ભારતીયોનો સોનાનાં ઘરેણાં પરથી મોહ ઊતરી રહ્યો છે, આ દિવાળીએ ટ્રૅન્ડ કેમ બદલાયો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અનાહિતા સચદેવ તથા નિખિલ ઇનામદાર
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી અને મુંબઈથી
છેલ્લાં કેટલાંક અઠવાડિયાં દરમિયાન સોનાના ભાવોમાં અસામાન્ય ઉછાળો જોવા મળ્યો છે અને તેને કારણે તેની માંગમાં ઘટાડો નોંધાયો છે. જોકે, તેના પ્રત્યે ભારતીયોનું આકર્ષણ ઘટ્યું નથી.
દિવાળી પહેલાં દિલ્હી સહિત દેશનાં સોના-ચાંદી બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
દિલ્હીમાં રજાના દિવસોમાં પણ આ દુકાનો ખુલ્લી જોવા મળી રહી છે અને સાંજ પડતાં જ રંગીન અને રોશનીસભર સાઇનબૉર્ડ્સની હારમાળા ગ્રાહકોને આકર્ષે છે. બહાર તમને કતારબંધ રીતે ગાડીઓ પાર્ક થયેલી જોવા મળશે.
વિશ્વભરમાં ભારત એ સોનાનું બીજું સૌથી મોટું બજાર છે. સોનાના એક તોલાનો ભાવ રૂ. એક લાખ 26 હજારને પાર કરી ગયો છે, જેના કારણે તેની માંગ ઘટી છે, પરંતુ આકર્ષણ યથાવત્ છે.
દિવાળી અને તે પહેલાં ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદીને શુભ માનવામાં આવે છે. લાખો ભારતીયો આ દિવસે સિક્કા, લગડી કે ઘરેણાં સ્વરૂપે સોનું કે ચાંદી ખરીદે છે. લોકો માને છે કે આ દિવસે ખરીદી કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
સોના-ચાંદીના ભાવોમાં ઉછાળ છતાં આકર્ષણ કેમ?

ઇમેજ સ્રોત, Faisal Bashir/SOPA Images/LightRocket via Getty Images
આ વર્ષે સોના અને ચાંદીના ભાવોમાં રેકૉર્ડ ઉછાળ જોવા મળ્યો છે, જેથી ખરીદદારોમાં એક પ્રકારનો ભય ફેલાઈ ગયો છે. દિલ્હીસ્થિત કુમાર જ્વેલર્સના માલિક પ્રકાશ પહલાજાનીએ બીબીસીને જણાવ્યું :
"લોકોને લાગે છે કે અત્યારે સોનું નહીં ખરીદે, તો હજુ પણ સોનાના ભાવો વધી જશે. જેથી, આ વર્ષે મારી પાસે વધુ ગ્રાહક આવ્યા હતા."
સોનાના ભાવોમાં 60 ટકા તથા ચાંદીના ભાવોમાં 70 ટકા જેટલો ઉછાળો આવ્યો છે, ત્યારે જ્વેલર્સે પણ ગ્રાહકોના મર્યાદિત બજેટને કારણે પોતાની વ્યૂહરચના બદલવી પડી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તનિષ્ક ગુપ્તાની જ્વેલરીની દુકાન પહલાજાનીની દુકાનથી થોડે દૂર જ છે.
તેઓ કહે છે, "લોકો એમ નથી કહી રહ્યા કે 'મારે ખરીદી નથી કરવી', પરંતુ લોકો એમ કહી રહ્યા છે કે હવે થોડું ઓછું ખરીદીશું."
તનિષ્ક કહે છે કે હવે તેમણે જ્વેલરીની એવી ડિઝાઇનો તૈયાર કરી છે, જે દેખાવમાં તો વજનદાર લાગે, પરંતુ તેમાં સોનું ઓછું હોય. જેમ કે 250 મિલિગ્રામ સોનાનો સિક્કો લગભગ ત્રણ હજારનો વેચાય છે. તેને અગાઉની સરખામણીમાં પાતળો કરી નાખ્યો છે, પરંતુ આકારમાં પહેલાં જેટલો જ મોટો જણાય આવે છે.
હવે બજારમાં 25 મિલિગ્રામ વજનના સિક્કા પણ ઉપલબ્ધ બન્યા છે.
લાજપતનગરની સોની બજારમાં રિટેઇલનું કામ કરતા પુષ્પિન્દર ચૌહાણ કહે છે, સોનાના ભાવો વધવાને કારણે 'હળવી જ્વેલરી'ની માગ વધી ગઈ છે.
તેઓ કહે છે કે લોકો, વિશેષ કરીને યુવાનો વાર-તહેવારે કે પ્રસંગોપાત પહેરી શકાય તેવાં ઘરેણાંને બદલે રોજબરોજમાં પહેરી શકાય તેવા હળવા દાગીનાને પ્રાથમિકતા આપી રહ્યા છે.
આ વખતે નવો ટ્રૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અનેક જ્વેલર્સે બીબીસીને જણાવ્યું કે આ વર્ષે વધુ એક ટ્રૅન્ડ જોવા મળી રહ્યો છે.
તેમનું કહેવું છે કે લોકો માત્ર જ્વેલરી માટે જ નહીં, પરંતુ રોકાણ માટે પણ સોનું-ચાંદીની ખરીદી કરી રહ્યા છે.
લોકોનું આ વલણ બુલિયન બજારના આંકડામાં પણ જોવા મળી રહ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના (ડબલ્યુજીસી) જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં ભારતમાં સોનાની જે માંગ જોવા મળી રહી છે, તેમાં ઘેરણાંની ટકાવારી ઘટી છે. એની સામે રોકાણ (સિક્કા, બિસ્કિટ કે લગડી સ્વરૂપે) ખરીદીનું પ્રમાણ વધ્યું છે.
કાઉન્સિલનાં રિસર્ચ હેડ કવિતા ચાકોએ બીબીસીને જણાવ્યું, "વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન સોનાની ખરીદદારીમાં ઘરેણાંનો હિસ્સો 80 ટકા હતો. જે ચાલુ વર્ષના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ઘટીને 64 ટકા જેટલો રહ્યો હતો. બીજી બાજુ, રોકાણ તરીકે તેની માંગ 19 ટકાથી ઉછળીને 35 ટકા ઉપર પહોંચી ગઈ હતી."
ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) અને ડિજિટલ ગોલ્ડ સ્વરૂપે પણ સોનામાં રોકાણ કરવાનું ચલણ વધ્યું છે. તેમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં સૌથી વધુ રોકાણ નોંધાયું હતું. ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓ મારફત ઈટીએફમાં રોકાણ 70 ટકા વધ્યું છે.
આરબીઆઈની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
સોનાના ભાવો ઉપર માત્ર રિટેઇલ બજારની જ નહીં, પણ આરબીઆઈની (રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા) મોટી અસર જોવા મળે છે.
ડબલ્યુજીસીના જણાવ્યા પ્રમાણે, આરબીઆઈના વિદેશી મુદ્રા ભંડોળમાં સોનાની ટકાવારી નવ ટકાથી વધીને 14 ટકા ઉપર પહોંચી ગઈ છે.
બ્રૉકરેજ હાઉસ કોટક સિક્યૉરિટીઝ ખાતે કૉમોડિટી બાબતોના નિષ્ણાત કાયનાત ચેનવાલા કહે છે, "ગત ત્રણ વર્ષ દરમિયાન સોનાની વૈશ્વિક માંગમાં આરબીઆઈની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે."
તેઓ કહે છે કે વિદેશી મુદ્રા ભંડોળને ડાઇવર્સિફાય કરવા, ડૉલર ઉપરનો મદાર ઘટાડવા તથા ભૂ-રાજકીય તણાવના સમયમાં આર્થિકસ્થિરતા લાવવા માટે આરબીઆઈએ સતતપણે સોનાનો સ્ટૉક વધાર્યો છે.
સોનું ખરીદવું મુશ્કેલ બન્યું

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારોનું કહેવું છે કે સોનાના ભાવોમાં રેકૉર્ડ કિંમતો જોવા મળી રહી છે, આમ છતાં આગામી કેટલાંક અઠવાડિયાં દરમિયાન તહેવાર તથા લગ્નની સિઝનને કારણે ચાંદી તથા સોનાના ભાવોમાં માંગ યથાવત્ રહેશે.
બૅન્ક ઑફ બડોદાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસ કહે છે, "ધનવાન વર્ગ સોનાની ખરીદી ચાલુ રાખશે, જોકે, ઓછી આવકવાળા માટે તે આંચકારૂપ હશે. કુલ ખરીદીમાં પ્રમાણ ઘટશે, પરંતુ કુલ મૂલ્યની દૃષ્ટિએ જોઈએ તો તેમાં ઘટાડો નહીં જોવાય."
જોકે, સોના ભાવો વધવાને કારણે કેટલાક પરિવારો માટે સોની બજાર સુધી પહોંચવું કપરું થઈ ગયું છે. દિલ્હીની સોની બજારમાં અમારી મુલાકાત ભાવના સાથે થઈ.
ફેબ્રુઆરી-2026માં તેમનાં લગ્ન થવાનાં છે.
ભાવના કહે છે, "ખરીદી કરતાં પહેલાં ઘણું બધું વિચારવું પડી રહ્યું છે. સોનું ખરીદવું કે નહીં, એવો વિચાર પણ મને આવે છે."

ઇમેજ સ્રોત, Getty Images
ભાવનાએ હાલમાં તેમની ખરીદારી મોકૂફ કરી છે, તેઓ આશા કરી રહ્યાં છે કે સોનાના ભાવોમાં થોડો કડાકો બોલે, તો તેઓ લગ્નની શૉપિંગ પૂરી કરી લે.
જાણકારોનું કહેવું છે કે સોના અને વિશેષ કરીને સોનાનાં ઘરેણાં પ્રત્યે ભારતમાં સાંસ્કૃતિક લગાવ જોવા મળે છે. જેથી કરીને ટૂંકાગાળા માટે ભાવો વધે કે ઘટે, તેમના લાંબાગાળાના આકર્ષણ પ્રત્યે કોઈ ફેર નહીં પડે.
ભારતમાં સોનાને ન કેવળ ઘરેણાં, પરંતુ સંપન્નતાના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. લાંબા સમય સુધી આર્થિક સ્થિતિ જાળવી રાખવામાં સોનાએ મદદ કરી છે. વિશેષ કરીને આર્થિક વૃદ્ધિદર ધીમો હોય કે નોકરીઓ મેળવવી મુશ્કેલ હોય.
અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક મૉર્ગન સ્ટૅનલીના મતે, ભારતીય પરિવારો માટે લગભગ 334 ટ્રિલિયન રૂપિયાનું સોનું છે, (લગભગ 3.8 ટ્રિલિયન ડૉલર) જે ભારતનાં કુલ જીડીપીના 88.8 ટકા જેટલું છે.
સંસ્થાનાં અર્થશાસ્ત્રી ઉપાસના ચાચરા તથા બાની ગંભીરે તેમના રિપોર્ટમાં લખ્યું, "આનો મતલબ એ થયો કે સોનાના ભાવ વધવાને કારણે ભારતીય પરિવારોની સંપત્તિમાં વધારો થયો છે."
સાથે જ એમનું કહેવું છે, "મૉનિટરી પૉલિસીમાં રાહત આપતા વ્યાજદરમાં ઘટાડો કરવા ઉપરાંત પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ ટૅક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી કરીને લોકોની ખર્ચક્ષમતામાં વધારો થયો છે."
તહેવારોના સમયમાં આ સારો સંકેત છે. જોકે, સોનાના ઐતિહાસિક ભાવોએ આ ધાતુની ખરીદી થોડી ફિક્કી કરી છે, એ વાત પણ એટલી જ સાચી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












