કાંતારા : બિહામણી એવી ભૂત કોલાની પ્રથા શું છે, ભૂતપ્રેતની પૂજા અંગે કેવી કેવી માન્યતા છે?

- લેેખક, બાલા સતીશ
- પદ, બીબીસી સંવાદદાતા
'કાંતારા' ફિલ્મમાં દર્શાવેલી પ્રથા, ભયંકર દેખાતા દેવતાઓ અને તેમની પૂજા કરતા ગ્રામજનો. આ બધું જોઈને ઘણા લોકોનાં રુવાંટાં ઊભાં થઈ જાય છે.
કાંતારા ફિલ્મની પશ્ચાદભૂમાં ભૂત અને તેની પૂજા કરવાની પ્રથામાં ઘણા લોકોને રસ પડ્યો છે.
તાજેતરમાં તિરુમાલા બ્રહ્મોત્સવમના ભાગરૂપે કેટલાક લોકો મદાવિધૂની શેરીઓમાં ભૂતનો વેશ ધારણ કરીને આવ્યા તે વિવાદાસ્પદ બન્યું હતું.
આ એક કલા છે, ઉત્સવ છે, ગ્રામદેવતા પ્રત્યેની ભક્તિ છે કે અંધશ્રદ્ધા છે એ બાબતે વિવિધ મંતવ્યો પ્રવર્તે છે.
અલબત્ત, આ એક પ્રકારની લોકકલા જરૂર છે. તે ચોક્કસ પરિવારના લોકો પૂર્વજોની પરંપરા તરીકે રજૂ કરે છે. તેની રજૂઆત વાર્ષિક ઉત્સવ તરીકે કરવામાં આવે છે અને બધા ગ્રામજનો તેમાં ભાગ લે છે.
આ કળા રજૂ કરતા લોકો સંગીતવાદ્યોના તાલ પર નૃત્ય કરે છે અને એ સમયે તેમના શરીરમાં ગ્રામદેવતા અથવા પ્રકૃતિ દેવતાનો વાસ હોય છે, એવું માનવામાં આવે છે.
સવાલ એ છે કે આ ભૂતપૂજા શું છે? તે દેવતાઓની પૂજા છે કે આત્માઓની પૂજા છે? આ પૂજા કોણ કરે છે?, ક્યાં થાય છે? શા માટે થાય છે? તે કરવા પાછળની ભાવના શું છે? આવો, આ મહત્ત્વપૂર્ણ સવાલોના જવાબ મેળવીએ.
ભૂત કોલા અથવા દૈવ કોલાની આ પ્રથા ક્યાં પ્રચલિત છે?

ભૂત કોલા અથવા દૈવ કોલા એ તુલુ નાડુ પ્રદેશ (કેરળની સરહદ નજીકનો કર્ણાટકનો એક ભાગ) અથવા તુલુભાષી લોકોમાં પ્રચલિત પ્રથા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રથા કર્ણાટકના દક્ષિણ ભાગ અને કેરળના ઉત્તર ભાગના સરહદી વિસ્તારોમાં પ્રચલિત છે.
કર્ણાટકના દક્ષિણ કન્નડ અને ઉડુપી જિલ્લાઓ તેમજ કેરળના કાસરગોડ જિલ્લાના પશ્ચિમ ઘાટ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આ પ્રથા જોવા મળે છે.
તુલુ લોકોની સાથે કેટલાક મલયાલી લોકો પણ આ પ્રથાનું પાલન કરે છે.
કેરળનું થેયમ કલા સ્વરૂપ આ પ્રકારની ભૂત અથવા દેવતાપૂજા સાથે ગાઢ રીતે સંબંધિત છે.
કર્ણાટકના યક્ષગાનમ પર તેનો પ્રભાવ છે.
ભૂત કોલા ખરેખર શું છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોલાનો અર્થ પ્રદર્શન, ઉજવણી અને સ્વરૂપ એવો થાય છે, જ્યારે ભૂત શબ્દનો અર્થ તેલુગુ અને હિન્દીમાં ભૂત એવો થતો નથી. સંસ્કૃતમાં તેના આત્મા, પ્રાચીન, દિવ્ય, પંચમહાભૂત, શુદ્ધ અને સત્ય જેવા ઘણા અર્થ છે.
તે ત્રણ પ્રકારે કરવામાં આવે છેઃ પૂર્વજોની પૂજા, પ્રકૃતિની શક્તિઓની પૂજા અને દેવતાઓની પૂજા.
ફિલ્મ કાંતારામાં દર્શાવ્યા પ્રમાણે, આ એક ગામમાં ચોક્કસ દેવતાની પૂજા કરવાની વિધિ છે. તે ગામના અથવા એ વિસ્તારના લોકો દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. આ કળાનું પ્રદર્શન કરતા કળાકારનો કબજો ગ્રામદેવતા લઈ લે છે અને ભક્તોને આશીર્વાદ આપે છે, એવું માનવામાં આવે છે.
તુલુ પરંપરા અનુસાર, આ વિશ્વ ત્રણ ભાગમાં વહેંચાયેલું છેઃ ગ્રામ્ય એટલે ખેતી, જંગલ કે વન અને ભૂત એટલે એવી શક્તિ કે જેની પૂજા કરવામાં આવે છે અને તે પૂજાથી ગામ તથા જંગલ વચ્ચે સુમેળ સર્જાય છે.
એ ઉપરાંત આ ભૂત અને દેવતાઓ ગામના વડા કે શાસક પણ નક્કી કરે છે.
આ તહેવાર દરમિયાન ભક્તો ગામની સમસ્યાઓ, તેમની વચ્ચેના વ્યક્તિગત વિવાદો વિશે દેવતાને જણાવે છે. ભૂત કોલામાં ભૂત કે દેવતાઓ ગામની સમસ્યાઓ તથા વિવાદોનો ન્યાય પણ કરે છે. લોકો માને છે કે આ વિધિ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય લાવે છે.
અન્ય લોકોને તે એક પ્રકારનો વેશ ધારણ કરીને રજૂ કરવામાં આવતી કળા લાગી શકે છે, પરંતુ તુલુ લોકો માટે તે એક દૈવી સ્વરૂપ છે. તેથી તેઓ આ વિધિ તેમના વિસ્તારની બહાર પ્રદર્શિત કરવાનું પસંદ કરતા નથી. વેશમાં જરાય ફેરફાર કરવામાં આવે તો તેઓ સહન કરતા નથી.
આ પાછળનો હેતુ ભક્તિ તેમજ ભય નિર્માણ કરવાનો હોવાનું માનવામાં આવે છે.
ભૂત કોલા ભજવતા કળાકાર દયાનંક જી કટ્ટલસરે બીબીસીને કહ્યું હતું, "દરેક હેતુ માટે અલગ-અલગ દેવતાની પૂજા કરવામાં આવે છે. આવા ઘણા દેવતા છે. દાખલા તરીકે, પ્રકૃતિ દેવતાઓ અને દેવીકૃત પૂર્વજો (જેમણે દેવત્વ પ્રાપ્ત કર્યું છે). તુલુ નાડુમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે દેવતાઓની આ રીતે પૂજા કરવામાં આવે છે." દયાનંદ જી કટ્ટલસરેના પરિવારમાં પેઢીઓથી આ પૂજા કરવામાં આવે છે.
'ભૂત' શબ્દનો ઘણા લોકો માટે અલગ-અલગ અર્થ છે. જોકે, ઘણી વાર તેઓ "દૈવી અથવા દેવતાઓની પૂજા" એવા શબ્દનો ઉપયોગ કરે છે.
ક્યા દેવતાની પૂજા કરવામાં આવે છે?

આ પ્રકારની વિધિમાં ડઝનબંધ દેવતાની પૂજા કરવામાં આવે છે. ગામડાંમાં કેટલાક ચોક્કસ વિસ્તારોમાં, ચોક્કસ ગામો માટે, જાતિઓ માટે અને પરિવારો માટે ચોક્કસ દેવતાઓ પણ છે.
પૂર્વજોના સ્વરૂપમાં દેવતાઓ પણ છે. પ્રાણી દેવતા છે, ગ્રામ્ય દેવતા છે. નાયકો અથવા બહાદુર વ્યક્તિઓ અને ઐતિહાસિક વ્યક્તિઓના દેવતા પણ છે.
આ દેવતાઓની પૂજા જૈનો પણ કરે છે. તેમના દેવતાઓનાં ખાસ સ્વરૂપો છે. દાખલા તરીકે, પુરુષના મસ્તક અને સ્ત્રીના શરીરવાળા દેવતા, ડુક્કરના માથા અને સ્ત્રીના શરીરવાળા દેવતા. પાકનું રક્ષણ કરનાર દેવ, સમુદ્રના દેવતા અને વનના દેવતા જેવાં વિવિધ સ્વરૂપે છે.
અન્ય દેવીદેવતાઓની જેમ આ દેવતાઓની નિયમિત પૂજા ઘરોમાં થતી નથી. વાર્ષિક ગ્રામ્ય ઉત્સવો દરમિયાન આવા દેવતાઓની એક સાથે પૂજા કરવામાં આવે છે. જોકે, આ દેવતાઓનાં આભૂષણો, તેમની સાથે સંબંધિત વસ્તુઓની નિયમિત રીતે પૂજા કરવામાં આવે છે.
કુલ ત્રણ પ્રકારના દેવતા
આ દેવતાઓના કુલ ત્રણ પ્રકાર છે.
પ્રકૃતિની શક્તિઓ, પ્રાણી દેવતાઓ. દાખલા તરીકે, પંજુરલી, ગુલિગા, મલ્લારાય અને જુમાડી.
ઐતિહાસિક બહાદુર પુરુષો, આદિવાસી રક્ષક દેવતાઓઃ એક સમયે પૃથ્વી પર નિવાસ કરતા અને અલૌકિક અથવા દૈવી શક્તિઓ પ્રાપ્ત કરનારા પુરુષો, શૂરવીરો. દાખલા તરીકે, કોરાગજ્જા, કોરાદબ્બુ અને અન્નપ્પા.
મૃત પૂર્વજો: આ દેવતાઓને હિન્દુ વૈદિક અને પૌરાણિક પરંપરા સાથે સીધો સંબંધ નથી, પરંતુ આવા ઘણા દેવતાઓની વાર્તાઓ હિન્દુ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી છે.
દાખલા તરીકે, અહીંના લોકો માને છે કે ભગવાન શિવે પંજુરલી નામના દેવને પૃથ્વી પર મોકલ્યા હતા. પંજુરલી વરાહ ભગવાનનું એક સ્વરૂપ છે. જોકે, હિન્દુ પૌરાણિક કથાઓમાં ભગવાનના 10 અવતારોમાંના વરાહ અવતાર તે નથી. તે અલગ છે. તેની પાછળ એક કથા છે.
કૈલાસ પર્વત પર ભગવાન શિવના બગીચામાં એક જંગલી ભૂંડનું મૃત્યુ થાય છે. એ પછી માતા પાર્વતી તેનાં બચ્ચાંની સંભાળ રાખે છે, પરંતુ ભૂંડનું બચ્ચું મોટું થાય છે ત્યારે તે ભગવાન શિવના બગીચામાંના છોડવા અને વૃક્ષોનો નાશ કરે છે. તેથી ભગવાન શિવ તેને મારી નાખવાનું નક્કી કરે છે.
દેવી પાર્વતી વચ્ચે પડે છે અને ભૂંડને માફી આપવા ભગવાન શિવને વિનંતી કરે છે. ભગવાન શિવ એ જંગલી ભૂંડને પોતાના ગણોના શાસન હેઠળ પૃથ્વી પર મોકલે છે અને તેને રક્ષણાત્મક દેવતાનો દરજ્જો આપે છે. આ દેવતા પંજુર્લી છે. પંજુર્લીને શિવ સંભૂત કહેવામાં આવે છે.
ખેડૂતોના પાકને જંગલી ભૂંડોથી બચાવવા માટે આ પંજુર્લીની પૂજા કરવામાં આવે છે.
આ પૂર્વજોની પૂજા છે કે આત્માઓની પૂજા છે?

અહીં પૂર્વજોની પૂજા પાછળ એક મોટી વિધિ હોય છે. જે પૂર્વજો તેમની ઇચ્છા પૂર્ણ થયા વિના મૃત્યુ પામ્યા હોય તેમના માટે કેટલીક ધાર્મિક વિધિ, કેટલીક ખાસ વિધિ કરવામાં આવે છે.
લગભગ બાર વર્ષ પછી પૂર્વજોનું રૂપાંતર ભૂતમાં થાય છે. તેઓ પ્રાચીન ધર્મોમાં દેવતા બને છે. તેમને કાલ અથવા કુલ એવાં નામ આપવામાં આવ્યાં છે.
દયાનંક જી કટ્ટલસરે કહ્યું હતું, "ભૂત એટલે શબ્દશઃ ભૂત નહીં. તે એક પૂર્વજ છે. જેણે બધી ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી છે, જેને દેવત્વ મળ્યું છે. આવા ભૂતોની પૂજા છે. જોકે, પંજુરલી, ગુલિગા, મૈસંદયા જેવી પ્રાકૃતિક શક્તિઓની પૂજા ભૂતોની પૂજા નથી. તે દેવતાની પૂજા છે."
"આમ આ પરંપરામાં પ્રકૃતિ, પૂર્વજો અને ઐતિહાસિક વીરો કે નાયકો છે. તે સમગ્ર ભૂત સસ્કૃતિ માત્ર એક દેવ માટે નથી."
50 વર્ષના દયાનંદ મેંગલોરના રહેવાસી છે અને પોસ્ટ ઑફિસના જુનિયર કર્મચારી છે. તેઓ પમ્બડા જાતિના છે. તેઓ પેઢીઓથી ચાલી આવતી આ ધાર્મિક વિધિ કરી રહ્યા છે.
ટૂંકમાં કહીએ તો આ એક પ્રક્રિયા અથવા ધાર્મિક વિધિ છે. તેમાં તુલુનાડુની ઐતિહાસિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સામાજિક જટિલતાઓ બધું એકસાથે થાય છે.
આ ભૂતપૂજાની શરૂઆત ક્યારથી થઈ?

આ પૂજા અથવા ધાર્મિક વિધિની શરૂઆત ક્યારથી થઈ તે કોઈને ખબર નથી. જોકે, આ વિધિનું પગેરું કે વર્ણન લગભગ 700 વર્ષ પહેલાં, 14મી સદીના શિલાલેખમાં મળી આવ્યું છે.
દેવતાનું રૂપ કોણ ધારણ કરે છે? આ કળા કોણ રજૂ કરે છે?
નાલીકે, પામ્બડા અને પર્વ જેવા દલિત જાતિના લોકો આ વિધિમાં ભાગ લે છે. આજકાલ આ વિસ્તારની અન્ય જાતિના લોકો પણ દેવતાઓની આ પૂજા કરે છે.
આ વિધિ સામાન્ય રીતે વર્ષમાં એક વાર ગામડાંમાં અને સ્થાનિક ગ્રામ દેવતાઓનાં મંદિરોમાં કરવામાં આવે છે. તે એક વાર્ષિક ઉત્સવ છે.
આ વિધિ કરનારા લોકો અલગ-અલગ વ્યવસાય કરે છે અથવા અલગ-અલગ નોકરી કરે છે. તેમાં મજૂરો અને સરકારી કર્મચારીઓ પણ હોય છે. સ્થાનિક જમીનદાર અથવા ગામના માતબર લોકો આ વિધિ માટે પૈસા ચૂકવતા હોવાની પરંપરા છે.
આ કળા રજૂ કરતા કળાકારોને ખાસ માનસન્માન આપવામાં આવે છે.
આ કળાકારો તૈયાર થઈ રહ્યા હોય ત્યારે તેમના પરિવારના યુવાનો અથવા તેમની જાતિના યુવાનો તેમને મદદ કરે છે. તેમને જોઈને તેઓ કળાનાં સ્વરૂપ વિશે શીખે છે.
દયાનંક જી કટ્ટલસરે કહ્યું હતું, "આ દેવતાના બધા ઉપાસકો દલિત સમુદાયના છે. આ દેવતાઓની પૂજા કરતી વખતે અહીંની બધી 16 જાતિઓના લોકો તેમાં ભાગ લે છે અને તેમનું સન્માન પણ કરવામાં આવે છે."
"કોઈ વ્યક્તિ આપણી સમક્ષ નતમસ્તક થાય કે આપણને નમન કરે ત્યારે તે વ્યક્તિગત રીતે મને નહીં, પરંતુ મારામાંના આ દેવતાને નમન કરે છે."
આ ધાર્મિક વિધિ માટે કેટલાક જાતિ-વિશિષ્ટ નિયમો છે.
દયાનંક જી કટ્ટલસરેના કહેવા મુજબ, "અમારી જાતિમાં આ વિધિ કરનારા લોકો હાથમાં મુદ્રા, પગમાં પાવડી, માથામાં કેશ અને હાથમાં બંગડીઓ ધારણ કરે છે. ભાત ખાતી વખતે દીવો ઓલવાઈ જાય તો અમે બીજા દિવસે સ્નાન કરીને પૂજા ન કરીએ ત્યાં સુધી ભાત ખાતા નથી."
"અમે બીમાર લોકોને સ્પર્શ કરતા નથી. અમે ગોમાંસ કે ડુક્કરનું માંસ ખાતા નથી. અમે અન્ય માંસ ખાઈ શકીએ છીએ. મેં વ્યક્તિગત રીતે માંસ ખાવાનું બંધ કરી દીધું છે. મદ્યપાનની મનાઈ નથી, પરંતુ હું દારૂ પીતો નથી."

"કેટલાંક ગામડાંમાં પેઢીઓથી આ વિધિ કરવામાં આવે છે. ફક્ત ચોક્કસ પરિવારો જ આ વિધિ કરે છે. આ વિધિ ફક્ત તુલાનાડુમાં જ કરવાની હોય છે. કેટલાક લોકો બહારના વિસ્તારોમાં તે કરે છે. હું બહારના વિસ્તારોમાં તે કરતો નથી. મારા પિતાએ મને આ વાત જણાવી હતી," એવું દયાનંદ જી કટ્ટલસરેએ કહ્યું હતું.
આ ધાર્મિક વિધિ માટેના નિયમો અન્ય જાતિઓમાં થોડા અલગ હોઈ શકે છે. આ પ્રદેશની કેટલીક જાતિઓમાં પ્રાચીન માતૃસત્તાક પ્રણાલીનાં નિશાન જોવાં મળે છે. તેથી કેટલોક વારસો કાકાઓને બદલે મામાઓ પાસેથી મળે છે.
આ ધાર્મિક વિધિ માટે હજારો રૂપિયાનો ખર્ચ થાય છે. દેવતાનું રૂપ ધારણ કરવા માટે જરૂરી પોશાક અને સુશોભન માટે મોટો ખર્ચ કરવો પડે છે. કેટલાંક સ્થળે આ માટે પૂરતા પૈસા હોય છે, કેટલાંક સ્થળે હોતા નથી. જોકે, ખર્ચને પહોંચી વળવા માટે પૂરતા પૈસા ન હોય તો પણ ધાર્મિક વિધિ કરવામાં આવે છે.
પોતાની આર્થિક સ્થિતિ અને કળાની રજૂઆત બાબતે દયાનંદ જી કટ્ટલસરેએ કહ્યું હતું, "અમે ફક્ત સંસારી દુનિયાના કળાકારો નથી. અમે આધ્યાત્મિક કળાકારો છીએ. મારા પિતાએ શ્રદ્ધાથી આ વારસો જાળવી રાખ્યો છે. તેઓ ઝૂંપડીમાં રહેતા હતા."
"તેઓ એક પણ પૈસો લીધા વિના રોજમદારની માફક કામ કરતા હતા. તેમને વધારે પૈસા મળતા ન હતા. હું અભ્યાસ કરીને નોકરી મેળવવા ઇચ્છતો હતો. તેમ છતાં મેં આ પરંપરા છોડી નથી."
દેવતાના પરિસરમાં શું કરવામાં આવે છે?

જે વ્યક્તિ આ સ્વરૂપ ધારણ કરે છે અથવા આ કળા સાદર કરે છે તે દેવતાના મંદિરમાં અથવા દેવતા રહે છે એવું માનવામાં આવે છે તે વિસ્તારમાં જાય છે. ત્યાં તેઓ તુલુ ભાષામાં ગાયન કરે છે, દેવતાઓને નમન કરે છે અથવા ઇતિહાસનું ગાયન કરે છે. તેને પદના કહેવામાં આવે છે.
તે એક પ્રકારનું ઇતિહાસનું વર્ણન અથવા કથાકથન હોય છે. માન્યતા અનુસાર, કેટલીક વાર જે વ્યક્તિમાં ભૂત અથવા તો દેવતા હોય છે તે વ્યક્તિ દેવતાનું સ્વરૂપ ધારણ કરતા પહેલાં પોતાનું એક નાનું ઢોલ વગાડે છે અને થોડા સમય માટે ગાયન કરે છે.
કલાકારે જે દેવતાનું સ્વરૂપ ધારણ કર્યું હોય તે દેવતાનાં મુખવટો અને આભૂષણો પહેરે છે. દાખલા તરીકે, જે કળાકાર રાકેશેશ્વરીનું સ્વરૂપ ધારણ કરવાનો હોય તે ભલે પુરુષ હોય, તે શરીર પર ઘણી સાડીઓ પહેરે છે અને પછી દેવતાનું સ્વરૂપ ધારણ કરે છે.
આ એક ખાસ પ્રક્રિયા હોય છે. એ માટે જરૂરી રંગો કલાકાર જાતે તૈયાર કરે છે. બધા રંગો કુદરતી ઘટકોમાંથી બનાવવામાં આવે છે. ક્યારેક દેવતાઓ સંબંધી આભૂષણો અથવા ઘરેણાં પહેરે છે.
આ કળાકારો લાલ રંગનાં કપડાં પહેરે છે અને ચહેરા પીળા રંગ વડે રંગે છે. અંતે સ્થાનિક પરંપરા અનુસાર, તેમને એક તલવાર, એક મોટું વાસણ અને ઘંટડી આપવામાં આવે છે.
તેની સાથે ચાંદીનાં આભૂષણો, નાળિયેર અથવા તાડનાં પાંદડાંથી બનેલી સજાવટની વસ્તુઓ પણ હોય છે. પોકાના ફૂલ અને વાંસનો ઉપયોગ પણ કરવામાં આવે છે.
કલાકારોને દેવતાનું સ્વરૂપ ધારણ કરવામાં અને વસ્ત્રો પરિધાન કરવામાં લાંબો સમય લાગે છે. ફક્ત ચહેરાના શણગાર તથા ચિત્રકામમાં જ દોઢ કલાક જાય છે. દરેક દેવતાનો પોશાક અને સજાવટ અલગ-અલગ હોય છે.

કળાકાર દ્વારા પહેરવામાં આવતું સૌથી મહત્ત્વપૂર્ણ આભૂષણ પગમાંની સાંકળી હોય છે. તે પહેર્યા પછી આત્મા અથવા દેવતા તેનો કબજો લે છે. બધાં સ્વરૂપો ધારણ કર્યાં પછી પગમાંની સાંકળી કળાકારના હાથમાં મૂકવામાં આવે છે. આખરે કળાકાર તે પાયલ પગમાં બાંધે છે.
આ લોકો માને છે કે એક વાર કળાકાર નૃત્ય શરૂ કરે પછી તેના પર દેવ અથવા ભૂત નિયંત્રણ મેળવી લે છે.
દેવતાનું રૂપ ધારણ કર્યું હોય તે કળાકારની બાજુમાં બે સહાયકો હોય છે. નૃત્ય ધીમે ધીમે વધુને વધુ તીવ્ર બને છે. નૃત્ય કરતી વખતે કેટલાક શબ્દો જોરથી ઉચ્ચારવામાં આવે છે. આ નૃત્ય કેટલાક કલાકો સુધી ચાલે છે. તે પૂનાકમ જેવું હોય છે.
ભક્તો દેવતાઓને વિવિધ વસ્તુઓ અર્પણ કરે છે. તેમાં ક્યારેક માંસ, ક્યારેક કાજુ, નારિયેળના ટુકડા, કેળા, વીડાનાં પાન અને ફૂલોનો સમાવેશ થતો હોય છે.
દેવતા ભલે તેમની સાથે થોડી સેકન્ડ માટે જ વાત કરે, પરંતુ બાકીના સમયમાં તેમના મનમાં ઉત્કટ લાગણી જરૂર રહે છે.
'અમે દેવતાના નિયંત્રણમાં, અમને વધારાની શક્તિ મળે છે'

ગ્રામજનો અને ગામના વડા સાથે આ દેવતા વાત કરે છે. પછી દરેક ભક્ત દેવતાને પોતપોતાની સમસ્યાઓ તથા વિવાદો વિશે જણાવે છે.
ક્યારેક દેવતા વિવાદોમાં મધ્યસ્થી પણ કરે છે. આ બધું સાંજથી સવાર સુધી ચાલે છે.
દયાનંદ જી કટ્ટલસરેએ કહ્યું હતું, "અમે ભૂત કોલા કરીએ છીએ ત્યારે અમે શું કરીએ છીએ તે ભાગ્યે જ યાદ હોય છે. એ સમયે કોઈ શક્તિ મારા પર કબજો કરી લે છે. મારું વજન 60 કિલો છે, પરંતુ હું લગભગ 100 કિલો વજનની વસ્તુઓ, શણગાર, આભૂષણો લગભગ 13 કલાક સુધી પહેરું છું."
"હું રાતથી સવાર સુધી કશું ખાધા વિના એ જ સ્થિતિમાં હોઉં છું. આ શક્તિ ક્યાંથી આવતી હશે? હું કોઈ દેવતા નથી, પરંતુ એ ક્ષણે દેવતાઓના નિયંત્રણમાં હોઉં છું. અમારામાં એક વધારાની શક્તિનો સંચાર હોય છે. જેમ પ્રકૃતિમાં પવન ફૂંકાય છે તે દેખાતો નથી એમ. એ શક્તિને કારણે જ અમે લોકોને ન્યાય આપી શકીએ છીએ."
દયાનંદ જી કટ્ટલસરેએ ઉમેર્યું હતું, "એ સકળ શરીરનો અનુભવ હોય છે. એ પછી શું થશે તે અમે જાણતા હોતા નથી. અમે આ બધું શરીર પર પ્રચંડ વજન ઊંચકીને કરીએ છીએ. અમારા હાથમાં અગ્નિ હોય છે. ત્યારે જે કંઈ થાય છે તેના પર અમારું કોઈ નિયંત્રણ હોતું નથી."
"દેવતાઓનાં આભૂષણો અને શણગારનું વજન પાંચ કિલો હોય છે. શરીર પર અનેક કપડાં હોય છે. ચહેરો રંગાયેલો હોય છે. આ બધા સાથે તૈયાર થવામાં કલાકો લાગે છે. આ બધું કેવી રીતે શક્ય છે?"
"એ સમયે પ્રકૃતિની અને દેવતાની શક્તિ અમને દિશા દેખાડે છે. અમારું માર્ગદર્શન કરે છે. પછી શું થયું હતું તે અમને ધીમે ધીમે યાદ આવે છે. આ બધું એક લીલા જેવું લાગે છે. ભક્તિ સાથે ભય પણ આવે છે. ભય વિના ભક્તિ આવતી નથી. દેવતાઓનો ભય જ્ઞાનનું પ્રથમ પગલું છે."
"હકીકતમાં આ ભય શિક્ષક માટે, ગુરુ માટે જે ભય હોય છે તેના જેવો હોય છે. એ ભયનો અર્થ આપણને કશું નુકસાન થશે, આપણો નાશ થશે એવો હોતો નથી."
કાંતારા ફિલ્મની તેમના પર શું અસર થઈ?

ઇમેજ સ્રોત, X/Rishabh Shetty
કાંતારા ફિલ્મ વિશે મેંગલોર ક્ષેત્રના લોકો મિશ્ર અભિપ્રાય ધરાવે છે. આ ફિલ્મ દ્વારા તેમની પ્રાદેશિક સંસ્કૃતિ દુનિયા સુધી પહોંચે તેનાથી તેઓ ખૂબ ખુશ છે.
તેની સાથે સાથે તેઓ એ વાતથી નારાજ અને દુઃખી છે કે ટીવી શો અને અન્ય પ્લૅટફૉર્મ પર દેવતાના સ્વરૂપની રજૂઆત માત્ર પોશાક મારફત જ કરવામાં આવે છે.
ભૂત કોલાની રજૂઆતમાં હાજર રહેલા યુવાઓને કાંતારા ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે દેવતાઓ ન રહેતા હોય તેવા મંચ પર તેની રજૂઆત ન કરવી જોઈએ.
દયાનંદ જી કટ્ટલસરેએ કહ્યું હતું, "મને કાંતારા ફિલ્મ દ્વારા ખબર પડી કે આ પ્રદેશના જે લોકો વિદેશ ગયા છે તેમની પોતાની આગવી પદ્ધતિઓ છે. તેઓ હવે આ સ્વીકારી રહ્યા છે. આ એક સકારાત્મક બાબત છે. અલબત્ત, તેને જાહેર પ્લૅટફૉર્મ પર રજૂ ન કરવી જોઈએ."
"એ યક્ષગાનમ, નાટક કે ફિલ્મ નથી. તે દેવતાઓની પૂજા કરવાની એક વિધિ છે. તેની ચોક્કસ પદ્ધતિ છે. એ પ્રસ્તુત કરવાની કળા નથી. તે પ્રત્યક્ષ અનુભૂતિની કળા છે."
તેમણે એમ પણ કહ્યું હતું, "કૉલેજમાં યુવાઓ તેનું સ્ટેજ પર પ્રદર્શન કરી રહ્યા છે, તેના રીલ્સ બનાવી રહ્યા છે તે દુઃખદ બાબત છે. ભક્તિ અને જુસ્સામાં ફક હોય છે. યુવા લોકોએ આ ફરકને સમજવો જોઈએ. તેઓ જે કરી રહ્યા છે તે જુસ્સો છે, ભક્તિ નથી."
"ઋષિ, નદી અને ભગવાનનાં મૂળ જાણવાનો પ્રયાસ કોઈએ ન કરવો જોઈએ. એ પાછળની ભાવનાને સ્વીકારવી જોઈએ. તેમણે તેની અનુભૂતિ કરવી જોઈએ. એ માટે ભક્તિભાવ ધરાવતા અને તેનું આકર્ષણ ધરાવતા યુવાનો અલગ-અલગ છે. કેટલાક લોકો ફક્ત વીડિયો બનાવવા માટે જ આવે છે."
ભૂત કોલાની પરંપરાગત ભાવના અને શ્રદ્ધાનું વેપારીકરણ થઈ રહ્યું હોવાનું દુઃખ દયાનંદ જી કટ્ટલસરેએ વ્યક્ત કર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












