પોરબંદર : 'ખંડણી અને અપહરણ સહિત'ના ગુનામાં પકડાયેલાં હીરલબા જાડેજા કોણ છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, પોરબંદર, ગૅંગ વૉર, સંતોકબહેન જાડેજા, હીરલબા જાડેજા, કાંધલ જાડેજા, કુતિયાણા વિધાનસભા બેઠક

ઇમેજ સ્રોત, Hiralba Bhura Munja Jadeja/fb

ઇમેજ કૅપ્શન, હીરલબા જાડેજા
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

પોરબંદર પોલીસે અમુક દિવસ પહેલાં હીરલબા જાડેજાની અપહરણ, ખંડણી અને સાઇબર ક્રાઇમના ગુનામાં સંડોવણી મામલે ધરપકડ કરી હતી. ઘટનાક્રમ અંગે મળેલી લેટેસ્ટ માહિતી અનુસાર હીરલબા જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

નોંધનીય છે કે હીરલબા જાડેજા પોરબંદરની કુતિયાણા બેઠક પરથી ભૂતપૂર્વ ધારાસભ્ય સંતોકબહેનના દિયર ભૂરા મુંજાનાં પત્ની છે.

હીરલબા જાડેજા અને સહઆરોપી હિતેશ ઓડેદરા સામે સાયબર ફ્રૉડ અને ડિજિટલ ઍરેસ્ટના માધ્યમથી નાણાં પડાવવાના આરોપ મૂકવામાં આવ્યા છે.

તાજેતરમાં ઇઝરાયલમાં કામ કરતી એક મહિલાએ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને હીરલબા જાડેજા અને તેમના માણસો પર પરિવારજનોનું અપહરણ કરીને ખંડણી વસૂલી કરવાનો આરોપ મૂક્યો હતો.

આ કેસની તપાસ દરમિયાન પોલીસને 40થી વધારે બૅન્ક એકાઉન્ટ મળી આવ્યાં હતાં, તેમાંથી 15થી વધુ એકાઉન્ટમાં 50 કરતાં વધારે સાયબર ફ્રૉડ થયા હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસને તપાસ દરમિયાન આંગડિયા પેઢીના બેનામી વ્યવહારો પણ મળી આવ્યા હતા.

બીબીસી ગુજરાતીએ હીરલબા પર થયેલી પોલીસ કાર્યવાહી બાદ ભૂરા મુંજાનાં યુનાઇેડ કિંગ્ડમસ્થિત પત્ની ચૌલાબહેન જાડેજાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે બીબીસી ગુજરાતીના ઇમેઇલના જવાબમાં પોતે જ ભૂરા મુંજા જાડેજાનાં 'એકમાત્ર' અને 'કાયદેસર પત્ની' હોવાની વાત કરી હતી.

આ સાથે જ તેમણે હીરલબા પર પોતાની પારિવારિક સંપત્તિ પર ગેરકાદેસર કબજો કરવા સહિતના આરોપો મૂક્યા હતા.

હવે જ્યારે પોલીસ તપાસમાં નવી નવી વિગતો સામે આવી રહી છે તેમ કથિતપણે હીરલબા દ્વારા સંચાલિત નેટવર્ક અને વિસ્તારમાં તેમના દબદબા અંગે વ્યાપક ચર્ચા થઈ રહી છે.

કોણ છે હીરલબા જાડેજા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, પોરબંદર, ગૅંગ વૉર, સંતોકબહેન જાડેજા, હીરલબા જાડેજા, કાંધલ જાડેજા, કુતિયાણા વિધાનસભા બેઠક

ઇમેજ સ્રોત, Hitesh Thakrar

ઇમેજ કૅપ્શન, હીરલબા જાડેજા અને તેમના માણસો પર અપહરણ કરીને ખંડણી વસૂલી કરવાનો આરોપ છે (ફાઇલ તસવીર)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોરબંદરના સામાજિક કાર્યકર એનએસ શિયાળે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "સરમણ મુંજા અને ભૂરા મુંજા બંને સગા ભાઈ હતા. સરમણ મુંજા અને ભૂરા મુંજાનો એક સમયે જમાનો હતો. 1980ના દાયકામાં ભૂરા મુંજા જેલમાંથી બીમારીના બહાને સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં આવતા ત્યારે લોહાણા જ્ઞાતિનાં ચૌલાબહેનના પરિચયમાં આવ્યા અને તેમણે લગ્ન કર્યાં હતાં."

શિયાળ ભૂરા મુંજાના રાજકીય ઉદય અંગે વાત કરતાં કહે છે કે, "ત્યાર બાદ 1990માં સંતોકબહેન ધારાસભ્ય થયાં અને એ સમયગાળામાં ભૂરા મુંજા ભારત પરત આવ્યા અને રાજકારણમાં રસ લેતા થયા હતા. એ વારંવાર ભારત અને વિદેશ જતા-આવતા રહેતા. અંતે તેઓ 1995ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણાથી અપક્ષ ચૂંટણી લડ્યા અને જીતી ગયા."

"બાદમાં શંકરસિંહ વાઘેલાના રાજકીય બળવામાં તેઓ શંકરસિંહની સાથે રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે એક કાઠી દરબારનાં દીકરી હીરલબા સાથે પરિચય થયો હતો અને બંનેએ ભારતમાં લગ્ન પણ કર્યાં. આમ ભૂરા મુંજાનાં પ્રથમ પત્ની ચૌલાબહેન વિદેશ રહેતાં અને હીરલબા અહીં ભારતમાં."

તેઓ આગળ કહે છે કે 1998માં ભૂરા મુંજાએ કૉંગ્રેસમાંથી વિધાનસભાની ટિકિટ માગી હતી, પણ ટિકિટ ન મળતાં તેમણે સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવ્યો, પણ એ ચૂંટણી હારી ગયા હતા.

"એ પછી એમના પર પાસા સહિતના અનેક કેસ થયા, પણ આર્થિક રીતે સધ્ધર ભૂરા મુંજાએ પોરબંદરમાં ધીરધારનો ધંધો ચાલુ કર્યો હતો અને જમીન લેવેચનું કામ પણ કરતા. તેઓ તેમાંથી સારા પૈસા કમાતા અને ગરીબોને મદદ પણ કરતા. વર્ષ 2016માં એમનું અવસાન થયું ત્યારે હીરલબાએ ભૂરા મુંજાના 'મસલમૅન'ને સાથે રાખી ધીરધાર અને જમીનનો ધંધો ચાલુ રાખ્યો. જમીનના ભાવ વધવાને કારણે એ ખાસ્સા એવા પૈસા કમાયાં. પોરબંદરમાં એ સામાજિક સંસ્થાઓ ચાલવતાં હતાં. તેઓ વ્યાજે ધીરેલા પૈસાની વસૂલી માટે મસલમૅનનો ઉપયોગ કરતાં હતાં."

શિયાળ આગળ કહે છે કે હીરલબા બાદમાં ગુજરાતી ફિલ્મોમાં ફાયનાન્સ પણ કરતાં હતાં. તેમણે કેટલીક ગુજરાતી ફિલ્મોનું પોરબંદરમાં શૂટિંગ કરાવ્યું હતું. પરંતુ તેમના પર સાયબર ક્રાઇમનો આરોપ લાગશે એવી કોઈને કલ્પના નહોતી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, પોરબંદર, ગૅંગ વૉર, સંતોકબહેન જાડેજા, હીરલબા જાડેજા, કાંધલ જાડેજા, કુતિયાણા વિધાનસભા બેઠક

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, ભૂરા મુંજા જાડેજા

રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ હીરલબા જાડેજા અને પોરબંદર તેમજ આસપાસના વિસ્તારોમાં તેમના દબદબા અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "ભૂરા મુંજાએ હીરલબા સાથે કોઈ પણ ધામધૂમ વિના લગ્ન કર્યાં હતાં. હાલ આપણે જેને હીરલબા તરીકે ઓળખીએ છીએ, તેમનું ખરું નામ હંસાબહેન ખાચર હતું."

"ભૂરા મુંજા સાથેનાં કહેવાતાં લગ્ન બાદ હંસાબહેનમાંથી તેમણે પોતાનું હીરલબા રાખ્યું. ભૂરા મુંજાનાં કહેવાતાં પત્ની હોવાને કારણે સ્વાભાવિક જ તેમનો દબદબો રહે. આ કારણસર તેમનો જે તે સમયે દબદબો હતો."

તેઓ હીરલબા જાડેજા અંગે વધુ માહિતી આપતાં કહે છે કે ભૂરા મુંજા અને હીરલબા વચ્ચે પણ એક સમયમાં ખટરાગ થયો હતો.

મહેતા કહે છે કે, "ખટરાગ એટલી હદ સુધી આગળ વધી ગયો હતો કે ભૂરા મુંજા જાડેજાએ રાજકોટથી પ્રસિદ્ધ થતાં અગ્રિમ અખબારોમાં જાહેરખબર છપાવી હતી કે - મારા નામે કોઈએ હીરલબા જાડેજા સાથે કોઈ વ્યવહાર ન કરવો, અમારે અને એમને કંઈ લાગતું વળગતું નથી."

