ફટાકડા સૌપ્રથમ કોણે અને ક્યાં ફોડ્યા હતા, તેનો ઇતિહાસ શું છે અને ભારત કઈ રીતે આવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા ખાસ પ્રસંગોએ આતશબાજી (ફટાકડા)નો ઉપયોગ ખુશી અને ઉજવણી માટે કરવામાં આવે છે. ભારતમાં દિવાળીના અવસરે દેશના ઘણા ભાગોમાં રાત્રે આકાશ ફટાકડાની રોશનીના ઝગમગાટથી દીપી ઊઠે છે.
પરંતુ આતશબાજીની આ પરંપરા માત્ર ભારત સુધી સીમિત નથી, બલકે આખા વિશ્વમાં અનેક એવા દેશ છે જ્યાં લોકો ફટાકડાની સાથે ઉત્સવ ઊજવે છે.
અમેરિકામાં 4 જુલાઈએ સ્વતંત્રતા દિવસના પ્રસંગે આખા દેશમાં આતશબાજી થાય છે. કૅનેડામાં 1 જુલાઈએ કૅનેડા ડેના અવસરે આતશબાજી થાય છે, જ્યારે ફ્રાન્સમાં 14 જુલાઈએ 'બૅસ્ટીલ ડે' પરેડ પછી આતશબાજી કરવામાં આવે છે.
ચીન અને એશિયાના ઘણા દેશોમાં લૂનર ન્યૂ યર દરમિયાન વિશેષ કાર્યક્રમ કરવામાં આવે છે અને લાખો ફટાકડા ફોડવામાં આવે છે. જ્યારે મૅક્સિકોમાં ક્રિસમસ પણ ફટાકડા ફોડવા સાથે ઊજવવામાં આવે છે.
પરંતુ આ રંગીન ફટાકડાની કહાનીની શરૂઆત અહીંથી નથી થતી. તેનાં મૂળ ચીનમાં છે, જ્યાં બારૂત (ગનપાઉડર)ની શોધની સાથે જ આતશબાજીનો જન્મ થયો હતો.
ઇતિહાસના જાણકાર ડૉક્ટર ટોનિયો ઍંડ્રાડેએ પોતાના પુસ્તક 'ધ ગનપાઉડર એજ'માં લખ્યું છે કે ગનપાઉડરનો આવિષ્કાર ચીનમાં થયો અને તેમણે ટૂંક સમયમાં જ તેનો સેના માટે હથિયાર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું.
પછીથી યાત્રાઓ અને વેપારના માધ્યમથી ગનપાઉડર ભારત, યુરોપ સહિત દુનિયાના બીજા દેશો સુધી પહોંચ્યો અને તેનો ઉપયોગ ખાસ પ્રસંગો અને તહેવારોએ થવા લાગ્યો.
ફટાકડા અને આતશબાજીના ઇતિહાસ અને વર્તમાન સાથે જોડાયેલી પાંચ મોટી વાતો જાણીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફટાકડાની શરૂઆત ક્યાંથી થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
એવું મનાય છે કે ઈ.સ. પૂર્વે બીજી સદીમાં ચીનમાં લોકો વાંસના ટુકડાને આગમાં નાખી દેતા હતા. જ્યારે વાંસની અંદરની હવા ગરમ થઈને ફેલાતી હતી, ત્યારે તે જોરદાર અવાજ સાથે ફાટી જતા હતા. લોકો માનતા હતા કે આ જોરદાર અવાજથી ખરાબ આત્માઓ ભાગી જાય છે.
તેની ઘણી સદીઓ પછી ચીનના રસાયણવિદોએ ભૂલથી બારૂત (ગનપાઉડર)ની શોધ કરી. જ્યારે આ બારૂતને વાંસ કે કાગળની નળીઓમાં ભરવામાં આવ્યો, ત્યારે પહેલી વખત તેમાં ધડાકો અને રોશની જોવા મળી. અહીંથી વિશ્વમાં આતશબાજીની શરૂઆત થઈ.
ધીમે ધીમે આ કળા ચીનથી યુરોપ સુધી પહોંચી. સમયની સાથે તેમાં નવી ટેક્નિકો જોડાતી ગઈ અને ફટાકડા વધુ રંગીન, ઊંચાઈ સુધી પહોંચતા અને જોરદાર અવાજવાળા બનતા ગયા.
આજે ફટાકડા ફક્ત મનોરંજનનું સાધન નથી, પરંતુ તહેવારો, લગ્નો અને સમારંભોમાં અગત્યનો ભાગ બની ગયા છે.
સાથે જ, હવે પર્યાવરણ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ સુરક્ષિત અને ગ્રીન ફટાકડાનો વિકાસ પણ કરવામાં આવી રહ્યો છે, જેથી એન્ટરટેઇનમેન્ટની સાથે સાથે સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવે.
ફટાકડાના રંગ કઈ રીતે બને છે?

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે આપણે ફટાકડા ફોડીએ છીએ ત્યારે આકાશમાં ઘણા રંગ દેખાય છે અને દૃશ્ય ખૂબ સુંદર દેખાય છે, પરંતુ શું તમે જાણો છો કે આ રંગ કઈ રીતે બને છે?
ફટાકડામાં અમુક ખાસ પ્રકારનું રસાયણ હોય છે. જ્યારે ફટાકડા સળગે છે ત્યારે આ રસાયણ ગરમ થઈને જુદા-જુદા રંગનો પ્રકાશ રેલાવે છે.
શરૂઆતના સમયમાં ફટાકડામાં કોઈ રંગ નહોતા. બારૂત સળગે ત્યારે ફક્ત નારંગી પ્રકાશ નીકળતો હતો, જે અંધારામાં ચમકતો હતો.
19મી સદીમાં યુરોપના વૈજ્ઞાનિકોએ એ શોધી કાઢ્યું કે જો જુદા-જુદા મેટલ બેઝ્ડ કમ્પાઉન્ડ ફટાકડામાં ભેળવવામાં આવે, તો તેમાં રંગીન પ્રકાશ ઉત્પન્ન કરી શકાય છે.
ઉદાહરણ તરીકે લાલ રંગ સ્ટ્રોંશિયમથી, લીલો રંગ બેરિયમથી અને સફેદ પ્રકાશ ટાઇટેનિયમ, જિરકોનિયમ અને મૅગ્નેશિયમના મિશ્રણથી બને છે.
વાદળી રંગ સૌથી અઘરો મનાય છે. વાદળી રંગ કૉપર એટલે કે ત્રાંબાથી બને છે, પરંતુ જો તાપમાન વધુ વધી જાય તો રંગ અદૃશ્ય થઈ જાય છે અને જો ઓછું રહે તો રંગ બનતો જ નથી.
આ જ કારણ છે કે ફટાકડા બનાવનારા નિષ્ણાતો માટે 'પરફેક્ટ બ્લૂ' આજે પણ એક પડકાર મનાય છે.
સૌથી વધારે ફટાકડા કોણ ખરીદે છે?

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયામાં આતશબાજીની સૌથી મોટી ખરીદદાર વૉલ્ટ ડિઝની કંપની મનાય છે.
કહેવાય છે કે ડિઝની દર વર્ષે ફટાકડા પાછળ લગભગ 5 કરોડ ડૉલરનો ખર્ચ કરે છે, જેથી દુનિયાભરમાં તેના થીમ પાર્ક્સમાં પ્રત્યેક રાત્રે થતા આતશબાજીના શો ચાલુ રહી શકે.
ગિનીસ વર્લ્ડ રેકૉર્ડ અનુસાર અત્યાર સુધીનું સૌથી મોટું આતશબાજી પ્રદર્શન 2016ના નવા વર્ષના સ્વાગત દરમિયાન ફિલિપાઇન્સના ચર્ચ ઑફ ક્રાઇસ્ટમાં થયું હતું.
આ શોમાં એક કલાકથી થોડા વધુ સમયમાં કુલ 8,10,904 ફટાકડા ફોડવા-છોડવામાં આવ્યા હતા.
રસપ્રદ વાત એ છે કે સમગ્ર પ્રદર્શન દરમિયાન સતત વરસાદ પડતો રહ્યો, પરંતુ આતશબાજી રોકાવાના બદલે વધુ ઝળહળાટભરી દેખાઈ.
ભારતમાં ફટાકડાનો યુગ કઈ રીતે શરૂ થયો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જાણકારોનું કહેવું છે કે ભારતમાં ફટાકડાનું ચલણ ગનપાઉડર આવવાની સાથે શરૂ થયું.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મધ્યકાલીન ભારતનો ઇતિહાસ ભણાવનાર પ્રોફેસર સૈયદ અલી નદીમ રેઝવીએ બીબીસીના સંવાદદાતા ઇફ્તેખાર અલી સાથેની વાતચીતમાં કહ્યું કે આ પરંપરા લગભગ 15મી સદીમાં શરૂ થઈ.
આ એ કાળખંડ હતો જેમાં પોર્ટુગીઝ (ફિરંગી) ભારત આવ્યા હતા. તેમના સમયમાં હથિયારો તરીકે ગનપાઉડરનો ઉપયોગ વધ્યો.
પ્રોફેસર રેઝવી અનુસાર, "શરૂઆતમાં માત્ર સેનામાં જ ગનપાઉડરનો ઉપયોગ કરાતો હતો. ધીમે ધીમે ભારતે ફૂલઝડી બનાવવાની તકનીક ચીન પાસેથી શીખી અને આ બંનેના મિશ્રણથી અહીં ફટાકડાનો પાયો નંખાયો."
પ્રોફેસર સૈયદઅલી નદીમ રેઝવીનું કહેવું છે કે મુગલ સલ્તનતના સંસ્થાપક ઝહીર-ઉદ-દીન મોહમ્મદ બાબર પણ મધ્ય એશિયાથી આ તકનીક શીખીને આવ્યા હતા.
બાબરે હથિયારોમાં તેનો ઘણો ઉપયોગ કર્યો. સાથે જ તેમણે ભારતમાં ફટાકડાનું ચલણ ફેલાવ્યું.
પછીથી, મુઘલોના યુગમાં તહેવારો અને ઉત્સવોમાં ફટાકડાનો ઉપયોગ સામાન્ય બની ગયો.
પ્રોફેસર રેઝવી પહેલાંના અને આજના ફટાકડા વચ્ચેનો ફરક જણાવે છે. તેમનું કહેવું છે કે પહેલાં ફટાકડામાં માત્ર ઑર્ગેનિક સામગ્રીનો ઉપયોગ થતો હતો. આજે બજારમાં મળતા ફટાકડામાં ઘણા પ્રકારનાં કેમિકલ્સ હોય છે, જેનાથી નુકસાન થાય છે.
તેઓ કહે છે કે જૂના જમાનામાં બનેલા ફટાકડાથી એવી દુર્ઘટના નહોતી થતી, જેવી આજે થાય છે. જોકે, એ સમયે પણ આ વસ્તુ સંપૂર્ણ સુરક્ષિત નહોતી, પરંતુ તેમાં રાસાયણિક તત્ત્વોનો ઉપયોગ સીમિત હતો.
દિવાળી કે કોઈ પણ તહેવાર અને ઉત્સવના પ્રસંગે ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સલાહ પર્યાવરણ અને આપણા આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે.
ગ્રીન ફટાકડા એટલે શું?
ગ્રીન ફટાકડા જોવા, ફોડવા અને અવાજની બાબતમાં સામાન્ય ફટાકડા જેવા જ દેખાય છે, પરંતુ તેનાથી પ્રદૂષણ ઓછું ફેલાય છે.
સામાન્ય ફટાકડાની તુલનાએ તેને ફોડવાથી લગભગ 40થી 50 ટકા જેટલો ઓછો હાનિકારક ગૅસ ઉત્પન્ન થાય છે.
નૅશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (નીરી)નાં મુખ્ય સાયન્ટિસ્ટ ડૉક્ટર સાધના રાયલૂ જણાવે છે કે ગ્રીન ફટાકડાથી પણ નુકસાનકારક ગૅસનું ઉત્સર્જન થાય છે, પરંતુ તેનાથી પ્રદૂષણનું સ્તર પારંપરિક ફટાકડાની સરખામણીએ ઘણું ઓછું હોય છે.
તેમના અનુસાર, સામાન્ય ફટાકડા ફોડવાથી મોટી માત્રામાં નાઇટ્રૉજન અને સલ્ફર જેવા ગૅસનું ઉત્સર્જન થાય છે. ગ્રીન ફટાકડા પર થયેલાં અનેક સંશોધનોનો હેતુ આ હાનિકારક તત્ત્વોની માત્રા ઘટાડવાનો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












