કુતુબુદ્દીન બખ્તિયાર કાકી : એ સૂફી, જેમણે ભારતમાં કવ્વાલીને ઘરેઘરે ગૂંજતી કરી

ખ્વાજા કુતુબુદ્દીન બખ્તિયાર કાકીની મજાર
ઇમેજ કૅપ્શન, ખ્વાજા કુતુબુદ્દીન બખ્તિયાર કાકીની મજાર
    • લેેખક, મિર્ઝા એબી બેગ
    • પદ, બીબીસી ઉર્દૂ, નવી દિલ્હી

લગભગ 225 વર્ષ પહેલાંની આ વાત છે – જ્યારે મુઘલ રાજધાની માત્ર એક અઠવાડિયા માટે દિલ્હીના લાલ કિલ્લાથી લગભગ 20 કિલોમીટર દૂર દક્ષિણ વિસ્તારમાં મહરૌલી લઈ જવામાં આવી હતી.

મહરૌલીને રાજધાની બનાવવાની ઉજવણીના ભાગરૂપે ત્યાંના આંબાના બગીચા નાચી ઊઠ્યા, મરઘાની લડાઈ થઈ, આખલા-યુદ્ધ પર શરતો લાગી, પતંગબાજી થઈ, કુસ્તી અને તરણ સ્પર્ધાઓ થઈ અને ઉત્સવ અને મનોરંજનના વાતાવરણમાં એક સૂફી બુઝુર્ગની મજાર પર ફૂલોની ચાદર પણ ચડાવવામાં આવી.

મહરૌલીમાં યોજાયેલો આ ઉત્સવ હકીકતમાં અકબરશાહ દ્વિતીય (1808-1837)ના પુત્ર મિર્ઝા જહાંગીર કેદમાંથી છૂટ્યા તેની ખુશીમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

અકબરશાહ દ્વિતીયનાં પત્ની મુમતાઝ મહલ મોટા પુત્ર સિરાઝુદ્દીન ઝફર (જે પછીથી બહાદુરશાહ ઝફરના નામે ગાદીએ બેઠા અને અંતિમ મુઘલ બાદશાહ બન્યા)ના બદલે પોતાના વચેટ પુત્ર મિર્ઝા જહાંગીરને સિંહાસન પર બેસાડવા માગતાં હતાં.

મુમતાઝ મહલની આ ઇચ્છાના કારણે અકબરશાહ દ્વિતીયે વચેટ પુત્ર મિર્ઝા જહાંગીરને પોતાના ઉત્તરાધિકારી જાહેર કરી દીધા, પરંતુ આ નિર્ણય અંગ્રેજ રેસિડન્ટને મંજૂર નહોતો.

મહરૌલીનો ઉત્સવ અને મિર્ઝા જહાંગીર

બખ્તિયાર કાકી, મજાર, બીબીસી

ભારતમાં એ વખતે કહેવા ખાતર મુઘલ બાદશાહોની સરકાર હતી, પરંતુ હકીકતમાં કંપની સરકારના જ હુકમ ચાલતા હતા.

મિર્ઝા જહાંગીરને ઉત્તરાધિકારી જાહેર કરવાની બાબતમાં અકબરશાહ દ્વિતીય અને અંગ્રેજ રેસિડન્ટ વચ્ચે બોલાચાલી થઈ ગઈ.

એ દરમિયાન શાહજાદા મિર્ઝા જહાંગીરે અંગ્રેજ રેસિડન્ટ પર તમંચો (પિસ્તોલ) તાકીને ગોળી છોડી દીધી.

જોકે, અંગ્રેજી રેસિડન્ટ અર્ચિબાલ્ડ સેટન એ ગાળીબારમાં બચી ગયા, પરંતુ આ ગુનામાં જહાંગીરને પકડી લીધા અને દિલ્હીથી અલાહાબાદ મોકલી દેવાયા.

મિર્ઝા ફરહતુલ્લાહ બેગ પોતાના પુસ્તક 'ફૂલ વાલોં કી સૈર'માં લખે છે કે, માતા મુમતાઝે શાહજાદા જહાંગીરની જેલમુક્તિ માટે મહરૌલીસ્થિત ખ્વાજા કુતુબુદ્દીન બખ્તિયાર કાકીની મજારની માનતા માની હતી કે તેમનો પુત્ર છૂટી જશે તો તેઓ તેમની કબર પર ફૂલોની ચાદર ચડાવશે.

આખરે, શાહજાદા જહાંગીરને છોડી મુકાયા એટલે બખ્તિયાર કાકીની દરગાહની માનતા પૂરી કરવા માટે મહરૌલીમાં એક અઠવાડિયા સુધી આ ઉત્સવનું આયોજન કરાયું.

સાત દિવસ સુધી ઉત્સવનું વાતાવરણ રહ્યું અને સામાન્ય લોકો તેનાથી એટલા ખુશ થયા કે આ એક પરંપરા બની ગઈ અને તેની દર વર્ષે ઉજવણી થવા લાગી.

એટલે સુધી કે બહાદુરશાહ ઝફરે ઈ.સ. 1857ના વિપ્લવ દરમિયાન પણ આ ઉત્સવ ઊજવ્યો હતો. જોકે, એ મુઘલકાળનો અંતિમ ઉત્સવ સાબિત થયો.

સૂફી પરંપરા અને બખ્તિયાર કાકી

સુફી પરંપરા, ઇસ્લામ, ઉત્સવ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Preeti mann/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇસ્લામી દુનિયા, ખાસ કરીને ભારતમાં સૂફીવાદના નિષ્ણાત અને દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર સૈયદ ઝહીર હુસૈન જાફરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મિર્ઝા જહાંગીરની જેલમુક્તિ થતાં મહરૌલીમાં ઉજવાયેલો આ ઉત્સવ બખ્તિયાર કાકીના મૃત્યુનાં લગભગ 600 વર્ષ પછીની ઘટના છે. તેનાથી તેમની લોકપ્રિયતાનો અંદાજ આવી શકે છે અને તેમની મજાર પર આ પરંપરા આજે પણ ચાલુ છે."

આ ઉત્સવને 'સૈર-એ-ગુલફરોશાં' એટલે કે 'ફૂલવાળાનું જુલૂસ' નામ આપવામાં આવ્યું.

જોકે, 1942માં સરકારી સંરક્ષણમાં તેનું આયોજન બંધ થઈ ગયું, પરંતુ આ પરંપરા સતત, આજે પણ ચાલુ છે.

પ્રોફેસર સૈયદ ઝહીર હુસૈન જાફરીએ જણાવ્યું કે આ ઉત્સવ દરમિયાન બખ્તિયાર કાકીની દરગાહના રસ્તે આવેલા 'યોગમાયા' મંદિર પર ફૂલોનો પંખો પણ ચડાવવામાં આવ્યો, જે તેને ભારતની હિંદુ-મુસ્લિમ સંયુક્ત સંસ્કૃતિનું પ્રતીક બનાવે છે.

પ્રોફેસર જાફરીએ કહ્યું કે, "સરકારના પ્રતિબંધો હોવા છતાં, સામાન્ય લોકોની શ્રદ્ધા અને તેમની યાદોએ તેમને [લોકોને] એ દરગાહો સાથે જોડી રાખ્યા છે."

જામિયા મિલિયા ઇસ્લામિયામાં ઇસ્લામિક સ્ટડીઝ વિભાગના પૂર્વ વડા પ્રોફેસર અખ્તરુલ વાસેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારતમાં ત્રણ પ્રકારે ઇસ્લામ આવ્યો.

પહેલો, વેપાર દ્વારા; જેની શરૂઆત દક્ષિણ ભારતમાં થઈ.

બીજો, સૈનિક અભિયાનો દ્વારા; જે મહમૂદ ગઝની અને મહમદ ઘોરી જેવા આક્રમણકારોરૂપે જોવા મળ્યો.

ત્રીજો, સૂફીઓ અને વલી અલ્લાહ (સૂફીસંતો) દ્વારા.

અને આ જ ત્રીજા પ્રકારની એક કડી બખ્તિયાર કાકી છે, જેમણે દિલ્હીની આસપાસ આવેલા એક ગામને પોતાનું રહેઠાણ બનાવ્યું, જે હવે મહરૌલી કહેવાય છે.

સુફી પરંપરા, ઇસ્લામ, ઉત્સવ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Preeti mann/BBC

ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ઇતિહાસના શિક્ષક અને ઑક્સફર્ડ સેન્ટર ફૉર ઇસ્લામિક સ્ટડીઝના ફેલો મોઈન અહમદ નિઝામીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, એ એક સમય હતો, જ્યારે ઉલેમા અને સૂફી ભારતમાં આવ્યા, જે મહત્ત્વનાં શહેરોના બદલે ગામડાંમાં જઈને રોકાતા હતા. "અહીંથી તેઓ સામાન્ય લોકોના સંપર્કમાં આવ્યા. ઇસ્લામના પ્રચાર-પ્રસારમાં તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે."

જોકે, આ સૂફીઓએ બાદશાહોથી અંતર જાળવી રાખ્યું, પરંતુ બખ્તિયાર કાકી દિલ્હીના બીજા બાદશાહ સુલતાન ઇલ્તુતમિશ (અલ્તમશ)ને ખૂબ મહત્ત્વ આપતા હતા. સુલતાને જ તેમને શૈખુલ ઇસ્લામની ઉપાધિ આપી હતી, જોકે, બખ્તિયાર કાકીએ આ બિરુદ સ્વીકાર્યું નહોતું.

પરંતુ, તેમના પછીના સમયમાં તેમને 'કુતુબ અલ-અકતાબ' એટલે કે 'કુતુબોના કુતુબ' (સંતોના સંત) ઠરાવી દેવાયા. મોઇન અહમદ નિઝામી અનુસાર, તેમને એવું સૌભાગ્ય મળ્યું હતું કે તેમણે પોતાના સમયના ત્રણ મોટા સૂફીઓ શેખ અબ્દુલ કાદિર જીલાની અને શહાબુદ્દીન સુહરવર્દી પાસેથી આશીર્વાદ અને જ્ઞાન મેળવ્યાં. સાથે જ સમરકંદમાં મોઇનુદ્દીન સંજરી (ચિશ્તી)ને પણ મળ્યા અને તેમના સમૂહમાં જોડાયા.

મોઇન અહમદ નિઝામી અનુસાર, બખ્તિયાર કાકીને મોઇનુદ્દીન સંજરી (ચિશ્તી) દ્વારા ખિર્કા-એ-ખિલાફત સોંપવામાં આવ્યું (ખિર્કા એક સામાન્ય કપડું હોય છે, જે આપીને કોઈ સૂફી પોતાના ઉત્તરાધિકારીને માન્યતા આપે છે). ત્યાર પછી તેમને દિલ્હી તરફ જવાનું કહેવામાં આવ્યું.

બખ્તિયાર કાકી મધ્ય-પૂર્વમાં ફરગના ઘાટીના ઓશ (જે હવે કિર્ગિસ્તાનમાં છે)થી ચાલીને ભારત પહોંચ્યા હતા. અબુલ ફઝલની રચના 'આઈના-એ-અકબરી' અનુસાર તેમના પિતાનું નામ સૈયદ કમાલુદ્દીન મૂસા અલ-હુસૈની હતું.

તેમનું સાચું નામ બખ્તિયાર હતું, પરંતુ તેમનાં શિક્ષણ, દીક્ષા અને શ્રેષ્ઠતાના કારણે તેમને કુતુબુદ્દીનની ઉપાધિ અપાઈ. તેમની વંશાવળી મૂસા અલ-કાઝિમ, જાફર અલ-સાદિક અને મોહમ્મદ અલ-બાકરથી શરૂ થઈને ઇમામ જૈનુલ આબેદીન બિન હુસૈન અને પછી હઝરત અલી સુધી પહોંચે છે.

કહેવાય છે કે જ્યારે સૂફી દરવેશ [સંત] મોઇનુદ્દીન ચિશ્તી 'ઓશ'માંથી પસાર થયા ત્યારે તેમણે બખ્તિયાર કાકીને દિલ્હી જવાનો આદેશ આપ્યો અને જણાવ્યું કે તેમનાં શિક્ષણ-દીક્ષાનો પ્રકાશ ત્યાં ફેલાવવાનો છે.

નોંધવું જોઈએ કે, બખ્તિયાર કાકી હઝરત મોઇનુદ્દીન ચિશ્તીના પહેલા ખલીફા [પ્રતિનિધિ/ ઉત્તરાધિકારી] હતા.

કુતુબુદ્દીન બખ્તિયારને 'કાકી' શા માટે કહેવામાં આવે છે?

કુતુબુદ્દીન બખ્તિયાર, મજાર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇતિહાસકારો અનુસાર, તેમને તેમના 'ચમત્કાર અને સિદ્ધિ'ના કારણે આ ઉપાધિ આપવામાં આવી.

સૂફીઓનું જીવન ખૂબ સરળ રહેતું હતું અને ગરીબી-તંગી તેમની પરંપરાનો ભાગ મનાતી હતી. આ જ સ્થિતિ કુતુબુદ્દીન બખ્તિયારની પણ હતી.

ઐતિહાસિક વિવરણો જણાવે છે કે, જ્યારે તેમના ઘરમાં ભૂખ્યા સૂવાની સ્થિતિ આવી, ત્યારે તેમનાં પત્ની તેમના કહેવાથી પડોશના નાન બાઈ (રોટલી બનાવનાર) પાસેથી ઉધાર-ઉછીનું લેતાં હતાં.

પરંતુ એક દિવસ બખ્તિયાર કાકીએ પોતાનાં પત્નીને ઉધાર લેવાની ના પાડી દીધી.

એટલે તેમનાં પત્નીએ પૂછ્યું, "તો પછી આપણે ખાઈશું કેવી રીતે?" બખ્તિયાર કાકીએ જવાબ આપ્યો કે, જ્યારે જરૂર પડે, ઘરના ફલાણા ખૂણામાં જઈને 'કાક' લેતાં રહેજો. એક પ્રકારની રોટલીને કાક કહેવામાં આવતી હતી.

ત્યાર પછી જ્યારે પણ તેમનાં પત્નીને ભોજનની જરૂરિયાત અનુભવાતી ત્યારે તેઓ ઘરના એ ખૂણામાં જતાં, જ્યાં પહેલાંથી જ રોટલી હતી.

પડોશમાં રહેતા નાન બાઈએ જોયું કે ઘણા દિવસોથી ખ્વાજાના ઘરેથી ન તો કશું ઉધાર લેવાયું છે અને ન તો રોટલી. તેમને લાગ્યું કે ક્યાંક ખ્વાજા તેમનાથી નારાજ તો નથી થઈ ગયા! એ જાણવા માટે તેમણે પોતાનાં પત્નીને ખબરઅંતર પૂછવા ખ્વાજા બખ્તિયારના ઘરે મોકલ્યાં.

જ્યારે નાન બાઈનાં પત્નીએ ખ્વાજા બખ્તિયારનાં પત્નીને રોટલી અને ઉધાર ન લેવાનું કારણ પૂછ્યું ત્યારે ખ્વાજાનાં પત્નીએ તેમને આ રહસ્ય જણાવી દીધું.

કહેવાય છે કે એ દિવસ પછી ઘરના ખૂણામાંથી 'કાક' મળવાની બંધ થઈ ગઈ, પરંતુ બધી દિશામાં તેમના ચમત્કારની ચર્ચા થવા લાગી અને તેઓ 'કાકી' તરીકે જાણીતા થયા.

પ્રોફેસર જાફરી કહે છે કે, "સૂફીઓ અને વલીઓની સાથે ચમત્કારો જોડાઈ જવા એ લોકકથાઓનો ભાગ છે, પરંતુ ગંભીર ઇતિહાસકારોનાં પુસ્તકોમાં તેનો ઉલ્લેખ નથી મળતો.

તેમણે મધ્યકાળના જાણીતા ઇતિહાસકાર ઝિયા ઉદ્દીન બર્નીનું ઉદાહરણ આપતાં કહ્યું કે તેમણે દિલ્હીના શેખ હઝરત નિઝામુદ્દીન વિશે વિસ્તારથી લખ્યું છે.

બર્ની જણાવે છે કે દરેક ધર્મ અને સમુદાયના લોકો તેમના તરફ આકર્ષાતા હતા, પરંતુ કોઈ ચમત્કારનો ઉલ્લેખ નથી કર્યો."

મોઇન અહમદ નિઝામી અનુસાર, "ભારતમાં આ દરગાહ એટલા માટે જાણીતી થઈ, કેમ કે અહીં લોકોનાં દુઃખ-દર્દ દૂર કરાતાં હતાં, તેમને ભોજન મળતું હતું અને દરેક પ્રકારના લોકો માટે રહેવાની વ્યવસ્થા હતી.

ભારતમાં આ પરંપરા આવા જ સૂફીસંતો દ્વારા સફળ થઈ અને તેમની સેવાભાવનાથી લોકોનાં મનમાં તેમના માટે શ્રદ્ધા જન્મી.

જોકે, બખ્તિયાર કાકીને પોતાના જીવનમાં સુલતાન ઇલ્તુતમિશ દ્વારા સન્માન મળ્યું, જ્યારે લોદી અને મુઘલ સુલતાનોએ પણ તેમને શ્રદ્ધાથી જોયા.

કહેવાય છે કે સુલતાન ઇલ્તુતમિશ એક યુદ્ધમાંથી પાછા ફર્યા પછી આરામ કરવાના બદલે પોતાના પીર-ઓ-મુર્શિદ કુતુબુદ્દીન બખ્તિયાર કાકીનાં દર્શન માટે જતા રહ્યા, જેથી તેઓ તેમના પ્રત્યેની પોતાની શ્રદ્ધા દર્શાવી શકે.

તેમણે તેમના સન્માનમાં જ દિલ્હીમાં કુતુબમિનાર બનાવડાવ્યો. જોકે, કેટલાક ઇતિહાસકારો માને છે કે એ સુલતાન કુતુબુદ્દીન ઐબકના નામ પર છે, જેમણે તેના નિર્માણની શરૂઆત કરી હતી.

મહરૌલીમાં રહેતા અને જેએનયુમાંથી પીએચ.ડી. કરનાર મોહમ્મદ હયાત જણાવે છે કે, છેલ્લા મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરે ત્યાં જ પોતાની કબર માટે જગ્યા નક્કી કરી હતી.

આજે પણ ત્યાં 'ઝફરમહલ' છે. તેમણે બીબીસીને એક તસવીર બતાવતાં કહ્યું કે, આ એ જ જગ્યા છે, જ્યાં બહાદુરશાહ ઝફર દફન થવા માગતા હતા.

ગાંધી, નહેરુ અને ફૂલવાળાનું જુલૂસ

મહાત્મા ગાંધી, નહેરુ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, National Gandhi Museum

'ધ હિંદુ'ના એક રિપોર્ટ અનુસાર, 1947માં ભારતના ભાગલા દરમિયાન તોફાનીઓએ બખ્તિયાર કાકીની મજારનો અનાદર કર્યો, તેની જાળીઓને તોડવામાં આવી અને મહરૌલીમાં મોટા પ્રમાણમાં કત્લેઆમ થઈ.

તે સમયે મહાત્મા ગાંધીએ ભૂખ હડતાળ કરીને માગણી કરી હતી કે દરગાહને ઉર્સ માટે યોગ્ય સમયે સારી સ્થિતિમાં લાવી દેવાય અને 72 કલાકમાં મજારનું સમારકામ કરાવવામાં આવે.

મૌલાના અબુલ કલામ આઝાદે પોતાના પુસ્તક 'ઇન્ડિયા વિન્સ ફ્રીડમ'માં તેનો ઉલ્લેખ કર્યો છે.

તેમણે લખ્યું કે, 1948માં જ્યારે ગાંધીજીએ દિલ્હીમાં કોમી રમખાણો અને હિંસાને કાયમી ધોરણે ખતમ કરવાની માગણી સાથે પોતાની અંતિમ ભૂખ હડતાળ શરૂ કરી, ત્યારે બધા સમુદાયોના નેતાઓએ તેમના પર ઉપવાસ તોડવાનું દબાણ કર્યું.

ગાંધીજીએ ભૂખ હડતાળ સમાપ્ત કરવા માટે છ શરતો મૂકી, જેમાંની એક એ હતી કે હિંદુઓ અને શીખો પ્રાયશ્ચિત્ત સ્વરૂપે ખ્વાજા બખ્તિયાર કાકીની મજારનું સમારકામ કરાવે, જેને રમખાણોમાં નુકસાન થયું છે.

જ્યારે મહાત્મા ગાંધીએ ખ્વાજા કાકીના વાર્ષિક ઉર્સના અવસરે તેમની મજારની ઝિયારત કરી, ત્યારે તેમની સાથે એક મોટું ટોળું હતું.

ત્યાર પછી ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ 'ફૂલવાળાનું જુલૂસ'ની પરંપરા ફરીથી શરૂ કરી.

મોહમ્મદ હયાત જણાવે છે કે હવે એ સાતના બદલે ત્રણ દિવસનો ઉત્સવ છે, જેમાં ખ્વાજા બખ્તિયાર કાકીની મજાર પર ફૂલોની ચાદર ચડાવવામાં આવે છે અને નજીક આવેલા મંદિરમાં પંખા ચડાવવામાં આવે છે.

બખ્તિયાર કાકી, મજાર, બીબીસી

કહેવાય છે કે ખ્વાજા બખ્તિયાર કાકી ભારતમાં કવ્વાલીની કલા લાવનાર પહેલા શેખ હતા. તેમણે અહીં સમા (સૂફી નૃત્ય)ની પરંપરા શરૂ કરી, જે ત્યાર પછી ચિશ્તી પરંપરામાં સામાન્ય થઈ ગઈ.

મોઇનુદ્દીન નિઝામી જણાવે છે કે, ખ્વાજા બખ્તિયાર કાકીના જન્મ અને ઉછેર ઓશમાં થયા હતા, જે હલ્લાજી સૂફી પરંપરાનું કેન્દ્ર હતું.

ખ્વાજા કાકી સમાની મહેફિલોના ખૂબ શોખીન હતા. તેઓ આ પરંપરાને ભારત લઈ આવ્યા અને પોતે પણ ખૂબ રસપૂર્વક તેમાં સામેલ થતા હતા.

તેઓ પોતે એક શાયર હતા અને તેમની રચનાઓનો સંગ્રહ પણ ઉપલબ્ધ છે. એક દિવસ તેમની પાસે અહમદ જામી નામના શાયરે એક શેર વાંચ્યો, ત્યાર પછી તેમના પર એવી અસર થઈ કે તેઓ મદહોશ [સમાધિ લાગી જવી] થઈ ગયા કે તેઓ ચાર દિવસ સુધી સમાની હાલતમાં રહ્યા અને એ જ સ્થિતિમાં તેમનું મૃત્યુ થઈ ગયું.

તેઓ આ શેર બોલતા અને ઝૂમતા રહેતા : કુસ્તગાન-એ-ખંજર-એ-તસ્લીમ રા/ હર જમાં અજ ગૈબ જાન-એ-દિગર અસ્ત (તે લોકો, જે અલ્લાહના માર્ગે ખુશીથી કુરબાન થાય છે, તેઓ દરેક જમાનામાં બીજી દુનિયામાંથી નવું જીવન મેળવે છે).

તેમની મજાર મહરૌલીમાં ઝફરમહલને અડીને આવેલા કુતુબમિનારની પાસે છે. મહરૌલીને કેટલાક લોકો 'મેહર-એ-વલી' પણ કહે છે, એટલે કે એ વિસ્તાર જ્યાં સંતોનાં આશીર્વાદ અને દયા વરસતાં હોય.

ઉર્સ ઉપરાંત અહીં એક મોટો સમારંભ 'સૈર-એ-ગુલફરોશાં' (ફૂલવાળાનું જુલૂસ) પણ થાય છે.

જવાહરલાલ નહેરુના પ્રોત્સાહનથી 1962માં આ ઉત્સવ ફરીથી શરૂ કરવામાં આવ્યો. ત્યારથી આ પરંપરા સતત ચાલુ છે.

હવે ઘણાં રાજ્યો તરફથી આ પ્રસંગે મજાર પર ફૂલોની ચાદર અને મંદિરે પંખા ચડાવવામાં આવે છે. આ સ્થળ બધા ધર્મો માટે આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં બીજા ઘણા સૂફીસંતો અને શેખોની કબરો પણ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન