રાજકારણના એ 'ચાણક્ય', જેમણે નહેરુની સભા માટે રાતોરાત ખેતરમાં ઊભો પાક કાપીને જગ્યા આપી દીધી

ઇમેજ સ્રોત, CPIM/getty
- લેેખક, રાજવીરકોર ગીલ
- પદ, બીબીસી સંવાદદાતા
"કૉમરેડ સુરજિત આજીવન એક કાર્યકર રહ્યા, જે દિલથી ખેડૂત હતા."
ડી. રાજાએ પોતાના દીર્ઘકાલીન રાજકીય સહયોગી હરકિશનસિંહ સુરજિતને યાદ કરતાં કહ્યું, "તેમની સાથે વિતાવેલી દરેક ક્ષણ મારા જીવનની એક ઐતિહાસિક પળ હતી, એક અદ્ભુત યાદગાર પળ."
ડી. રાજા સીપીઆઇઆઇના વર્તમાન મહાસચિવ છે.
હરકિશનસિંહ સુરજિતને તીક્ષ્ણ રાજદ્વારી કુનેહ ધરાવતા રાજકારણી, ભારતીય ઇતિહાસમાં ગઠબંધન સરકારો બનાવવાના પ્રણેતા અને કોઈ પણ પક્ષને સાથે લાવવાની શક્તિ ધરાવતા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે.
ઘણા રાજકીય નિષ્ણાતો તેમને ભારતીય રાજકારણના 'ચાણક્ય' કહે છે અને પાર્ટીમાં તેમના સહયોગી વચ્ચે હરકિશનસિંહ 'કૉમરેડ સુરજિત'ના નામથી ઓળખાતા હતા.
ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઇ)ના રાષ્ટ્રીય નેતા રહેલા હરકિશનસિંહ સુરજિત 7 દાયકાથી વધારે સમય સુધી રાજકીય રીતે સક્રિય રહ્યા.
1964માં જ્યારે પાર્ટીના સીપીઆઇ અને સીપીઆઇ (માર્ક્સવાદી) એમ બે ભાગ પડ્યા, ત્યારે તેઓ માર્ક્સની વિચારધારાની પસંદગી કરીને સીપીઆઇ (એમ)માં જોડાયા.
1 ઑગસ્ટ, 2008એ 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનાર હરકિશનસિંહ સુરજિત દુનિયાના રાજકીય નકશા પર પોતાની અમીટ છાપ છોડી ગયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભગતસિંહનો પ્રભાવ અને દૃઢ સંકલ્પ

ઇમેજ સ્રોત, CPIM
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પંજાબના જાલંધર જિલ્લાના નાનકડા ગામ બડાલામાં 23 માર્ચ,1916ના રોજ જન્મેલા હરકિશનસિંહ સુરજિત ભગતસિંહના જીવનકાર્યથી પ્રેરાઈને રાજકીય રીતે જાગૃત અને સક્રિય થયા.
ત્યાર પછી તેમણે પોતાના જીવનના નવ દાયકામાંથી સાત કરતાં વધુ દાયકાનો સમય રાજકારણ અને સામાજિક સંઘર્ષોનાં કાર્યોને સમર્પિત કરી દીધો.
સીપીઆઇએમ પંજાબના રાજ્ય સચિવ સુખવિંદરસિંહ સેખોં 1980ની આસપાસ હરકિશનસિંહ સુરજિતના સંપર્કમાં આવ્યા હતા.
તેઓ જણાવે છે, "23 માર્ચ 1932 શહીદ ભગતસિંહનો પહેલો શહીદી દિવસ હતો. ત્યારે હોશિયારપુર કૉંગ્રેસ કમિટીએ હોશિયારપુર કચેરી પર કૉંગ્રેસનો ઝંડો ફરકાવવાની ઘોષણા કરી હતી."
"જ્યારે વહીવટી તંત્રે સેના બોલાવી, ત્યારે કૉંગ્રેસે પોતાનો કાર્યક્રમ રદ કરી દીધો. હરકિશનસિંહ સુરજિત પાર્ટીના આ નિર્ણયથી ખુશ નહોતા અને તેમણે પોતે જ ખૂબ ઝડપથી હોશિયારપુર કચેરી પરથી યુનિયન જૅક ઉતારી નાખ્યો અને કૉંગ્રેસનો ઝંડો ફરકાવી દીધો."
"સુરજિત તે વખતે માત્ર 16 વર્ષના હતા અને પોલીસે તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા. ધરપકડ પછી સુરજિતે પોતાનું નામ 'લંડન તોડ સિંહ' જણાવ્યું હતું."
સેખોંનું કહેવું છે કે આ ઘટનાના લીધે હરકિશનસિંહ સુરજિતનો અભ્યાસ પણ અધૂરો રહી ગયો. તેમણે દસમા ધોરણનાં પ્રૅક્ટિકલ પેપરો તો આપી દીધાં હતાં, પરંતુ થીઅરીની પરીક્ષા ન આપી શક્યા.
"જોકે અંગ્રેજી, પંજાબી, હિન્દી અને ઉર્દૂ ભાષાઓમાં નિપુણ હરકિશનસિંહ સુરજિતે પછીથી 'ચિંગારી' નામનું એક માસિક સમાચારપત્ર પણ પ્રકાશિત કર્યું.

ઇમેજ સ્રોત, CPIM
સીપીઆઇએમની વેબસાઇટ અનુસાર, જેલમાંથી છૂટ્યા પછી હરકિશનસિંહ સુરજિત પંજાબના અગ્રણી કૉમ્યુનિસ્ટ નેતાઓના સંપર્કમાં આવ્યા અને 1934માં કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાઈ ગયા. 1935માં તેઓ કૉંગ્રેસ સોશિયલિસ્ટ પાર્ટીના સભ્ય બની ગયા.
બીજા વિશ્વયુદ્ધના સમયે તેઓ અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા હતા અને 1940માં તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી.
સીપીઆઇએમની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, પાર્ટીના અન્ય સંસ્થાપક નેતાઓની સાથે સુરજિતને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
તેમણે 10 વર્ષ જેલમાં વિતાવ્યાં. જેમાંથી 8 વર્ષ આઝાદીની પહેલાંનાં હતાં. તેઓ 8 વર્ષ અજ્ઞાતવાસમાં રહ્યા હતા.
સુરજિત અને પ્રીતમનો પ્રેમસંબંધ

ઇમેજ સ્રોત, Pritam Kaur
હરકિશનસિંહ સુરજિતના તેમનાં પત્ની પ્રીતમકોર સાથેના સંબંધો વિશે ડી. રાજા ખૂબ જ આશ્ચર્ય સાથે જણાવે છે.
તેઓ કહે છે, "કૉમરેડ સુરજિત અને પ્રીતમ વચ્ચેના પ્રેમસંબંધ વિશે કોઈ પણ આસાનીથી અનુમાન કરી શકે છે."
"હું તમિળ છું અને પ્રીતમકોર માત્ર પંજાબી અથવા તો થોડીઘણી હિન્દી ભાષા જાણતાં હતાં. હું વર્ષો સુધી તેમના ઘરે જતોઆવતો રહ્યો, પરંતુ અમે ક્યારેય વાત નથી કરી. જ્યારે હું દરવાજામાં દાખલ થતો, ત્યારે તેઓ હસીને આવકાર આપતાં હતાં."
"કૉમરેડ સાથે અમે કલાકો સુધી અંગ્રેજીમાં વાતો કરતા, રાજકીય ચર્ચાઓ ચાલતી રહેતી અને પ્રીતમકોર, કૉમરેડ સુરજિતની વ્યસ્તતાઓથી ક્યારેય થાકતાં–કંટાળતાં નહોતાં; બલકે, તેઓ હસતા ચહેરે અમને સહજ બેસવાની મંજૂરી આપતાં હતાં."
"એ બંને વચ્ચેની વાતચીતને હું ક્યારેય સમજી નથી શક્યો, પરંતુ એકબીજાંની સાથે બંનેના ખુશ ચહેરા અને જે પ્રકારે તેમણે એકબીજાંનાં કામને મહત્ત્વ અને માન્યતા આપ્યાં, તેનાથી બંને વચ્ચેનો પ્રેમ ઉજાગર થતો હતો."
"અમે બધા સહકર્મીઓએ એ બંનેની ઉદારતાનો ભરપૂર આનંદ ઉઠાવ્યો. વાસ્તવમાં, બંનેએ પોતાનું જીવન સામાજિક નિસબતને સમર્પિત કરી દીધું હતું."
ગઠબંધન સરકારો બનાવવાની શક્તિ ધરાવતા નેતા

ઇમેજ સ્રોત, Getty Images
હરકિશનસિંહ સુરજિતને ગઠબંધન રાજકારણના અગ્રણી અને નિષ્ણાત તરીકે પણ ઓળખવામાં આવે છે.
ડી. રાજાનું કહેવું છે કે 1989, 1996 અને 2004માં કેન્દ્રમાં જુદા જુદા પક્ષોની ગઠબંધન સરકારો બનાવવામાં હરકિશનસિંહ સુરજિતે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
"સુરજિત રાજનેતાઓને એક સમાન બિંદુ પર લાવવાની રીત જાણતા હતા."
તેઓ કહે છે, "કૉમરેડની રાજકીય કુનેહનું એટલું બધું માન-સન્માન હતું કે તેમનાં વિપક્ષી દળોના નેતા પણ તેમની સલાહ લેવા આવતા હતા."
"તેઓ રાજકીય બાબતોમાં ત્વરિત અને નિષ્પક્ષ સલાહ આપતા હતા. અને તે પણ પોતાની વિચારધારા પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહીને."
ડી. રાજા કહે છે કે સુરજિતે 1989માં વીપી સિંહની રાષ્ટ્રીય મોરચા સરકાર બનાવવા માટે બીજાં ઘણાં જૂથો સાથે વાતચીત કરી હતી. તેનું એકમાત્ર કારણ એ હતું કે તેઓ ભાજપને એક સાંપ્રદાયિક પાર્ટી માનતા હતા અને નહોતા ઇચ્છતા કે તે સત્તામાં આવે.
"પરંતુ, 1996માં ભાજપ, થોડા સમય માટે, સરકાર બનાવવામાં સફળ રહી. ત્યારે પણ કૉમરેડ સુરજિતે પહેલાં એચડી દેવગૌડાના નેતૃત્વમાં સંયુક્ત મોરચા સરકાર બનાવી અને પછી આઈકે ગુજરાલ દેશના વડા પ્રધાન બન્યા."
ડી. રાજા કહે છે કે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ અને સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી પોતાના પદ પર હતા ત્યારે તેઓ કૉમરેડ સુરજિતની વાત સાંભળતા હતા અને તેમની વાતોને મહત્ત્વ આપતા હતા.
ડી. રાજાએ કૉમરેડ સુરજિત વિશે કહ્યું કે, તેઓ એક સારા વક્તાથી વધુ સારા શ્રોતા હતા.
"જ્યારે હું તેમની સાથે શ્રીલંકન તમિળો વિશે વાત કરવા માટે જતો હતો, ત્યારે તેઓ હસતાં હસતાં કહેતા હતા, 'તમારા દિલમાં તેમના માટે એક ખાસ જગ્યા છે. તમે જ જણાવો કે શું કરવાનું છે."

ઇમેજ સ્રોત, Getty Images
ડી. રાજા કહે છે કે 1996માં જ્યારે જ્યોતિ બસુને વડા પ્રધાન બનાવવાનો પ્રસ્તાવ આવ્યો, ત્યારે તેમણે તેમનું સમર્થન કર્યું, પરંતુ જ્યારે પાર્ટીમાં વિરોધ થયો, ત્યારે તેમણે પોતાનો મત ઠોકી ન બેસાડ્યો.
"કૉમરેડ સુરજિત હંમેશાં પાર્ટી કાર્યકર રહ્યા અને તેમણે ક્યારેય કોઈ પદની લાલચ ન રાખી."
"તેમનું જીવન અત્યંત સાદગીભર્યું હતું. બે રૂમનું ઘર. મોટા ભાગે સફેદ પાઘડી અને સાદા પોશાકમાં જોવા મળતા હતા. રહેણીકરણીમાં પણ એક સામાન્ય પંજાબી પરિવાર જેવા હતા."
જેઓ પદથી હંમેશાં દૂર રહ્યા એ હરકિશનસિંહ સુરજિત બે વખત પંજાબ વિધાનસભા ચૂંટણી જીત્યા અને એક વખત રાજ્યસભા સભ્ય તરીકે પસંદ કરાયા.
નહેરુની સભા માટે પોતાના ખેતરમાં રહેલો પાક રાતોરાત કાપીને જગ્યા કરી આપી

ઇમેજ સ્રોત, Getty Images
માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સ્વર્ગસ્થ સીતારામ યેચૂરી એક ઘટનાનો ઉલ્લેખ કરતા હતા, જેમાં કૉમરેડ સુરજિતે જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં આયોજિત થનારી એક સામાન્ય બેઠક માટે ખેતરમાંનો જુવારનો ઊભો પાક રાતોરાત કાપી નાખ્યો હતો. દિલથી તેઓ આજીવન ખેડૂત જ રહ્યા.
"હકીકતમાં, જવાહરલાલ નહેરુ સુરજિતના ગામમાં સામાન્ય જનતાને સંબોધવા આવવાના હતા, પરંતુ પોલીસે સામાન્ય સભાના એક દિવસ પહેલાં, જ્યાં કાર્યક્રમ થવાનો હતો એ જગ્યા પર કબજો કરી લીધો.
હરકિશનસિંહ સુરજિતનાં ખેતરોમાં જુવારનો પાક હતો, જેને તેમણે રાતોરાત કાપી નાખ્યો અને સવાર સુધીમાં ખેતરમાં સભા માટેના તંબુ ઊભા થયેલા જોવા મળ્યા."
પરંતુ ઊભો પાક કાપનાર હરકિશનસિંહ જીવનપર્યંત ખેડૂતોના અધિકારો માટે સંઘર્ષ કરતા રહ્યા.

ઇમેજ સ્રોત, Pritam Kaur
ડી. રાજા કહે છે, "તેઓ 1938માં પંજાબ કિસાનસભાના સચિવ બન્યા. તેમણે લાંબા સમય સુધી અખિલ ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ અને અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું."
"કૉમરેડ સુરજિત આજીવન એક કાર્યકર રહ્યા, જે દિલથી ખેડૂત હતા."
સીપીઆઇએમની વેબસાઇટ પર સુરજિત વિશે લખ્યું છે, "ખેડૂત આંદોલનને આકાર આપવાનો અને પાર્ટીના નિર્માણનો તેમને ગાઢ અનુભવ હતો, જેણે તેમને સાંપ્રદાયિક વલણથી દૂર રહેવા માટેનું બળ પણ આપ્યું."
તેમણે વિયતનામ મુક્તિસંગ્રામ, પેલેસ્ટિનિયન આંદોલન અને ક્યૂબા એકતા અભિયાન દરમિયાન એકતા માટેની પ્રવૃત્તિઓમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.
1990ના દાયકામાં સોવિયત સંઘના પતન પછી, તેમણે પોતાના ભૂતકાળના અનુભવોના આધારે પાર્ટીને સ્થિર કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












