ભારતમાં સોનું આટલું મોંઘું કેમ અને આખી દુનિયામાં કયા દેશમાં સૌથી સસ્તું સોનું મળે?

બીબીસી ગુજરાતી, સોનું, ગોલ્ડ, ચાંદી, બુલિયન, ડૉલર, દુબઈ, ભારત, જ્વેલરી યુએઈ ભાવ, સોનાના ભાવ, દિવાળી પર સોનાના ભાવ શું હશે? સોનું ક્યાં સુધી મોંઘું થશે? શું સોનાના ભાવ બે લાખ સુધી પહોંચી જશે? સોનાનો હાલમાં શું ભાવ છે?

ઇમેજ સ્રોત, ani

ઇમેજ કૅપ્શન, ભારતીયો ઓછો ટૅક્સ હોય તેવા દેશોમાંથી નીચા ભાવે સોનું ખરીદવા પ્રેરાતા હોય છે
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

દિવાળીના તહેવારોમાં સોનાની ખરીદીનું પ્રમાણ વધી જતું હોય છે. સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકૉર્ડ બનાવી રહ્યા છે ત્યારે ઘણા લોકોને લાગે છે કે તેઓ સોનું ખરીદવાની તક ચૂકી ગયા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં બુધવારે એક ઔંસ સોનાનો ભાવ 4000 ડૉલરને પાર કરી ગયો જે એક નવો વિક્રમ છે. એક ઔંસ બરાબર લગભગ 28.35 ગ્રામ થાય. ભારતમાં 8 ઑક્ટોબરે 10 ગ્રામ સોનાનો ભાવ 1.23 લાખ રૂપિયાને પાર કરી ગયો હતો જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 1.50 લાખની નજીક હતો.

સોનાનો ભાવ પહેલી જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં 54 ટકા વધ્યો છે. 2024માં પણ સોનું 27 ટકા વધ્યું હતું. જ્યારે ચાંદીનો ભાવ ચાલુ વર્ષમાં 71 ટકા વધ્યો છે.

આના કારણે લોકો ભારતમાં અને વિદેશમાં સોનાના ભાવની સરખામણી પણ કરે છે, કારણ કે ભારતમાં સોનું મોંઘું છે.

બીબીસીએ નિષ્ણાતો સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે સોનાની ખરીદીમાં કેવો ટ્રેન્ડ ચાલે છે અને ભારતની તુલનામાં કઈ જગ્યાએ સોનું સસ્તું પડે છે.

1. ભારતમાં સોનું કેમ મોંઘું પડે?

બીબીસી ગુજરાતી, સોનું, ગોલ્ડ, ચાંદી, બુલિયન, ડૉલર, દુબઈ, ભારત, જ્વેલરી યુએઈ ભાવ, સોનાના ભાવ, દિવાળી પર સોનાના ભાવ શું હશે? સોનું ક્યાં સુધી મોંઘું થશે? શું સોનાના ભાવ બે લાખ સુધી પહોંચી જશે? સોનાનો હાલમાં શું ભાવ છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિદેશી હૂંડિયામણને બચાવવા માટે ભારત સોનાની આયાતને પ્રોત્સાહિત ન કરવાની નીતિ ધરાવે છે

ભારતમાં અલગ-અલગ પ્રકારની ડ્યૂટી અને ટૅક્સના કારણે સોનાની ખરીદી મોંઘી પડે છે.

એચડીએફસી સિક્યૉરિટીઝના કૉમૉડિટી માર્કેટના ઍનાલિસ્ટ સૌમિલ ગાંધીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે "ભારતમાં સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય બજાર કરતા 6થી 10 ટકા વધારે હોય છે, જ્યારે દુબઈ અને મિડલ ઈસ્ટના બીજા દેશોમાં સોનું લગભગ આંતરરાષ્ટ્રીય ભાવે મળી શકે છે. તેથી ત્યાં સોનું સસ્તું પડે છે."

તેઓ કહે છે, "ભારતમાં ઇમ્પૉર્ટ ડ્યૂટી, જીએસટી અને અલગ-અલગ સેસ લાગે છે. આ ઉપરાંત ડૉલરની સામે રૂપિયાની હિલચાલ પણ સોનાના ભાવને અસર કરે છે. ધારો કે ડૉલરનો ભાવ 87 રૂપિયાથી વધીને 88 રૂપિયા થઈ જાય તો 10 ગ્રામ દીઠ સોનામાં ગ્રામ દીઠ 600થી 700 રૂપિયા ભાવ વધી જાય છે."

ભારતમાં સોનાની આયાત પર 6 ટકા ઇમ્પૉર્ટ ડ્યૂટી લાગુ પડે છે, જે અગાઉ 15 ટકા હતી.

આ ઉપરાંત સોનાના ભાવ પર ત્રણ ટકા જીએસટી, એક ટકા AIDC (કૃષિવાડી વિકાસ સેસ) અને એક ટકા TDS લાગુ પડે છે.

સોનાને તમે જ્વેલરી રૂપે ખરીદો, સિક્કા અથવા ગોલ્ડ બાર ખરીદો કે પછી ડિજિટલ ગોલ્ડ પ્લૅટફૉર્મ પરથી ખરીદો, દરેકમાં જીએસટી ભરવો પડે છે.

સોનું જ્વેલરી રૂપે ખરીદવામાં આવે તો ભારતમાં ઘડામણ ચાર્જ પર પાંચ ટકા જીએસટી અલગથી લાગે છે.

ભારતમાં સોનું ખરીદ્યા પછી ત્રણ વર્ષની અંદર વેચો તો તમારો નફો તમારી આવકમાં ઉમેરાય છે અને આવકવેરાના સ્લેબ મુજબ ટૅક્સ લાગે છે.

પરંતુ ત્રણ વર્ષ પછી સોનું વેચો તો નફા પર 12.5 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટૅક્સ લાગે છે.

2. કયા દેશોમાં સોનું સસ્તું પડે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દરેક દેશમાં સોનાના ભાવ અલગ-અલગ હોય છે, પરંતુ ભાવ નક્કી કરવામાં ડ્યૂટી મોટી ભૂમિકા ભજવે છે.

સોના અને ઑઇલની આયાતના કારણે ભારતનું વિદેશી હૂંડિયામણ વિદેશ જતું રહે છે, તેના કારણે સોનાની આયાત ઘટે તે માટે સરકાર પ્રયાસ કરે છે, જેમાં ઊંચી ડ્યૂટીનો રસ્તો અપનાવાય છે.

આ ઉપરાંત કોઈ દેશની સેન્ટ્રલ બૅન્ક પાસે કેટલું સોનું રિઝર્વ છે અને અમેરિકન ડૉલર સામે તે દેશની કરન્સી કેટલી મજબૂત છે, તેની અસર પણ સોનાના ભાવ પર પડે છે.

બિઝનેસ વેબસાઈટ ફોર્બ્સ મુજબ ભારતની સરખામણીમાં બહેરિન, કુવૈત, મલેશિયા, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સિંગાપુર, દુબઈ, અમેરિકા અને પેરુમાં સસ્તા દરે સોનું મળે છે.

આ દેશો સસ્તા સોના માટે જાણીતા છે, કારણ કે ત્યાં ઇમ્પૉર્ટ ડ્યૂટી ઓછી છે, ટ્રેડિંગ વોલ્યુમ ઊંચું હોય છે અને વેટનો દર નીચો અથવા શૂન્ય હોય છે. જેમ કે, હૉંગકૉંગમાં સોનાની ખરીદી પર કોઈ ટૅક્સ નથી. દુબઈમાં બુલિયનના વેપારમાં વોલ્યુમ વધારે હોવાથી અને તે સોનાના વેપારનું હબ ગણાય છે તેથી સોનાના ભાવ નીચા રહે છે.

કૉમૉડિટી ઍનાલિસ્ટ સૌમિલ ગાંધી કહે છે કે "વિદેશથી સોનું લાવવા માટે દુબઈ એ ફેવરિટ જગ્યા છે. ભારતમાં એક સમયે ભૂતાનના રસ્તેથી પણ ગેરકાયદે દાણચોરીનું સોનું આવતું હતું, પરંતુ ત્યાર પછી ઇમ્પૉર્ટ ડ્યૂટીમાં 9 ટકાનો ઘટાડો થયો તેથી તે રસ્તો આકર્ષક નથી રહ્યો."

ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવા દેશોમાં સોનાનું ઉત્પાદન થાય છે તેથી આયાત કરવાની જરૂર નથી રહેતી. કેટલાક દેશો પડોશી દેશોમાંથી ટૂરિસ્ટને આકર્ષવા માટે સોનાના ભાવ નીચા રાખે છે.

3. વિદેશથી કેટલું સોનું ભારત લાવી શકાય?

બીબીસી ગુજરાતી, સોનું, ગોલ્ડ, ચાંદી, બુલિયન, ડૉલર, દુબઈ, ભારત, જ્વેલરી યુએઈ ભાવ, સોનાના ભાવ, દિવાળી પર સોનાના ભાવ શું હશે? સોનું ક્યાં સુધી મોંઘું થશે? શું સોનાના ભાવ બે લાખ સુધી પહોંચી જશે? સોનાનો હાલમાં શું ભાવ છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિદેશથી સોનું લાવવા માટે પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ ધોરણો છે

ભારતીયો વિદેશથી પણ સોનું ખરીદીને લાવી શકે છે, પરંતુ તેમાં મહિલા અને પુરુષો માટે અલગ-અલગ શરતો લાગુ પડે છે.

જેમ કે પુરુષ પ્રવાસી પોતાની સાથે વિદેશથી 20 ગ્રામ ગોલ્ડ જ્વેલરી કસ્ટમ્સ ડ્યૂટી ભર્યા વગર લાવી શકે, જેની કિંમત 50 હજાર રૂપિયાથી વધારે હોવી ન જોઈએ. બીજું, કે આ સોનું સિક્કા અથવા બિસ્કિટના સ્વરૂપમાં ન હોઈ શકે. સોનાને જ્વેલરીના સ્વરૂપે જ વિદેશથી લાવી શકાય છે.

મહિલા પ્રવાસી પોતાની સાથે વધુમાં વધુ 40 ગ્રામ સોનું લાવી શકે છે, જેની કિંમત એક લાખ રૂપિયાથી વધુ હોવી ન જોઈએ. તેનાથી વધારે વેલ્યૂ હશે તો કસ્ટમ્સ ડ્યૂટી ભરવી પડશે.

સોના માટે આ લિમિટ છેક 2016માં નક્કી કરવામાં આવી ત્યારે 10 ગ્રામનો ભાવ લગભગ 25000ની આસપાસ હતો. તેની સરખામણીમાં હવે ભાવ અનેક ગણો વધી ગયો છે.

ગલ્ફ ન્યૂઝના એક અહેવાલ પ્રમાણે પુરુષો માટે 50 હજાર રૂપિયા અને મહિલાઓ માટે એક લાખ રૂપિયાની મર્યાદા વધારવા તાજેતરમાં ઇન્ડિયન ઍસોસિયેશન ઑફ શારજાહે નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરી હતી.

પુરુષો 20 ગ્રામથી વધારે અને મહિલાઓ 40 ગ્રામથી વધારે સોનું લાવે તો તેના પર અલગ-અલગ સ્લેબ મુજબ ત્રણ ટકાથી લઈને 10 ટકા સુધી ઇમ્પૉર્ટ ડ્યૂટી લાગે છે.

ફોર્બ્સના અહેવાલ પ્રમાણે દુબઈમાં વસતા નૉન-રેસિડન્ટ ઇન્ડિયન (એનઆરઆઇ) એક કિલો સોનું પણ ભારત લાવી શકે છે, પરંતુ તેના માટે કેટલાક ડૉક્યુમેન્ટની જરૂર પડે છે અને જે તે વ્યક્તિ છ મહિના કરતાં વધુ સમયથી દુબઈમાં રહેતી હોય તે જરૂરી છે. એટલે કે પર્યટક તરીકે શૉર્ટ ટ્રિપ કરીને આટલું બધું સોનું લાવી શકાય નહીં.

4. યુએઇમાં સોના પર કેટલો ટૅક્સ લાગે?

બીબીસી ગુજરાતી, સોનું, ગોલ્ડ, ચાંદી, બુલિયન, ડૉલર, દુબઈ, ભારત, જ્વેલરી યુએઈ ભાવ, સોનાના ભાવ, દિવાળી પર સોનાના ભાવ શું હશે? સોનું ક્યાં સુધી મોંઘું થશે? શું સોનાના ભાવ બે લાખ સુધી પહોંચી જશે? સોનાનો હાલમાં શું ભાવ છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દુબઈમાં ટૂરિસ્ટો માટે ડ્યૂટી ફ્રી સોનાની ખરીદીના વિકલ્પ મળે છે

યુએઇ સરકાર અને ગલ્ફ કો-ઑપરેશન કાઉન્સિલ (જીસીસી)ના બીજા દેશોએ 2018થી સોનાની ખરીદી પર પાંચ ટકાના દરે વેલ્યૂ એડેટ ટૅક્સ (વેટ) નાખ્યો છે.

પરંતુ પર્યટકો એક રિફંડ સ્કીમમાં રજિસ્ટ્રેશન કરાવીને વેટમાં આંશિક રિફંડ મેળવી શકે છે. આ માટે તેમણે ઍરપૉર્ટ પરથી સોનું ખરીદ્યા પછી 90 દિવસની અંદર રિફંડ માટે ક્લૅમ કરવાનો હોય છે.

આ ઉપરાંત દુબઈમાં ટૂરિસ્ટો માટે ડ્યૂટી ફ્રી સોનાની ખરીદીના વિકલ્પો પણ છે.

5. સોનાનો ભાવ હવે કેટલો વધી શકે છે?

બીબીસી ગુજરાતી, સોનું, ગોલ્ડ, ચાંદી, બુલિયન, ડૉલર, દુબઈ, ભારત, જ્વેલરી યુએઈ ભાવ, સોનાના ભાવ, દિવાળી પર સોનાના ભાવ શું હશે? સોનું ક્યાં સુધી મોંઘું થશે? શું સોનાના ભાવ બે લાખ સુધી પહોંચી જશે? સોનાનો હાલમાં શું ભાવ છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં તહેવારોની સિઝનમાં સોનાની માગ જળવાઈ રહેવાની ધારણા છે

સોનાના વિક્રમજનક ભાવ પર ટિપ્પણી કરતા અમદાવાદના માણેકચોક ચોકસી મહાજનના સભ્ય હેમંત ચોકસીએ જણાવ્યું કે સોનાનો ભાવ એટલો વધ્યો છે કે આમાં એક કરેક્શન (ઘટાડો) આવવાની શક્યતા છે, પરંતુ તે ઘટાડો ક્યારે આવશે તે કહી શકાય નહીં.

હેમંત ચોકસી માને છે કે પુષ્યનક્ષત્ર અને દિવાળીના તહેવારોના કારણે સોનાના ભાવ આ સપાટીએ જળવાઈ રહે તેવી શક્યતા છે, પરંતુ ત્યાર પછી એક મોટા ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં.

તેમણે એમ પણ કહ્યું કે "સોનાનો ભાવ બે લાખ રૂપિયા સુધી પહોંચશે એવું કેટલાક ગ્રાહકો માને છે. તેથી જેઓ 80 હજારના ભાવે પણ 10 ગ્રામ સોનું ખરીદવા તૈયાર ન હતા, તેઓ હાલના ભાવે ખરીદી રહ્યા છે."

સમાચાર સંસ્થા રૉયટર્સના અહેવાલ પ્રમાણે સોના અને ચાંદીના ભાવ રેકૉર્ડ સ્તરે હોવા છતાં ભારતમાં બંને ધાતુઓની લગભગ બમણી આયાત થઈ છે.

ભારતે ઑગસ્ટ મહિનામાં 64.17 ટન સોનાની આયાત કરી હતી જ્યારે 410.8 ટન ચાંદીની આયાત કરવામાં આવી હતી.

તહેવારોની સિઝન અગાઉ બૅન્કો અને જ્વેલરોએ સોનાની ભારે ખરીદી કરી છે. ચીનમાં સોનાની ડિમાન્ડ નબળી પડી છે ત્યારે ભારતમાં માગ વધી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન