મહારાજા દલીપસિંહ : લખલૂટ સંપત્તિ ધરાવતા શીખ સામ્રાજ્યના છેલ્લા મહારાજા જેમના અંતિમ દિવસો ગરીબીમાં વીત્યા

ઇમેજ સ્રોત, Hulton Archive/Getty Images, olympiaauctions.com
- લેેખક, એલિસ કનિંગહમ
- પદ, બીબીસી સંવાદદાતા, સુફોક
શીખ સામ્રાજ્યના અંતિમ શીખ શાસક દલીપસિંહની 19મી સદીની બે ખુરશીઓની હાલમાં જ હરાજી કરાઈ છે.
ઑલમ્પિયા ઑક્શન્સ અનુસાર, આ બંને ખુરશીઓની હરાજી 8000 પાઉન્ડ (લગભગ નવ લાખ 45 હજાર રૂપિયા)માં થઈ.
દલીપસિંહ (1838-1893)ના રોજ પાંચ વર્ષની ઉંમરે શીખ મહારાજાની ઉપાધિ અપાઈ હતી. પરંતુ 1849માં અંગ્રેજો દ્વારા શીખ સામ્રાજ્ય પર કબજો કર્યા બાદ, તેમને સુફોક-નૉરફૉક બૉર્ડર પર એલ્વેડેન હૉલ મોકલી દેવાયા હતા.
હરાજી કરાયેલી ખુરશી દલીપસિંહની સંપત્તિનો ભાગ હતો.
ઑલમ્પિયા ઑક્શન્સના વિશેષજ્ઞ નિકોલસ શૉએ હરાજી પહેલાં કહ્યું હતું તેમને આશા છે કે હરાજીમાં તેમની ખુરશીઓમાં લોકોનો "ઘણો રસ" હશે.
મહારાજા રણજિતસિંહના સૌથી નાના પુત્ર હતા દલીપસિંહ

ઇમેજ સ્રોત, Universal History Archive/Getty Images
દલીપસિંહ મહારાજા રણજિતસિંહના સૌથી નાના પુત્ર હતા, જેમણે 1799માં પંજાબમાં શીખ સામ્રાજ્યની સ્થાપના કરી હતી.
પોતાના નિર્વાસન બાદ, દલીપસિંહ 15 વર્ષની ઉંમરે ઇંગ્લૅન્ડ પહોંચી ગયા, ઇંગ્લૅન્ડમાં વસવાટ દરમિયાન તેઓ બ્રિટનનાં તત્કાલીન મહારાણી વિક્ટોરિયાના ઘનિષ્ઠ મિત્ર તરીકે જળવાઈ રહ્યા.
1863માં તેમણે એલ્વેડન એસ્ટેટ સંપત્તિ ખરીદી હતી. 1893માં 55 વર્ષની ઉંમરે તેમના મૃત્યુ બાદ આ સંપત્તિ જાણીતા ગિનિઝ બ્રૂઇંગ પરિવારના ઍડવર્ડ સેસિલ ગિનીઝે ખરીદી લીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે બે ખુરશીઓની હરાજી કરાઈ એ 1850ની આસપાસ બૉમ્બે (હાલનું મુંબઈ)માં બની હતી. ઍડવર્ડ ગિનીઝે દલીપસિંહની સંપત્તિ ખરીદ્યા બાદ આ ખુરશીઓ ત્યાં જ રહી, એટલે કે ઍડવર્ડના કબજામાં જતી રહી.
ઑલમ્પિયા ઑક્શન્સ અનુસાર, આ ખુરશીઓ ઘેરા રંગના બૉમ્બે બ્લૅકવૂડ (એક પ્રકારનું લાકડું)થી બની છે અને તેમાં ભારતીય ડિઝાઇન અને અકેંથસનાં પાનની ડિઝાઇન બની છે.
નિકોલસ શૉનું કહેવું છે કે, "આ ખુરશીઓ મહારાજા દલીપસિંહની શ્રેષ્ઠ શિલ્પકલાને દેખાડે છે, જેમાં તેમના ભારતીય વારસાની સાથોસાથ અંગ્રેજી સમાજની પણ અસર છે."
દલીપસિંહની આ ખુરશીઓની ખાસિયત

ઇમેજ સ્રોત, olympiaauctions.com
એલ્વેડન એસ્ટેટથી અલગ થયા બાદ, 40 વર્ષથી વધુ સમયમાં પ્રથમ વખત આ ખુરશીઓની હરાજી કરાઈ છે.
જે 'બૉમ્બે બ્લૅકવૂડ' વડે આ ખુરશીઓ બની છે, એ શબ્દનો ઉપયોગ 1840ના દાયકાના વિક્ટોરિયન મૉડલ અનુસાર, બનેલા વિસ્તૃત નકશીદાર ડિઝાઇનવાળા ફર્નિચર માટે કરાતો હતો.
આ ખુરશીઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલું લાકડું મુખ્યત્વે બ્લૅકવૂડ હતું, જેને બૉમ્બેની મીડો સ્ટ્રીટ અને તેની આસપાસની લાકડાની ફૅક્ટરીઓ માટે માલાબાર તટથી લવાતું હતું.
મુખ્યત્વે આ ફર્નિચરની શૈલી રોકોકો રિવાઇવલ છે. એ 18મી સદીના ફ્રાન્સમાં રાજા લુઈ પંદરમાના સમયના ફર્નિચરથી પ્રેરિત નકશીકામ છે.
આ બંને ખુરશીઓ ક્રિસ્ટીઝે 1984માં અર્લ ઑફ ઇવેગ વતી એલ્વેડન એસ્ટેટના ભાગરૂપે વેચી હતી.
એ એ સોદામાં સામેલ ભારતીય ફર્નિચરનાં કેટલાંક ઉદાહરણો પૈકી એક હતી.
એવું મનાય છે કે આ ખુરશીઓ દલીપસિંહના નિધન બાદ, ઘરહમાં બચેલી કેટલીક વસ્તુઓમાં સામેલ હતી.
મહારાજા દલીપસિંહના જીવન પર આધારિત બીબીસીના એક જૂના રિપોર્ટના અમુક અંશ અહીં વાંચો -
શીખ સામ્રાજ્યના અંતિમ મહારાજા

ઇમેજ સ્રોત, NORFOLK COUNTY COUNCIL
દલીપસિંહનો જન્મ 1838માં શીખ શાસક મહારાજા રણજિતસિંહના ઘરે થયો હતો.
તેમના જન્મના બીજા વર્ષે જ તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું અને પંજાબમાં ગૃહયુદ્ધ અને અશાંતિ ફેલાઈ ગઈ.
પાંચ વર્ષની ઉંમરે દલીપસિંહને શેર-એ-પંજાબની ગાદીએ બેસાડી દેવાયા, જ્યારે ખરેખર શાસનની ધુરા તેમનાં મા અને મામાના હાથમાં હતી.
ગૃહયુદ્ધ અટકવાનું નામ નહોતું લઈ રહ્યું, બલકે તેની તીવ્રતા હજુ વધી ગઈ. જ્યારે શીખો અને અંગ્રેજો વચ્ચે બીજું યુદ્ધ શરૂ થયું, તો એ તેના ચરમ પર પહોંચ્યું. અંગ્રેજોએ પંજાબ પર કબજો કરવાની પૂરી તૈયારી કરી લીધી હતી.
1849માં પંજાબને બ્રિટિશ ભારતમાં ભેળવી લેવાયું અને મહારાજા દલીપસિંહને ગાદી પરથી ઉતારી દેવાયા.
તેઓ શીખ સામ્રાજ્યના અંતિમ મહારાજા હતા. દલીપસિંહ, પોતાનાં માતા મહારાણી જિંદકોરથીય અલગ થઈ ગયા હતા. તેમનાં માતાને કેદ કરી દેવાયાં હતાં.

ઇમેજ સ્રોત, BRITISH LIBRARY
મે 1854માં તેમને ઇંગ્લૅન્ડ લવાયા અને મહારાણી વિક્ટોરિયા સાથે તેમની મુલાકાત કરાવાઈ. પહેલી મુલાકાતમાં જ મહારાણી વિક્ટોરિયાને દલીપસિંહ ઘણા ગમી ગયા.
ધીરે ધીરે તેઓ મહારાણીના નિકટના મિત્ર બની ગયા અને તેમને પોતાના પદની સાથે 'સન્માન' પણ મળવા લાગ્યું.
અંગત જીવનમાં તેઓ એક બ્રિટિશ સામંત બની ચૂક્યા હતા, જ્યારે સાર્વજનિકપણે તેઓ હજુ પણ પોતાની જાતને એક ભારતીય રાજકુમાર તરીકે રજૂ કરતા.
ઇંગ્લૅન્ડમાં તેઓ બ્લૅક પ્રિન્સના નામથી ઓળખાતા.
1861માં પોતાનાં માતા મહારાણી જિંદકોરથી અલગ થયાનાં 13 વર્ષ બાદ તેઓ માતાને ફરી મળ્યા. એ બાદ જિંદકોરે બે વર્ષ પોતાના પુત્ર સાથે બ્રિટનમાં જ પસાર કર્યાં.
આ પહેલાં, મા અને દીકરાએ એકબીજાને પત્રો પણ લખેલા. એ પૈકી બે પત્ર બ્રિટિશ લાઇબ્રેરીમાં મુકાયેલા છે.
બે વર્ષ બાદ જિંદકોરનું નિધન થયું.
દલીપસિંહએ બંબા મુલર સાથે લગ્ન કર્યાં, જેઓ ઇજિપ્તના કાહિરામાં પેદા થયાં હતાં. ખ્રિસ્તી મૂલ્યોમાં તેમની ઊંડી આસ્થા હતી, દલીપસિંહ અને બમ્બાનાં છ બાળકો હતાં અને તેઓ સુફોકના સુદૂર વિસ્તાર એલ્વેડેન હૉલમાં રહેવા ચાલ્યા ગયા.
પેરિસમાં મૃત્યુ થયું

ઇમેજ સ્રોત, BRITISH LIBRARY
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1870ના દાયકામાં મહારાજા આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા હતા.
તેમના માટે છ બાળકોનું પાલનપોષણ કરવું અને બ્રિટિશ સરકાર પાસેથી મળતી પેન્શન પર જીવન મુશ્કેલ બની રહ્યું હતું. તેઓ ખૂબ દેવાદાર થઈ ગયા હતા.
તેમણે બ્રિટિશ સરકાર પાસેથી ભારતમાં પોતાની જમીન અને સંપત્તિની માગ શરૂ કરી દીધી. તેમણે એવો પણ દાવો કર્યો કે પંજાબ પર અપ્રામાણિકતા સાથે કબજો કરાયો છે.
તેમણે ભારતમાં પોતાની જમીન બદલે વળતરની માગ કરતાં સરકારને અસંખ્યા પત્રો લખ્યા, પરંતુ તેનાથી તેમને કોઈ લાભ ન થયો.
માર્ચ 1886ના અંતિમ દિવસોમાં તેમણે પોતાના જીવનનો સૌથી સાહસભર્યું પગલું ભર્યું. તેઓ પોતાના પરિવાર સાથે ભારત આવવા રવાના થયા.
તેમણે બ્રિટિશ સરકારને કહ્યું કે તેઓ ફરીથી શીખ ધર્મને સ્થાપિત કરશે અને પોતાની જમીનનો ભાગ ફરી હાંસલ કરશે.
બ્રિટિશ સરકાર આ સંભવિત વિદ્રોહના ખતરાને ટાળવા માગતી હતી. ભારત તરફ આવી રહેલા મહારાજાનું જહાજ હજુ અદન પહોંચ્યું હતું ત્યાં તો તેમની ધરપકડ કરી લેવાઈ.
તેમને નજરબંધ રખાયા અને તેમનો પરિવાર બ્રિટન પરત ફર્યો.
દલીપસિંહ શીખ પણ બની ગયા, પરંતુ પોતાના જીવનના અંતિમ દિવસોમાં તેઓ ભટકતા રહ્યા અને બ્રિટિશ જાસૂસોની દેખરેખમાં રહ્યા.
ઑક્ટોબર 1893માં પેરિસમાં, 55 વર્ષની ઉંમરે પંજાબના અંતિમ મહારાજાનું અત્યંત ગરીબાઈમાં નિધન થયું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












