40 દિવસમાં 100 વાનગી : જ્યાં જમાઈનું ભર્યાં ભાણે આવું સ્વાગત થાય એ ભારતીય પરંપરા શું છે?

ઇમેજ સ્રોત, Anupama Ramakrishnan
- લેેખક, અનુપમા રામક્રિષ્નન
- પદ, બીબીસી ટ્રાવેલ
દક્ષિણ ભારતમાં 700થી વધુ વર્ષોથી એક અસાધારણ પરંપરા જાળવી રાખવામાં આવી છે. તેમાં જમાઈને તેમનાં સાસુ દ્વારા તાજી તૈયાર કરેલી વાનગીઓનો રસથાળ પીરસવામાં આવે છે.
ભારત ભવ્ય મિજબાનીઓ સહિતના અનેક દિવસોનાં વૈભવી લગ્નો માટે પ્રખ્યાત છે, પરંતુ દેશના તમામ વૈવાહિક રિવાજો પૈકીનો એક પણ રિવાજ 'પુયુપ્પલા પેરુક્કલ' જેટલો અનોખો અથવા સ્વાદિષ્ટ નથી. પુયપ્પલ્લા પેરુક્કલ કેરળના થલાસેલી શહેરની સદીઓ જૂની મેપ્પિલા મુસ્લિમ પરંપરા છે.
એલચી, મરી અને લવિંગનાં ઉત્પાદન માટે પ્રખ્યાત થલાસેલી દરિયા કિનારે આવેલું એક શહેર છે, જે એક સમયે તેજાનાના વૈશ્વિક વેપારનાં કેન્દ્રો પૈકીનું એક હતું.
બ્રિટિશરોએ 1683માં દક્ષિણ-પશ્ચિમ ભારતના મલબાર કિનારે થલાસેરીને પોતાની પ્રથમ વસાહત તરીકે સ્થાપિત કર્યું તે પહેલાં પોર્ટુગીઝ નેવિગેટર્સ અને ડચ વેપારીઓ તેના પર નિયંત્રણ માટે સ્પર્ધા કરતા હતા.
એ પછીની સદીઓ દરમિયાન અરબી, પર્શિયન, ડચ, બ્રિટીશ અને ભારતીય પ્રભાવનું મિશ્રણ ભારતની સૌથી વૈવિધ્યસભર પાક કલા પૈકીના એક અને તેની કેટલીક અત્યંત સ્વાદિષ્ટ વાનગીઓ માટે એક થયું છે.
આશ્ચર્યજનક વૈવાહિક પરંપરા

ઇમેજ સ્રોત, Anupama Ramakrishnan
આ શહેર પર પોતાની પાક કલાની છાપ અનેક સંસ્કૃતિઓએ છોડી છે, પરંતુ એ પૈકીના એકેય મેપ્પિલા મુસ્લિમો જેટલી વિશિષ્ટ નથી. મેપ્પિલા મુસ્લિમોએ 13મી સદીથી ટકી રહેલી આશ્ચર્યજનક વૈવાહિક પરંપરા જાળવી રાખી છે.
પુયપ્પલા પેરુક્કલ (જમાઈનું પાલન-પોષણ) તરીકે ઓળખાતા આ સદીઓ જૂના રિવાજમાં જમાઈ તેમનાં સાસુ સાથે કન્યાના ઘરમાં મહેમાન તરીકે રહે છે. એ નિવાસ દરમિયાન તેમનાં સાસુ અને અન્ય સંબંધીઓ તેમને માટે 100 અલગ-અલગ વાનગીઓ રાંધે છે.
વાનગીઓમાં એટલું વૈવિધ્ય હોય છે કે જમાઈના 40 દિવસના નિવાસ દરમિયાન એકેયનું પુનરાવર્તન થતું નથી. કન્યાનાં માતા અને અન્ય વડીલો, માતૃસત્તાક ઘરના રસોઇયાઓના માર્ગદર્શનમાં રાંધવામાં આવેલી વિવિધ વાનગીઓ જમાઈને રોજ જમાડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિધિના મૂળ કેરળની પ્રાચીન માતૃવંશીય મરુમક્કથાયમ પ્રણાલીમાં હોવાનું માનવામાં આવે છે. એ પ્રણાલીમાં કેટલાક હિન્દુ સમુદાયોમાં મિલકત તથા વારસો મહિલાઓને આપવામાં આવતો હતો.
એ પ્રણાલીએ સમય જતાં થલાસેરીમાં મુસ્લિમોને પણ તેમના નવા જમાઈઓનું સન્માન કરવા તથા કૌટુંબિક સંબંધોને મજબૂત કરવા પુયપ્પલા પેરુક્કલ બનાવવાની પ્રેરણા આપી હોવાનું માનવામાં આવે છે.
40 દિવસના ઉત્સવમાં અવનવી વાનગીઓ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નજીકનાં ઘણાં શહેરોમાં ઘણા મપ્પીલા સમુદાયોએ તાજેતરના દાયકાઓમાં 40 દિવસના આ ઉત્સવને અપનાવવાનું શરૂ કર્યું છે.
આ વિસ્તારના જાણીતા મલિયાક્કલ પરિવારના પી. એમ. જાબીરના કહેવા મુજબ, "આ પરંપરા, અમે થલાસેરીમાં જેનું અનુસરણ કરીએ છીએ. તેમાંથી ઉધાર લેવામાં આવી છે."
થલાસેરીનો પ્રત્યેક મપ્પિલા પરિવાર ઐતિહાસિક રીતે પુયપ્પલા પેરુક્કલનું પાલન કરતો હતો. મપ્પિલા સંસ્કૃતિમાં પરિવારમાં જમાઈનું સ્વાગત કરવું તેને અત્યંત સન્માનનું પ્રતીક માનવામાં આવે છે અને સમગ્ર ભારતમાં 40ની સંખ્યાને જીવનની ઘટનાઓમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
સ્થાનિક ઇસ્લામી સંસ્કૃતિમાં તે આશીર્વાદ અને પ્રતિબિંબનું પ્રતીક છે. નવવધૂની માતાનું મૃત્યુ થઈ જાય, એ બીમાર થઈ જાય કે આ કામ કરી શકે તેમ ન હોય તો આ ભૂમિકા કોઈ અન્ય મહિલા વડીલ દ્વારા ભજવવામાં આવે છે.
થલાસેરીસ્થિત 159 વર્ષ જૂના હેરિટેજ 1886 નામના રેસ્ટોરાંનાં રસોયણ રૂબીના કલાથિયાથ કહે છે, "લગ્ન પછીના દિવસની વહેલી સવારે નવા જમાઈને શુદ્ધ ઘી નીતરતી રોટલી, પઝમ વટ્ટી (કેળાના ભજિયા) અને બાફેલાં ઈંડાં પીરસવામાં આવે છે. એ પછી નાસ્તામાં વિવિધ પ્રકારની પથિરી (ચોખાના લોટની રોટલી), અરી રોટી (ચોખાની રોટલી) કે સોનેરી નેય પથિરી (ઘીમાં તળેલી ચોખાની રોટલી) લૅમ્બ કરી સાથે પીરસવામાં આવે છે."

ઇમેજ સ્રોત, Getty Images
નાસ્તા પછી નવા જમાઈ તેમના ઘરે જવા રવાના થાય છે અને સાંજે કરકરા મસૂરના વડા, નાજુક ઉન્નાકાયા (છીણેલા નારિયેળ, એલચી અને ખાંડથી ભરપૂર બાફેલા તથા છૂંદેલાં કેળા) અને પેટ્ટી પથળ (ચિકન બૉક્સ પૅટીઝ)નો સ્વાદ માણવા સાસરે પરત આવે છે.
બપોરનું અને રાતનું ભોજન સામાન્ય રીતે ભારે હોય છે. એ ભોજન દરમિયાન અલીસા (નારિયેળના દૂધ સાથે ઘઉં અને ચિકન સ્ચ્યૂ), મુટ્ટમાલા (ખાંડની ચાસણીમાં મીઠી ઈંડાની જરદી), કક્કા રોટલી (પૂરણ સાથેની ચોખાની રોટલી), મુક્કા સિરકા (તેલમાં તળેલાં ઈંડાં સાથેના કાચા ચોખા) મૂડી પથરી (ચોખાની લેયર્ડ બ્રેડ), ઘી ભાત (શુધ્ઘ ધીમાં રાંધેલા ચોખા) અને મટન બિરયાની જેવી વાનગીઓ પીરસવામાં આવે છે.
હવે એકલા હાથે હોમસ્ટેના મહેમાનો માટે ઘરે બનાવેલા ગરમ મસાલા સાથે આ પૈકીની મોટાભાગની વાનગીઓ બનાવતા રૂબીના કલાથિયાથ કહે છે, "મેં મારાં માતા તથા દાદીને આ બધું રાંધતાં જોયાં છે. એ રીતે આ પરંપરાગત વાનગીઓ રાંધવાનો મારો શોખ ધીમે-ધીમે કેળવાયો છે."
અમુક વાનગીઓ માટે 'ચાર્જ'

ઇમેજ સ્રોત, Alamy
બીજા સપ્તાહ સુધીમાં રાતના ભોજનમાં ચિકન રોસ્ટ અને મટન સ્ટ્યૂનું પ્રભુત્વ હોય છે. રૂબીનાના કહેવા મુજબ, "એટલી બધી વાનગીઓ હોય છે કે બધાનાં નામ લેવાં મુશ્કેલ છે."
પરંપરાગત રીતે 40 દિવસની આ મિજબાની દરમિયાન નવા જમાઈ અને તેમનાં સાસુ વચ્ચેના પારસ્પરિક આદરને મજબૂત બનાવવા માટે અલિખિત નિયમોની એક શ્રેણી હોય છે. આવી એક પ્રથામાં મીન પનમનો સમાવેશ થાય છે.
રૂબીના કલાથિયાથ કહે છે, "માછલીને એક ખાસ વાનગી માનવામાં આવતી હતી અને નવા જમાઈ તેના માટે ટોકન સ્વરૂપે નાણાં ન આપે ત્યાં સુધી એ માછલીની એ વાનગી તેમને પીરસવામાં આવતી ન હતી."
"માત્ર માંસની વાનગીઓ ખાઈને કંટાળેલા વરરાજા નવવધૂને પૈસા આપતા હતા અને નવવધૂ એ પૈસા તેની માતાને આપતી હતી, જેથી માતા માછલીની વાનગીઓ બનાવી શકે. આ માટેના પૈસા ક્યારેક ગાદલા નીચે મૂકી દેવામાં આવે છે."
એવી જ રીતે ચા બનાવવા માટે ચાયા પૈસાની જરૂર પડે છે. દરેક વખતે ચા બને ત્યારે કરવી પડતી સામાન્ય ચૂકવણી. એ દર્શાવે છે કે રોજિંદા જીવન પર, આદર અને પારસ્પરિક જવાબદારીને જાળવી રાખતા રિવાજોનો કેવો પ્રભાવ હતો.
બદલાતો સમય અને પરંપરા

ઇમેજ સ્રોત, Alamy
વાનગી યોગ્ય રીતે રંધાઈ ન હોય તો વરરાજા અસંતોષ વ્યક્ત કરી શકતા હતા. જોકે, એ પ્રથા હવે ભૂતકાળ બની ગઈ છે.
ખાદિજા ટીસી નામનાં એક ગૃહિણી કહે છે, "વરરાજાને એમ લાગે કે વાનગી બરાબર નથી તો તે વિરોધમાં ઘર છોડીને ચાલ્યા જતા. કાકાઓ અને અન્ય સંબંધીઓએ વરરાજાને મનાવીને પાછા ઘરે લાવવા પડે છે. સામાન્ય રીતે જમાઈ સાસરે પાછા ફરતા હોય છે."
થલાસેરીમાં કૂકિંગ અને બૅકિંગ ક્લાસ ચલાવતાં ઝફીરા અમીને સમજાવ્યું કે 40 દિવસની આ મિજબાનીઓ એક સમયે આ વિસ્તારના દરેક મુસ્લિમ ઘરમાં સામાન્ય બાબત હતી. હવે વધુ યુગલો તેમના પરિવારથી અલગ રહેતાં થયાં છે અને અહીંના લોકો કામની શોધમાં મોટાં શહેરોમાં સ્થળાંતર કરતા થયા છે. તેથી બહુ ઓછા પરિવારો આ જૂની પરંપરાનું પાલન કરે છે.
તેમ છતાં, આ રિવાજ નાના, વધુ આધુનિક સ્વરૂપમાં ટકી રહ્યો છે. આજે કન્યાની માતા જમાઈને એક જ ભોજનમાં 40 વાનગીઓ એકસાથે પીરસી શકે છે.
પરંપરાગત મેપ્પિલા લગ્નોમાં સામેલ થવાની છૂટ બધા લોકોને હોતી નથી, પરંતુ પ્રવાસીઓ આ મિજબાનીના વિવિધ પાસાઓનો અનુભવ જાતે કરી શકે છે.

ઇમેજ સ્રોત, Anupama Ramakrishnan
થલાસેરીમાં ધ હેરિટેજ 1866 ખાતે પુયપ્પલા પેરુક્કલટ દરમિયાન ઑફર કરવામાં આવતી ઘણી લાક્ષણિક વાનગીઓનો સ્વાદ માણવા ઉપરાંત કોઝિકોડ, કોચી તથા તિરુઅનંતપુરમ્ તેમજ સંયુક્ત આરબ અમિરાત, બૅંગ્લુરુના મોપ્લાહ અને લંડનના મલબાર જંક્શન જેવી રેસ્ટોરાંમાં મપ્પિલા ભોજન પીરસવામાં આવે છે.
મપ્પીલા ભોજનનાં પ્રખ્યાત નિષ્ણાત હોમ શેફ આબિદા રશીદ કોઝિકોડમાં તેમના ઘરેથી ઇન્ટરઍક્ટિવ ક્યુલિનરી વર્કશૉપ્સ ચલાવે છે.
'મપ્પીલા મુસ્લિમ ભોજનનાં માતા' ગણાતાં શેફ ઉમ્મી અબ્દુલ્લા લિખિત મલબાર મુસ્લિમ કુકરી જેવાં પુસ્તકોમાં પરંપરાગત મપ્પીલા વાનગીઓનો સંગ્રહ જોવા મળે છે. એ પુસ્તકના આધારે વાનગી પોતાના ઘરે બનાવીને પ્રવાસીઓ તેનો સ્વાદ માણી શકે છે.
ચાલીસમા દિવસે છેલ્લી પ્લેટ સાફ થયા પછી પણ પુયપ્પા પેરુક્કલની મીઠાશ સદીઓ સુધી ટકી રહે છે અને શ્રદ્ધા તથા સ્વાદ દ્વારા પેઢીઓને એક તાંતણે સાંકળી રાખે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












