ભાવનગર : જે દુલહનના હાથે મેંદી મુકાઈ, એની હત્યા ભાવિ પતિએ લગ્નના દિવસે જ કેમ કરી?

ભાવનગર પોલીસ હત્યા દુલહન, મહેંદી સાજન સોની લગ્નના દિવસે હત્યા બીબીસી ગુજરાતી સૌરાષ્ટ્ર ગુજરાત

ઇમેજ સ્રોત, Alpesh Dabhi

ઇમેજ કૅપ્શન, પોલીસ ફરિયાદ પ્રમાણે લગ્નના દિવસે જ સોની (તસવીરમાં ડાબે) અને સાજન (તસવીરમાં જમણે) વચ્ચે ઝઘડો થયો અને સાજને સોનીની હત્યા કરી હતી.

ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં લગ્નના દિવસે જ પોતાની ભાવિ દુલ્હનની હત્યા કરવાના કેસમાં આરોપીને પકડી લેવાયો છે.

15 નવેમ્બરે 22 વર્ષીય સોની રાઠોડનાં લગ્ન સાજન બારૈયા સાથે થવાનાં હતાં, પરંતુ ભાવનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે તેમની વચ્ચે કોઈ બાબતે તકરાર થવાથી સાજને સોનીબહેનના ઘરે જઈને તેમનું અપહરણ કર્યું અને પછી તેની હત્યા કરી છે.

હત્યા બાદ બે દિવસથી નાસતા ભાગતા આ કેસના આરોપી સાજનની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ ફરિયાદમાં લખાવાયું છે કે સાજન બારૈયા પહેલેથી ઉગ્ર અને હિંસક સ્વભાવ ધરાવે છે. તેના દ્વારા સોનીને પોતાની સાથે બળજબરીથી રાખવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ પરિવારે સાજન અને સોનીના લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ લગ્નના દિવસે જ બંને વચ્ચે ઝઘડો થયો અને સાજને સોનીની હત્યા કરી હતી.

આખો કેસ શું છે?

બીબીસી ગુજરાતી ભાવનગર દુલ્હન પોલીસ હત્યા સોની રાઠોડ મહિલા ક્રાઈમ

ઇમેજ સ્રોત, Alpesh Dabhi

ઇમેજ કૅપ્શન, આરોપી સાજન બારૈયા

મૃતક સોનીબેનના ભાઈ વિપુલ રાઠોડે નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે, તેઓ ભાવનગરમાં આગરીયા વાડ વિસ્તારમાં રહે છે અને ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે.

તેમનાં 22 વર્ષીય બહેન સોની રાઠોડ છેલ્લા આઠેક મહિનાથી સાજન ઉર્ફે ભુરો ખન્નાભાઈ બારેયા સાથે રહેતાં હતાં. સાજને સોનીને ધાકધમકીથી ડરાવીને પોતાની સાથે રાખ્યાં હતાં તેવો આરોપ છે. ત્યાર પછી પરિવારે તેમનાં લગ્ન કરાવવાનો નિર્ણય લીધો અને કંકોત્રીઓ પણ છપાવી હતી.

15 નવેમ્બરે જ તેમનાં લગ્ન થવાનાં હતાં.

પરંતુ સોની અને સાજન વચ્ચે કોઈ મામલે ઝઘડો થયો અને સાજને સોનીને માર મારતા તેઓ ભાગીને પોતાના ભાઈ વિપુલ રાઠોડના ઘરે આવી ગયાં હતાં.

પોલીસ ફરિયાદ પ્રમાણે, સાજન અહીં આવીને મારી ન શકે તે માટે પરિવારે તેમને તેમનાં નાની શાંતાબેન બાંભણિયાના ઘરે મોકલાવી દીધા હતા. પરંતુ 14 અને 15 નવેમ્બરની રાતે બે વાગ્યે સાજન તેમના ઘરે આવ્યો અને નાના ભાઈ સુનીલને માર મારીને સોની ક્યાં છે તે પૂછવા લાગ્યો.

સુનીલે સાજનને સોનીનું સરનામું આપી દીધું હતું. ત્યાર બાદ સાજને ત્યાં હાજર સોનીના પિતાને પણ માર માર્યો અને ત્યાંથી સોની જ્યાં રહેતાં હતાં, તે નાનીના ઘરે જઈને બધાને ધમકાવ્યા અને સોનીને બળજબરીથી અપહરણ કરીને લઈ ગયો હતો.

આખી રાત મહિલાનો પતો ન મળ્યો

બીબીસી ગુજરાતી ભાવનગર દુલ્હન પોલીસ હત્યા સોની રાઠોડ મહિલા ક્રાઈમ

ઇમેજ સ્રોત, Alpesh Dabhi

ઇમેજ કૅપ્શન, મૃતદેહ જ્યાંથી મળી આવ્યો તે સ્થળે તપાસ કરતી પોલીસ

વિનોદ રાઠોડની ફરિયાદ મુજબ તેમણે આખી રાત બહેનને શોધવા પ્રયાસ કર્યો પરંતુ તેનો પતો મળ્યો ન હતો. બીજા દિવસે સવારે નવેક વાગ્યે તેમને જાણ થઈ કે સાજન બારૈયાના ઘરમાં સોનીનો મૃતદેહ પડ્યો છે. તેથી તેઓ દોડીને સાજનના ઘરે પહોંચ્યા અને જોયું તો ત્યાં સોનીનો મૃતદેહ હતો અને તેમનાં માથામાં ગંભીર ઈજાનાં નિશાન હતાં. આ ઉપરાંત મોઢાના ભાગે અને શરીરના બીજા ભાગો પર ઈજાનાં નિશાન હતાં. નજીકમાં લોખંડનો પાઇપ પડ્યો હતો જેના પર લોહી હતું.

આના વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી જેણે આગળની કાર્યવાહી કરી હતી. સાજન તે સમયે ફરાર હતો.

ત્યાર બાદ 16 નવેમ્બરની રાતે પોલીસે સાજનની ધરપકડ કરી હતી.

ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ આર. આર. સિંઘાલે મીડિયાને જણાવ્યું હતું કે સોની પર લોખંડના પાઇપથી હુમલો થયો હતો અને તેમનું માથું દિવાલ સાથે અફડાવવામાં આવ્યું હતું જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.

તેમણે કહ્યું હતું કે, "પાનેતર પહેરવા બાબતે અને રૂપિયાના મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેમાં સાજન ઉર્ફે ભૂરાને પકડવામાં આવ્યા છે અને તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે."

દુલહનના હાથ પર મેંદી હતી

બીબીસી ગુજરાતી ભાવનગર દુલ્હન પોલીસ હત્યા સોની રાઠોડ મહિલા ક્રાઈમ

ઇમેજ સ્રોત, Alpesh Dabhi

ઇમેજ કૅપ્શન, ઘટનાના સ્થળે તપાસ કરતી પોલીસ ટીમ

સોની રાઠોડની હત્યા જે દિવસે થઈ તે જ દિવસે તેમનાં સાજન સાથે લગ્ન થવાનાં હતાં. તેથી તેમના હાથ પર મેંદી પણ લગાવેલી હતી.

અમુક અહેવાલ પ્રમાણે સોની અને સાજન આઠ મહિનાથી લીવ-ઇન રિલેશનમાં રહેતાં હતાં. સોનીના હાથ પર ટેટૂ પણ ચિતરાવેલું હતું જેમાં 'આઈ લવ સાજન' લખેલું હતું. જ્યારે બીજા હાથ પર 'સદા સૌભાગ્યવતી' લખાયેલું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન