બનાસકાંઠા : 19 વર્ષની ચંદ્રિકાની હત્યા પાછળ સાટાપ્રથા અને ગુજરાતનો સેક્સ રેશિયો જવાબદાર છે?

ઇમેજ સ્રોત, Getty Images/BHARAT RAJPUT
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
આ વર્ષે 24 જૂનની રાત્રે બનાસકાંઠા જિલ્લાના દાંતિયા ગામની19 વર્ષની ચંદ્રિકા ચૌધરીની હત્યા થઈ. આ હત્યાનો આરોપ ચંદ્રિકાના પરિવારના જ ત્રણ સભ્યો પર લાગ્યો છે. જોકે, પોલીસે કોર્ટમાં દાખલ કરેલા આરોપનામામાં (ચાર્જશીટમાં) મૂકેલી વિગતો એ સમાજમાં લગ્ન વ્યવસ્થામાં ચાલતી સાટાપ્રથાને કારણે ચંદ્રિકાની હત્યા થઈ હોવાનો સંકેત આપે છે.
ચાર્જશીટ અનુસાર, ચંદ્રિકાનો પરિવાર સાટાપ્રથા હેઠળ દીકરીનાં લગ્ન કરાવવા ઇચ્છતો હતો, પરંતુ ચંદ્રિકા તે લગ્ન કરવા ઇચ્છતાં નહોતાં, એટલે પરિવારે તેમને જાનથી મારી નાખ્યાં હતાં. જોકે, પોલીસ તપાસ અનુસાર ગુજરાતના ઘણા સમાજોમાં ચાલતી સાટાપ્રથા આ હત્યા પાછળનું એક કારણ છે. સમાજશાસ્ત્રીઓને મતે 'સાટાપ્રથા એક કુપ્રથા' છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ચંદ્રિકાનો પરિવાર તેમનાં લગ્ન ગામના જે યુવક સાથે કરાવવા માગતો હતો અને તેની સામે યુવકની બહેનનાં લગ્ન ચંદ્રિકાના કાકાના દીકરા સાથે કરવાનું નક્કી થયું હતું.
ઉત્તર ગુજરાતના ઘણા સમાજોમાં 'સાટાપ્રથા' એક સામાજિક નિયમ તરીકે સ્વીકૃતિ પામેલી છે, જેમાં દીકરીનાં લગ્નની સામે પરિવારના પુરુષ સભ્યને લગ્ન માટે કન્યા મળતી હોય છે.
ચંદ્રિકાબહેનના કિસ્સામાં પણ પોલીસ તપાસમાં આવી જ બાબત સામે આવી છે. આ કેસમાં પોલીસે હાલ સુધી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે.
શું હતો આ કેસ જાણવા માટે અહીં ક્લીક કરો:
બનાસકાંઠા : પ્રેમી સાથે મૈત્રી કરાર કરનાર યુવતીની હત્યાનો આરોપ પિતા અને કાકા પર, સમગ્ર મામલો શું છે?
સાટાપ્રથા એટલે શું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતની ઘણી જ્ઞાતિઓ અને સમાજોમાં 'સાટાપ્રથા' ચાલે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સમાજશાસ્ત્રીઓના મતે, આ પ્રથા પાછળનું મુખ્ય કારણ ઘટતો 'સેક્સ રેશિયો' છે — એટલે કે દર 1,000 છોકરાઓની સામે છોકરીઓનો જન્મદર ઓછો હોવો.
ઉત્તર ગુજરાતમાં બાળકોના જન્મમાં છોકરા અને છોકરીઓની સંખ્યામાં અસમતાના વિષય પર સંશોધન કરનારા રાજકીય વિશ્લેષક અને સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહ કહે છે, "દીકરીની સામે દીકરી — આ પ્રથા આ સદીની શરૂઆતથી ચાલી આવી છે. દીકરીને જન્મતા અથવા ભ્રૂણમાં જ મારી નાખવાના ગુનાથી છોકરીઓની સંખ્યા ઘટી. જેના પરિણામે, દીકરી ધરાવતા પરિવારો જ દીકરાનાં લગ્ન માટે કન્યા મેળવી શકે એવી પરંપરા વિકસી."
ચંદ્રિકા ચૌધરીની હત્યાને પણ તેઓ આ સામાજિક કુપ્રથાનું પરિણામ માને છે.
આ પ્રથા પહેલાં અમુક સમાજોમાં સીમિત હતી, પરંતુ હવે ઉત્તર ગુજરાતના અનેક સમાજોમાં તેનો પ્રચાર વધી રહ્યો છે, એવું સમાજશાસ્ત્રીઓ અને સમુદાયો સાથે કામ કરનારા કર્મશીલોનું માનવું છે.
મહિલાઓ સામે થતી ઘરેલુ હિંસા અંગે કાઉન્સેલિંગ કરતી સંસ્થા 'ઇન્સ્ટિટ્યૂટ ફૉર સોશિયલ ઍક્શન ઍન્ડ રિસર્ચ'નાં કન્વીનર, તેમજ કાર્યકર સેજલ જોશીના મતે સાટાપ્રથાને કારણે અનેક મહિલાઓનાં આકસ્મિક મોતના કેસો વધ્યા છે, અને તેમાંથી ઘણા કિસ્સાઓ ક્યારેય રિપોર્ટ થતા નથી.
તેઓ કહે છે, "એક ક્ષણ માટે કલ્પના કરો— જો ચંદ્રિકાને સાટાપ્રથા મુજબ લગ્ન કરવા માટે બળજબરી ન કરવામાં આવી હોત, તો પોલીસ તપાસમાં જે સામે આવ્યું છે એ પ્રમાણે તેમની હત્યા ન થઈ હોત."
શું 'સાટાપ્રથા' પાછળનું મુખ્ય કારણ સેક્સ રેશિયો છે?

ઇમેજ સ્રોત, Bharat Rajput
શું 'સાટાપ્રથા' પાછળનું મુખ્ય કારણ સેક્સ રેશિયો છે?
સામાજશાસ્ત્રીઓ અને કાર્યકરોની માન્યતા પ્રમાણે તેનો જવાબ 'હા' છે .
ભારત સરકારની 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના અંતર્ગત 2021ના ચાઇલ્ડ સેક્સ રેશિયો આંકડા અનુસાર, ગુજરાતનો સેક્સ રેશિયો 955 છે — જે નૅશનલ ફૅમિલી હેલ્થ સરવે-5 મુજબ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે.
જોકે, વસતી ગણતરી 2011 પ્રમાણે ગુજરાતમાં સેક્સ રેશિયો 890 હતો. એટલે કે 2011ની વસતી ગણતરી અનુસાર દર 1,000 પુરુષોએ મહિલાઓની સંખ્યા 890 હતી.
તેમાં મહેસાણા સૌથી ઓછા સેક્સ રેશિયો 801 પરથી 2011માંં વધીને 842 થયો, ગાંધીનગરમાં 816 પરથી વધીને 847 થયો અને બનાસકાંઠાનો રેશિયો 2001ની વસતી ગણતરી પ્રમાણે 907 પરથી 2011માં ઘટીને 898 થયો હતો.
શું કહે છે પોલીસ 'સાટાપ્રથા' વિશે?

ઇમેજ સ્રોત, Bharat Rajput
ચંદ્રિકાની હત્યાની તપાસ કરનારા પોલીસ ઇન્સ્પેક્ટર એ. ટી. પટેલ સાથે બીબીસી ગુજરાતીએ જ્યારે વાત કરી ત્યારે તેમણે આ જિલ્લામાં થતાં લગ્નોમાં સાટાપ્રથા સામાન્ય બાબત હોવાનું જણાવ્યું.
તેમણે કહ્યું, "આ વિસ્તારમાં સાટાપ્રથા નવી વાત નથી. આ કિસ્સામાં છોકરી સાટાપ્રથા મુજબ લગ્ન કરવા ઇચ્છતી નહોતી અને જે યુવાન સાથે તેનાં લગ્ન નક્કી થયાં હતાં તે પરિવારને ગમતો ન હતો, તેથી આ ઘટના બની છે."
તેઓ વધુમાં જણાવે છે કે આ ગુનામાં 'સાટાપ્રથા' પણ મુખ્ય કારણોમાંનું એક છે. પરિવાર જ્યાં યુવતીનાં સાથે લગ્ન કરાવવા ઇચ્છતો હતો ત્યાં લગ્ન કરવા માટે યુવતી તૈયાર ન હોવાથી તેમના પિતરાઈ ભાઈનાં લગ્ન પણ અટકી રહ્યાં હતાં.
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પરિવાર ઇચ્છતો હતો કે ચંદ્રિકા સમાજના 'ગોળ' (સમાજના પેટાવર્ગ)માં જ લગ્ન કરે. એટલા માટે જ સાટાપ્રથા મુજબ તેમનાં લગ્ન નક્કી કરવામાં આવ્યાં હતાં.
પોલીસે ચાર્જશીમાં આરોપો સામે શું વિગતો મૂકી છે?

ઇમેજ સ્રોત, Bharat Rajput
બનાસકાંઠાની કોર્ટમાં જમા કરાવેલી ચાર્જશીટ મુજબ ચાર મુખ્ય મુદ્દા ચંદ્રિકા ચૌધરીની હત્યાની પુષ્ટિ કરે છે.
તેમણે ઇન્સ્ટાગ્રામની મૅસેજ ઍપ પરથી પોતાના મિત્ર અને લિવ-ઇન પાર્ટનર હરેશ ચૌધરીને મૅસેજ કર્યો હતો કે પરિવારજનો તેમને મારી નાખશે. પોલીસે તેને ડાઇંગ ડિક્લેરેશન સમાન ગણ્યું છે.
પોલીસે ચંદ્રિકા ચૌધરીના પિતા શેદાભાઈ દરગાભાઈ, કાકા શિવરામભાઈ દરગાભાઈ અને સંબંધીઓ નારણભાઈ સવાભાઈ સામે આરોપનામું રજૂ કર્યું છે.
પરિવારજનોએ નિવેદન આપ્યું કે તેઓ 24 જૂન 2025ની રાત્રે 8 વાગ્યે સૂઈ ગયા હતા, પરંતુ તપાસમાં તેમના મોબાઇલ આખી રાત ચાલુ હોવાનું બહાર આવ્યું.
જ્યાં ચંદ્રિકાબહેનનો મૃતદેહ મળ્યો ત્યાં FSL રિપોર્ટ મુજબ અન્ય લોકોની હાજરીના પુરાવા મળ્યા.
પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ અનુસાર, પરિવારજનો કોઈને જાણ કર્યા વગર અંતિમવિધિ કરી નાખી અને મરણદાખલો કાઢાવવા માટે ખોટું નિવેદન આપ્યું કે મૃત્યુ કુદરતી હતું.
ચંદ્રિકા હરેશ ચૌધરી સાથે લિવ-ઇન રિલેશનમાં રહેતાં હતાં. તેમના મૃત્યુ બાદ હરેશ ચૌધરીએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ પિટિશન દાખલ કરી.
હરેશ ચૌધરીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "મને ત્યારે જ શંકા આવી ગઈ જ્યારે તેમણે ઉતાવળમાં અંતિમવિધિ કરી અને તેમના સગાભાઈની પણ રાહ ન જોઈ."
આ તમામ આરોપોને બાબતે ચંદ્રિકાના પરિવારજનોનો પક્ષ જાણવા માટે બીબીસીએ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે વાત કરવાનો ઇન્કાર કર્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












