10 ગ્રામ સોનાનો ભાવ શું 2030 સુધીમાં અઢી લાખ નજીક પહોંચી જશે, રોકાણકારોએ શું કરવું જોઈએ?

બીબીસી ગુજરાતી સોનું બૅન્ક ઈન્વેસ્ટમેન્ટ ગોલ્ડ રોકાણકાર સોનાનો ભાવ ડૉલર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સેન્ટ્રલ બૅન્કોની ખરીદીને જોતા સોનામાં તેજી જારી રહેશે તેવો અંદાજ છે
    • લેેખક, મુરલીધરન કાશી વિશ્વનાથન
    • પદ, બીબીસી તમિળ

સોનાનો ભાવ સતત વધતો જાય છે ત્યારે એક આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ આગાહી કરી છે કે 2030 સુધીમાં એક ગ્રામ સોનાનો ભાવ 23,000 રૂપિયાને પાર કરી જશે. હાલમાં એક ગ્રામ સોનાનો ભાવ 9600 રૂપિયાની આસપાસ છે.

સોનાનો ભાવ શા માટે વધી શકે અને રોકાણકારોએ શું કરવું જોઈએ?

ઇન્વેસ્ટમેન્ટ કંપનીનો રિપોર્ટ કહે છે કે મધ્યમ ગાળામાં એક ઔંસ (લગભગ 31.1 ગ્રામ) સોનાની કિંમત લગભગ 4000થી 5000 ડૉલર સુધી જશે અને 2030 સુધીમાં 8900 ડૉલર સુધી પહોંચી જશે. એક અમેરિકન ડૉલરનો ભાવ 83 રૂપિયા ગણવામાં આવે તો પણ 2030 સુધીમાં એક ગ્રામ સોનાનો ભાવ 23,751 સુધી પહોંચી જશે.

હાલમાં ડૉલરનો ભાવ 85 રૂપિયા છે, તેને ધ્યાનમાં લેતા 2030 સુધીમાં 10 ગ્રામ સોનાનો ભાવ અઢી લાખ રૂપિયા નજીક પહોંચી જાય તેવી શક્યતા છે.

લિક્ટેંસ્ટાઇનસ્થિત ઇન્વેસ્ટમેન્ટ કંપની ઇન્ક્રિમેન્ટમે તાજેતરમાં તેનો "ગોલ્ડ વી ટ્રસ્ટ રિપોર્ટ 2025" બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં સોનાના ભાવમાં થયેલા વધારા અને ભવિષ્યમાં સોનાના ભાવમાં નોંધપાત્ર વધારાની આગાહી માટેનાં કારણોની યાદી આપવામાં આવી છે.

મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ઘણા દેશોની સેન્ટ્રલ બૅન્કોએ તેમની પાસે રહેલા સોનાના જથ્થામાં દર વર્ષે એક હજાર મેટ્રિક ટન જેટલો વધારો કર્યો છે.

સોનાના ભાવવધારા અંગેનો રિપોર્ટ શું કહે છે?

બીબીસી ગુજરાતી સોનું બૅન્ક ઈન્વેસ્ટમેન્ટ ગોલ્ડ રોકાણકાર સોનાનો ભાવ ડૉલર

ઇમેજ સ્રોત, Getty Images

રિપોર્ટ દર્શાવે છે કે પશ્ચિમી રોકાણકારો લાંબા સમયથી મેટલમાં રોકાણ કરવાથી દૂર રહેતા હતા, પરંતુ હવે તેઓ સોના તરફ વળ્યા છે. 2024માં ગોલ્ડ ઈટીએફમાં રોકાણમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો.

આ ઉપરાંત અમેરિકાના બજારમાંથી નીકળીને રોકાણ ગોલ્ડ અને યુરોપિયન બજાર તરફ જઈ રહ્યું છે. ઘણા દેશો તેમના નાણાકીય ભંડારમાં સોનાની ટકાવારી સતત વધારી રહ્યા છે.

ઉદાહરણ તરીકે, છેલ્લા એક દાયકામાં રશિયાના ફાઇનાન્સિયલ રિઝર્વમાં સોનાનું પ્રમાણ 8 ટકાથી વધીને 34 ટકા થયું છે. અહેવાલમાં જણાવાયું છે કે ગોલ્ડમેન સૅક્સની આગાહી મુજબ ચીન દર મહિને 40 ટન સોનું ખરીદશે.

આ સંદર્ભમાં જોવામાં આવે તો ચાલુ દાયકાના અંત સુધીમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 8,900 ડૉલર સુધી પહોંચી જશે. તે વાર્ષિક 19 ટકાનો વધારો દર્શાવે છે. અહેવાલમાં જણાવાયું છે કે આ વર્ષના અંત સુધીમાં એક ઔંસનો ભાવ 4,080 ડૉલર સુધી પહોંચી જશે. એટલે કે એક ગ્રામનો ભાવ 10,895 સુધી જશે.

આ દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાકીય સર્વિસ કંપની જેપી મોર્ગને ગયા એપ્રિલમાં પ્રકાશિત એક અહેવાલમાં આગાહી કરી હતી કે સોનાનો ભાવ આવતા વર્ષની શરૂઆતમાં જ પ્રતિ ઔંસ 4,000 ડૉલર સુધી પહોંચી જશે.

સોનાના ભાવ ક્યારે ઘટી શકે?

બીબીસી ગુજરાતી સોનું બૅન્ક ઈન્વેસ્ટમેન્ટ ગોલ્ડ રોકાણકાર સોનાનો ભાવ ડૉલર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વૈશ્વિક અનિશ્ચિતતાએ સોનામાં ભાવ વધવામાં મોટી ભૂમિકા ભજવી છે

ઇન્ક્રિમેન્ટમના એક અહેવાલ મુજબ સોનાના ભાવ ઘટવા માટે કેટલીક બાબતો હોવી જરૂર છે. વિશ્વભરની સેન્ટ્રલ બૅન્કો સોનાનો જથ્થો ઘટાડે તો સોનાનો ભાવ ઘટી શકે.

આ ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધમાં સમાધાન થઈ જાય, મધ્ય-પૂર્વમાં સંઘર્ષનો અંત આવે, અમેરિકાના ટ્રેડ વૉરનો અંત આવે તો ભૂરાજકીય સંબંધોમાં સ્થિરતા આવશે. તેનાથી સોના પરની નિર્ભરતા ઓછી થશે.

જેપી મોર્ગનના રિપોર્ટમાં પણ આ વાત છે. તે કહે છે કે કેન્દ્રીય બૅન્કો અચાનક સોનાની ખરીદી ઘટાડશે તો રોકાણકારોએ ભાવ ઘટાડાના જોખમથી વાકેફ રહેવું જોઈએ.

આવા સમયે રોકાણકારોએ સોનું ખરીદવું કે નહીં?

બીબીસી ગુજરાતી સોનું બૅન્ક ઈન્વેસ્ટમેન્ટ ગોલ્ડ રોકાણકાર સોનાનો ભાવ ડૉલર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત વિશ્વમાં સોનાની ખરીદીમાં એક અગ્રણી દેશ છે

સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સવાલ એ છે કે રોકાણકારોએ શું કરવું જોઈએ.

ભારતીય રોકાણકારો પાસે હાલમાં બૅન્ક ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, શૅરબજાર અને બૉન્ડ સહિત ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. એક અંદાજ પ્રમાણે શ્રેષ્ઠ રોકાણો ફક્ત 10-12 ટકા સુધી વળતર આપે છે, જ્યારે સોનામાં 19 ટકા વૃદ્ધિ થવાની ધારણા છે.

અર્થશાસ્ત્રી આનંદ શ્રીનિવાસન કહે છે કે, "સોનું એકમાત્ર એવું ચલણ છે જે બધા ચલણ સામે સ્થિર રહી શકે છે. હું લાંબા સમયથી કહેતો આવ્યો છું કે વ્યક્તિએ પોતાના રોકાણમાં ચોક્કસ માત્રામાં સોનું રાખવું જોઈએ," .

"તમે કટોકટીની સ્થિતિમાં તેને તાત્કાલિક રોકડમાં રૂપાંતરિત કરી શકો છો. સોનાનો ભાવ ઓછો હતો ત્યારે વ્યક્તિ પાસે ઓછામાં ઓછું 400 ગ્રામ સોનું હોવું જરૂરી હતું."

"ત્યાર પછી સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. હવે વ્યક્તિ પાસે ઓછામાં ઓછું 200 ગ્રામ સોનું હોવું જોઈએ," તેમ આનંદ શ્રીનિવાસન કહે છે.

સોનાના ભાવવધારામાં કયાં પરિબળો ધ્યાને જોઈએ?

બીબીસી ગુજરાતી સોનું બૅન્ક ઈન્વેસ્ટમેન્ટ ગોલ્ડ રોકાણકાર સોનાનો ભાવ ડૉલર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોનું એવી કરન્સી ગણાય છે જે તમામ કરન્સીની ઉથલપાથલ સામે રક્ષણ આપી શકે

રોકાણ સલાહકાર નાગપ્પન પુગાઝેન્ડી કહે છે કે સોનાના ભાવમાં તીવ્ર વધારો થવાની સંભાવના છે. પરંતુ સોનાના ખરીદદારોએ વિવિધ પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ.

તેઓ કહે છે, "સોનાની વાત કરીએ તો ગયા વર્ષે તેના ભાવમાં 75 ટકાનો વધારો થયો છે. તેથી ભવિષ્યમાં ભાવમાં વધારો થવાની સંભાવના છે. જોકે, સોનાની વાત આવે ત્યારે બીજી બાબતો પણ ધ્યાનમાં લેવી પડે."

નાગપ્પન કહે છે, "તેમની આગાહી છે કે ભાવ વધશે કારણ કે સેન્ટ્રલ બૅન્કો ખરીદી કરી રહી છે, પરંતુ આપણે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે સમસ્યાઓનું નિરાકરણ આવે અને સેન્ટ્રલ બૅન્કો સોનું ખરીદવાનું અથવા વેચવાનું બંધ કરે તો શું થશે."

તેઓ કહે છે કે આપણે 2012થી 2016 સુધી સોનાનું શું થયું તે જોવાની જરૂર છે. 2012માં 10 ગ્રામ સોનાનો ભાવ 31,050 રૂપિયા હતો, પરંતુ 2015માં તે ઘટીને 26,300 રૂપિયા થઈ ગયો. ત્યાર પછી 2018માં સોનું ફરીથી 31,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું.

"પરંતુ, જો તમે 2012માં ટાઇટન જેવી કંપનીમાં રોકાણ કર્યું હોત, તો 2018 સુધીમાં તે કેટલું વધ્યું હોત?" એવો સવાલ નાગપ્પન કરે છે.

સોનામાં કેટલું રોકાણ થવું જોઈએ?

બીબીસી ગુજરાતી સોનું બૅન્ક ઈન્વેસ્ટમેન્ટ ગોલ્ડ રોકાણકાર સોનાનો ભાવ ડૉલર
ઇમેજ કૅપ્શન, આનંદ શ્રીનિવાસનના મતે રોકાણમાં સોનાનો ચોક્કસ હિસ્સો હોવો જરૂરી છે

આનંદ શ્રીનિવાસન કહે છે કે, "વ્યક્તિએ અગાઉ કેટલું રોકાણ કર્યું છે તેના પરથી આ નક્કી થવું જોઈએ, પરંતુ કુલ રોકાણમાં ચોક્કસ પ્રમાણમાં સોનું હોવું ખાસ જરૂરી છે.

નાગપ્પન પુગાઝેન્થી કહે છે કે, "સોનાને નાણાકીય જોખમ સામે રક્ષણ તરીકે ગણી શકાય."

"તમારે સોનામાં ચોક્કસ રકમનું રોકાણ કરવું જોઈએ. સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થાય તો તમારે તેનો એક ભાગ વેચીને નફો બૂક કરવો જોઈએ. પછી ભાવ ઘટે ત્યારેતમે ફરીથી સોનું ખરીદી શકો છો."

ભારત વિશ્વમાં સોનાના સૌથી મોટા ગ્રાહકો પૈકી એક છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની આગાહી મુજબ ભારતમાં 2025માં 700થી 800 ટન સોનું વેચાશે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ 2023માં ભારતમાં 761 ટન સોનું વેચાયું હતું. 2024માં સોનાનું વેચાણ વધીને 802.8 ટન થયું. તેવી જ રીતે, છેલ્લાં બે વર્ષમાં ભારતમાં સોનામાં રોકાણ પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. 2023માં દેશમાં 185.2 ટન સોનામાં રોકાણ થયું હતું જે 2024માં વધીને 239.4 ટન થયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન