બાબાસાહેબ આંબેડકરની તસવીરો હવે બૉલીવૂડની ફિલ્મોમાં નિયમિત કેમ જોવા મળે છે, એ શું સૂચવે છે?

બાબાસાહેબ આંબેડકર, દલિતો, ભારતમાં દલિતો, ફિલ્મો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/@2D_ENTPVTLTD

    • લેેખક, ડૉ. હરીશ એસ. વાનખેડે
    • પદ, બીબીસી માટે

ભારતીય સિનેમાના ઇતિહાસમાં 2024ના વર્ષને ઘણી બ્લૉકબસ્ટર ફિલ્મો માટે યાદ રાખવામાં આવશે. સ્ત્રી-2, ભૂલ ભૂલૈયા-3 અને સિંઘમ અગેઈન જેવી ફિલ્મોએ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂ. 500 કરોડનો આંક વટાવી દીધો છે. વ્યાવસાયિક સફળતાના નવા માપદંડો સ્થાપિત કર્યા છે. હિન્દી ફિલ્મોદ્યોગ હવે સંખ્યાની દૃષ્ટિએ વિકસી રહ્યો છે. અદભૂત ઍક્શન ડ્રામા, ગીતો અને સંગીત તથા ઊંડી ભાવનાત્મક અપીલ ધરાવતી ફિલ્મો વડે તે વૈશ્વિક પ્રેક્ષકોને પ્રભાવિત કરે છે.

જોકે, બીજી બાજુ આવી સફળ ઍન્ટર્પ્રાઈઝ તેની કળાત્મક સર્જનાત્મકતા, બૌદ્ધિક ગતિશીલતા અથવા ગંભીર સામાજિક સમસ્યાઓને સંબોધતા સિનેમા માટે વધુ જાણીતી નથી.

યુરોપિયન અથવા હોલીવૂડ સિનેમાથી અલગ (ખાસ કરીને ઑસ્કર સંબંધી ફિલ્મો) જે હિંમતપૂર્વક દલિત અને નબળા સમુદાયોની વાર્તાઓ પ્રદર્શિત કરે છે. તે સિનેમાનો ઉપયોગ માત્ર મનોરંજન માટે જ નહીં, પરંતુ ઘણીવાર સામાન્ય પ્રેક્ષકોને શિક્ષિત અથવા પ્રબુદ્ધ કરવા માટે પણ કરે છે.

ભારતીય સિનેમાએ આ બાબતને હજુ સુધી અપનાવી નથી. તેને બદલે જ્ઞાતિ આધારિત ભેદભાવના મુદ્દા કે સૌથી ખરાબ સ્થિતિમાં હોય તેવા સામાજિક સમૂહો, ખાસ કરીને દલિતો તથા આદિવાસીઓ સંબંધી કથાનકની ફિલ્મો બહુ ઓછા લોકોએ બનાવી છે.

દાખલા તરીકે, બાબાસાહેબ આંબેડકરને રાષ્ટ્રના સંસ્થાપકો પૈકીના એક તરીકે વંદનીય ગણવામાં આવે છે, પરંતુ ભારતીય સિનેમાએ તેમના યોગદાનની ખુલ્લેઆમ અવગણના કરી છે અને અમુક પ્રસંગે જ દલિત સમુદાયો સંબંધી રાજકીય તથા સામાજિક કથાઓ કહી છે.

એટલે સુધી કે હોલીવૂડ દિગ્દર્શક રિચર્ડ એટનબરો તેમની મહાન ફિલ્મ 'ગાંધી' બનાવી ત્યારે પણ તેમણે સ્ટોરીમાં આંબેડકરનો પ્રસંગ નહીં જોડવાનો નિર્ણય કર્યો હતો.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાઈને સમાચારો અને રસપ્રદ કહાણીઓ વાંચવા અહીં ક્લિક કરો
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાઈને સમાચારો અને રસપ્રદ કહાણીઓ વાંચવા અહીં ક્લિક કરો
બાબાસાહેબ આંબેડકર, દલિતો, ભારતમાં દલિતો, ફિલ્મો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ઉપનિવેશવાદ-વિરોધી સંઘર્ષ, રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રવાદ પર આધારિત ઐતિહાસિક ફિલ્મોમાં ગાંધી, નેહરુ, ભગત સિંહ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓને લાંબા સમયથી સમૃદ્ધ શ્રદ્ધાંજલિ આપવામાં આવતી રહી છે, પરંતુ તેમાં આંબેડકરના જ્ઞાતિ-વિરોધી સંઘર્ષ, સામાજિક સુધારાની ચળવળ અને દલિતોની અત્યંત કંગાળ આર્થિક-સામાજિક પરિસ્થિતિની કાયમ ઉપેક્ષા કરવામાં આવી છે.

1990ના દાયકાની શરૂઆત સુધી આંબેડકરનું નામ કે તસવીર ફિલ્મના પડદે ભાગ્યે જ જોવા મળતાં. આર્ટ-હાઉસ અથવા સમાંતર સિનેમા તરીકે જાણીતી ફિલ્મો પણ દલિતો પરના અત્યાચાર (નિશાંત – 1975), જ્ઞાતિગત શોષણ (પાર – 1981) અને હિંસા (દામુલ – 1985) જેવા મુદ્દાઓ સાથે જોડાઈ હતી, પરંતુ તેમણે રાષ્ટ્રીય જીવનમાં આંબેડકરની હાજરી અને તેમની ચળવળની સદંતર ઉપેક્ષા કરી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આશ્ચર્યની વાત છે કે બરાબર એક દાયકા પહેલાં, 1980ના દાયકાની મધ્યમાં મુંબઈમાં શક્તિશાળી દલિત પેન્થર્સ આંદોલનનું આગમન થયું હતું, જેણે દલિત ચેતનામાં નવી ઊર્જાનો સંચાર કર્યો હતો. વિધિની વક્રતા એ છે કે મુંબઈના સિનેમાએ રાજકારણની મુખ્ય ધારામાં દલિત યુવાઓના આટલા પ્રતિભાશાળી આગમન પર ધ્યાન આપ્યું નહોતું.

એવી જ રીતે 1990ના દાયકાની મધ્યમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીએ મજબૂત રાજકીય દાવેદારી પ્રસ્તુત કરી ત્યારે પણ ફિલ્મોના રાજકીય કથાનકો સામાજિક અભિજાત વર્ગની ચિંતાઓ અને હિત સાથે જ જોડાયેલા રહ્યા હતા.

1990ના દાયકા પછીના એક તબક્કામાં, ખાસ કરીને વી પી સિંહની તત્કાલીન સંયુક્ત મોરચા સરકારને કારણે સામાજિક ન્યાયનું રાજકારણ રાષ્ટ્રીય પ્રાસંગિકતા હતું ત્યારે નાનું પરિવર્તન જોવા મળ્યું હતું.

1994માં સામાજિક ન્યાય મંત્રાલયના સહયોગથી એક બાયોગ્રાફિક ફિલ્મ ડૉ. આંબેડકર (દિગ્દર્શક જબ્બાર પટેલ)નું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ એ બહુ ઓછાં સિનેમાઘરોમાં પ્રદર્શિત થઈ હતી. એ સિવાય પૂરક તરીકે મરાઠીમાં ભીમગર્જના (1990) અને તેલુગુમાં ડૉ. આંબેડકર (1992) જેવી કેટલીક પ્રાદેશિક ફિલ્મો રજૂ થઈ હતી. તેનાથી મુખ્ય ધારાની સિનેમેટિક સંસ્કૃતિમાં આંબેડકરની પ્રતીમાનો નોંધપાત્ર પ્રવેશ થયો હતો.

એ પછી શેખર કપૂરની બૅન્ડિટ ક્વીન (1994)માં ડાકુ ફૂલન દેવીની પરાક્રમી લડાઈઓ દર્શાવવામાં આવી હતી, જે એક દલિત-બહુજન પ્રતીકના જીવન સાથે સર્જનાત્મક અને કળાત્મક જોડાણ પ્રદાન કરે છે. જોકે, 1990ના દાયકામાં આ ફિલ્મો રાષ્ટ્રીય સિનેમેટિક સંસ્કૃતિમાં વિક્ષેપ તરીકે દેખાઈ હતી, કારણ કે દલિત જ્ઞાતિના પ્રશ્નોને મુખ્ય ધારાની અન્ય ફિલ્મોની કથાઓમાં ભાગ્યે જ સ્થાન મળ્યું હતું.

બોલીવૂડની ફિલ્મોમાં હવે આંબેડકરને કેવી રીતે દર્શાવાય છે?

બાબાસાહેબ આંબેડકર, દલિતો, ભારતમાં દલિતો, ફિલ્મો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લા એક જ દાયકામાં, ખાસ કરીને દલિત-બહુજન પૃષ્ઠભૂમિના ફિલ્મ નિર્માતાઓ, ટેક્નિશિયનો અને કળાકારોના આગમનથી ડૉ. આંબેડકરની ઑન-સ્ક્રીન ઈમેજમાં એક નવો અર્થ અને નક્કરતા ઉમેરાઈ છે. દાખલા તરીકે, નાગરાજ મંજુલેએ 'ફેન્ડ્રી' (2013) ફિલ્મમાં જ્ઞાતિ સંબંધોની અપરિવર્તિત પ્રકૃતિને દર્શાવવા માટે આંબેડકર, ફૂલે અને શાહુ મહારાજનાં ચિત્રોનો ઉપયોગ વ્યંગાત્મક કળાકૃતિઓ તરીકે કર્યો હતો.

અમિતાભ બચ્ચનને ચમકાવતી નાગરાજ મંજુલેની ફિલ્મ 'ઝુંડ' (2021)માં આંબેડકર જયંતિની એ સામૂહિક ઉજવણી દર્શાવી હતી, જેમાં લોકો ઝનૂનપૂર્વક અને આનંદથી નાચતા હોય છે. આ પ્રકારની રજૂઆત આંબેડકરની છબીને માત્ર જ્ઞાતિ વ્યવસ્થા વિરોધી પ્રતીક તરીકે નહીં, પરંતુ નવી પેઢી માટે પ્રેરણા અને ઉજવણીના રૂપક તરીકે પણ ઉન્નત કરે છે.

ફિલ્મ સ્ક્રીન પર આંબેડકર હવે વધુ દેખાય છે. પોલીસ સ્ટેશન, કોર્ટ કે સરકારી ઑફિસોમાં સમયાંતરે તેમનો ફોટો લટકતો જોવા મળે છે. તેમના પોટ્રેટનો ઉપયોગ સરકારી સંસ્થાઓની નિષ્ક્રિયતાને રજૂ કરતી વસ્તુ માત્ર તરીકે થતો હોવા છતાં તે હવે નવા પ્રદેશોમાં વિસ્તરી રહ્યો છે.

નિયમિત સાંકેતિક ઉપયોગ ઉપરાંત આંબેડકર એક પ્રેરક શક્તિ તરીકે ઉભરી આવ્યા છે, જે પાત્રોને પ્રભાવિત કરે છે અને કથાનકોનું મંથન કરે છે. એક શૈલીનું નિર્માણ કરે છે, જેને ‘દલિત સિનેમા’ તરીકે ઓળખવામાં આવે છે.

અમિત મસૂરકરની ફિલ્મ 'ન્યૂટન' (2017)માં આપણે આંબેડકરનો ફોટોગ્રાફ માત્ર એક મિનિ સેકન્ડ માટે સ્ક્રીન પર જોઈએ છીએ, પરંતુ બંધારણીય ફરજ અને કાયદાના શાસન પ્રત્યેની મુખ્ય પાત્રની પ્રતિબદ્ધતાને સમજવા માટે તે એક નોંધપાત્ર પ્રતીક છે.

તમિલ ફિલ્મ દિગ્દર્શક પા રંજીત કથાને નોંધપાત્ર સામાજિક મૂલ્ય પ્રદાન કરવા માટે કથાઓની પૃષ્ઠભૂમિમાં આંબેડકરનું નામ, ફોટોગ્રાફ્સ, પ્રતિમા, સૂત્રો અને બીજાં દલિત પ્રતીકોનો વારંવાર ઉપયોગ કરે છે. દાખલા તરીકે, 2016ની કબાલી ફિલ્મમાં નાયક રજનીકાંત આંબેડકરની ડ્રેસિંગ સેન્સની પ્રશંસા કરે છે અને અન્ય લોકોને સૂચવે છે કે સારાં કપડાં પહેરવાં એ સારા માણસ હોવાનું પ્રતીક છે.

તેમની ફિલ્મોમાં આંબેડકરના ફોટોગ્રાફનો ઉપયોગ પૃષ્ઠભૂમિને સુશોભિત કરવા માટે કરવામાં આવતો નથી, પરંતુ ઘણી વખત હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની કાયમી અન્યાય માટે જુલમી શાસકો સામે લડવાની તૈયારીને, પ્રતીકનાં સામાજિક અને રાજકીય મહત્ત્વને પ્રકાશિત કરે છે.

શૈલેષ નરવાડેની ફિલ્મ 'જયંતિ' (2021)માં આવો ઉપયોગ ફરી જોવા મળે છે, જેમાં તેઓ આંબેડકરને એક એવા બૌદ્ધિક ગુરુ તરીકે રજૂ કરે છે કે જેમના લખાણો અને ભાષણો નાયકને અન્યાય સામે લડવા માટે પ્રોત્સાહિત કરવામાં નિર્ણાયક બળ બને છે અને તેને એક હિંમતવાન વ્યક્તિ બનાવે છે.

આંબેડકરનો આવો ઉપયોગ ભારતીય સિનેમા માટે નવો છે, કારણ કે કથાઓમાં તેમની છબીનો ઉપયોગ નિષ્ક્રિય રીતે નહીં, પરંતુ પોતાની વાર્તાને રજૂ કરવા માટે તેમનાં વૈચારિક મૂલ્યો અને દલિત રાજકીય ચેતનાને હાઇલાઇટ કરે છે.

બાબાસાહેબ આંબેડકર, દલિતો, ભારતમાં દલિતો, ફિલ્મો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BMC

તમિલ ઍક્ટર સૂર્યાની તાજેતરની ફિલ્મ 'જય ભીમ' (2021)માં એક એવી વિચરતી જાતિની કથા છે જેના પર પોલીસ વારંવાર અત્યાચાર કરે છે અને કોર્ટમાં લાંબી લડાઈ પછી જ તેમને ન્યાય મળે છે. ગરીબી, પોલીસની નિર્દયતા અને રોજિંદા જીવનમાં સમાજનાં સૌથી નબળાં જૂથોએ જે ભેદભાવનો સામનો કરવો પડે છે એ બધી સમસ્યાઓની તપાસ કરવા માટે આ ફિલ્મો આંબેડકરવાદી પરિપ્રેક્ષ્યનો ઉપયોગ કરે છે અને સૂચવે છે કે બંધારણીય માધ્યમો નબળાં જૂથોને ન્યાય આપી શકે છે.

એવી જ રીતે મારી સેલ્વરાજની તાજેતરની ફિલ્મ 'મામનન' (2023)માં દલિત હીરો નબળો કે શક્તિહીન નથી, પરંતુ સામાજિક તથા રાજકીય પરિવર્તનના પ્રતિષ્ઠિત એજન્ટ તરીકે કામ કરે છે, જે એક આમૂલ વિચાર છે અને તે આંબેડકરવાદી રાજકીય ચળવળોમાંથી ઉધાર લેવામાં આવ્યો છે.

બાબાસાહેબ આંબેડકર, દલિતો, ભારતમાં દલિતો, ફિલ્મો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તમિલ ડિરેક્ટર પા રંજીત

જ્ઞાતિ અને દલિત મુદ્દાઓ પરની બે મહત્ત્વપૂર્ણ ફિલ્મોની રજૂઆત પણ 2023માં જ થઈ હતી. 'ગુઠલી' (2023) અને 'કસ્તૂરી' (2023) ફિલ્મોમાં સમાજમાં જીવતાં બે દલિત બાળકોની રસપ્રદ કથા છે, જેઓ ‘નીચ’ કૂળમાં જન્મ્યા હોવાને કારણે તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે. 'ગુઠલી' એક વાલ્મિકિ છોકરાની વાર્તા છે, જે શિક્ષણ માટે શાળામાં પ્રવેશ મેળવવા ઇચ્છે છે ત્યારે તેણે ઉત્પીડન અને ભેદભાવનો સામનો કરવો પડે છે.

આંબેડકરે કલ્પના કરી હતી કે આધુનિક શિક્ષણમાં દલિતોને ગરીબી અને સામાજિક બંધનોની અંધારી કોટડીમાંથી ઉન્નત કરવાની ક્ષમતા છે તેમજ શિક્ષણને લીધે તેઓ આધુનિકવાદ અને રાજકીય પરિવર્તનનો લાભ ઉઠાવી શકશે. દલિતોમાં શિક્ષણ માટેની આકાંક્ષા અને તેને સામાજિક તથા આર્થિક ગતિશીલતાનું એક નિર્ણાયક સાધન ગણવું તે આંબેડકર સ્થાપિત ઉપદેશોના પ્રચારિત વિચારો છે.

બીજી બાજુ 'કસ્તૂરી' ફિલ્મ, દલિતોનાં જીવનને દયનીય બનાવતાં સામાજિક આઘાત અને મનોવૈજ્ઞાનિક અવરોધો વિશેની નિષ્ઠાપૂર્ણ અને સર્જનાત્મક રજૂઆત છે. ફિલ્મમાં જોવા મળે છે કે એક દલિત છોકરો, તે અને તેનો પરિવાર સ્વચ્છતાનું જે કામ કરે છે તેના માટે ઊંડી શરમ અનુભવે છે. એ કસ્તૂરીની, દૈવી સુગંધની શોધમાં છે, તેને આશા છે કે એ કસ્તૂરીનો સ્પર્શ તેના શરીરમાં ફેલાયેલી તેને પોતાને ઊબકા આવે તેવી દુર્ગંધમાંથી મુક્ત કરશે.

આ ફિલ્મ દલિતોની વેદનાની હ્યદયસ્પર્શી કહાણી છે, જે માત્ર શારીરિક જ નહીં, પરંતુ માનસિક પણ છે. બંને વાર્તાઓ જ્ઞાતિ વ્યવસ્થાની ભેદભાવપૂર્ણ પ્રકૃતિની આસપાસ ફરે છે, જેનું નિદાન આંબેડકરે હિન્દુ સમાજની સામાજિક બીમારીઓને સમજવા માટે કર્યું હતું. આવી વાર્તાઓ પ્રેક્ષકોને શિક્ષિત કરે અને હાંસિયામાં ધકેલાઈ ગયેલાં સામાજિક જૂથોને અન્યાય તથા જ્ઞાતિ આધારિત અસમાનતા સામે લડવાની પ્રેરણા આપે છે, આંબેડકરના વિચારોને સુસંગત બનાવે છે.

નાના પડદે આંબેડકર અને તેમના વિચારોની હાજરી કેવી છે?

બાબાસાહેબ આંબેડકર, દલિતો, ભારતમાં દલિતો, ફિલ્મો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઓટીટી પ્લૅટફૉર્મના વિસ્તરણે એ ચોક્કસ થીમ્સ અને વિચારોનું લોકશાહીકરણ કર્યું છે, જે આપણે પરંપરાગત રીતે નાના પડદે જ જોયા હતા. ઓટીટી પ્લૅટફૉર્મને કોઈ સેન્સર કરતું ન હોવાથી નિર્માતાઓ ઘણીવાર પારાવાર સ્વતંત્રતા લે છે. જોકે, તેની સકારાત્મક બાજુ એ છે કે તે દલિતો સહિતના સામાન્યજનની નજીક હોય તેવી વાર્તાઓ અને વર્ણનો રજૂ કરવાની તક પણ આપે છે.

ઓટીટી પ્લૅટફૉર્મ પર આંબેડકરની હાજરી અને દલિત જીવનની આસપાસ ફરતી વાર્તાઓનો અચાનક ઉદય જોવા મળે છે. આ આગમનને એ તર્ક વડે સમજી શકાય કે શક્તિશાળી દલિત-બહુજન ઑડિયન્સ હવે ઉપલબ્ધ છે અને તેમને તેમના સામાજિક ભૂતકાળનાં ઇતિહાસ અને સાંસ્કૃતિક મૂલ્યો, પ્રતીકો અને દંતકથાઓનું અન્વેષણ કરતી વાર્તાઓ જોવાની આશા છે.

આંબેડકરના જીવનની ઘટનાઓનું નિરુપણ કરતી લાંબી સીરિયલ્સ અથવા વેબ સીરિઝ ત્રણ ઓટીટી પ્લૅટફૉર્મ્સ પર જોવા મળી રહી છે. તેમાં પહેલી 'એક મૂકનાયક ડૉ. આંબેડકર' (2020) ઝીફાઈવ પર છે, જે (27 સીઝન અને 250થી વધુ ઍપિસોડ્સ સાથેની) લાંબી ટેલિ-સિરીઝ પૈકીની એક છે. (દંતકથાઓ અને અન્ય ધાર્મિક કથાઓના લોકપ્રિય સંસ્કરણોની માફક) આ સિરીયલ પણ કળાત્મક છૂટછાટ સાથે જીવનચરિત્રાત્મક ઇતિહાસ રજૂ કરે છે.

આ શ્રેણીએ તેની રચનાત્મક કુશળતા, પ્રોડક્શન ક્વોલિટી અને સારી કળાત્મક રજૂઆતને કારણે સમીક્ષકોને પ્રભાવિત કર્યા છે. એ જ રીતે ડિઝની ડિઝનીપ્લસ હૉટસ્ટાર પર એક પ્રભાવશાળી વેબ સિરીઝ ઉપલબ્ધ છે. જેમાં આંબેડકરના બાળપણ સંબંધિત ઘટનાઓને, તેમની ઉત્કૃષ્ટ પ્રતિભા વિશેની દંતકથા બનાવવા માટે મૅલોડ્રામેટિક તત્ત્વો સાથે ચિત્રિત કરવામાં આવી છે.

સોની લિવ પર એક કલાક લાંબી મ્યુઝિકલ ઇવેન્ટ ‘રિમેમ્બરિંગ આંબેડકર’ રજૂ કરવામાં આવી રહી છે. તેમાં નાટકીય રજૂઆત દ્વારા આંબેડકરના વ્યક્તિગત, સામાજિક અને રાજકીય જીવનનાં શૌર્યપૂર્ણ પાસાંને દર્શાવવામાં આવ્યાં છે.

બાબાસાહેબ આંબેડકર, દલિતો, ભારતમાં દલિતો, ફિલ્મો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FACEBOOK/NAGRAJ.MANJULE

ઇમેજ કૅપ્શન, નાગરાજ મંજુલે

આંબેડકરનાં ફિલોસોફિકલ મૂલ્યોને સમર્થન આપતી વેબ સિરીઝ 'મેડ ઈન હેવન'માં નીરજ ઘ્યાવાનની કથા ‘અ હાર્ટ સ્કિપ્ડ અ બીટ’ સૌથી પ્રભાવશાળી છે. અહીં પલ્લવી માંકે (રાધિકા આપ્ટે) એક પ્રતિભાશાળી દલિત પ્રોફેસર છે, જે આઈવી લીગ યુનિવર્સિટીમાં કામ કરે છે અને તેને ખુદની અગાઉની “અસ્પૃશ્ય ઓળખ” આપવાનો જરાય ખચકાટ નથી.

તે એક સંવેદનશીલ અને પ્રગતિશીલ ભારતીય-અમેરિકન વકીલ સાથે લગ્ન કરી રહી હોવા છતાં લગ્નમાં બૌદ્ધ વિધિ ઉમેરવાનો પ્રસ્તાવ મૂકે છે, ત્યારે તેણે સામાજિક બોજા અને ચિંતાનો સામનો કરવો પડે છે. આ સમારોહને કેન્દ્રમાં આંબેડકરના ફોટોગ્રાફ સાથે સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવી છે, જે એવા સામાજિક સિદ્ધાંતોનું પ્રતિનિધિત્વ કરે છે, જેને આંબેડકર ભારતના સામાજિક જીવનમાં સ્થાપિત કરવા ઇચ્છતાં હતાં.

એવી જ રીતે સિરિયસ મૅન (નેટફ્લિક્સ), મહારાની (સોની લિવ), પાતાલલોક (ઍમેઝોન પ્રાઇમ), દહાડ (એમેઝોન પ્રાઇમ), આશ્રમ (ઍમઍક્સ પ્લેયર), કઠલ (નૅટફ્લિક્સ) જેવી વેબ સીરિઝ અને પરીક્ષા (ઝીફાઇવ) જેવી ફિલ્મો રજૂ થઈ છે. તેમાં એવા દલિત પાત્રોની નવી છબી રજૂ કરવામાં આવી છે કે જેઓ પોતાની સામાજિક ઓળખ વિશે સભાન છે અને સામાજિક ન્યાય તથા સમાન સન્માનની માંગણી સાથે તેની જાહેર રજૂઆત કરે છે.

સોશિયલ ડૉક્યુમેન્ટરીઝનો નવો વિષય

બાબાસાહેબ આંબેડકર, દલિતો, ભારતમાં દલિતો, ફિલ્મો, બીબીસી ગુજરાતી

દલિત જીવન વિશેની કાલ્પનિક કથાઓમાં વાસ્તવિક સામાજિક જીવનની પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી કથાઓનો હિસ્સો પણ છે. દાખલા તરીકે, નેટફ્લિક્સે ચાર ભાગની ડૉક્યુમેન્ટરી 'ડોટર્સ ઑફ ડેસ્ટિની' (2017) રજૂ કરી છે. તેમાં શાળાએ જતા અને ભેદભાવપૂર્ણ તથા અપમાનજનક સામાજિક વાતાવરણમાં ભણવા માટે સંઘર્ષ કરતાં દલિત બાળકોની પ્રભાવશાળી વાર્તા છે. ભારતનાં સામાજિક દૂષણો, ગરીબી અને અન્ય શોષિત વર્ગ વિશેની ઘણી બધી ડૉક્યુમેન્ટરીઝ છે, પરંતુ હાંસિયામાં ધકેલાઈ ગયેલાં જૂથો પર થતી હિંસા અને તેમની સાથે થતા ભેદભાવની વાત કરતી બહુ ઓછી દસ્તાવેજી ફિલ્મો છે.

સ્ટાલિન કેની 'ઇન્ડિયા અનટચ્ડ' (2007) સારી રીતે બનાવવામાં આવેલી સૌપ્રથમ લાંબી દસ્તાવેજી ફિલ્મ છે. તેમાં દલિતોની અનિશ્ચિતતાઓ, સામાજિક બહિષ્કાર અને શોષણની પરિસ્થિતિનું વર્ણનાત્મક પ્રદર્શન કરવામાં આવ્યું છે. એ ઉપરાંત આનંદ પટવર્ધનની ત્રણ કલાક 20 મિનિટ લાંબી ડૉક્યુમેન્ટરી 'જય ભીમ કોમરેડ' (2011)માં મહારાષ્ટ્રમાં દલિત પેન્થર્સ ચળવળના સૂક્ષ્મ સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસનું નિરુપણ કરતી બે દાયકાની લાંબી સફર, યુવા આંબેડકરવાદીઓના ઉદય અને પતનનું અન્વેષણ જોવા મળે છે.

ફિલ્મ અને દસ્તાવેજી ફિલ્મોના નિર્માતાઓની નવી પેઢીએ, ખાસ કરીને દલિત-બહુજન સામાજિક પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા લોકોએ પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને મુખ્ય પ્રવાહના કળાત્મક ક્ષેત્રમાં આંબેડકરના વ્યક્તિત્વ તથા તેમના વિચારોને ઉન્નત કર્યા છે.

દાખલા તરીકે, જ્યોતિ નિશાની એક ફીચર ફિલ્મ જેટલી લાંબી ડૉક્યુમેન્ટરી 'બી. આર. આંબેડકરઃ નાઉ ઍન્ડ ધેન' (2023) ભારતમાં દલિત જીવનની વર્તમાન દુર્દશાનો તાગ મેળવે છે. નિશા પોતાને બહુજન-નારીવાદી ફિલ્મ નિર્માતા ગણાવે છે. તેઓ સામાજિક ન્યાય, ગૌરવ અને પિતૃસત્તાક વર્ચસ્વ સામેની લડાઈ માટે ચાલી રહેલા આંબેડકરવાદી સંઘર્ષોને સમજવા માટે એક નવો દૃષ્ટિકોણ પ્રદાન કરે છે.

આ સંદર્ભમાં સોમનાથ વાઘમારેની 'ચૈત્યભૂમિ' (2023) એક ઉત્તમ ઉમેરો છે. લાખો અનુયાયીઓ માટે પ્રેરણાદાયક બનેલું મુંબઈમાં આવેલું આંબેડકરના અંતિમ સંસ્કારનું સ્થળ હવે એક ઐતિહાસિક સ્મારક તરીકે કેવી રીતે ઉભર્યું તેની વાત આ ફિલ્મમાં કહેવામાં આવી છે.

ઉભરતી દલિત-બહુજન મીડિયા સંસ્કૃતિ

બાબાસાહેબ આંબેડકર, દલિતો, ભારતમાં દલિતો, ફિલ્મો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડિરેક્ટર જબ્બાર પટેલ

લાંબા સમય સુધી બાકાત રહ્યા પછી લોકપ્રિય ફિલ્મો, ટીવી ચેનલો અને ઓટીટી પ્લૅટફૉર્મ્સ પર આંબેડકરની વધતી હાજરી એ વાતની સ્વીકૃતિ છે કે દલિત-બહુજન સાંસ્કૃતિક મૂલ્યો ધીમે ધીમે મુખ્ય પ્રવાહના માધ્યમોમાં એકીકૃત થઈ રહ્યાં છે. જોન અબ્રાહમની આ વર્ષની મોટા બજેટની ફિલ્મ 'વેદા'એ આ પરિવર્તનને આગળ વધાર્યું છે.

આ ફિલ્મ અસ્પૃશ્યતા, સામંતશાહી અને આવી ક્રૂર પરિસ્થિતિ સામે લડવાની દલિત નાયકની ઇચ્છાના વિષયને રજૂ કરે છે. આ ફિલ્મ “ઉચ્ચ જ્ઞાતિની નજરે” દલિત પાત્રને વ્યાખ્યાયિત કરતી હોવા છતાં દલિત પાત્રો કેન્દ્રમાં હોય તેવા આવા વધુ મેઇન સ્ટ્રીમ સિનેમા પ્રોજેક્ટ્સથી ફિલ્મોની સામગ્રીની ગુણવત્તામાં ચોક્કસપણે વૈવિધ્ય લાવશે અને તેને સામાજિક મુદ્દાઓ માટે વધુ જવાબદાર બનાવશે.

ફિલ્મોમાં દલિત જોનર એક નાની અને નવી શરૂઆત છે, પરંતુ તેમાં ફિલ્મ ઉદ્યોગના લોકશાહીકરણ માટે સંવાદ શરૂ કરવાની અને સામાજિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલાં જૂથો પ્રત્યે વધારે સંવેદનશીલ હોય તેવી કથાઓ રજૂ કરવાની ક્ષમતા જરૂર છે. આંબેડકરના વ્યક્તિત્વમાં માનવ અધિકાર અને સામાજિક ન્યાય માટે વૈશ્વિક ચળવળોને પ્રેરણા આપવાની ક્ષમતા છે.

બાબાસાહેબ આંબેડકર, દલિતો, ભારતમાં દલિતો, ફિલ્મો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FACEBOOK/GAURAVJPATHANIA

ઇમેજ કૅપ્શન, અભિનેતા ગૌરવ પઠાણિયા

આ સ્વીકૃતિ હોલીવુડ દિગ્દર્શક અવા ડુવર્નેની, ઈસાબેલ વિલ્કર્સનના પુસ્તક કાસ્ટ પર આધારિત નવી ફિલ્મ 'ઓરિજિન' (2023)માં દૃશ્યમાન છે. આ ફિલ્મમાં આંબેડકરનું પાત્ર ગૌરવ પઠાનિયાએ ભજવ્યું છે. આ ફિલ્મ યહૂદીઓ સામેના વંશીય ભેદભાવ અને તિરસ્કારને સમજવા માટે મહત્ત્વપૂર્ણ વ્યક્તિ તરીકે આંબેડકરને નિહાળે છે. તે આંબેડકરને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો સમક્ષ લાવે છે. પશ્ચિમને દલિત-બહુજન ચળવળ અને સામાજિક વંશવેલા તથા જ્ઞાતિ આધારિત હિન્દુ વર્ણ વ્યવસ્થા સામેની લડાઈમાં આંબેડકરના યોગદાનનો પરિચય કરાવે છે.

કલ્ચરલ ઇન્ડસ્ટ્રી પર અને ખાસ કરીને સિનેમા પર આજ સુધી પરંપરાગત ચોક્કસ સામાજિક વર્ગનું વર્ચસ્વ રહ્યું છે અને એવા લોકોનાં સામાજિક તથા રાજકીય હિતોને સિનેમાએ જરાય પ્રતિકાર કર્યા વિના વેગ આપ્યો છે. હાંસિયામાં ધકેલાઈ ગયેલાં સામાજિક જૂથો આવી મનોરંજન સંસ્કૃતિના નિષ્ક્રિય પ્રાપ્તિકર્તાઓ છે. આ મનોરંજન સંસ્કૃતિએ તેમની રૂચિઓ અને સામાજિક મૂલ્યો વિશે ભાગ્યે જ વાત કરી છે. આવી વ્યવસ્થામાં લોકતાંત્રિક સુધારાની જરૂર છે.

આંબેડકરના છૂટાછવાયા પ્રદર્શન અને નવી ‘દલિત સિનેમા’ના આગમનમાં નવી સિનેમેટિક સંસ્કૃતિના મંથનની ક્ષમતા છે અને તે દર્શકો માટે અર્થપૂર્ણ તેમજ સામાજિક રીતે જવાબદાર સિનેમા લાવી શકે છે. આંબેડકરના વિચારો અને દૂરદર્શિતા સાથેનાં જોડાણમાં આ ગતિ ફિલ્મ ઉદ્યોગને નિશ્ચિત રીતે લોકતાંત્રિક બનાવશે. અને કથાકથનની કળામાં, સિનેમામાં અને દસ્તાવેજી વર્ગમાં નિર્ણાયક પરિવર્તન લાવી શકશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.