ગુજરાત : આ ગામમાં પ્રેમલગ્ન કરનારને 1 લાખ રૂપિયાના દંડનો નિર્ણય કેમ લેવાયો?

બનાસકાંઠા, ગુજરાત, પ્રેમલગ્ન, કાયદો, સમાજ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Paresh Padhiyar/getty

ઇમેજ કૅપ્શન, ગામની યુવતી સાથે જ ભાગી જનાર અને અન્ય એક મામલામાં બાજુના ગામની યુવતી સાથે ભાગી જનારા ગામના બે યુવકોને સમાજ બહાર કરવામાં આવ્યા છે (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

બનાસકાંઠા જિલ્લાના ગોઢ ગામમાં ઠાકોર સમાજે ભાગીને 'પ્રેમલગ્ન કરનારને 1 લાખ રૂપિયા દંડ તેમજ સમાજ બહાર' કરવાનો નિર્ણય કર્યો છે.

ગામના આગેવાનોનો દાવો છે કે 'ભાગીને પ્રેમલગ્ન કરવાને કારણે ગામમાં ઝઘડાઓ થાય છે' અને ક્યારેક મામલો 'હત્યા સુધી' પણ પહોંચી જતો હોય છે.

આ પ્રકારની ઘટનાઓ ટાળવા અને ગામના લોકો હળીમળીને રહે તે માટે 'ગામના લોકોએ ભેગા મળીને' આ 'નિયમો' બનાવ્યા છે.

એક મામલામાં ગામની યુવતી સાથે જ ભાગી જનાર અને અન્ય એક મામલામાં બાજુના ગામની યુવતી સાથે ભાગી જનારા ગામના બે યુવકોને સમાજ બહાર કરવામાં આવ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ભારતીય બંધારણ મુજબ યુવતીની ઉંમર 18 વર્ષ હોય અને યુવકની ઉંમર 21 વર્ષ હોય તો તેઓ પોતાની મરજીથી મનપસંદ પાત્ર સાથે લગ્ન કરી શકે છે.

જોકે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ સમાજો દ્વારા સરકારને યુવતીનાં લગ્નની ઉંમર વધારવા તેમજ માતાપિતાની સહમતિ ફરજિયાત કરવા માટેની રજૂઆત કરવામાં આવતી રહી છે. સાંસદો અને ધારાસભ્યો પણ આ અંગે અલગ-અલગ સમયે રજૂઆત કરી ચૂક્યા છે.

ત્યારે આખો મામલો શું છે અને પ્રતિબંધ મૂકવા પાછળ ગામલોકોનો તર્ક શું છે? કાયદા હેઠળ આવું કરી શકાય કે નહીં?

ગામના આગેવાનોએ શું કહ્યું?

બનાસકાંઠા, ગુજરાત, પ્રેમલગ્ન, કાયદો, સમાજ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Paresh Padhiyar/BBC

ઇમેજ કૅપ્શન, બનાસકાંઠા જિલ્લાના ગોઢ ગામમાં ઠાકોર સમાજે ભાગીને 'પ્રેમલગ્ન કરનારને 1 લાખ રૂપિયા દંડ તેમજ સમાજ બહાર' કરવાનો નિર્ણય કર્યો છે

લગભગ પાંચ હજારની વસ્તી ધરાવતા ગોઢ ગામમાં ઠાકોર સમાજના લગભગ બે હજાર લોકોની વસ્તી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગોઢ ગામમાં પ્રેમલગ્ન પર પ્રતિબંધ તો મુકાયો છે અને એ સિવાય લગ્નમાં ડીજે પર પ્રતિબંધ કે દારૂબંધી જેવા નિયમો બનાવવામાં આવ્યા છે.

થોડા દિવસ પહેલાં જ ગામનો એક પરિણીત યુવક ગામની જ એક અપરિણીત યુવતીને લઈને ભાગી ગયો હતો. જોકે, ગામમાં આ પહેલો કિસ્સો ન હતો. ગામના આગેવાનોનો દાવો છે કે અગાઉ પણ આવા કિસ્સા બની ચૂક્યા છે.

ગોઢ ગામના ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરે નિયમો અંગે વાત કરતાં જણાવ્યું હતું કે "અમારા ગામના વડીલોએ ભેગા થઈને ગામના ઠાકોર સમાજ માટે કેટલાક નિયમો બનાવ્યા છે. જેમાં ભાગીને પ્રેમલગ્ન કરનાર યુવક પાસે 1 લાખ રૂપિયા દંડ તેમજ તેના પરિવાર સાથે કોઈ જ વ્યવહાર નહીં એવી સજા રાખી છે."

"ગામનો છોકરો ગામની કે બીજા કોઈ ગામની કોઈ પણ છોકરીને લઈને ભાગી જાય તો તે છોકરીને તેના પરિવારને પરત આપવાની પણ શરત છે. છોકરી કોઈ પણ સમાજની હોય પણ તેના માબાપને સોંપી દેવી પડશે. લગ્નપ્રસંગમાં ગામમાં ડીજે વગાડવા પર પણ પ્રતિબંધ છે. દારૂ વેચનારને 51 હજાર રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે."

અલ્પેશ ઠાકોરનો દાવો કે, "જો કોઈ યુવક યુવતી પરિવારની મરજીથી પ્રેમલગ્ન કરે તો અમારો કોઈ જ વિરોધ નથી, પરંતુ છોકરા છોકરીઓ ભાગીને લગ્ન કરે છે જેને કારણે પરિવારોમાં ઝઘડા થાય છે અને હત્યા સુધીના બનાવ બને છે. જે ટાળવા માટે અમે નિયમો બનાવ્યા છે. દંડની રકમ અમે ધર્માદા માટે વાપરીશું."

જોકે, ભારતીય બંધારણ પુખ્ત યુવક યુવતીઓને તેમના મરજીથી લગ્ન કરવા માટે આઝાદી આપે છે.

આ અંગે જ્યારે બીબીસી ગુજરાતીએ અલ્પેશ ઠાકોરને પૂછ્યું તો તેમણે કહ્યું કે, "અમે બંધારણને માનીએ છીએ, પરંતુ છોકરીઓ ભાગી જવાને કારણે થતી સમસ્યાઓ માટે અમે માત્ર અમારા સમાજ પૂરતા જ નિયમો બનાવ્યા છે."

કોઈ અપરિણીત યુવક અને યુવતી ભાગીને લગ્ન કરે તો તેમના માટે પણ આજ નિયમો છે એવું તેઓ કહે છે.

બનાસકાંઠા, ગુજરાત, પ્રેમલગ્ન, કાયદો, સમાજ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Paresh Padhiyar/BBC

ઇમેજ કૅપ્શન, ગોઢ ગામમાં પ્રેમલગ્ન પર પ્રતિબંધ તો મુકાયો છે અને એ સિવાય લગ્નમાં ડીજે પર પ્રતિબંધ કે દારૂબંધી જેવા નિયમો બનાવવામાં આવ્યા છે

ગોઢ ગામના સરપંચ રામાબાબુ ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ગામના એક કિસ્સા વિશે વાત કરી હતી.

તેઓ કહે છે, "અમારા ગામમાં એક મહિના પહેલાં એક પરિણીત અને ચાર દીકરીનો પિતા ગામની 18 વર્ષની છોકરીને લઈને ભાગી ગયો હતો. તે અગાઉ પણ ત્રણ વાર ભાગી ગયો હતો. હાલમાં યુવતીને તેના પરિવારને સોંપવામાં આવી છે. તેમજ યુવક સાથે ગામના લોકોએ વ્યવહાર બંધ કર્યો છે."

સરપંચ રામાબાબુ ઠાકોરે જણાવ્યું હતું કે, "ભારતીય બંધારણનું અમે સન્માન કરીએ છીએ, પરંતુ અમારા ગામના આગેવાનોએ ગામમાં સુખશાંતિ જળવાઈ રહે તેના માટે આ નિયમો બનાવ્યા છે. ગામમાં ચૌધરી, દલિત, દેવીપૂજક, નાઈ દરેક સમાજના લોકો રહે છે, પરંતુ આ નિયમો ઠાકોર સમાજ માટે જ છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "ગામના યુવાનો દારૂની બદીથી દૂર રહે તે માટે ગામમાં દારૂ વેચનાર પર દંડ નક્કી કરવામાં આવ્યો છે."

સમાજ બહાર કરવામાં આવેલા યુવકોએ શું કહ્યું?

બનાસકાંઠા, પ્રેમલગ્ન, બીબીસી ગુજરાતી, યુવત, ગુજરાતી સમાજ

ઇમેજ સ્રોત, Paresh Padhiyar/BBC

ઇમેજ કૅપ્શન, ગોઢ ગામમાં ઠાકોર સમાજે પોતાના નિયમો પણ ઘડ્યા છે

ગોઢ ગામના ઠાકોર સમાજે ગામના બે યુવકોને સમાજ બહાર કર્યા હોવાનો દાવો છે. જેમાંથી એક યુવાન મેઘલ ઠાકોર (નામ બદલાવેલ છે) ગામની યુવતી લઈને ભાગી ગયા હતા.

જ્યારે અન્ય એક યુવક નાથાભાઈ ઠાકોર (નામ બદલાવેલ છે) બાજુના ગામની એક યુવતી સાથે ભાગી ગયા હતા. બંને કિસ્સામાં યુવકો પરિણીત હતા અને તેમણે 'મૈત્રીકરાર' કર્યા હતા. બંને કિસ્સામાં યુવતીઓ તેમના પરિવાર સાથે રહે છે.

મેઘલજી ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ગામના આગેવાનોએ નિયમ બનાવ્યા છે, પરંતુ અમારી પહેલાં પણ ગામમાં કેટલાંય એવાં યુગલો છે જેમને ભાગીને લગ્ન કર્યાં છે અને ગામમાં રહે છે. હવે જ કેમ નિયમો બનાવ્યા?"

તેઓ વધુમાં જણાવે છે કે, "ગામના લોકોએ અમારો બહિષ્કાર કર્યો છે. છોકરી પણ અમારા ગામની જ હતી. એ પણ તેની મરજીથી જ મારી સાથે આવી હતી, પરંતુ છોકરીને કેમ સમાજ બહાર કેમ કરવામાં આવતી નથી?"

ગામના લોકોએ તેમની સાથે વ્યવહાર કાપી નાખ્યો છે એ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "મારા ઘરમાં મારાં મમ્મી અને બહેન છે. અમારા પરિવાર સાથે ગામના અમારા સમાજના લોકો વાત કરતાં નથી. તેમજ દુકાનોમાંથી અમને કોઈ સામાન પણ આપતા નથી. કોઈ ગાડી લઈને જતું હોય તો પણ અમને બેસાડતા પણ નથી. અન્ય સમાજના લોકોની દુકાન પરથી સામાન મળે છે.

"અમે ગામના લોકોને ભેગા કરવાના છીએ, ત્યાર બાદ જરૂર જણાશે તો અમે કાયદાકીય સલાહ લઈને પણ આગળ વધીશું."

મેઘલજી વધુમાં કહે છે કે "મારા લગ્ન ભલે થયેલાં છે, પરંતુ મારી પત્ની તેના પિયરમાં રહે છે. મેં મારી પ્રેમિકા સાથે 'મૈત્રીકરાર' કર્યો હતો. અમે સાથે રહેવા માગતા હતા, પરંતુ ગામના લોકોએ અમને જુદાં પાડ્યાં છે. જો મારી પ્રેમિકા મારી સાથે રહેવા માગશે તો હું તેને મારી સાથે રાખવા તૈયાર છું."

નાથાભાઈ ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "અમારા બાજુના ગામની છોકરી સાથે મારે પ્રેમ હતો. અમે 'મૈત્રીકરાર' કરીને ભાગી ગયા હતા. જોકે, હાલ તે તેના પિતાના ઘરે છે. મારો તો કેસ પણ પૂર્ણ થઈ ગયો છે. તેમ છતાં અમારા ગામના લોકોએ અમને સમાજ બહાર મૂક્યા છે."

કાયદાકીય રીતે ગામલોકો આવું કરી શકે?

અમદાવાદમાં ફેમિલી કોર્ટમાં વકીલાત કરનાર વકીલ ચેતન પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથે આ મુદ્દે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "પુખ્ત વયના યુવક યુવતી પોતાની મરજીથી જીવનસાથી પસંદ કરીને લગ્ન કરી શકે છે. પરિવારના લોકો સહમત ન હોય તો પણ તેઓ લગ્ન કરીને સાથે રહી શકે છે."

ચેતન પંડ્યા કહે છે, "ભાગીને લગ્ન કરનાર સામે કેટલાક સમાજના લોકો સામાજિક રીતે આપમેળે નિયમો બનાવી દંડ કે અન્ય કોઈ જોગવાઈ કરતા હોય છે, પરંતુ તે દંડ કે અન્ય જોગવાઈઓ કાયદાકીય રીતે માન્ય ગણાય નહીં. જો કોઈ યુવક યુવતીએ ભાગીને લગ્ન કર્યાં હોય અને ગામના કે સમાજના લોકો ગામમાં રહેવાથી રોકે તો તેઓ કોર્ટનો સહારો લઈ શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન