તાઝિકિસ્તાનની યુવતીને પ્રેમમાં ફસાવીને બૉસની ઓળખ પર કોર્ટના મકાન બનાવવાનો ઠેકો લેનારા યુપીના કપિલ શર્માની કહાણી

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ધો. 10 પાસ કપિલ શર્મા અમદાવાદની સાબરમતી જેલના સળિયા ગણી રહ્યા છે. કપિલ ઉપર આરોપ છે કે તેમણે પોતાના પૂર્વ બૉસને વાતોમાં લઈને તેમની 'ઓળખ' ચોરીને તાઝિકિસ્તાનની યુવતીને 'પ્રેમમાં ફસાવી'ને ગુજરાત લાવ્યાં હતાં.
એ પછી બૉસના દસ્તાવેજોના આધારે કંપની ખોલીને સરકારી કૉન્ટ્રેક્ટ મેળવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ મેટ્રોમાં પણ નોકરી મેળવી હતી.
આ અંગે અમદાવાદ પોલીસને ફરિયાદ મળતા યુપીના કપિલ શર્માની ધરપકડ થઈ હતી. આરોપીની સામે મધ્ય પ્રદેશમાં પણ કેસ દાખલ થયો હતો અને તેમને પોલીસ રિમાન્ડ પર પણ લેવામાં આવ્યા હતા.
આ સિવાય આરોપી કપિલ અને તેમનાં વિદેશી પત્નીની વચ્ચે પણ દામ્પત્યજીવનમાં તણાવ હોવાનું બહાર આવ્યું છે. આ મામલો હવે ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે.
તાઝિકિસ્તાન અને પ્રેમ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
કપિલ શર્માની ઉપર આરોપ છે કે તેમણે પોતાના પૂર્વ બૉસ પંકજસિંહની ઓળખ ચોરી હતી અને એક કંપની ખોલી હતી.
મૂળ બિહારના પંકજસિંહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "બૅંગ્લુરુથી એન્જિનિયર થયા બાદ એક ખાનગી કંપનીમાં નોકરી મેળવી હતી. મને વર્ષ 2003માં તાઝિકિસ્તાન ખાતે પ્રોજેક્ટ મૅનેજર તરીકે મોકલવામાં આવ્યો હતો."
"તાઝિકિસ્તાનમાં જ હૅલ્પર તરીકે મૂળ ઉત્તર પ્રદેશના કપિલ શર્માને પણ મોકલ્યા હતા. હું બિહારનો હતો અને કપિલ ઉત્તર પ્રદેશનો હતો. તેથી અમારી વચ્ચે સારા સંબંધ બંધાઈ ગયા હતા. વર્ષ 2008માં કૉન્ટ્રૅક્ટ પૂરો થયો ત્યાર સુધી હું અને કપિલ ત્યાં જ રહ્યા."
કપિલને તાઝિકિસ્તાનની યુવતી સાથે પ્રેમ થયો હતો તથા તેઓ બંને ભારત આવ્યાં હતાં અને અહીં કામધંધો જમાવવા માટે પ્રયાસ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પંકજસિંહના કહેવા પ્રમાણે, "વર્ષ 2008માં તાઝિકિસ્તાનથી પરત ફર્યા બાદ કપિલે અમદાવાદની એક કંપનીમાં નોકરી મેળવી હતી. અમારી વચ્ચેનો સંપર્ક ચાલુ હતો. તે મને અવારનવાર ભારત આવવા માટે આમંત્રણ આપતો."
"કપિલના આગ્રહથી ડિસેમ્બર-2011માં હું અમદાવાદ ફરવા માટે આવ્યો હતો. કપિલે અમદાવાદની સારી હોટેલમાં મારા રહેવાની વ્યવસ્થા કરી હતી. એ સમયે હું લગભગ એક મહિનો અમદાવાદમાં રહ્યો હતો. કપિલે મને કહ્યું હતું કે અમદાવાદમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય સારો ચાલે છે."
"કપિલે મને અનેક સાઇટની મુલાકાત કરાવી હતી. કપિલે એસ. કે. પી. બિલ્ડકૉનના નામથી પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૂ કરી હતી. કપિલે મને કંપનીમાં પાર્ટનર તથા ડાયરેક્ટર બનાવવાની ઑફર કરી હતી. કપિલ ઉપર વિશ્વાસ મૂકીને મેં તેને ડિગ્રી, પાનકાર્ડ, અનુભવનાં સર્ટિફિકેટ તથા અન્ય દસ્તાવેજ આપ્યાં હતાં."
"એ પછી હું તાઝિકિસ્તાન પરત ફર્યો હતો. ચારેક મહિના પછી કપિલનો મારી ઉપર ફોન આવ્યો હતો કે હું કંપનીમાં ડાયરેક્ટર બની ગયો છું. મેં ઑનલાઇન તપાસ કરી તો ડાયરેક્ટર તરીકે મારું નામ હતું. એકાદ વર્ષ પછી કપિલે એ પછી વધુ એક કંપની ખોલી, જેમાં મને ડાયરેક્ટર બનાવવામાં આવ્યો હતો."
પંકજસિંહ કહે છે કે એ પછી તેમણે કપિલને નાણાં આપ્યાં અને તેમણે અમદાવાદના પૉશ વિસ્તારમાં ભાગીદારીમાં ઑફિસ કરી હતી.
પંકજસિંહ અને કપિલ શર્મા વચ્ચે ભાગીદારી તૂટી

ઇમેજ સ્રોત, Bhargav Parikh
પંકજસિંહ તાઝિકિસ્તાનની નોકરી છોડીને કારકિર્દીને નવો વળાંક આપવા અમદાવાદ આવ્યા, જ્યાં કપિલ શર્માએ ભાગીદારીમાં કામધંધો આગળ ધપાવ્યો.
પંકજસિંહ કહે છે, "વર્ષ 2014માં હું તાઝિકિસ્તાનની નોકરી છોડીને અમદાવાદ આવ્યો, ત્યારે મને કપિલ શર્મા દ્વારા ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાની જાણ થઈ હતી. બે વર્ષમાં તેણે કરેલા નાણાકીયવ્યવહારો અંગે મનદુ:ખ થયું."
"એ પછી હું દિલ્હી જતો રહ્યો અને ત્યાં નવેસરથી ધંધો શરૂ કર્યો, પણ નાણાંની ઉઘરાણી કરવા માટે અમદાવાદ આવતો. એક વખત હું અમદાવાદ આવ્યો, ત્યારે અમે ભાગીદારીમાં લીધેલી ઑફિસ બંધ હતી. કપિલ શર્મા ત્યાં ન હતા. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે કપિલે મેટ્રોમાં મૅનેજર તરીકે નોકરી મેળવી છે."
"ધો. 10 પાસને મૅનેજર તરીકે કેવી રીતે નોકરી મળી, એના વિશે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે ડાયરેક્ટર બનવા માટે મેં જે દસ્તાવેજો આપ્યા હતા, તેનો ઉપયોગ કર્યો હતો. મારી ડિગ્રી તથા અનુભવોનાં સર્ટિફિકેટો ઉપર કપિલે પોતાનું નામ દેખાડીને આ નોકરી મેળવી હતી."
સમગ્ર ઘટનાક્રમને આગળ વધરાતા પંકજસિંહ કહે છે, "દરમિયાન મને જાણ થઈ હતી કે મેટ્રો ટ્રેન ગોટાળામાં નામ બહાર આવતા કપિલ તેનાં પત્ની અને બાળકો સાથે તાઝિકિસ્તાન જતો રહેલો. એ પછી કપિલના ભારત ફરવા વિશે માહિતી મળી હતી. મેં કપિલની સામે કેસ કરવા તજવીજ હાથ ધરી હતી, એવામાં કોરોના આવ્યો. બીજા વર્ષે લૉકડાઉન પણ હતું."
"એટલે બે વર્ષ બાદ કપિલ શર્મા વિશે તપાસ કરી તો તેનો કોઈ અતોપતો ન હતો. પછી મને ખબર પડી હતી કે તે અમદાવાદમાં બીજી કંપની ખોલીને સરકારી કૉન્ટ્રેક્ટ લે છે, એટલે મેં પોલીસ ફરિયાદ કરી."
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ. ગોયલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "અમને ફરિયાદ મળી હતી, જેના આધારે અમે તપાસ હાથ ધરી તો માલૂમ પડ્યું હતું કે કપિલ શર્માએ નકલી ડિગ્રી સર્ટિફિકેટના આધારે કન્સ્ટ્રક્શન કંપની ખોલી હતી. એણે ગુજરાતમાં મેટ્રો રેલમાં નોકરી કરી હતી."
"ત્યારબાદ મધ્ય પ્રદેશમાં નવી અદાલતનું મકાન બનાવવાનો ઑર્ડર મેળવીને છેતરપિંડી કરી હતી, જેની સામે ઇન્દોરમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અમે ઇન્દોર પોલીસને સાથે રાખીને આ કેસમાં તપાસ કરી રહ્યા છીએ."
ગોયલના કહેવા પ્રમાણે, કપિલ શર્માએ અમદાવાદ, મહેમદાવાદ, સાણંદ અને કપડવંજ સહિત અમદાવાદમાં કેટલાંક સ્થળોએ રહેણાંક પ્રોજેક્ટ કર્યા છે. એમાં જે એન્જિનિયરનાં નામો છે, તે પંકજસિંહની જેમ ખોટાં છે કે સાચાં, તેના વિશે તપાસ કરી રહ્યા છીએ, ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
કપિલ શર્મા સામે મધ્ય પ્રદેશમાં કેસ નોંધાયો?

ઇમેજ સ્રોત, Getty Images
કપિલ શર્માએ આકરન પાવરઇન્ફ્રા પાઇવેટ લિમિટેડના નામે કંપની બનાવીને મધ્ય પ્રદેશ હાઇકોર્ટની નવી ઇમારતનાં બાંધકામનું ટેન્ડર ભર્યું હતું.
મધ્ય પ્રદેશના લોકનિર્માણ ભવનના કાર્યપાલક અધ્યક્ષ અજય યાદવે આ કેસ અદાલતમાં ચાલી રહ્યો હોય વિસ્તૃતપણે કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો, સાથે જ ઉમેર્યું હતું :
"નવી કોર્ટના નિર્માણ માટેનો કૉન્ટ્રેક્ટ અપાઈ ગયો હતો, પરંતુ એક વખત ખરાઈ કરવા માટે ફાઇલ મારી પાસે આવી ત્યારે મેં ઑનલાઇન જોયું હતું. ઑનલાઇન કાગળ બરાબર લાગતા હતા, પરંતુ પ્રિન્ટ વખતે મધ્ય પ્રદેશમાં બે સરકારી કામો કર્યાં હોવાના દસ્તાવેજો શંકાસ્પદ જણાયા હતા."
"એક જગ્યાએ અન્ય કંપનીએ નિર્માણકાર્ય કર્યું હોવાનું મને યાદ હતું. એટલે જે એન્જિનિયરના નામથી વર્ક પર્ફૉર્મન્સ સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં, તેની તપાસ કરતાં તેઓ સમગ્ર બાબતથી અજાણ હતા. એટલે મેં વધુ તપાસ કરીને ઇન્દોરમાં નિર્માણ પામનારી નવી કોર્ટના વર્ક ઑર્ડર રદ કરીને પોલીસ ફરિયાદ દાખલ કરી હતી."
પલાશિયા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ મિશ્રાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "એ સમયે અમારી પાસે ફરિયાદ આવી હતી કે અમદાવાદની આ કંપનીએ ઇન્દોરમાં નવી કોર્ટના બાંધકામ માટે અરજી કરી છે. આ માટે તેણે આપેલા વર્ક પર્ફૉર્મન્સ લેટર, બૅન્ક ગૅરંટી સહિતના દસ્તાવેજો ખોટા છે. અમે મધ્ય પ્રદેશ રોડ ઍન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં તપાસ કરાવી તો માલૂમ પડ્યું હતું કે આવા કોઈ વર્ક પર્ફૉર્મન્સ ઑર્ડર આપ્યા ન હતા."
"એક રાષ્ટ્રીયકૃત બૅન્કની અમદાવાદ શાખાની રૂ. 12 કરોડ 32 લાખથી વધુ રકમની બૅન્ક ગૅરંટી આપવામાં આવી હતી, જે ખોટી હતી. બૅન્કના તત્કાલીન મૅનેજર હાજર ન થતાં અમે તેમના ગોતા ખાતેના ઘરે તથા બૅન્કમાં તપાસ કરી હતી. એ સમયે તેઓ નાસી છૂટ્યા હતા."
તત્કાલીન તપાસનીશ અધિકારી મનીષ મિશ્રા ઉમેરે છે, "કપિલ શર્માએ બનાવેલા દસ્તાવેજો એટલી હદે આબેહૂબ હતા કે કોઈપણ વ્યક્તિ છેતરાય જાય, પણ મધ્ય પ્રદેશના માર્ગ અને ભવન નિર્માણ વિભાગે કોર્ટની ઇમારત બનાવવાની હોવાથી એકદમ સઘન તપાસ કરી હતી. આ દરમિયાન ઑનલાઇન અપલૉડ થયેલા તમામ દસ્તાવેજો નકલી હોવાનું માલૂમ પડ્યું હતું."
"એટલે અમે કપિલ શર્માની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવ્યા હતા, ત્યારબાદ તેમનો જામીન ઉપર છૂટકારો થયો હતો. વધુ ખુલાસા થયા બાદ કપિલ શર્માએ આ ખોટા દસ્તાવેજોના આધારે કેટલા સરકારી કૉન્ટ્રેક્ટ લીધા છે કે ખાનગી કામો કર્યાં છે, તેના વિશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાથે મળીને તપાસ કરીશું."
ઇન્દોરના પલાશિયા પોલીસ સ્ટેશનમાં કપિલ શર્મા સામે તત્કાલીન ભારતીય દંડ સંહિતાની કલમ 420, 467, 46, 471 ઉપરાંત 406 અને 420 હેઠળ વધુ એક ગુનો જૂન-2024માં નોંધાયો હતો.
કોણ છે કપિલ શર્મા?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
કપિલ શર્માનો જન્મ ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લાના જહાંગિરાબાદ તાલુકાના એક નાનકડા ગામમાં થયો હતો. યુ.પી.માં પ્રાદેશિક ચૅનલ ચલાવતા વરિષ્ઠ પત્રકાર આલોક પાંડેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું:
"કપિલ શર્માનું ગામ રેલવે સ્ટેશનથી દસેક કિલોકમીટર દૂર છે. પિતા મોમરાજ શર્મા પાસે નાની એવી ખેતી છે. પહેલાં ઝૂંપડા જેવું મકાન હતું. કપિલે ધો. 10 પાસ કરીને પરદેશમાં નોકરી મેળવી એટલે ગામમાં તેના પરિવારની પ્રતિષ્ઠા વધી હતી."
"કપિલે ગામમાં સારું એવું ઘર બનાવ્યું હતું અને પોતાના ગામના કેટલાક લોકોને પોતાની કંપનીમાં નોકરી અપાવી હતી. વર્ષ 2015માં કપિલના ઘરે પોલીસની અવરજવર શરૂ થઈ હતી. ગુજરાતમાં મેટ્રો ટ્રેનના કૌભાંડમાં સી.બી.આઈ.એ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દરોડા પાડ્યા, ત્યારે બેએક વર્ષ માટે તેનો પરિવાર ગામ છોડીને જતો રહ્યો હતો."
પત્નીએ પણ લગાવ્યો મારઝૂડનો આરોપ

તાઝિકિસ્તાનમાં નિવાસ દરમિયાન કપિલનો સંપર્ક ઝેરે નામનાં યુવતી સાથે થયો હતો અને બંને નજીક આવ્યાં હતાં. તેમની વચ્ચે પ્રેમ થયો હતો, જે પરિણયમાં પરિણામ્યો હતો.
કપિલના પૂર્વ બૉસ પંકજસિંહના કહેવા પ્રમાણે, "કપિલ વર્ષ 2008માં ઝેરેને ભારત લાવ્યાં હતાં અને તેમની સાથે ભારતીયવિધિથી લગ્ન કર્યાં હતાં. વર્ષ 2011માં હું અમદાવાદ આવ્યો, ત્યારે તેણે પત્ની અને બાળકો સાથે મુલાકાત કરાવી હતી."
આલોક પાંડે કહે છે, "કપિલ તથા તાઝિકિસ્તાનની છોકરીનાં લગ્નનાં સમાચાર સ્થાનિક અખબારો અને મીડિયામાં ખૂબ ચર્ચામાં હતા."
વર્ષ 2023માં કપિલનાં પત્ની ઝેરેએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. ઝેરે જણાવ્યું હતું કે તેઓ તાઝિકિસ્તાનમાં રહેતાં હતાં, ત્યારે કપિલ શર્મા સાથે પ્રેમ થયો હતો. તેઓ વર્ષ 2008માં ભારત આવ્યાં હતાં. તેમનું પ્રથમ સંતાન પુત્રી છે, જેનો જન્મ તાઝિકિસ્તાનમાં થયો હતો. જ્યારે બીજા સંતાનરૂપે દીકરો ભારતમાં જન્મયો હતો.
ઝેરેની અરજી પ્રમાણે, વર્ષ 2022માં કપિલે આલ્કૉહૉલિક બનીને તેમનાં ઉપર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું એટલે તેઓ તાઝિકિસ્તાન પરત ફરવાં માગતાં હતાં. દીકરાની બાબતે કોઈ કાયદાકીય સમસ્યા ન હતી, પરંતુ દીકરીનો જન્મ તાઝિકિસ્તાનમાં થયો હોવાથી તેમનાં વિઝા બાબતે પણ ચિંતા હતી.
કપિલ શર્માએ તેમનાં પત્નીને ભારતનું નાગરિકત્વ અપાવવાના બદલે સ્પૉન્સર વિઝા ઉપર રાખ્યાં હતાં, એટલે જો ઝેરેએ તાઝિકિસ્તાન પરત ફરવું હોય તો ઍમ્બેસીના નિયમ મુજબ, તેમણે કપિલ શર્મા પાસેથી એન.ઓ.સી. લેવું પડે.
કપિલ શર્માએ કથિત રીતે ઝેરેની વિદેશમાં રહેલાં ઘર તથા સંપત્તિની માગ કરી હતી. ઝેરે વર્ષ 2024માં પોતાના વિઝાની મુદ્દત પૂર્ણ થાય તે પહેલાં તઝાકિસ્તાન પરત ફરવાં માંગતાં હતાં. એટલે કપિલ શર્મા તરફથી એન.ઓ.સી. મળે અથવા તો પોતાને તાઝિકિસ્તાન પરત મોકલી દેવા હાઇકોર્ટમાં માટે અરજી કરી હતી.
છેવટે ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ ઝેરે અને તેમનાં સંતાનોનું વતન પરત ફરવું શક્ય બન્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












