'ગોલ્ડન બ્લડ ગ્રૂપ' શું છે જેને લૅબોરેટરીમાં બનાવવાની કોશિશ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જાસ્મિન ફૉક્સ-સ્કેલી
- પદ, બીબીસી ફ્યુચર
વિશ્વભરમાં 60 લાખમાંથી ફક્ત એક વ્યક્તિ આરએચ નલ (Rh-null) બ્લડ ગ્રૂપ ધરાવતી હોય છે. સંશોધકો હવે પ્રયોગશાળામાં આ બ્લડ ગ્રૂપ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેથી કરીને લોકોના જીવ બચાવી શકાય.
બ્લડ ટ્રાન્સફ્યૂઝન એટલે કે, દર્દીને લોહી ચઢાવવાની પ્રક્રિયાએ મૉડર્ન મેડિસિનને બદલી નાખી છે.
જ્યારે આપણે ઘાયલ થઈએ અથવા મેડિકલ ઇમરજન્સીમાં સર્જરીની જરૂરિયાત હોય, ત્યારે ડોનેટ કરાયેલ બ્લડ લોકોના જીવ બચાવી શકે છે.
પરંતુ બધાને બ્લડ ટ્રાન્સફ્યૂઝનનો લાભ મળી શકતો નથી. ખાસ કરીને દુર્લભ બ્લડ ગ્રૂપ ધરાવતા લોકોને મેળ ખાતું લોહી શોધવામાં ઘણી મુશ્કેલી આવતી હોય છે.
સૌથી દુર્લભ બ્લડ ગ્રૂપોમાંથી એક, આરએચ નલ બ્લડ ગ્રૂપ, વિશ્વભરમાંથી હજુ સુધી ફક્ત 50 લોકોમાં જોવા મળ્યું છે. તેથી, આ બ્લડ ગ્રૂપ ધરાવતા લોકોને જ્યારે જરૂર હોય ત્યારે મેચિંગ બ્લડ મળવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે.
ત્યારે, આરએચ નલ બ્લડ ગ્રૂપ ધરાવતા લોકોને પોતાનું લોહી જાતે ફ્રીઝ કરીને સ્ટોર કરવાનું કહેવામાં આવે છે.
જોકે, આ બ્લડ ગ્રૂપ અન્ય ઘણા કારણોસર પણ મહત્ત્વપૂર્ણ છે. મેડિકલ અને રિસર્ચ કૉમ્યુનિટીમાં તેને ક્યારેક "ગોલ્ડન બ્લડ" તરીકે ઓળખવામાં આવે છે.
તેનું કારણ એ છે કે, આરએચ નલ બ્લડ ગ્રૂપ યૂનિવર્સલ બ્લડ ટ્રાન્સફ્યૂઝનને શક્ય બનાવવામાં મદદ કરી શકે છે. આ માટે, વૈજ્ઞાનિકો રોગપ્રતિકારક શક્તિ સંબંધિત સમસ્યાઓને દૂર કરવાના રસ્તાઓ શોધી રહ્યા છે જેને કારણે ઘણીવાર ડોનેટ કરાયેલ બ્લડનો ઉપયોગ કરવામાં સમસ્યા આવતી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્લડ ક્લાસિફિકેશન સિસ્ટમના ઘણા પ્રકારો હોય છે, જેમાંથી એક એબીઓ છે.
બ્લડને ગ્રૂપોમાં કેવી રીતે વહેંચવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તમારા શરીરમાં વહેતું બ્લડ ગ્રૂપ, તમારા રેડ બ્લડ સેલ્સની સપાટી પર એક ખાસ માર્કર્સની હાજરી કે ગેરહાજરીને આધારે નક્કી થાય છે.
આ માર્કર્સ, જેને ઍન્ટિજન્સ કહેવાય છે, તે પ્રોટીન કે સુગરના બનેલા હોય છે. જે કોષની સપાટીથી બહાર નીકળે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ દ્વારા ઓળખી શકાય છે.
યુનિવર્સિટી ઑફ બ્રિસ્ટલના સેલ બાયોલૉજીના પ્રોફેસર એશ ટૉય કહે છે કે, "જો તમને એવું લોહી ચઢાવવામાં આવે જેમાં તમારા લોહી કરતા અલગ એન્ટિજન હોય, તો તમારું શરીર તેની સામે એન્ટિબૉડી બનાવશે જે તેના સામે પ્રતિરોધ કરશે."
"જો તમને ફરીથી તે લોહી ચઢાવવામાં આવે, તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે."
બે બ્લડ ગ્રૂપ સિસ્ટમ જે સૌથી શ્રેષ્ઠ રોગપ્રતિકારક પ્રતિક્રિયા આપે છે, તે છે એબીઓ અને રીસસ (આરએચ). જેમનું બ્લડ ગ્રૂપ "એ" હોય છે, તેમની બ્લડ સેલ્સની સપાટી પર "એ" એન્ટિજન્સ હોય છે, જ્યારે "બી" બ્લડ ગ્રૂપ ધરાવતી વ્યક્તિના બ્લડ સેલ્સની સપાટી પર "બી" એન્ટિજન્સ આવેલા હોય છે.
એબી બ્લડ ગ્રૂપમાં એ અને બી બંને એન્ટિજન્સ હોય છે, જ્યારે "ઓ" બ્લડ ગ્રૂપમાં એ કે બી બંને હાજર હોતા નથી. દરેક ગ્રૂપ આરએચ પૉઝિટિવ કે આરએચ નૅગેટિવ હોઈ શકે છે.
ઓ-નૅગેટિવ બ્લડ ગ્રૂપ ધરાવતા લોકોને યુનિવર્સલ ડોનર કહેવામાં આવે છે કારણ કે તેમના લોહીમાં એ, બી, અને આરએચ એન્ટિજન્સ હોતા નથી. જોકે, આ એક ખૂબ જ સરળ સમજૂતી છે.
ઑક્ટોબર 2024 સુધીમાં, 47 બ્લડ ગ્રૂપો અને 366 પ્રકારના એન્ટિજન્સ ઓળખવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે, "ઓ" નૅગેટિવ બ્લડ ચઢાવવામાં આવતા વ્યક્તિમાં અન્ય કોઈ પણ એન્ટિજન પ્રત્યે રોગપ્રતિકારક પ્રતિક્રિયા થઈ શકે છે - જોકે કેટલાક એન્ટિજન્સ અન્યની સરખામણીમાં વધુ મજબૂત રોગપ્રતિકારક પ્રતિક્રિયા આપતા હોય છે.
તે જ 50થી વધુ આરએચ એન્ટિજન્સ હોય છે. જ્યારે લોકો આરએચ નૅગેટિવ હોવાની વાત કરે છે, ત્યારે તેઓ આરએચ(ડી) એન્ટિજનની વાત કરતાં હોય છે, પરંતુ તેમના રેડ બ્લડ સેલ્સમાં આ સિવાય અન્ય આરએચ પ્રોટીન પણ હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વભરમાં આરએચ એન્ટિજન્સ પણ જુદા જુદા પ્રકારના હોય છે, જેના કારણે યોગ્ય ડોનર મૅચ શોધવું વધુ મુશ્કેલ બને છે.
જોકે, આરએચ નલ લોહી ધરાવતા લોકોમાં બધા જ 50 આરએચ એન્ટિજન્સ હોતા નથી. તેથી આ લોકો અન્ય કોઈ બ્લડ ગ્રૂપ ચઢાવી શકાતું નથી, પરંતુ બધા જ આરએચ બ્લડ ટાઇપ માટે આરએચ નલ બ્લડ ગ્રૂપ કારગત હોય છે.
આમ, ઓ પ્રકાર અને આરએચ નલ બ્લડ ખૂબ જ મૂલ્યવાન છે, કારણ કે, આ બ્લડ ગ્રૂપો મોટાભાગના લોકોને ચઢાવી શકાય છે.
ઇમરજન્સીની સ્થિતિમાં, જ્યારે દર્દીનું બ્લડ ગ્રૂપ જાણીતું ન હોય, ત્યારે "ઓ" પ્રકારનું આરએચ નલ બ્લડ આપી શકાય છે કારણ કે, તેનાથી એલર્જીક રિઍક્શનનું રિસ્ક પણ ઘણું ઓછું હોય છે.
આ જ કારણ છે કે, વિશ્વભરના વૈજ્ઞાનિકો આ "ગોલ્ડન બ્લડ" જેવું બ્લડ બનાવવાની રીતો શોધી રહ્યા છે.
પ્રોફેસર ટૉય કહે છે કે, "આરએચ (એન્ટિજન્સ) એક મોટી રોગપ્રતિકારક પ્રતિક્રિયાને ટ્રિગર કરે છે અને તેથી જો તમારા લોહીમાં આમાંથી કંઈ ન હોય, તો આરએચની દૃષ્ટિએ પ્રતિક્રિયા આપવા માટે કંઈ નથી હોતું"
તેઓ જણાવે છે કે, "જો તમારો બ્લડ ગ્રૂપ "ઓ" અને આરએચ નલ હોય, તો તે લગભગ યૂનિવર્સલ છે. પરંતુ હજુ પણ આવા અન્ય બ્લડ ગ્રૂપ છે જે તમારે ધ્યાનમાં લેવાની જરૂર છે."
આર એચ નલ બ્લડ

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરનું રિસર્ચથી ખ્યાલ આવે છે કે, આરએચ નલ બ્લડ જેનેટિક મ્યુટેશનના કારણે થતું હોય છે, જો લાલ રક્ત કોષોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા પ્રોટીનને પ્રભાવિત કરે છે, જેને આરએચ ઍસોસિએટેડ ગ્લાયકોપ્રોટીન અથવા આરએચજી કહેવાય છે.
આ મ્યુટેશન તે પ્રોટીનના આકારને નાનો કરી દે અથવા બદલી નાખે છે, જેના કારણે તે અન્ય આરએચ એન્ટિજન્સમાં ગડબડ કરી દે છે.
2018ની એક સ્ટડીમાં , યુનિવર્સિટી ઑફ બ્રિસ્ટલના પ્રોફેસર ટૉય અને તેમના સહયોગીઓએ લૅબમાં આરએચ-નલ બ્લડનું પુનઃનિર્માણ કર્યું હતું. તેઓએ અપરિપક્વ લાલ રક્તકોષોમાંથી કેટલાક કોષો વિકસિત કર્યા હતા.
ત્યાર બાદ ટીમે જનીન એડિટિંગ તકનીક ક્રિસ્પર-કેસ 9નો ઉપયોગ કરીને પાંચ બ્લડ ગ્રૂપ સિસ્ટમના એન્ટિજન્સ માટે કોડિંગ કરવાવાળા જનીનો દૂર કર્યા હતા. મોટાભાગે જેના લીધે બ્લડ ટ્રાન્સફ્યૂઝનમાં સમસ્યાઓ આવતી હોય છે.
આમાં એબીઓ અને આરએચ એન્ટિજન્સ, તેમજ કેલ, ડફી અને જીપીબી નામના અન્ય એન્ટિજન્સનો પણ સમાવેશ થાય છે.
પ્રોફેસર ટૉય કહે છે કે, "અમે શોધ્યું કે, જો અમે તે પાંચ બ્લડ ગ્રૂપ સિસ્ટમના એન્ટિજન્સ માટે કોડિંગ કરતા જનીનોને દૂર કરીશું, તો એક કોષ બનશે જે દરેક પ્રકારના બ્લડ ગ્રૂપ માટે અનુકૂળ હશે,"
આ પ્રકારના રક્ત કોષો બધા પ્રમુખ કૉમન બ્લડ ગ્રૂપો માટે તેમજ આરએચ નલ અને બૉમ્બે ફેનોટાઇપ જેવા દુર્લભ બ્લડ ગ્રૂપ ધરાવતા લોકો માટે પણ યોગ્ય સાબિત થશે, બૉમ્બે ફેનોટાઇપ બ્લડ ગ્રૂપ દર 40 લાખ લોકોમાંથી એકમાં જોવા મળે છે.
આ બ્લડ ગ્રૂપ ધરાવતા લોકોને પણ ઓ, એ, બી કે એબી બ્લડ આપી શકાતું નથી.
જોકે, વિશ્વના ઘણા ભાગોમાં જનીન એડિટિંગ તકનીકોનો ઉપયોગ વિવાદાસ્પદ છે, દુનિયાના ઘણા વિસ્તારોમાં તેના પર કડક નિયંત્રણ છે, તેનો અર્થ છે કે, આ પ્રકારના બ્લડ સરળતાથી ઉપલબ્ધ નથી.
તેને મંજૂરી મળે તે પહેલાં તેને અનેક ક્લિનિકલ ટ્રાયલ અને પરીક્ષણોમાંથી પસાર થવું પડશે.
તે દરમિયાન, પ્રોફેસર ટૉય એક સ્પિન-આઉટ કંપની, સ્કાર્લેટ થેરાપ્યુટિક્સની સ્થાપના કરી છે, તેઓ તે કંપનીના સહ-સ્થાપક છે. જે આરએચ નલ સહિત દુર્લભ બ્લડ ગ્રૂપો ધરાવતા લોકો પાસેથી બ્લડ એકત્રિત કરી રહી છે.
ટીમને આશા છે કે, તે બ્લડના ઉપયોગથી લૅબમાં એવા લાલ રક્ત કોષો બનાવવા માટે કરવામાં આવશે જેનો ઉપયોગ જો જરૂરિયાતવાળા દુર્લભ બ્લડ ગ્રૂપ ધરાવતા લોકો માટે થઈ શકે છે.
પ્રોફેસર ટૉયને આશા છે કે, તેઓ જનીન એડિટિંગનો ઉપયોગ કર્યા વિના પ્રયોગશાળામાં દુર્લભ બ્લડ બૅન્ક બનાવી શકાશે, આ ટેકનૉલૉજી ભવિષ્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
તેઓ કહે છે કે,"જો આપણે જનીન એડિટિંગ વિના તે કરી શકીએ, તો તે ખૂબ સારું છે, પરંતુ એડિટિંગ આપણા માટે એક વિકલ્પ છે,"
"અમે જે કરી રહ્યા છીએ તેનો એક ભાગ ડોનર્સનું કાળજીપૂર્વક સિલેક્શન કરવાનો છે જેથી બધા એન્ટિજન્સ શક્ય તેટલા વધુ લોકો માટે અનુકૂળ સાબિત થાય. તેથી પાછળથી તેને બધા માટે અનુકૂળ બનાવવા માટે જનીન એડિટિંગ કરવાની જરૂર ઓછી જણાશે."

ઇમેજ સ્રોત, Getty Images
2021માં, અમેરિકાના મિલ્વૉકીમાં વર્સિટી બ્લડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઇમ્યુનોલૉજિસ્ટ ગ્રેગરી ડેનોમે અને તેમના સહયોગીઓએ ક્રિસ્પર-કેસ9 જનીન એડિટિંગ તકનીકનો ઉપયોગ કરીને માનવ પ્રેરિત પ્લુરીપોટેંટ સ્ટેમ સેલમાંથી આએચ નલ સહિત કસ્ટમાઇઝ્ડ દુર્લભ બ્લડ ટાઇપ બનાવ્યું હતું.
આ સ્ટેમ સેલ્સમાં ગર્ભિય સ્ટેમ સેલ જેવા જ ગુણધર્મો હોય છે અને યોગ્ય પરિસ્થિતિઓમાં માનવ શરીરના કોઈ પણ કોષમાં બદલાવ કરવાની ક્ષમતા હોય છે.
અન્ય વૈજ્ઞાનિકો એક અલગ પ્રકારના સ્ટેમ કોશિકાઓનો ઉપયોગ કરી રહ્યા છે જે પહેલાંથી જ બ્લડ સેલ્સમાં રૂપાંતરિત થવા માટે પ્રોગ્રામ કરેલા છે, પરંતુ તે કયા પ્રકારના છે તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી.
ઉદાહરણ તરીકે, કૅનેડાના ક્યૂબેકની લાવલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એ-પૉઝિટિવ બ્લડ ડોનર્સમાંથી રક્ત સ્ટેમ કોશિકા કાઢી છે .
ત્યાર બાદ તેમણે ક્રિસ્પર-કેસ9 જનીન એડિટિંગ તકનીકનો ઉપયોગ કરીને એ અને આર એચ એન્ટિજન્સ માટે કોડિંગ કરતા જનીનો હટાવ્યા હતા, જેનાથી ઓ આરએચ નલ અપરિપક્વ લાલ રક્ત કોશિકા તૈયાર થઈ હતી.
સ્પેનના બાર્સેલોનામાં શોધકર્તાઓએ તાજેતરમાં એક આરએચ નલ બ્લડ ડોનર પાસેથી સ્ટેમ કોષો લઈને અને ક્રિસ્પર-કેસ9ના ઉપયોગથી તેમના બ્લડને પ્રકાર "એ" થી પ્રકાર "ઓ" માં બદલ્યું હતું, જેનાથી તે વધુ યૂનિવર્સલ બન્યું હતું.
છતાં, આ પ્રભાવશાળી પ્રયત્નો છતાં, તે કહેવું મહત્ત્વપૂર્ણ છે કે, લૅબમાં વિકસિત આવતા કૃત્રિમ લોહીનું ઉત્પાદન એવા સ્તરે કરવું જ્યાં લોકો તેનો ઉપયોગ કરી શકે તે હજુ વાર લાગી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
એક મુશ્કેલી એ છે કે, સ્ટેમ સેલ્સને પરિપક્વ લાલ રક્ત કોષોમાં વિકસિત કરવું.
શરીરમાં, લાલ રક્ત કોષો બોન મૅરોમાં રહેલા સ્ટેમ સેલ્સમાંથી નીકળે છે, જે તેમના વિકાસને ગાઇડ કરતાં જટિલ સંકેતો પેદા કરે છે. આને લૅબમાં બનાવવું મુશ્કેલ છે.
ટ્રાન્સફ્યૂઝન મેડિસિનમાં નિષ્ણાત હેલ્થકેર કંપની, ગ્રિફોલ્સ ડાયગ્નોસ્ટિક સૉલ્યુશન્સના તબીબી બાબતોના ડિરેક્ટર ડેનોમે કહે છે, "ઉપરાંત એક સમસ્યા એ છે કે, જ્યારે આરએચ નલ કે અન્ય કોઈપણ નલ ગ્રૂપ તૈયાર કરતી વખતે લાલ રક્ત કોશિકાઓની વૃદ્ધિ અને પરિપક્વતા નડી શકે છે."
"કેટલાક ખાસ બ્લડ ગ્રૂપ માટે જનીનો તૈયાર કરવાથી કોષ પટલને નુકસાન થઈ શકે છે, અથવા સેલ કલ્ચરમાં લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં ઘટાડો પણ થઈ શકે છે."
હાલમાં, પ્રોફેસર ટૉય 'રિસ્ટોર' ટ્રાયલને લીડ કરી રહ્યા છે, જે વિશ્વનું પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ છે જે ડોનર, બ્લડ સ્ટેમ કોષોમાંથી લૅબમાં કૃત્રિમ રીતે વિકસાવવામાં આવેલા લાલ રક્ત કોષો સ્વસ્થ વૉલંટિયર્સને આપીને સલામતીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ટ્રાયલમાં કૃત્રિમ બ્લડનું કોઈ પણ રીતે જનીન એડિટિંગ કરવામાં આવ્યું ન હતું, પરંતુ તેમ છતાં માનવોમાં તેનું પરીક્ષણ કરવાના તબક્કા સુધી પહોંચવા માટે વૈજ્ઞાનિકોને 10 વર્ષ સંશોધનનો સમય લાગ્યો.
પ્રોફેસર ટૉય કહે છે કે, "હાલમાં, કોઈ પણ પાસેથી બ્લડ લેવું વધારે સફળ છે, અને ભવિષ્યમાં પણ આપણને રક્તદાતાઓની જરૂર વધુ રહેશે."
"પરંતુ દુર્લભ બ્લડ ગ્રૂપ ધરાવતા લોકો માટે, જેમના માટે ખૂબ ઓછા અન્ય બ્લડ ડોનર્સ છે, જો આપણે તેમના માટે વધુ રક્ત ઉત્પન્ન કરી શકીએ, તો તે ખરેખર અસરકારક સાબિત થશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












