તેનાં કારણો અલગ-અલગ છે. મુખ્યત્વે વિકાસ પ્રકલ્પોને કારણે, ડેમના પાણીમાં દેવરાઈઓ ગઈ. કૃષિ વિસ્તાર વધવાને કારણે એવું થયું.
ડૉ. સચિન પૂણેકર કહે છે, "આજે મોટા પ્રમાણમાં માર્ગો બનાવવામાં આવી રહ્યા છે, વીજળીના કૅબલ ઠેકઠેકાણે બિછાવવામાં આવી રહ્યા છે. ખેતી વ્યવસ્થામાં પણ મોટો વધારો થયો છે. ડેમ બનવાને કારણે પાણી પુરવઠાની વ્યવસ્થા થઈ છે. આવાં માનવકેન્દ્રી વિકાસકાર્યો થયાં. તેને કારણે દેવરાઈઓનું મોટા પાયે વિભાજન થયું છે અને એ મુખ્ય જંગલોમાંથી અલગ થઈ ગઈ છે."
ડૉ. સચિનની સંસ્થા બાયોસ્ફિયર છેલ્લાં ઘણાં વર્ષોથી મહારાષ્ટ્રમાંની દેવરાઈઓ વિશેની માહિતીનું સંકલન કરી રહી છે.
સુપ્રીમ કોર્ટે 2024ની 18 ડિસેમ્બરે આપેલા એક આદેશને લીધે દેવરાઈના સંવર્ધકોને થોડી આશા બંધાઈ છે.
રાજસ્થાનમાં દેવરાઈને 'ઓરણ' કહેવામાં આવે છે. આ ઓરણ વિશેની એક અરજી સંદર્ભે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કેન્દ્ર સરકાર સાથે મળીને રાજસ્થાનની આવી દેવરાઈનું મેપિંગ કરવા અને તેની "વન સંરક્ષણ કાયદા" અનુસાર નોંધ કરવાનો આદેશ આપ્યો હતો.
સરકારી સ્તરે દેવરાઈ બાબતે કોઈ વાસ્તવિક નીતિ નથી, ત્યારે બીજી તરફ તેના સંરક્ષણ માટે વિવિધ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.
ડૉ. અર્ચના ગોડબોલે અને તેમની સંસ્થા એઈઆરએફ છેલ્લા ત્રણ દાયકાથી કોંકણ અને પશ્ચિમ ઘાટમાં આ કાર્ય કરી રહ્યાં છે.
અહીં એક મહત્ત્વનો મુદ્દો એ છે કે આ કામમાં નવી પેઢીને પણ સાંકળવી હોય તો આવા પ્રાચીન અધિવાસોને ખલેલ પહોંચાડ્યા વિના ગામડાં માટે કોઈ આર્થિક મૉડલ બનાવવું જરૂરી છે.
દેવરાઈઓમાં ઔષધીય વનસ્પતિઓની વિપુલતા એક ખાસ વિશેષતા છે.
આ ઔષધીય વનસ્પતિઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણિત કરીને વેચવામાં આવે છે અને તેનાથી સ્થાનિક સ્તરે રોજગાર મળે છે. અહીંના હિરડા અને બેહડા માટે કરાર થયા પછી ગ્રામ્ય સ્તરે સંરક્ષણ માટે સારી એવી આવક થઈ છે.
ડૉ. અર્ચના ગોડબોલે કહે છે, "અમારી લગભગ 24થી 25 દેવરાઈ સર્ટિફાઇડ છે. ત્યાં બેહડાના મહાવૃક્ષ છે. ત્યાં હૉર્નબિલનાં માળા પણ છે. એ બેહડાને લીધે ગામલોકોને રોજગાર મળે છે. એ ઉપરાંત અમારા પ્રોસેસિંગ સેન્ટર્સમાં 45 મહિલાઓને રોજગાર મળે છે. ભીમાશંકર વિસ્તારમાં અમારા એક પ્રોસેસિંગ સેન્ટરમાં પણ લોકોને રોજગાર મળે છે."
તેમની સાથે અમે ભીમાશંકર સ્થિત પ્રોસેસિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. અહીંના ગ્રામજનોએ એકઠા થઈને શ્રીપાદ આદિવાસી વનોપજ ઉત્પાદક સંઘની સ્થાપના કરી છે. તેના દ્વારા મુખ્યત્વે હિરડાનું ઉત્પાદન કરવામાં આવે છે. હિરડા વર્ષના ચોક્કસ સમયગાળામાં જ થતા હોવાથી તેનું ઉત્પાદન થોડા મહિના જ કરી શકાય છે.
આ પ્રોજેક્ટ માટેના એઈઆરએફના સંયોજક અભિષેક નાંગરે કહે છે, "છેલ્લાં 13 વર્ષોમાં પ્રારંભે અમે હિરડા-બેહડા ઇંગ્લન્ડના પક્કા હર્બ્સને વેચ્યા હતા. અમે બનિયાન બોટેનિકલ જેવી સંસ્થાઓને પણ તે વેચ્યા હતા. એક સિઝનમાં કેન્દ્રને 15થી 20 લાખની આવક થાય છે. ખેડૂતોને તેનો સીધો ફાયદો થાય છે. માત્ર નાણાકીય લાભ જ નહીં, પરંતુ ફેરવાઇલ્ડ સર્ટિફિકેશનથી જે માલની નિકાસ કરવામાં આવે છે તેના પર લોકોને દસથી પંદર ટકા પ્રીમિયમ પણ મળે છે. એ આવક તેમણે ગામ માટે ખર્ચવી પડે છે."
સમય પસાર થવાની સાથે મહત્ત્વ વધી રહ્યું હોવા છતાં અસ્તિત્વની લડાઈ લડી રહેલા આ અદ્ભુત વૈશ્વિક કુદરતી વારસાનું જતન કોઈ પણ રીતે કરવું જરૂરી બની ગયું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













