સમ્રાટ હર્ષવર્ધન : 60,000 હાથી, એક લાખ ઘોડા લઈને દક્ષિણના રાજા સામે હાર્યા છતાં 'મહાન વિજેતા' કેમ કહેવાયા?

સમ્રાટ હર્ષવર્ધન, ગુપ્ત સામ્રાજ્ય, સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત, સમ્રાટ હર્ષવર્ધનનું શાસન કેવું હતું, બૌદ્ધ ધર્મને આશરો, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NCERT

ઇમેજ કૅપ્શન, સમ્રાટ હર્ષવર્ધને સન 606થી 647 સુધી શાસન કર્યું હતું
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિંદી

હર્ષવર્ધન વિશે કહેવાય છે કે તેમણે ગુપ્ત સામ્રાજ્યના પતન પછી નાનાં-નાનાં રાજ્યોમાં વહેંચાયેલા ઉત્તર ભારતને એક સૂત્રમાં બાંધવાનું મહત્ત્વપૂર્ણ કામ કર્યું હતું.

રાજાઓમાં એવા ગુણ ઓછા જોવા મળે છે કે તેઓ મહાન વિજેતાની સાથોસાથે સફળ શાસક અને સાહિત્યકાર પણ હોય.

ઈ.સ. 590માં જન્મેલા હર્ષના જીવનચરિત્ર 'હર્ષચરિતમ્'માં બાણભટ્ટે લખ્યું છે, "સતત હથિયાર વાપરવાના અભ્યાસના લીધે તેમના હાથ કાળા પડી ગયા હતા, જાણે તે સમસ્ત રાજાઓના પ્રતાપના અગ્નિને શાંત કરવામાં મલિન થઈ ગયા હોય."

સોળ વરસની ઉંમરે થાનેશ્વરની રાજગાદી પર બેસતા સમયે હર્ષની સામે અનેક વિકટ પડકારો હતા, પરંતુ આ પડકારોથી ડર્યા વગર તેમણે પોતાના ઉત્તમ માર્ગ કંડાર્યા.

વિજય નાહરે પોતાના પુસ્તક 'શીલાદિત્ય સમ્રાટ હર્ષવર્ધન ઔર ઉનકા યુગ'માં લખ્યું છે, "પોતાના પિતા પ્રભાકરવર્ધનનું મૃત્યુ, માતાનું સતી થવું, મોટા ભાઈ રાજ્યવર્ધનનું ષડ્‌યંત્રમાં મૃત્યુ, બનેવી મૌખરી નરેશ ગૃહવર્માની હત્યા અને બહેન રાજ્યશ્રીનું રાજ્ય ત્યજીને વિંધ્યાચલનાં જંગલોમાં પલાયન કર્યું."

"આવી અનેક ભીષણ અને વિકટ ઘટનાઓ હર્ષના જીવનમાં બની, પરંતુ નાની ઉંમર અને બિનઅનુભવી હોવા છતાં પણ તેમને ખૂબ બહાદુરીપૂર્વક તેનો સામનો કર્યો."

હર્ષ કનોજના રાજા બન્યા

સમ્રાટ હર્ષવર્ધન, ગુપ્ત સામ્રાજ્ય, સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત, સમ્રાટ હર્ષવર્ધનનું શાસન કેવું હતું, બૌદ્ધ ધર્મને આશરો, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Aavishkar Publishers

પ્રભાકરવર્ધનના મૃત્યુના સમયે હર્ષવર્ધન ત્યાં હાજર હતા, જ્યારે તેમના મોટા પુત્ર રાજ્યવર્ધન હૂણો વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યા હતા.

જ્યારે રાજ્યવર્ધન હૂણો વિરુદ્ધ યુદ્ધ જીતીને પાછા આવ્યા ત્યારે તેમને તેમના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા. એ સાંભળીને તેઓ એટલા દુઃખી થઈ ગયા કે તેમણે સંન્યાસ લેવાની ઇચ્છા પ્રકટ કરી, પરંતુ હર્ષે આગ્રહ કરીને પોતાના મોટા ભાઈને રાજગાદી પર બેસાડ્યા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ દરમિયાન રાજ્યવર્ધનને પોતાના બનેવી મૌખરી ગૃહવર્માની હત્યાના સમાચાર મળ્યા. તેઓ પોતાની સેના સાથે પોતાના બનેવીની હત્યાનો બદલો લેવા નીકળી પડ્યા.

તેમણે માળવા નરેશની સેનાને હરાવીને કનોજ પર જીત મેળવી ગૌડ નરેશ શશાંકની શિબિરને ઘેરી લીધી, પરંતુ શશાંકે ષડ્‌યંત્ર કરીને રાજ્યવર્ધનની હત્યા કરાવી દીધી.

બાણભટ્ટે લખ્યું છે, "શશાંકે રાજ્યવર્ધનની અધીનતા સ્વીકારીને તેમની સાથે પોતાની પુત્રીનાં લગ્ન કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો. જ્યારે તેઓ તેમને મળવા એકલા તેમની શિબિરમાં ગયા ત્યારે તેમણે તેમની હત્યા કરાવી દીધી."

ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ જ્યારે ભારત આવ્યા, ત્યારે હર્ષવર્ધનનો સમય શરૂ થવાનો હતો. તેમણે લખ્યું છે, "રાજ્યવર્ધનના મૃત્યુ પછી જ્યારે કનોજની ગાદી ખાલી પડી, ત્યારે કનોજના દરબારીઓએ રાજ્યવર્ધનના નાના ભાઈ હર્ષવર્ધનને ગાદી સંભાળવાની વિનંતી કરી."

"શરૂઆતમાં હર્ષે તેમની વિનંતી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો, પરંતુ તેમને ધર્મગુરુઓએ સલાહ આપી કે તેઓ રાજા બની જાય, પરંતુ સિંહાસન પર ન બિરાજે અને પોતાના માટે 'મહારાજા' શબ્દનો ઉપયોગ પણ ન કરે. આ પ્રકારે હર્ષ કનોજના રાજા બન્યા. તેમણે પોતાના માટે 'રાજપુત્ર' શબ્દનો પ્રયોગ કર્યો."

'મહાન યોદ્ધા' હર્ષવર્ધન

હર્ષનો ઔપચારિક રાજ્યાભિષેક ઈ.સ. 612માં થયો હતો.

16 વર્ષની નાની ઉંમરે હર્ષ પાંચ હજાર હાથી, 20 હજાર ઘોડા અને એટલા જ પગપાળા સૈનિકોની સેના લઈને પોતાના ભાઈ અને બનેવીની હત્યાનો બદલો લેવા માટે નીકળી ગયા.

હ્યુ-એન-ત્સાંગે લખ્યું છે, "ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તની જેમ હર્ષ પણ મહાન યોદ્ધા હતા. છ વર્ષમાં તેમણે પોતાની બહેનને શોધીને કનોજમાં રાખ્યાં અને કનોજ સહિત પંચભારત એટલે કે સારસ્વત, કાન્યકુબ્જ, ગૌડ, મિથિલા અને ઉત્કલ (ઓડિશા) પર અધિકાર સ્થાપ્યો."

"ત્યાં સુધીમાં હર્ષની સેનાએ વિશાળ રૂપ ધારણ કરી લીધું હતું. તેમની સેનામાં 60 હજાર હાથી, એક લાખ ઘોડા અને તેટલી જ સંખ્યામાં પગપાળા સૈનિકો થઈ ગયા હતા. આટલી વિશાળ સેનાની સાથે તેમણે ટૂંક સમયમાં જ વલ્લભી, ભડૌચ અને સિંધ પર વિજય પ્રાપ્ત કરીને પોતાના રાજ્યની સીમા પશ્ચિમી સમુદ્ર સુધી વિસ્તારી લીધી હતી."

બાણભટ્ટ અનુસાર, હર્ષની સેના દરરોજ લગભગ 16 માઈલનું અંતર કાપતી હતી. હર્ષના શાસનની ખાસ વાત એ હતી કે તેમણે પરાજિત રાજાઓને તેમનાં રાજ્યો પાછાં સોંપી દીધાં હતાં અને તેમની પાસેથી કર વસૂલતા હતા.

આ હર્ષનો સંઘાત્મક દૃષ્ટિકોણ હતો. ગુપ્ત શાસકોએ પણ આ જ નીતિ અપનાવી હતી. ઈ.સ. 634માં હર્ષે દક્ષિણના ચાલુક્ય સમ્રાટ પુલકેશિન (બીજા) સાથે યુદ્ધ કર્યું હતું, જેમાં તેમની હાર થઈ અને તેઓ દક્ષિણ સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવવામાં નિષ્ફળ રહ્યા.

વિજય નાહરે લખ્યું છે, "આ હાર થઈ હોવા છતાં હર્ષની સાથે જોડવામાં આવેલું 'મહાન વિજેતા'નું વિશેષણ ખોટું સાબિત નથી થતું. દુનિયાના ઇતિહાસમાં એવાં અનેક ઉદાહરણ છે જેમાં મહાન યોદ્ધા પણ ક્યારેક યુદ્ધમાં પરાજિત થયા છે, જેમ કે, ફ્રાન્સના નેપોલિયન બૉનાપાર્ટ."

મહેનતુ અને કુશળ પ્રશાસક

સમ્રાટ હર્ષવર્ધન, ગુપ્ત સામ્રાજ્ય, સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત, સમ્રાટ હર્ષવર્ધનનું શાસન કેવું હતું, બૌદ્ધ ધર્મને આશરો, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, bloomsbury publishing

ઇમેજ કૅપ્શન, ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ હર્ષવર્ધનના સમયમાં ભારત આવ્યા હતા

અશોકની જેમ હર્ષને પણ પોતાના રાજ્યમાં ફરવાની ટેવ હતી, જેથી તેઓ એ વાતનો અંદાજ લગાવી શકે કે પ્રજા કઈ સ્થિતિમાં રહે છે. હર્ષ હંમેશાં પોતાની જનતાનાં દુઃખો પ્રત્યે સજાગ રહેતા હતા.

એએલ બાશમે પોતાના પુસ્તક 'ધ વન્ડર ધૅટ વૉઝ ઇન્ડિયા'માં લખ્યું છે, "હર્ષ પોતાના નાગરિકોની ફરિયાદો દરબારમાં નહીં, પરંતુ તેમની વચ્ચે જઈને રસ્તા પર સાંભળતા હતા."

"મિત્રો પ્રત્યે તેમને ઘણી નિષ્ઠા હતી. દૂરવર્તી રાજ્ય આસામના રાજા ભાસ્કરવર્મન તેમના દરબારમાં અવારનવાર આવતા હતા. તેમણે શશાંક વિરુદ્ધના યુદ્ધમાં તેમને સાથ આપ્યો હતો."

હ્યુ-એન-ત્સાંગે લખ્યું છે, "હર્ષ ખૂબ જ પરિશ્રમી રાજા હતા. તેમનો દિવસ ત્રણ ભાગમાં વહેંચાયેલો હતો. પહેલા ભાગમાં તેઓ બધો સમય રાજકાજ કરતા હતા. બીજા બે ભાગમાં તેઓ ધાર્મિક કાર્યો કરતા હતા. તેઓ ક્યારેય થાકતા નહોતા અને પોતાના લોકોનાં કામ કરવામાં ક્યારેક-ક્યારેક ઊંઘ અને ખાવાનું પણ ભૂલી જતા હતા."

"તેમના સમયમાં કરવેરાનો દર ખૂબ ઓછો હતો. હર્ષના સમયમાં મંત્રીઓ અને અધિકારીઓને પગાર રોકડમાં આપવાના બદલે જમીનરૂપે આપવામાં આવતો હતો. તેમણે એ જમીનની દેખરેખ રાખવી પડતી હતી અને તેનાથી થતી આવક તેમની પોતાની રહેતી હતી."

"હર્ષે રાજ્યની કુલ જમીનનો ચોથો ભાગ પોતાના અધિકારીઓને આપવાનું નક્કી કર્યું હતું. બીજા ચોથા ભાગથી રાજ્યનો ખર્ચ ચાલતો હતો. ઘઉં અને ચોખા જનસામાન્યના ખોરાક હતા."

હર્ષવર્ધન મૃત્યુદંડના વિરોધી હતા

સમ્રાટ હર્ષવર્ધન, ગુપ્ત સામ્રાજ્ય, સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત, સમ્રાટ હર્ષવર્ધનનું શાસન કેવું હતું, બૌદ્ધ ધર્મને આશરો, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NCERT

ઇમેજ કૅપ્શન, બાણભટ્ટ, જેમણે હર્ષનું જીવનચરિત્ર લખ્યું

રસપ્રદ વાત એ છે કે હર્ષના સમયમાં મૃત્યુદંડ નહોતો અપાતો. લોકોમાં એકબીજા માટે ખૂબ જ સદ્‌ભાવ હતો, તેથી ગુના ઓછા થતા હતા.

જાણીતા ઇતિહાસકાર રાધાકુમુદ મુખરજીએ પોતાના પુસ્તક 'હર્ષ'માં લખ્યું છે, "દેશદ્રોહ માટે મૃત્યુદંડ ન આપીને આજીવન કારાવાસની સજા કરવામાં આવતી હતી. નૈતિકતા વિરુદ્ધ કરવામાં આવેલા ગુના બદલ ગુનેગારનાં અંગ કાપવામાં આવતાં હતાં અથવા તેમનો દેશનિકાલ કરવામાં આવતો કે જંગલમાં મોકલી દેવામાં આવતા હતા."

"ક્યારેક-ક્યારેક તેમને સમાજથી બહિષ્કૃત પણ કરી દેવાતા હતા. લોકો ખરાબ કાર્ય કરવાથી દૂર રહેતા હતા અને પાપ કરવાથી ડરતા હતા."

સમ્રાટ હર્ષવર્ધનની રાજધાની બન્યા પછી કનોજનું ગૌરવ બે ગણું વધી ગયું હતું. હ્યુ-એન-ત્સાંગે લખ્યું છે, "કનોજમાં દરેક જગ્યાએ આર્થિક સધ્ધરતા હતી. લોકો સભ્ય હતા. આ નગર વેપાર-વાણિજ્યનું કેન્દ્ર હતું. આ શહેર પાંચ માઈલ લાંબા અને સવા માઈલ પહોળા ક્ષેત્રમાં ફેલાયેલું હતું."

"તેમાં બનેલાં ઘર સ્વચ્છ અને સુંદર હતાં. તેની દીવાલો ઊંચી અને પહોળી હતી. ત્યાં અનેક સુંદર બગીચા, સ્વચ્છ પાણીનાં તળાવ અને એક સંગ્રહાલય હતું. ત્યાંના લોકો સુંવાળાં અને રેશમી કપડાં પહેરતા હતા. તેમની ભાષા સંશોધિત અને મધુર હતી. કસાઈ, માછીમારો, નર્તકો અને જલ્લાદ શહેરની બહાર રહેતા હતા. સેના રાત્રે રાજમહેલની ચારેબાજુ પહેરો ભરતી હતી."

ભારતના ઇતિહાસમાં હર્ષ જેવા દાનવીર ઘણા ઓછા લોકો થયા છે. વિજય નાહરે લખ્યું છે, "પ્રયાગની મહામોક્ષ પરિષદમાં, જે પાંચ વર્ષમાં એક વાર થતી હતી, હર્ષ સૈન્ય સાજ-સામાનને બાદ કરતાં પોતાનું સર્વસ્વ દાન આપી દેતા હતા. એટલે સુધી કે તેઓ પોતાનાં પહેરેલાં વસ્ત્ર પણ દાન કરી દેતા હતા. ત્યાર પછી પોતાની બહેન પાસે જૂનાં વસ્ત્ર માગીને પહેરતા હતા."

નાલંદા વિશ્વવિદ્યાલયના સંરક્ષક

સમ્રાટ હર્ષવર્ધન, ગુપ્ત સામ્રાજ્ય, સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત, સમ્રાટ હર્ષવર્ધનનું શાસન કેવું હતું, બૌદ્ધ ધર્મને આશરો, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Mithun Pramanik/BBC Reel

ઇમેજ કૅપ્શન, નાલંદા વિશ્વવિદ્યાલય, જેને હર્ષવર્ધને સંરક્ષણ આપ્યું હતું

સમ્રાટ હર્ષ વીર હોવાની સાથોસાથ વિદ્વાન અને વિદ્વાનોના સંરક્ષક હતા. તેમણે મહાકવિ બાણભટ્ટને સભા પંડિત બનાવ્યા હતા. હર્ષ પોતે સંસ્કૃત ભાષાનું સારું જ્ઞાન ધરાવતા હતા. તેમણે સંસ્કૃતમાં ત્રણ નાટક 'રત્નાવલી', 'પ્રિયદર્શિકા' અને 'નાગાનંદ' લખ્યાં હતાં.

જયદેવે તો હર્ષની સરખામણી ભાસ અને કાલિદાસ સાથે કરી છે. સમ્રાટ હર્ષના દરબારમાં મહાકવિ બાણભટ્ટ, મયૂર, જયદેવ, દીવાકર અને ભર્તૃહરિ જેવા ઉચ્ચ કોટીના વિદ્વાનો હતા.

જાણીતા ઇતિહાસકાર ઇબી હૅવેલે પોતાના પુસ્તક 'ધ હિસ્ટરી ઑફ આર્યન રૂલ ઇન ઇન્ડિયા ફ્રૉમ ધ અર્લીએસ્ટ ટાઇમ્સ ટૂ ધ ડેથ ઑફ અકબર'માં લખ્યું છે, "સમ્રાટ હર્ષ કલમના પ્રયોગમાં એટલા જ પારંગત હતા જેટલા તલવારના પ્રયોગમાં."

સમ્રાટ હર્ષવર્ધન, ગુપ્ત સામ્રાજ્ય, સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત, સમ્રાટ હર્ષવર્ધનનું શાસન કેવું હતું, બૌદ્ધ ધર્મને આશરો, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Motilal Banarasidass Publishers

ડૉક્ટર હેમચંદ્ર રાયચૌધરીએ લખ્યું છે, "હર્ષ એક મહાન સેનાનાયક અને સંચાલક હતા. તેનાથી વિશેષ તેઓ સાહિત્ય અને ધર્મના એક મહાન સંરક્ષક પણ હતા."

ડૉક્ટર આરસી મજૂમદારે પોતાના પુસ્તક 'ધ ક્લાસિકલ ઍજ'માં લખ્યું છે, "હર્ષ એક ઉચ્ચ કોટિના સાહિત્યકાર અને વિદ્યાપ્રેમી હતા. પોતાની રચના 'નાગાનંદ'માં હર્ષે પ્રણયની સાથે માનવતા, બંધુત્વ, કરુણા અને પ્રેમનો જે સંદેશ આપ્યો છે તેણે હર્ષને સાહિત્યકાર તરીકે અમરત્વ આપ્યું છે."

હર્ષના સમયમાં નાલંદા વિશ્વવિદ્યાલય દુનિયાની સર્વોત્તમ શિક્ષણ સંસ્થાઓમાંની એક હતી. હર્ષ તેના સંરક્ષક હતા. તેની દેખરેખ માટે તેમણે 100 ગામ દાનમાં આપ્યાં હતાં અને ત્યાં 100 ફૂટનો પિત્તળનો એક સ્તૂપ પણ નિર્માણ કરાવ્યો હતો.

ઇતિહાસકારોનું માનવું છે કે વિદ્વાનો અને શિક્ષણ સંસ્થાઓના સંરક્ષક હોવાના કારણે સાહિત્યક્ષેત્રમાં હર્ષ અશોક કરતાં પણ આગળ હતા.

ઉત્તરાવસ્થામાં બૌદ્ધ ધર્મ અપનાવ્યો

સમ્રાટ હર્ષવર્ધન, ગુપ્ત સામ્રાજ્ય, સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત, સમ્રાટ હર્ષવર્ધનનું શાસન કેવું હતું, બૌદ્ધ ધર્મને આશરો, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બૌદ્ધ ધર્મની પ્રતીકાત્મક તસવીર

સમ્રાટ હર્ષ કયા ધર્મમાં માનતા હતા તે અંગે ઇતિહાસકારોના અલગ-અલગ મત છે. બાણભટ્ટ અનુસાર હર્ષના પૂર્વજોનો ધર્મ શૈવ હતો. હર્ષના જન્મના અવસરે જે પ્રકારે યજ્ઞ, હવન અને વેદમંત્રોના પાઠ થયા હતા.

તેનાથી એવું પ્રતીત થાય છે કે વર્ધન વંશ વૈદિક ધર્મમાં માનતા હતા. તે સિવાય હર્ષની મુદ્રાઓમાં શિવ અને નંદીનાં ચિહ્ન અંકિત છે તે તેમના શૈવ હોવા તરફ ઇશારો કરે છે.

બંસખેડા અને મધુબનના શિલાલેખોમાં તેમના નામની સાથે 'પરમ પરમેશ્વર' વિશેષણનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો તે સમયે શૈવ ધર્મના અનુયાયીઓ માટે ઉપયોગ થતો હતો; પરંતુ બાણભટ્ટ અને હ્યુ-એન-ત્સાંગ બંનેએ લખ્યું છે કે પોતાના જીવનના ઉત્તરાર્ધમાં હર્ષ બૌદ્ધ ધર્મના અનુયાયી બની ગયા હતા અને ભગવાન બુદ્ધમાં તેમને ઊંડી શ્રદ્ધા જાગી હતી.

હર્ષનાં બે નાટકો 'રત્નાવલી' અને 'પ્રિયદર્શિકા'માં જે દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે તે બધા વૈદિક ધર્મના છે, પરંતુ હર્ષના ત્રીજા નાટક 'નાગાનંદ'માં તેમણે બુદ્ધને દેવતા માનીને તેમની સ્તુતિ કરી છે, પરંતુ તેની સાથે જ તેમાં ગરુડ અને ગૌરીની સ્તુતિ પણ છે.

રાધાકુમુદ મુખરજીએ લખ્યું છે, "સમ્રાટ હર્ષ શરૂઆતમાં બુદ્ધ ધર્મના અનુયાયી નહોતા, પરંતુ પછીથી બૌદ્ધ ધર્મ અપનાવ્યો. ત્યાર પછી પણ તેમણે અન્ય ધર્મોની ઉપેક્ષા ન કરી."

"અશોક અને કનિષ્કની જેમ હર્ષે બૌદ્ધ ધર્મનો પ્રચાર ન કર્યો, પરંતુ પતનની તરફ ધકેલાઈ રહેલા બૌદ્ધ ધર્મના સંરક્ષણનું શ્રેય હર્ષને આપવામાં આવે છે. તેમણે કનોજની ધાર્મિકસભા અને પ્રયાગની મહામોક્ષ પરિષદમાં પહેલાં ભગવાન બુદ્ધની પૂજા કરીને બૌદ્ધ ધર્મની મહત્તા વધારી."

હર્ષના દરબારમાં હ્યુ-એન-ત્સાંગ

સમ્રાટ હર્ષવર્ધન, ગુપ્ત સામ્રાજ્ય, સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત, સમ્રાટ હર્ષવર્ધનનું શાસન કેવું હતું, બૌદ્ધ ધર્મને આશરો, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હ્યુ-એન-ત્સાંગ ચીન પાછા જાય તે પહેલાં સમ્રાટ હર્ષે તેમને પોતાના દરબારમાં વાદ-વિવાદ (ચર્ચા) કરવા માટે બોલાવ્યા હતા. તે સમયે હર્ષનું શાસન તેના શિખર પર હતું. આની પહેલાં એ બંનેની મુલાકાત થઈ ચૂકી હતી અને બંને એકબીજાના મિત્ર બની ગયા હતા.

હ્યુ-એન-ત્સાંગ ઈ.સ. 643માં હર્ષવર્ધનના દરબારમાં આવ્યા હતા. તે સમયે હર્ષના શાસનકાળનાં 37 વર્ષ થઈ ગયાં હતાં, હર્ષ 40 વર્ષ કરતાં વધુ સમય ગાદી પર રહ્યા.

આ મુલાકાતમાં હર્ષે હ્યુ-એન-ત્સાંગને ચીન અને તેના શાસક વિશે ઘણા સવાલ પૂછ્યા અને ચીન વિશેની પોતાની માહિતી જણાવીને હ્યુ-એન-ત્સાંગને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

આ દરમિયાન હર્ષે ચીનના રાજા તાઇઝોંગને પોતાના દૂતો દ્વારા બોધ ગયાના બોધિવૃક્ષનો એક છોડ તથા બૌદ્ધ ચિકિત્સકીય અને ખગોળીય આલેખ ભેટમાં મોકલ્યા. હર્ષના દરબારમાં હ્યુ-એન-ત્સાંગે ઘણા વિદ્વાનો સાથે વાદવિવાદ કર્યો.

વિલિયમ ડૅલરિમ્પિલે પોતાના પુસ્તક 'ધ ગોલ્ડન રોડ'માં લખ્યું છે, "હ્યુ-એન-ત્સાંગે હર્ષ પાસેથી મળેલા હાથી પર બેસીને ચીન પાછા ફરવાની મુસાફરી શરૂ કરી. હર્ષે તેમની સાથે પોતાના ચાર અધિકારીને પણ ચીન મોકલ્યા. તેમની પાસે હર્ષે લખેલા પત્ર હતા, જેમાં વચ્ચે આવતાં રાજ્યોના રાજાઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ હ્યુ-એન-ત્સાંગના દળને દરેક પ્રકારની સહાયતા કરે અને ઘોડા ઉપલબ્ધ કરાવે."

મૃત્યુ પછી સામ્રાજ્ય વેરવિખેર થયું

સમ્રાટ હર્ષવર્ધન, ગુપ્ત સામ્રાજ્ય, સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત, સમ્રાટ હર્ષવર્ધનનું શાસન કેવું હતું, બૌદ્ધ ધર્મને આશરો, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, bloomsbury publishing

હર્ષને પ્રાચીન ભારતના ઇતિહાસના સર્વશ્રેષ્ઠ સમ્રાટોમાંના એક ગણવામાં આવે છે.

કેએમ પણિક્કરે પોતાના પુસ્તક 'શ્રીહર્ષ ઑફ કન્નોજ'માં લખ્યું છે, "હર્ષ ચંદ્રગુપ્ત મૌર્યથી શરૂ થતી એ શાસકોની લાંબી યાદીના અંતિમ શાસક હતા, જેમના સમયમાં દુનિયાએ ભારતને એક પ્રાચીન અને મહાન સભ્યતા તરીકે જ નહીં, પરંતુ માનવતાની ઉન્નતિ માટે કાર્યશીલ એક સુવ્યવસ્થિત અને શક્તિશાળી રાજ્ય તરીકે જોયું."

"એમાં સહેજે શંકા નથી કે એક શાસક, કલાના સંરક્ષક અને સાહિત્યકાર તરીકે હર્ષને ભારતીય ઇતિહાસમાં એક ઊંચું સ્થાન પ્રાપ્ત થશે."

ઈ.સ. 655માં તેમણે અંતિમ શ્વાસ લીધા, પરંતુ કેટલાક ઇતિહાસકારો માને છે કે હર્ષ ચંદ્રગુપ્ત મૌર્ય અને સમુદ્રગુપ્તની જેમ એવું સામ્રાજ્ય સ્થાપવામાં અસમર્થ રહ્યા જે તેમના પછી પણ વર્ષો સુધી જળવાઈ રહે.

તેમના મૃત્યુ પછી તરત જ તેમનું સામ્રાજ્ય વેરવિખેર થઈ ગયું. સંભવતઃ તેનું એક કારણ એ હતું કે હર્ષને એક પણ સંતાન નહોતું અને તેમણે પોતાના કોઈ યોગ્ય ઉત્તરાધિકારી પણ નક્કી નહોતા કર્યા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન