સોનાના ભાવ ઝડપથી કેમ વધી રહ્યા છે અને આવનારા દિવસોમાં ભાવ 2 લાખ કરતાં વધારે થઈ જશે?

બીબીસી ગુજરાતી શૅરબજાર સોનું ચાંદી વળતર ઈટીએફ ગોલ્ડ રશિયા અમેરિકા બુલિયન સિલ્વર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણા ભારતીયો હાલમાં નવું સોનું ખરીદવાના બદલે જૂના સોનાને રિસાઇકલ કરાવે છે.
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

નવરાત્રિના તહેવારોની શરૂઆત થઈ છે ત્યાં સોના અને ચાંદીના ભાવે ફરીથી નવો વિક્રમ બનાવ્યો છે.

પહેલા નોરતે જ અમદાવાદમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1.16 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો જ્યારે ચાંદીનો ભાવ એક કિલોના 1.35 લાખ રૂપિયા થઈ ગયો હતો. માત્ર એક દિવસમાં ચાંદીના ભાવમાં કિલો દીઠ 3500 રૂપિયાનો વધારો થયો છે.

ગઈ નવરાત્રિ વખતે સોનાનો ભાવ 78,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલતો હતો તે 1.16 લાખને પાર કરી જાય તેનો અર્થ એવો થયો કે લગભગ એક વર્ષમાં સોનાનો ભાવ 48 ટકા વધી ગયો છે.

સોના અને ચાંદીમાં આટલી તેજી કેમ છે, આ તેજી કેટલા સમય સુધી ટકી રહેશે અને આગામી સમયમાં સોનું બે લાખ રૂપિયાને પણ પાર કરી શકે કે નહીં તેની વાત કરીએ.

શૅરબજારની તુલનામાં સોના-ચાંદીમાં આટલી તેજી શા માટે?

બીબીસી ગુજરાતી શૅરબજાર સોનું ચાંદી વળતર ઈટીએફ ગોલ્ડ રશિયા અમેરિકા

ઇમેજ સ્રોત, BSE

ઇમેજ કૅપ્શન, સોનાનો ભાવ એક વર્ષમાં લગભગ 48 ટકા વધ્યો ત્યારે શૅરબજારમાં એકથી ત્રણ ટકા નૅગેટિવ વળતર મળ્યું છે.

છેલ્લા એક વર્ષમાં શૅરબજારમાં કમાણી થવાના બદલે નૅગેટિવ વળતર મળ્યું છે ત્યારે સોનાનો ભાવ 48 ટકા અને ચાંદીનો ભાવ 45 ટકા વધ્યો છે.

23 સપ્ટેમ્બર 2024ના રોજ સેન્સેક્સ 84900થી ઉપર હતો જે હાલમાં 82190ની આસપાસ ચાલે છે. એટલે કે સેન્સેક્સે એક વર્ષમાં ત્રણ ટકા ઘટ્યો છે. 50 શૅરનો નિફ્ટી પણ એક ટકા ઘટ્યો છે.

આ તેજીનું કારણ આપતા એચડીએફસી સિક્યૉરિટીઝના સિનિયર કૉમોડિટી રિસર્ચ ઍનાલિસ્ટ સૌમિલ ગાંધીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "સોના અને ચાંદીની તેજી માટે મુખ્ય ત્રણ કારણો છે. પહેલું કારણઃ દુનિયાભરમાં ગોલ્ડ અને સિલ્વર ઈટીએફમાં બહુ ભારે મૂડીપ્રવાહ જોવા મળ્યો છે. ચાંદીની ઔદ્યોગિક માંગ વધી છે જ્યારે સોનાની માંગ વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે વધી રહી છે."

"બીજું કારણઃ ફેડ રિઝર્વની છેલ્લી મિટિંગમાં એવા સંકેત મળ્યા છે કે વર્ષ પૂરું થાય તે અગાઉ યુએસ ફેડ દ્વારા હજુ બે રેટ કટ આવી શકે છે. તેથી યુએસ ડૉલર ઇન્ડેક્સ અને યુએસ ટ્રેઝરી યીલ્ડ ઘટી શકે છે જેના કારણે સોના અને ચાંદીને ફાયદો થશે."

ત્રીજું કારણ આપતાં સૌમિલ ગાંધીએ કહ્યું કે "થોડા સમય અગાઉ લાગતું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો ઝડપથી અંત આવશે. પરંતુ એવું થયું નથી. તેથી ભૂરાજકીય અનિશ્ચિતતાના કારણે સોનામાં સેફ હેવન ડિમાન્ડ છે."

રૉયટર્સનો અહેવાલ કહે છે કે યુક્રેનના એક પ્રાંતમાં રશિયાએ એક વિસ્તાર પર કબજો કર્યાનો દાવો કર્યો ત્યાર પછી સોનું વધ્યું હતું. સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં એક જ દિવસમાં સોનાનો ભાવ બે ટકા ઉછળ્યો હતો.

અમદાવાદસ્થિત બુલિયન ટ્રેડર હેમંત ચોક્સીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "રેટ કટની આશા હોવાથી સોનું અને ચાંદી વધતા જાય છે. આ ભાવે ખરીદીનું વૉલ્યુમ ઓછું થઈ ગયું છે. આટલો ભાવ હોવા છતાં નાના ઇન્વેસ્ટરો ઊંચા ભાવની આશાએ ખરીદે છે."

સોના-ચાંદીમાં તેજી કેટલા સમય સુધી ટકશે?

બીબીસી ગુજરાતી શૅરબજાર સોનું ચાંદી વળતર ઈટીએફ ગોલ્ડ રશિયા અમેરિકા બુલિયન સિલ્વર

ઇમેજ સ્રોત, Saumil Gandhi

ઇમેજ કૅપ્શન, કોમૉડિટીના રિસર્ચ ઍનાલિસ્ટ સૌમિલ ગાંધી કહે છે કે દુનિયાભરમાં ગોલ્ડ અને સિલ્વર ઈટીએફમાં બહુ ભારે મૂડીપ્રવાહ જોવા મળ્યો છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કિંમતી ધાતુઓના ભાવમાં આ ઉછાળો કેટલા સમય સુધી ચાલશે તેના વિશે એચડીએફસી સિક્યૉરિટીઝના સૌમિલ ગાંધીએ કહ્યું કે "સોના અને ચાંદીની માંગ જળવાઈ રહી છે. તેથી મોટું કરેક્શન (ઘટાડો) આવે તેવું લાગતું નથી. આગળ જતા ભાવ વધુ ઊંચકાય તેવી શક્યતા છે."

જ્યારે ચોક્સી મહાજનના હેમંત ચોક્સી માને છે કે "સોનાના ભાવમાં સળંગ તેજી ચાલુ છે તેથી એક કરેક્શન આવવાની શક્યતા છે. દુનિયાભરની સેન્ટ્રલ બૅન્કો હાલમાં સોનું ખરીદી રહી છે. તેઓ જ્યારે સોનું વેચવા કાઢે ત્યારે જ સોનાનો ભાવ ઘટે તેવી શક્યતા છે."

આગામી ઑક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં યુએસ ફેડ દ્વારા બે વખત 0.25 ટકાનો રેટ કટ કરવામાં આવે તેવી સંભાવના છે.

સોનાની ડિમાન્ડ પર નજર રાખતા મેટલ્સ ફૉકસ મુજબ વર્ષ 2026માં 53 ટકા સોનું જ્વેલરી માટે ખરીદાયું હતું, 28 ટકા સોનું રોકાણ માટે ખરીદાયું હતું જ્યારે બાકીના સોનાની ખરીદી સેન્ટ્રલ બૅન્કો માટે અને ઔદ્યોગિક માંગ માટે કરવામાં આવી હતી.

ત્યાર પછી આટલાં વર્ષોમાં ચિત્ર બદલાઈ ગયું છે. હવે માત્ર 40 ટકા સોનું જ્વેલરી બનાવવા માટે ખરીદાય છે. 29 ટકા સોનું ફિજિકલ ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદવામાં આવે છે જ્યારે 24 ટકા સોનું સેન્ટ્રલ બૅન્કો દ્વારા ખરીદવામાં આવે છે. બાકીનું સાત ટકા સોનું ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ માટે ખરીદાય છે.

સોનાનો ભાવ બે લાખને વટાવી જશે?

બીબીસી ગુજરાતી શૅરબજાર સોનું ચાંદી વળતર ઈટીએફ ગોલ્ડ રશિયા અમેરિકા બુલિયન સિલ્વર

ઇમેજ સ્રોત, Getty Images

એક અહેવાલ પ્રમાણે ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં અમેરિકાસ્થિત ગોલ્ડ ઈટીએફમાં 32.7 અબજ ડૉલર કરતાં વધુ મૂડી ઠલવાઈ છે. વૈશ્વિક સ્તરે 2025માં અત્યાર સુધીમાં ગોલ્ડ ઈટીએફમાં 57.1 અબજ ડૉલરનું રોકાણ થયું છે.

હાલમાં આખી દુનિયામાં ગોલ્ડ ઈટીએફમાં 445 અબજ ડૉલરનું રોકાણ છે, જેમાંથી અડધું રોકાણ એકલા અમેરિકામાં લિસ્ટેડ ફંડોમાં થયેલું છે. ઈટીએફમાં આટલી ભારે ખરીદીના કારણે ભાવને વેગ મળે છે.

સોનાનો ભાવ એક- બે વર્ષમાં બે લાખને વટાવી જશે, એવા સવાલના જવાબમાં સૌમિલ ગાંધી કહે છે કે "એવી અટકળો કરવી વધારે પડતી વહેલી ગણાશે. પરંતુ અત્યારે સોનું જે લેવલ પર છે તેનાથી થોડું ઉપર જઈ શકે છે."

"આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 3770 ડૉલર ચાલે છે જે 3900થી 4000 ડૉલર સુધી જઈ શકે છે. સ્થાનિક બજારમાં 1.20 લાખની આસપાસનો ભાવ આવી શકે," તેમ ગાંધી જણાવે છે.

તેમણે કહ્યું કે "ચાંદીની ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ મજબૂત છે અને ઈટીએફથી પણ ખરીદી વધી છે. છેલ્લાં ચાર વર્ષમાં સોના કરતાં ચાંદીએ અંડર પરફૉર્મ કર્યું છે. તેથી ચાંદીમાં વધારાને અવકાશ છે."

હેમંત ચોક્સીએ જણાવ્યું કે, "આજની તારીખે પણ લોકો માને છે કે સોનું હજુ વધશે. તેથી લોકો નફો બુક કરવા આવતા નથી."

તેઓ કહે છે, "જે લોકોએ વપરાશ માટે સોનું ખરીદ્યું છે તેઓ નથી વેચી રહ્યા. પરંતુ જેમને રૂપિયાની જરૂર છે અથવા ઘર ખરીદવું હોય કે એવા બીજા કોઈ કારણથી રૂપિયાની જરૂર હોય, તેઓ સોનું વેચી શકે છે."

સોનાના ભાવ વધવા છતાં લોકો ખરીદી કરી રહ્યા છે?

બીબીસી ગુજરાતી શૅરબજાર સોનું ચાંદી વળતર ઈટીએફ ગોલ્ડ રશિયા અમેરિકા બુલિયન સિલ્વર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોનાના સતત વધતા ભાવના કારણે તહેવારોની સિઝનમાં પણ જ્વેલરીની માંગને અસર થઈ છે.

સૌમિલ ગાંધી માને છે કે "જીએસટીના દરમાં થયેલા ઘટાડા પછી લોકોના હાથમાં બચત રહેતી હોય તો તેઓ સોનું અને ચાંદી ખરીદશે તેવી આશા રાખવામાં આવે છે.

હાલમાં તહેવારોની સિઝન ચાલે છે જેને સોનું ખરીદવા માટેનો અવસર ગણવામાં આવે છે. પરંતુ સોનાનો ભાવ એટલો ઊંચો છે કે ગ્રાહકો 22 કૅરેટના બદલે 15થી 18 કૅરેટનાં ઘરેણાં ખરીદવા પ્રેરાશે."

તેઓ કહે છે કે "જે લોકો પાસે પહેલેથી સોનું છે તેઓ સોનાને રિસાઇકલ કરીને નવાં ઘરેણાં બનાવડાવે તેવી શક્યતા છે. પરંતુ ઇન્વેસ્ટરો આ ભાવે પણ ખરીદી કરે છે તે ઈટીએફના ડેટા પરથી જોઈ શકાય છે."

તહેવારોની સિઝનમાં કેવી ખરીદી ચાલે છે તે અંગે હેમંત ચોક્સીએ કહ્યું કે "બુલિયન વેપારીઓમાં ખરીદીનો ક્રેઝ નથી. પરંતુ ગ્રાહકો ઓછાં કૅરેટની જ્વેલરી ખરીદે છે. અગાઉ એમસીએક્સના બિલ સામે સોનાનો ભાવ 2000 રૂપિયા ડિસ્કાઉન્ટમાં ચાલતો હતો, હવે હાજર ભાવ કરતા 200 રૂપિયા પ્રીમિયમ ચાલે છે. લોકો અત્યારે જૂનું સોનું ઓગાળીને નવાં ઘરેણાં બનાવવાનો ઑર્ડર આપે છે. અત્યારે 9 કૅરેટ અને 14 કૅરેટની જ્વેલરી ખરીદી રહ્યા છે જેથી સસ્તું પડે. 22 કૅરેટનાં ઘરેણાંમાં રસ ઘટી ગયો છે."

સૌમિલ ગાંધી અને હેમંત ચોક્સી બંને આ ભાવે સોનાને જાળવી રાખવાની અથવા ભાવમાં ઘટાડો આવે ત્યારે તેને ખરીદવાની સલાહ આપે છે.

(સ્પષ્ટતાઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુસર છે, નાણાકીય ભલામણ નથી. રોકાણના કોઈ પણ નિર્ણયો લેતાં પહેલાં વાચકોને પોતાના નાણાકીય સલાહકારની મદદ લેવા સલાહ અપાય છે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન