દિવાળી : ભારતમાં ફટાકડા કોણ લઈને આવ્યું? મુઘલો લાવ્યા કે ચીનથી આવ્યા?

ઇમેજ સ્રોત, Dinodia Photo
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી

સંક્ષિપ્તમાં
- ભારતમાં ફટાકડા ફોડવાની પરંપરા ક્યાંથી આવી અને કોણ આ પરંપરા લાવ્યું હતું?
- પંજાબ યુનિવર્સિટીમાં ઇતિહાસના શિક્ષક રાજીવ લોચનના મતે, પ્રાચીન ભારતમાં દિવાળીની ઉજવણી સમયે ફટાકડા ફોડવાની પરંપરા હોય તેવા કોઈ પ્રમાણ મિથકો કે પ્રાચીનગ્રંથોમાં નથી મળતા.
- પ્રાચીનગ્રંથોમાં દિવાળીના તહેવાર દરમિયાન ખુશી વ્યક્ત કરવા માટે રોશની કરવામાં આવતી હતી, અવાજ નહીં.
- ફટાકડા દ્વારા અવાજ કરવાની પરંપરા ચીનમાં પ્રચલિત હતી.
- લગભગ બે હજાર વર્ષ પૂર્વેના વિવરણોમાં રોશનીની સાથે અવાજ કરીને ફાટતા યંત્રોનો ઉલ્લેખ જોવા મળે છે.

દિવાળી-નવા વષ નિમિત્તે ફરી એક વખત ફટાકડા ફોડવા તથા ન ફોડવા તે અંગે વ્યક્તિગત તથા સોશિયલ મીડિયા ઉપર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
દેશભરમાં દિવાળી ઉપર ફટાકડા ફોડવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં દિવાળીના બીજા દિવસે નવવર્ષ તરીકે ઉજવવામાં આવે છે અને પછી છેક દેવદિવાળી સુધી વત્તા-ઓછાં પ્રમાણમાં ફટાકડા ફોડવાનો ક્રમ ચાલતો રહે છે.
જોકે દિવાળી પર ફટાકડા ફોડવાથી થતા ધ્વનિ અને વાયુ પ્રદૂષણ અંગે પણ ચર્ચા થતી હોય છે. દિલ્હીમાં તો ગત કેટલાંક વર્ષોથી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ પણ લાદવામાં આવી રહ્યો છે.
ત્યારે એવી ચર્ચા પણ થાય છે કે ફટાકડા ફોડવા એ હિંદુ પરંપરાઓ પર પ્રહાર છે તથા જો તેનાથી પ્રદૂષણ થતું હોય તો અન્ય ધર્મની પ્રદૂષણ ફેલાવતી પરંપરાઓ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ.
પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં ફટાકડા ફોડવાની પરંપરા ક્યાંથી આવી અને કોણ આ પરંપરા લાવ્યું હતું?
મુઘલો ભારતમાં ફટાકડા લાવ્યા એ વાતમાં તથ્ય છે? શું ભારતના પ્રાચીનગ્રંથો તથા ઇતિહાસમાં ફટાકડાનો ઉલ્લેખ જોવા મળે છે?
અગાઉ આ અંગે બીબીસીએ જાણીતા પ્રાધ્યાપકો તથા ઇતિહાસવિદો સાથે વાત કરી હતી, ત્યારે જાણો કે તેઓ શું માને છે.

શું ભારતમાં ફટાકડાની પરંપરા હતી?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, IndiaPix/IndiaPicture
પંજાબ યુનિવર્સિટીમાં ઇતિહાસના શિક્ષક રાજીવ લોચનના મતે, પ્રાચીન ભારતમાં દિવાળીની ઉજવણી સમયે ફટાકડા ફોડવાની પરંપરા હોય તેવા કોઈ પ્રમાણ મિથકો કે પ્રાચીનગ્રંથોમાં નથી મળતા.
તેઓ જણાવે છે કે પ્રાચીનગ્રંથોમાં દિવાળીના તહેવાર દરમિયાન ખુશી વ્યક્ત કરવા માટે રોશની કરવામાં આવતી હતી, અવાજ નહીં. ફટાકડા દ્વારા અવાજ કરવાની પરંપરા ચીનમાં પ્રચલિત હતી. ચીનમાં એવી માન્યતા હતી કે ફટાકડાના અવાજથી ખરાબ આત્માઓ, દુર્ભાગ્ય તથા ખરાબ વિચાર નાસી જશે તથા સૌભાગ્ય પ્રબળ થશે.
કદાચ બંગાળના બૌદ્ધ ધર્મગુરુ આતીશ દીપાંકરે 12મી સદીમાં ભારતમાં આ વિચારને પ્રચલિત કર્યો. તેઓ કદાચ ચીન, તિબેટ કે પૂર્વ એશિયામાંથી તેને શીખી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ફટાકડા ફોડવા માટે 'આતશબાજી' એવા શબ્દનો પણ પ્રયોગ થાય છે, જેને બૌદ્ધ ધર્મગુરુ સાથે જોડીને જોવામાં આવે છે.
અન્યથા ભારતમાં દુર્ભાગ્યને લાવનારાં 'નિરુતી'ને પણ દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે અને દિક્પતિ (દિશાઓના નવ સ્વામીઓમાંથી એક)નો દરજ્જો આપવામાં આવ્યો છે. તેને પ્રાર્થના કરવામાં આવે છે કે 'દેવી, તમે જાઓ અને પરત ન આવશો.'
દુર્ભાગ્યને ડરાવીને કે ધમકાવીને દૂર કરવાનો ઉલ્લેખ ક્યાંય જોવા નથી મળતો. લગભગ બે હજાર વર્ષ પૂર્વેના વિવરણોમાં રોશનીની સાથે અવાજ કરીને ફાટતા યંત્રોનો ઉલ્લેખ જોવા મળે છે.

મીઠાના ફટાકડા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઈ.સ. પૂર્વે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં એવા ચૂરણનો ઉલ્લેખ જોવા મળે છે, જે ઝડપભેર સળગતું હતું અને જ્વાળાઓ ઊભી કરતું હતું. અને જો તેને એક નળીમાં ભરી દેવામાં આવે તો તે ચૂરણ ફટાકડામાં પરિવર્તિત થઈ જતું.
વરસાદ પછી બંગાળના અનેક વિસ્તારોમાં જમીનની ઉપર મીઠાનું (લવણ) પડ બની જતું. જેનો બારીક ચૂરો કરીને સળગે તેવો પદાર્થ બનાવવામાં આવતો. જો તેમાં યોગ્ય પ્રમાણમાં ગંધક તથા કોલસાની ભૂકીને ઉમેરવામાં આવે તો તેની જ્વલનશીલતા વધી જતી હતી.
જ્યાં મીઠું ઉપલબ્ધ ન હતું, ત્યાં યોગ્ય પ્રકારના લાકડાને સળગાવીને તેની ભૂકીનો ઉપયોગ કરવામાં આવતો હતો. વૈદ્યો દ્વારા અનેક પ્રકારના રોગોની સારવાર માટે આ લવણનો ઉપયોગ થતો હતો.
દેશના લગભગ દરેક ભાગમાં આ જ્વલનશીલ ચૂરણ મળી રહેતું. આનંદની અભિવ્યક્તિ માટે ઘરમાં ઘીના દીવા કરવાનો ઉલ્લેખ ચોક્કસથી જોવા મળે છે, પરંતુ દારૂગોળાનો ઉપયોગ ફટાકડા તરીકે થતો હોવાના ઉલ્લેખ નથી મળતા.
ઉપરાંત આ દારૂગોળો એટલો પણ ઘાતક ન હતો કે દુશ્મનો માટે જીવલેણ સાબિત થાય અને તેનો ઉપયોગ થઈ શકે.
ફટાકડાનો 'ટ્રૅડરૂટ'

ઇમેજ સ્રોત, Sepia Times/Getty
સાતમી સદી દરમિયાન ચીનમાં ફટાકડાનો ઉદ્દભવ થયો હોવાના પુરાવા મળે છે. જોકે અન્ય કેટલાક પુરાવા મુજબ ઈસુના જન્મનાં 200 વર્ષ અગાઉ પણ ચીનમાં ફટાકડા પ્રચલિત હતા.
ચીની રસોઇયાએ રસોડાંમાં ઉપલબ્ધ ત્રણ પ્રચલિત ચીજોને લઈને આકસ્મિક રીતે જ તે બનાવ્યા હતા. એક અનુમાન પ્રમાણે, વિશ્વના 80 ટકા કરતાં વધુ ફટાકડા ચીનમાં બને છે.
ગંધકનો ઉલ્લેખ કદાચ પહેલી વખત 1270માં સીરિયાના રસાયણશાસ્ત્રી હસન અલ રમ્માહના પુસ્તકમાં જોવા મળે છે, જેમાં તેમણે ગંધકને ગરમ પાણીમાં શુદ્ધ કરીને તેને વધુ વિસ્ફોટક બનાવવાની વાત લખી છે.
અન્ય એક માન્યતા મુજબ, ચીનથી ભારતમાં ફટાકડા ટ્રૅડરૂટ મારફત પહોંચ્યા. અગાઉના સમયમાં ફટાકડા માત્ર રાજ-મહારાજા કે રાજવી પરિવારોને જ સુલભ હતા. 18મી તથા 19મી સદી દરમિયાન ફટાકડાની ફેકટરીઓ નખાવા લાગી અને ફટાકડા સામાન્ય લોકો સુધી પહોંચ્યા.
ભારતની જેમ જ ગંધક તુર્કીમાં પહોંચ્યો, જ્યાં કાળક્રમે તેનો ઉપયોગ તોપખાનામાં થવા લાગ્યો. બાબરની સેના દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મુઘલો ફટાકડા લાવ્યા?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
વર્ષ 1526માં બાબરની મુઘલ સેના દ્વારા દિલ્હીના સુલતાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇતિહાસકારો નોંધે છે કે તોપગોળાનો અવાજ સાંભળીને ભારતના સૈનિકો ગભરાઈ ગયા હતા.
જો ભારતના મંદિરો કે શહેરોમાં ફટાકડા ફોડવાની પરંપરા હોત તો કદાચ તેઓ આટલા બધા ડરી ન ગયા હોત. આ પહેલાં મુઘલકાલીન ઇતિહાસના પ્રાધ્યાપક નજફ રાયે જણાવ્યું :
"મુઘલકાળમાં ફટાકડાનો ઉપયોગ અને આતશબાજી વ્યાપકપણે થતાં, પરંતુ તેઓ જ ભારતમાં ફટાકડા લાવ્યા, તેમ કહેવું વધુ પડતું ગણાશે. તેમના આગમન પહેલાં ભારતમાં ફટાકડા પહોંચી ગયા હતા."
"જેનો ઉપયોગ શિકાર સમયે પ્રાણીઓને ડરાવવા તથા હાથીઓની લડાઈ દરમિયાન કરવામાં આવતો હતો. ગન પાઉડર મુઘલોના આવ્યા પછી ભારતમાં આવ્યો."
"મુઘલો પૂર્વે ફિરોઝશાહના સમયમાં વ્યાપકપણે આતશબાજી થતા હોવાના ઉલ્લેખ જોવા મળે છે."
દારા શિકોહના નિકાહની પેઇંટિગમાં લોકોને ફટાકડા ફોડતા જોઈ શકાય છે. મુઘલકાળમાં નિકાહ તથા અન્ય સામાજિક તથા ઉમંગના પ્રસંગોમાં આતશબાજીનો ઉલ્લેખ જોવા મળે છે.

આતશબાજી વિશે અવનવું

ઇમેજ સ્રોત, Heritage Images/Getty
ગુજરાતમાં કોઈ કામ નહીં થવા માટે કે અપેક્ષા મુજબ પર્ફૉર્મ નહીં થવા માટે 'સુરસુરિયું થઈ જવું' શબ્દપ્રયોગ કરવામાં આવે છે, જેનો સંદર્ભ ફૂટી નહીં શકતા ફટાકડાની સાથે છે. આવી જ રીતે 'જામગરી ચાંપવી' મતલબ ફટાકડાની જામગરી સાથે છે, પરંતુ તે ઉશ્કેરાટ ફેલાવવાના સંદર્ભમાં વપરાય છે.
ગુજરાતી ભાષામાં 'ફટાકડું'નો મતલબ નાજુક અને સુંદર હોય તેવો પણ થાય છે.
ગુજરાતના અમદાવાદ જિલ્લાના મહેમદાબાદ તાલુકાના વાંચ ગામ ખાતે મોટાપાયે ફટાકડા બને છે, જેનો માલ સમગ્ર રાજ્યમાં વેચાય છે.
તામિલનાડુનું શિવાકાશીએ દેશમાં ફટાકડાનું સૌથી મોટું ઉત્પાદક છે. એક અનુમાન પ્રમાણે, દેશના લગભગ 80 ટકાથી વધુ ફટાકડા ત્યાં બને છે. વિશ્વભરમાં ચીન ફટાકડાનો સૌથી મોટો ઉત્પાદક તથા નિકાસકર્તા દેશ છે.
ભારત દ્વારા સુપરગ્રીન ફટાકડા બનાવવામાં આવ્યા છે, પરંતુ તેને બજારમાં આવતા હજુ થોડો સમય લાગશે. તે ખૂબ જ સસ્તા હશે એવું IISER, મોહાલીના સંશોધકોનું કહેવું છે.

ઇમેજ સ્રોત, NARINDER NANU
વિશ્વમાં સૌથી વધુ ખાનગી ફટાકડાનો વપરાશ વૉલ્ટ ડિઝની દ્વારા થાય છે. જ્યાં દરરોજ સાંજે પર્યટકો માટે મૅઝિક કિંગ્ડમ ખાતે આતશબાજી ગોઠવવામાં આવે છે, જેને મુલાકાતી બાળકો મનભરીને માણે છે.
યુએઈમાં શેખ ઝાયેદ મહોત્સવ દરમિયાન સૌથી લાંબી રિલે (કુલ 320) આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ પહેલી જાન્યુઆરી 2020ના નવવર્ષને આવકારતી વેળાએ આયોજન કરવામાં આવ્યું હતું, જેની મદદથી 'HAPPY NEW YEAR 2020' લખવામાં આવ્યું હતું.
સૌથી લાંબી આતશબાજીનો રેકર્ડ ફિલિપિન્સના ચર્ચ ઑફ ક્રાઇસ્ટના નામે છે. જ્યાં વર્ષ 2016ને આવકારવાના કાઉન્ટડાઉન સમયે આતશબાજી શરૂ કરવામાં આવી હતી.
ફાયરવર્કસમાં લગભગ આઠ લાખ 11 હજાર જેટલા ફટાકડા ગોઠવવામાં આવ્યા હતા. આ આતશબાજી એક કલાક એક મિનિટ અને બે સેકંડ સુધી ચાલી હતી. તેમાં વરસાદ વિલન પણ બન્યો હતો.
ઇંગ્લૅન્ડના નાટ્યકાર શેક્સપિયરના નાટકોમાં ફટાકડા તથા આતશબાજીનો વારંવાર ઉલ્લેખ જોવા મળે છે, જે સૂચવે છે કે એ સમયે તે પ્રચલિત હશે.
ઇંગ્લૅન્ડમાં લગભગ 13મી સદીના અંતભાગમાં ફટાકડા પહોંચી ગયા હતા, પરંતુ તેનો ઉપયોગ રાણી એલિઝાબેથ પ્રથમના સમયમાં વધ્યું, તેમને આતશબાજી ખૂબ જ પસંદ હતી એટલે તેમણે 'ફાયર માસ્ટર ઑફ ઇંગ્લૅન્ડ'નું પદ ઊભું કર્યું, જેનું કામ શાહી કાર્યક્રમો દરમિયાન આતશબાજીનું આયોજન કરવાનું હતું.


તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો


















