ગુજરાત : નાનાં બાળકોમાં ડાયાબિટીસના કેસ ચિંતાજનક રીતે વધ્યા, માતાપિતાએ શું ધ્યાન રાખવું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
તાજેતરમાં જાહેર થયેલા ચિલ્ડ્રન ઇન ઇન્ડિયા 2025 નૅશનલ સર્વેમાં ગુજરાત સહિત કેટલાંક રાજ્યોમાં બાળકોમાં ડાયાબિટીસના ચિંતાજનક આંકડા સામે આવ્યા છે.
ગુજરાતનો ડેટા દર્શાવે છે કે 10થી 19 વર્ષનાં 2.9 ટકા બાળકોમાં ડાયાબિટીસ જોવા મળ્યો છે. આ વયજૂથમાં ત્રિપુરામાં સૌથી વધુ 4.9 ટકા બાળકોને ડાયાબિટીસ છે. જ્યારે બીજા નંબરે મેઘાલયમાં 3 ટકા બાળકોમાં ડાયાબિટીસ છે. ગુજરાત ત્રીજા નંબરે છે.
એટલું જ નહીં, પાંચથી નવ વર્ષનાં બાળકોમાં ગુજરાત 1.3 ટકા ડાયાબિટીસ સાથે 10મા નંબરે છે. ત્રિપુરા પહેલા ક્રમે છે, જ્યાં 4.3 ટકા બાળકોમાં આ તકલીફ જોવા મળી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે બદલાતી જતી જીવનશૈલી, અપૂરતી ઊંઘ, જંકફૂડની આદત, સ્ક્રીનટાઇમમાં વધારો તેમજ કસરતનો અભાવ જેવાં કારણો આના માટે કારણભૂત દેખાય છે. નિષ્ણાતોનું માનવું છે કે બાળકોમાં અગાઉ ટાઇપ-1 ડાયાબિટીસ જ વધારે જોવા મળતો હતો, પરંતુ હવે છેલ્લા એકાદ દાયકાથી ટાઇપ 2 ડાયાબિટીસ પણ વધ્યો છે. બંને ટાઇપના ડાયાબિટીસમાં શરીર પર થતી અસરો લગભગ સરખી હોય છે.
આ અહેવાલમાં આપણે જાણીશું કે ગુજરાત સહિત દેશનાં બાળકોમાં ડાયાબિટીસનો દર કેમ વધી રહ્યો છે અને તેનાથી બાળકોને બચાવવા માટે શું કરવું?
'ચાર વર્ષની દીકરીને ડાયાબિટીસ હોવાનું સ્વીકારવું મુશ્કેલ'

ઇમેજ સ્રોત, Getty Images
આપણે ત્યાં બાળકોમાં ડાયાબિટીસ અંગે જાગૃતિનો અભાવ છે અને મોટા ભાગે માતાપિતા પોતાના બાળકની આ તકલીફ વિશે ખૂલીને વાત કરવા તૈયાર થતાં નથી. ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા એક છોકરાના પિતાએ બીબીસીને કહ્યું કે "સમાજ તેને એક કલંક અથવા સ્ટીગ્મા તરીકે જુએ છે."
ટાઇપ-1 ડાયાબિટીસ ધરાવતી આઠ વર્ષીય બાળકીના પિતા ઉત્સવ પ્રજાપતિએ બીબીસીને જણાવ્યું કે "મારી દીકરી ચાર વર્ષની હતી ત્યારે ટાઇપ-1 ડાયાબિટીસનું નિદાન થયું હતું. મારી દીકરીનું વજન અચાનક ઘટવા લાગ્યું, વારંવાર પેશાબ આવતો, શ્વાસ ચઢતો. રિપોર્ટ કરાવ્યા તો ખબર પડી કે શુગર લેવલ 500 હતું. તેની સારવાર કરવામાં આવી અને આજે તે સ્વસ્થ જીવન જીવે છે."
તેઓ કહે છે કે, "શરૂઆતના ત્રણ મહિના હું આ હકીકત સ્વીકારવા તૈયાર જ ન હતો. હું અને મારી પત્ની પોતાની જાતને દોષી માનતાં હતાં. મેં આયુર્વેદિક ઉપચારો અજમાવી જોયા. પછી મેં આના વિશે વાંચવાનું શરૂ કર્યું ત્યારે સમજાયું કે ડાયાબિટીસ કાયમ માટે નહીં મટી શકે, પરંતુ તેને મૅનેજ કરી શકાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટાઇપ-1 ડાયાબિટીસના દર્દીઓને ભોજન કે નાસ્તો કરતા પહેલાં ફરજિયાત ઇન્સ્યુલિન લેવું પડે છે. કાયમના ધોરણે લોહી લઈને ગ્લુકોમીટરથી શુગર ચેક કરતાં રહેવું પડે છે.
ઉત્સવ પ્રજાપતિ કહે છે કે, "દિવસમાં ચાર વખત દીકરીની આંગળી પર સોય ભોંકીને લોહી લેવું પડે તેનાથી વધુ દુ:ખ બીજું કોઈ ન હોઈ શકે, પરંતુ આજે મારી દીકરી સ્વસ્થ જીવન જીવે છે. દિવસમાં એક વખત શાળામાં ઇન્સ્યુલિન આપવું પડે છે. આના માટે મહિને 15થી 18 હજાર રૂપિયાનો ખર્ચ પણ થાય છે. તે કારેલાં અને ગલકાં-તુરિયાનું શાક પણ ખાય, સલાડ પણ ખાય અને ક્યારેક જંકફૂડ અને આઇસસ્કીમ પણ ખાય છે. અમે તેને દરેક વસ્તુ યોગ્ય માત્રામાં આપીએ છીએ. તે દિવસમાં એક કલાક રમે પણ છે."
બાળકોમાં ડાયાબિટીસ થવાનાં મુખ્ય કારણો કયાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાળકોમાં ડાયાબિટીસને સમજવા માટે બીબીસી ગુજરાતીએ બાળરોગ નિષ્ણાતો અને ઍન્ડોક્રાઇનોલૉજિસ્ટ સાથે વાત કરી હતી.
'રિસર્ચ સોયાચટી ફૉર ધ સ્ટડી ઑફ ડાયાબિટીસ ઇન ઇન્ડિયા'ના ગુજરાતનાં કાઉન્સિલ સભ્ય અને ઍન્ડોક્રાઇનોલૉજિસ્ટ ડૉ. ધ્રુવી હસનાનીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "સામાન્ય રીતે બાળકોમાં ડાયાબિટીસ આવે તો પ્રાથમિક તબક્કે તે ટાઇપ-1 હોવાનું માનવામાં આવે છે. આ ડાયાબિટીસ ઑટોઇમ્યુન પણ અને આઇડિયોપેથિક પણ હોઈ શકે છે."
ટાઇપ-2 ડાયાબિટીસ અંગે તેઓ જણાવે છે કે, "અમે નાનાં હતાં ત્યારે 50 વર્ષની ઉંમર બાદ ડાયાબિટીસ જોવા મળતો, અમે ભણતાં હતાં ત્યારે 30 વર્ષ બાદ જોવા મળતો હતો. પણ હવે 12 વર્ષના કિશોરોમાં પણ ડાયાબિટીસ જોવા મળે છે જે ખૂબ ચિંતાજનક છે."
ઍન્ડોક્રાઇનોલૉજિસ્ટ ડૉ. રુચિ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "ટાઇપ-1 ડાયાબિટીસને જીવનશૈલી સાથે કોઈ જ લેવાદેવા નથી. જ્યારે ટાઇપ-2 ડાયાબિટીસને જીવનશૈલી સાથે સંબંધ છે."
તેઓ કહે છે કે, "સામાન્ય રીતે ટાઇપ-1 ડાયાબિટીસ મોટાં બાળકોમાં જોવા મળે છે, પરંતુ મારી પાસે આવેલા એક કેસમાં ત્રણ દિવસની બાળકીમાં પણ ટાઇપ-1 ડાયાબિટીસનો રેર કેસ જોવા મળ્યો હતો. તેમજ ટાઇપ-2 ડાયાબિટીસની વાત કરીએ તો મારી પાસે સૌથી નાનો દર્દી સાત વર્ષનો છે."
ટાઇપ-2 ડાયાબિટીસ અંગે ડૉ. ધ્રુવી જણાવે છે કે "આવા કેસમાં ઇન્સ્યુલિન બનતું તો હોય, પરંતુ તે બરાબર કામ ન કરતું હોય. મોટાપાને કારણે શરીરમાં ચરબી વધારે હોય, જેથી ચરબીના કોષો બરાબર કામ કરતાં નથી અને તેને કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ જાય છે."
બાળરોગ નિષ્ણાત ડૉ. ઉન્મેશ ઉપાધ્યાયે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "બાળકો બહાર રમવાં જતાં નથી, જેના કારણે તેમનામાં વિટામિન-ડીની ઊણપ જોવા મળે છે. જેના કારણે પણ બીમારીઓ જોવા મળે છે."
બાળકોમાં ડાયાબિટીસનું પ્રમાણ કેમ વધી રહ્યું છે તે અંગે ડૉ. ધ્રુવી હસનાની કહે છે કે, "આપણે બાળપણમાં લાયબ્રેરી જતા, સ્પૉર્ટ્ઝ ઍક્ટિવિટી કરતાં, પરંતુ હવે બાળકોમાં એવું પણ જોવા મળતું નથી. આપણે સાઇકલ લઈને શાળાએ તેમજ ટ્યુશન ક્લાસમાં જતાં હતાં, પરંતુ હવે બાળકો ટુ-વ્હીલર લઈને જાય છે."
કેવી આદતોથી ડાયાબિટીસ થઈ શકે?

સામાન્ય રીતે એવી માન્યતા છે કે ગળ્યું ખાવાથી જ ડાયાબિટીસ થાય છે, પરંતુ જંકફૂડ કે તળેલો ખોરાક પણ ખૂબ જ જોખમી છે.
ડૉ. ધ્રુવી હસનાની જણાવે છે કે, "ખોરાક એ જ સૌથી મોટી દવા છે. અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડથી ડાયાબિટીસ થવાની સંભાવના વધી જાય છે. પાસ્તા, બર્ગર, ફ્રાઇડ રાઇસ, મંચુરિયન, વધુ પડતું ચીઝ કે બટર વગેરે ખાવાથી ડાયાબિટીસની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત ભજિયાં, ચોળાફળી જેવા તળેલા ખોરાક પણ નુકસાનકારક છે. લોકોમાં એવી ખોટી માન્યતા છે કે ખાખરા ખાવામાં વાંધો નહીં, પરંતુ તે પણ બિનઆરોગ્યપ્રદ છે. આ દરેક ખોરાક માત્ર બાળકોમાં જ નહી, પરંતુ પુખ્ત લોકોમાં પણ ડાયાબિટીસની સંભાવના વધારી દે છે."
તેઓ કહે છે, "ખાવાપીવાની જે ચીજથી કૅલરી શરીરમાં જતી હોય અને તેનો ઉપયોગ થતો ન હોય તો તે અનહેલ્ધી ફૂડની કૅટેગરીમાં આવે છે."
તો પછી બાળકોએ શું ખાવું જોઈએ?
તેના વિશે ડૉ. ધ્રુવી હસનાની જણાવે છે કે, "એવું કોઈ જાદુઈ ઍન્ટિડાયાબિટીક ડાયટ હોતું નથી, પરંતુ બાળકોના આહારમાં કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન, વિટામિન, મૅક્રો અને માઇક્રો મિનરલ્સ હોવાં જોઈએ. બાળક દિવસમાં એક વાટકી દાળ પીવે કે એક-બે દિવસ મગ અથવા ચણા ખાય તે પૂરતાં નથી. ખોરાકમાં લીલા શાકભાજી, ફળો અને ડ્રાયફ્રૂટ હોવાં જોઈએ."
ઍકેડૅમી ઑફ પીડિયાટ્રિશિયનનાં સેક્રેટરી ડૉ. અંગાલિકા મહેતાએ જણાવ્યું હતું કે, "કોવિડ બાદ બાળકોનો સ્ક્રીનટાઇમ વધ્યો છે અને શારીરિક કસરત ઘટી ગઈ છે. જંકફૂડ ખાવાની ટેવમાં માતાપિતાની પણ ભૂમિકા હોય છે. ઘણી વખત માતાપિતા બાળકોને સમય આપી શકતા નથી. તેથી બાળકોને ખુશ કરવા જંકફૂડ અથવા પ્રોસેસ્ડ ફૂડ લઈ આપે છે. તેના કારણે ફૅટી લિવર, હૃદયની બીમારી, હાયપરટેન્શનમાં વધારો જોવા મળી રહ્યો છે."
ડાયાબિટીસમાં શરૂઆતમાં કેવાં લક્ષણો દેખાય?

ઇમેજ સ્રોત, Dr Dhruvi Hasnani
ડૉ. ધ્રુવી હસનાની જણાવે છે કે, "બાળકોમાં ટાઇપ-1 ડાયાબિટીસમાં પ્રી-ક્લિનિકલ અને ક્લિનિકલ ફેઝ શરૂ થાય ત્યારે બાળક ખૂબ જ દૂબળું પડી જાય, ઊંચાઈ ન વધે, ભણવામાં મન ન લાગે, દાંત બરાબર આવતા ન હોય તેવાં લક્ષણો દેખાય છે.
"છોકરીમાં માસિક ચક્ર અનિયમિત બને, છોકરાને સમયસર દાઢી કે મૂછ ન આવે, વિકાસ અટકી ગયો હોય તેવું લાગે, ક્યારેક શ્વાસ ચઢે, પેટમાં દુખાવો થાય વગેરે લક્ષણ જોવા મળે છે."
તેઓ કહે છે કે, "બાળકને વારંવાર તરસ લાગે, સતત ભૂખ લાગ્યા કરે, વારંવાર પેશાબ કરવા જવું પડે, વગેરે ક્લાસિકલ લક્ષણો છે. કેટલાકને રાતે ઊંઘમાં જ પેશાબ થઈ જાય છે. ટાઇપ-1 અને ટાઇપ-2 બંને ડાયાબિટીસમાં આ લક્ષણો જોવા મળે છે.
ટાઇપ-2 ડાયાબિટીસનાં લક્ષણો વિશે તેઓ કહે છે, "આનાં લક્ષણો મોટા ભાગે કિશોરાવસ્થામાં જોવા મળે છે. જેમ કે, વજન વધી જાય, બાળક આળસુ દેખાય, ચશ્માંના નંબર વધી જાય, ગળા અને સાથળના ભાગે તથા કોણી પર કાળા ધબ્બા દેખાય, ક્યારેક બાળકને ખૂંધ પણ નીકળે છે. તેના શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી જાય છે."

કેટલીક વખત શરૂઆતમાં બાળકોમાં ડાયાબિટીસનાં લક્ષણો ન દેખાય અને પછી સ્થિતિ ગંભીર બન્યા પછી ડાયાબિટીસનું નિદાન થતું હોય છે.
આ અંગે ડૉ. અંગાલિકા મહેતા કહે છે કે "કેટલાંક બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા ડિહાઇડ્રેશન થયું હોય તેવી સ્થિતિમાં હૉસ્પિટલે લાવવામાં આવે છે. શ્વાસ લેવામાં તકલીફ હોય, પરંતુ ફેફસાં બરાબર હોય એવી સ્થિતિને ડાયાબિટીસ કીટોઍસિડોસિસ કહેવામાં આવે છે. તેમાં બાળકના શરીરમાં કીટોઍસિડનું પ્રમાણ વધી જાય છે. બાળકોનું શુગર ચેક કરીએ તો ઘણી વાર 500 સુધી જતું રહે છે. ડાયાબિટીસની સારવાર કરીએ તો તે નૉર્મલ થવા લાગે છે."
ડૉ. ઉન્મેશ ઉપાધ્યાય પોતાના અનુભવ અંગે જણાવે છે કે, "બે વર્ષની એક બાળકીને અન્ય બીમારી માટે રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં શંકા જતા વધુ રિપોર્ટ કરાવ્યા અને તેને ટાઇપ 1 ડાયાબિટીસ હોવાનું નિદાન થયું હતું."
તેઓ કહે છે, "સાત વર્ષના એક બાળકને મારી પાસે લાવવામાં આવ્યો હતો, જેને ભણવામાં મન લાગતું ન હતું અને સતત ભૂખ લાગતી હતી. તેનાં માતાપિતાને પણ મેદસ્વિતા હતી. તેના રિપોર્ટ કરાવતા શુગરનું લેવલ 300 જોવા મળ્યું હતું."
માતાપિતાને ડાયાબિટીસ હોય તો બાળકોને થાય?

જિનેટિક કારણો અને જીવનશૈલી ડાયાબિટીસ થવામાં મોટી ભૂમિકા ભજવે છે.
ડૉ. રુચિ કહે છે કે, "ટાઇપ-1 ડાયાબિટીસ થાય તેમાં માતાપિતા કે બાળકો એમ કોઈ જવાબદાર હોતું નથી."
ડૉ. ધ્રુવી જણાવે છે કે, "માતાપિતાને ડાયાબિટીસ હોય તો જિનેટિક કારણોથી બાળકને પણ થઈ શકે. ઉપરાંત માતાપિતા અને બાળક એકસરખા વાતાવરણમાં રહે, એકસરખો ખોરાક ખાય અને જીવનશૈલી સરખી હોય છે. આ કારણે પણ માતાપિતાની સાથે બાળકોને તકલીફ થવાની શક્યતા વધી જાય છે."
ટાઇપ-2 ડાયાબિટીસના એક દર્દી વિશે તેઓ કહે છે, "મારી હૉસ્પિટલમાં 14 વર્ષની એક કિશોરી આવી હતી, જેને માસિકચક્ર અનિયમિત હોવાની ફરિયાદ હતી. તે કિશોરી તથા તેનાં માતાપિતા મેદસ્વી હતાં. માતાપિતા બંનેને ડાયાબિટીસ હતો. છોકરીની લિપિડ પ્રોફાઇલ, કિડની, ફેફસાં, હાર્ટ અને હોર્મોન્સના રિપોર્ટ કરવામાં આવ્યા ત્યારે તેને મૅટાબોલિક સિન્ડ્રોમ વિથ ટાઇપ-2 ડાયાબિટીસ આવ્યો હતો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