જોકે, જગદીશ મહેતા પ્રમાણે આ જાહેરખબર લોકોની સ્મૃતિમાં ઝાઝી ટકી ન રહી શકી.

"આ દરમિયાન ભૂરા મુંજાનું મૃત્યુ થયું. હીરલબા કુતિયાણા ખાતે ઝવેરી ભવન નામના બંગલામાં રહે છે. જે એક સમયના ઉદ્યોગપતિનો બંગલો હતો. આ બંગલામાં હીરલબા એકલાં રહે છે."

મહેતા હીરલબાના દબદબા અંગે વધુ વાત કરતાં કહે છે કે, "હીરલબા પોતે વકીલ હોવાનો પણ દાવો કરે છે. ગાંધીનગર સુધી તેમના છેડા હોવાનું પણ કહેવાય છે. આ બધી વાતોનો ઉપયોગ કરીને તેઓ પોતાનો પ્રભાવ પાડતાં હતાં."

ભૂરા મુંજાનાં પત્ની ચૌલાબહેને શું કહ્યું?

બીબીસી ગુજરાતીએ આ સમગ્ર પ્રકરણ અંગે ભૂરા મુંજા જાડેજાનાં પત્ની ચૌલાદેવી અને તેમના પરિવારનો પક્ષ જાણવા માટે તેમનો સંપર્ક કર્યો હતો.

તેમણે ઇમેઇલ મારફતે જણાવ્યું હતું કે, "હું તમને હીરલબા જાડેજા સામેની મારી ફરિયાદો અને મુદ્દાઓ અંગે યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેથી ઇમેઇલ કરી રહી છું."

"હું સમાચારો જોઈ રહી છું અને મેં ચોરીની ઘટના, સંપત્તિ પર ગેરકાયદેસર કબજો અને ગેરકાયદેસર રીતે પારિવારિક સંપત્તિના વેચાણ સંબંધિત મુદ્દા રિપોર્ટ કરવા માટેની જાહેર અપીલ જોઈ છે."

"હું ભૂરા મુંજા જાડેજા જેઓ ભૂરા મુંજા કડછા તરીકે પણ ઓળખાતા, તેમની એકમાત્ર અને કાયદેસર પત્ની છું."

તેમણે ઇમેઇલમાં હીરલબા પર આરોપ મૂકતાં કહ્યું હતું કે, "હીરલબાએ ગુજરાતના પોરબંદર ખાતેના સૂરજ પૅલેસ (ઝવેરી બંગલો) નામના અમારા પારિવારિક ઘર પર કબજો કરી લીધો છે. આ સંપત્તિ મારા એટલે કે ચૌલા ભૂરા કડછાના નામે નોંધાયેલી છે."

"હું તમને મારા અને મારાં ચાર બાળકોને ન્યાય અપાવવા માટે મદદ અને સહકાર આપવા અપીલ કરું છું.

સમાજવાદી પાર્ટીના જીતનું શ્રેય હીરલબા જાડેજાને કેમ અપાય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, પોરબંદર, ગૅંગ વૉર, સંતોકબહેન જાડેજા, હીરલબા જાડેજા, કાંધલ જાડેજા, કુતિયાણા વિધાનસભા બેઠક

ઇમેજ સ્રોત, Hiralba Bhura Munja Jadeja/fb

ઇમેજ કૅપ્શન, હીરલબા જાડેજા

જગદીશ મહેતાએ રાજકારણમાં પગપેસારાના હીરલબાના પ્રયાસ અંગે વાત કરતાં કહ્યું, "તાજેતરમાં પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય કાંધલ જાડેજાના સમર્થનવાળી સમાજવાદી પાર્ટીની પૅનલનો વિજય થયો. આ જીતનું માળખું ઊભું કરવાનું શ્રેય કેટલાંક માધ્યમોમાં હીરલબાને આપ્યું હતું."

"જોકે, કાંધલ જાડેજાએ તેમને નૉમિનેટ કર્યાં નહોતાં. કાંધલ જાડેજા એ સમયે હીરલબા પોતાનાં કાકી થતાં હોવાથી કંઈ બોલ્યા નહોતા."

જગદીશ મહેતા વધુમાં કહે છે કે, "તેઓ આ જીત સુધી ઝાઝાં લાઇમલાઇટમાં નહોતાં આવતાં. પરંતુ આ જીત બાદ તેઓ લાઇમલાઇટમાં આવ્યાં."

જગદીશ મહેતા કહે છે કે આ ઘટનાક્રમ બાદથી હીરલબાને વધુ માનપાન મળવા લાગ્યાં.

"આ બધું કાંધલ જાડેજાને ધ્યાને આવતાં તેમણે હીરલબાથી અંતર રાખવાનું ચાલુ કર્યું."

તેઓ આગળ કહે છે કે, "તાજેતરમાં હીરલબા પર થયેલી પોલીસ કાર્યવાહી પણ કોઈ વગદાર વ્યક્તિ દ્વારા પ્રેરિત હોવાનું લોકો કહી રહ્યા છે."

"આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન લંડનમાં રહેતાં ભૂરા મુંજાનાં ત્રણ દીકરીઓના નામે પોલીસને એક પત્ર પણ મળ્યો છે. જેમાં હીરલબા સાથે પોતાના પરિવારને કોઈ સંબંધ ન હોવાની વાત કરાઈ છે."

જગદીશ મહેતા કહે છે કે, "હીરલબાની નિકટ રહેલા લોકોનું માનીએ તો તેમને રાજકારણમાં 'ગોડમધર' કહેવાતાં સંતોકબહેનની માફક મોટું નામ કરવાના ઓરતા હતા."

પોલીસને હીરલબા સામે શું પુરાવા મળ્યા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, પોરબંદર, ગૅંગ વૉર, સંતોકબહેન જાડેજા, હીરલબા જાડેજા, કાંધલ જાડેજા, કુતિયાણા વિધાનસભા બેઠક

ઇમેજ સ્રોત, Hitesh Thakrar

ઇમેજ કૅપ્શન, પોરબંદરના ડીવાયએસપી સુરજિત મહેડુ

પોરબંદરના ડીવાયએસપી સુરજિત મહેડુએ મીડિયાને આ કેસની માહિતી આપતા કહ્યું, "હીરલબા જાડેજા તથા તેમના સાગરિતોની અટકાયત કરીને કોર્ટમાં રજૂ કરાયાં હતાં. હીરલબા અને હિતેશ ઓડેદરાના પોલીસને રિમાન્ડ મળ્યાં છે."

મહેડુએ કહ્યું, "આ ગુનાના સાક્ષીઓના મૅજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાયાં છે. એફ.આઈ.આર.માં (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) જે ખાતાંઓની વિગતો મળી હતી, તે સહિત 40થી વધુ એકાઉન્ટની માહિતી મળી હતી. તેમાં 15થી વધુ એકાઉન્ટમાં સાયબર ક્રાઇમ થયો હોય તેવી ફરિયાદ મળી છે."

"અમુક બૅન્ક ખાતાંમાં જે રૂપિયા આવતા હતા, તેને ઉપાડવા માટે આ લોકોના સાગરિતો સાથે જતા હતા."

ડીવાયએસપી મહેડુએ ઉમેર્યું હતું, "હીરલબા જાડેજાનાં મોબાઇલ તથા વૉટ્સઍપમાં પણ ગુના સંબંધિત ઘણા પુરાવા મળ્યા છે. આરોપીઓ અને તેમના સહાયકો સાથેની ચૅટમાંથી બૅન્ક ખાતાં વિશે માહિતી મળી છે. બૅન્ક ખાતાંમાં જે ટ્રાન્ઝેક્શન થયા હોય તેના ફોટો પ્રાપ્ત થયા છે, હિસાબના લખાણના પુરાવા પણ ચૅટમાંથી મળ્યા છે."

ડીવાયએસપી મહેડુએ કહ્યું, "આ ઉપરાંત કોરા ચેકના ફોટોગ્રાફ ચૅટમાંથી પ્રાપ્ત થયા છે. હીરલબા જાડેજા તમામ આરોપીઓ સાથે નિકટતાથી સંકળાયેલાં હતાં તેના પુરાવા મળ્યા છે. બૅન્ક એકાઉન્ટ ખોલતી વખતે બૅન્ક મૅનેજરને બોલાવ્યા હોય અને ખાતેદારોને પણ બોલાવ્યા હોય તેના કૉલ રેકૉર્ડ પણ પ્રાપ્ત થયા છે. આ ખાતાંઓમાં સાયબર ક્રાઇમ સિવાયના પણ મોટા આર્થિક વ્યવહારો થયા છે."

ખાતેદારો બૅન્કમાંથી રૂપિયા ઉપાડવા જાય, ત્યારે સાયબર ફ્રૉડમાં સંડોવાયેલી ગૅંગના સાગરિતો પણ તેમની સાથે જતા હતા અને તેના સી.સી.ટી.વી. ફૂટેજ પોલીસને મળ્યાં છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, પોરબંદર, ગૅંગ વૉર, સંતોકબહેન જાડેજા, હીરલબા જાડેજા, કાંધલ જાડેજા, કુતિયાણા વિધાનસભા બેઠક

ઇમેજ સ્રોત, Hitesh Thakrar

ઇમેજ કૅપ્શન, પોલીસ કસ્ટડીમાં હીરલબા જાડેજા

હાલમાં પોલીસ હીરલબા અને તેના સાગરિતોએ દેશનાં અન્ય રાજ્યોમાં કેટલાં સાયબર ફ્રૉડ કર્યા છે તેની તપાસ કરી રહી છે.

હીરલબા જાડેજા એક ખાનગી સેવાભાવી સંસ્થાનાં પૂર્વ ગવર્નર છે, જેમાં તેઓ ધાર્મિક તહેવારો દરમિયાન જરૂરિયાતમંદોને રાશનની કિટ, દિવ્યાંગોને વ્હીલચૅર અને દાંતની સારવાર વગેરેમાં મદદ કરતાં.

હીરલબા જાડેજાની મૉડસ ઑપરેન્ડી વિશે માહિતી આપતાં બીબીસી ગુજરાતીના સહયોગી હિતેશ ઠકરાર જણાવે છે, "હીરલબા જેમને સહાય કરતાં તેમને એક મંડળી બનાવીને રૂપિયા મળશે તેવું જણાવતાં. ત્યાર પછી બૅન્કોમાં જઈને તેમના ખાતાં ખોલાવતાં. તેમાં જમા થતી રકમથી ખાતેદારો પણ અજાણ હતા, કારણ કે બૅન્કની કિટ હીરલબા અને તેમના સાગરિતો પોતાની પાસે રાખી લેતાં હતાં."

"સાયબર ફ્રૉડના રૂપિયા તેમાં જમા થાય, ત્યારે હીરલબાના સાગરિતો ગરીબ ખાતેદારને લઈને બૅન્કમાં જતા અને તેમના સેલ્ફ ચેકથી અથવા એ.ટી.એમ.થી (ઑટોમેટિક ટૅલરિંગ મશીન) રુપિયા ઉઠાવી લેતા. તેમાંથી પાંચ-દસ હજાર રૂપિયા ખાતેદારને આપતા અને બાકીના રૂપિયા જાતે રાખી લેતા હતા."

હીરલબાના બંગલાની તપાસ દરમિયાન પોલીસને 250 મિલ્કતોની ફાઇલો મળી છે, જે બીજા લોકોનાં નામે છે. આ ઉપરાંત 140થી વધુ કોરાં સ્ટૅમ્પ પેપર અને પ્રૉમિસરી નોટ અને મહત્ત્વનાં સી.સી.ટી.વી. ફૂટેજ મળ્યાં છે.

પોરબંદરનાં હીરલબા સામે જૂનો કેસ શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, પોરબંદર, ગૅંગ વૉર, સંતોકબહેન જાડેજા, હીરલબા જાડેજા, કાંધલ જાડેજા, કુતિયાણા વિધાનસભા બેઠક

ઇમેજ સ્રોત, Social Media

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલથી લીલુબહેન કુછડિયા નામનાં મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો

લગભગ ત્રણ અઠવાડિયાં પહેલાં ઇઝરાયલમાં કામ કરતાં એક મહિલા લીલુબહેન કુછડિયાએ હીરલબા અને તેમના માણસો પર પરિવારજનોનું અપહરણ કરીને ખંડણી વસૂલી કરવાનો આરોપ મૂક્યો હતો.

આ ઉપરાંત અપહૃત પરિવારજનોને હીરલબા જાડેજાના બંગલામાં ગોંધી રાખીને તેઓ મારી નાખવાની ધમકી આપી રહ્યા છે એવી રજૂઆત કરી હતી, જેથી પોરબંદર પોલીસ હરકતમાં આવી હતી.

વીડિયોના પગલે પોલીસે જેમનું કથિત રીતે અપહરણ કરાયું હતું, તે પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી.

પોલીસના કહેવા મુજબ, તેમણે કથિત અપહૃતોની તપાસ હાથ ધરતા કલાકોની અંદર જ અપહરણકારોએ ગોંધી રખાયેલાં મહિલાનાં પરિવારજનોને મુક્ત કર્યાં હતાં.

છેવટે વિધિસરની ફરિયાદ નોંધાતા પોલીસે હીરલબા અને તેમના સહઆરોપીઓની ધરપકડ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન