તમારા નાકથી કેવી રીતે જાણી શકાય કે તમારા જીવનમાં કેટલું ટેન્શન છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, નાક, સ્વાસ્થ્ય, આરોગ્ય

ઇમેજ સ્રોત, Kevin Church/BBC

ઇમેજ કૅપ્શન, જમણી તરફ થર્મલ ઇમેજમાં દેખાઈ રહેલા નાકના તાપમાન ઘટાડો એટલા માટે થાય છે, કારણ કે તણાવ આપણા રક્તપ્રવાહ પર અસર કરે છે
    • લેેખક, વિક્ટોરિયા ગિલ
    • પદ, સાયન્સ સંવાદદાતા, બીબીસી ન્યૂઝ

જ્યારે મને અજાણ્યા લોકો સામે અચાનક પાંચ મિનિટ ભાષણ આપવા અને એ બાદ 17-17 મિનિટના અંતરે 2023થી શરૂ કરીને ઊલટી ગણતરી કરવા કહેવાયું ત્યારે મારા ચહેરાનો તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

ખરેખર, સસેક્સ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક આ થોડા ગભરાવનારા અનુભવને એક ને એક રિસર્ચ પ્રોજેક્ટ માટે કૅમેરા પર રેકૉર્ડ કરી રહ્યા હતા. તેમાં તેઓ થર્મલ કૅમેરાની મદદથી તણાવનો અભ્યાસ કરી રહ્યા હતા.

તણાવ ચહેરા પર લોહીના પ્રવાહને અસર કરે છે અને મનોવૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે નાકના તાપમાનમાં ઘટાડાથી તણાવના સ્તરનો અંદાજ આવી શકે છે.

આનાથી એવું પણ જોઈ શકાય છે કે તણાવ બાદ વ્યક્તિ કેટલી જલદી સામાન્ય સ્થિતિમાં પરત ફરે છે. અભ્યાસ સાથે સંકળાયેલા મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે થર્મલ ઇમેજિંગ તણાવ પર રિસર્ચમાં એક "ગેમ ચેન્જર" સાબિત થઈ શકે છે.

હું જે પ્રયોગવાળી સ્ટ્રેસ ટેસ્ટમાંથી પસાર થઈ, એ ખૂબ સમજી-વિચારીને એવી રીતે ડિઝાઇન કરાઈ હતી જેથી લોકોને પરેશાની થાય. મને, યુનિવર્સિટી પહોંચી ત્યાં સુધી એ વાતનો અંદાજ નહોતો કે હું કઈ પ્રક્રિયામાંથી પસાર થવાની છું.

પહેલાં મને એક ખુરશી પર બેસાડીને હૅડફોન પર વ્હાઇટ નૉઇઝ સાંભળવાનું કહેવાયું. વ્હાઇટ નૉઇઝ એક એવો અવાજ હોય છે, જેમાં અલગ અલગ ફ્રિક્વન્સીના સાઉન્ડ હોય છે.

અલગ અલગ ફ્રિક્વન્સીવાળા અવાજોને મિક્સ કરાયા બાદ જે ઘોંઘાટ થાય છે, તેને 'વ્હાઇટ નૉઇઝ' કહેવામાં આવે છે. તેનો ઊંઘ લાવવા માટે એકાગ્રતા વધારવા કે બહારના અવાજોથી ધ્યાન ભટકાવવાથી બચવા માટે ઉપયોગ કરાય છે.

તણાવ અંગે કેવી રીતે ખબર પડે છે?

અત્યાર સુધી તો બધું ઠીક જઈ રહ્યું હતું, એકદમ શાંતિપૂર્ણ.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ બાદ આ ટેસ્ટ કરનારા રિસર્ચરોએ ત્રણ અજાણ લોકોને રૂમમાં બોલાવ્યા.

એ બધા મને ચૂપચાપ એકીટસે જોવા લાગ્યા. એ બાદ રિસર્ચરે મને જણાવ્યું કે મારી પાસે હવે માત્ર ત્રણ મિનિટ છે અને મારે મારી 'ડ્રીમ જૉબ' વિશે પાંચ મિનિટ વાત કરવાની છે.

આ સાંભળ્યા બાદ મને મારા ગળાની આસપાસ ગરમી લાગવા માંડી, મનોવૈજ્ઞાનિકોએ થર્મલ કૅમેરાથી મારા ચહેરાનો રંગ બદલાતા રેકૉર્ડ કર્યો. મારા નાકનું તાપમાન તીવ્ર ઝડપે નીચે આવી ગયું. એ થર્મલ ઇમેજમાં વાદળી થઈ ગયું.

આ બધું ત્યારે થયું જ્યારે હું વિચારી રહી હતી કે કોઈ પણ જાતની તૈયારી વગર હું પાંચ મિનિટમાં શું વાત કરું. બાદમાં મેં બોલવાની શરૂઆત કરી કે હું અવકાશયાત્રીઓના પ્રશિક્ષણ કાર્યક્રમમાં સામેલ થવા માગું છું.

સસેક્સના રિસર્ચરોએ આ સ્ટ્રેસ ટેસ્ટ (તણાવની તપાસ માટેની ટેસ્ટ) 29 વૉલંટિયર્સ પર કરાઈ. દરેકના નાકના તાપમાનમાં ત્રણથી છ ડિગ્રીનો ઘટાડો થઈ ગયો.

મારા નાકનું તાપમાન બે ડિગ્રી ઘટ્યું, કારણ કે મારા નર્વસ સિસ્ટમે નાકમાંથી લોહીનો પ્રવાહ ઘટાડીને આંખ અને કાન તરફ મોકલી આપ્યો. શરીરની આ પ્રતિક્રિયા એટલા માટે પણ હતી, જેથી હું ખતરાને જોઈ અને સાંભળી શકું.

આ રિસર્ચમાં સામેલ મોટા ભાગના લોકો મારી જેમ જ જલદી જ સામાન્ય થઈ ગયા, કેટલીક મિનિટો બાદ તેમના નાક ફરી ગરમ થઈ ગયા.

મુખ્ય રિસર્ચર પ્રોફેસર ગિલિયન ફૉરેસ્ટરે જણાવ્યું કે રિપોર્ટર અને બ્રૉડકાસ્ટર હોવાને કારણે મને કદાચ "તણાવપૂર્ણ પરિસ્થિતિઓની ટેવ" છે.

તેમણે મને જણાવ્યું, "તમે કૅમેરા સામે વધુ અજાણ લોકો સાથે વાત કરો છો, તેથી તમારામાં કદાચ આ પ્રકારની પરિસ્થિતિમાં તણાવ વેઠવાની સહનશક્તિ વધુ છે."

"પરંતુ તમારા જેવી વ્યક્તિમાં પણ લોહીના પ્રવાહમાં બદલાવ થવો એ બતાવે છે કે 'નાકનું ઠંડું પડવું' એ તણાવના બદલાવનો એક ભરોસાપાત્ર સંકેત છે."

'નાક ઠંડું પડવું'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, નાક, સ્વાસ્થ્ય, આરોગ્ય

ઇમેજ સ્રોત, Kevin Church/BBC News

ઇમેજ કૅપ્શન, જ્યારે આપણે અત્યંત તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણું 'નાક ઠંડું પડવા'ની ક્રિયા માત્ર અમુક મિનિટોમાં જ થાય છે

આમ તો તણાવ જીવનનો ભાગ છે, પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ રિસર્ચથી તણાવને ખતરનાક સ્તર સુધી પહોંચવાથી રોકી શકાય છે.

પ્રોફેસર ફૉરેસ્ટર કહે છે કે, "કોઈના નાકના તાપમાનને સામાન્ય થવામાં જેટલો સમય લાગે છે, આ એ વાતનો સંકેત હોઈ શકે છે કે એ વ્યક્તિ પોતાના તણાવને કેટલી સારી રીતે સંભાળી શકે છે."

"જો તેનામાંથી બહાર આવવાની પ્રક્રિયા અસામાન્ય રીતે ધીમી હોય તો શું એ ચિંતા કે અવસાદનો સંકેત હોઈ શકે છે? અને શું આપણે એના માટે કંઈક કરી શકીએ ખરા?"

ખરેખર, આ તકનીક કોઈ પણ જાતના હસ્તક્ષેપ વિના માત્ર શારીરિક પ્રતિક્રિયાને માપે છે, તેથી આ બાળકો કે એવા લોકોમાં તણાવની નિગરાની કરવામાં ઉપયોગી બની શકે છે, જે વાતચીત નથી કરતા.

મારી સ્ટ્રેસ ટેસ્ટનો બીજો ભાગ તો મારી નજરમાં પહેલાં કરતાં વધુ મુશ્કેલ હતો. મારે 17 મિનિટના અંતર સાથે 2023થી ઊંધી ગણતરી કરવા કહેવાયું. જ્યારે હું ભૂલ કરતી, ત્રણ અજાણ્યા લોકોની એ પૅનલમાંથી કોઈ ને કોઈ મને ટોકી દેતો અને ફરીથી ઊલટી ગણતરીની શરૂઆત કરવાનું કહેતા.

હું માનું છું કે હું માનસિકપણે ગણતરી કરવામાં ખરાબ છું.

જેમ જેમ ગણતરી કરવાની કોશિશમાં ફસાતી રહી, મને બસ એવું લાગી રહ્યું હતું કે આ રૂમમાંથી કંઈ કરીને ભાગી છૂટું.

આ રિસર્ચમાં સામેલ 29 વૉલંટિયર્સમાંથી માત્ર એકે જ અધવચ્ચે ટેસ્ટ છોડીને રૂમમાંથી બહાર જવાનું કહ્યું.

અન્ય લોકોએ મારી જેમ જ આ ટેસ્ટ પૂરી કરી.

ભલે ટેસ્ટ દરમિયાન અપમાનજનક અહેસાસ થયો હોય, પરંતુ અંતે અમને હૅડફોન પર કંઈક શાંતિપૂર્ણ સાંભળવા માટે આપી દેવાયું.

ચિમ્પાન્ઝીઓનો વીડિયો બતાવ્યા બાદ શું થયું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, નાક, સ્વાસ્થ્ય, આરોગ્ય

ઇમેજ સ્રોત, Gilly Forrester/University of Sussex

ઇમેજ કૅપ્શન, અભયારણ્યમાં રહેતા ચિમ્પાન્ઝીઓ અને ગોરિલ્લાને સામાન્ય રીતે એવી સ્થિતિમાંથી કાઢવામાં આવ્યા હોય છે, જ્યાં તેમણે ખૂબ તણાવ કે તકલીફ વેઠી હોય છે

પ્રોફેસર ફૉરેસ્ટરે ઑક્ટોબરમાં લંડનમાં થનારા સાયન્ટિફિક લાઇવ ઇવેન્ટમાં દર્શકો સામે તણાવ માપવાની આ રીતને રજૂ કરી.

કદાચ આ રીતની સૌથી આશ્ચર્યચકિત કરનારી વાત એ છે કે થર્મલ કૅમેરા શરીરની એ સ્વાભાવિક પ્રતિક્રિયાને પકડી લે છે, જે તણાવ સમયે આપમેળે થાય છે અને માત્ર માણસોમાં જ નહીં, પરંતુ ચિમ્પાન્ઝી, ગોરિલ્લા જેવાં પ્રાણીઓમાં પણ થાય છે.

તેથી આ તકનીક તેમના પર પણ કામ કરી શકે છે.

રિસર્ચર હાલના સમયમાં તેને ચિમ્પાન્ઝી અને ગોરિલ્લાનાં સંરક્ષણ સ્થળોમાં ઉપયોગ કરવા માટે તૈયાર કરી રહ્યા છે. તેમનો હેતુ એ સમજવાનો છે કે આ પ્રાણીઓના તણાવને કેવી રીતે ઘટાડવામાં આવે. ખાસ કરીને જે પ્રાણીઓને મુશ્કેલ સ્થિતિમાંથી બચાવીને લવાયાં છે, તેમનું જીવન કેવી રીતે બહેતર બનાવાય.

ટીમને જાણવા મળ્યું કે જ્યારે પુખ્ત ચિમ્પાન્ઝીઓને નાનાં ચિમ્પાન્ઝીઓના વીડિયો દેખાડાયા, તો તેઓ વધુ શાંત થઈ ગયા. જ્યારે રિસર્ચરોએ તેમના વાડાની પાસે એક સ્ક્રીન લગાવી અને વીડિયો ચલાવ્યા તો તેમના નાકનું તાપમાન વધી ગયું એટલે કે તેઓ શાંત થઈ ગયા.

એટલે કે તણાવના મામલે, નાનાં પ્રાણીઓને રમતા જોઈને અચાનક ઇન્ટરવ્યૂ આપવા કે હિસાબ કરવાથી બિલકુલ ઊલટી અસર થાય છે.

આવાં અભયારણ્યોમાં થર્મલ કૅમેરાનો ઉપયોગ ખૂબ કામનું સાબિત થઈ શકે છે. આનાથી એ પ્રાણીઓને પોતાના નવા માહોલ અને ગ્રૂપમાં ઢળવામાં મદદ મળી શકે છે, જેમણે પહેલાં ખૂબ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો છે.

સસેક્સ યુનિવર્સિટીનાં રિસર્ચર મરિએન પૈસલી જણાવે છે કે, "આ પ્રાણીઓ આપણને તેઓ કેવું અનુભવી રહ્યાં છે એ નથી બતાવી શકતાં, અને ઘણી વખત તો તેઓ પોતાના અસલ અહેસાસને છુપાવવામાં પણ ખૂબ પાવરધાં હોય છે."

તેઓ કહે છે કે, "અમે ગત 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી પ્રાઇમેટ્સનો અભ્યાસ કર્યો છે, જેથી માણસો અંગે સારી રીતે સમજી શકાય."

"હવે જ્યારે અમને મનુષ્યના માનસિક સ્વાસ્થ્ય અંગે આટલું બધું ખબર પડી ગઈ છે, તો કદાચ હવે એ સમજનો થોડોક લાભ પરત પ્રાણીઓને મળે એ સમય પાકી ગયો છે."

જો આ નાના વૈજ્ઞાનિક પ્રયોગમાં મેં વેઠેલી તકલીફ આપણા આ દૂરના સંબંધીઓની તકલીફ થોડી ઘટાડવામાં કામ લાગે તો એ સારું છે.

વધારાનું રિપોર્ટિંગ : કેટ સ્ટીફન્સ, ફોટોગ્રાફી : કેવિન ચર્ચ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન