'ટીવી અને હૅર ડ્રાયર આપોઆપ શરૂ થઈ ગયાં'- ભૂતિયા હોટેલોમાં રહેવા જવાનું વિચિત્ર આકર્ષણ ક્યાં વધી રહ્યું છે?

હેલોવિન, ભૂતિયા હોટલો, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, બાલ્ટીમોર હોટલને ફ્લૉરિડામાં સૌથી હૉન્ટેડ ગણવામાં આવે છે
    • લેેખક, લિન બ્રાઉન
    • પદ, બીબીસી ટ્રાવેલ

દર વર્ષે હૅલોવીન વખતે દુનિયાભરની અનેક હોટેલો પોતાના મહેમાનોને પોતાના ભૂતિયા સ્ટેટસ વિશે જણાવે છે. તો પછી ભૂતમાં વિશ્વાસ કરનારા કે પછી વિશ્વાસ ન કરનારા લોકો શા માટે આવી હોટેલો બુક કરે છે?

કૉમેડિયન અને લેખિકા જોઆના હૉસમૅન ભૂતોમાં વિશ્વાસ નહોતાં કરતાં. તેઓ એક અત્યંત સંશયવાદી હતાં, જેઓ માનતાં કે કોઈ પણ કથિત અલૌકિક ઘટનાનું કોઈ તાર્કિક કારણ હોવું જ જોઈએ.

પરંતુ તેમની આ માન્યતા ત્યાં સુધી જ રહી જ્યાં સુધી તેમણે બિલ્ટમોર હોટેલમાં રાત નહોતી ગાળી, જે મિયામીમાં સૌથી વધારે ભૂતિયા સ્થળોમાં એક ગણવામાં આવે છે.

પછી તેમણે આ હોટેલમાં એક ભયંકર રાત વિતાવી અને તેમનો પ્રતિભાવ હેરત પમાડે તેવો હતો.

તેમનું કહેવું છે કે, "તેમની બાજુના રૂમમાંથી વિચિત્ર અવાજ આવતા હતા, કેટલાય ટીવી અને હેર ડ્રાયર આપોઆપ ચાલુ થઈ ગયા."

ત્યાર પછી અલૌકિક ઘટનાઓ વિશે તેમનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. ત્યારથી તેઓ ઑનલાઇન ફોરમ પર એવા પ્રયાસો કરે છે જેથી કોઈ પણ હોટેલમાં રોકાતા પહેલાં મહેમાનોને કોઈ ભૂતિયા અનુભવ ન થાય.

હૉસમૅન ભારપૂર્વક કહે છે કે, "ભૂતપ્રેત કે એવા પ્રકારની ચીજોમાં મને ક્યારેય વિશ્વાસ ન હતો. હું મજાક નથી કરતી, પરંતુ (આ અનુભવે) ખરેખર મારું જીવન બદલી નાખ્યું. મને એવું લાગ્યું કે જાણે ત્યાં કોઈ છે. તે શું હતું તે હું નથી જાણતી. પરંતુ તેણે મને હંમેશાં માટે બદલી નાખી."

હોટેલો જ પોતાને ત્યાં ભૂતપ્રેત હોવાનો પ્રચાર કરે છે

હેલોવિન, ભૂતિયા હોટલો, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, લૉર્ડ બાલ્ટિમોર હોટલ તો પોતાને ત્યાં જાદુના શો આયોજિત કરે છે

દર વર્ષે હૅલોવીન વખતે દુનિયાભરની હોટેલો પોતાને ત્યાં ભૂતપ્રેતનો વાસ છે તેનો પ્રચાર કરે છે. જેમ કે કેલિફૉર્નિયામાં હોટેલ ડેલ કોરાનાડો અથવા લંડનમાં ધ ક્લેરમૉન્ટ. જેથી કરીને રોમાંચ ઇચ્છતા મહેમાનો તેમને ત્યાં રજાઓમાં રોકાવા આવે. પરંતુ તેમને ડરામણો અનુભવ થયો છે તેવાં હૉસમૅન જેવા લોકોને નવાઈ લાગે છે કે કોઈ પણ વ્યક્તિ ભૂતિયા હોટેલમાં જઈને આવા ભયંકર અનુભવ શા માટે કરવા માગતી હશે!

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હિસ્ટૉરિક હોટેલ્સ ઑફ અમેરિકાએ કેટલીય ભૂતિયા હોટેલોના નામ પોતાના લિસ્ટમાં આપ્યા છે. ગ્રૂપના માર્કેટિંગ સ્ટ્રેટેજી અને કૉમ્યુનિકેશન ડાયરેક્ટર કૅથેરિન ઓરના કહેવા મુજબ આવી હોટેલો અનેક પ્રકારના મુલાકાતીઓને આકર્ષે છે.

તેઓ કહે છે, "હું કહીશ કે ભૂતિયા હોટેલમાં કેટલાક અલગ પ્રકારના મહેમાનો હોય છે. કોઈને રોમાંચ પસંદ હોય છે, તો કોઈ ભૂતપ્રેતના વિચારથી જ ઉત્તેજિત થઈ જાય છે."

"તેઓ કદાચ તેનો અનુભવ ઇચ્છે છે. ત્યારે મને લાગે છે કે એવા પ્રકારના પણ મહેમાનો હોય છે જેમને કહાણી સંભળાવવામાં વધુ રૂચિ હોય છે. ભૂતપ્રેતની કહાણીઓના કારણે આ હોટેલો વિશિષ્ટ બની જાય છે."

ઓરના કહેવા અનુસાર કોઈ હોટેલ પોતે ભૂતિયા હોવાની પ્રતિષ્ઠાને કેવી રીતે રજૂ કરે છે, તે મોટા ભાગે માર્કેટિંગનો નિર્ણય હોય છે.

તેઓ કહે છે, "હોટેલે આ કહાણી કહેવામાં અને પોતે યોગ્ય ઑડિયન્સ સુધી પહોંચી શકે તે જોવામાં ઘણું સંતુલન રાખવું પડશે."

તેમણે કહ્યું, "આ ઉપરાંત તેમણે એવી સ્ટોરીને હળવી પણ કરવી પડે જેમાં તેમને લાગે કે ટાર્ગેટ ઓડિયન્સને રસ નહીં પડે."

બીજી તરફ મેરિલેન્ડની લૉર્ડ બાલ્ટીમોર હોટેલ જેવા કેટલાક પ્રતિષ્ઠાન પોતાને ત્યાં ભૂતનો વાસ છે તે વાતનો આખા વર્ષ દરમિયાન પ્રચાર કરે છે."

તેમણે ઑન-સ્ટાફ ઘોસ્ટ હન્ટર અને મનોરંજનકર્તા તરીકે વિન્સ વિલ્સનને નોકરી પર પણ રાખ્યા છે.

લોકોના અનુભવો કેવા છે?

હેલોવિન, ભૂતિયા હોટલો, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, હસાયામ્પા ઇન હૅલોવીન દરમિયાન પોતાને ત્યાં ભૂતો હોવાનો પ્રચાર કરે છે

વિલ્સનના કહેવા અનુસાર મહેમાનોએ ‘મોલી’ નામના એક બાળ ભૂતને જોયો હોવાની વાત કરી છે જે હોટેલના હૉલવેમાં દડાથી રમે છે, એક લિફ્ટ છે જે આપોઆપ તમને 19મા માળે લઈ જાય છે, એક ભૂત દંપતી છે જે બૉલરૂમમાં શાંતિથી ડાન્સ કરે છે. આવી બધી વાતો હોટેલના મહેમાનોએ કરેલી છે.

વિલ્સન નિયમિત રીતે ઘોસ્ટ ટૂર પણ યોજે છે જેમાં તે હોટેલનો ભૂતિયા ઇતિહાસ જણાવે છે. તે કહે છે કે હૅલોવીન નજીક આવે ત્યારે આવી ટુરની લોકપ્રિયતા (અને ખર્ચ) બંને વધી જાય છે.

બીજી તરફ પ્રેસ્કોટ, એરિઝોનામાં હસ્સાયમ્પા જેવી હોટેલો પોતાને ત્યાં ભૂતની વાતો મોટા ભાગે દબાવી રાખે છે. જોકે, સેલ્સ અને માર્કેટિંગના ડાયરેક્ટર પેની અલ્પિન કહે છે કે હોટેલના રહેવાસી ભૂતો 'બહુ મિલનસાર' છે, (તેમને પુરુષ મહેમાનોને બાંહોમાં લેવાનું અને મહિલા મહેમાનો પાસેથી કૉમ્પેક્ટ અરીસા ઉધાર લેવાનું પસંદ કરે છે.) આ એવા બધા અનુભવો છે જેનો ભૂતિયા સિઝન સિવાય મોટા ભાગે કોઈ પ્રચાર નથી કરતું.

અલ્પિન કહે છે, "હૅલોવીન એકમાત્ર એવો સમય છે જ્યારે હું તેનો પ્રચાર કરું છું. હું ભૂતપ્રેતનો પ્રચાર કરવા નથી માંગતો... તમે લોકોને શા માટે ડરાવશો?"

લૉર્ડ બાલ્ટીમોર હોટેલમાં સેલ્સ અને માર્કેટિંગના ડાયરેક્ટર લી જોન્સન-લોવ માને છે કે હોટેલમાં રોકાતા મોટા ભાગના મહેમાનો સંશયવાદી હોય છે અથવા તેઓ થ્રિલની શોધમાં હોય છે.

"તેમાં બે પ્રકારના લોકો હોય છે જેઓ સામાન્ય રીતે ભૂતિયા હોટેલ કે એવી કોઈ જગ્યાએ જાય છે. અમુક લોકો કહે છે કે "હું ભૂતમાં નથી માનતો, મારે કોઈ જગ્યાએ રોકાવું છે. અને આ લક્ઝરી હોટેલ છે." બીજા લોકો કહે છે કે "શું આ ભૂતિયા જગ્યા છે? મારે તો હવે અહીં જ રોકાવું છે."

રસપ્રદ વાત એ છે કે હોટેલને રેસિડન્ટ ઘોસ્ટ હન્ટરને પણ એ નથી ખબર કે ભૂત અસલી છે કે નહીં. વિલ્સને કહ્યું, "હું દુનિયાની કેટલીક સૌથી ડરામણી જગ્યાએ ગયો છું. મને કેટલાક વિચિત્ર, ભયંકર, ડરામણા અનુભવો થયા છે. પરંતુ હું પાછળ નજર નાખીને કહી શકું કે, 'તમને ખબર છે, તે મારી કલ્પના પણ હોઈ શકે છે'."

ભૂતપ્રેત દેખાય કે ન દેખાય, દરેક શરદ ઋતુમાં પ્રવાસીઓ ભૂતિયા હોટેલની શોધખોળ ચાલુ રાખતા હોય છે. જ્હોન્સન -લોવે જણાવ્યું કે હૅલોવીન નજીક આવે ત્યારે દર વખતે લૉર્ડ બાલ્ટીમોરમાં બુકિંગ વધી જાય છે.

"જે લોકો કેટલીક જગ્યાઓને લઈને ગભરાયેલા છે, જેઓ ભૂતપ્રેતથી કોઈ લેવાદેવા નથી રાખવા માંગતા, તેમને હું કહું છું કે તેમાંથી બચવાનો કોઈ રસ્તો નથી. તેથી તમે પણ તેને અપનાવી લો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.