ગાઝા : હમાસ સામે બાથ ભીડનાર હથિયારધારી લોકો કોણ છે, સામસામે ફાયરિંગમાં 27નાં મોત કેવી રીતે થયાં?

ઇમેજ સ્રોત, Anadolu via Getty Images
- લેેખક, રશ્દી અબુઅલૂફ
- પદ, ગાઝા સંવાદદાતા, ઇસ્તંબૂલથી
ઇઝરાયલની સેનાએ ગાઝામાંથી પીછેહઠ કરી એ પછી હમાસના સુરક્ષાબળના સભ્યો અને દગમશ કબીલાના લડાકુ વચ્ચે હિંસક અથડામણ થઈ છે. આવા જ એક ઘર્ષણમાં ઓછામાં ઓછા 27 લોકોનાં મૃત્યુ થયાં છે.
પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, ગાઝાસ્થિત જૉર્ડનિયન હૉસ્પિટલની નજીક હમાસના બુકાનીધારી બંદૂકધારીઓ અને કબીલાના લડવૈયા વચ્ચે અથડામણ થઈ હતી.
હમાસસંચાલિત ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે, સુરક્ષાબળોએ તેમને ઘેર્યા હતા અને તેમની અટકાયતનો પ્રયાસ કર્યો હતો, ત્યારે દગમશના લડાકુ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઈ હતી.
મંત્રાલયના કહેવા પ્રમાણે, "હથિયારધારી ઉગ્રવાદીઓના હુમલામાં" તેના આઠ સભ્ય મૃત્યુ પામ્યા હતા.
તબીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શનિવારે અથડામણ શરૂ થઈ હતી, જેમાં દગમશ કબીલાના 19 સભ્યો અને હમાસના આઠ લડવૈયા મૃત્યુ પામ્યા હતા.
હિંસાની શરૂઆત કેવી રીતે થઈ?
પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, ગાઝાના તેલ અલ-હવા વિસ્તારમાં એક રહેણાકસ્થળે દગમશ કબીલાના બંદૂકધારીઓ હતા. હમાસના લગભગ 300 લડવૈયાઓએ તેમને ઘેર્યા હતા, ત્યારે આ અથડામણ થઈ હતી.
સ્થાનિકોના કહેવા પ્રમાણે, ભારે ગોળીબારીને કારણે ડઝનબંધ પરિવારો ઘર છોડી ગયા હતા. યુદ્ધને કારણે અનેક વખત નિર્વાસિત થયેલા આ પરિવારોએ વધુ એક વખત ઘર છોડવું પડ્યું હતું.
એક સ્થાનિકના કહેવા પ્રમાણે, "આ વખતે લોકોમાં ઇઝરાયલી હુમલાને કારણે નાસભાગ નહોતી મચી." અને ઉમેર્યું, "તેઓ પોતાના જ લોકોથી ભાગી રહ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દગમશ એ ગાઝાના ચર્ચિત કબીલામાંનો એક છે અને લાંબા સમયથી તેની અને હમાસની વચ્ચે તંગદિલી પ્રવર્તે છે. ભૂતકાળમાં પણ અનેક વખત દગમશ અને હમાસના લડવૈયાની વચ્ચે અથડામણ થઈ છે.
હમાસસંચાલિત ગૃહ મંત્રાલયનું કહેવું છે કે તેનાં દળો કાયદો અને વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા માટે પ્રયાસરત્ છે અને "ચળવળથી ઇત્તર કોઈ પણ જાતની હથિયારધારી પ્રવૃત્તિ" સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.
હમાસ અને દગમશ કબીલાએ હિંસાને શરૂ કરવા માટે એકબીજા પર આરોપ મૂક્યા છે.
હમાસનું કહેવું છે કે દગમશના બંદૂકધારીઓએ અમારા બે લડવૈયાની હત્યા કરી હતી અને પાંચ ઘાયલ થયા છે, જેના કારણે અમારા સમૂહે અભિયાન હાથ ધર્યું હતું.
હમાસનો ફરી કબજો જમાવવા પ્રયાસ

ઇમેજ સ્રોત, Reuters
જોકે, દગમશ પરિવારે એક સૂત્રે કહ્યું કે સ્થાનિક મીડિયાને કહ્યું હતું કે હમાસનાં સુરક્ષાબળોએ અગાઉ જૉર્ડનિયન હૉસ્પિટલમાં ઇમારતની નજીક આવ્યાં હતાં. ઇઝરાયલી હુમલામાં અલ-સાબરા રહેણાક વિસ્તારમાં તેમના ઘરને નુકસાન થયું, એ પછી તેઓ અહીં રહેવા આવ્યા હતા.
સૂત્રના જણાવ્યા પ્રમાણે, દગમશે આ ઇમારતમાં નવું ઠેકાણું પ્રસ્થાપિત કર્યું હતું, જેને ખાલી કરાવવા માટે હમાસે પ્રયાસ હાથ ધર્યો હતો.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઇઝરાયલની સેનાએ ગાઝામાંથી પીછેહઠ કરી, એ પછી આ વિસ્તાર પર પોતાનું પ્રભુત્વ પુનઃસ્થાપિત કરવા માટે હમાસે તેના લગભગ સાત હજાર સુરક્ષાકર્મીઓને ફરી બોલાવ્યા છે.
કેટલાક અહેવાલો મુજબ, અલગ-અલગ જિલ્લામાં હમાસે તેના કેટલાક એકમોને તહેનાત કરી દીધા છે. કેટલાક લોકો સિવિલ ડ્રેસમાં છે, તો અન્ય કેટલાકે ગાઝા પોલીસનો બ્લૂ યુનિફૉર્મ પહેરેલો છે.
હમાસના મીડિયા એકમે "લડવૈયાઓને રસ્તા પર તહેનાત કરવા"ની વાતને નકારી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












