વંદો માથું કપાઈ જાય કે આખા કચડાઈ જાય તો પણ જીવતો કેમ રહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભરત શર્મા
- પદ, બીબીસી સંવાદદાતા
અનિલ કપૂર : કૉકરોચ, કૉકરોચ...
શ્રીદેવી : કૉકરોચ, ક ક ક, કહાં હૈ, કહાં હૈ કૉકરોચ, કહાં હૈ?
અનિલ કપૂર : વો, વહાં... હમારી તરફ દેખ રહા હૈ.
શ્રીદેવી : તુમ, તુમ કૉકરોચ સે ડરતે હો?
અનિલ કપૂર : મેમસાબ, ડરતા તો મેં શેર સે ભી નહીં હું, હા મગર કૉકરોચ સે ડરતા હૂં!
જેમણે અરુણ વર્મા અને સીમાનાં પાત્રોથી સજેલી ફિલ્મ 'મિસ્ટર ઇન્ડિયા' જોઈ હશે, તેમને આ દૃશ્ય જરૂર યાદ હશે. એક એવી ફિલ્મ જે વર્ષ 1987માં રિલીઝ થઈ, પરંતુ આજેય મોબાઇલ કે ટીવી પર તેનું કોઈ દૃશ્ય દેખાઈ જાય તો નજર તેના પર ટકી જાય છે.
પરંતુ આજે આપણે ન તો અરુણ એટલે કે અનિલ કપૂરની વાત કરીશું, ન સીમાનું પાત્ર ભજવનાર શ્રીદેવીની. આજે વાત કરીશું આ દૃશ્યના ત્રીજા પાત્ર કૉકરોચ, જેને ગુજરાતીમાં વંદો પણ કહેવાય છે.
વંદા રસોડામાં આમતેમ દોડતા, રાત્રે રસોડામાં વાસણ પર ફરતા, તિરાડોમાંથી ડોકિયું કરતા, ઍન્ટિના દેખાડીને ગભરાવતા દેખાય છે. જોકે, ખરી મુસીબત તો એ છે કે વારંવાર ભગાડવા છતાં એ પાછા આવી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વમાં આમ તો વંદાની 4,500 કરતાં વધુ પ્રજાતિઓ મળી આવે છે, પરંતુ તેમાંથી લગભગ 30 જેટલી પ્રજાતિઓ માનવીય વસતિમાં મળી આવે છે. વંદો બ્લાટોડિયા ઑર્ડર સાથે સંબંધ ધરાવે છે, જેમાં ઊધઈ પણ સામેલ છે.
પૃથ્વી પર ક્યારથી દોડી રહ્યા છે વંદા?
વધુ એક ખાસ વાત એ છે કે વંદા સદીઓ જૂના છે. ડાયનાસોરકાળ કરતાં પણ વધારે જૂના આ કૉકરોચનું વજૂદ આજ દિન સુધી જળવાયેલું છે.
તેમની ગણતરી વિશ્વનાં સૌથી જૂનાં જીવજંતુઓમાં થાય છે. જીવાશ્મ સાથે સંકળાયેલા પુરાવા જણાવે છે કે કૉકરોચનાં મૂળ કાર્બોનિફેરસ યુગ સાથે જોડાયેલાં છે, પરંતુ આ સમયગાળો કયો હતો?
તો જવાબ છે, આ વાત 35 કરોડ વર્ષ જૂની છે. હા, તમે ખરું જ વાંચ્યું છે. 35 કરોડ વર્ષ પહેલાં પણ પૃથ્વી પર કૉકરોચનું અસ્તિત્વ હતું. દિલ્હી યુનિવર્સિટીની કિરોડીમલ કૉલેજમાં ડિપાર્ટમેન્ટ ઑફ ઝૂઓલૉજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર નવાઝઆલમ ખાન આ અંગે જણાવે છે કે:
"વંદા અંગે સૌપ્રથમ તો એ વાત જાણી લો કે વંદા ડાયનાસોર કરતાં પણ વધારે જૂના છે. આપણે જ્યારે જૂના જમાનાની વાત કરીએ છીએ તો મિસોઝોઇક યુગનો ઉલ્લેખ કરીએ છીએ. ડાયનાસોર પણ આ જ યુગમાં થયાં હતાં."

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"આ યુગમાં જ જુરાસિક પિરિયડ પણ થઈ ગયો, જે ડાયનાસોર માટે સુવર્ણ સમયગાળો કહેવાય છે અને એ પહેલાં કાર્બોનિફેરસ યુગ આવ્યો, જેમાં પ્રાચીન જીવજંતુ મળી આવતાં. કૉકરોચનું અસ્તિત્વ ત્યારે પણ હતું. એ લગભગ 30-35 કરોડ વર્ષ પહેલાં પણ હતાં, અને આજેય છે."
મેરઠની ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઑફ ઝૂઓલૉજીના ઍસોસિયેટ પ્રોફેસર ડૉક્ટર દુષ્યંતકુમાર ચૌહાણ પણ આ વાતનું સમર્થન કરે છે.
તેઓ કહે છે કે, "વંદા, ડાયનાસોર કરતાં પણ વધુ જૂના છે. તેને ઇન્વર્ટિબ્રેટ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે. વર્ટિબ્રેટ જીવજંતુ તેની બાદમાં આવ્યાં છે. ઇન્વર્ટિબ્રેટ એટલે એવા જીવ, જેમને કરોડરજ્જુ નથી હોતી. કૉકરોચનું આગમન ડાયનાસોર કરતાં પણ પહેલાં થયું હતું. બાકીના જીવ જે આવ્યા, એ તેની બાદમાં અસ્તિત્વમાં આવ્યા."
પરંતુ આટલા લાંબા સમય સુધી ટકી રહેવું એ આટલી મોટી વાત કેમ છે? ડૉક્ટર ખાન પ્રમાણે રસપ્રદ વાત એ છે કે કરોડો વર્ષોમાં અલગ અલગ પ્રકારના બદલાવ આવ્યા છે. પર્યાવરણ, મોસમ, સ્થિતિ, સઘળું બદલાયું છે. આ જ બદલાવોને કારણે અત્યાર સુધી ઘણા બધા જીવ એવા છે, જે ખતમ થઈ ગયા કે ગાયબ થઈ ગયા. તેનું સૌથી મોટું ઉદાહરણ ડાયનાસોર છે.
"ડાયનાસોર સિવાય અન્ય પણ ઘણા બધા જીવ લુપ્ત થઈ ચૂક્યા છે, પરંતુ વંદા સાથે એવું નથી થયું. એ જેવા હા આજેય મોટા ભાગે એવા જ છે. આટલા લાંબા ગાળામાં કૉકરોચમાં બદલાવ તો આવ્યા, પરંતુ એ ખૂબ નાના છે, કોઈ મોટો બદલાવ જોવા નથી મળ્યો."
વંદા આટલા ખાસ એટલા માટે બની જાય છે, કારણ કે એમનું અસ્તિત્વ કરોડો વર્ષોથી જળવાયેલું છે અને તેની શારીરિક સંરચનામાં કોઈ મોટો બદલાવ નથી થયો.
માથું કપાઈ ગયા છતાં જીવતા રહે છે વંદા

ઇમેજ સ્રોત, Getty Images
વંદાનું શરીર એ કુદરતની એક કમાલ જેવું જ છે. તેના શરીરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. હેડ એટલે કે માથું, ઍબ્ડોમન એટલે કે પેટ અને માથા અને પેટની વચ્ચેના ભાગને થૉરેક્સ કહેવામાં આવે છે.
સાથે જ આગળની બાજુએ બે ઍન્ટિના જોવા મળે છે, જે તેના સેન્સરી ઓર્ગન છે, એટલે કે તેની મદદથી તેઓ પોતાની આસપાસના માહોલ અને સામાન અંગે માહિતી મેળવે છે.
ડૉક્ટર દુષ્યંતકુમાર ચૌહાણે કહ્યું, "વંદાના શરીર પર આપણને જે કાળું અને ભૂરા રંગનું દેખાતું એવું આવરણ દેખાય છે, તેને ઍક્ઝોસ્કેલેટન કહેવામાં આવે છે. એ ઘણું મજબૂત અને કાઇટિનથી બનેલું હોય છે. કાઇટિન એટલે એ જ વસ્તુ, જેનાથી આપણા નખ બનતા હોય છે. ઍક્ઝોસ્કેલેટનને તમે બાહ્ય આવરણ કહી શકો છો, વંદાનું આઉટર કવરિંગ કહી શકો છો અને આ ઘણું પ્રોટેક્ટિવ હોય છે, એટલે કે તેને સુરક્ષા આપે છે, તેને બચાવી રાખે છે. પર્યાવરણમાં આવતા બદલાવ અને દુશ્મન, બંનેથી તેનું રક્ષણ કરે છે."
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે વંદાનું માથું કપાઈ જાય કે કચડાઈ જાય તો પણ એ જીવિત રહી શકે છે. પરંતુ આવું કેવી રીતે?
ડૉક્ટર ખાન જણાવે છે કે જેમ માણસના શરીરમાં મગજ હોય છે, અને એ આખા શરીરને ચલાવે છે, બરાબર એ જ પ્રકારે કૉકરોચના શરીરમાં ગૅન્ગ્લિયન હોય છે. પરંતુ એ માત્ર તેમના શરીરમાં નથી હોતું, પરંતુ શરીરના અલગ અલગ ભાગમાં હોય છે. તેમના શરીરમાં ઘણી બધી ચેતાઓ મળીને ગૅન્ગ્લિયન બને છે. તેમના માથામાં પણ ગૅન્ગ્લિયન હોય છે, થોરેક્સમાં પણ અને એબ્ડોમનમાં પણ.
વંદાના માથામાં જે ગૅન્ગ્લિયન હોય છે, તેને સુપ્રા-ઇસોફેજિયલ ગૅન્ગ્લિયન કે સબ-ઇસોફેજિયલ ગૅન્ગ્લિયન કહે છે. એ મળીને મગજનું કામ કરે છે, તેથી તેને કૉકરોચનું મગજ કહેવામાં આવે છે.
ડૉક્ટર ખાન જણાવે છે કે, "જો વંદાનું માથું કપાઈ જાય તો થોરેક્સ ગૅન્ગ્લિયન અને એબ્ડોમન ગૅન્ગ્લિયન પ્રતિક્રિયા આપે છે અને તેના શરીરને કંટ્રોલ કરવા લાગે છે. આવી સ્થિતિમાં એ એક અઠવાડિયા સુધી જીવિત રહી જાય છે. માણસ નાક કે મોઢા વડે શ્વાસ લેતો હોય છે, પરંતુ વંદાના શરીરમાં નાનાં છિદ્રો હોય છે, જેને સ્પાઇરેકલ્સ કહેવામાં આવે છે. એ તેના શ્વસનતંત્ર તરીકે કામ કરે છે. એ તેના વડે જ શ્વાસ લે છે. એ શરીરના અલગ અલગ ભાગોમાં હોય છે, અને તેનાથી જ ગૅસ એક્સચેન્જ કરવામાં આવે છે, એટલે કે શ્વાસ લેવામાં આવે છે. તેથી માથું કપાવા છતાં એ જીવિત રહે છે."
વંદા રાત્રે કેમ વધુ દેખાય છે?

તમે નોંધ્યું હશે કે વંદા રાત્રે વધુ દેખાય છે અને દિવસે ગાયબ થઈ જાય છે. ખરેખર એ ગાયબ નથી થતા, પરંતુ છુપાઈ જાય છે, પરંતુ કેમ?
વંદા ખરેખર રાત્રે વધુ સક્રિય થનારા જીવ છે અને દિવસે અંધારિયા, ભેજવાળા ભાગોમાં સંતાયેલા રહે છે. એ રાત્રિના સમયે ભોજન, પાણીની શોધમાં નીકળે છે.
ડૉક્ટર દુષ્યંતકુમાર ચૌહાણ જણાવે છે કે, "કૉકરોચ ઘણી વાર તમને રસોડા કે વૉશરૂમમાં દેખાતાં હશે. તેનું કારણ સ્પષ્ટ છે. ભોજન અને ભેજ. ખરેખર તો એ વેસ્ટ પ્રોડક્ટ ખાય છે તેથી આપણાં ઘરોમાં દેખાતાં હોય છે. એ ભોજનની શોધમાં રસોડામાં રહે છે. દિવસે છુપાયેલા રહે છે અને રાત્રિના સમયે બહાર આવીને ભોજન અને પાણી શોધે છે."
તેમણે કહ્યું, "એ રાત્રે વધુ સક્રિય થનારા જીવ છે, તેથી તેમને પ્રકાશ વધુ પસંદ નથી પડતો અને તેઓ અંધારામાં વધુ સક્રિય હોય છે. એ રાત્રે વધુ નીકળતાં હોય છે. જો દિવસે એ ક્યારેક દેખાઈ પણ જાય તો તમે નોંધ્યું હશે કે તે શક્ય તેટલી ઝડપથી કોઈ અંધારા ખૂણા તરફ ભાગવાનો પ્રયાસ કરે છે."
ડૉક્ટર ખાન પણ આ અંગે વાત કરે છે. તેમણે કહ્યું, "કૉકરોચની 4,500 પ્રજાતિઓમાંથી લગભગ 30 માનવવસ્તીમાં રહે છે. એ વધુ ભેજવાળી જગ્યાએ રહેતાં હોય છે. રસોડામાં તેને ખાવાપીવાની વસ્તુઓ મળી જાય છે અને બાથરૂમમાં ભેજ મળે છે."
"જીવોની વાત કરીએ તો બે પ્રકારના ઓર્ગેનિઝમ હોય છે. નોક્ટર્નલ અને ડાયઅર્નલ. કૉકરોચ નોક્ટર્નલ હોય છે, તેમને પ્રકાશ વધુ પસંદ નથી હોતો, તેથી છુપાઈને રહે છે, ખૂણામાં છુપાઈ જાય છે. રસોડા અને બાથરૂમના ખૂણામાં અંધકાર મળે છે, ભેજ મળે છે અને ભોજન પણ, તેથી કૉકરોચ સૌથી વધુ ત્યાં દેખાય છે."
પરમાણુ હુમલામાં પણ બચી શકે છે કૉકરોચ?

ઇમેજ સ્રોત, Getty Images
કૉકરોચના જીવનકાળની વાત કરીએ તો એ પ્રજાતિઓ પ્રમાણે અલગ અલગ હોય છે.
કેટલાંક કૉકરોચ 150-170 દિવસ સુધી જીવતાં રહે છે તો કોઈકનો સરેરાશ જીવનકાળ એક વર્ષ લાંબો હોય છે. ડૉક્ટર ચૌહાણે જણાવ્યું, "જર્મન કૉકરોચની વાત કરીએ તો તેનો સરેરાશ જીવનકાળ 150-170 દિવસનો હોઈ શકે છે. માદા થોડો સમય વધુ જીવે છે, તેની ઉંમર 180 દિવસ સુધીની હોઈ શકે છે."
એવું ઘણી વાર કહેવાતું હોય છે કે પરમાણુ હુમલાથી કોઈ નથી બચી શકતું, પરંતુ કૉકરોચ બચી જશે. આ વાતમાં કેટલું તથ્ય?
આ અંગે તેઓ કહે છે કે, "આ વાતમાં તથ્ય નથી જણાતું, કારણ કે પરમાણુ હુમલો કે ધડાકાની સ્થિતિમાં અન્ય જીવોની માફક કૉકરોચ પણ મરી જશે. તેનું સેલ્યુલર મટિરિયલ ફાટી જશે. એ વાત તો સાચી છે કે કૉકરોચની રેડિયેશનનો સામનો કરવાની અને બચવાની ક્ષમતા 15 ગણી હોય છે. પરંતુ હુમલો જ્યાં થશે, ત્યાં એ નહીં બચે."
જાણકારો પ્રમાણે કૉકરોચના મામલામાં જેનેટિક મટિરિયલની વાત કરાય તો એડેપ્ટિબિલિટી એટલે કે અનુકૂલન સાધવાની ક્ષમતા અનેક ગણી વધુ છે. રેડિયેશનની સ્થિતિમાં કૉકરોચની શારીરિક સંરચના ઘણી કામ લાગે છે અને એ તેને વેઠી શકે છે.
ડૉક્ટર ખાને બીબીસીને કહ્યું કે, "પરમાણુ હુમલામાં કૉકરોચ બચશે કે નહીં, એ સવાલ ઘણી વખત સામે આવે છે. એવું નથી કે જ્યાં હુમલો થશે, ત્યાં પણ કૉકરોચ બચી જશે, પરંતુ એ વાત પણ સત્ય છે કે એ રેડિયેશનને વેઠી જશે. અમારી સાથે આવું નહીં થાય."
અંતે એક જરૂરી સવાલ. કૉકરોચથી છુટકારો કેવી રીતે મેળવી શકાય, કારણ કે ઘણા પ્રયાસો છતાં એ ફરી પાછાં આવી જાય છે.
ડૉક્ટર ખાને આ સવાલના જવાબમાં કહ્યું, "સાઇટ્રસ ફ્રૂટ્સમાં લિમોનિન નામનો એક ઘટક હોય છે. ઘણી વાર અમુક ગંધ આપણને સારી નથી લાગતી, પરેશાન કરી મૂકતી હોય છે. કૉકરોચના મામલામાં એ લિમોનિન હોય છે. તેથી કૉકરોચને ભગાડવા માટે બજારમાં મળતા પ્રોડક્ટ્સમાં તેનો ઉપયોગ થતો હોય છે."
પરંતુ કૉકરોચ પણ કંઈ કમ નથી. તમે જોયું હશે કે તેઓ તેનાથી મરતાં નથી, ગાયબ થઈ જાય છે અને થોડા સમય કે દિવસ બાદ ફરી દેખાય છે. પરંતુ કેવી રીતે?
ડૉક્ટર ખાન એક લાઇનમાં જવાબ આપે છે, "કારણ કે કૉકરોચ અનુકૂલન સાધવામાં ખૂબ આગળ પડતાં હોય છે. તેઓ આ બધી વસ્તુઓ સાથે અનુકૂલન સાધી લે છે, રજિસ્ટર કરી લે છે. આ જ કારણે એ મુશ્કેલ અને બદલાતી પરિસ્થિતિમાં પણ કરોડો વર્ષોથી ટકેલાં છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












