રાજગાદી પર બેઠેલા નવ વર્ષના પુત્રથી અલગ કરી દેવાયા બાદ પંજાબનાં રાણી જિંદન કૌરનો કેવો કરુણ અંત આવ્યો?

જિંદન કૌર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, NIKITA DESHPANDE/BBC

ઇમેજ કૅપ્શન, જિંદન કૌર

જ્યારે 28 જૂન, 1839ના રોજ મહારાજા રણજીત સિંહનું નિધન થયું ત્યારે એમના પુત્ર દલીપસિંહની ઉંમર એક વર્ષની પણ ન હતી અને એમનાં માતા જિંદ કૌર પણ સંપૂર્ણ જવાબદારી આવી ગઈ. જિંદ કૌરને લોકો પ્રેમથી જિંદન પણ કહેતા હતા.

1817માં જન્મેલાં જિંદનની જિંદગી ખુંખાર શિકારી કૂતરાં વચ્ચે પસાર થઈ. કારણ કે એમના પિતા મન્ના સિંહ ઔલખ, મહારાજા રણજીત સિંહનાં કૂતરાંની દેખભાળ કરતા હતા.

મહારાણા રણજીત સિંહે જીંદન સાથે લગ્ન કર્યાં ત્યારે તેઓ 55ની ઉંમરને પાર કરી ચૂક્યા હતા. એ સમયે જિંદનની ઉંમર માત્ર 18 વર્ષની હતી.

વિલિયમ ડેલરિમ્પલ અને અનિતા આનંદ તેમના પુસ્તક 'કોહિનૂર: ધ સ્ટોરી ઑફ ધ વર્લ્ડ્સ મોસ્ટ ફેમસ ડાયમંડ' માં લખે છે, "જિંદન ખૂબ જ સુંદર હતાં. તેમનો ચહેરો અંડાકાર હતો અને તેમનું નાક વક્ર હતું. તેમની આંખો હેઝલ રંગની હતી અને તેઓ નૃત્યાંગનાઓની શૈલીમાં ખૂબ જ સુંદર રીતે ચાલતાં હતાં."

"તેમના પ્રશંસકો અને વિરોધીઓની સંખ્યા લગભગ સમાન હતી. તેનાથી વિપરીત, તેમના પતિ રણજીત સિંહ, જેમણે ઘણી લડાઈઓ લડી હતી, તેમના માથા અને દાઢીના વાળ સંપૂર્ણપણે સફેદ થઈ ગયા હતા. શીતળાના ડાઘથી ભરેલો તેમનો ચહેરો કરચલીઓથી ઢંકાયેલો હતો."

જિંદને પોતાના પુત્રના નામે પંજાબનું શાસન સંભાળ્યું

દલીપ સિંહ, પંજાબ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, PETER BANCE COLLECTION

ઇમેજ કૅપ્શન, દલીપ સિંહને 5 વર્ષની ઉંમરે પંજાબના મહારાજા બનાવવામાં આવ્યા હતા.

18 સપ્ટેમ્બર 1843ના રોજ જ્યારે જિંદનના પાંચ વર્ષના પુત્ર દલીપ સિંહને પંજાબના મહારાજા બનાવવામાં આવ્યા, ત્યારે દરબારીઓને આશા હતી કે દલીપ સિંહ એક કઠપૂતળી રાજા સાબિત થશે અને તેઓ તેમને તેમની ઇચ્છા મુજબ નિર્ણયો લેવા માટે મજબૂર કરી શકશે.

કોઈને ખ્યાલ નહોતો કે 26 વર્ષીય જિંદન, જેમની કોઈ પારિવારિક પૃષ્ઠભૂમિ નહોતી અને તેઓ શિક્ષિત પણ નહોતાં, તેમના મનમાં જુદા જ ઇરાદાઓ આકાર લઈ રહ્યા હતા.

જ્યારે કૂતરા રાખનારનાં પુત્રીએ પડદો ઉતારીને જાહેરાત કરી કે તેઓ તેમના પુત્રના નામે પંજાબ પર રાજ કરશે, ત્યારે દરબારીઓ સ્તબ્ધ થઈ ગયા.

વિલિયમ ડેલરિમ્પલ અને અનિતા આનંદ લખે છે, "કોહિનૂર હીરો હાથમાં બાંધીને દલીપ સિંહ પોતાનાં માતાના ખોડામાં બેસતા અને તેઓ એશિયાના સૌથી શક્તિશાળી શાહી ઘરોમાંથી એક પંજાબ પર રાજ કરતાં. જ્યારે તેમણે તેમના ભાઈ જવાહર સિંહને નવા વઝીર તરીકે નિયુક્ત કર્યા ત્યારે તેમની વિરુદ્ધ વાતાવરણ વધુ ખરાબ થયું."

જિંદન કૌરના ભાઈ જવાહર સિંહની હત્યા

જવાહર સિંહ મંત્રી બનતાની સાથે જ તેમણે પોતાનાં બહેન જિંદનના માર્ગમાં આવતા દરેક પડકારને દૂર કરવા કમર કસી.

સૌ પ્રથમ, તેમણે મહારાજા રણજીત સિંહના બીજા પુત્ર રાજકુમાર પશૌરા સિંહ કંવરને હટાવ્યા.

આ વાત શીખોના ધાર્મિક નેતાઓના ધ્યાન બહાર ન રહી અને તેમણે જવાહર સિંહને તેમની સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો.

મહારાજા રણજીત સિંહના હાથી પર સવાર જવાહર સિંહ, તેમની આગળ દલીપ સિંહ બેસાડીને શીખ સમુદાયના ધાર્મિક નેતાઓ સમક્ષ હાજર થયા.

પતવંત સિંહે તેમના પુસ્તક 'ધ શીખ્સ' માં લખ્યું છે કે, "શીખ ખાલસાએ જવાહર સિંહના હાથીને ઘેરી લીધો અને રડતા દલીપ સિંહને તેમના હાથમાંથી છીનવી લીધા. આ પછી, તેમણે જવાહર સિંહને હાથીના હાવડા પરથી કાદવમાં ફેંકી દીધા."

"પડતાંની સાથે જ જવાહર સિંહે પોતાના જીવનની યાચના કરી, પરંતુ શીખોએ તેમને મારી નાખ્યા. દલીપ સિંહે પોતાના મામાની હત્યાનું દૃશ્ય પોતાની આંખોથી જોયું, જેને તે જીવનભર ભૂલી શક્યા નહીં."

ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તકનો લાભ લીધો

આ ઘટનાથી જિંદનને ખૂબ જ દુઃખ થયું અને તેમણે થોડા દિવસો માટે રાજ્યના કામકાજમાંથી પોતાને દૂર કરી લીધાં.

પરંતુ થોડાં અઠવાડિયાં પછી, બધી અપેક્ષાઓ વિરુદ્ધ, તેઓ ફરી એકવાર કોર્ટમાં હાજર થયાં અને કારભારી તરીકેની પોતાની જૂની કામગીરી ચાલુ કરી.

દરમિયાન, સેંકડો માઇલ દૂર, ઈસ્ટ ઇન્ડિયા કંપની આ ઘટનાક્રમને ખૂબ જ રસથી જોઈ રહી હતી.

પ્રથમ એંગ્લો-શીખ યુદ્ધ (1845-46) દરમિયાન, દલીપ સિંહ કે તેમનાં માતાને કોઈ ખ્યાલ નહોતો કે તેમના દરબારના બે સૌથી શક્તિશાળી લોકો અંગ્રેજો સાથે જોડાશે.

જવાહરના સ્થાને વઝીર બનેલા લાલ સિંહે બ્રિટિશ જાસૂસોને શીખ બંદૂકોની બેટરીઓ વિશે સંપૂર્ણ માહિતી આપી એટલું જ નહીં, પરંતુ તેમની યુદ્ધ યોજના શું છે અને શીખ સૈનિકો કયાં સ્થળોએ તહેનાત છે તે પણ જણાવ્યું.

આમ છતાં, જિંદનના નેતૃત્વ હેઠળના શીખ સૈનિકો શરૂઆતમાં અંગ્રેજો પર કાબૂ મેળવી રહ્યા હતા.

યુદ્ધમાં અંગ્રેજોની જીત

રણજીતસિંહ, અંગ્રેજો, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રણજીતસિંહના મૃત્યુ બાદ પણ ખાલસા દરબારની સેના અંગ્રેજો સામે જંગ લડી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જનરલ હેનરી હેવલૉકે પોતાની આત્મકથામાં લખ્યું, શીખો પોતાને કોઈ પણ સમયે કચડી શકે છે એ સંભાવના જોતાં હોર્ડિંગે તમામ સરકારી દસ્તાવેજો બાળી નાખવાનો આદેશ કર્યો.

"સરકારી કાગળોને બાળવાનો આદેશ ત્યારે જ આપવામાં આવે છે જ્યારે હાર નક્કી મનાતી હોય. આ પછી હાર્ડિંગે પોતાની સૌથી કિંમતી વસ્તુ- એક તલવાર, જેનો એક સમયે નેપોલિયને ઉપયોગ કર્યો હતો, એને પોતાના સહાયકને સોંપી દીધી."

શીખોને અંગ્રેજો પર નિર્ણાયક હુમલો કરવાનો હતો બરાબરનો મોકો મળ્યો હતો, પણ જિંદનના જનરલ તેજ સિંહે પોતાના સૈનિકોને પાછા ફરવાનો આદેશ આપ્યો. આ કારણે પાછળ ચાલી આવતી બ્રિટિશ સેનાને ત્યાં પહોંચવાનો પૂરતો સમય મળી ગયો અને એમણે શીખો પર જવાબી હુમલો શરૂ કર્યો.

અંગ્રેજો આ લડાઈ જીતી જરૂર ગયા પણ એમને અંદાજો હતો કે આ વિસ્તારમાં શીખ સૈનિક સંખ્યામાં એનાથી વધારે છે. એટલા માટે એમણે રણનીતિ બનાવી કે મહારાજા દલીપ સિંહને ગાદી પર બેસાડવામાં આવે પણ સાથે પોતાનાં હિતોની રક્ષા પણ કરશે.

અંગ્રેજોએ બાળક મહારાજા સાથે ભૈરોવાલની સંધિ પર હસ્તાક્ષર કર્યા પરંતુ હજુ તો સંધિ પરની શાહી સુકાઈ પણ નહોતી ત્યાં લાહોરમાં અંગ્રેજ સૈનિકોની સંખ્યા વધારી દેવામાં આવી. બહાનું એવું ધરવામાં આવ્યું કે બાળક મહારાજાની સુરક્ષા જરૂરી છે. આ ઉપરાંત તહેનાત કરેલા અંગ્રેજ સૈનિકોનો ખર્ચ પણ મહારાજા પાસેથી વસૂલ કરવામાં આવ્યો.

દલીપ સિંહ ગાદી પર બેઠા રહ્યા પણ રાણી જિંદનને એ વાતનો અંદાજ હતો કે પડદા પાછળ શું રંધાઈ રહ્યું છે. પોતાના સલાહકારોના અનિર્ણાયક વલણથી નારાજ થઈને એમણે પોતાની બંગડીઓ ઉતારી અને તેને સલાહકારો સામે મૂકી તેમને સખત ઠપકો આપ્યો.

અંગ્રેજો સાથે મળીને ગદ્દારી કરનાર જનરલ તેજ સિંહને જ્યારે સિયાલકોટની જાગીર આપવામાં આવી ત્યારે જિંદન પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શક્યાં નહીં. એમણે પોતાના પુત્રને નિર્દેશ આપ્યો કે તે અંગ્રેજોનો આદેશ ન માને અને લાહોર દરબાર સમક્ષ તેમને અપમાનિત કરવા સૂચના આપી.

વિલિયમ ડેલરિમ્પલ અને અનિતા આનંદ લખે છે, "દરબારની પરંપરા હતી કે કોઈને પણ મિલકત આપતા પહેલાં, મહારાજા પોતે પોતાના કપાળ પર કેસરી અને લાલ તિલક લગાવતા હતા. પરંતુ જિંદને તેમના પુત્રને આમ કરતા રોક્યા."

"જ્યારે તેજ સિંહે જાહેર સમારંભમાં તિલક લગાવવા માટે ઘૂંટણિયે પડ્યા, ત્યારે દલીપ સિંહે તેમના કપાળ પર તિલક લગાવવાનો ઇનકાર કર્યો. આનાથી તેજ સિંહનું અપમાન થયું એટલું જ નહીં, પરંતુ અંગ્રેજો પણ ગુસ્સે થયા."

દલીપ સિંહને જિંદનથી અલગ કરી દેવામાં આવ્યા

અંગ્રેજોએ નક્કી કર્યું કે જિંદનને કોઈ પણ કિંમતે તેમના પુત્રથી અલગ કરવામાં આવશે. ડિસેમ્બર 1847માં, જ્યારે દલીપ સિંહ માત્ર નવ વર્ષના હતા, ત્યારે તેમને તેમની માતા જિંદનથી અલગ કરવામાં આવ્યા.

જ્યારે જિંદનને ખેંચીને લઈ જવામાં આવી રહ્યાં હતી, ત્યારે તેમણે હાજર લોકોને તેમની અને તેમના પુત્રની મદદ કરવા વિનંતી કરી, પરંતુ કોઈએ પણ તેમને મદદ કરવા માટે આંગળી ઊંચી કરી નહીં.

જિંદનને પહેલાં લાહોરના કિલ્લામાં દસ દિવસ માટે કેદ કરવામાં આવ્યાં, પછી તેમને ત્યાંથી 25 માઇલ દૂર શેખુપુરા કિલ્લામાં લઈ જવામાં આવી. ત્યાંથી તેમણે અંગ્રેજોને પત્ર લખીને પોતાના એકમાત્ર પુત્રને પરત કરવાની માંગ કરી.

તેમણે લખ્યું, "તમે મારું રાજ્ય અપ્રમાણિક રીતે કેમ કબજે કર્યું? તમે તે ખુલ્લેઆમ કેમ ન કર્યું? તમે મારા દીકરાને મારી પાસેથી છીનવી લીધો. હું આ અલગતા સહન કરી શકતી નથી. જો તમે મને મૃત્યુદંડની સજા આપો તો વધુ સારું રહેશે."

(મહારાજા દલીપ સિંહ કૉરસ્પૉન્ડન્સ, પૃષ્ઠ 90)

રાણી જિંદનને ચુનારના કિલ્લામાં મોકલવામાં આવ્યાં

દલીપ સિંહ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દલીપ સિંહ પાસેથી તેમનું રાજ્ય અંગ્રેજોએ પડાવી લીધું

સર હેનરી લૉરેન્સના સ્થાને પંજાબના નવા રેસિડેન્ટ બનેલા સર ફ્રેડરિક ક્યુરીએ રાણી જિંદનને પંજાબમાંથી દૂર કરીને સેંકડો માઇલ દૂર ચુનાર કિલ્લામાં મોકલવાનો નિર્ણય કર્યો.

ત્યાં સુધીમાં, રાણી જિંદન સાથે કરવામાં આવેલા વર્તન માટે અંગ્રેજોની ટીકા થવાં માંડી હતી.

અફઘાનિસ્તાનના શાસક દોસ્ત મોહમ્મદ ખાને, જે પંજાબની વિરોધી છાવણીમાં હતા, તેમણે પણ રાણી જિંદન સાથે કરવામાં આવેલા વર્તન સામે વાંધો ઉઠાવ્યો હતો.

તેમણે ગવર્નર જનરલને પત્ર લખીને રાણી જિંદનની મુક્તિની માંગ કરી હતી.

1849માં બીજા એંગ્લો-શીખ યુદ્ધમાં પણ શીખોનો પરાજય થયો. આ પછી, અંગ્રેજોએ દલીપ સિંહને લાહોર કરાર પર હસ્તાક્ષર કરવા દબાણ કર્યું.

રાણી જિંદન નેપાળ ભાગી ગયાં

દલીપ સિંહ, શીખ ધર્મ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, NORFOLK COUNTY COUNCIL

ઇમેજ કૅપ્શન, દલીપ સિંહને તેમના માતાએ શીખ ધર્મ અપનાવવાનું કહ્યું હતું.

પુત્રથી અલગ થવાને કારણે રાણી જિંદનની તબિયત ઝડપથી બગડવા લાગી. દલિપે લાહોર કરાર પર હસ્તાક્ષર કર્યાના થોડા દિવસો પછી, જિંદન રાત્રિના અંધારામાં ભિખારી સ્ત્રીના વેશમાં ચુનાર કિલ્લામાંથી ભાગી ગયાં. જતાં પહેલાં, તેમણે તેમના કોટડીના ફ્લોર પર એક ચિઠ્ઠી મૂકી હતી.

અવતાર સિંહ ગિલે તેમના પુસ્તક 'લાહોર દરબાર ઍન્ડ રાણી જિંદન' માં લખ્યું છે, "રાણીએ તેમની નોંધમાં લખ્યું હતું કે, તમે મને પાંજરામાં કેદ કરી દીધી. તમે મોટા તાળાઓ મારેલા હોવા છતાં અને રક્ષકોનો ઘેરો હોવા છતાં, હું જાદુઈ રીતે છટકી જવામાં સફળ રહી."

"મેં તમને કહ્યું હતું કે મારી ધીરજની કસોટી ન કરો. એવું ન વિચારો કે હું ચોરની જેમ ભાગી ગઈ. હું કોઈની મદદ વગર તમારી જેલમાંથી છટકી શકી છું."

જંગલના રસ્તે એક હજાર કિલોમીટરથી વધુ મુસાફરી કરીને, રાણી નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચ્યાં.

રાણી જિંદને પોતાની દૃષ્ટિ ગુમાવી

કાઠમંડુમાં, રાણી જિંદન નેપાળના શાસક જંગ બહાદુર પાસે આશ્રય માટે ગયાં હતાં, પરંતુ તે પહેલાં જ, બ્રિટિશ રાજદૂતો ત્યાં પહોંચી ગયા હતા. તેમણે નેપાળના રાજાને અરજી કરી કે જિંદનને ફક્ત અમુક શરતો પર આશ્રય આપવામાં આવે.

પહેલી શરત એ હતી કે તેઓ ક્યારેય ભારતની ધરતી પર પગ નહીં મૂકે. બીજી, તેઓ ક્યારેય તેમના પુત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ નહીં કરે. અને ત્રીજી, તેઓ પંજાબમાં કોઈપણ પ્રકારના બળવાને ઉશ્કેરવાનો પ્રયાસ નહીં કરે.

જો તેઓ આમાંથી કોઈપણ શરતોનું ઉલ્લંઘન કરશે, તો તેમને ભારતીય જેલમાં પાછાં મોકલી દેવામાં આવશે.

માનસિક અને શારીરિક રીતે ભાંગી પડેલાં જિંદન પાસે આ શરતો સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

લેડી લેના લૉગિને તેમના પુસ્તક 'સર જૉન લૉગિને ઍન્ડ દલીપ સિંહ' માં લખ્યું છે કે, "નેપાળમાં પણ જિંદન એક કેદીની જેમ રહ્યાં. જંગ બહાદુર તેઓ ક્યાં જતાં હતાં અને કોને મળતાં હતાં તેના પર નિયંત્રણ રાખતા હતા."

"કર્નલ રૈમસીએ તેમનું વર્ણન આ રીતે કર્યું કે 'તેઓ અંધ બની ગયાં છે, તેમનામાં હવે પહેલાં જેવો જોશ રહ્યો નથી. આસપાસ બનતી ઘટનાઓમાંથી જિંદનનો રસ સુકાઈ ગયો છે.'"

દલીપ સિંહને ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા

દલીપ સિંહ, અંગ્રેજો, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દલીપ સિંહને ગાદી પરથી ઉતારી દેવામાં આવ્યા અને અંગ્રેજોએ તેમને ઇંગ્લૅન્ડ મોકલી દીધા

દલીપ સિંહના રાજ્ય પર કબજો કર્યા પછી, અંગ્રેજોએ તેમને પંજાબમાંથી કાયમ માટે હાંકી કાઢ્યા. તેમને ફતેહગઢ લઈ જવામાં આવ્યા અને સ્કૉટિશ ડૉક્ટર જોન સ્પેન્સર લોગિનની નજર તળે રાખવામાં આવ્યા.

લોગિન સાથે રહેતા હતા ત્યારે, દલીપ સિંહે અંગ્રેજી બોલવાનું, બાઇબલ વાંચવાનું અને ક્રિકેટ રમવાનું શીખ્યા.

આ સમય દરમિયાન, તેમણે 14 વર્ષની ઉંમરે પોતાના લાંબા વાળ કાપી નાખ્યા અને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો.

જ્યારે દલીપ સિંહ 15 વર્ષના થયા, ત્યારે તેમણે ઇંગ્લૅન્ડ જવાની ઇચ્છા વ્યક્ત કરી. તેઓ એક જહાજમાં બેસીને તેમના વાલી દંપતી લોગિન સાથે ઇંગ્લૅન્ડ પહોંચ્યા અને ત્યાં સ્થાયી થયા.

કલકત્તામાં દલીપ સિંહની જિંદન સાથે મુલાકાત

1860માં, જ્યારે દલીપ 21 વર્ષના થયા, ત્યારે તેમણે તેમનાં માતા જિંદનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમને તેમનાં માતાને મળવાની મંજૂરી એ શરતે આપવામાં આવી કે તે શક્ય તેટલું પંજાબથી દૂર તેમને મળે.

નેપાળમાં, રાણી જિંદનને અંગ્રેજોએ તેમના પુત્રને મળવા ભારત જવા માટે તૈયાર થવા જણાવ્યું હતું. આ મુલાકાત માટે કલકત્તામાં સ્પેન્સ હોટેલ પસંદ કરવામાં આવી હતી.

આ બેઠક 16 જાન્યુઆરી, 1861ના રોજ થઈ હતી.

અનિતા આનંદ પોતાના પુસ્તક 'સોફિયા' માં લખે છે, "જિંદન ત્યાં સુધીમાં પોતાની દૃષ્ટિ ગુમાવી ચૂક્યાં હતાં. જ્યારે આટલાં વર્ષો પછી જિંદનને તેમના પુત્રનો પરિચય થયો, ત્યારે તેમણે તેમના શરીરને સ્પર્શ કરીને તેમનો પુત્ર કેવો બની ગયો છે તે અનુભવવાનો પ્રયાસ કર્યો."

"જ્યારે તેમનો હાથ તેમના માથા પર પહોંચ્યો, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમણે તેમના વાળ કાપી નાખ્યા છે. પછી તેઓ રડી પડ્યાં અને બોલી, "હું મારા પતિના મૃત્યુ અને મારા રાજ્યના નુકસાનને સહન કરી શકું છું, પરંતુ મારા દીકરાનું શીખ ધર્મ છોડી દેવું મારી સહનશક્તિની બહાર છે."

માત્ર 46 વર્ષની ઉંમરે અવસાન

દલીપ સિંહ, લંડન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, BRITISH LIBRARY

ઇમેજ કૅપ્શન, લંડનમાં, દલીપ સિંહે લૅન્કેસ્ટર ગેટમાં તેમના ઘરની નજીક તેમનાં માતા માટે એક ઘર ખરીદ્યું.

પરંતુ થોડા સમય પછી બધું સામાન્ય થઈ ગયું.

તેમણે કહ્યું કે તેઓ તેમના પુત્રને તેમનાથી અલગ થવા દેશે નહીં. જ્યારે દલીપ સિંહ અને જિંદન કલકત્તાની સ્પેન્સ હોટેલમાં મળી રહ્યાં હતાં, ત્યારે બીજા અફીણ યુદ્ધમાંથી પાછા ફરતા શીખ સૈનિકો હુગલીના કિનારે પહોંચ્યા.

અનિતા આનંદ લખે છે, "અફવા ફેલાઈ ગઈ કે તેમના મહારાજા અને રાણી માતા કલકત્તામાં હાજર છે. તરત જ થાકેલા શીખ સૈનિકો સ્પેન્સ હોટેલની આસપાસ તેમના મહારાજાને આવકારવા માટે ભેગા થયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા."

પછી અંગ્રેજોએ નક્કી કર્યું કે રાણી જિંદનને તાત્કાલિક કલકત્તામાંથી તગેડી મૂકવામાં આવે અને તેમના પુત્ર સાથે બ્રિટન મોકલી દેવામાં આવે. લંડન પહોંચ્યા પછી, દલીપ સિંહે લૅન્કેસ્ટર ગેટ ખાતે તેમના ઘરની નજીક તેમનાં માતા માટે એક ઘર ખરીદ્યું.

તારીખ 1 ઑગસ્ટ, 1863ના રોજ, મહારાજા રણજીત સિંહનાં સૌથી પ્રિય રાણી જિંદનનું અવસાન થયું. જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેઓ ખૂબ જ વૃદ્ધ દેખાતાં હતાં પરંતુ તે સમયે તેમની ઉંમર માત્ર 46 વર્ષની હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન