મહાત્મા ફુલે અને તેમનાં પત્ની સાવિત્રીબાઈને મારવા આવેલા હત્યારા જ નિકટના સહયોગી કેવી રીતે બની ગયા?

ઇમેજ સ્રોત, GOVERNMENT OF MAHARASHTRA
- લેેખક, તુષાર કુલકર્ણી
- પદ, બીબીસી સંવાદદાતા
જે રીતે ગૌતમ બુદ્ધે ડાકુ અંગુલિમાલને બૌદ્ધ ભિક્ષુ બનાવી દીધા, એ જ રીતે મહાત્મા ફુલેની હત્યા કરવા આવેલી બે વ્યક્તિઓએ પણ સામાજિક કાર્યોમાં મહાત્મા ફુલેને સાથ આપ્યો હતો.
તેમાંથી એક મહાત્મા ફુલેના અંગરક્ષક બન્યા, જ્યારે બીજા સત્યશોધક સમાજના અનુયાયી બન્યા અને પુસ્તકો પણ લખ્યાં.
મહાત્મા ફુલેએ પોતાનું જીવન મહિલાઓ, વંચિતો અને શોષિત ખેડૂતોના ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું. આ કામના લીધે તેમણે અને તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફુલેએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
રૂઢિવાદી સમાજ તેમને મહેણાંટોણા મારતો હતો અને અપશબ્દો પણ કહેતો હતો.
કેટલાક લોકોએ તેમના ઉપર છાણ પણ ફેંક્યું હતું. પરંતુ, ફુલે દંપતીએ પોતાનું કામ ન છોડ્યું. આ વિરોધોની કશી અસર ન દેખાતાં કેટલાક લોકોએ ફુલેને મારવા માટે બે હત્યારાને મોકલ્યા.
આ સમગ્ર ઘટનાનું દિલધડક વર્ણન ધનંજય કીરે લખેલી મહાત્મા ફુલેની બાયોગ્રાફીમાં મળે છે.
તેઓ લખે છે, ફુલે દંપતી દિવસનું કામ પૂરું કરીને અડધી રાતે આરામ કરતાં હતાં. અચાનક આંખ ખૂલી જતાં આછા અજવાળામાં બે લોકોની આકૃતિ દેખાઈ. જ્યોતિબા ફુલેએ મોટેથી પૂછ્યું કે, "કોણ છો તમે લોકો?"
એક હત્યારાએ કહ્યું, "અમે તમને મારી નાખવા આવ્યા છીએ", જ્યારે બીજો હત્યારો જોરથી બોલ્યો, "અમને તમને યમલોક પહોંચાડવા મોકલવામાં આવ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાંભળીને મહાત્મા ફુલેએ તેમને પૂછ્યું, "મેં તમારું શું બગાડ્યું છે કે તમે મને મારી રહ્યા છો?" તે બંનેએ જવાબ આપ્યો, "તમે અમારું કંઈ બગાડ્યું નથી, પરંતુ અમને તમને મારવા માટે મોકલવામાં આવ્યા છે."
મહાત્મા ફુલેએ તેમને પૂછ્યું, મને મારવાથી શો લાભ થશે? એટલે તેમણે કહ્યું, "જો અમે તમને મારી નાખીશું, તો અમને એક એક હજાર રૂપિયા મળશે."
આ સાંભળીને મહાત્મા ફુલએ કહ્યું, "અરે વાહ! મારા મરવાથી તમને લાભ થવાનો છે, તો તો મારું માથું કાપી લો. આ મારું સદ્ભાગ્ય છે કે જે ગરીબ લોકોની હું સેવા કરીને પોતાને ભાગ્યશાળી અને ધન્ય માનતો હતો, તેઓ મારી ગરદનમાં ચાકુ હુલાવે. ચાલો. મારું જીવન માત્ર દલિતો માટે છે; અને મારું મોત ગરીબોના હિતમાં છે."
તેમની વાતો સાંભળીને હત્યા કરવા આવેલા બંનેને ભાન થયું. તેમણે મહાત્મા ફુલેની માફી માંગી અને કહ્યું, "હવે અમે એ લોકોને મારી નાખીશું, જેમણે અમને તમને મારવા માટે મોકલ્યા હતા."

ઇમેજ સ્રોત, MAHARASHTRA GOVERNMENT
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એટલે, મહાત્મા ફુલેએ તેમને સમજાવ્યા અને એવી શિખામણ આપી કે બદલો ન લેવો જોઈએ. આ ઘટના પછી તે બંને મહાત્મા ફુલેના સહયોગી બની ગયા. તેમાંના એકનું નામ રોડે અને બીજાનું નામ હતું પં. ધોંડીરામ નામદેવ.
આ કહાણી વાંચ્યા પછી કોઈ પણ સરળતાથી સમજી શકે છે કે ચાર કે પાંચ વાક્ય બોલવાથી કોઈના જીવન પર આવેલું સંકટ કઈ રીતે દૂર થઈ શકે છે. પરંતુ ફુલેનું આખું જીવનચરિત્ર વાંચતાં સમજાય છે કે ચાર-પાંચ વાક્ય તેમના સમગ્ર જીવનનો સાર છે.
તેઓ ફક્ત એ વાક્યો બોલ્યા એટલું જ નહીં, પરંતુ જીવન પર્યંત એ જ શબ્દોને જીવ્યા છે. મહાત્મા ફુલેએ શોષિતો માટે કેવળ પોતાનું જીવન જ સમર્પિત ન કર્યું, પરંતુ તેમના વિચારો આજે પણ સમાજનું માર્ગદર્શન કરે છે.
મહાત્મા ફુલેના મૃત્યુને 132 વર્ષ થઈ ગયાં છે, પરંતુ તેમના વિચારોમાં આજે પણ તાજગી અનુભવાય છે. મહાત્મા ફુલે એક માનવતાવાદી વિચારક હતા, પરંતુ સાથે જ તેઓ એક દૂરદર્શી કૃષિ નિષ્ણાત પણ હતા.
નિષ્ણાતોનું માનવું છે કે, જો તેમના વિચારોના આધારે પગલાં ભરવામાં આવે તો દેશની કૃષિ સમસ્યાઓનું સમાધાન કરી શકાય તેમ છે.
મહાત્મા ફુલે અને તેમના કૃષિ અંગેના વિચારો જોતાં પહેલાં ચાલો, તેમનાં કામ અને તેમની પૃષ્ઠભૂમિને જોઈએ.
શિક્ષણનું મહત્ત્વ સમજનાર ફુલે

ઇમેજ સ્રોત, SAVITRIBAI PHULE SMARAK
"વિદ્યા બિના મતિ ગયી, મતિ બિના નીતિ ગયી,
નીતિ બિના ગતિ ગયી, ગતિ બિના વિત્ત ગયા.
વિત્ત બિના શૂદ્ર ગયે!
ઇતને અનર્થ એક અવિદ્યાને કિયે."
શિક્ષણના અભાવથી જીવન પર પડતા પ્રભાવને રેખાંકિત કરતાં મહાત્મા ફુલેએ આ પંક્તિઓ 'શેતક-યાંચા આસૂડ' એટલે કે 'કિસાનોં કા કોડા' નામના પુસ્તકમાં લખી છે.
મહાત્મા ફુલે યોગ્ય સમયે શિક્ષણનું મહત્ત્વ સમજ્યા. તેમણે અનુભવ્યું કે, બહુજન સમાજ અને તેમની આસપાસની મહિલાઓ શિક્ષણના અભાવના કારણે ગુલામીમાં છે.
આના આધારે તેમણે સૂચવ્યું છે કે, જ્ઞાનના અભાવમાં બહુજન સમાજે આજીવન દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનો સામનો કરવો પડે છે. તેમણે નિદાન બતાવતાં કહ્યું છે કે, આ દુર્ભાગ્યનું મૂળ અજ્ઞાનતા છે.
મહાત્મા ફુલેને પહેલાં એક મરાઠી સ્કૂલમાં અને પછી એક મિશનરી સ્કૂલમાં શિક્ષણ મળ્યું. તેમના પિતા ગોવિંદરાવનો ફુલોનો વ્યવસાય હતો.
એ સમયે, કેટલાક સનાતની બ્રાહ્મણોને એ પસંદ નહોતું કે જેઓ બ્રાહ્મણ નથી તેઓ ભણે અને શિક્ષણ પ્રાપ્ત કરે. તેમણે જ્યોતિબા ફુલેના પિતાની કાન-ભંભેરણી કરી અને કહ્યું કે 'જો તમારો પુત્ર અત્યારે શિક્ષણ મેળવશે, તો તેનું મન ખેતી અને બાગકામમાં નહીં લાગે, તે અસભ્ય બની જશે.'
ત્યાર પછી તેમના પિતાએ તેમને અભ્યાસ બંધ કરવા કહ્યું. પરંતુ ત્યાં સુધીમાં જ્યોતિબા ફુલેએ અંગ્રેજી શીખવાનું શરૂ કરી દીધું હતું. તેમણે વિવિધ વૈચારિક ગ્રંથો અને ક્રાંતિઓનો અભ્યાસ કર્યો.
તેમણે થૉમસ પાયનેનું પુસ્તક 'રાઇટ્સ ઑફ મૅન' વાંચ્યું. તેનાથી તેમને એ અહેસાસ થવા લાગ્યો કે મનુષ્યના કેટલાક મૂળભૂત અધિકાર છે અને તેને પ્રાપ્ત કરવાનો તેમનો અધિકાર છે.
તેમના જીવનમાં એક એવી ઘટના બની, જેણે તેમના મનની જાગરૂકતાને લક્ષ્યમાં બદલી નાખી. એક વાર તેમને એક બ્રાહ્મણ મિત્રના લગ્નમાં આમંત્રિત કરાયા. તેઓ લગ્નમાં સામેલ હતા ત્યારે કેટલાક સનાતની બ્રાહ્મણો તેમને ઓળખી ગયા અને તેમને હેરાન કરવા લાગ્યા.
તેમાંના એકે તેમને કહ્યું, "શું બધાં જાતિ પ્રતિબંધો અને રીતરિવાજો તોડીને અમારું અપમાન કરી રહ્યા છો? શું તમને લાગે છે કે તમે અમારા જેવા છો? આવું કરતાં પહેલાં સો વાર વિચારવું જોઈતું હતું. અમારી પાછળ ચાલો, પાછળ."
21 વર્ષીય જ્યોતિબા પર આ ઘટનાની ઘેરી અસર થઈ. તેમને આશ્ચર્ય થયું કે તેમની સાથે જાનવરો કરતાં પણ ખરાબ વ્યવહાર શા માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે આના પર વિચાર કર્યો તથા પોતાની પૃષ્ઠભૂમિ અને સંસાધનો વિશે વિચાર્યું. તો એક વાત તેમના ધ્યાનમાં આવી કે શિક્ષણના અભાવના લીધે આ અંતર છે.
તેઓ એવા તારણ સુધી પહોંચ્યા કે સમુદાયોમાં શિક્ષણના અભાવે સેંકડો વર્ષોની ગુલામીને જન્મ આપ્યો છે. શિક્ષણ માત્ર એક વર્ગ પૂરતું સીમિત છે. બીજાઓને શાસ્ત્ર જોવાનો પણ અધિકાર નથી.
તેમણે વિચાર્યું કે જો આપણે બધા માટે શિક્ષણના દરવાજા ખોલી નાખીએ, તો ગુલામીનાં બંધનો હટાવી શકાય તેમ છે. અને તેમણે સમાજના શોષિત વર્ગ માટે કામ કરવાનો નિર્ણય કર્યો.
તેમણે મહિલાઓમાં શિક્ષણની જ્યોત જગાવવાનો નિર્ણય કર્યો. મહાત્મા ફુલેએ મહિલાઓને શિક્ષિત કરવાનું કાર્ય કેમ કર્યું, એ વિશે તેમણે જે કહ્યું તેનું વિવરણ કંઈક આ પ્રકારે છે. તેઓ કહે છે, "સૌથી પહેલાં મહિલા સ્કૂલે મારું ધ્યાન ખેંચ્યું. મારા ખ્યાલથી સ્કૂલ, પુરુષો કરતાં મહિલાઓ માટે વધારે મહત્ત્વની છે."
આ વિચાર અનુસાર મહાત્મા ફુલેએ પોતાના સહયોગીઓ સાથે મળીને 1848માં પુણેના ભિડેવાડામાં છોકરીઓ માટે એક સ્કૂલ શરૂ કરી. પુણે રૂઢિવાદી લોકોનો ગઢ હતું.
જ્યારે તેમને ખબર પડી કે અહીં છોકરીઓ માટે એક સ્કૂલની સ્થાપના કરવામાં આવી છે અને તેમાં બહુજન વર્ગની છોકરીઓ પણ આવે છે, ત્યારે તેઓ સ્કૂલ બંધ કરવાની ધમકી આપવા લાગ્યા.
જ્યારે તેમણે જોયું કે જ્યોતિબા પર તેમની ધમકીઓની કશી અસર નથી થઈ, ત્યારે તેઓ તેમના પિતા પાસે ગયા.
એ લોકોએ જ્યોતિબાના પિતાને કહ્યું કે, તમે તમારા દીકરાને રોકી લો; નહીંતર, તમારે લોકોએ અહીંથી નીકળવું પડશે. જ્યોતિબાના પિતાએ તેમને કહ્યું કે, કાં તો ઘર છોડી દો, અથવા સ્કૂલ બંધ કરી દો.
તેના જવાબમાં જ્યોતિબાએ કહ્યું, "હું સ્કૂલ બંધ ન કરી શકું."
જોકે, નાણાકીય મુશ્કેલીઓના કારણે તેમણે સ્કૂલ બંધ કરવી પડી, પરંતુ, 1851માં ફરીથી તેમણે ચિપલૂણકરવાડામાં છોકરીઓની સ્કૂલ શરૂ કરી. આ સ્કૂલની શરૂઆત આઠ છોકરીઓથી થઈ અને થોડાક જ દિવસોમાં તેમની સંખ્યા વધીને 48 થઈ ગઈ.
વિધવા માતાઓની મદદ

ઇમેજ સ્રોત, GOVERNMENT OF MAHARASHTRA
ભારતમાં વિધવા પુનર્લગ્ન કાયદો 1856માં પસાર કરવામાં આવ્યો હતો, તેમ છતાં, મોટા ભાગના સમાજને વિધવાઓનાં પુનર્લગ્ન સ્વીકાર્ય નહોતાં. ખૂબ નાની ઉંમરની છોકરીઓને મોટી ઉંમરના પુરુષો સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવતી હતી.
1863માં ફુલે દંપતીએ વિધવા થયા પછી જાતીય શોષણના કારણે ગર્ભ ધારણ કરનાર મહિલાઓ માટે ઘર બનાવ્યું હતું. મહિલાઓ છાની રીતે આ જગ્યાએ આવતી હતી અને તેમની ડિલિવરીની વ્યવસ્થા કરવામાં આવતી હતી. જો મહિલા બાળકની સારસંભાળ રાખવા માગતી હોય, તો તે એવું કરી શકતી હતી, અન્યથા ફુલે દંપતી જ બાળકોની દેખરેખ રાખતું હતું.
પુણેમાં જુદી જુદી જગ્યાએ આ ઘર વિશે માહિતી આપતી પત્રિકાઓ રાખવામાં આવી.
આ પત્રિકામાં લખ્યું હતું, "વિધવાઓ, અહીં આવો અને ગુપ્ત અને સુરક્ષિત રીતે બાળકને જન્મ આપો. એ તમારે નક્કી કરવાનું છે કે તમે પોતાના બાળકને અહીં લાવવા માગો છો કે નહીં. અનાથ આશ્રમ એ બાળકોની સારસંભાળ રાખશે."
'ગુલામી'નું લેખન અને સત્ય શોધનારો સમાજ

ઇમેજ સ્રોત, Gulamgiri
જ્યોતિબા ધાર્મિક ગુરુઓની ધમકીઓથી ડરતા નહોતા. તેમણે એવું વિશ્લેષણ કરતાં એક પુસ્તક લખ્યું કે, સમાજમાં રૂઢિવાદીઓનો આટલો મજબૂત પ્રભાવ કેમ છે.
આ પુસ્તકનું નામ 'ગુલામી' છે. પુણે વિદ્યાપીઠના રિટાયર્ડ પ્રોફેસર અને લેખક ડૉ. સદાનંદ મોરે આ પુસ્તકને તેમનો મૅગ્નમ ઓપસ એટલે કે મહાગ્રંથ કહે છે.
જ્યોતિબાને આશા હતી કે ધાર્મિક ગુલામીની બેડીઓ તોડીને આખો સમાજ જાતિઓમાંથી મુક્ત થઈ જશે. આ પુસ્તક અમેરિકામાં ગુલામીમાંથી મુક્તિ મેળવનાર કાળા લોકોને સમર્પિત છે.
આ પુસ્તક વિશે ડૉ. સદાનંદ મોરે પોતાના પુસ્તક 'ધ ગ્રામર ઑફ રિબેલિયન'માં કહે છે, "જ્યોતિરાવના મનમાં અમેરિકાના સમતાવાદી યોદ્ધાઓ માટે ખૂબ સન્માન હતું, તેથી તેમણે પોતાનું કાર્ય તેમને સમર્પિત કરી દીધું. પરંતુ મુદ્દો ભારતમાં ગુલામીનો હતો."
"જ્યોતિરાવ દ્વારા ઇતિહાસ અનુસાર અહીંના શૂદ્ર સમુદાયને આર્યો એટલે કે બ્રાહ્મણોએ ગુલામ બનાવ્યા હતા. તેમને આશા હતી કે બ્રાહ્મણ સમુદાય અમેરિકામાં ગોરાઓની નકલ કરશે અને ભારતમાં શૂદ્રોની ગુલામી નાબૂદ કરશે."
ડૉ. મોરે કહે છે, "જ્યોતિરાવે ગુલામીની સિદ્ધાંતિક વિવેચના કર્યા પછી પગલું ભરવામાં વિલંબ ન કર્યો. 24 સપ્ટેમ્બર 1873એ તેમણે સત્યની શોધ કરનાર સત્યશોધક સમાજની રચના કરી હતી."
બહુજન સમાજને જાતિ અને ધાર્મિક પરંપરાઓથી મુક્ત કરાવવા માટે આ સમાજની સ્થાપના કરવામાં આવી હતી, જેના મૂળ સ્તંભ તર્કવાદ, વિવેક અને સત્ય હતા.
તેમણે કહ્યું કે ભગવાન અને ભક્તની વચ્ચે કોઈ વચેટિયો નથી, આમ કહીને તેમણે પુરોહિતોના મહત્ત્વને નકારી દીધું.
જૂનાં પરંપરાગત રીતરિવાજોને રદ કર્યા પછી સત્યશોધક સમાજે લગ્ન, વાસ્તુ શાંતિ, અંતિમસંસ્કાર માટે વૈકલ્પિક અનુષ્ઠાનોનું સૂચન કર્યું.
સત્યશોધક સમાજના કાર્યકર્તા આ અનુષ્ઠાનો કરતા હતા અને તેઓ કશી દક્ષિણા નહોતા લેતા.
મહાત્મા ફુલે અને વર્તમાન ખેડૂત

ઇમેજ સ્રોત, AFP
મહાત્મા ફુલેએ 1883માં 'કિસાનોં કા કોડા' નામનું પુસ્તક લખ્યું હતું. તેમણે જણાવ્યું કે, અમલદારો, શાહુકારો, બજારવ્યવસ્થા, જાતિવ્યવસ્થા, કુદરતી આફતોથી ખેડૂતોની દુર્દશા વધી ગઈ છે.
મહાત્મા ફુલેએ ખેડૂતોની જે સમસ્યાઓ ઉઠાવી છે, તે આજે પણ અમુક હદ સુધી અસ્તિત્વ ધરાવે છે. શિવાજી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર ડૉ. અશોક ચૌસાલકરે કહ્યું કે, જો મહાત્મા ફુલે દ્વારા સૂચવાયેલા ઉપાયો લાગુ કરવામાં આવે, તો ખેડૂતોની સ્થિતિ બદલાઈ શકે છે. તેમણે 'મહાત્મા ફુલે ઔર કિસાન આંદોલન' નામનું પુસ્તક લખ્યું છે.
ચૌસાલકરનું કહેવું છે કે, તે સમયે પણ લાભકારક ખેતીની જરૂર હતી અને આજે પણ છે. કૃષિને લાભદાયક બનાવવા માટે તેની સાથે સાથે ખેડૂતોએ બીજાં કામો કરવાની જરૂર છે. સાથે જ પાણીનું આયોજન પણ આવશ્યક છે.
મહાત્મા ફુલે કહેતા હતા કે દરેક ખેડૂતને પાણીનો વાજબી હિસ્સો આપવો જોઈએ.
શાહુકારી, સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર અને ખેડૂતોનું ઉત્પીડન ત્યારે પણ થયું અને આજે પણ થાય છે. મહાત્મા ફુલેએ કહ્યું હતું કે, ખેડૂતોનાં બાળકોએ સુથાર અને લુહાર બનવું જોઈએ.
તેમણે એમ પણ કહેલું કે, ખેડૂતોનાં બાળકો વિદેશ પણ જાય અને ત્યાં જઈને કામ શીખે. આ વિશે ચૌસલકરનું કહેવું છે કે સમયાનુસાર ખેતીમાં પરિવર્તન આવવું જોઈએ.
ફુલે પણ કહેતા હતા કે, ખેડૂતોનાં બાળકોએ પોતાના કૌશલ્યનો વિકાસ કરવો જોઈએ અને પોતાના અધિકારોનો ઉપયોગ કરવો જોઈએ.
ખેડૂતો માટે દર્શનશાસ્ત્ર
મહાત્મા ફુલે આજે પણ કઈ રીતે પ્રાસંગિક છે, તે અંગે કિસાન પુત્ર આંદોલનના ડૉ. અમર હબીબ કહે છે, "મહાત્મા ફુલેનું સૌથી મોટું યોગદાન એ હતું કે તેઓ ખેડૂતોને તત્ત્વજ્ઞાન આપનાર પહેલા માણસ હતા. મહાત્મા ફુલેના ખ્યાલથી રચનાત્મકતા સૌથી મહત્ત્વનું તત્ત્વ હતું. તેથી ખેડૂત અને મહિલાઓ તેમના વિચારના કેન્દ્રમાં હતાં."
વરિષ્ઠ પત્રકાર અને લેખક આસારામ લોમટેનું કહેવું છે કે મહાત્મા ફુલેએ પોતાના પુસ્તક 'કિસાનોં કા કોડા'માં ખેડૂતોની દુર્દશાનું વર્ણન કર્યું છે. લોમટેનું કહેવું છે કે મહાત્મા ફુલે માત્ર સવાલ નહોતા પૂછતા, બલકે તેનું સમાધાન પણ સૂચવતા હતા.
આ પુસ્તકના છેલ્લા પ્રકરણમાં મહાત્મા ફુલે સમાધાન પણ સૂચવે છે.
જ્યોતિરાવે કૃષિ સુધારાની એક મૂળભૂત રૂપરેખા પણ લોકો સમક્ષ રજૂ કરી હતી, જેમાં વ્યવસાયોની તાલીમ, બંધોનું નિર્માણ, ટેકરીઓ અને પર્વતોમાં સરોવર અને તળાવનું નિર્માણ, બધાં નદીનાળામાં કાંપનો મફત સંગ્રહ જેવાં ઘણાં સૂચનો કર્યાં હતાં.
જ્યોતિરાવ કૃષિ ઉત્પાદનોનાં વેચાણમાં દલાલી વિશે ખૂબ જ મુખર રહ્યા. જો કોઈ ખેડૂત ગાડું ભરીને શાકભાજી વેચવા લાવે, તો તેની પાસે દલાલો અને વિવિધ પ્રકારના વેરાની પરેશાની સહન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.
લોમટે કહે છે કે તેમણે કહેલી વાતો આજે પણ પ્રાસંગિક છે.
28 નવેમ્બર 1890એ મહાત્મા ફુલેનું મૃત્યુ થયું. તેમના મૃત્યુ પછી પણ સાવિત્રીબાઈ ફુલેએ પોતાનું કામ ચાલુ રાખ્યું. સત્યશોધક સમાજની ઘણી શાખાઓ ગામોગામ કાર્ય કરતી હતી.
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમને ગુરુ માનતા હતા, પરંતુ મહાત્મા ગાંધીએ 1932માં મહાત્મા ફુલેને 'સાચા મહાત્મા' કહ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












