ગુજરાતના આ વિસ્તારમાં ભેદી ધડાકાઓ કેમ થઈ રહ્યા છે, ગાંધીનગરથી આવેલી ટીમને શું જાણવા મળ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાણવડ, દેવભૂમિ દ્વારકા, ભૂકંપ, ભૂકંપના ધડાકા

ઇમેજ સ્રોત, KISHAN GOJIYA/JAY GOSWAMI

ઇમેજ કૅપ્શન, ભાણવડના રહીશો ફરિયાદ કરે છે કે તેમને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી ભેદી ધડાકા સંભળાય છે. ડાબી બાજુની તસવીરમાં ભૂકંપને કારણે તૂટેલું મકાન નજરે પડે છે અને જમણી બાજુની તસવીરમાં ગાંધીનગરમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મૉલૉજિકલ રિચર્ચના વૈજ્ઞાનિકો તથા સ્થાનિક અધિકારીઓ નજરે પડે છે.
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરના લોકો છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી ભયના માહોલમાં જીવી રહ્યા છે.

ભાણવડના રહીશો ફરિયાદ કરે છે કે તેમને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી ભેદી ધડાકા સંભળાય છે અને ભૂકંપમાં થાય તે રીતે જમીન ધ્રૂજતી અનુભવાય છે.

વૈજ્ઞાનિકો કહે છે કે ભેદી ધડાકા સાચે જ ભૂકંપના છે,પરંતુ તેઓ ધરપત આપે છે કે આ ઘટના સ્થાનિક ભૂરચના અને હાલના વાતાવરણને કારણે થઇ રહી હોય તેવી શક્યતા છે અને આ વિસ્તારમાં આવનાર દિવસોમાં કોઈ મોટો ભૂકંપ આવવાની શક્યતા નથી.

લોકોની ફરિયાદો પછી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સરકારી અધિકારીઓએ ગાંધીનગરમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મૉલૉજિકલ રિચર્ચ (એસઆઇઆર) એટલે કે ભૂકંપીય સંશોધન સંસ્થાની મદદ માંગી છે.

આ ભેદી ધડાકાઓના અનુસંધાને આ ઇન્સ્ટિટ્યૂટે ભૂકંપીય હલચલ પર નજર રાખવા ભાણવડ શહેરમાં મામલતદાર ઑફિસની નજીક આવેલ સિંચાઈ ખાતાની ઓફિસમાં તેમજ ભાણવડ શહેરની ભાગોળે આવેલ વર્તુ-2 ડૅમ પર સિસ્મૉગ્રાફ મશીન મૂક્યાં છે.

ભાણવડમાં ક્યારથી ધડાકા સંભળાય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાણવડ, દેવભૂમિ દ્વારકા, ભૂકંપ, ભૂકંપના ધડાકા

ઇમેજ સ્રોત, Government of Gujarat

ઇમેજ કૅપ્શન, ભાણવડશહેરમાં સિંચાઈ ખાતાની ઑફિસમાં ભૂકંપ માપવા માટે શનિવારે સિસ્મૉગ્રાફ મશીન ફીટ કરી રહેલ તજજ્ઞોની ટીમ.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ભાણવડ શહેરના રહેવાસી જિતેન્દ્રભાઈ જોશીએ કહ્યું, "છેલ્લાં ત્રણેક અઠવાડિયાંથી ભાણવડ શહેરમાં ધડાકા સંભળાય છે અને ભૂંકપ થાય ત્યારે જે રીતે જમીન ધ્રૂજતી હોય તેમ અમને પણ જમીન ધ્રૂજતી અનુભવાય છે. હું ભાણવડના નગર નાકા વિસ્તારમાં રહું છું. પરંતુ આ ધડાકા અને ધ્રુજારી રણજિતપરામાં વધારે અનુભવાય છે. ધડાકા અને ભૂકંપને કારણે થોડો ભય છે, પરંતુ હાલ જાનમાલનું કોઈ નુકસાન નથી."

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ભાણવડના ઇન-ચાર્જ મામલતદાર જલ્પેશ બાબરિયાએ કહ્યું, "ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મૉલૉજિકલ રિસર્ચના સંશોધકોએ અમને કહ્યું છે કે ભાણવડમાં આમ તો દર વર્ષે ઓછી તીવ્રતાના ભૂકંપ થતા રહે છે. પરંતુ, આ વર્ષે લોકોને ભૂકંપના અવાજ સંભળાતા હોવાથી થોડો ડરનો માહોલ છે. તેથી, અમે લોકજાગૃતિના કાર્યક્રમો કર્યા છે."

"ભૂકંપને કારણે જૂનાં મકાનોમાં તિરાડો પડી છે અને વિજયપુર રોડ પર આવેલ એક નળિયાની છત ધરાવતાં જૂનાં મકાન પરથી કેટલાંક નળીયાં પડી ગયાં હતાં. પરંતુ, તે મકાનમાં કોઈ રહેતું ન હોઈ કોઈને ઈજા થઈ નથી. ભૂકંપથી જાનમાલને મોટા નુકસાનની હાલ કોઈ માહિતી નથી."

ભાણવડમાં જ કેમ ભૂકંપના આંચકા આવી રહ્યા છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાણવડ, દેવભૂમિ દ્વારકા, ભૂકંપ, ભૂકંપના ધડાકા

ઇમેજ સ્રોત, KISHAN GOJIYA

ઇમેજ કૅપ્શન, ભૂકંપની પરિસ્થિતિનો તાગ મેળવવા 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાણવડમાં સ્થાનિક લોકોને મળી રહેલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મૉલૉજિકલ રિસર્ચના તજજ્ઞો અને સરકારી અધિકારીઓ.

આ બાબતે બીબીસીએ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટૅકનૉલૉજી વિભાગના નેજા હેઠળ કામ કરતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મૉલૉજિકલ રિસર્ચના ઇન-ચાર્જ ડાયરેક્ટર જનરલ ડૉ. સુમેર ચોપરાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે ભાણવડમાં જે થઈ રહ્યું છે તે ખરેખર ભૂકંપ જ છે.

ડૉ. ચોપરાએ કહ્યું, "ભાણવડમાં બીજી અને ત્રીજી સમ્પ્ટેમ્બરથી ભૂકંપના બહુ હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. છેલ્લાં ત્રણેક અઠવાડિયામાં ભાણવડ શહેર વિસ્તારમાં ભૂકંપના 32થી 33 આંચકા નોંધાયા છે. પરંતુ તેમાંથી માત્ર સાત કે આઠ આંચકા જ 2.2થી 2.4ની તીવ્રતાના હતા. બાકીનાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર બેથી ઓછી હતી."

ડૉ. ચોપરાએ ઉમેર્યું કે ભાણવડમાં થઈ રહેલ ભૂકંપ સ્વૉર્મ અર્થકવેક(સ્વૉર્મ એટલે જંતુઓનું ઝુંડ અને અર્થકવેક એટલે ભૂકંપ) પ્રકારના છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાણવડ, દેવભૂમિ દ્વારકા, ભૂકંપ, ભૂકંપના ધડાકા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ કહે છે, "આ પ્રકારની ઍક્ટિવિટીમાં એક નાના વિસ્તારમાં ટૂંકા સમયમાં ઓછી તીવ્રતાના કેટલાય ભૂકંપ થાય છે."

"ભાણવડમાં પણ એવું જ થઈ રહ્યું છે. આ પ્રકારના ભૂકંપ ટેક્ટોનિક પ્લેટ(ભૂખંડ)માં રહેલ ફ્રૅક્ચર(તિરાડો)માં થતાં દબાણોને કારણે થતા હોય છે."

"સૌરાષ્ટ્રની ભૂમિમાં આવાં કેટલાંય ફ્રૅક્ચર છે અને ખાસ કરીને ચોમાસા પછી અમુક વિસ્તારોમાં આ પ્રકારના સ્વૉર્મ અર્થક્વેક અનુભવાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે ભારતની ટેક્ટોનિક પ્લેટ યુરેશિયાની ટેક્ટોનિક પ્લેટને દબાવી રહી છે. તેના કારણે ભારતની ટેક્ટોનિક પ્લેટ પર દબાણ હોય છે. આવી સ્થિતિમાં જમીનમાં રહેલી તિરાડો વાટે પાણી નીચે ઊતરે તો તેના કારણે પ્લેટ પર એમ્બાયન્ટ સ્ટ્રેસ(સ્થાનિક વાતાવરણનું દબાણ) ઉત્પન્ન થાય છે. પરિણામે ઓછી તીવ્રતાના ભૂકંપ થાય છે. ભાણવડમાં પણ આવી જ શક્યતા છે, કારણ કે ભાણવડ શહેરની નજીક એક ફ્રૅક્ચર છે, શહેરની નજીક જ એક ડૅમ (વર્તુ) છે અને નજીકમાં એક ડુંગર પણ છે જે ભાણવડ તરફ ઢળી રહેલ છે. આ ઉપરાંત આ વર્ષે ત્યાં વરસાદ પણ સરેરાશ કરતાં વધારે પડ્યો છે."

આઇએસઆરના વડાએ કહ્યું કે તેમની ટીમ વર્તુ ડૅમના પાણીના સ્તરના આંકડા મેળવી રહી છે. તેમણે કહ્યું, "ડૅમના પાણીના સ્તરમાં અચાનક વધારો કે ઘટાડો પણ એક પરિબળ હોઈ શકે છે."

તેમણે એમ પણ ઉમેર્યું કે તાજેતરનાં વર્ષોમાં ભાણવડ જેવી જ ઘટનાઓ ગીર સોમનાથ જિલ્લાનાં તાલાળામાં અને જામનગર પાસે પણ બની હતી.

ભૂકંપ ભાણવડની આજુબાજુ કેમ નથી અનુભવતો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાણવડ, દેવભૂમિ દ્વારકા, ભૂકંપ, ભૂકંપના ધડાકા

ઇમેજ સ્રોત, Gujarat government

ઇમેજ કૅપ્શન, ભૂકંપ માપવા માટે ભાણવડ નજીક આવેલ વર્તુ-2 ડૅમની સાઇટ પર મુકવામાં આવેલ સિસ્મૉગ્રાફ મશીન

ભાણવડમાં અનુભવાઈ રહેલ ભૂકંપના આંચકાની ખાસિયત એ છે કે તે લગભગ ભાણવડ શહેરના વિસ્તાર પૂરતા જ અનુભવાઈ રહ્યા છે.

ભાણવડ શહેરની પશ્ચિમેથી વર્તુ નદી પસાર થાય છે અને નદીના પશ્ચિમ કાંઠે ભાણવડથી પાંચ કિલોમીટર દૂર આવેલ રૂપામોરાના રહીશ માલદે પીપરોત્રાએ કહ્યું કે તેમણે ભાણવડમાં ભૂકંપના આંચકા વિશે સાંભળ્યું છે, પરંતુ પોતાના ગામમાં તેને અનુભવ્યા નથી.

તેમણે કહ્યું : "ભૂકંપના આંચકા વર્તુ નદીના પૂર્વ કાંઠે ત્રિવેણી ઘાટ સુધી જ અનુભવાય છે. અમારા ગામમાં હજુ સુધી ભૂકંપ અનુભવાયો નથી."

ડૉ. ચોપરાએ કહ્યું કે ભાણવડમાં અનુભવાઈ રહેલ ભૂકંપ પૃથ્વીના પેટાળમાં ત્રણથી ચાર કિલોમીટરની ઊંડાઇએ થઈ રહ્યા છે તેથી તેનાં કંપન ભાણવડના તેના કેન્દ્રબિંદુથી ત્રણ કે ચાર કિલોમીટર સુધી જ અનુભવાઈ રહ્યાં છે.

તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "ત્રણ-ચાર કિલોમીટરની ઊંડાઈએ થતા ભૂકંપનો અવાજ પૃથ્વીની સપાટી પર ધડાકા રૂપે સાંભળી શકાય તેવો હોય છે. પરંતુ, આવા ભૂકંપથી ઉત્પન્ન થતાં કંપનનાં મોજાં શક્તિશાળી નથી હોતાં. તેથી તે વધારે અંતર સુધી નથી જઈ શકતાં. આ જ કારણસર ભૂકંપ ભાણવડ શહેરમાં જ અનુભવી રહ્યો છે."

ડૉ. ચોપરાએ ઉમેર્યું કે સ્વૉર્મ અર્થક્વેક સામાન્ય રીતે કોઈ મોટા ભૂકંપની અગમચેતી હોતા નથી.

તેમણે કહ્યું, "અમારું માનવું છે કે ભાણવડમાં નજીકના દિવસોમાં કોઈ મોટો ભૂકંપ આવવાની હાલ કોઈ શક્યતા નથી."

કોઈ નુકસાન ન થયાનો સરકારનો દાવો

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાણવડ, દેવભૂમિ દ્વારકા, ભૂકંપ, ભૂકંપના ધડાકા

ઇમેજ સ્રોત, Government of Gujarat

ઇમેજ કૅપ્શન, ભાણવડ મામલતદારની ઑફિસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર ભૂપેશ જોટાણિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ભૂકંપથી ભાણવડમાં જાનમાલનું કોઈ નુકસાન થયું નથી.

તેમણે ઉમેર્યું, "અમારી વિનંતી પછી સિસ્મૉલૉજી વિભાગની એક ટીમે (ભાણવડની) મુલાકાત પણ લીધી છે."

દેવભૂમિ દ્વારકા તાલુકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના મામલતદાર વિશાલ પટેલે બીબીસી ગુજરાતીને મંગળવારે જણાવ્યું, "છેલ્લા ત્રણ દિવસથી ભૂકંપનો કોઈ આંચકો કે ધડાકો સંભળાયો નથી. પરંતુ આઇએસઆરની એક ટીમ શનિવારે ભાણવડ આવી અને વિસ્તારનો સર્વે કર્યો છે. ટીમે ભૂકંપીય હલચલને માપવા માટે બે મશિનો પણ ભાણવડમાં ફિટ કર્યાં છે. જાનમાલની હાનિ થઈ હોય તેવા કોઈ અહેવાલ અમારી સુધી પહોંચ્યા નથી."

17 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકાના કલેક્ટર આર. એમ. તન્નાએ લોકોને સાવધ રહેવાની તાકીદ કરી હતી.

પોતાના ઍક્સ હૅન્ડલ પર એક પોસ્ટમાં તેમણે જણાવ્યું, "ભાણવડ શહેર વિસ્તારમાં ભૂકંપ (ભેદી ધડાકા સાથે)ના આંચકા આવે છે. જે અન્વયે ભાણવડ શહેર વિસ્તારમાં જાહેરાત કરી લોકોને સાવચેતીના ભાગ રૂપે જરૂરી સૂચનો આપવામાં આવ્યા તેમજ મીડિયાના માધ્યમ દ્વારા સાવચેતીનાં પગલાં લેવા જરૂરી સૂચનો આપવામાં આવ્યાં."

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન